Ouija Board - Ek Bhayavah Bhoot Katha - 2 books and stories free download online pdf in Gujarati

વીજી બોર્ડ – એક ભયાવહ ભૂત કથા - 2

(અમે ચાર કઝિન્સ અમારા મામાને ત્યાં લગ્ન પ્રસંગે ભેગા થઈએ છીએ. સાંજે જમીને છત પર વાતોના વડા કરવાનો માહોલ જામે છે. જેમાં હર્ષ હોરર વિષયનો મુદ્દો ઉછાળે છે. નિધિ અને આઇશા ભૂત-પ્રેત જેવી સુપરનેચરલ ઘટનાઓમાં બિલકુલ વિશ્વાસ ધરાવતા નથી. તેમને ભૂત-પ્રેત વિશેનો મારો દ્રષ્ટિકોણ જણાવ્યા બાદ કોલેજમાં મારી નજરો સમક્ષ બનેલી પેરાનોર્મલ ઘટના હું તેમને કહેવાની શરૂ કરું છું...)

હવે આગળ...,

“આ વાત 2011ની છે. હું મારી કોલેજની હોસ્ટલમાં હતો. રાતના સાડા બારનો સમય છોકરાઓ માટે રૂમમાં એકત્ર થવાનો સમય હતો, તેથી, અમારા માળના કેટલાક છોકરાઓ ત્યાંની સહિયારી બાલ્કનીમાં ભેગા થયા, જે મારા રૂમની બિલકુલ બાજુમાં હતી. ચાર સિનિયર છોકરાઓએ ભૂત-પ્રેત બોલાવવા એક જોખમી ગેમ રમવાનું નક્કી કર્યું. તેઓ ક્યાંકથી વીજી બોર્ડ લઈને આવ્યા. વીજી બોર્ડ મૃત વ્યક્તિના પ્રેતાત્મા સાથે વાતચીત કરવા રમાતી હોય છે. વીજી બોર્ડ વિશે તો તમે જાણો જ છો ને?” મેં ત્રણેયને પૂછ્યું.

“હા...” હર્ષ ઉત્સુકતાથી બોલ્યો અને બીજાઓએ માથું હકારમાં હલાવ્યું.

“ગ્રેટ! એ ચાર સિનિયર્સનું નામ જતિન, યોગેશ, પ્રણવ અને ઝેક હતું. તેમણે રાત્રે એક વાગ્યે વીજી બોર્ડ ગેમ રમવાનું નક્કી કર્યું એ વાત જ સાંભળવી અમારા માટે ભયાનક હતી. છેલ્લા બે વર્ષથી અમારી હોસ્ટેલમાં એક છોકરીનું પ્રેત ભટકે છે એ વિશેની ઘણી વાતો લોકોમાં ફેલાયેલી હતી. આ ચારેય સિનિયર્સ ભૂત-પ્રેતમાં બિલકુલ માનતા નહતા. આ વાત પાછળનું સત્ય ખોજવા મજાક મજાકમાં તેમને વચ્ચે વીજી બોર્ડ ગેમ રમવાની શર્ત લાગેલી.”

“ભાઈ, એ છોકરીના પ્રેત વિશે કઈ વાતો ફેલાયેલી એ વિશે થોડુંક જણાવોને!” હર્ષે જિજ્ઞાસાવશ પૂછી લીધું.

“વેલ, લોકો પાસેથી એવા કિસ્સા સાંભળેલા કે એ છોકરી માનસિક રીતે અસ્થિર હતી. હોસ્ટેલની આસપાસના વિસ્તારમાં તે ગીતો ગણગણતી અને ફરે જતી. એક દુર્ભાગ્યપૂર્ણ રાત્રે, ત્યાં નજીકમાં કામ કરતાં મજૂર પુરુષોએ આ બિચારી છોકરીને કશીક વાતની લાલચ બતાવી—ફોસલાવીને દૂર વગડાઉ જગ્યાએ લઈ ગયા. અને ત્યાં ક્રૂર રીતે તેની પર દુષ્કર્મ આચર્યું અને તેનું ગળું દબાવીને તેનો જીવ ઝૂંટવી લીધો. ત્યાર બાદ તેઓએ તેના મૃત શરીરને કચરાના ટ્રકમાં ફેંકી દીધું...”

