લવ મેરેજ - 9

ઘબ ધબ દ્વાર પર થતા ટકોરાના અવાજથી અહાનની આંખ ખૂલી ગઈ. તેણે ઘડીયાળમાં જોતા કહ્યું. "આ સમયે, અડધી રાત્રે કોણ હશે વળી?" દિવસ ભરની માથાજીક બાદ નિંદરમાં પડેલી ખલેલનો રોષ તેના ચહેરા પર સાફ દેખાઈ રહ્યો હતો.

તેણે દરવાજો ખોલ્યો. દરવાજાની પેલે પાર કેટલીય મથામણથી વિચલીત શાંતિકાકા ઉભા હતા. અહાને તેમને અંદર આવવા કહ્યું. 

"શું થયું ? કેમ અત્યારે?" અહાને પૂછ્યું.

"પીયૂશ..., અહાન પીયૂશનો કોલ આવ્યો હતો."

"તેણે શુ કહ્યું? તે ક્યાં છે? તેને કેમ છે?" અહાનની સાથે જાગી ગયેલી અનવી બોલી. તેણે એક સામટા ઘણા બધા પ્રશ્નો પૂછી લીધા.

"તેણે માત્ર એટલું જ કહ્યું કે તે મુસીબતમાં છે. અહાન એને શોધવો પડશે." શાંતી કાકા ચિંતાતુર હતા. ઘડિયાળ અને શાંતી કાકાના ચહેરા બંન્ને પર બાર વાગ્યાં હતા.

"પણ કેવી રીતે? " અનવી બોલી.

"આ લોકો કહે છે કે અહાને કૈંક બનાવેલું હતું. તે ફરીથી ચાલું કરીને." શાંતી કાકા નોનટેક્નિકલ માણસ હતાં. છતાં તેને એટલો વિશ્વાસ હતો કે અહાને બનાવેલું કૈક  વસ્તુ કે યંત્ર તેના દીકરાને શોધી લેશે.

"અરે..." અહાન ભૂતકાળમાં પોતે સર્જેલા જટાયુને પોતે જ કેવી રીતે નષ્ટ કર્યું હતું . તે યાદ કરતાં બોલ્યો.

"અહાન , બીજો કોઈ રસ્તો છે ખરો?" શાંતી કાકા બોલ્યા.

અહાન પરીસ્થીતીનું વિશ્લેષણ કરી રહ્યો હતો. તે શું કરવું શું ન કરવું તેની અસમંજસમાં હતો.  અહાન સ્પષ્ટ શબ્દ વડે 'ના' નહોતો કહી શકતો છતાં તેના હાવ-ભાવ અણગમો પ્રદર્શિત કરી રહ્યા હતા. શાંતીકાકા તેને કાકલૂદી કરી રહ્યા હતા. અહાન સાંભળતો હતો પરંતુ તે જાણે કશું જ ન સાંભળતો હોય તેવો ડોળ કરી રહ્યો હતો. અહાન શાંતીકાકા સાથે નજર પણ નહોતો મેળવી રહ્યો. તે સ્પષ્ટ રીતે ના પાડે તે પહેલા જ અનવી બોલી

"અહાન, મારા ખાતર, પ્લીઝ"

અહાન કશો ઉત્તર આપ્યા વગર સીધો જ બેડરૂમમાં ચાલ્યો ગયો. અનવીને ખૂબ જ દુઃખ લાગ્યું.  અહાને પ્રથમવાર તેની વાત માની નહોતી. ગુસ્સે ભરાયેલી અનવી અહાનની પાછળ-પાછળ બેડરૂમ સુધી ગઈ અહાને પૂરું બળ કરીને કિંગસાઇઝની સેટી ખસેડી અહાનને આ રીતે બળ કરતા જોઈને અનવીને શું બોલવું. તેની ખબર ન પડી. તેણે માત્ર જોયા જ કર્યું. બથ્થડ સેટી માંડ અડધી ખસેડી ત્યાં સેટીની ખાલી જગ્યા થઈ ત્યાંય લાંબી લાલ રંગની જાજમ પાથરેલી હતી. અહાને એક હાથે જાજમ ઝાટકા ભેર દૂર કરતા ધૂળની ડમરી અહીં તહીં ઊડી. જાજમની નીચે એક ગુપ્ત દરવાજા જેવું કશું હતું. અહાને બળ કરી ને કોટા સ્ટોનની ભારે પાટ ખસેડી. 

"આ બધું શું છે"  અહાનને જોઈને અનવી બોલી 

"પીયૂશને શોધવાની સામગ્રી"

"આ બધું ક્યારથી અહીં છે?"

અહાને કશો જવાબ ન આપ્યો. અહાને અંદર રહેલી ભારે ભરખમ બેગ બહાર કાઢી અને કોટા સ્ટોને ફરી બંધ કરી દીધો. અહાન ફરી દીવાનખંડમાં આવતા બોલ્યો 

"અનુ હું આ છેલ્લી વખત માત્ર તારા માટે કરું છું."

***

લગભગ સાડા દસ વાગ્યાનો સમય હતો. દિવસ ધીમે-ધીમે ચડી રહ્યો હતો. લોકો પોતાની રોજિંદી દિનચર્યામાં વ્યસ્ત હતા. ત્યારે ત્રસ્ત શાંતીકાકા, નીતુ અને માલિનીને લઈને પોલીસ ચોકી તરફ જઈ રહ્યા હતા. તેઓ ડરેલા હતા. તેમને શું કરવાનું છે. તે બરાબર યાદ છે. તેમણે અડધી રાત્રે અહાનના ઘેર બેસીને આ નાટકનું રિહર્સલ કેટલીય વાર કર્યું હતું. અહાને તેને એક-એક નાનામાં નાની વાત સમજાવી હતી. ક્યારે શું કરવાનું અને ક્યારે શું નહીં કરવાનું છતાં પણ તેમના માટે આ કઠિન હતું. ખરેખર જુઓ તો કોઈપણ સામાન્ય માણસ માટે તે અઘરું કામ હતું.

શાંતીકાકા બંને સ્ત્રીઓ સાથે ચોકીમાં જઈને બાંકડા પર બેસી ગયા. તેઓ વાઘેલા સાહેબના આવવાની રાહ જોઈ રહ્યા હતા. હવાલદારે કહ્યું હતું  કે  સાહેબ હમણાં જ આવશે  પરંતુ વાઘેલા સાહેબ 11:30 વાગ્યે ટહેલતા ટહેલતા આવ્યા. શાંતીકાકા નમસ્તે કરતાં  ઉભા થયા. વાઘેલાએ તેમની સામે જોયું ન જોયું કરીને એમ તેમની કેબિનમાં ચાલ્યો ગયો. શાંતીકાકાએ અંદર આવવાની પરવાનગી માંગી પરંતુ તેમને બહાર જ રાહ જોવાનું કહેવામાં આવ્યું. થોડા સમય બાદ વાઘેલા બહાર આવ્યો 

"સાહેબ, મારા દીકરાની કશી ભાળ મળી?" શાંતીકાકા દોડીને વાઘેલા પાસે ગયા. 

વાઘેલાએ તેમને પ્રોત્સાહન ન આપતા ટૂંકો જવાબ આપ્યો. વાઘેલા બને તેટલો કડક રહેતો. કોઈ જ ફરિયાદી સાથે વધારે વાત ન કરતો. શાંતિકાકાએ વાઘેલા ને પોતાના દીકરા વિશે પૂછપરછ કરી. તેણે પોતે કેટલા દુઃખી છે તે જણાવ્યું જો કે તેની પરિસ્થિતિ પર વાઘેલાને જરા પણ રહેમ ન આવી. વાઘેલાએ માત્ર રિપોર્ટ લખવાની સલાહ આપી. શાંતિકાકાએ ક્યારની એફ.આઇ.આર. લખાવી  દીધી હતી. છતાં તેને કોઈ જ માહિતી મળી નથી તેવી ફરિયાદ કરી. શાંતીકાકાની ફરિયાદ સાંભળતા વેંત જ તે આગબબુલા થઈ ગયો. 'શું પોલીસ સાવ નવરી હોય છે? અને તું કે તારો છોકરો કંઈ વી આઈ પી છો કે પોલીસ હંમેશા તારી પાછળ પાછળ દોડ્યા કરે?' એવું કહી શાંતીકાકાને તેણે ભગાડવા પ્રયાસ કર્યો. 

"સાહેબ નક્કી કરી લો કે તમારે મદદ કરવી છે કે પછી ..." શાંતીકાકા તેના સ્વભાવથી અલગ અંદાજમાં બોલ્યા.

"ડોસા તું મારી ચોકીમાં આવીને મને ધમકી આપે છો! તું એમ નહીં માને" વાઘેલાએ જોરથી શાંતીકાકાનો કાંઠલો ઝાલ્યો. તેણે વૃદ્ધ માણસને ઢસડવાનું શરુ કર્યું તે માંડ બે-ત્રણ ડગલા ભરી શક્યો હશે. ત્યાં જ દરવાજામાંથી દોડાદોડ કરતા બે લોકો વાઘેલાની સામે ઊભા રહી ગયા. અંદર ઘૂસેલા લોકોએ ફોર્મલ કપડા પહેર્યા હતા. તેમના ગળામાં આઇડી કાર્ડ ઝૂલતા હતા. તેમાં એક માણસે કેમેરો પકડી રાખ્યો હતો અને બીજી સ્ત્રીના હાથમાં માઇક હતું. તે તેજતર્રાર ગુજરાતી બોલી રહી હતી.
 
"શું એક વૃદ્ધ માણસને ન્યાય માંગવાનો પણ હક નથી? શું ગુજરાતમાં ચાલે છે પોલીસનું ગુંડારાજ? શું છે આ વૃદ્ધ વ્યક્તિની વ્યથા અને કથા? જાણવા માટે બન્યા રહો મારી સાથે. હું પ્રીતી, કેમેરામેન રિઝવાન સાથે માત્ર ને માત્ર સંદેશ ન્યૂઝ પર."

"ચાલ ચાલ બંધ કર આ નોટંકી" ઇન્સ્પેક્ટર વાઘેલા શાંતિકાકાનો કોલર છોડતા બોલ્યા 

"પાંડુ ભગાડ આ બંનેને" ઇન્સ્પેક્ટર વાઘેલા ઓર્ડર આપતા બોલ્યા. બે હવાલદાર ન્યુઝ રિપોર્ટર સામે દોડી ગયા. 

"ઇન્સ્પેક્ટર ઇન્ટરવ્યૂ આપશો તો ફેમસ કરી દઈશ અને જો હાંકી કાઢવાની ચેષ્ટા કરશો તો હેડલાઈન બનાવી દઈશ" પ્રીતી સાવ નિર્ભય થઈને બોલી. 
રિપોર્ટરને પકડવા આવી રહેલા હવાલદાર ત્યાં જ ઊભા રહી ગયા. તે બંને ઇન્સ્પેક્ટર વાઘેલાના ઓર્ડરની રાહ જોઈ રહ્યા હતા. વાઘેલાને શું કરવું તે ન સમજાયું તે મૂંઝવણમાં હતો.

"નીતુ આ જ સમય છે આપણા ખેલ બતાવવાનો" નીતુના કાનમાં નાનું એવું બ્લુટુથ ડિવાઈસ હતું. નીતુ તરત જ બાંકડા પરથી ઉભી થઇ ગઈ. નીતુની આંખોમાં હજી  કોઈ પ્રોબ્લેમ નથી છતાં તેણે આંખો પર અજીબ પ્રકારના ચશ્મા પહેર્યા હતા. તે ચોકીની ચોતરફ નજર ફેરવવા લાગી.

"હવે શું કરું?" તેણે સામે છેડે બોલી રહેલા અહાનને પૂછ્યું. અહાન ચોકીની બરાબર પાછળ એક વેનિટી વેનમાં બેસેલો હતો. તેની પાસે રોડ માસ્ટર ફોરેન્સિક હાર્ડ ડ્રાઈવ ડુપ્લીકેટર અને એનેલાઇઝર હતું. તેની પાસે વાયરલેસ પાસવર્ડ બ્રેકર એન્ટેના હતું. જેના વડે તે ગમે તેવા પબ્લિક વાઇ-ફાઇનો ઉપયોગ કરી શકતો હતો. રોડ માસ્ટર એક મસમોટી ટ્રાવેલિંગ જેવું લાગતું હતું. તેણે તેને ખોલ્યું તો ઉપરના લીડમાં મસમોટી એલઇડી સ્ક્રીન હતી. તેની સાથે કમ્પ્યૂટરના કેટલાય જટીલ યંત્રો જોડાયેલા હતા. એક નાની એવી ડિશ ગોળ ફરી રહી હતી.  તે કોઈ કેબલ ડિશ જેવી લાગતી હતી. તે જેમ જેમ ઘૂમતી તેમ સ્ક્રીન પર અલગ અલગ પ્રકારની ફ્રિકવન્સી દેખાઈ રહી હતી.

"નીતુ સીધી જા" નીતુ એ પહેરેલા ચશ્મા અસલમાં એક સ્પાય કેમેરાવાળા ચશ્મા હતા. નીતુ જે કંઈ જુએ છે. તે અહાન બહાર બેસીને તેની કોમ્પ્યુટર સ્ક્રીન પર જોઈ શકે છે. નીતુ ધીમે પગલે ચાલી રહી હતી. નીતુ ડરેલી હતી. તે પહેલીવાર કશું રોજિંદા જિંદગીથી કશું અલગ કરી રહી હતી. તેથી તેનો રોમાંચ નીતુને આનંદ અને ડર બંનેની અનુભવતી કરાવી રહ્યો હતો. નીતુ લગભગ 'પ્રવેશ નિષેધ' લખેલા બોર્ડની નીચે ઉભી હત.  તે અંદર દાખલ થઈ શકે તે પહેલા એક પોલીસમેને તેને જોઈ લીધી.તે નીતું તરફ ચાલ્યો. અહાનની બીજી સ્ક્રીન પર આ દ્રશ્ય ઝડપાઈ ગયું. માલિનીએ પણ તેવા ચશ્મા પહેર્યા હતા. 

"માલિની હવે તારો વારો" અહાને ઇશારો કર્યો 

"અરે ઇન્ટરવ્યૂ એનું શું કામ? લેવું હોય તો મારું લ્યો." માલિની વાઘેલા તરફ રોષમાં જઈ રહી હતી. તેને આવી રીતે વાઘેલા તરફ જતા જોઈ પેલો ઇન્સ્પેક્ટર નીતુને પડતી મૂકીને વાઘેલા તરફ દોડ્યો
 
"હા બોલો તમારે શું કહેવું છે?"  રિઝવાને કેમેરો માલિની તરફ ફેરવ્યો. માલિનીના ચહેરા પર રોષ બનાવટી નહોતો. તે ભલે ખેલનો હિસ્સો હતો પરંતુ આ તેની કુત્રિમતા નહીં પણ તેનું સાચું દર્દ હતું.
 
"તે શું બોલે, હું બતાવું છું શું થયું છે." શાંતીકાકા ખૂબ ઊંચા સ્વરે બોલ્યા.

એક તરફ આ સસરા વહુની જોડીએ ધ્યાન ભટકાવ્યું અને બીજી તરફ નીતુ પોલીસ ચોકીના એક મહત્વના રૂમમાં સીધી પ્રવેશી ગઈ. નીતુને શીખવાડ્યા પ્રમાણે તેણે રૂમમાં પ્રવેશતાં જ એક કોમ્પ્યુટરનું સાદુ માઉસ કાઢી અને તદ્દન નવા પ્રકારનું નવું નક્કોર યુ એસ બી માઉસ સીપીયુ સાથે જોડીને રાખી દીધું. તે એક સ્પાય જી એસ એમ માઉસ હતું જેના વડે ચોકીમાં થનારી બધી મહત્વની વાતો અહાનને સાંભળવા મળવાની હતી. 

"નીતુ હવે એક પછી એક બધા જ કોમ્પ્યુટર પાસેથી પસાર થા અને થોડી ઉતાવળ રાખજે. જો કોઈ આવી ગયું હોય તો આપણો પ્લાન ચોપટ થઇ જશે" અહાન બોલ્યો. 

આટલું સાંભળીને નીતુ ડરના માર્યા થરથર ધ્રુજવા લાગી. તે ધીમા ધીમા પગલા ભરી રહી હતી અને બહાર શાંતિકાકા બૂમાબૂમ કરી રહ્યા હતા. તે પોતાના દીકરાને શોધવા માટે પોલીસને ફરજ પાડી રહ્યા હતા. અને પોલીસને બે જવાબદાર પણ ગણાવી રહ્યા હતા. પોલીસે અત્યાર સુધી કશું પણ કર્યું નથી તેવો તેણે દાવો કર્યો હતો. તે એક સામાન્ય માણસ છે એટલે તેને ન્યાય નથી મળતો. તેનો દીકરો ક્યાં છે તેની ભાળ નથી મળતી. તેના પર વીતેલા તમામ દુઃખો અને આફતના પહાડ તે મીડિયા સામે ખુલીને બોલી રહ્યા હતા 

"નીતુ જલ્દી"અહાન ચિંતા બોલતો હતો. નીતુએ તે રૂમના બધા જ કોમ્પ્યુટર જોઈ લીધા પરંતુ ત્યાં કશું જ મળ્યું નહીં. અહાન પણ બેચેન થઈ ગયો. તેણે નીતુને તરત જ બહાર નીકળી જવા કહ્યું. ભલેને અહાને તેને નોર્મલ રહેવા સલાહ આપી અને બિલકુલ નહિ ભાગવાનું કહ્યું.છતાં નીતુએ દોટ મૂકી. 

"હવે એક જ જગ્યાએ તે હોઈ શકે છે." અહાન બોલ્યો 

"ક્યાં" 

"વાઘેલાની ચેમ્બરમાં"

નીતુ આટલુ સાંભળતા જ ગભરાઈ ગઈ . તેણે ત્યાં નહીં જવાનું કહ્યું . પરંતુ અહાન માટે નીતું એક માત્ર સહારો હતી. તેણે નીતુંને હિંમત આપી અને આગળ વધારી. નીતુ ડરતા પગલે ક-મને વાઘેલાની ચેમ્બરમાં પ્રવેશી.

"માલિની થોડો વધારે હંગામો જોઈએ છે. ત્યાં બધાને ઉલજાવી રાખ" અહાને દિશા નિર્દેશ કર્યો.

"નહીં ચલેગી, નહીં ચલેગી, પોલીસકી ગુંડાગર્દી નહીં ચલેગી. પોલીસતંત્ર હાય હાય..." માલિની જોરજોરથી નારા લગાડવા લાગી. થોડીવારમાં તો કેટલાય લોકો પોલીસ સ્ટેશનમાં એકઠા થઈ ગયા. 
"નીતુ જો પેલું લેફ્ટમાં  પડ્યું છે તે  મારુ કોમ્પ્યુટર છે" અહાને કહ્યું

નીતુએ તેના પર્સમાંથી એક સામાન્ય પેનડ્રાઈવ જેવું લાગતું ડિવાઇસ કાઢ્યું. તેણે તેને ચોકસાઈપૂર્વક સી.પી.યુ.ના પાછલા યુ.એસ.બી સ્લોટમાં ઇન્સર્ટ કર્યું. નીતુએ જલ્દીથી તેનુ પર્સ લીધુ અને ઉતાવળે પગલે ચાલતી થઈ. તેણે તે કોમ્પ્યુટરમાં કી-લોગર લગાડ્યું હતું. જેથી અહાન તે કોમ્પ્યુટરમાંથી માહિતી વેનમાં બેઠા બેઠા મેળવી શકે. જેવું નીતુનું કામ પત્યું કે તરત અહાને તેનુ કામ શરૂ કર્યું.
નીતુ ચેમ્બરની બહાર નીકળી પરંતુ બહાર તેની સામે એક હવાલદાર ઉભો હતો . તે નીતુ સામે શંકાની નજરે જોવા લાગ્યા . નીતુના હોશ ખોવાઈ ગયા. તેને શું બોલવું તેના ફાંફાં પડવા લાગ્યા. નીતુ અહાનની ટ્રેનિંગ પ્રમાણે બને તેટલી નોર્મલ રહેવા પ્રયાસ કરી રહી હતી. છતાં તેના મસ્તિષ્ક ઉપર પરસેવો બાજી રહ્યો હતો. તે અંદરથી ઘણી બધી ડરેલી હતી. તેનો હાથ ધ્રૂજવા લાગ્યો હતો. તેથી તેણે તેના બંને હાથ પાછળ તરફ લઈ અને કસીને પકડી રાખ્યા હતા. હવાલદાર તેને જાણે ભયંકર નફરત ના કરતો હોય તેમ જોઈ રહ્યો હતો. 

"શું છે તારે? કેમ અહીં ઉભી છો?" હવાલદાર તાડુકાઇને બોલ્યો. અહાન હજી જવાબ વિચારી રહ્યો હતો. નીતુના હોશ ઉડી ગયા. હવે શું બોલવું તેની નીતુને ખબર નહોતી. અહાન જવાબ વિચારી રહ્યો હતો. પેલો હવાલદાર જવાબની પ્રતીક્ષામાં વ્યાકુળ થઈ ગયો હતો. તે જોરથી બોલ્યો 

"હવે કંઈક બોલ"

 "વોશરૂમ..., વોશરૂમ ક્યાં છે? હું ક્યારની તેને શોધું છું." હવાલદારે વોશરૂમ તરફ આંગળી ચીંધી. નીતુનો જવાબ સાંભળતા અહાન અને હવાલદાર બંને હસી પડ્યા. 

"શાંતીકાકા, હવે બસ કરો આ મીડિયાવાળા તમારા છોકરાને પાછો નહી લાવી શકે. હું લાવી દઈશ. તમે આ બધું રોકો." વાઘેલા શાંતીકાકાના કાનમાં જઈને બોલ્યો. સદનસીબે શાંતીકાકાને હિયરીંગ ડિવાઇસ નહોતું પહેરાવ્યું નહીંતો ભાંડો ફૂટતા વાર નો લાગેત. 

"હું મારા ડિપાર્ટમેન્ટ વતી આશ્વાસન આપું છું કે શાંતી કાકાના દીકરાને હું જલ્દી શોધી લાવીશ. પ્લીઝ હવે આપ લોકો અહીંથી જાવ. અમને અમારું કામ કરવા દો." વાઘેલાએ ડિપાર્ટમેન્ટની આબરૂનો ધજાગરો થતા રોકવા પ્રયાસ કર્યો.

"દર્શકો , જોયું તમે સંદેશ ન્યુઝે સત્તાની ઘોર નિંદ્રામાં ઘોરતા પોલીસતંત્રને કેવી રીતે જગાડયું . વધારે અપડેટ માટે જોતા રહો સંદેશ ન્યુઝ. હું પ્રીતિ કેમેરામેન રિઝવાન સાથે.

આ રીતે શો પૂરો થયો. શાંતીકાકા, માલિની અને નીતુએ પોતાના ઘર તરફ પ્રસ્થાન કર્યું.  તમાશા પસંદ ટોળું વીખરાયું. વાઘેલાની અકડ તેને તેના સ્ટાફ સામે આંખો મેળવવા નહોતી દેતી એટલે તેણે પોતાની જીપ કાઢી અને રાઉન્ડ મારવા ચાલ્યો ગયો. રિપોર્ટરે રીક્ષા પકડી. તેઓ બસ સ્ટેન્ડ ગયાં. ત્યાં અહાન તેમની રાહ જોઈને ઉભો હતો અહાને પાંચસો-પાંચસોની બે નોટ કાઢી બન્નેના હાથમાં મૂકી અને બંને ભાડાના એક્ટરો રાજી થઈને બસમાં બેસી ગયા. ન્યૂઝ એન્કર પ્રીતી અને કેમેરામેન રીઝવાનના બનાવટી આઈ.ડી. કાર્ડ અહાનના હાથમાં ઝૂલી રહ્યાં હતાં.

***

Rate & Review

Verified icon

Rakesh 1 month ago

Verified icon

Bhakti 2 months ago

Verified icon
Verified icon

Pankaj Dave 2 months ago

Verified icon

Heena Suchak 2 months ago