આત્માના અંતિમ સંસ્કાર ! – ૧૭

 

આત્માના અંતિમ સંસ્કાર ! – ૧૭

“યુવા ક્યા છે ?” વખતે ચિંતિત સ્વરે પૂછ્યું. સવારના શિવમંદિરની આરતી પૂરી થઇ ગઈ હતી અને પ્રોફેસર આશ્રમની બહાર આવેલા નાનકડા તળાવ પાસે બેઠા હતા અને ત્યાજ એમણે દુરથી વખતને આવતો જોયો. એ ચિંતિત લાગતો હતો. “યુવા અંદર સુતી હશે, ઝારા સાથે, કેમ શું થયું વખત ? તું કેમ આટલી વહેલી સવારે અહી દોડી આવ્યો ? બધું બરોબર છે ને ?” પ્રોફેસરે પૃચ્છા કરી. વખતે હસીને માથું નમાવ્યું. “કોઈ ખાસ વાત નથી પ્રોફેસર, મને ખબર નહિ કેમ પણ વિચિત્ર સપના આવતા હતા, મને યુવા પાસે લઇ જાવ અત્યારે જ.” બંને આશ્રમ તરફ ચાલી નીકળ્યા.

વખત રૂમમાં આવ્યો અને જોયું તો યુવા સુતી હતી. વખતે વ્હાલથી એના માથા પર હાથ ફેરવ્યો. એનું કપાળ સહેજ ગરમ હોય એવું લાગતું હતું. વખતના સ્પર્શથી યુવાએ આંખો ખોલી. “મામા” એ ધીરા લાડ ભર્યા સ્વરે બોલી અને વખતનો હાથ પકડીને ગાલ પાસે રાખી ને પાછી આંખો બંધ કરી દીધી” વખતે એની ઊંડી નીલવર્ણી આંખોમાં જોયું, કોઈ અલગ પ્રકારની ઉષ્મા એને દેખાઈ ! વખતે એની નાડી પર હાથ મુક્યો અને એ જોર જોરથી ધબકતી હતી. એણે એક ઊંડો શ્વાસ લીધો અને આંખો મીચી દીધી. “બેટા, તને દીક્ષા આપવાનો સમય આવી ગયો છે” એ બબડ્યો.

***

સહુ રેવાના ઘેર પાછા ફરી ગયા હતા. બપોરનો સમય હતો અને વખત અને યુવા એમના ઘેરથી દુર એક ખડક પર બેઠા હતા. વખત યુવાનો હાથ પકડીને સૂર્ય સમક્ષ નજર કરીને બેઠો હતો. યુવા ઊંડા અને ધીરા શ્વાસ લેતી હતી. વખતે ઘેર બધાને કડક સુચન આપ્યું હતું કે સાંજ સુધી કોઈ એ બંનેને બોલાવે નહિ અને ત્યાં આવે પણ નહિ. પ્રોફેસરને પણ એણે દીક્ષા આપવાની વાત કહી દીધી હતી. “યુવા, બેટા, સાંભળ, તું મોડર્ન છોકરી છે અને મોટે ભાગે શહેરમાં મોટી થઇ છે એટલે તને નવાઈ લાગશે પણ આજે હું મારામાં રહેલી શક્તિઓ તને આપવા માંગુ છું. એ તારી રક્ષા કરશે અને એ તને સાચો માર્ગ બતાવશે. શિવજીનું નામ લઈને હું કરું છું એ કર તું બેટા” યુવાએ હકારમાં માથું નમાવ્યું. આમ પણ એને ગઈ રાત્રી પછી અજીબ સંવેદના થતી હતી. કોઈ લાંબા કાળા વાળવાળી એનીજ પ્રતિકૃતિ હોય એવી એના જ જેવા ચહેરા  મોહરા જેવી યુવતી એના સપનામાં આવી રહી હતી અને સ્મિત કરી રહી હતી. એ જેવી હાથ લાંબા કરીને એને પકડવા જતી કે એ આકૃતિ ગાયબ  થઇ જતી હતી. કોણ હતી એ ? યુવાને અચાનક શરીરમાં પણ અજબ સ્ફૂર્તિનો અહેસાસ થતો હતો ! એને ખબર નહોતી પડી રહી કે એવું તે એક રાતમાં શું થઇ ગયું હતું ! એમાં પણ વખતે એને કૈંક દીક્ષા કે એવું આપવાનું કહ્યું હતું અને એને એમાં કઈ ખબર નહોતી પડતી, વખતે એને એવું સમજાવ્યું હતું કે એ હિમાલયમાં મોટો થયેલો છે અને એનામાં અમુક ચમત્કારિક શક્તિઓ છે કે જે એ યુવામાં નિરૂપણ કરવા માંગે છે. યુવાએ ઝીદ પકડી હતી કે ઝારાને પણ વખત દીક્ષા આપે અને વખતે હસીને કહ્યું હતું કે એનો પણ સમય આવશે અને એના માટે એ ઝારાને પણ તૈયાર કરશે પણ અત્યારે એનો સમય છે.

