Sambhavami Yuge Yuge - 28 books and stories free download online pdf in Gujarati

સંભવામિ યુગે યુગે ભાગ ૨૮

ભાગ ૨૮

સોમ માથે હાથ દઈને બેસી ગયો. રામેશ્વરે સામેના સોફા પર બેસતાં પૂછ્યું, “શું થયું છે?” સોમે કહ્યું, “તે પાયલને લઇ ગયો. હવે હું શું કરીશ? પાયલ વગરના જીવનની હું કલ્પના પણ નથી કરી શકતો.” રામેશ્વરે કહ્યું.” બાબાને ખબર હતી કે જટાશંકર આવું કંઈક કરી શકે છે, તેથી બાબાએ પાયલ ફરતે એક સુરક્ષા કવચ બનાવી દીધું હતું. તેથી તે ભલે પાયલને લઇ ગયો પણ તે પાયલને કોઈ નુકસાન નહિ પહોંચાડી શકે.” હવે ચોંકવાનો વારો સોમનો હતો. તેણે પૂછ્યું, “આપ જટાશંકર વિષે જાણો છો? અને આ બાબા કોણ છે?” રામેશ્વરે કહ્યું, “હા, મને બધી વાતની ખબર છે અને ત્યારથી ખબર છે, જયારે તું પોતે પણ નહોતો જાણતો કે તારી કુંડળી રાવણ જેવી જ છે.”

 એક પછી એક થઇ રહેલા રહસ્યોદ્ઘાટનથી સોમને શૉક લાગ્યો. રામેશ્વરે કહ્યું, “ આમાં ચિંતા કરવાનું કોઈ કારણ નથી, હવે તને પુરી વાત કરું.” એમ કહીને રામેશ્વર બોલવા લાગ્યો. બે કલાક એકધારું બોલ્યા પછી રામેશ્વર ઉભો રહ્યો. રામેશ્વરની વાત સાંભળતા સાંભળતા સોમના ચેહરા ભાવ બદલાતા રહ્યા.

તેણે રામેશ્વરનો હાથ પકડીને કહ્યું, “થોડીવાર પહેલા તમારા માથે પિસ્તોલ મૂકી, તેના માટે મને માફ કરજો. હું આજ સુધી જે મારી સાથે નાની નાની ઘટનાઓ બની તેને દુર્ઘટનાઓ સમજતો હતો.જટાશંકરે કરેલા વારને તમે નિષ્ફળ કરીને દર વખતે તમે મને બચાવતા હતા અને મને એક વાર પણ ખબર ન પડી. તમારું આ ઋણ હું કેવી રીતે ઉતારીશ?” આટલું કહેતા કહેતા સોમની આંખો ભીની થઇ ગઈ હતી.

રામેશ્વરે કહ્યું, “દરેક વ્યક્તિનો જન્મ કોઈ કારણસર થતો હોય છે, કોઈને પોતાના જીવનના લક્ષ્ય વિષે ખબર પડી જતી હોય છે અને કોઈ કારણ વગર આખું જીવન વિતાવી દેતી હોય છે. મારો જન્મ તારી રક્ષા કરવા માટે થયો છે એમ સમજ અને મારા કર્મનું ફળ આપવાવાળો ઉપર બેઠો છે, તેથી તું તારા માથે મારું ઋણ ન રાખીશ અને હજી એક સ્પષ્ટતા કરી દઉં છું, તું જે હત્યાનો ભાર પોતાના મન પર લઈને ચાલી રહ્યો છે, તે હત્યા મેં કરી હતી. હું તને મળીને કહેવા માંગતો હતો, પણ મને સામે આવવાની મનાઈ હતી, પણ જટાશંકર એક વાર ખુલીને મેદાનમાં આવી ગયો છે. તેથી બાબાજીએ તને મળીને મદદ કરવાનું કહ્યું છે.”

