Irfan Juneja ni kavitao (sangrah-1) books and stories free download online pdf in Gujarati

ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧)

દિલ મારુ હરખાય

તારા નયનમાં જોવું હું જયારે,
દિલની ધડકન વધતી જાય,
પણ તું આપે હળવું સ્મિત,
એ જોઈ દિલ મારુ હરખાય..

કોરા કાગળ પર લખું હું બે શબ્દો,
તારી અનુભૂતિ મને થાય,
યાદ કરું તારી વાતોને એકાંતમાં,
એ વિચારીને દિલ મારુ હરખાય..

તારા પાયલનો રણકાર સંભળાય જયારે,
મારા હૈયે સંગીતના સુર અનુભવાય,
પણ તું આવી ચડે જયારે સામે,
એ જોઈ મારી બોલતી જ બંધ થઇ જાય..

લખું હું કવિતા તારા પર જયારે,
બસ શબ્દોની અછત વર્તાય,
પણ એ ભાવને મહેસુસ કરવાની ઈચ્છા જન્મે,
એટલે જ આ કોમળ દિલ મારુ હરખાય..

હું જીવવા લાગ્યો છું

આવીને તારી પાસે,
હું જીવવા લાગ્યો છું,

બેરંગ જિંદગીમાં હવે,
જાતે જ રંગ ભરવા લાગ્યો છું,

પ્રેમ તને દિલથી,
હું કરવા લાગ્યો છું,

દુઃખને ભુલાવી ને હવે,
ખુશહાલ બની જીવવા લાગ્યો છું,

નિષ્ફળતાના ડરને માળીએ મૂકી,
હું સાહસ કરવા લાગ્યો છું,

સફળતાઓ મળે છે એક પછી એક,
એવા હું કામ કરવા લાગ્યો છું,

રહીશ છેલ્લા શ્વાસ સુધી તારી સાથે,
એવા મનમાં વાયદાઓ કરવા લાગ્યો છું,

ભરીશ તારા જીવનમાં પણ રંગ,
એવા સ્વપ્ન સજાવવા લાગ્યો છું,

બે ઘડી જોઈને તને,
હું પ્રેમને માણવા લાગ્યો છું,

મળી ગઈ તારા જેવી હમસફર મને,
એટલે ભગવાનનો ઉપકાર માનવા લાગ્યો છું,

આજે મનના એ ભાવ,
પ્રગટાવવા લાગ્યો છું,

મારા શબ્દોમાં મીઠાસ ભરી,
કવિતા તારે નામ કરવા લાગ્યો છું...

ગુજરાતી

મારી બોલીમાં મધુરતાં,
મારી વાનગીઓમાં મધુરતાં,
હું છું ગરવો ગુજરાતી..

મારા લોહીમાં વ્યપાર,
મારા વર્તનમાં આવકાર,
હું છું ગરવો ગુજરાતી..

મારા પ્રાંતના મહાત્મા,
મારી ધરાના સરદાર,
હું છું ગરવો ગુજરાતી..

મારી નવરાત્રિ ઓળખ,
મારૂ કેડિયું મોહક,
હું છું ગરવો ગુજરાતી..

મારા મલકમાં સોમનાથ,
મારા હૈયાંમાં ગિરનાર,
હું છું ગરવો ગુજરાતી..

મારા સાહિત્યમાં નરસિંહ,
મારી કવિતાઓમાં કલાપી,
હું છું ગરવો ગુજરાતી..

નદી

બેઠો નદી કિનારે એકલો,
નદીના વહેણને જોયા કરું,

ખળખળ વહેતી નદીમાં,
ખુદની સાથે વાતો કર્યા કરું,

કેવો છે આ નદીનો પ્રેમ સાગર માટે,
એ વિચારી નદીને નમન કરું,

આપે પશુઓને એ પાણી,
એવી સરિતાને વંદન કરું,

ખેંચી જાય છે કચરો ને આપે રેતી,
એ નદીના વર્તનનું જીવનમાં અનુકરણ કરું,

ખેડૂતોને સિંચાઇમાં મદદ કરતી,
નર્મદા દેવીને હું પ્રણામ કરું,

બાંધે લોકો ડેમ નદીના રસ્તે,
તો એમની જરૂરિયાત પુરી કરું,

રોકાઈ ડેમમાં થોડો સમય,
સાગરના મિલાપનો ઇન્તેજાર કરું,

કેવી છે આ સરિતાની રીત,
જેના સમર્પણનો હું અમલ કરું,

મારી નદી પ્રત્યેની લાગણીને,
આજ કવિતા થકી રજૂ કરું..

બસ પ્રિયે તારા જ માટે

દિલ મારુ ધડકે છે,
મન મારુ મહેકે છે,
બસ પ્રિયે તારા જ માટે..

આંખો મારી રાહ જોવે છે,
કાન મારા તરસે છે,
બસ પ્રિયે તારા જ માટે..

શબ્દો મારા બંધાયેલા છે,
યાદો મારી સચવાયેલી છે,
બસ પ્રિયે તારા જ માટે..

હૈયું મારુ હરખે છે,
ચહેરા પર સ્મિત ઝળકે છે,
બસ પ્રિયે તારા જ માટે..

કવિતાઓ મારી રચાય છે,
મનમાં પ્રેમ છલકાય છે,
બસ પ્રિયે તારા જ માટે..

વાણીમાં મધુરતાં ઝળકે છે,
શબ્દોમાં વ્હાલ વરસે છે,
બસ પ્રિયે તારા જ માટે..

ઈબાદત

ઈબાદત કરો એની જે સર્વશક્તિમાન છે,
ના કોઈ એનો પિતા ના કોઈ એનું સંતાન છે,
સૃષ્ટિ જેને સર્જી ને જગતનો જે તાત છે,
ના કોઈ એનો આકાર કે ના કોઈ એની છબી છે..

ઈબાદત કરો એની જે દરેક વસ્તુનો માલિક છે,
ના કોઈ એની પડછાઈ ના કોઈ રંગરૂપ છે,
જેણે બનાવી સ્વર્ગ ને તમને આપ્યો માનવ દેહ છે,
ના કોઈ એનો અવતાર ના કોઈ એનો નાસ છે..

ઈબાદત કરો એની જેને વિવિધ સ્વાદ બનાવ્યા છે,
ના કોઈ એનો મિત્ર ના કોઈ એનો સાથી છે,
જેણે બનાવી નર્ક ને કરવાનો તમારો હિસાબ છે,
ના કોઈ એની જનેતા ના કોઈ એની કલ્પના છે..

ઈબાદત કરો એની જે હંમેશ માટે અમર છે,
ના કોઈ એનો દુશ્મન ના કોઈ એનો સંબંધી છે,
જેણે આપ્યું છે કીડીને કણ ને તમને સ્વાદ અપાર છે,
ના કોઈ એની પત્ની છે ના કોઈ એનું શરીર છે..