“જો બેટા, હું કહું છું એમ કર, આમ મારી સામે જો, આ સામે પડેલો છે એ પથ્થર પર ધ્યાન કેન્દ્રિત કર” વખતે યુવાને સુચના આપી. યુવાએ ત્યાં દુર પડેલા એક નાનકડા પથ્થર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. વખતે એટલીવારમાં માટીમાં થોડું પાણી નાખીને એક શિવલિંગ તૈયાર કર્યું અને એને એક મોટા ખડક પર મૂકી દીધું અને એ એની સામે આંખો બંધ કરીને બેસી ગયો અને ધીમા અવાજે એના પિતાજીને યાદ કરીને મંત્રોચ્ચાર કરવા લાગ્યો. અચાનક વાતાવરણ બદલાઈ ગયું. આકાશમાં વાદળો છવાઈ ગયા. ઠંડો પવન જોર જોરથી ફૂંકાવા લાગ્યો. યુવા હજુપણ એ પથ્થરના ટુકડા તરફ તાકી રહી હતી. અચાનક એ પથ્થરનો ટુકડો એક નાનકડા વિસ્ફોટ સાથે ફાટ્યો અને એના ચુરા ચુરા થઇ ગયા ! યુવાએ આશ્ચર્યથી વખત સામે જોયું અને વખતે સંતોષપૂર્વક એની સામે સ્મિત કર્યું અને એને પોતાની બાજુમાં બેસવાનો ઈશારો કર્યો. યુવા પદ્માસનની મુદ્રામાં વખતની બાજુમાં બેસી ગઈ અને એણે સામે વખતે બનાવેલા નાના શિવલિંગ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. પવન હવે વધારે જોર જોરથી ફૂંકાવા લાગ્યો હતો. વખતે એક છરી કાઢી અને યુવાનો હાથ પકડીને એના  જમણા કાંડમાં એક નાનકડો ચીરો કર્યો. યુવાને કોઈ જ પ્રકારની પીડા ના થઇ, એ આશ્ચર્યથી બધું જોઈ રહી. હવે વખતે પોતાના હાથમાં પણ એવોજ એક ચીરો કર્યો અને પોતાનો હાથ એણે યુવાના હાથ પર મૂકી દીધો. વખતનું ગરમ ગરમ લોહી યુવાના ચીરો કરેલા ઘા માં થી વહેતા લોહીમાં ભળવા લાગ્યું ! યુવાને કૈંક અજીબ અનુભૂતિ થઇ રહી હતી. એણે એની આંખો બંધ કરી દીધી ! એના શરીરમાં જાણેકે અચાનકજ સો સો હાથીનું બળ સમાઈ  રહ્યું હોય એવું એને લાગવા મંડ્યું હતું. એ ધ્રુજવા લાગી હતી. વખતે શિવ સ્તુતિનું પઠન શરુ કર્યું અને યુવા હવે વધારે જોરથી ધ્રુજવા લાગી. ઠંડો પવન હવે વધારે જોર જોરથી ફૂંકાવા લાગ્યો હતો અને વાવાઝોડાનું સ્વરૂપ લેવા લાગ્યો હતો. યુવા હવે જાણેકે ધૂણી રહી હોય એમ આમ તેમ ડોલવા લાગી હતી.

***

શિવાનંદ એના આશ્રમની બહાર આવ્યો. એણે જોયું કે ઉત્તર દિશામાંથી ઠંડો પવન વહી રહ્યો હતો અને એ વાવાઝોડાનું સ્વરૂપ પકડી રહ્યો હતો ! એણે આંખો બંધ કરી દીધી ! ઓફ ! અહી અત્યારે કોણ છે જે દીક્ષા પ્રાપ્ત કરી રહ્યું છે ? એને નવાઈ લાગી ! એ વાવાઝોડાની દિશામાં દોડ્યો.

***

યુવાએ આંખો ખોલી અને એની આંખો લાલ લાલ થઇ ગઈ હતી, એના શરીરમાં ગરમ ગરમ લોહી વહી રહ્યું હતું. કોઈ ઉત્તુંગ પહાડો પર નાચતી આકૃતિ, વિરાટ આકૃતિ કે જે સમગ્ર બ્રહ્માંડને પણ આવરી લે, ડમરુંનો અવાજ, ત્રિશુલ, પોતાની પ્રતિકૃતિ એવી કોઈ આકૃતિ કોઈ ગુફામાં બેઠી બેઠી એની સામે જોઈને સ્મિત કરી રહી હોય, હિમાલયની ગુફામાં બેઠેલ બીજું કોઈ લાંબી સફેદ દાઢી વાળું વ્યક્તિ પણ એની સામે જોઈ રહ્યું હોય એવું એને લાગવા માંડ્યું હતું. વખતે આંખો બંધ કરીને એનો હાથ પકડી રાખ્યો હતો. યુવાએ એક ભયાનક ત્રાડ પાડી, વખતે એનો હાથ દબાવ્યો અને આંખો બંધ કરીને સ્તુતિ ચાલુ રાખી. એટલામાં શિવાનંદ ત્યાં આવી પહોંચ્યો. એ એક ઝાડની ઓથ પાસે ઉભો રહીને આ અદભુત દ્રશ્ય જોઈ રહ્યો ! એણે પણ એની આંખો બંધ કરી દીધી અને એ શિવજીનું સ્મરણ કરવા લાગ્યો. વાવાઝોડું ત્રીવ ગતિએ એમની ચારેકોર ફરવા લાગ્યું. આખી ધરતી ત્યાં ડોલતી હોય એવું લાગવા માંડ્યું. હવે યુવા ઉભી થઇ ગઈ અને એક પગ ઉંચો કરીને નૃત્ય કરવા લાગી. એની આંખો ઊંડી ઉતરી ગઈ હતી અને એનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. ક્યાંક ક્ષિતિજમાંથી એક પ્રકાશ પુંજ પ્રગટ થયું અને યુવાના મસ્તિષ્કમાં સમાઈ ગયું. આંખો બંધ કરીને શિવજીની સ્તુતિ કરી રહેલા વખત અને શિવાનંદને એ વાત ની ખબર નહોતી કે યુવાના મસ્તિષ્કની આજુબાજુ બીજા નવ મસ્તિષ્ક ઉભરી રહ્યા હતા ! યુવા હવે જાણે કે દસ મસ્તિષ્ક વાળી કોઈ અસુરા જેવી લાગતી હતી. એ પ્રચંડ તાકાતથી નૃત્ય કરી રહી હતી. લગભગ એક કલાક સુધી આમ જ ચાલ્યું. શિવાનંદે આંખો ખોલી અને એ જ ક્ષણે યુવાના બીજા નવ મસ્તિષ્ક ગાયબ થઇ ગયા. શિવાનંદને કૈંક અજુગતું લાગ્યું પણ એને કઈ ખબર નાં પડી. વખતે પણ હવે આંખો ખોલી અને યુવાના માથા પર હાથ મુક્યો. “ઓ મહાન શિવજી, ઓ મહાન શક્તિના વહનકર્તા, ઓ દેવોના દેવ, મહાદેવ, મારી આ પુત્રીનું કલ્યાણ કરજો, એનામાં રહેલી દૈવીય વૃતિને જાગૃત કરજો, હે મહાન દેવ, એનું રક્ષણ કરજો અને એને સાચા માર્ગે ચાલવા માટે માર્ગદર્શન કરજો.” વખતે આકાશ તરફ જોતા કહ્યું. આકાશમાંથી કૈંક અટ્ટહાસ્ય જેવું સંભળાયું અને એક વીજળી જેવો પ્રકાશ પુંજ ઝબકીને ગાયબ  થઇ ગયો. વખતે એક સ્મિત કર્યું, એનું કાર્ય પૂર્ણ થયું હતું. એની બહેનને આપેલું વચન એણે પૂરું કર્યું હતું, એણે યુવાનો હાથ પકડ્યો અને એ રેવાના ઘર તરફ ચાલી નીકળ્યો. ઝાડની પાછળથી આ બધું જોતા શિવાનંદે પણ એક ક્રૂર સ્મિત કર્યું. “હા હા હા, દૈવીય વૃતિ, હા હા હા, વખત, તું ભલે મારા ગુરુનો પુત્ર હોય પણ તને એ ખબર નથી કે યુવામાં હું આસુરી વૃતિનું નિરૂપણ કરીશ અને એને જગતની સહુથી શક્તિશાળી યોદ્ધા બનાવીશ. એ પણ આશ્રમ તરફ ચાલી નીકળ્યો. વખત અને શિવાનંદ બંનેને ખબર નહોતી કે એ લોકો કોને જાગૃત કરવાની કોશિશ કરી રહ્યા હતા ! એ પ્રચંડ ઉર્જા બહુ મોટો પ્રલય પેદા કરશે એવી એમને કોઈને જાણ નહોતી.

પહાડની ટોચ પરથી આ બધું જોતા એમનાં હોઠો પર સ્મિત આવી ગયું.

***

એમ્બેસેડર ધૂળ ઉડાડતી આગળ વધી ગઈ. પ્રોફેસર અને વખત ત્યાંથી નીકળી ગયા હતા. વખતના મુખ પર હાસ્ય હતું. એને સંતોષ હતો કે એણે એનું કાર્ય બરોબર નિભાવ્યું હતું અને હવે યુવાને કોઈ ખતરો નહોતો.

યુવાએ એક ઊંડો શ્વાસ લીધો અને એ એના પાપા અને વખતને જતા જોઈ રહી. એને કૈક અજીબ પ્રકારની બેચેની થતી હતી. વખતે એને જ્યારથી દીક્ષા આપી હતી ત્યારથી એનું મન કોઈ વાતમાં ચોંટતું નહોતું. એ થોડી ગુમ સુમ થઇ ગઈ હતી. ઝારાથી આ છૂપું રહ્યું નહોતું. યુવાએ એને દીક્ષાની બધી વાત કરી હતી અને એ હસી  પડી હતી. આવી ચમત્કારિક શક્તિઓમાં એ માનતી નહોતી અને એણે યુવાને શાંત રહેવા સૂચવ્યું હતું. વિરાટ પણ યુવાને ગુમસુમ જોઈ રહ્યો હતો અને એણે અને ઝારાએ પીકનીક પર જવાનું નક્કી કર્યું હતું. એક વહેલી સવારે વિરાટ એના મિત્ર એવા એક ગેરેજવાળા પાસેથી એક બીજું બાઈક લઇ આવ્યો હતો અને એ અને સમર બંને ઝારા અને યુવાને પાછળ બેસાડીને બાઈક પર પહાડોને ખુંદવા નીકળી પડ્યા હતા. રેવાએ એમને થોડો નાસ્તો ભરી આપ્યો હતો. એ આનંદથી ચારે જણાને જતા જોઈ રહી હતી. એને આ મીઠડી યુવતીઓ બહુજ ગમી હતી અને એના બંને પુત્રો આમને પરણી જાય એવી ઈચ્છા એનામાં જોર  કરવા લાગી હતી. પ્રોફેસર પાછા આવે એટલે આમની વાત કરીશ એવું નક્કી કરીને એ ઘરની અંદર ગઈ અને મેજરના ફોટા સામે ઉભી રહી ગઈ. આજે એ બહુ ખુશ હતી. “કાશ તમે આજે અહિયાં હોત” એ મનોમન બોલી ઉઠી.

સમરની ગરદન પર યુવાનો ગરમ ગરમ શ્વાસ એને દઝાડી રહ્યો હતો. યુવા એની કમર પકડીને એની પાછળ બેઠી હતી. સમરને કૈંક થઇ રહ્યું હતું. એના મુખ પર વારે ઘડીએ સ્મિત આવી રહ્યું હતું. આવું એને કોઈ દિવસ પણ થયું નહોતું. બસ આમ જ યુવા એની પાછળ બેસી રહે અને એ લોકો અનંત સમય સુધી પ્રવાસ કરતા રહે એવી એને અનુભુતી થઇ રહી હતી. એ પ્રેમમાં પડી રહ્યો હતો. યુવા એનું સર્વસ્વ બની રહી હતી. સુંદર મોહક સ્મિત કરવાવાળી, નીલી નીલી સંમોહિત કરી નાખે એવી આંખો વાળી યુવા ! એણે એક્સીલરેટર પર જોર દીધું અને બાઈક ભગાવ્યું.

ઝારાએ નાસ્તાનો ડબ્બો ખોલ્યો અને એક સેન્ડવીચ કાઢીને વિરાટને આપી. વિરાટના હાથમાં બાસ્કેટ હતું એટલે એણે આગળ ઝુકીને સેન્ડવીચ એના મોઢામાં મુકવાનો ઈશારો કર્યો. ઝારા મીઠું હસી અને એણે સેન્ડવીચ વિરાટના મોઢામાં મૂકી દીધી. એના ગાલ શરમથી લાલ લાલ થઇ ગયા હતા. આ સુંદર નવજવાન એને બહુ ગમવા લાગ્યો હતો. રાત દિવસ એને બસ વિરાટ જ દેખાતો હતો, શું આ જ પ્રેમ છે ? એને કઈ ખબર નહોતી પડતી. આજે એમને એકલા મળવાનો મોકો મળ્યો હોતો એટલે એ જાણવા ઈચ્છતી હતી કે વિરાટ એના માટે શું વિચારે છે. એ લોકો એક સુંદર નાનકડા તળાવ પાસે આવેલી વનરાજી પાસે બેઠા હતા, આજુબાજુ નાનકડા પહાડોની હારમાળા હતી. અત્યંત મનભાવન દ્રશ્ય હતું. સમર અને યુવા તળાવ પાસે માછલી પકડવા ગયા હતા અને વિરાટ અને ઝારા એક ઝાડ નીચે બેસીને નાસ્તો ગોઠવતા હતા.

યુવા એ પ્રેમથી એની સામે બેઠેલા સુદ્રઢ બાંધાના નવજુવાન સામે જોયું. કેપ્ટન સમર એની આંખોમાં વસી ગયો હતો, એને અત્યાર સુધી ના થઇ હોય એવી લાગણી એની સાથે રહી ને થવા લાગી હતી. શું આ પ્રેમ હશે ? શું ગમતી વ્યક્તિ સાથે રહીને તમે તમારી જાત ને ભૂલી જાવ એ જ પ્રેમ હશે ? સમરે અચાનક એની માછલી પકડવાવાળું દોરડું ઊંચું કર્યું અને એમાં એક નાનકડી માછલી ફસાઈ હતી. સમરે યુવાની સામે જોઈએ વિજયી સ્મિત કર્યું. માછલી એના હાથોમાં છટપટી રહી હતી. યુવા ધીરેથી સમર પાસે ગઈ અને એણે માછલી એના હાથોમાં લઇ લીધી. તરફડતી માછલી અચાનક શાંત થઇ ગઈ. યુવાએ એક ક્ષણ માછલી સામે જોયું અને પછી એણે એને ઊંચકીને પાછી તળાવમાં ફેંકી દીધી. સમરે ગુસ્સામાં યુવા સામે જોયું અને યુવા ખડખડાટ હસી પડી. એણે સમરને ધક્કો માર્યો અને સમર એનું બેલેન્સ ગુમાવી બેઠો અને તળાવમાં પડ્યો. યુવા ફરીથી હસી પડી. સમર ગુસ્સામાં ઉભો થયો. એના કપડા કાદવ કીચડ વાળા થઇ ગયા હતા. “ઉભી રહે તું યુવા, શેતાન !” સમરે બુમ પાડી અને એ યુવા પાછળ દોડ્યો. યુવા હસતી હસતી ત્યાંથી ભાગી. તળાવના રેતાળ પટમાં યુવા આગળ અને સમર પાછળ દોડી રહ્યા હતા. અચાનક સમરે દોડતા દોડતા ડાઈવ મારી અને યુવાના પગ પકડી લીધા. યુવા હસતા હસતા નીચે પડી ગઈ. સમર હાંફતી અને પછી ઉભી થઈને ભાગવા માંગતી યુવા પર ચડી ગયો અને એના હાથ એણે જમીન સરસા ચાંપી દીધા. યુવાએ એની સુંદર મોટી મોટી બ્લુ આંખો સમર તરફ પટપટાવી અને સમરનું હૃદય પાછું એક ધબકારો ચુકી ગયું. એ સંમોહિત નજરે યુવાને જોતો જ રહ્યો. યુવાએ જોર કરીને એના હાથ છોડાવ્યા અને એ ઉંચી થઇ અને એને જોઈ જ રહેલા સમરના હોઠો પર એણે એક હળવું ચુંબન કરી દીધું. સમર આઘાતમાં આંખો બંધ કરીને એની બાજુમાં પડ્યો અને યુવા શરમાઈને હસતી હસતી ત્યાંથી દોડી ગઈ. “આઈ લવ યુ યુવાઆઆઆઆ...” સમરે જોરથી યુવાની પીઠ પાછળ બુમ પાડી. યુવા રોકાઈ ગઈ અને પાછળ વળીને એણે સમરની સામે જોયું અને પછી શરમાઈને ત્યાંથી દોડી ગઈ.

વિરાટના મોઢામાંથી સેન્ડવીચનો ટુકડો નીચે પડી ગયો. એણે એના ભાઈની બુમ સાંભળી અને એને આશ્ચર્ય અને આનંદનો મિશ્રિત આઘાત લાગ્યો ! એણે ઝારા સામે જોયું. ઝારાએ એની આંખો નચાવી અને એક મધુર સ્મિત કર્યું. “મોટો તો ગયો ભાઈ હવે, યુવા ભાભીઈઈઈઈ” વિરાટે જોરથી બુમ પાડી અને એની સામે દોડીને આવતી યુવાને એણે ઊંચકી લીધી અને ગોળ ગોળ ફેરવી દીધી. યુવાએ શરમથી એને જોરથી ચુંટલો ખણ્યો અને હસતા હસતા એને ભેંટી પડી. ઝારા પણ એ બંનેની વચ્ચે ઘુસી ગઈ અને એમને ભેંટી પડી. એટલી વારમાં કાદવ કીચડથી ખરડાયેલો સમર ત્યાં આવી પહોંચ્યો અને એ ત્રણેને જોઇને હસી પડ્યો અને એ એમને ભેટવા આગળ વધ્યો પણ ત્રણેએ એના આવા દેદાર જોઇને મોઢા બગડ્યા અને એને પાછા તળાવ તરફ જવાનું કહ્યું. વિરાટે પ્રેમથી યુવાનું મુખ પકડ્યું અને એના માથે એક ચુંબન કરી દીધું. “આઈ લવ યુ, યુવા, તારી અને મારા ભાઈની જોડી જામશે, હું આજે ખુબજ ખુશ છું” યુવાએ વિરાટનો હાથ પકડ્યો અને ઝારા સામે જોયું. “આ બેન નું પણ કૈંક વિચારો વિરાટમહારાજ, તમારા પ્રેમમાં ક્યાર ની ઝૂરી રહી છે, સાલી આખી આખી રાતો સુતી નથી અને મને પણ સુવા દેતી નથી” યુવાએ ઝારાની સામે આંખો નચાવીને કહ્યું. “યુવાડી, જુઠ્ઠી, ઉભી રે તું ત્યાજ” ઝારાએ ગુસ્સામાં બુમ પાડી અને એ યુવાની પાછળ દોડી. યુવા ખડખડાટ હસતી હસતી તળાવ તરફ ભાગી. વિરાટે ઝારાને કમરથી પકડી લીધી. “જવા દે એને, તું કે મને, શું એ સાચું છે ?” ઝારાએ શરમાઈએ માથું નીચે જુકાવી દીધું અને હસીને વિરાટને ભેટી પડી. વિરાટે આનંદથી બુમો પાડી. “આઈ લવ યુ, ઝારા”.

યુવાએ તળાવના પાણીમાં પોતાના કપડા પર લાગેલા કીચડને ધોઈએ આવતા સમર પર ડાઈવ મારી અને બંને પાછા કાદવમાં પડ્યા !

***

“શું આ સાચું છે ? તારામાં તારા મામાએ કોઈ શક્તિનું નિરૂપણ કર્યું છે ?” સમરે પૂછ્યું. એ અને યુવા એક ઝાડ નીચે બેઠા હતા. સમરને નાનપણની યુવા વિષે એના પાપા, પ્રોફેસર અને એની માતાએ કરેલી વાતો યાદ આવી ગઈ ! યુવા કોઈ પંડિતની પુત્રી છે કે જે હિમાલયમાં રહે છે એવું એને આછું પાતળું  યાદ આવી રહ્યું હતું પણ એને લાગ્યું કે એ વાત કદાચ યુવાને ખબર નહિ હોય અને અત્યારે એ વાત ઉખાળવાનો કોઈ મતલબ પણ નહોતો.

“મને કઈ ખબર નથી સમર, હું નાનપણથી જ ઇઝરાયેલ જતી રહેલી અને ત્યાં મને મારા માસ્ટર રબ્બી અકીવા એ ટ્રેઈન કરેલી છે. મને આવી કોઈ શક્તિ વિષે જાણ નથી પણ હા મને કૈંક મારામાં અજુગતું છે એવું લાગ્યા કરે છે. હું ગુસ્સે થાઉં ત્યારે મને ભાન રહેતું નથી અને હું પ્રચંડ ઉર્જાનો સ્ત્રોત બની જાઉં છું અને હિંસક પણ ! ખબર નથી આ બધું શું છે, પણ જ્યારથી હું તને મળી છું મારી અંદર એક શાંતિ સ્થપાઈ છે. મને ખુબજ અનેરો આનંદ આવી રહ્યો છે. તને મળીને હું જાણે કે પૂર્ણ થઇ ગઈ હોવ એવું લાગે છે. તું મને છોડીને ક્યાય નહિ જાય ને સમર ? ગમે તેવી મુસીબત આવે પણ મને પ્રોમિસ આપ કે તું સદાય મારી સાથે રહીશ અને મને સાથ આપીશ” યુવાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. એને એની માતા ઈશિતાની પણ ખુબજ યાદ આવી રહી હતી. એ રેવામા એની માતાને જોઈ રહી હતી અને એને રેવાના સાનિધ્યમાં ખુબજ શાંતિ મળતી હતી.

સમરે યુવાનું માથું પકડ્યું અને એના કપાળ પર એક ચુંબન કર્યું. “યુવા, તું જાણે છે કે હું તને ક્યારેય છોડીને નહિ જાઉં. આ મારું વચન છે. હું સદાય તારી સાથે રહીશ અને તને સાથ આપીશ. બસ મને એક કામ બાકી છે એ કરી લેવા દે, મારા પિતાજીને શોધવાનું, અને એના માટે હું કાલે શિવાનંદજી ના આશ્રમમાં જાઉં છું. મારે એમને મળીને અમુક વાતો પૂછવી છે અને પછી મારા પિતાજીની શોધમાં નીકળવું છે. આ રહસ્ય મારો પીછો નથી છોડતું યુવા, પ્લીઝ મને આ કામ કરી લેવા દે, પછી હું સદાય તારી સાથે રહીશ.” સમરે મક્કમ સ્વરે કહ્યું. યુવાએ આંખો જુકાવીને સમરનો હાથ પકડીને ઉષ્માપૂર્વક દબાવ્યો. “પ્લીઝ થોડા દિવસ રોકાઈ જા ને, હું અને ઝારા આમ પણ વેકેશન પતે એટલે મુંબઈ જઈએ જ છીએ, ત્યાર પછી જજે ને” યુવાએ આજીજી કરી અને સમરે સંમતિમાં માથું હલાવ્યું.

***

“તમે મને બહુ યાદ આવશો રેવામાં” યુવાએ રેવાને ભેટતા કહ્યું. રેવાની આંખોમાં પણ આંસુ હતા. બંને છોકરીઓ પાછી મુંબઈ જઈ રહી હતી. વખત એમને લેવા આવ્યો હતો. રેવાએ પ્રેમથી બંને છોકરીઓ ના માથે હાથ ફેરવ્યો અને એના હાથમાં રહેલો લાલ દોરો લઈને બે ટુકડા કરીને બંનેના જમણા હાથ પર બાંધી દીધો. “ભગવાન તમારી રક્ષા કરે બેટા, પ્લીઝ જલ્દીથી પાછા આવજો, આ તમારી માં તમારી અહી જ રાહ જોતી ઉભી હશે.”

ધૂળ ઉડાડતી કાર ત્યાંથી નીકળી ગઈ અને રેવા વિરાટના ખભે માથું નાખીને જ્યાં સુધી જોવાય ત્યાં સુધી એને જોઈ જ રહી. જેવી કાર નજરથી ઓઝલ થઇ કે સમરે બાઈક બહાર કાઢ્યું અને કિક મારી. “ભાઈ, હું પણ આવું તારી સાથે ?” વિરાટે પૂછ્યું. “ના વિરાટ, તું અહી જ રહે અને મા નું ધ્યાન રાખ, સમાચાર મળ્યા છે કે શિવાનંદ પાછા અહી આશ્રમમાં આવ્યા છે, હું એમને મળીને સાંજ સુધીમાં પાછો આવી જઈશ” સમરે બાઈક ભગાવી.

“જીદ્દી છે એ, એ એના પિતાજીને શોધીને જ જંપશે. પ્રભુ એની રક્ષા કરે” રેવા બબડી અને વિરાટનો હાથ પકડીને અંદર જતી રહી.

યુવાએ કારની બારીમાંથી દુર થતી રેવામાંની આકૃતિ જોઈ, એની આંખોમાં પાણી આવી ગયા. એને કૈંક ન સમજાય એવી બેચેની થઇ. “ફરી ક્યારે મળીશું રેવામાં ને અને સમર/વિરાટ ને ? શી ખબર નિયતિ ક્યા લઇ જશે ?” એણે એક ઊંડો નિઃસાસો નાખ્યો.

***

શિવાનંદે આંખો ખોલી અને સામે બેઠેલા પડછંદ સમર તરફ જોયું. એના મુખ પર સ્મિત આવી ગયું. એ જ પ્રતિકૃતિ, એ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ, એ જ નાક નકશો, એને એનો ભાઈબંધ અને ભેરુ સમ્રાટ યાદ આવી ગયો. શિવાનંદે સમરની સામે સ્મિત કર્યું.

“આવ બેટા આવ, મને ખબર છે તારા મસ્તિષ્કમાં શું ચાલી રહ્યું છે ! પણ મેં તો તને આખી વાત ફરી ફરી ને કહી દીધી છે, હવે આનાથી વિશેષ હું તને શું મદદ કરું, બેટા ?” શિવાનંદ ધીરેથી બોલ્યો.

“મને ખબર છે ગુરુજી, પણ હું ફક્ત તમને એ જગ્યા કે જ્યાં મારા પિતાજી ગાયબ થયા હતા ત્યાનો રસ્તો બતાવાનું કહું છું, પ્લીઝ ખોટું ના લગાડતા, હું કોઈના પર શક નથી કરતો પણ હું જાતે એ જગ્યા એ એક વાર જવા માંગું છું અને અંતિમ વાર મારા પિતાજીને શોધવાનો પ્રયત્ન કરવા માંગું છું. મને બસ તને એ જગ્યાનો રસ્તો બતાવી આપો” સમરે બે હાથ જોડીને કહ્યું.

શિવાનંદે એક ઊંડો નિસાસો નાખ્યો. એને ખબર હતી કે સમર જીદ્દી છે અને એ નહિ માને. એણે એક કાગળ લીધો અને એમાં કૈંક દોર્યું અને સમરને આપી દીધું. “આ લે, આમાં બધી જ માહિતી છે, આ જગ્યાએ જતા પહેલા આદિવાસીઓનું એક ગામ પણ આવે છે, ત્યાં તને એ લોકો મદદ કરશે, આ મારી એક માળા સાથે લઇ જા અને એમને બતાવજે એટલે એ લોકો તને આ જગ્યાએ જવાનો સરળ માર્ગ બતાવશે. ભગવાન તારું ભલું કરે બેટા, જલ્દી પાછો આવજે” શિવાનંદે આશીર્વાદ આપતા હાથ ઉંચો કર્યો. સમર એ કાગળ હાથમાં લઈને શિવાનંદને ઝડપથી પ્રણામ કરીને ત્યાંથી નીકળી ગયો. જેવો એ ઉંધો ફર્યો કે એની પીઠ પાછળ શિવાનંદે એક ક્રૂર સ્મિત કર્યું અને મનમાં બોલ્યો “તારી અંતિમ યાત્રા સુખદ રહે, સમર, બેટા !”

***

રેવાએ સમરનો ખભો થપથપાવ્યો. “ભગવાન તારી રક્ષા કરે બેટા” સમર રેવાને ભેટી પડ્યો અને પછી એણે વિરાટનો હાથ પ્રેમથી દબાવ્યો. “માં નું ધ્યાન રાખજે, હું જલ્દી આવીશ અને સારા સમાચાર પણ લાવીશ” વિરાટે હકારમાં માથું ધુણાવ્યું અને એ પણ સમરને ભેટી પડ્યો. સુરજ ડૂબવા આવ્યો હતો અને એના લાલ કિરણો ધરતી પર પથરાઈ રહ્યા હતા. અચાનક ટ્રેનની વ્હીસલ વાગી અને ટ્રેન ધીરે ધીરે આગળ વધવા લાગી. રેવા અને વિરાટે હાથ ઉંચા કરીને સમરને વિદાય આપી.

***

“બસ અહી ઉતારી દે મને, હું આગળ પગપાળો ચાલ્યો જઈશ, આમ પણ આગળ રસ્તો નથી” સમરે ટેક્સી ડ્રાઈવરને કહ્યું. એણે નીચે ઉતારીને પૈસા ચૂકવ્યા અને એ પગપાળો જંગલ તરફ જતી એક નાનકડી કેડી ઉપર ચાલવા લાગ્યો. શિવાનંદે આપેલા નકશા મુજબ એને આગળ જતા આદિવાસીનું ગામ મળવાનું હતું જ્યાં એ રોકાઈને આગળનો રસ્તો કાપવાનો હતો. લગભગ બે કલાક જેવું ચાલ્યા પછી સમરને દુર ધુમાડો નીકળતો હોય એવું લાગ્યું. એક નાનકડા મેદાન જેવી જગ્યાએ લગભગ વીસ પચ્ચીસ જેટલા ઝુંપડા હતા અને એની બહાર અર્ધનગ્ન જેવા અમુક લોકો બેઠા હતા. સમરને જોઇને એ લોકો ઉભા થઇ ગયા અને સતર્ક થઇ ગયા. સમરે આગળ વધીને શિવાનંદે આપેલી માળા એમને બતાવી અને એ લોકોના મુખ પર સંતોષની રેખા ફરકી ગઈ, એમનામાંથી એક બેઠી દડીનો જુવાન આદિવાસી આગળ આવ્યો અને એણે સમર સાથે હાથ મિલાવ્યો. “તમારું સ્વાગત છે ઓ પરદેશી, તમને શિવાનંદે મોકલ્યા છે ?” જવાબમાં સમરે ડોકું ધુણાવ્યું. “ચાલો વાળુંનો સમય થઇ ગયો છે, તમે જમી લો પછી આપણે વાતો કરીશું” એણે સમરને એક ખુલ્લી જગ્યા તરફ દોર્યો.

 “અમે લોકો પેઢીઓથી અહી રહીએ છીએ. લગભગ હજારો વર્ષો પહેલા અમારા પૂર્વજો અહી ઉતરી આવ્યા હતા અને અહી જ વસી ગયા હતા. અહી આવેલી હજારો ચોરસ કિલોમીટરની જગ્યામાં અમારા નાના નાના ગામડાઓ છે. અમે લોકો વનદેવીની પૂજા કરીએ છીએ અને શિવજીને અમારા આરાધ્યદેવ માનીએ છીએ. અહી લગભગ દર વર્ષે કોઈને કોઈ આવે છે શિવજી ની શોધ માં અને અમે એમને કૈલાસ પર્વત પર આવેલી એક પ્રાચીન જગ્યાનો રસ્તો બતાવતા આવ્યા છીએ. આ જ અમારું કર્તવ્ય છે. કહેવાય છે કે અમારા એક પૂર્વજને શિવજીએ સાક્ષાત દર્શન આપીને ભૂલેલા અને ભટકેલા મુસાફીરોને રાહ દેખાડવાનું કામ ચીન્ધેલું. એમણે એમ પણ કહેલું કે જો કોઈ એમની શોધમાં અહી આવી ચડે તો એને સારી રીતે મહેમાનગતિ કરીને પાછો વાળી દેવો પણ જીદ્દી લોકો અમારું સાંભળતાં નથી. અમે લોકો વર્ષોથી આ કામ કરીએ છીએ અને જે પણ એ પ્રાચીન જગ્યાએ જાય છે એ પાછું આવતું નથી. એક માત્ર શિવાનંદને છોડીને કોઈ પાછું આવ્યું નથી એટલે અમે એમનું ખુબજ સન્માન કરીએ છીએ. તમને પણ હું ચેતવણી આપું છું કે તમે પાછા ફરી જાવ, આ કામ સરળ નથી.” એ બેઠી દડીના આદિવાસીએ સમરને ચેતવ્યો. સમરે હસીને એના ખભા પર હાથ મુક્યો “મિત્ર, હું તમારા વિચારોનું આદર કરું છું પણ મને એમ કહે કે જો તારા પિતાજી આ જ માર્ગે ગયા હોય અને વર્ષો સુધી એમની કોઈ ખબર નાં આવે તો તું શું કરે ?” આદિવાસીએ માથું ધુણાવ્યું અને કહ્યું “હું કોઈ પણ ભોગે એમને શોધી કાઢું, હવે હું તમારી યાત્રાનો શુભ ઉદ્દેશ સમજી શકું છું, મને તમારી પર ગર્વ છે, હું ચોક્કસ તમને મદદ કરીશ, બસ બે દિવસ રોકાઈ જાવ, મારા અમુક મિત્રો વનદેવી સાથે ગયા છે એ આવી જશે પછી આપણે સાથે એ જગ્યા તરફ પ્રયાણ કરીશું”

“વનદેવી ? એ કોણ છે ?” સમરે આશ્ચર્ય થી પૂછ્યું.

“ખબર નહિ કોણ છે પણ એ વર્ષોથી અમારા ગામોમાં રોકાઈ ગયા છે, અદભુત આત્મા છે, ચમત્કારિક પણ, વધુ કઈ બોલતા નથી પણ આખું જંગલ એમને નમન કરે છે, એ અમને કુદરતી આપત્તિઓ સામે લડવામાં સહાય કરે છે અને અમારી રક્ષા  કરે છે. તમે જાતે મળી લેજો એમને અને પછી કહેજો કે તમને શું લાગ્યું !”

બે દિવસ પછી મોડી સાંજે સમર એક ઝાડ નીચે બેઠો બેઠો યુવાને યાદ કરતો હતો ત્યાજ અમુક અવાજોએ એનું ધ્યાન ખેંચ્યું. ચાર પાંચ આદિવાસીઓના સમુહમાં વચ્ચે કોઈ સ્ત્રી ચાલી આવતી હતી. એણે છાતી સુધી લાજ કાઢતા હોય એમ કોઈ કપડાનું આવરણ નાખેલું હતું. એની મક્કમ ચાલ જોઈને એ કોઈ ૨૦-૨૫ વર્ષની યુવતી હોય એવું સમરને લાગ્યું. એ ઝડપથી એક ખુણામાં આવેલી ઝુંપડીમાં જતા રહ્યા. આખું ગામ હાથ જોડીને એમને નમન કરી રહ્યું હતું.

પવન સુસવાટા મારી રહ્યો હતો. અંધારું ઘેરાઈ ગયું હતું. આખું ગામ પોતપોતાના ઝુંપડામાં ભરાઈ ગયું હતું. બેઠી દડીનો આદિવાસી સમર પાસે આવ્યો “તમને વનદેવી બોલાવે છે” અને સમર એની પાછળ ચાલી નીકળ્યો. ઝુંપડામાં આછું અંધારું હતું. ખુણામાં એક દીપક પ્રજ્જવલિત હતો. સામે એક ઊંચા આસન પર એ સ્ત્રી બેઠી હતી. હજુ પણ એણે છાતી સુધી કપડું ઢાંકી રાખેલું હતું. સમર એમની સામે નીચે બેસી ગયો અને એણે હાથ જોડ્યા.

વનદેવીએ માથું હલાવ્યું અને એ આદિવાસીને બહાર બેસવાનું કહ્યું. થોડીવાર કોઈ કઈ બોલ્યું નહિ. એકદમ શાંતિ છવાઈ ગઈ. સમર એ રહસ્યમય સ્ત્રી ની સામે જ જોઈ રહ્યો હતો. અચાનક એ અંગ્રેજીમાં બોલ્યા “મિસ્ટર સમર, તમે ભારતની સેનામાં છો ?” આવું શુદ્ધ અંગ્રેજી સાંભળીને સમર ચોંક્યો ! “હા, હું ભારતીય સેનામાં છું, મારા પિતાજી પણ એમાં જ હતા અને વર્ષો પહેલા એ એમના મિત્ર સાથે કૈલાશ ગયેલા અને ત્યાંથી ખોવાઈ ગયા છે, હું એમને શોધવા નીકળ્યો છું. જો આપ અને આ આદિવાસીઓ સહાય કરે તો હું ત્યાં  જવા માંગુ છું.” થોડીવાર વનદેવી કઈ બોલ્યા નહિ. “તમારો આશય શુભ છે સમર, મારા આદિવાસીઓ ચોક્કસ તમને મદદ કરશે, તમને એ જગ્યા એ જવાનો રસ્તો બતાવશે અને તમને દસ બાર દિવસ ચાલે એટલું ખાવાનું પણ આપશે, પણ મને ભય છે કે ત્યાંથી આગળ શું થશે અને તમે પાછા આવશો કે નહિ એની કોઈ ગેરેંટી નથી.” સમરે જવાબમાં ડોકું ધુણાવ્યું “મને વાંધો નથી ઓ,,,,વનદેવી !? શું હું પણ તમને વનદેવી જ કહું ? તમે કોણ છો ? શું હું તમારા વિષે વધુ જાણી શકું છું ?!”

જવાબમાં સમરને એક ધીમું હાસ્ય સંભળાયું “હું કોઈ નથી સમર, હું એક ભૂલી ભટકેલી સ્ત્રી છું કે જે આ આદિવાસીઓના સમૂહ માં રહે છે, મારું કોઈ વ્યક્તિત્વ નથી, મારો કોઈ ભૂતકાળ નથી, હું બસ આ લોકોની સેવા કરતી એક તુચ્છ સેવિકા છું. બસ તમારા માટે આટલું જાણવું જ કાફી છે. ભગવાન રુદ્ર તમારી સહાયતા કરે અને તમને સાચો માર્ગ દેખાડે. અમારા માણસો ૨૦ દિવસ સુધી તમારી પ્રતિક્ષા કરશે અને પછી જો તમે પાછા નહિ આવો તો એ લોકો અહી પાછા આવી જશે. જાવ તમારું કલ્યાણ થાય.” વનદેવી આગળ આવી અને એણે એનો હાથ સમરના માથા પર મુક્યો. સમરે જુકીને એમને પ્રણામ કર્યા. અચાનક બહાર  વીજળી કડાકાભેર ચમકી ઉઠી અને સમરે એક ક્ષણ ઊંચું જોયું અને એ થીજી ગયો ! વનદેવીનું કપડાનું આવરણ થોડું ઊંચું થયું હતું અને એમાંથી એને એમના ચહેરાની આછી ઝલક દેખાઈ હતી. વનદેવીએ તરતજ કપડું પાછું સરખું કરી દીધું. સમર સ્તબ્ધ થઇને ત્યાજ ઉભો રહી ગયો ! “યુવા ! ઓહ નો ! આ શું છે ?!  અદ્દલ યુવા જેવો જ ચહેરો કે પછી મને યુવાના પ્રેમમાં છું એટલે આભાસ થાય છે ? માઈ ગોડ ! મારું માથું ભમી રહ્યું છે ! આ બધું શું છે ?” એનું મગજ ચકરાઈ ગયું હતું. ભારે પગલે એ ઝુંપડીની બહાર નીકળ્યો.

***

વહેલી સવારના પાંચ વાગ્યે સમર અને બીજા સાત આઠ આદિવાસીઓ ચાલી નીકળ્યા. સમર હજુ પણ પાછું ફરી ફરીને જોતો હતો કે ક્યાંક એને વનદેવીના દર્શન થઇ જાય ! એ  આખી રાત સુઈ શક્યો નહોતો ! એને સપનામાં પણ એ જ એક ક્ષણ માટે જોયેલો અદ્દલ યુવા જેવો ચહેરો નજર આવી રહ્યો હતો ! “હું પાછો આવીને એમને ફરીથી મળીશ અને એમનો ચહેરો જોઇશ, આ રહસ્યને પણ હું ઉકેલીને રહીશ !” એ મનોમન બોલ્યો અને આદિવાસીઓ સાથે ચાલી નીકળ્યો.

***

વનદેવી નહાઈને પાછા એમના ઝુંપડામાં જતા હતા ત્યાં એક આદિવાસી સ્ત્રી આવી. આ સ્ત્રી રોજ એમનું ઝુંપડું સાફ કરતી હતી. એના હાથમાં એક પર્સ હતું. “આ તમારા ઝુંપડામાં થી મળ્યું છે વનદેવી” એણે પ્રણામ કરીને એ પર્સ વનદેવીને આપી દીધું. વનદેવીએ કુતુહલતાથી એને હાથમાં લીધું. ચામડાનું એક સામાન્ય પર્સ હતું. એમણે એને ખોલ્યું અને એમાં એક તરફ રેવા અને મેજર સમ્રાટનો સુંદર ફોટો હતો. “આ તો સમર નું લાગે છે, કાલે રાત્રે એ અહી ભૂલી ગયો લાગે છે” એમણે મનોમન વિચાર્યું. અંદર થોડા પૈસા હતા અને એક બે કાગળો હતા. વનદેવીએ એને સંભાળીને જોયું. જેવું એ એને પાછું મુકવા જતા હતા કે એમાંથી એક ફોટો નીચે સરી પડ્યો ! વનદેવીએ જુકીને એને લીધો અને એની આંખો સામે લાવ્યા અને એ થીજી ગયા !

બિલકુલ એમનાજ જેવી પ્રતિકૃતિ ! એ જ નાક એ જ નકશો, જાણે કે એ પોતાનું વર્ષો પહેલાનું યુવાન પ્રતિબિંબ જોતા હોય એવું એમને લાગ્યું. એ મટકું માર્યા વગર યુવાના ફોટાને જોઈ રહ્યા ! યુવાની સુંદર મોટી મોટી બ્લુ આંખો એમને જાણે કે સંમોહિત કરી રહી હતી ! એમના મગજમાં વિસ્ફોટ થયો હોય એવું એમને લાગવા માંડ્યું ! “આ કોણ છે ? આ કેમ મારા જેવી લાગે છે ? આની આંખો કેમ મને કોઈની યાદ અપાવે છે ? આ બધું શું છે ?” એમનું મસ્તિષ્ક ચક્કર ચક્કર ફરવા લાગ્યું અને એ નીચે ઢળી પડ્યા !

***

લગભગ અડધા કલાક પછી વનદેવીએ આંખો ખોલી અને ઉભા થયા. યુવાનો ફોટો હજી પણ એમની છાતી પર લાગેલો હતો. એમણે ફરીથી એને ધ્યાનથી જોયો અને એ ઉભા થઈને અચાનક બહાર દોડ્યા. એમણે એક બે આદિવાસીને સાથે લીધા અને એ ઝડપથી સમર જે બાજુ ગયો હતો એ બાજુ ચાલી નીકળ્યા.

***

“બસ અહીથી તમારે પગપાળા સામે દેખાય એ કેડી પર જવું પડશે, અમે અહી તમારી રાહ જોઈશું, ભગવાન શિવ તમારી રક્ષા કરે. જલ્દી પાછા આવજો” એ બેઠી દડીના આદિવાસીએ સમરના ખભે હાથ મુક્યો. સમરે હસીને એને અને સાથે આવેલા તમામને ધન્યવાદ કહ્યું અને એ કેડી પર ચાલી નીકળ્યો.

***

દુર એક ઉત્તુંગ પહાડ પર ઉભેલા આખલાએ આ બધું જોયું અને એ ફૂંફાડા મારતો ભયાનક ઝડપથી નીચે દોડ્યો.

***

“એ હમણાં જ આ કેડી પરથી ગયા દેવી ! શું વાત છે ?” આદિવાસીએ પૂછ્યું.

વનદેવીએ એ બધાને ત્યાજ રોકાવાનું કહ્યું અને એ ઝડપથી એ કેડી પર દોડ્યા !

***

ભાગ-૧૭ સમાપ્ત.

 

 

 

***

Rate & Review

Viral 2 months ago

Golu Patel 3 months ago

Hims 3 months ago

Manish Patadia 4 months ago

Balkrishna patel 4 months ago