આત્માના અંતિમ સંસ્કાર ! – ૧૬

રેવાએ એક ઘૂંટડો ભર્યો અને એની પાસે બેઠેલી યુવા સામે સ્મિત કર્યું. “લગભગ એકાદ વર્ષ પછી અમારા લગ્ન લેવાયા ! હું ખુબજ આનંદમાં હતી ! સહુથી મોટી વાત તો એ હતી કે હું થોડા વર્ષો પાપાના ઘેર જ રહું એવું સમ્રાટે અને પાપાએ નક્કી કર્યું હતું. એ લોકો કોઈ ખુફિયા મિશનમાં બીઝી હતા અને દિવસ રાત એમાં જ મચી પડ્યા હતા. શિવાનંદ ઘણી વાર અમારા ઘેર આવતા, એ ખુબ અદભુત વાતો કરતા ! એમની બોલી અને એમનું જ્ઞાન અદભુત હતું ! આટલા ટૂંકા સમયમાં અને આટલી નાની ઉંમરમાં એમણે ઘણું શીખી લીધું હતું ! ક્યારેક કોઈ ઘેર ના હોય ત્યારે એ આવતા. બહાર વરંડામાં બેસી રહેતા અને પાપાની કે સમ્રાટની રાહ જોતા. હું એમની સાથે બેસતી અને એ મને હિમાલયમાં ઉગતી ચમત્કારિક વનસ્પતિઓ વિષે જણાવતા. હું એમને અઘોર વિદ્યા વિષે બહુ પૂછતી પણ એ મોટેભાગે ટાળી દેતા. એ કોઈ ગુરુને શોધતા હતા કે જે એમને આ વિદ્યામાં પારંગત કરે. મેં એમને ઘણીવાર અઘોર વિદ્યામાં એમને કેમ રસ છે એ વિષે પૂછ્યું પણ એ ટાળી જતા. એ મારા ખુબ સારા મિત્ર બની ગયા છે. અત્યારે તો એમનો અહીંથી દુર હિમાલયમાં આશ્રમ પણ છે અને આપણા ઘરથી થોડે દુર એક બીજો આશ્રમ પણ છે. એ ઘણી વાર આવે છે  મને મળવા. અત્યારે તો એ ખુબજ પારંગત અઘોર સાધુ થઇ ગયા છે. સમરનો જન્મ થયો અને મારા આનંદમાં અનેકગણો વધારો થઇ ગયો ! સમ્રાટતો ખુશીથી પાગલ જ થઇ ગયેલા ! નામકરણ વખતે શિવાનંદ ખાસ હિમાલયથી પાપાના અને સમ્રાટના આગ્રહથી આવેલા. એ નાનકડા સમરને ઘોડીયામાં જોઈજ રહ્યા અને અચાનક એમના આંખોમાંથી આંસુ બહાર આવી ગયા. એમણે નાનકડા સમરના માથા પર હાથ મૂકીને એને આશીર્વાદ આપેલા અને ભાખેલું કે આ બાળક એક અદભુત આત્મા છે અને એ ભવિષ્યમાં એવી શક્તિ પ્રાપ્ત કરશે કે જે મનુષ્યો તો શું, દેવો પણ નાં પામી શકે !” બધાએ અચરજથી સમર સામે જોયું અને સમરે હસીને ખભા ઉલાળ્યા ! આમ પણ એ આવી બધી વાતોમાં માનતો નહોતો. રેવાએ આગળ ચલાવ્યું “ખેર ! એક દિવસ સાંજે અમે લોકો આર્મી ક્લબમાં ભેગા થયા હતા. આજે અમે લોકોએ શિમલામાં પહાડી પર આવેલા એક નેપાળી રેસ્ટોરન્ટમાં જમવા જવાનું નક્કી કર્યું હતું. પાપાની જૂની ફોર્ડમાં અમે લોકો નીકળી પડ્યા હતા. સમ્રાટ ડ્રાઈવ કરતા હતા અને પાપા એમની બાજુમાં બેઠા હતા, હું નાનકડા સમરને લઈને પાછળ બેઠી હતી. જેવા અમે રેસ્ટોરન્ટ જવાના રસ્તે એક વળાંક પાસે આવ્યા કે આગળ એક ટ્રક ઉભેલો હતો. પાપા નીચે ઉતર્યા શું થયું છે એ જોવા માટે એટલી વારમાં ત્રણ ચાર બુકાનીધારીઓ ટ્રકની પાછળથી આવ્યા અને એમણે પાપા પર હુમલો કરી દીધો. પાપા કઈ સમજે વિચારે એ પહેલા તો એમણે એમને ઘેરી લીધા. “ગેટ આઉટ ફ્રોમ હિયર, સમ્રાટ, ટેક રેવા વિથ યુ, નાઉ, ઈટસ માય ઓર્ડર” પાપાએ નીચે ઉતારવા જતા સમ્રાટને બુમ પાડી ને કહ્યું પણ સમ્રાટ એમ માને ? એ પણ નીચે ઉતર્યા અને એમણે બુકાનીધારીઓને પડકાર્યા. દંગલ મચી ગયું ત્યાં ! અચાનક એક બુકાનીધારી કારની પાછળ આવ્યો અને મને હાથ પકડીને ખેંચવા લાગ્યો ! મેં જોરથી બુમો પાડી. એણે મને બહાર ખેંચી કાઢી અને મારા માથા પર ગન મૂકી દીધી ! સમ્રાટ અને પાપા આ દ્રશ્ય જોઇને ઉભા રહી ગયા. એમણે એમના પર હુમલો કરવાવાળાઓને ઢાળી દીધા હતા. મને આ હાલતમાં જોઇને સમ્રાટ અને પાપા બંનેએ એમની ગન કાઢી અને મારી પાછળ ઉભા રહેલા તરફ નિશાન તાક્યું ! અજીબ દ્રશ્ય હતું ! એક પોતાની વ્હાલી દીકરી તરફ અને એક પોતાની વ્હાલી પત્ની તરફ ગન તાકીને ઉભા હતા ! “બંધુક ફેંકી દો નહીતો હું આને શૂટ કરી નાખીશ” બુકાનીધારીએ મારી પાછળથી બુમ પાડી. સમ્રાટે પાપાની સામે જોયું. પાપા આછું હસ્યા “આઈ એમ સીનીયર, માય બોય, એન્ડ ડોન્ટ ફરગેટ, શી ઈઝ માય ડોટર, આઈ હેવ ધ ફર્સ્ટ રાઈટ” સમ્રાટે હસીને માથું જુકાવ્યુ અને પાપાએ મારી તરફ તાકેલી ગનમાંથી ગોળી છોડી !

***

બે હજાર વર્ષ પહેલાના પ્રાચીન ચીન માં...

“સમ્રાટ, દુર સુદૂર પહાડોમાંથી કોઈ મુસાફિર આવ્યો છે ! ભગવા જેવા કપડા પહેર્યા છે, હાથમાં ત્રિકોણાકાર ભાલો છે, આપ કહો તો અંદર બોલાવું” એક સૈનિકે જુકીને હુંગને કહ્યું. હુંગે ચાંગની સામે જોયું અને હકારમાં માથું નમાવ્યું. થોડીવારમાં એક વિચિત્ર લાંબા કેશવાળો લાંબી દાઢી અને ભગવા કપડા પહેરેલો લગભગ ૬૦ની આજુબાજુની આયુ વાળો વ્યકિત અંદર આવ્યો. સાથે સમ્રાટનો દુભાષિયો પણ ઉભો હતો. “જય ભોલે” એ વ્યક્તિએ એનાં હાથમાં રહેલું ત્રિશુલ ઊંચું કરીને કહ્યું. સમ્રાટે દુભાષિયા મારફત એને એના આવવાનું કારણ પૂછ્યું. “હું હિમાલયના પહાડોમાં થી આવું છું ઓ મહાન સમ્રાટ, તમારા વડવાઓ અને મારા અઘોર ગુરુભાઈઓ મિત્રો હતા, એ લોકો એક બીજા સાથે સંપર્કમાં પણ હતા. આજે મારા આવવાનું એક ખાસ કારણ છે. મારા ગુરુ કે જેની નીચે રહીને હું શિક્ષા પ્રાપ્ત કરતો હતો એ મૃત્યુ પામ્યા છે. એમણે મને આ એક પ્રાચીન કાપડમાં લખાયેલો ગ્રંથ છે તે તમને હાથોહાથ આપવાનું કહેલું હતું. એનો સ્વીકાર કરો અને મને રજા આપો ઓ મહાન સમ્રાટ !” એ વૃદ્ધ અઘોરીએ સમાપન કર્યું. “આમનો યોગ્ય સત્કાર કરો અને એમને જે જોઈએ એ આપીને રવાના કરો” હુંગે એના સૈનિકને આદેશ કર્યો. થોડીવાર પછી એ વૃદ્ધ અઘોરી જતો રહ્યો અને હુંગે ચાંગને ઈશારો કર્યો. ચાંગે આગળ વધીને એક પાત્રમાં રાખેલો એ ગ્રંથ ઉપાડ્યો. દુભાષિયાને તાત્કાલિક એનું અનુવાદન કરવાનું સૂચવવામાં આવ્યું. મોડી રાત્રે હુંગે પોતાના કમરામાં ચાંગને બોલાવ્યો અને સાથે સાથે દુભાષિયાને મોટેથી એ ગ્રંથમાં લખેલું વાંચવાનું કહ્યું. દુભાષિયાએ મોટેથી વાંચવાનું શરુ કર્યું. “પવનના ઘોડાઓ પર સવાર થઇને એ આવે છે, વિશાળ આખલાના નાકમાંથી નીકળતા ફૂંફાડા એને દઝાડે છે, બરફની ચાદર ઓઢીને એ સુઈ જાય છે, એમના ત્રિશુલમાંથી નીકળતી વીજળીની ચમક એને આંજી દે છે, સફેદ ધવલ પહાડો પર એ ઉભા ઉભા જુવે છે, એ સ્મિત કરે છે, એમની જટાઓમાંથી પાણીની ધાર વહી જાય છે, એ એક પગે નાચવાનું શરુ કરે છે, પ્રકૃતિ સ્તબ્ધ થઇને એમનો નાચ જોઈ રહે છે ! જીવન અને મરણ વચ્ચેનો ભેદ એ ભૂંસી નાખે છે અને વિનાશ પછીનું સર્જન કરવાની કોઈને હાકલ કરે છે. મૃત્યુ પામવું હોય તે આવે અને એને લઇ જાય પણ જો એનો દુરુપયોગ કરશે તો એવું ભયાનક મોત મળશે કે બીજો જન્મ પણ નહિ પામે !” દુભાષિયાએ સમાપન કરતા કહ્યું “સમ્રાટ, આ પછી કોઈ નકશો છે જે આમાં દોરેલો છે” હુંગે એને ત્યાંથી રવાના થવાનું કહ્યું અને એ ચાંગ તરફ ફર્યો “શું લાગે છે ચાંગ તમને ? આ શું હોઈ શકે ?” ચાંગે પાત્રમાં મુકેલ અનુવાદને ફરીથી વાંચ્યો પછી એણે નકશો પણ ધ્યાનથી જોયો અને એની સફેદ દાઢી ખંજવાળી અને એ ઊંડા વિચારોમાં ડૂબી ગયો. પાંચ મિનીટ પછી એની આંખોમાં ચમક આવી ગઈ. “ઓ મહાન શાસક, આ તો એ જ છે ! મહાન શક્તિને પામવાનો નકશો ! તમે નસીબદાર છો કે  આપણા હાથમાં એ અનાયાસે આવી પડ્યો છે ! અમે જે રસ્તે ગયેલા એ કરતા આ ભિન્ન રસ્તો છે અને મને લાગે છે કે આ રસ્તે જવાથી આપણે એ શક્તિના દર્શન કરી શકીશું.” હુંગની આંખોમાં ચમક આવી ગઈ. એણે પ્રેમથી ચાંગનો હાથ પકડ્યો અને ચૂમી લીધો. “પણ સમ્રાટ, આમાં ચેતવણી પણ લખેલી છે એ તમે સાંભળી ?” હુંગ આનંદથી પાગલ થઇ ગયો હતો. “હા ચાંગ હા, મેં સાંભળી અને હું કોઈ એનો દુરુપયોગ નહિ કરું, હું તો બસ આપણી મહાન સંસ્કૃતિ અને મહાન દેશ ચીનની રક્ષા કરવા માંગુ છું.” ચાંગે હકારમાં માથું ધુણાવ્યું અને કહ્યું “ઓ મહાન શાસક, તમારું જીવન અમારા માટે મહામુલું છે, તમે મને છ મહિનાનો સમય આપેલો હતો તો બસ મને એક વાર મારા બીજા ભત્રીજાને ત્યાં મોકલવા દો, એ કદાચ લી ને પણ પાછો લેતો આવે અને આ શક્તિને પણ ! બસ માત્ર છ મહિના આપો સમ્રાટ !” હુંગે એટલો આનંદમાં હતો કે એણે તાત્કાલિક ચાંગની વાત માની લીધી. વૃદ્ધ ચાંગે એક ઊંડો નિસાસો નાખ્યો અને એ ઘર તરફ ધીરે ધીરે ચાલી નીકળ્યો.

***

લગભગ પચાસ જેટલા ઘોડેસવારો સુંગયુનને વળાવા આવ્યા હતા. સમ્રાટ ખુદ આગળ આવ્યા અને એને ભેંટીને એનો ઉત્સાહ વધાર્યો ! સુંગયુનને ખબર હતી કે કદાચ આ એની છેલ્લી યાત્રા પણ બની શકે છે. એને નકશાની એક નકલ કરીને આપવામાં આવી હતી અને શ્રેષ્ઠ ઘોડાઓ અને હિમાલયના બર્ફીલા માર્ગો પર ચાલી શકે એવા ખડતલ ખચ્ચરો આપવામાં આવ્યા હતા અને સાથે મહિનો ચાલે એટલો ખોરાક અને પાણી. આગલી રાત્રે ચાંગે એને આખો નકશો સમજાવ્યો હતો અને એને વળતા પ્રવાસમાં લી ની ખબર કાઢવાનું પણ સૂચવ્યું હતું. લી ને એ પાછો લાવી શકશે એ આશામાં સુંગયુને આ પ્રવાસ કરવાનું સ્વીકાર્યું હતું. એને આવી કોઈ શક્તિમાં અને ચમત્કારોમાં કોઈ વિશ્વાસ નહોતો પણ એણે ભારત વિષે ઘણું સાંભળ્યુ હતું. ભારત ના મહાન ચક્રવર્તી રાજાઓ, એમનો અપાર વૈભવ, વિચિત્ર જાત ની દૈવીય પૂજા અને રીવાજો, અને વિશેષ તો એમના ધર્મ વિષે નું જ્ઞાન સુંગ યુન ને ભારત પ્રત્યે કુતુહલતા કરતા વિશેષ માન પૂર્વક ખેંચી રહ્યું હતું. આખરી પડાવ પાસેથી સૈનિકો પાછા ફરી જવાના હતા. સુંગયુને એક છેલ્લી વાર પાછળ ફરીને જોયું. પવનમાં એના કાકા ચાંગની દાઢી ફરફરતી હતી. એ અહોભાવથી એ વૃદ્ધ પવિત્ર માણસને જોઈ રહ્યો. મી પણ સાથે ઉભી હતી અને એની આંખોમાં પણ આંસુ હતા પણ સુંગ યુન લી ને પણ શોધવા જાય છે એ વિચારે એનું હૈયું શાંત રહ્યું હતું. એની કાકીને તો એ લોકોએ સુંગયુન થોડા દિવસ પહાડોમાં કામે જાય છે એમ કહ્યું હતું બાકી એ વૃદ્ધા એને જવા દે એમ નહોતી. એણે સંભાળીને નકશો કે જે એને હવે ગોખાઈ ગયો હતો એને એના પહેરણમાં મુક્યો. એક ઊંડો શ્વાસ એણે લીધો અને સામે ઉભેલા શ્વેત પહાડો સામે એણે જોયું. એ જાણેકે હાથ લાંબા કરીને એને બોલાવતા હોય એવું એને લાગ્યું. એણે મહાન શક્તિની ખોજમાં પ્રથમ ડગલું ભર્યું.

***

રેવાએ એક ઊંડો શ્વાસ લીધો અને એક ઘૂંટડો ભર્યો “મેં આંખો બંધ કરી દીધી, એક ધડાકો થયો અને મારી પાછળ ઉભેલો બુકાનીધારી નીચે પડી ગયો. પાપાએ સીધ્ધું એના કપાળનું નિશાન તાક્યું હતું. એ થોડીવાર તરફડીને શાંત થઇ ગયો. સમ્રાટે અહોભાવથી પાપા તરફ માથું નમાવ્યું. “સી, માય બોય, આઈ મે બી એન ઓલ્ડ લાયન, બટ આઈ કેન હન્ટ માઈ મીલ ટૂ” પાપા હસ્યા અને એમણે સમ્રાટના ખભે ધબ્બો માર્યો. “સોરી સર, મેં તમારો ઓર્ડર ના માન્યો એ બદલ, પણ હું તમને અને રેવાને છોડીને કોઈ દિવસ નાં જઈ શકું.” સમ્રાટે મારો હાથ પકડતા કહ્યું. “ઇટ્સ ઓકે માઈ બોય, હું પણ તારી જગ્યાએ હોત તો એવુજ કરત, પણ ક્યારેક ફરજ અને સ્વજન વચ્ચે એવી પાતળી ભેદરેખા આવી જાય છે કે તમારે કોને સીલેક્ટ કરવા એ મુશ્કેલ થઇ પડે છે. લેટ્સ ગો એન્ડ ઇન્ફોર્મ પુલીસ” એમણે કારનો દરવાજો ખોલતા કહ્યું. આ બનાવ પછી સમ્રાટ અને મારા પાપા બહુજ સાવધ થઇ ગયા હતા અને અમારા ઘેર પોલીસ પ્રોટેક્શન પણ આવી ગયું હતું. સમરની પહેલી વર્ષગાંઠ હતી. ઘેર એક નાનકડી પાર્ટીનું આયોજન કરેલું હતું. પાપાના કેટલાક મિત્રો અને સમરના કેટલાક મિત્રો આવેલા હતા. હું ઘણાને તો ઓળખાતી પણ નહોતી. શિવાનંદ ખાસ આવેલા અમારી પાર્ટીમાં સામેલ થવા. ઘરના નોકરોએ ફુગ્ગા અને બીજી રંગબેરંગી વસ્તુઓથી શણગાર સજેલો હતો અને એક મોટી કેક અમે લોકો કાપવાના હતા. પાર્ટી લગભગ ૧૧ વાગ્યા સુધી ચાલી, બધાએ બહુજ એન્જોય કર્યું. સમરતો થાકીને મારા ખોળામાં સુઈ ગયો હતો અને હું પણ થાકી હતી. મેં ઉપર જઈને સમરને સુવડાવાનું નક્કી કર્યું. પાપા, સમ્રાટ અને શિવ નીચે બેઠા હતા. પાપા અને સમ્રાટ ડ્રીન્કસ લેતા હતા અને શિવને મેં દૂધ લાવી આપ્યું હતું. હું ઉપર ગઈ અને મેં સમરને એના નાનકડા ઘોડીયામાં સુવડાવ્યો અને હું બારી બંધ કરવા ગઈ અને અચાનક મેં જોયું કે એક કારની હેડલાઈટનો પ્રકાશ અમારા ઘર તરફ પડી રહ્યો હતો. મને કૈંક અજુગતું લાગ્યું. અચાનક મને ગન ફાયરના અવાજો સંભળાયા અને હું નીચે દોડી. જેવી હું નીચે દોડી કે મારી આંખો ફાટી ગઈ. નીચે ડ્રોઈંગરૂમમાં રમખાણ મચી ગયું હતું. એક તરફ સોફા ઉપર પાપા લોહી નીગળતી હાલતે પડ્યા હતા અને સમ્રાટ સોફાની પાછળથી ફાયરીંગ કરી રહ્યા હતા. “પાપા” મેં જોરથી બુમ પાડી અને પાપાએ મને હાથ ઉંચો કરીને ત્યાંજ રહેવાનો ઈશારો કર્યો. ગનફાયર હવે શાંત થઇ ગયા હતા. મેં ફાટી આંખે જોયું કે દરવાજે બે જણાની લાશ પડી હતી. હું હાંફતા હાંફતા પાપા તરફ દોડી. એ સોફામાં ઢળી પડ્યા હતા. સમ્રાટ દોડીને બહાર ગયા અને થોડીવાર પછી પાછા આવ્યા “સાલાઓ ભાગી ગયા, કાયર” એમણે ગુસ્સાથી કહ્યું. હું પાપા પાસે બેસી પડી હતી. પાપાની છાતી લોહીથી ખરડાઈ ગઈ હતી. એક ખુણામાંથી શિવ બહાર આવ્યા. એમણે સમ્રાટ અને મારી સામે સૂચક નજરે  જોયું અને પાપાના માથા પર હાથ મુકીને આંખો બંધ કરીને એ કૈંક મંત્રોચ્ચાર કરવા લાગ્યા. “પાપા, તમને કઈ નહિ થાય, અમે તમને હોસ્પિટલ લઇ જઈએ છીએ” સમ્રાટે એમને ઉભા કરવાનો પ્રયાસ કરતા કહ્યું. પાપાએ હાથ ઉંચો કરીને સમ્રાટને રોક્યો. એમના મોઢામાંથી લોહીનો કોગળો બહાર આવી ગયો. એ તુટક શબ્દોમાં ધીરે ધીરે બોલ્યા “નો માય બોય નો, હવે સમય નથી. પ્રોમિસ મી કે તું અને શિવ આ લોકોને નહિ છોડો, એમને જડ મૂળથી સાફ કરી દેશો ! પ્રોમિસ મી” શિવ અને સમ્રાટે હકારમાં માથું નમાવ્યું. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. “ડોન્ટ ક્રાય માય  ચાઈલ્ડ” પાપાએ મારો હાથ પકડતા કહ્યું. “તું તો મારી બહાદુર બેટી છે, તું પણ મને પ્રોમિસ કર કે તું આ લોકોને સાથ આપીશ. ભારતીય સેનાના જવાનની તું બેટી છે, આપણને રડવું નાં પોસાય બેટા, ગેટ મી એ સ્ટ્રોંગ ડ્રીંક” હું દોડીને એક ડ્રીંક બનાવીને આવી. પાપાને ખુબજ પેઈન થતું હતું પણ એમના મુખ પર હાસ્ય હતું. એમણે એક જ ઘૂંટડામાં ગ્લાસ ખાલી કરી નાખ્યો. સમ્રાટ એમના માથા પર બેઠો હતો અને શિવ એમની બાજુમાં. પાપાએ બંનેનો હાથ પકડ્યો “મેં આપેલી સૂચનાઓનો અમલ કરજો બેટા, બહુ સંતાપ કરશો નહિ, કાલથી જ મિશન પર લાગી જજો અને આમની જડને મૂળમાંથી ખોદી નાખજો. સમ્રાટ અને શિવની આંખોમાં આંસુ હતા. અચાનક પાપાએ એક જોરથી હેડકી ખાધી અને એમના મોઢામાંથી વધારે લોહી બહાર નીકળી પડ્યું અને પાપા ઢળી પડ્યા. મેં આક્રંદ કર્યું. એક જાંબાઝ સિપાહી શહીદ થઇ ગયો હતો. મારા વહાલા પાપા અમને છોડીને કાયમ માટે જતા રહ્યા હતા !

એક વીરને છાજે એમ પાપાની અંતિમ વિધિ કરવામાં આવી. તિરંગો ઓઢેલ એમનો દેહ અદભુત લાગતો હતો. ભારતીય આર્મીના એક વીર સપુતની શહાદત એળે જાય એમ નહોતી. તાત્કાલિક અસરથી બીજા બે સીનીયર ઓફિસર નીમવામાં આવ્યા અને ડ્રગ્સના સોદાગરો સામે એક નવું યુદ્ધ છેડવામાં આવ્યું. ભારતીય આર્મીને આવી પછડાટ આપવી એ એમને ભારી પડી જવાની હતી. ભારતીય સેના સક્રિય થઇ ગઈ હતી અને એનો સામનો કરવો લગભગ અશક્ય હતો. જગ્યા જગ્યાએ છાપા પાડવામાં આવ્યા. ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી. ચારે બાજુ યુદ્ધ જેવો માહોલ થઇ ગયો હતો. સમ્રાટ સતત બહાર  રહેતા હતા. એક દિવસ સમ્રાટ ઘરે આવ્યા અને મને એમણે શિમલાથી દુર એક બીજા શહેરમાં ખસેડવાનું સુચન કર્યું. એ એમનું બાપ દાદાઓ નું ઘર હતું. ત્યાં પણ પોલીસ પ્રોટેક્શન મુકવામાં આવ્યું. સતત એક વર્ષ સુધી સમ્રાટ આમાં રચ્યા પચ્યા રહ્યા અને એમણે અને શિવે મોટા ભાગના ડ્રગ ડીલર્સનો સફાયો કરી દીધો.

સમયનું ચક્ર ફરી રહ્યું હતું. પાંચ વર્ષો થઇ ગયા હતા. હું ફરીથી પ્રેગ્નન્ટ બની હતી. મારા ઘેર શિવ સિવાય એક વ્યક્તિ બીજા હતા કે જે નિયમિત આવતા હતા. આ સામે બેઠા એ પ્રોફેસર અને એમની પત્ની ઈશિતા” રેવાએ પ્રોફેસર તરફ આંગળી કરી અને પ્રોફેસરે સ્મિત કર્યું. “પ્રોફેસર અને સમ્રાટ ની સાથે મેં બહુ યાદગાર પળો પસાર કરી છે. ઈશિતા મારી ખાસ મિત્ર બની ગઈ હતી. પ્રોફેસર હું થાકી તમે થોડું આગળનું વૃતાંત કહેશો ?” રેવાએ થાકેલા આવાજે કહ્યું. બધા હવે પ્રોફેસર તરફ વળ્યા “હા, મારી મુલાકાત સમ્રાટ જોડે એક કોન્ફરન્સમાં થઇ હતી. સમ્રાટ ત્યાં એમના સીનીયર પ્રોફેસરને મળવા આવ્યા હતા. આ ઉંચો પડછંદ તેજીલો જવાન મારી આંખોમાં વસી ગયો હતો. અમે ડ્રીંક લેતા લેતા એક બીજાની મુલાકાત કરી. આ પહેલી મુલાકાત એક અતુટ મૈત્રી સબંધમાં બંધાવાની હતી. પછી તો સમ્રાટ જ્યારે જ્યારે ફ્રિ થાય ત્યારે મને એમના ઘેર આમંત્રણ આપતા અને હું ઈશિતાને લઈને ત્યાં  જતો. વિરાટનો જન્મ થયો અને અમારો આનંદ બેવડાઈ ગયો. સમ્રાટ ફૌજી હતા પણ એમનું મન સતત નવી નવી વસ્તુઓ શોધવા પર હતું. એમને ભારતીય ઈતિહાસમાં પણ ઊંડો રસ હતો. મારા સંશોધનો પર પણ એમણે ખાસો રસ દર્શાવ્યો અને મને એમના ઘેર-અત્યારે આપણે બેઠા છીએ ત્યાં આવવા આમંત્રણ આપ્યું. સમ્રાટ હમેશા કહેતા કે જીવનમાં બે મિત્રો તો હોવાજ જોઈએ-એક કૃષ્ણ જેવા કે લડે નહિ પણ જીત નક્કી અપાવે અને એક કર્ણ જેવા કે જે હાર પાક્કી હોય તો પણ સાથ નાં છોડે ! મને શરૂઆતમાં મારા રીસર્ચ વિષે એમને કહેતા ખચકાટ થતો પણ પછી એમનો નિઃસ્વાર્થ પ્રેમ અને મૈત્રી જોઇને મેં એમને ધીરે ધીરે વિસ્તારથી બધું કહેવાનું શરુ કર્યું. યુ સી, એક સમ્રાટ અને એક શિવાનંદ આ બંને માર ગાઢ મિત્રો થઇ ગયા હતા. મારું ઝનુન, પ્રાચીન ભારતીય સંસ્કૃતિને એની ઓળખ આપવાનું મારું મીશન, દેવ ના દેવનું સ્થાન નક્કી કરવાનું અને એમની હયાતીને લગતા પુરાવા એકઠા કરાવનું મારું કાર્ય એમણે પણ સ્વીકારી લીધું હતું. અમારી વચ્ચે ખુબજ ચર્ચાઓ થતી, સમ્રાટ નાસ્તિક નહોતા પણ એમને પણ આ બધામાં ઊંડો રસ પડતો અને એ પણ ઈચ્છાતા કે હું કામિયાબ થઉ જ્યારે એનાથી વિપરીત શિવ હંમેશા મને ઊંડાણથી બધું પૂછતા રહેતા, મને મળેલા ક્લુ પર એ પણ કામ કરતા અને ક્યારેકતો મુંબઈ આવીને મારા ઘેર પ્રાચીન દસ્તાવેજોનું અનુવાદન પણ કરી આપતા. એમને સંસ્કૃત, પ્રાકૃત અને અન્ય પ્રાચીન ખોવાયેલી ભાષાઓ પર સારું પ્રભુત્વ હતું અને હું એમના પર વિશ્વાસ મૂકી શકતો હતો. થોડા વર્ષો પછી એક દિવસ મારી પાસે એક અંત્યંત પ્રાચીન દસ્તાવેજ આવ્યો કે જે મને મારા તિબેટના પ્રવાસ દરમ્યાન એક લામાએ આપ્યો હતો. હું શિવ અને મેજર એમના ઘેર ભેગા થયા હતા અને શિવે એનો અનુવાદ કર્યો હતો જેના મુજબ કોઈ પ્રાચીન મુસાફિર કે  જે ચીનથી નીકળ્યો હતો એનું વૃતાંત કહેતું હતું કે એણે માનસરોવર પાસે પહાડો પર એક વિશાળ આકૃતિ નાચતી જોઈ હતી. એ ડમરું નો અવાજ અને એ ત્રિશુલ ધારી આકૃતિ એના માનસપટ પર છવાઈ ગઈ હતી. એ બરફ ના તોફાનોમાં સપડાઈ ગયો હતો અને પછી કૈંક ચમત્કારિક રીતે એ બેભાન અવસ્થામાં ત્યાંથી ઘણે દુર એક સુરક્ષિત જગ્યાએ બીજા મુસાફરોને મળી આવ્યો હતો. એનું એવું દ્રઢ માનવું હતું કે કોઈ ઉંચા રાખોડી રંગના જટાધારી વ્યક્તિને એને ઊંચકીને ત્યાં મુક્યો હતો. આ અનુવાદ પછી મારી શિવજી ત્યાં વસે છે એ બાબતે શિવાનંદ અને સમ્રાટ વચ્ચે ખાસ્સી ચર્ચા થઇ. હું જાતે જ એ જગ્યા પર જવા  માંગતો  હતો પણ શિવે મને રોક્યો અને એમણે એ પણ કહ્યું કે એ પોતે ત્યાં અવારનવાર  જાય છે અને આ વખતે એ મેં દોરી આપેલા નકશા અને સ્થાન પ્રમાણે પ્રવાસ કરશે. સમ્રાટ પણ એની સાથે જવા તૈયાર થયા. બસ એ મનહુસ દીવસ આવી ગયો કે જેના  માટે હું રેવાનો કાયમનો ગુનેગાર બની જવાનો હતો. સમ્રાટ અને શિવ મેં દર્શાવેલી જગ્યાએ પ્રયાણ કરી ગયા. ત્રણ મહિના વીતી ગયા અને એક દિવસ શિવ એકલા પાછા આવ્યા અને એમણે અમને જણાવ્યું કે એ લોકો એ જગ્યાની બહુ જ નજીક હતા અને અચાનક એક બરફનું તોફાન આવ્યું અને એ લોકો વિખુટા  પડી ગયા. થોડો સમય પછી શિવને પહાડની એક તરફ ખાઈ પાસે મેજર દેખાયા, એમણે એમને ખુબજ બુમો પાડી. મેજર ઘૂંટણીએ પડીને કોઈની સામે જોઈ રહ્યા હતા. બરફનાં તોફાનમાં શિવને કઈ દેખાયું નહિ અને પછી એમણે ફાટી આંખે જોયું કે મેજર ગાયબ થઇ ગયા હતા, એ તોફાન શમ્યું પછી ત્યાં ગયા અને આજુબાજુ ખુબજ શોધખોળ કરી પણ એમને મેજરનો કોઈ અત્તો પત્તો ના મળ્યો. અમે લોકોએ ભારતીય સેનાની ટુકડીઓ પણ ત્યાં મોકલી મેજરને શોધવા પણ અફસોસ ! એમને ધરતી ગળી ગઈ કે શું થયું એ આજ સુધી ખબર પડી નથી ! રેવા, આના માટે હું જવાબદાર છું, પ્લીઝ મને માફ કરી દેજે” પ્રોફેસરની આંખોમાં આંસુ આવી ગયા. રેવા ઉભી થઇ અને એ પ્રોફેસરને ઉષ્માથી ભેંટી પડી. “તમારો આમાં કોઈ વાંક નથી પ્રોફેસર, તમે તો હવે મારા ફેમીલી મેમ્બર જેવા છો. આપણે પ્રયાસ ચાલુ રાખ્યો છે, પણ સાચું કહું, આટલા વર્ષો વીતી ગયા એટલે હવે મને નથી લાગતું કે મેજર પાછા આવે” રેવાએ નીચું જોઈ ને એક ઊંડો નિઃશ્વાસ નાખ્યો. સમર એની બાજુમાં આવ્યો અને એણે રેવાની પીઠ થપથપાવી. બધા શાંત થઇ ગયા. કોઈને આવી દર્દ ભરી વાતની કલ્પના પણ નહોતી. સમરે મુઠ્ઠી વાળી, એની આંખોમાં અંગાર આવી ગયા. “પિતાજી, હું કોઈ પણ ભોગે તમને શોધીને જ રહીશ, મને ખાતરી છે કે તમે મને એક દિવસ મળશો જ”

“આટલા વર્ષો વીતી ગયા મેજર વગર, સમર અને વિરાટ મોટા થઇ ગયા, સમર એના પિતાજીની જેમ આર્મીમાં જોડાઈ ગયો, હું બસ એમની રાહ જોતી જોતી દરરોજ સવારે ઘરના દરવાજે બેસી રહું છું કે કોઈક દિવસ એ આવશે અને મને ઊંચકી લેશે, મારા વાળમાં સુંદર પીળા જંગલી ફૂલ ભરાવશે અને અમે અહી આ ગાર્ડનમાં બેઠા બેઠા સમય પસાર કરીશું” રેવાએ દુખી અવાજ સાથે નીચું જોઈને કહ્યું. યુવા પાસે જ બેઠી હતી, એને પણ ખબર નહિ કેમ પણ બેચેની જેવું થઇ આવ્યું. એણે રેવાનું માથું એની છાતીમાં દબાવી દીધું. એની છાતી રેવાના ગરમ ગરમ આંસુઓથી ભીની થવા લાગી. બધા એક પછી એક સુવા જવા લાગ્યા.

“કાલે સવારે શિવાનંદ આવે છે, મેં એને કીધું છે અહી આવવાનું” પ્રોફેસરે જતા જતા કહ્યું.

***

“તારા માણસોનો કોઈ વાંક નથી રઘુ, એમને પાછા બોલાવી લે, હું જાતે ત્યાં જાઉં છું અને શું ચાલી રહ્યું છે એનો તાગ કાઢું છું, ત્યાં સુધી તમે લોકો કોઈ એક્શન કરશો નહિ, સમજ્યા ?” શિવાનંદે ફોન પર રઘુને સૂચનાઓ આપી. એને આશ્ચર્ય થયું હતું. એક દિવસ પહેલા પ્રોફેસરનો આશ્રમમાં ફોન આવ્યો હતો અને એને મળવા બોલાવ્યા હતા અને એ જ દિવસે રઘુના સાથીદારો બુરી રીતે જખમી હાલતમાં પાછા આવ્યા હતા. બે જણાતો ત્યાજ તાત્કાલીક મૃત્યુ પામ્યા  હતા. એ તો સારું હતું કે રઘુના અને શિવાનંદના બીજા સાથીઓ એમની પાછળ હતા અને એ લોકો જ એ બધાને તાત્કાલિક ઊંચકીને ત્યાંથી લઇ આવ્યા હતા. શિવાનંદને અત્યંત ક્રોધ આવતો હતો પણ એ શાંત હતો. એને ખબર હતી કે ક્રોધ કોઈ વસ્તુનું નિરાકરણ નથી લાવતો પણ ઉલટાનું એને બગાડે છે. એક તો રશીદ ખાને બળવો પોકાર્યો હતો અને એમનો માલ એ લુંટીને ભાગી ગયો હતો અને બીજી બાજુ રઘુના માણસોએ એની હોટેલ પર હુમલો કર્યો હતો તે પણ માર્યા ગયા હતા અને આ આખી વાતમાં વિચિત્ર રીતે કોઈ બે યુવતીઓ ટપકી પડી હતી ! રઘુના માણસોને એમણે બે બે વાર માત આપી હતી ! શિવાનંદની આંખો લાલ હિંડળોક જેવી થઇ ગઈ. પ્રોફેસરે ફોન પણ એને મેજર સમ્રાટના ઘેર આમંત્રિત કર્યા હતા અને એમ પણ કહ્યું હતું કે એમની સાથે એમની પુત્રીઓ પણ ઇઝરાયેલથી આવી છે અને સાથે સમર અને વિરાટ પણ રેવા સાથે છે તો બધા મળી એ. હવે શિવાનંદને તાળો મળતો હતો. યુવા અને ઝારા ! પ્રોફેસરની પુત્રીઓ, ઇઝરાયેલ, આ એજ હોઈ શકે કે જેમણે અમજદને બચાવ્યો છે, પણ આ યુવતીઓ રશીદ માટે કેવી રીતે કામ કરતી હશે ? શિવાનંદને આશ્ચર્ય થયું. આટલા વર્ષોની કઠોર અઘોર તપસ્યાએ એની છઠ્ઠી ઇન્ધ્રીય તેજ કરી દીધી હતી. એને કોઈ નકારાત્મક અને ભય પમાડે એવી અનુભૂતિ થઇ આવી ! એ આભો બની ગયો ! આટલા વર્ષોમાં દીક્ષા લેતી વખતે એને આવી અનુભૂતિ થઇ હતી ! આ બધું શું છે ? એણે પદ્માસનની મુદ્રામાં બેઠક લીધી અને સામે રહેલા અગ્નિ કુંડમાં કૈંક નાંખ્ય અને અગ્નિ પ્રજ્જવલિત થઇ ઉઠ્યો અને એણે ધીમા અવાજે શિવસ્તુતિ ગાવાની શરૂઆત કરી. એનું મન શાંત થઇ રહ્યું હતું, પણ એના મસ્તિષ્કમાં એક અજાણો છૂપો ભય સ્થાપિત થઇ રહ્યો હતો ! “શું એ આવી ગયા છે ? શું એ અહી છે ? અસંભવ ! આ શક્ય નથી એ કેવી રીતે બને ? ના ના ના, આ જગતમાં મારા અને પરમ પૂજ્ય ગુરુજી સિવાય કોણ છે એ ?” ભયથી એનું આખું શરીર ધ્રુજવા લાગ્યું.

***

“બસ અહી રોકી દે અને કોઈ મારી સાથે નહિ આવે, હું એકલો જઈશ, સમજ્યા ?” શિવાનંદે એના ડ્રાઈવરને કાર રોકવાનું કહ્યું અને એના સાથીઓને ત્યાં રહેવાનું સુચન આપ્યું. રેલ્વે સ્ટેશન પાસે એ લોકો રોકાઈ ગયા, રેવાનું ઘર અહીંથી લગભગ ૫ કિલોમીટર હતું. શિવને આ રસ્તો બરાબર યાદ હતો. એ કાયમ એ રસ્તે એકલા આવતા. આજે સવારે ન્હાઈને એમણે ગુરુજીએ સંકટ સમયમાં પહેરવા માટે આપેલો રુદ્રાક્ષ ધારણ કર્યો હતો. કૈંક અજીબ બેચેની એને થઇ રહી હતી ! એ સાંકળા ધૂળિયા રસ્તા પર આગળ વધ્યો.

સવારનો પહોર હતો, લગભગ સાડા સાત વાગ્યા હતા. સુરજની પહેલી કિરણો ધરતી પર પડી રહી હતી. શિવાનંદના પગ અચાનક થંભી ગયા ! એને કોઈ અવાજ સંભળાયો. એણે આંખો ઝીણી કરીને અવાજની દિશામાં જોયું તો એ અચંભિત થઇ ગયો. કાળા લીસ્સા સુંદર વાળ, ઘાટીલો સપ્રમાણ દેહ, વિશાળ કપાળ, મધ્યમાં દોરેલું ત્રિશુલ, સુંદર પરવાળા જેવા હોઠો અને મોટી મોટી વિશાળ આંખો કે જે બંધ હતી એવી એક યુવતી એને એક ઊંચા ખડક પર દેખાઈ, એની આંખો બંધ હતી અને એ પદ્માસનની મુદ્રામાં બેઠી હતી. એની આસપાસ સુરજના કિરણો એવી રીતે પડતા હતા કે જાણે કે એક અજીબ પ્રકારની પ્રકાશમય આભા રચાતી હતી. શિવાનંદ આશ્ચર્યથી દિગ્મૂઢ થઇને આ દ્રશ્ય જોઈ રહ્યો ! એ યુવતીના હોઠો વચ્ચે વચ્ચે થોડા ખુલતા હતા અને એમાંથી “ઓમ” નો ધ્વની ઠેઠ એની નાભિમાંથી આવતો હોય એવું લાગતું હતું ! આકાશ જાણે કે થંભી ગયું હતું, કોઈ અવાજ થતો ન હતો, આખા વાતાવરણમાં ઓમ નો ધ્વની પડઘાતો હતો. શિવાનંદ ધ્રુજવા લાગ્યો. એના પગ આપોઆપ વળવા લાગ્યા અને એ ઘૂંટણીએ પડી ગયો. એક લખલખું એના શરીરમાં થી પસાર થઇ ગયું ! એનું ગળું સુકાવા લાગ્યું, એની આંખોમાંથી અશ્રુબિંદુ બહાર વહેવા લાગ્યા ! એ હાથ લાંબો કરીને કૈંક કહેવા-કરવા માંગતો હતો પણ જાણે કે પક્ષઘાત થયો હોય એમ એ ત્યાં પડી રહ્યો. સમય થંભી ગયો હતો. શિવાનંદે આંખો બંધ કરી અને એના કાનમાં ડમરુંનો અવાજ પડઘાયો. કોઈ વિશાળ આકૃતિ, મહાદેવ પોતે પહાડો પર નૃત્ય કરતા હોય એવું એને લાગવા માંડ્યું ! “હે ગુરુજી, મારી રક્ષા કરો, આ બધું શું છે ? હે મહાન શિવ, હે મહાન દેવો ના દેવ, હે મહાદેવ, હે રુદ્ર, આ શું છે ?” શિવના હોઠ ફફડવા લાગ્યા ! “આટલી આભા ! આટલી ઉર્જા ! આટલો આટલો પ્રકાશ ? આટલું તેજ ? આવું તો ફક્ત મહાદેવના પરમ અંશમાં કે એમના પ્રિય શિષ્યોમાં જ હોય ! ઓહ ઓહ ઓહ ! આ શું છે ? ખુદ શિવાંશ કે પછી કોઈ એમનો પ્રિય શિષ્ય ?”

ખબર નહિ કેટલી વાર શિવાનંદ ત્યાં પડી રહ્યો હશે અચાનક એના ખભા પર કોઈ હાથ પડ્યો અને એણે ચોંકીને ઉપર જોયું તો પ્રોફેસર એની બાજુમાં ઉભા હતા ! “અહી શું કરે છે શિવ ?” શિવે માથું ધુણાવ્યું અને સામે પદ્માસનની મુદ્રામાં બેઠેલી યુવતી તરફ આંગળી કરી. “ઓહ એ તો યુવા છે, મારી પુત્રી, યોગા કરે છે, ચાલ હું તારી ઓળખાણ કરાવું.” પ્રોફેસર આગળ વધ્યા અને શિવાનંદ એમની પાછળ ચાલ્યો. “યુવા, જો કોણ આવ્યું છે ? શિવાનંદ, મારા પરમ મિત્ર, હિમાલયના અઘોર શિવપંથી” પ્રોફેસરનો અવાજ સાંભળતાં જ યુવાએ આંખો ખોલી અને એ બ્લ્યુ સંમોહિત કરી નાખતી સમુદ્રના ઊંડાણ વાળી આંખોને જોતાજ શિવાનંદ આભા થઇ ગયા ! “ઓફ ! આટલું બધું સંમોહન ! આ શું પ્રાચીન અઘોર વિદ્યા અને ત્રાટકની પણ જાણકાર છે ? આ બધું આમાં ક્યાંથી આવ્યું ? મારે આની તપાસ કરવી પડશે” એ મનમાં બોલ્યો. યુવાએ એક મનમોહન સ્મિત શિવાનંદ તરફ કર્યું અને ઉભી થઇને એ શિવાનંદના ચરણ સ્પર્શ કરવા ગઈ અને શિવાનંદ બે ડગલાં પાછળ જતા રહ્યા “નાં માં ના, તમે તો કરુણા અને શક્તિનો અવતાર છો, આમ પણ કોઈ સ્ત્રી મને પગે લાગે એ મને ગમતું નથી. તમારું કલ્યાણ થાઓ, યુવા” “યુવા” શબ્દો પર ભાર મુકતા શિવાનંદે કહ્યું. “ચાલો, રેવા પણ તમારી રાહ જુવે છે” પ્રોફેસરે શિવાનંદનું ધ્યાનભગ્ન કરતા કહ્યું. એ ત્રણે રેવાના નાનકડા સુંદર ઘર તરફ ચાલી નીકળ્યા.

***

રેવા ઉષ્માપૂર્વક શિવાનંદને મળી અને આશ્રમના ખબર અંતર પૂછ્યા. સમર અને વિરાટ પણ નીચે આવીને ભાવપૂર્વક પોતાના પિતાજીના જુના મિત્રને મળ્યા અને પ્રણામ કર્યા. વખત એક ખૂણામાં ઉભો ઉભો આ બધું જોતો હતો ! એને ખબર નહિ કેમ પણ આ માણસ પ્રત્યે અણગમો થઇ રહ્યો હતો ! એ ઔપચારિક રીતે શિવાનંદને મળ્યો. શિવાનંદ પણ આભા બનીને આ ઉંચા અને પડછંદ આદમીને જોઈ રહ્યા ! વખતનો ચહેરો જોઈને શિવાનંદને કોઈ યાદ આવી રહ્યું હતું પણ એ કોણ હતું એની એને ખબર નાં પડી. એટલામાં ઝારા બહાર આવી અને એણે પણ જુકીને શિવાનંદને પ્રણામ કર્યા, શિવાનંદે હસીને એના માથા પર હાથ મુકીને આશિષ આપ્યા.

બપોરે જમીને બધા પાછા ગાર્ડનમાં બેઠા હતા. શિવાનંદ એમને સંબોધી રહ્યો હતો. “મારા પ્રિય બાળકો, રેવા અને પ્રોફેસર, આજે બહુ આનંદથી ઘડી છે કે હું તમને બધાને આટલા વર્ષો પછી મળી રહ્યો છું ! તમને રેવા અને પ્રોફેસરે મેજરની વાતતો કહી જ હશે. આજે પણ રાત્રે હું ઉઠી જાઉં છું અને મને દેખાય છે  કે સંભળાય છે કે મેજર મને હાથ  લાંબા કરીને બોલાવી રહ્યા છે, મને સાદ પાડી રહ્યા છે, હું એ જગ્યાએ બે ત્રણ વાર જઈને આવ્યો પણ અફસોસ એમનો કોઈ જ અત્તોપત્તો નથી લાગતો. મને માફ કરજો રેવા-પ્રોફેસર, મારું અઘોર જ્ઞાન અને ધ્યાન પણ એમનો પત્તો નથી લગાડી શકાતું. ખેર ! મારું અહી આવવાનું સફળ થયું છે, હું સમર અને વિરાટને તો મળેલો જ હતો પણ યુવા અને ઝારા જેવી પ્રતિભાશાળી યુવતીઓને મળીને ધન્ય થઇ ગયો છું. મારી તમને બધ્ધાને નમ્ર વિનંતી છે કે તમે લોકો આશ્રમમાં પધારો” રેવાએ આંખો જુકાવીને કહ્યું “તમે સંતાપ ના કરો શિવ, મેજર નું ગુમ થવું એ તમારા હાથમાં નહોતું, અમે લોકો આજે સાંજે તમારા આશ્રમાંમાં ચોક્કસ આવીશું અને સાંજની આરતી સાથે કરીશું.” શિવાનંદે હકારમાં માથું ધુણાવ્યું અને એ જવા માટે ઉભો થઇ ગયો. પ્રોફેસર અને સમર એને રેલ્વેસ્ટેશન સુધી વળાવા સાથે ગયા. “દી, કેવો વિચિત્ર માણસ હતો નહિ ! ?” ઝારા દુરથી શિવાનંદને જતા જોઈ રહી હતી અને એણે યુવાનો હાથ પકડીને કહ્યું. એની નજરોમાંથી એ છૂપું નહોતું રહ્યું કે જમ્યા પછી એક ખુણામાં શિવાનંદે રેવાના હાથોમાં કૈંક પકડાવ્યું હતું અને જેને રેવાએ ઝડપથી છુપાવી દીધું હતું. “કોને ખબર, પણ મને તો એ સારો લાગ્યો. એની આંખોમાં કૈંક અજીબ હતું, કૈંક આપણને ખેંચે એવું” યુવાએ ખભા ઉલાળ્યા. “ઓ મેડમ, તું બે બે જગ્યા એ ના ખેંચાઈશ, હો ? સમર બરોબર છે આ ડોહા કરતા તારા માટે” ઝારાએ આંખો ઉલાળીને મસ્તી કરી અને બદલામાં યુવાએ એના પાછળ ધબ્બો માર્યો અને બંને હસતા હસતા બહાર દોડી ગયા. “તું રેવા દે હો ઝારાડી, કાલે રાત્રે તો બહુ મદદ કરતી હતી ને વિરાટની, મને બધું દેખાતું હતું” હવે યુવાનો વારો હતો. ઝારાના ગાલ શરમથી લાલ થઇ ગયા.

***

ભવ્ય માહોલ હતો, આશ્રમાંની બાજુમાં એક મોટું શિવમંદિર હતું, આ શિવાનંદનો બીજો સહુથી મોટો આશ્રમ હતો, એનો મુખ્ય આશ્રમ બેલી ગામમાં આવેલો હતો જ્યાંથી એ એની બધી પ્રવૃત્તિનું સંચાલાન કરતો. રેવા અને પ્રોફેસરની સાથે યુવા, ઝારા, વિરાટ અને સમર પણ આરતીમાં જોડાયા હતા. વખતે ઘેર જ રહેવાનું પસંદ કર્યું હતું. એમની સાથે કોન્સ્ટેબલ પણ આવ્યા હતા અને એ લોકો મંદિરની બહાર ઉભા હતા અને ચારેકોર નજર રાખી રહ્યા હતા. ઘંટનાદ સાથે શિવાનંદે શંખ ફૂંક્યો અને આરતી શરુ થઇ. યુવાનું શરીર ગરમ થઇ ગયું અને એ સહેજ સહેજ ધ્રુજવા લાગી. શિવાનંદે એની તરફ જોયું અને એના મુખ પર આશ્ચર્ય વ્યાપી ગયું. આખી આરતી દરમ્યાન યુવા ધ્રુજતી રહી અને એના હોઠો ફફડતા રહ્યા ! આરતી પછી બધાને પ્રસાદ વહેંચવામાં આવ્યો અને શિવાનંદે સમરને બધાને લઈને આશ્રમ બતાવવાનું સુચન કર્યું. સમર એક ભક્ત સાથે બધાને લઈને આશ્રમ જોવા નીકળી ગયો. પ્રોફેસર રોકાઈ ગયા હતા. શિવાનંદે એના ખાસ રૂમમાં પ્રોફેસરને બેસાડ્યા અને એમની આંખોમાં આંખ નાખીને પૂછ્યું “સાચું કહેજો મિત્ર, આ યુવતીઓ કોણ છે ? એ તારી પુત્રી હોય એવું લાગતું નથી.” પ્રોફેસરની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા અને એમણે શિવાનંદનો હાથ પકડી લીધો “મને અને મેજરને આ વાતની ખબર છે અને હવે રેવાને, તું પ્લીઝ આ વાત કોઈને  ના કહીશ, હું તને બધું કહું છું.” લગભગ એક કલાક સુધી પ્રોફેસરે સંક્ષિપ્તમાં શિવાનંદને રબ્બી, લાવણ્યા, પંડિતજી, યુવા અને ઝારા વિષે બધ્ધી વાતો કહી દીધી. શિવાનંદ આભો બની ગયો આ વાત સાંભળીને. ખાસતો યુવામાં રોપવામાં આવેલી અદભુત શક્તિ વિષે જાણીને એને નવાઈ લાગી પણ પછી એ મંદ મંદ હસી પડ્યો. એને કૈંક ખબર પડી ગઈ હતી.

મોડી સાંજે બધ્ધા વાળું કરીને છુટા પડ્યા. શિવાનંદે એમને રોકાવાનો ખુબજ આગ્રહ કર્યો એટલે એ લોકોએ ત્યાં રાત્રી રોકાણ કરી લીધું.

લગભગ રાતના બે વાગ્યા હતા. શિવાનંદ આશ્રમની દુર આવેલા એક નાનકડા તળાવ પાસે બેઠો હતો. એણે આંખો બંધ કરી અને એની આંખો સમક્ષ પંડિત શંભુનાથનો ચહેરો તરવરી ઉઠ્યો ! હવે એને સમજાયું હતું કે કેમ વખતનો ચહેરો એને જાણીતો લાગતો હતો ! એના મુખ પર એક સ્મિત આવી ગયું. “મારા ગુરુ, પંડિત શંભુનાથની દીકરીની દીકરી- એમની પૌત્રી મારા આશ્રમમાં આવી છે ! મારા મહાન ગુરુ ! મને હિમાલયમાં અઘોર વિદ્યાની અને અન્ય શક્તિની દીક્ષા દેનારા ગુરુ પંડિત શંભુનાથ ! ગુરુદેવ, તમારી જય હો, હે મહાદેવ, તમારી લીલા અપરંપાર છે ! ગુરુજી, જુવો હું તમારી પૌત્રીને ક્યાંથી ક્યા લઇ જાઉં છું ! એ મહાન આત્મા સમગ્ર વિશ્વ પર રાજ કરશે ગુરુદેવ, તમારી જય હો. એની સુષુપ્ત શક્તિઓ હું જગાડીશ, હું એની કુંડલીની જાગૃત કરીશ, હું એની આસુરી શક્તિને જગાડીશ, પછી જોવ છું કે કોણ અમને પરાજિત કરશે, હા હા હા, હરી ઓમ !!!” શિવાનંદનું અટ્ટહાસ્ય ચારેકોર ફેલાઈ ગયું.

પોતાના ખાસ રૂમમાં આવીને શિવાનંદે અગ્નિકુંડમાં કૈંક નાખ્યું અને અગ્નિ પ્રજ્જવલિત કર્યો. હવે એણે શિવસ્તુતિ ગાવાની શરુ કરી.

યુવાએ અચાનક આંખો ખોલી. એને બેચેની જેવું લાગવા  લાગ્યું હતું. એના આખા શરીરે પરસેવો વળી રહ્યો હતો. એ રૂમની બહાર આવી. ચારેકોર અંધારું હતું. થોડાક સળગતા દીવાઓની વાટ પણ હવે મંદ પડવા માંડી હતી. યુવાએ શિવમંદિરની ડાબીબાજુ આવેલા ઓરડા તરફ નજર કરી અને એને આશ્ચર્ય થયું, ત્યાંથી પ્રકાશ રેલાઈ રહ્યો હતો. એના પગ આપોઆપ એ પ્રકાશ તરફ ઉપડયા. કોઈ એને જાણે કે ખેંચી રહ્યું હોય એવું એને લાગવા માંડ્યું હતું. એની આંખો ઊંડી ઉતરી રહી હતી. એના કાનોમાં ધીમો અવાજ હવે સંભળાઈ રહ્યો હતો. એ વધુ નજીક આવી અને એ અવાજ સ્પષ્ટ થયો, એ શિવ સ્તુતિ હતી. યુવા જાણે કે બેભાન હોય એમ એ અવાજ તરફ ખેંચાઈ રહી હતી.

દરવાજો ધડામ દઈને ખુલી ગયો. શિવાનંદે આંખો ખોલીને ઊંચું જોયું અને એના મુખ પર સ્મિત આવી ગયું. યુવાની આંખો લાલ લાલ હતી, એના વાળ વિખરાઈ ગયા હતા, શિવાનંદે હવે મોટા મોટા અવાજે સ્તુતિ ગાવાનું શરુ કર્યું, કુંડમાં રહેલો અગ્નિ પણ આમ તેમ નાચવા લાગ્યો. યુવા આગળ વધી અને શિવાનંદની પાસે રહેલું ત્રિશુલ એણે હાથમાં લીધું. શિવાનંદે બે હાથ જોડીને ઉગ્ર સ્વરે સ્તુતિ ગાવાનું ચાલુ રાખ્યું. અચાનક યુવાએ એક પગ ઉંચો કર્યો અને ભયંકર ત્રાડ પાડી અને શિવાનંદની પાછળ જઈને નૃત્ય કરવાનું શરુ કર્યું. શિવાનંદે એક હાથમાં ડમરું લીધું અને એને વગાડવાનું શરુ કર્યું. લબકારા લેતી હવનકુંડની આગમાં ડમરું વગાડતો શિવાનંદ, એના મુખમાંથી નીકળી રહેલી શિવસ્તુતિ, એની પાછળ હાથમાં ત્રિશુલ લઈને નૃત્ય કરતી યુવા – એક અદભુત અને અકલ્પનીય દ્રશ્ય ઉભું કરતુ હતું. સમય જાણેકે થંભી ગયો હતો !

***

વનદેવી ગુફામાંથી બહાર આવ્યા, એમના કાનોમાં ડમરુંનો તીવ્ર અવાજ પડઘાતો હતો પણ એ કઈ સમજી શકતા નહોતા. એમણે આકાશ તરફ જોયું અને હાથ જોડીને આંખો પહોળી કરી. એમના મુખમાંથી “હરી ઓમ” ના શબ્દો સરી ઉઠ્યા !

***

વખતની આંખો ખુલી ગઈ. એ ખાટલામાંથી બેઠો થઇ ગયો. એને કૈંક અજીબ લાગણી થઇ આવી, કશુક અશુભ થવાની આશંકા ! એણે ઉભા થઇને પાણી પીધું અને ઘરની બહાર આવીને દુર સર્પાકાર જતી સાંકડી કેડી પર નજર માંડી. “કૈંક ઠીક નથી થઇ રહ્યું, હે મહાદેવ રક્ષા કરજો” એ બબડ્યો. એણે ઘરને તાળું માર્યું અને એ સર્પાકાર કેડી પર ચાલી નીકળ્યો.

***

હિમાલયમાં આવેલા એક પહાડની ઊંડી ગુફામાં બેઠેલા એ વૃદ્ધ વ્યક્તિએ પણ આંખો ખોલી અને કઈ ન સમજાય એવી લાગણી એમને થઇ. એ ઉભા થઇ ગયા અને બહાર આવ્યા. હજી બેચેની એમનો પીછો નહોતી છોડતી. “રાક્ષસકુળમાં જન્મેલ એમની આત્મા બેચેન થઇ ઉઠી હતી ! શું એ સમય આવી ગયો છે ?” એમને ધ્રુજારી થઇ ઉઠી !

***

પાર્વતીજીએ સૂચક નજરે એમની સામે જોયું, એ જ નિર્લેપ આંખો, એ જ કરુણાથી સભર નયન, એમાં કશું નવું નહોતું. એમણે પાર્વતીજી તરફ એક સ્મિત કર્યું અને એમનો હાથ પકડ્યો. “સમય આવી ગયો છે, મહાદેવ” પાર્વતીજી બોલ્યા. મહાદેવે માથું નમાવ્યું અને એક ઊંડો નિઃશ્વાસ નાખ્યો. “આત્મા અમર છે, એ કદી મરતી નથી, એ સાશ્વત છે, પણ હવે તો એના અગ્નિ સંસ્કાર કરવાનો સમય નજીક છે, પ્રિયે” એમણે પાર્વાતીજીને કહ્યું. “હે પ્રભુ, આત્માના અંતિમ સંસ્કાર તમારા સિવાય કોણ કરી શકે” પાર્વતીજી બબડ્યા ! અચાનક મહાદેવ ઉભા થઇ ગયા અને ત્યાંથી દુર દુર પહાડો તરફ દોડી ગયા. એમના હાથમાં રહેલું ત્રિશુલ અંધારામાં પણ ચમકતું હતું અને એમની આંખોમાં રહેલો રોષ કરોડો સૂર્યને પણ ઝાંખા પાડે એવો હતો.

***

ભાગ-૧૬ સમાપ્ત.

 

***

Rate & Review

Jignesh Garasia 2 months ago

Manish Patadia 3 months ago

Mahesh Kakad 3 months ago

Balkrishna patel 3 months ago

Dashrath Sinh Jadeja 3 months ago