Sambhavami Yuge Yuge - 24 books and stories free download online pdf in Gujarati

સંભવામિ યુગે યુગે ભાગ ૨૪

ભાગ ૨૪

             સોમને થોડીવાર સુધી ખબર જ ન પડી કે આ શું બની ગયું? પછી તે ભુરીયા તરફ દોડ્યો. ભુરીયાની આંખો આકાશ તરફ જોઈ રહી હતી. તેણે પાછળ ફરીને જોયું તો ત્યાં જટાશંકર ન હતો. સોમે ભુરીયાને હલાવી જોયો પણ તેના શરીરમાં કોઈ હલચલ ન હતી. સોમ ત્યાં આક્રંદ કરવા લાગ્યો. આજના દિવસમાં આ તેને લાગેલો બીજો ઝટકો હતો. તે રડી રહ્યો હતો અને ભુરીયાને પોકારી રહ્યો હતો. એટલામાં તેના માથા પર એક વાર થયો અને તે બેભાન થઇ ગયો, તેણે પાછળ વાળીને જોવાની કોશિશ કરી પણ તે ફક્ત બ્રાઉન કલરના શૂઝ જોઈ શક્યો.

 રામેશ્વરે ભુરીયાની નાડી ચેક કરી, તે ધીમે ધીમે ધબકી રહી હતી. રામેશ્વરને દૂરથી એક અવાજ આવ્યો, “સોમને લઈને હોસ્ટેલ જા, આનું શું કરવું તે હું જોઈ લઈશ.” સોમને ખભા પર ઉંચકીને રામેશ્વર રવાના થયો અને ઝાડ પાછળથી એક સાધુ આવ્યો અને તેણે ભુરીયાને ઉંચકી લીધો, જાણે તે એક ફૂલ હોય તેમ આસાનીથી ઉચકીને એક દિશામાં ચાલવા લાગ્યો. થોડે દૂર જઈને ભુરીયાને લઈને અદ્રશ્ય થઇ ગયો. હવે ભુરીયો અને તે સાધુ બંને એક કંદરામાં હતા. થોડે દૂર જઈને તેણે\ એક સપાટ શીલા હતી, તેના પર ભુરીયાને સુવડાવ્યો અને પોતે અંદરની ગુફા તરફ આગળ વધ્યો. અંદરથી એક સાધુને લઈને તે બહાર આવ્યો.

આવનાર સાધુના ચેહરાના તેજથી ગુફા પ્રકાશિત થઇ રહી હતી. ભુરીયાને લઇ આવનાર સાધુએ કહ્યું, “વાર ઘાતક હતો પણ તે વાર ઝાડ પર રહેલા સર્પ ઉપર પડ્યો, તે છતાં ઘાતક વારની અસરથી આ કોમામાં જતો રહ્યો છે સાધુએ હાથ ઉપર કર્યો અને તેને બોલતા રોક્યો અને કહ્યું, “મને ખબર છે શું બની ગયું છે અને આપ અંદર જઈને જીવનદ્રાવણ અને વિસ્મૃતિ દ્રાવણ લઇ આવો. સોમના આ મિત્રે સોમને તાંત્રિક વિધિ કરતો જોઈ લીધો છે તે સ્મૃતિ પણ ભૂંસવી પડશે. આને બે દિવસ અહીં રાખો અને પ્રદ્યુમનને કહો કે સોમનું ધ્યાન રાખે. તેની ફરતેનું સુરક્ષા કવચ મજબૂત કરો. અને વિસ્મૃતિ દ્રાવણ આપતી વખતે ધ્યાન રાખજો કે ફક્ત એક રાતની સ્મૃતિ ભૂંસવાની છે.”

એટલું કહીને તે સાધુ અંદરની ગુફા નીકળી ગયા. તે અંદર જઈને એક શીલા પર ધ્યાનમાં બેસી ગયા. એમનું કોઈ નામ ન હતું કોઈ તેમને બાબાજી કહીને બોલાવતું હતું, તો કોઈ મહાવતાર બાબા તો કોઈ જટાધારી બાબા. એવા અંસખ્ય નામોથી ઓળખાતા બાબા સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારથી જીવિત હતા. જે ભુરીયા ને લઇ આવ્યો હતો, તે પણ બાબાજીની માયા હતી. તે જયારે ચાહે ત્યારે પોતાનું પ્રતિરૂપ બનાવી શકતા હતા. આ જગતમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ હતા, પણ તેમનું કામ ફક્ત રસ્તો દેખાડવાનું હતું. તેમને કોઈનો વિનાશ કરવાની મનાઈ કરવામાં આવી હતી. તેમનામાં એટલી શક્તિ હતી કે રામ રાવણનું યુદ્ધ કે મહાભારતનું યુદ્ધ એક ક્ષણમાં પૂર્ણ કર્યું હોત. તેમનું કામ પ્રેરણા પુરી પાડવાનું હતું અને સત્યની રાહ દેખાડવાની હતી. તે સદ્ગુરુ હતા.  

 મહાવતારબાબા  હંમેશા હિમાલયની ગુફા માં રહેતા હતા, પણ પાછલા દસ વરસથી એક ભયંકર શક્તિનો ઉદય થયો હતો, તેથી તેઓ એકવાર ગુફામાંથી બહાર નીકળ્યા હતા અને હવે તેમનું પ્રતિરૂપ તેમના આદેશ પ્રમાણે કાર્ય કરી રહ્યું હતું. મહાવતાર બાબાએ આજ સુધી તેમને જ દર્શન આપ્યા હતા, જેમની ચેતના જાગૃત થઇ હતી, બાકી સામાન્ય લોકો માટે તેમના દર્શન દુર્લભ હતા. તેમને ભૂત , ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળનું જ્ઞાન હતું, પણ તે લોકોને પોતાની શક્તિ અજમાવવા દેતા હતા. દરેક કાર્યમાં તેઓ દખલ પણ દેતા ન હતા.

 તેમણે સોમ અને જટાશંકરના યુદ્ધથી પોતાને અળગા રાખ્યા હતા.જે પણ કાર્ય હતું તે પોતાના પ્રતિરૂપ દ્વારા કરાવ્યું હતું. તેમનું પ્રતિરૂપ જે બાબાજીના નામથી જાણીતું હતું. તેને સોમ પ્રત્યે કૂણી લાગણી હતી, જે વિષે ખુદ તેમણે પણ ખબર ન હતી કે શા માટે કૂણી લાગણી અનુભવે છે. બાબાજીએ પ્રથમ ભૂરિયાને જીવનદ્રાવણ પીવડાવ્યું અને થોડી વાર તેને છોડી દીધો. પાંચ છ કલાક પછી જયારે ભુરીયો ભાનમાં આવ્યો, ત્યારે તેણે પૂછ્યું, “ હું ક્યાં છું?” તો તેમણે કહ્યું, “ તું સિવિલ હોસ્પીટલમાં છે.” તે વખતે બાબાજી તેને ડોક્ટરના રૂપમાં દેખાયા, પછી ભૂરિયો પાછો બેભાન થઇ ગયો અને બીજે દિવસે તે ઉઠ્યો ત્યારે તે સિવિલ હોસ્પીટલમાં હતો.

તેણે હોસ્પીટલમાં પૂછ્યું તો ડોક્ટરે કહ્યું, “તમને એક વ્યક્તિએ ગઈકાલે મોડી રાતે એડમિટ કર્યા, તમે બેભાન થઇ ગયા હતા. તમારું આઈ કાર્ડ મળ્યું હતું તમારા ખીસ્સામથી તે આધારે તમારી કોલેજમાં સવારે ઇન્ફોર્મ કર્યું છે, કોઈ આવતું હશે તમને જોવા. તે જ  વખતે તેની નજર વોર્ડની બહાર ઉભેલા પ્રોફેસર અનિકેત અને સોમ પર પડી.

ક્રમશ: