Chalo America - Vina Visa - 9 - 10 books and stories free download online pdf in Gujarati

ચલો અમેરિકા - વિના વિઝા - પ્રકરણ - 9 - 10

ચલો અમેરિકા - વિના વિઝા

વિજય શાહ

પ્રકરણ – ૯

સાંજ સુધી ૫૦૦ માણસની એસાયલમમાં ૩૦૦૦ જેટલું માણસ ભરાયું. અને બાકી હોય તેમ વરસાદ દસ વાગ્યે શરૂ થયો. ટેન્ટમાં પાણી આવતું હતું અને સૌ વેદનાગ્રસ્ત હતા. ભાષા કોઈને સમજાતી નહોતી પણ નાનાં બચ્ચાંઓનાં રુદનની ભાષા એક જ હતી જે સૌને સમજાતી હતી.

બીજા દિવસે તેમને ત્યાં મેક્સિકન ચર્ચ અને પ્રેસ રિપોર્ટરોનું ટોળું આવી ગયું અને સાથમાં બ્રેડ, સેંડવીચ, કૉફી અને મફીન સાથે ત્યાં હાજર હતા. તેઓ અમેરિકા જવાને બદલે મેક્સિકોમાં રહી જવા સમજાવતા હતા. કરન્સીમાં મેક્સિકન પેસો ડૉલર સામે હારતો હતો. પણ અમેરિકામાં જવાનું લગભગ અશક્ય લાગતાં તેમની પાસે બે જ વિકલ્પો રહેતા. કાં તો મેક્સિકો રહી જાય અને કાં તો પાછા તેમને વતન જાય. વતનમાં ગરીબીની યાતના તેમને મેક્સિકોમાં રહી જવા પ્રેરતી હતી.

ટીવાના ગામના લોકો આ બિન વસાહતિઓનાં વધતાં જતાં ટોળાં સામે ચિંતિત હતા. પાણી અને ઇલેક્ટ્રિસિટી જેવી જરૂરિયાતો ઘટી જતાં "વસાહતીઓ પાછા જાવ"ના નારા સાથે દેખાવો થતા હતા. આ ભરાવાનો દર ખૂબ ઊંચો હતો. અને બિન વસાહતીઓની સંખ્યા વધી જતાં લૂંટફાટ અને દાદાગીરીના પ્રસંગો થતા જેને રોકવા પોલીસ સંખ્યા પણ ઓછી પડતી. ગામની વસ્તી ૧૨૦૦૦ અને બિન વસાહતીઓની સંખ્યા ૧૫૦૦૦ અને હજી વધતી હતી, રોજના ૧૦૦૦ના દરે.

એક ઇંટર્વ્યૂઅરે વીડિયો ઉપર એક ક્લિપ મૂકી જેમાં એક સીધાસાદા માણસને પૂછ્યું, અમેરિકાના પ્રમુખને લાગે છે, આ ૧૫૦૦૦ના ટોળામાં ૫૦૦ કરતાં વધુ ક્રિમિનલ માણસો છે અને પાછળ અમેરિકાની બોડમાં ઘૂસવા, બૉર્ડર તોડતા માણસો બતાવ્યા ત્યારે તે સહજ હસતાં બોલ્યો, “શું હું ક્રિમિનલ લાગું છું?

ઇંટર્વ્યૂઅરે કહ્યું, 'ના લાગતા તો નથી, પણ વિના આમંત્રણે ૬૦૦૦ માઇલની સફર કરીને અહીં આવ્યા તે શું બતાવે છે?"

તે બોલ્યો, "અમને સ્વપ્નાં બતાવીને ભરમાવ્યા છે અને હવે તે રાજકરણીઓ અમને ડિક્કો બતાવે છે તેનું આ પરિણામ છે."

"કોમન સેન્સથી સમજીએ તો સત્તાધીશો જે કંઈ કરે છે તે સમજી શકાય તેમ છે..વિના આમંત્રણે તેમના ઘરે આવતો માણસ ક્રિમિનલ જ છે અને તેમને રોકવાની તેમની ફરજ છે."

"સત્તા ઉપર જે નથી તેવા રાજકરણીઓ જાણી જોઈને આવો વિવાદ સર્જે કે જેથી સત્તાધીશો એવું કઈંક કરે અને સત્તાધારી પક્ષ તકલીફમાં આવે."

"પણ આ ચાલ દક્ષિણ અમેરિકાના દરેક દેશમાં ફેલાઈ જશે અને આવી વિકટ ઘટના ઘટે કે જ્યાં લશ્કર બોલાવવું પડે?" આ પ્રશ્ન પૂછી ઈંટર્વ્યૂઅર ઉત્તર શ્રોતાઓ ઉપર છોડીને આગળ જાય છે પણ ગટુને ઘેરી સૌ ઊભા થઈ જાય છે. "તમે આ બધું થઈ શકે છે તે જાણતા હોવા છતાં અમને આ આગમાં નાખ્યા?"

ગટુ કહે, "નાના શેઠે આ વાત છેલ્લા દિવસે કરી હતી. પણ હવે પાછા જવાની નિસરણી બળી ગઈ હતી. નાના શેઠ પણ સાથે છે અને આપણને બહાર કાઢવા મથે છે તેથી આપણે શાંત રહી તેઓ જે નક્કી કરે તે જોવું જ રહ્યું. મેક્સિકો એસાયલમમાં સુખેદુઃખે પાંચ દિવસો કાઢવા જ રહ્યા."

આગળ ગયેલી ટુકડીએ ધમાલ કરી અમેરિકાની તારની વાડો તોડી. સામેથી રબર બુલેટો છૂટી. ટિયર ગૅસ છુટ્યા. અને શૂટ એટ સાઇટના હુકમ હેઠળ બધાને પાછા હટાવ્યાં. અમેરિકાની બૉર્ડરમાંથી એસાયલમમાં દિવસના ૧૦૦ માણસો લેવાતા અને અમેરિકાએ સ્પષ્ટ કહી દીધું કે એસાયલમમાં દાખલ થયેલાને અમેરિકામાં છોડી નહીં મૂકતાં, તેઓને તેમના દેશમાં પાછા મોકલાવાશે અને જજ કહે તેટલો દંડ ભરવો પડશે.

પાંચમા દિવસે સાંજે નાના શેઠ આવ્યા ત્યારે સૌને મેક્સિકન પેપર મળી ગયા હતા. હવે બીજી બોર્ડર પાર કરવાની હતી. જ્યાં ઊંચી કાંટાની વાડ, બોર્ડર પેટ્રોલ પોલીસ અને અમેરિકન સૈનિક તેમને દાખલ થતા રોકવાનાં હતાં. પેસેંજરો સાથે ગટુ અને નાના શેઠ પણ ભયભીત હતા.

***

પ્રકરણ – ૧૦

ટોળાને કોઈ નિયમ હોતો નથી.

ટોળાનો નાયક આંધળો હોય છે.

ટોળું ઝનૂની હોય છે ત્યારે તેનામાં તાકાત હોય છે.

પણ સારા–નરસાની વિવેકશક્તિ હોતી નથી.

બીજે દિવસે સવારે અમેરિકાની બૉર્ડર પર જતાં બિનવસાહિતોનાં ટોળામાં ગટુ અને તેની ટીમના સભ્યો જોડાયા. અમેરિકાની બૉર્ડરનું માઇક સ્પેનીશમાં અને અંગ્રેજીમાં કાયદા સમજાવી રહ્યું હતું. બિન અધિકૃત રીતે દાખલ થનારાને જેલ અને દંડ કે પરાણે દેશ નીકાલની સજા થાય છે તેમ કહી બિનઅધિક્રુત રીતે દાખલ ન થવા સમજાવાઈ રહ્યું હતું. ઊંચી તારની વાડ પાછળ બૉર્ડરસલામતિના પોલીસો કાચની પૂરા કદની ઢાલો લઈને ઊભા હતા.

આ બાજુ ૫૦૦ કરતાં વધુ બિનવસાહતીઓનાં ટોળામાં ગણગણાટ ચાલુ હતો કે,

"સામે સો કરતાં ઓછા માણસો છે. વાડ તોડી નાખી અમેરિકામાં ઘૂસી જઈએ."

"પણ તેમની પાસે શસ્ત્રો છે."

"તેઓ કંઈ ગોળીબાર નહીં કરે."

"કંઈ ભરોસો કરાય નહીં."

ઉકળાટ વધતો ગયો અને એક નબળી ક્ષણે ટોળું તારની વાડ ઉખાડી અમેરિકાની ધરતી ઉપર ઘૂસી ગયું. આ ઘટના ઘટી કે તરત જ બોર્ડર પેટ્રોલના પોલીસોએ રબર બુલેટથી ઘૂસેલા સૌ વસાહતીઓને ઘાયલ કર્યા અને બીજી બાજુ ટિયર ગૅસના બોંબ વરસવાના ચાલુ થઈ ગયા. સ્ત્રીઓએ બૂમાબૂમ કરવા માંડી. નાનાં બચ્ચાંઓની આંખો બળવા માંડી. તોફાને ચઢેલું ટોળું પાછું પડ્યું અને વાડ તરત જ સંધાઈ ગઈ. ઉપરથી હેલિકૉપ્ટર ગરમ પાણીના ફુવારા છોડતું હતું. ચીસાચીસ કરતું ટોળું પાછું પડ્યું. ત્યાં માઇક ઉપર ફરીથી, શૂટ એટ સાઇટનો હુકમ અમલમાં આવ્યો છે તેથી બૉર્ડર નજીક આવેલાં ટોળાંને હવે સાચી બુલેટથી વિંધાશે કે અમેરિકન વાડને નુકસાન કરનારને ચિમકી અપાઈ કે કોઈ વિના વિચાર્યુ કામ ના કરશો. ઘાયલોને ઉપાડી ટોળું પાછું પડ્યું. રબરની બુલેટો પગમાં વાગે અને તરત લોહી નીકળતું હતું.

ગટુને નાના શેઠની ચીમકી હતી. ૧૧૫માંથી કોઈ ખોવાવું ના જોઈએ કે કોઈ ઘવાવું ના જોઈએ. તે નિયમ હેઠળ કોઈને સક્રિય રણમાં જવા દેતો નહોતો, પણ રબરની બુલેટો છૂટી ત્યારે દરેકને ટોળામાં પાછળ કરી દીધા હતા અને કૅમેરાથી દૂર રહેવાની નોટિસ આપી હતી.

પહેલો પ્રયત્ન નાકામ થયો. બીજો પ્રયત્ન ચાર વાગે થવાનો હતો. આ વખતે એકસાથે ચાર જગ્યાએથી સક્રિય થવાનુ હતું. ફેંન્સ આખી ખોલીને એક સાથે બધા હલ્લો કરવાના હતા. આગળની બાજુ નાનાં બચ્ચાં અને સ્ત્રીઓને રાખી તેઓનો હુમલો નબળો પાડવાની વાત હતી. સામે પક્ષે જઈને શરણાગતિ સ્વીકારવાની વાત સમજાતી નહોતી. એનો બીજો મતલબ એ થતો કે તમારા કાયદાનો સવિનય ભંગ.

બરોબર ચાર વાગ્યે નાનાં બાળકો સાથે સ્ત્રીઓએ બૉર્ડર તરફ ચાલવા માંડ્યું. તેમની પાછળ પુરુષોએ ચાલવા માંડ્યું. આખી ફેન્સને એક સામટી સ્ત્રીઓએ હલાવવા માંડી. સાથે સાથે વિનવણીના સૂરે ગાતાં ગાતાં કહેવા માંડી, અમે સારા કાર્યકર છીએ, અમને ગોળીએ ના વીંધો, અમને કામ આપો.

આ નવતર પ્રકારની હલચલમાં ધ્યાન રખાતું હતું કે પ્રોપર્ટીનું નુકસાન ન થાય. અંદાજે કલાક્ની વિનવણી પછી માઇક ઉપર ચેતવણી અપાઈ. પાંચ વાગે ફેન્સની અંદર ઇલેક્ટ્રિક કરંટ પસાર થશે. પહેલાં પાણી છંટાશે, ત્યાર પછી ફેન્સમાં કે ફેન્સ ઉપર ચઢેલા સૌને ઇલેક્ટ્રિક શોક લાગશે, જે જાન લઈ શકે છે. તેથી આપને વિનંતી કે પાછાં ચાલ્યા જાવ.

બરાબર પાંચનાં ટકોરે બે હેલિકૉપ્ટર પાણીનો છંટકાવ કરી ગયા પછી સાયરન વાગ્યું અને ચેતવણી અપાઈ. ફેન્સથી પાંચ ફૂટ પાછાં હટી જાવ. તેમ ન કરનારને જીવલેણ શૉક લાગી શકે છે. અમેરિકન સરકાર આ શૉક ફેન્સ માટે જવાબદાર નથી. આ ચેતવણી જુદી જુદી ભાષામાં અપાઈ અને સાયરન ફરીથી વાગી.

***