 સોમે પૂછ્યું, “આ બંગલો કોનો છે?” રામેશ્વરે કહ્યું, “આ બંગલો પ્રદ્યુમનસિંહજીનો છે અને હું તેમના ઈશારે કામ કરું છું.” સોમે પૂછ્યું, “તેમની સાથે મુલાકાત ક્યારે કરાવશો?” રામેશ્વરે જવાબ આપ્યો, “સમય આવે તેમની સાથે મુલાકાત થઇ જશે.” સોમે પૂછ્યું, “આગળનો પ્લાન શું છે? અને હવે આપણે શું કરીશું?” રામેશ્વરે કહ્યું, “ જટાશંકર એ ભયંકર ક્રૂર અને શક્તિશાળી વ્યક્તિ છે અને તે શક્તિઓ તેણે સ્વબળે મેળવી છે. તેણે પાછલા છસો વર્ષમાં પચાસ હજારથી વધુ લોકોના બળી આપ્યા છે. તેને મારવાના અનેક પ્રયત્નો થયા પણ તે દર વખતે બચી જાય છે અને તે એટલો ઘાતકી છે કે જેનો બળી આપે છે, તેના હૃદયનું સેવન કરે છે. તેની શક્તિની કલ્પના તેની સાથે થયેલા સામનામાં થઇ હશે? તે વખતે જટાશંકર ફક્ત તારી સાથે રમત કરી રહ્યો હતો, તેને હરાવવો હોય તો તારે તેનાથી શક્તિશાળી થવું પડશે. તારે રાવણને આત્મસાત કરવો પડશે અને તારી જરૂરિયાતના પુસ્તકો અને સામાન ઉપરના બેડરૂમમાં પડ્યા છે.”

 સોમે કહ્યું, “રાવણ તો એક પદ છે.” રામેશ્વરે કહ્યું, “હું તે પદની વાત નથી કરી રહ્યો, હું વાત કરી રહ્યો છું રક્ષ સંસ્કૃતિના મહાનાયક રાવણની. તું તેના જેટલો શક્તિશાળી થઇ જઈશ પછી તને પદની કોઈ જરૂરત નહિ રહે, તું પોતાને પદથી મોટો કર. તારા જીવનનું લક્ષ્ય જટાશંકરનો વિનાશ છે.” સોમને રામેશ્વરની વાતો સમજાઈ રહી હતી. સોમે પૂછ્યું, “ભુરીયાનું શું થશે? રામેશ્વરે કહ્યું, “આની ચિંતા તું ન કર, આની ઉપર તું હોસ્પિટલમાં મુકીને ગયો પછી મોટો વાર થયો છે, તેથી અને બીજા યોગ્ય અને સુરક્ષિત સ્થળે ખસેડું છું અને હા, ગામમાંથી તારા માતાપિતાને પણ સુરક્ષિત સ્થાને મોકલી દેવામાં આવ્યા છે એટલે તું તેમના વિષે કોઈ જાતની ચિંતા ન કર. જીગ્નેશને પહેલેથી જ બીજી જગ્યાએ મોકલી દીધો છે.”

 સોમે કહ્યું, “એ કેવી રીતે બને? હું ભૂરિયાને લઈને નીકળ્યો, તે વખતે જીગ્નેશ રૂમમાં જ  હતો. રામેશ્વરે કહ્યું, “હજી ન સમજ્યો, તે જટાશંકર પોતે હતો અને તે નજીક રહીને તારી બધી ગતિવિધિ જાણવા માંગતો હતો. તેથી આદેશ મુજબ તારી જરૂરિયાતના બધા પુસ્તકો મેં હટાવી લીધા હતા.” સોમે કહ્યું, “આટલું મોટું ચક્ર?” રામેશ્વરે કહ્યું, “હજી ઘણું બધું જોવા અને જાણવા મળશે. તું તારા કામમાં ધ્યાન આપ. ભુરીયાને મૂકીને હું પાયલનો શોધ લઉ છું. ચાલ, હું રજા લઉ અને તારા જમવાની વ્યવસ્થા રાજુ કરી દેશે.”એમ કહીને ભૂરિયાને ખભે ઉપાડીને તે બહાર નીકળી ગયો અને સોમ ઉપરની તરફ બેડરૂમમાં ગયો. બેડરૂમ શાનદાર રીતે સજાવેલો હતો. ખુબ થાકેલો હોવાથી સોમને તરત ઊંઘ આવી ગઈ. મોડી રાત્રે કોઈ અવાજ થતાં તેની આંખો ખુલી તે ઉઠવા ગયો, તો ઉઠી શક્યો નહિ. તેના હાથપગ બંધાયેલા હતા અને સામે ખુરસીમાં જટાશંકર બેસેલો હતો તેણે સોમ તરફ જોઈને કહ્યું, “કેવું લાગ્યું મારુ ઇંદ્રજાલ?”  

ક્રમશ: