aapna malakna maayalu maanvi books and stories free download online pdf in Gujarati

આપણા મલકના માયાળુ જમાઈ

આપણા મલકના માયાળુ જમાઈ...!

હસવાની વાત નથી કરતો, હસાવવાની વાત કરું છું. બાકી સૂતેલા નાગને છંછેડવામાં કોઈને પરમવીર ચક્ર મળ્યો હોય એવું સાંભળ્યું ? ભૂતને જેમ પીપળા મળી રહે, એમ દરેકને જમાઈ મળી રહે. એમાં એપીએલ-બીપીએલ કે અનામત જેવું નહિ હોય ? દરેક પાસે સમ ખાવા પુરતો એક જમાઈ તો હોય જ. અનેક સંબધોમાં જેનું ગણપતિ જેવું સ્થાન અને માન હોય તો એકમાત્ર જમાઈનું. અલબત વ્યવહારે સીધાં જમાઈનું..! જમાઈના પદ સુધી પહોંચવા માટે કેટલાં લીટર પરસેવો પાડવો પડેલો એ તો જમાઈ જ જાણે..! કન્યા શોધવામાં ઘણા ઘણાની તો ઘૂંટણની ઢાંકણી પણ ઘસાઈ જાય. જનમવું સહેલું છે દાદૂ..!, પણ જમાઈ થવામાં તો જન્મોત્રી ગમે એટલી પાવરફુલ હોય તો એ પણ ફેઈલ જાય. મંગળના ગ્રહ કરતાં તો, ઘરના ઈતિહાસ જ વધારે આડા ફાટ્યાં હોય. ધરાયેલાને શું ખબર પડે કે, ભૂખ ક્યા ચીજ હૈ..? જે કુંવારાની નાવડી કન્યાના માહ્યરા સુધી પહોંચી ના હોય, એને જ ખબર પડે કે, ‘ ચપટી સિંદુરકી કીમત ક્યા હૈ બાબુ..?’ ડેન્ગ્યું કરતાં પણ દર્દનાક પીડા કરાવે..!

જમાઈ થયાં એટલે એવો ફાંકો તો રાખવો જ નહિ કે, સુરજ સોળે કળાએ ખીલી ગયો. ‘કેર વિથ હેન્ડલ’ ની માફક નહિ રહીએ તો, સુરજમાં પણ તડ પડે. શ્રુષ્ટિના શ્રેષ્ઠ જમાઈ થઇ ગયાં હોય, એમ સિકંદર બની ભાંગડા તો કરવા જ નહિ. ઓટલે બેસીને બુશકોટના બટન જ ચાવવા પડે. ને એની અગનઝાળ પાછલાં સ્ટોકને પણ લપેટમાં લઇ નાંખે. દાદૂ. જમાઈમાંથી માણસ થવું અઘરું છે..!

જેને સારાં જમાઈ મળ્યાં હોય, એને તો ઘરબેઠાં જ કુંભમેળો. કુંભમેળામાં શાહી સ્નાન કરવા નહિ જવાય તો પણ, પાપ ધોવાઈ જાય. સસરાના નાવણીયામાં ન્હાય લે તોપણ શાહીસ્નાનનું પુણ્ય મળી જાય. બંને ત્યાં સુધી બંને પક્ષે, ચાલતા બળદને સળી કરવાના પાપ નહી કરવાના. કરીએ તો બળદ પણ ભડકે ને ગાલ્લું પણ ઊંધું વળે. કારણ જમાઈ અને મધપૂડો બંને સરખાં. જાણે મધપૂડો જમાઈનો કુળદેવતા નહિ હોય..? ડંખ સહેવાની તાકાત હોય તો જ છંછેડવાની મસ્તી કરવાની. જમાઈરાજની ઈજ્જત કરવી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. પછી ભલે વિજય માલ્યા જેવો ભાગેડુ કેમ ના હોય..! એ એવો રાજા છે કે, જ્યાં બેસે, તે આસન જ આપોઆપ સિંહાસન બની જાય. ઉકરડે કે પથ્થર ઊપર કેમ ના બેઠો હોય..?

ગણપતિ સોનાનો હોય પીતળનો હોય, સ્ટીલનો હોય કે, કાદવનો, ગણપતિ એ ગણપતિ. એમ જમાઈ કાયદેસરનો હોય, ભગાડીને લઇ ગયો હોય, કે છેતરીને પરણેલો હોય, જમાઈ એટલે જમાઈ..!. મને એક વ્યક્તિએ પૂછેલું કે, ‘સાસરામાં જમાઈને વધુ પડતું માન કેમ આપવામાં આવે છે ? હવે, આપણાથી એવું તો કહેવાય નહિ કે, જે બેંકમાં આપણી મિલકત ગીરવે પડી છે, એ બેંક સાથે વ્યવહાર કેમનો બગાડાય ? એની સાથે બાંયો થોડી ચઢાવાય..! એ આપણો જ દાગીનો કહેવાય. માન આપવું એ, ખાનદાની પરંપરા છે. સસરો પણ કોઈનો જમાઈ તો હોય ને..? જાણતો જ હોય કે, દંપતી થયાં એટલે કોનો દમ નીકળતો હોય..! સસરાને કંઈ રામાયણના પઠન થોડાં કરાવવાના હોય..? બિચારો ફૂટબોલની જેમ પીટાતો હોય, જે આવે તે લાત મારીને ઉછાળે. આ હાલતમાં સાસરાવાળા ટાઢક નહિ આપે તો, કોણ મ્યુનિસિપાલીટીના બંબા આવવાના..? સસરાનું માન એના સાસરે હોય, ને આપણું માન આપણા સાસરામાં હોય...! સરકારે તો જમાઈને સહનશીલતાનો શ્રેષ્ઠ એવોર્ડ આપવાનું વિચારવું જોઈએ...! તેડાં ચાલતાં જમાઈઓએ આવી તક ઉભી કરવી જોઈએ..! શું કહો છો મામૂ..?

દીકરી-કલ્યાણ માટે સરકારે કેટકેટલી યોજનાઓ કાઢી..? જમાઈ-કલ્યાણ માટે કોઈ કાઢી..? ‘કોઈપણ સરકારને એવો લાગણીનો ઝરો ફૂટ્યો કે, ચાલો ગામે ગામ કુંભમેળા જેવો જમાઈમેળો રાખી, જમાઈ-બચાવો’ કે ‘’જમાઈ-સહાનુભુતિ’ જેવી એકાદ યોજના કાઢીએ..! ને એ બહાને જમાઈના માથે સાંત્વનાનો હાથ ફેરવીએ..? બિચારો, દુભાયેલો, કચવાયેલો, દબાયેલો. અટવાયેલો કે જંગે ચઢેલો, ગરીબ ગુરબો જમાઈ, સાસરે જઈને એ બહાને હવાફેર તો કરે..? દેશ-પરદેશમાં પણ એ લોકો આપણી ઈજ્જત વધે કે, ભારતમાં તો જમાઈની જેટલી ઈજ્જત થાય છે, એટલી તો ચીનના જીનપિંગની પણ એ લોકો કરતાં નથી..! ગામેગામ જમાઈ મેળા થાય તો, એક જ ફેકલ્ટીના શેર હોલ્ડર ભેગાં થયાં હોય એવો માહોલ બને. ઘરેઘર આનંદનો ઓચ્છવ-ઓચ્છવ થઇ જાય. જમાઈના ભેજામાં કોઈ હવા ભરાયેલી હોય તો, એ બહાને કૂકરની સીટીની માફક નીકળી જાય. થોડુક લાંબુ જીવી જાય તો, દીકરીને ફાયદો..! લાંબો સમય મંગળસૂત્ર તો પહેરાય .?

કુંભમેળામાં સાધુ-સંતો નાગાબાવા ને દેશ વિદેશીઓ વગેરે આવે છે એમ, દરેક ગામે ગામના જમાઈ આવે અને સસરાના નાવણીયામાં શાહી સ્નાન કરે તો જમાઈને પણ વૈચારિક મોક્ષ મળે, બીજું શું..? ‘‘સઘળે કે સઘળે’’ જમાઈઓ ગામમાં ભેગા થાય તો, ગામ પણ બોકળિયું હોય તો ગોકુળિયું બની જાય. ગૃહકંકાસના કેસ કોર્ટમાં જવાને બદલે જમાઈમેળામાં જ નિકાલ થાય. કરવા જેવું છે યાર...?

પંચમહાલ જીલ્લાના જેસાવાડા ગામે ગોળ ગધેડા-મેળો થાય છે. ને મધ્ય ભારતના મુરેના જીલ્લાના પોરસા ગામે ગધેડા મેળો પણ થાય છે. પ્રાણીમેળા થાય, વાહન મેળા થાય, ધાર્મિક મેળા થાય, લગન માટેના પરિચય મેળા થાય, ગરીબોના કલ્યાણ-મેળા થાય, તો જમાઈ-મેળો કેમ નહિ થાય..? ધોમ-તડકો વેઠતાં, જમાઇઓને શ્રદ્ધા તો બેસે કે, સાસરીવાળા ભલે જમાઈને જમ કે દશમો ગ્રહ ગણતાં હોય, પણ સાલા મારી કદર તો કરે છે..! બાકીના જહન્નમમાં જાય, જમાઈના તો અચ્છે દિન આવે.? જેને મોંઘવારી કરતાં ઘરવાળી જ વધારે નડતી હોય, એ પાધરું હસી તો શકે..? મોબાઈલમાં વાંધો પડે તો, એની કંપનીને કમ્પ્લેઇન કરીએ જ છીએ ને ? એમ જમાઈ-મેળા થાય તો સાસરે જઈ સંસારનો ફીડબેક તો આપી શકે .?

આ તો કોઈ નોંધ નથી લેતું એટલે, બાકી ભારતની શાંતિ વખણાય, સંસ્કૃતિ વખણાય, અહિંસા વખણાય એમ ભારતના જમાઈઓ પણ દુનિયામાં વખાણવા લાયક વ્યક્તિમાં આવે છે દાદૂ..! ‘બ્રાન્ડેડ’ છોકરાઓ જમાઈ બનવા વિદેશ ‘એક્ષ્પોર્ટ’ થાય જ છે. ને..? જમાઈ બનાવવા માટે ભારતના સસરાએ કોઈ વિદેશના ધોળિયાને ‘ઈમ્પોર્ટ’ કરીને ઘરે લાવી તાણી બાંધ્યો હોય તો કહેજો..! આપણાવાળો તો સહનશીલ ને સંસ્કારી જ એવો, કે પડ્યું પાનું “મરતે દમ તક” મૂંગે મોંઢે નિભાવી લેવાનો. નવા નવા મોડેલ જોઇને મોબાઈલ બદલે, એમ એ વાઈફને નહિ બદલે..! ‘ તુમ્હીને દર્દ દિયા હૈ, તુમ્હી દવા દેના..!’ એમ મર્દાનગીથી એક જ વાઈફ સાથે જિંદગીના છેડા સુધી ઝઝૂમી નાંખવાનો. પ્રાશ્ચાત્ય સંસ્કૃતિ જેવું નહિ કે, ‘ દરેક છોકરાના ફાધર પણ જુદાં હોય, ને જમાઈના સસરા પણ જુદાં જુદાં હોય. કેલેન્ડરના પાના ફેરવતાં હોય એમ, સસરા બદલવાના સંસ્કાર આપણા ‘બ્રાન્ડેડ’ જમાઈઓમાં નથી.! બોલો જમાઈરાજકી જય..!

હાસ્યકુ :

વીજળી પડી

તે પણ ઉનાળામાં

આવો જમાઈ

=======================================================================