lanka dahan - 10 books and stories free download online pdf in Gujarati

લંકા દહન - 10

મુંબઈના છત્રપતિ શિવાજી એર પોર્ટ પર પ્લેન લેન્ડ થયું ત્યારે અધિપતિ અને તેમની ટોળીને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તેમને અહીંથી ઓડી ગાડીમાં સુરતના આશ્રમમાં નહિ પણ પોલીસવાનમાં જેલ ભેગા થવાનું છે. મુંબઈના પોલીસ કમિશનર ખુદ આ ધરપકડ કરવા તેમની ટીમ સાથે હાજર હતા. અધિપતિના આગમનની જાણકારી કોઈ જ ભક્તોને આશ્રમ તરફથી પણ આપવામાં આવી નહોતી. કારણ કે જે ઘટના બની હતી એ દાબી દેવા માટે અને આવો હુમલો કરીને પોતાના બે યોદ્ધાઓને મારી નાખનાર તથા પોતાના શિકારને છોડાવી જનારને ગમે તે ભોગે પકડીને આશ્રમમાં સજા આપવા અધિપતિ આવી રહ્યો હતો. "જે પણ લોકો હશે તેને હું એટલી ભયાનક મોત આપીશ કે એ લોકોના આત્માઓ ફરી વખત પૃથ્વી પર જન્મ લેતા ડરશે" મનોમન


આવું વિચરતા અધિપતિ આગળ વધી રહ્યા હતા ત્યાં જ તેમને ઘેરી લેવામાં આવ્યા. હજુ એ કંઈ પણ સમજે ત્યાં તો આજુબાજુ કેમેરા અને પત્રકારોનું ઝુંડ આગળના દ્રશ્યો રેકોર્ડ કરવા કેમેરા ઓન કરીને ગોઠવાઈ ગયા.


અધિપતિ કંઈ પણ સમજે તે પહેલાં જ પોલીસ ઇન્સ્પેક્ટરે તેમના બન્ને હાથમાં હાથકડી પહેરાવીને "યુ આર અંડર એરેસ્ટ" કહ્યું.


સાપને પકડતા પહેલા એ ફૂંફાડા મારે તેમ અધિપતિએ બુમ બરાડા પાડ્યા. "મને તું ઓળખતો નથી, હું તમને લોકોને જોઈ લઈશ, ક્યાં ગુન્હા બદલ મને પકડવામાં આવે છે ?" વગેરે વગેરે..


પણ પોલીસની ટીમે અધિપતિની એક પણ દલીલ કાને ન ધરી. એ સાથે જ દરેક ન્યુઝ ચેનલો પર આ એક્સક્લુજીવ ન્યુઝ પ્રસારિત થયા.અચાનક આવેલા આ બ્રેકીંગ ન્યૂઝથી જનતા પણ સ્તબ્ધ થઈ ગઈ. ભક્તોના ઘાડે ધાડા જે જે શહેરોમાં અધિપતિના આશ્રમો હતા તે તરફ ઉમટી પડ્યા. પણ ગૃહમંત્રીએ આ માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી હતી.ધરપકડના સમયે જ દેશભરના બાબના આશ્રમ પર સીબીઆઈ અને ઇન્કમટેક્સની રેડ પણ પાડવામાં આવી હતી. આશ્રમ તરફ જતો દરેક રસ્તો જાહેર જનતા માટે બ્લોક કરી દેવામાં આવ્યો હતી. અને પેરા મિલીટરી ફોર્સ સહિતની પોલીસ ફોર્સ દરેક જગ્યાએ તૈનાત કરી દેવામાં આવી હતી.


આવી જડબેસલાક વ્યવસ્થાને કારણે ક્યાંય પણ તોફાન થઈ શક્યું નહિ.અધિપતીને તેમના ખાસ માણસો કે જે ચોવીસ કલાક તેમની સાથે રહેતા તે તમામની ધરપકડ કરવામાં આવી હતી.અને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.


સુરત ખાતેના આશ્રમ પર પોલીસે ચુથાઈને સડી ગયેલા અને અસહ્ય બદબુવાળા બે મૃતદેહો કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.અને ત્યાં અંદર પ્રવેશતી વખતે થોડી ધમાલ પણ થઈ હતી.અધિપતિના આગમનની ઘડીઓ ગણાઇ રહી હતી અને તેમના સ્વાગત માટે સેવીકાઓને પણ તૈયાર કરી હતી તે સમયે અચાનક પોલીસની ગાડીઓના ઘાડેધડા આવી ચડ્યા હતા.


આશ્રમનો કબજો જોરાવર અને ભીખુ મહારાજનો ચાર્જ સંભાળતાં


અન્ય બે પન્ટરો રામસંગ રબારી અને દલસુખ મહારાજ પાસે હતો.એ લોકોએ ગેત બંધ કરીને પોલીસટીમને અંદર આવવાની મનાઈ ફરમાવી હતી. પણ એ લોકોનું આજે કંઈ જ ઉપજે તેમ નહોતું. પોલીસટીમ એમની સાથે બુલડોઝર પણ લાવી હતી.અને બુલડોઝરથી આશ્રમની દરવાજો તોડવામાં આવ્યો હતો જેનું લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવ્યું હતું. આશ્રમની અંદરની વ્યવસ્થાઓ, સેવીકાઓ અને સાધુઓના ફાઈવસ્ટાર આરામ કક્ષનું લાઇવ પ્રસારણ જોવા લોકો ટીવીમાં જોઈ મોમાં આંગળા નાખી ગયા હતા.સાધુ અને સંતની વ્યાખ્યા અધિપતિ જેવા હરામી અને હલકટ બાવાઓએ ધડમૂળથી બદલી નાખી હતી.


દેશભરના અઢાર આશ્રમોમાંથી બેહિસાબી અબજો રૂપિયા રોકડા, અનેક પ્રકારના દરદગીના, ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી જમીનોના દસ્તાવેજો, પંદર વર્ષની ટીનએજ હજારો છોકરીઓ કે જેમને બળ જબરીથી સેવીકાઓ બનાવવાની તાલીમ અપાઈ રહી હતી અને અનેક પ્રકારની ગેરરીતિઓ પકડાઈ. બધા જ આશ્રમ ખાલી કરાવાયા. અનેક સાધુઓને પોતપોતાના ઘેર જવાનો આદેશ આપવામાં આવ્યો અને આશ્રમોને સીલ કરીને અધિપતિ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. આશ્રમોમાંથી જે કાળા કારનામની સામગ્રીઓ પકડાઈ તે જોઈને દેશના કોઈપણ વકીલે અધિપતિનો કેસ લડવાની હા જ ન પાડી.


સુરતના આશ્રમમાંથી જરૂરી તમામ દસ્તાવેજો કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા પછી જાહેર જનતાનો ખોફ ફાટી નિકળ્યો. ટીનએજ છોકરીઓએ ટીવી ચેનલો સમક્ષ તેમના વાલીઓ પાસેથી ફરજીયાત સેવિકા બનવા માટે સહી કરાવી લેવામાં આવતી હતી અને મજબૂરીથી તેમને આશ્રમના ખૂટલ સાધુઓ સાથે સહ શયન કરવું પડતું હતું એવી કેફિયત આપી.એટલે જન આક્રોશ ફાટી નીકળ્યો.અને લોકોના ટોળાઓ ઉમટી પડ્યા. જન સેલાબને ખાળવામાં પોલીસ જાણી જોઈને ઉણી ઉતરી.અને રમણ મહર્ષિની ઈચ્છા અનુસાર સુરત ખાતેના મુખ્ય આશ્રમને લોકોએ સળગાવી નાખ્યો.


દિવસો સુધી ટીવી ચેનલો ઉપર અધિપતિની ઈજ્જત ના લીરેલીરા ઉડાડવામાં આવ્યા. જગદિશાનંદજીએ અમેરિકા ખાતેના આશ્રમમાં ચાલતી ગેરરીતિઓ વિશે ત્યાંની સરકારને માહિતી આપીને અમેરિકાના આશ્રમનું પણ ઉઠમણું કરાવી નાખ્યું. ગૃહમંત્રીએ આ સમગ્ર ઘટના અંગે પ્રેસ કોન્સફરન્સ ભરીને માહિતી આપી. અને અધિપતિની લંકાનું દહન કરાવનાર રમણ મહર્ષિજીનો જાહેરમાં આભાર વ્યક્ત કર્યો. દેશભરમાં જગદિશાનંદ અને રમણ મહર્ષિનું નામ ગાજી ઉઠ્યું. ઠેર ઠેરથી અનેક સંસ્થાઓ તેમના સન્માન માટે આગળ આવી.સરકારે સ્પેશિયલ સિક્યુરિટી પણ આ બે મહાન સાધુઓને આપી. અનેક ટીવી ચેનલોએ બન્નેના ઇન્ટરવ્યૂ લીધા. અને દેશભરમાં મશહૂર થઈ ગયા.


સરકારે અધિપતિની સંસ્થામાં ચાલતા શિક્ષણ સંસ્થાનો, હોસ્પિટલો અને અનેક સેવાકીય પ્રવૃતિઓના સંચાલનની જવાબદારી આ બે મહાનુભાવોને સોંપી. અને ખરા અર્થમાં એક ઉચ્ચ સેવા સંસ્થાન અસ્તિત્વમાં આવ્યું.


જગદિશાનંદજી મહારાજ અને રમણ મહર્ષિ હવે સાથે જ આશ્રમમાં રહે છે.સરકારે તમામ સંપત્તિ જપ્ત કરીને એક ટ્રસ્ટ બનાવ્યું. જેના ટ્રસ્ટીઓ આ બે જણ હતા.


જગદીશે પોતાની પ્રિય સેવિકા વાસંતી કે જે પોતે પણ જગદીશને ચાહતી હતી તેની સાથે લગ્ન કર્યા.


લંકા દહન પછી અધિપતિની લંકામાં બબ્બે વિભીષણોનું રાજ તપી રહ્યું છે.


(સમાપ્ત)