“ઓહ માય ગોડ...!’, આઇશાએ એક સ્ત્રીની અંત:વેદનાનો બળાપો ઠાલવતા બોલી ઉઠી, “...આને પુરુષો નહીં પશુઓ કહેવાય! માનવતા પરવારી ઉઠી હોય એ જ આવું રાક્ષસી કૃત્ય કરે...!”

નિધિએ સહમતિપૂર્વક માથું હકારમાં હલાવ્યું, “...આજના સમયની આ કડવી અને ક્રૂર વાસ્તવિકતા છે.”

“પછી આગળ શું બન્યું, ભાઈ?” હર્ષની તલાવેલી વધી ગઈ.

“એ ઘટનામાં આગળ શું બન્યું તેના વિશે હવે વાત નહીં કરું, પરંતુ તે ઘટના પછી, હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓ અને ચોકીદારોએ એ છોકરીને હોસ્ટેલના વિસ્તારની આસપાસ ગીતો ગણગણતી અને ઝીંથરિયા વાળમાં ભટકતી જોઈ હોય એ વિશેના ઘણા ખુલાસા કરેલા. હોસ્ટેલથી થોડેક દૂર ઘટાદાર વડના ઓટલે ઘણા લોકોએ તેને ઝાડની ડાળી પર વિચિત્ર મુદ્રાઓમાં અંગ મરોડીને બેઠેલી જોયેલી. લોકો કહેતા કે તે ચૂડેલ બની ભટકે છે. જેને વળગે એનો જીવ લઈને જ છૂટે છે! એક-બે મોતના કિસ્સાઓ ત્યાંના વિસ્તારમાં બનેલા એવું ચોકીદારની જુબાનીએ મેં સાંભળેલું—અને એ કિસ્સાઓ બનતી વખતે તેણે નોંધ્યું હતું કે એ ચૂડેલ વડની આસપાસ કે ક્યાંય ભટકતી નહતી દેખાઈ...

વેલ, આ ચારેય સિનિયર્સ આ અફવાઓ વિશે મજાક કરી ખડખડાટ હસતાં. તેઓ એ ચૂડેલની હાજરીનો અનુભવ કરી જાણવા માંગતા હતા કે લોકોમાં ફેલાયેલી આ લોકવાયકા ખરેખર સાચી છે કે કપોળ-કલ્પિત...

એ રાત્રે આ ચારેય સિનિયર્સે વીજી બોર્ડ ગેમ રમવાનું શરૂ કર્યું. આ રોમાંચક ઘટના જોવા હોસ્ટેલના 10-12 જેટલા છોકરાઓનું ટોળું પ્રેક્ષક બની આજુબાજુ ગોઠવાઈ ગયું. ચાર સિનિયર્સમાંથી હું પ્રણવનો નજીકનો મિત્ર હતો અને એને આ ભયાનક ગેમ વિશે બિલકુલ જ્ઞાન નહતું એટ્લે મેં તેને ગેમના નિયમો સમજાવ્યા:

નિયમ નંબર 1: ક્યારેય એકલાએ આ ગેમ રમવી નહીં, નહિતર તે પસ્સેસ્ડ (possessed) થઈ શકે છે.

નિયમ નંબર 2: કબ્રસ્તાનમાં ક્યારેય આ ગેમ રમવી નહીં.

નિયમ નંબર 3: જો કોઈ રાક્ષસ કે ભૂત કમ્યુનિકેશન (સંપર્ક) શરૂ કરે, તો ભયભીત થઈ તમે એકલા ‘ગુડબાય’ કહી છટકી શકતા નથી. તમારે ચારે જણાએ એકસાથે પ્લાન્ચેટને વીજી બોર્ડ પર ફેરવીને જ ‘ગૂડબાય’ કહેવાનું છે.

નિયમની સ્પષ્ટતા કર્યા બાદ ગેમ રમવાની શરૂ થઈ. શરૂઆતમાં, ભૂત અથવા ઇવિલ સ્પિરિટ સાથે કોઈ સંપર્ક ન થયો. આશરે અડધો કલાક પસાર થયો. ઘણા છોકરાઓ જે આ રમત જોતા હતા એ આખરે કંટાળીને સૂવા જવા વિખરાવા લાગ્યા. લગભગ અઢી વાગ્યે કુલ સાત જ છોકરાઓ ત્યાં હાજર હતા, જેમાં ચાર રમનાર અને મારા સિવાય બીજા બે છોકરા ઊભા હતા. ગેમ રમતા રમતા અચાનક પ્લાન્ચેટ જાતે જ ખસવા લાગ્યો! થોડીક ક્ષણ માટે તો અમારા બધાનું હ્રદય ભયથી ધબકારો ચૂકી ગયું. રમનારમાં પ્રણવ તો ભયભીત થઈ લગભગ અડધો ઊભો થઈ ગયો—પરંતુ ઝેક અને જતિને તેનો હાથ પકડીને નીચે બેસાડી દીધો...

જતિને ચારેયને ઈશારો કરી પ્લાન્ચેટ પર હાથ મૂકવા કહ્યું. ત્યાર બાદ ચારેય જણાએ પ્લાન્ચેટને વીજી બોર્ડ પર વર્તુળાકારે ફેરવતા રહ્યા અને રમતનું મુખ્ય વાક્ય ભય ભળેલા સ્વરે એક લયમાં બોલ્યા : ‘As friends we gather, hearts are true. Spirits near, we call to you. Is there a spirit here…?’

બીજી જ ક્ષણે અચાનક પ્લાન્ચેટ ‘Yes’ તરફ ફર્યું!

હવે રેન્ડમ સવાલ-જવાબ શરૂ થયા. ચારે જણાએ જુદા જુદા પ્રશ્નો પ્રેતાત્માને પૂછ્યા. ઘણા પ્રશ્નો પૂછ્યા બાદ અમે તારણ કાઢ્યું કે એ છોકરીનું પ્રેત કશું નુકસાન કરે એવું નથી.

અમે બધાએ તેની સાથે જે બન્યું એ માટે દિલગીર છીએ એવી સહાનુભૂતિ વ્યક્ત કરી. જોકે, માત્ર પ્રશ્નો પૂછવાથી પ્લાન્ચેટનું હલનચલન થતું એ સુપરનેચરલ ઘટના જોઈને અમે બધા અંદરથી ડરી ગયેલા. પંદર મિનિટ પછી તેમણે ‘ગુડબાય’ કહેવાનું નક્કી કર્યું, જોકે, એ છોકરીનું પ્રેત ‘ગુડબાય’ કરવા માટે તૈયાર નહતું. જો પ્રેત ખુદ તૈયાર હોય તો પ્લાન્ચેટ તરત ‘ગુડબાય’ તરફ ખસી જતું હોય છે, પરંતુ તે ત્યાં જતું જ નહોતું!

બોર્ડ પર પ્લાન્ચેટ સતત ∞ (infinity sign) અનંતની નિશાની બનાવે જતું હતું. જ્યારે વીજી બોર્ડ પર ‘∞’ અનંત ચિન્હ સર્જાય, ત્યારે તે સૌથી વધુ ઘાતક રાક્ષસ અથવા ભૂતની હાજરીનો સંકેત દર્શાવે છે, જેને સામાન્ય રીતે ‘ZoZo’ કહેવાય છે. મેં એ ચારેયને ભયભીત અવાજમાં કહ્યું, ‘તમે બધા એકસાથે પ્લાન્ચેટ પર હાથ મૂકીને ફરીથી ‘ગુડબાય’ની નિશાની તરફ લઈ જાવ...’ – મારા કહ્યા બાદ તરત જ ચારેય જણાએ તેમના હાથ પ્લાન્ચેટ પર સફાળા મૂકીને ‘ગુડબાય’ તરફ લઈ જઈ હાથ છોડી દીધા, પરંતુ આ કરવામાં ગભરાયેલો પ્રણવ પ્લાન્ચેટ પર હાથ મૂકવા જરાક મોડો પડ્યો; અને આ કરતી વખતે તેને હાથમાં કરંટ જેવો ઝટકો વાગ્યો!

અચાનક ઝડપથી સુસવાટાભર્યો પવન ફૂંકવાનો શરૂ થયો. હોસ્ટેલની ગેલેરીની લાઇટ બંધ-ચાલુ થવા લાગી. અમે બધા ભયભીત થઈ ફફડવા લાગ્યા. હું તરત જ મારા રૂમ તરફ ઝડપથી દોડી અંદર ઘૂસી ગયો અને સતત હનુમાન ચાલીસાના શ્લોકોનું પઠન કરવા લાગ્યો. જ્યાં સુધી ઊંઘ ન આવી ત્યાં સુધી મારા હોઠ પર હનુમાન ચાલીસાના શ્લોકોનું પઠન ચાલતું રહ્યું. મારા જેમ બાકીના બધા તેમના રૂમ તરફ તરત જ ત્યાંથી ભાગી છૂટેલા—સિવાય એક જણાના.

*

આગલી સવારે હોસ્ટેલમાં બધુ શાંતિપૂર્ણ હતું. અમારામાંથી કોઈ પણ ગઈ રાત્રે બનેલી ઘટના વિશે ચર્ચા કરવા નહતું માંગતુ. અમે બધા અમારા કામમાં વ્યસ્ત થઈ ગયા. જોકે, એ રાત્રે પ્રણવ ગેલેરીમાંથી તેના રૂમ તરફ દોડતા ચક્કર ખાઈ બેભાન અવસ્થામાં ત્યાં જ ફસડાઇ પડ્યો હતો—આખી રાત સુધી. હોસ્ટેલના વાર્ડનને રાતે ત્યાં આંટોફેરો મારતા તેને ત્યાં બેભાન પડેલો જોઈને નજીકની હૉસ્પિટલમાં તરત દાખલ કર્યો હતો. ડૉક્ટરએ સમજાવ્યું કે તેને ડિહાઇડ્રેશન થયું હતું અને એના લીધે શારીરિક સ્વાસ્થ્ય થોડુંક નબળું પડી ગયું હતું. તેથી તેને ગ્લુકોઝના ડોઝ પર રાખવામા આવ્યો હતો. –

આ વિશે જ્યારે તેના પરિવારને જાણ કરવામાં આવી ત્યારે તેઓ તેને મળવા તરત જ ત્યાં પહોંચી ગયા. અમે બધા દરરોજ સાંજે તેની મુલાકાત લેવા હોસ્પિટલે જતાં. બે દિવસમાં પ્રણવની સ્થિતિ વધુ ખરાબ થવા લાગી. તે વારંવાર ઉલ્ટીઓ કરતો. તે આંખો ખોલતો ત્યારે આંસુઓ વહેવા માંડતા. મોઢું ખોલતો પણ સ્પષ્ટ અવાજ નીકળતો નહીં. તેના પિતા પાસેથી અમે જ્યારે આ સમાચાર સાંભળતા ત્યારે વિચિત્ર પ્રકારનો અજાણ્યો ભય અમારા ત્રણેયની અંદર આળોટવા લાગતો...

મારા માટે પ્રણવ ખાસ અંગત મિત્ર હતો. મારા હ્રદયમાં તેના પ્રત્યેની મૈત્રીનું બંધન ઘણું ગાઢ હતું. પેલા ત્રણેય સિનિયર્સ કોલેજમાં પ્રવેશતા જ બધુ ભૂલીને એમની મોજ-મસ્તીમાં આવી જતાં, જ્યારે પ્રણવની સ્થિતિનો વિચાર સતત મારા મનમાં ફર્યે જતો. મને ભીતરમાં અઘટિત બિના બની જવાનો ભય સતાવવા લાગ્યો કે પ્રણવ કદાચ... એ ચૂડેલના વડગાડમાં ફસાઈ તો નથી ગયો ને! જો એવું ખરેખર હશે તો...? આવનારા સમયમાં પરિસ્થિતિ અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરશે... અને એનું કોઈ જાતનું લોજિકલ એક્સપ્લેનેશન નહીં આપી શકાય. પ્રણવ આવા કોઈ વડગાડમાં ફસાયો ના હોય એવું હું દિલથી ઈચ્છતો હતો...

ચાર દિવસ બાદ, પ્રણવની સ્થિતિ થોડીક નોર્મલ થઈ. તેના માતાપિતા અને મામા તેને ઘરે લઈ જવાના હતા ત્યારે હું, જતિન, યોગેશ અને ઝેક તેને મળવા સવારે ત્યાં પહોંચી ગયેલા. પ્રણવ હોસ્પિટલના બેડમાં ખુલ્લી આંખે છત તરફ તાકી આરામ હતો. અમે તેનું નામ ઉચ્ચારી બે-ત્રણ વખત બોલાવ્યો, પરંતુ તેણે એક હરફ પણ ન ઉચ્ચાર્યો. માત્ર માથું થોડુંક હકારમાં હલાવ્યું. બપોરે ડિસ્ચાર્જ મળતા જ તેને વ્હીલચેરમાં બેસાડી, ગાડીમાં ટ્રાન્સફર કર્યો. તેને વિદાય આપતી વખતે અમે દુ:ખદ ભાવ મહેસુસ કર્યો, પરંતુ અમે એ વાતથી જરૂર ખુશ હતા કે ઘરના વાતાવરણમાં રહીને તેની સ્થિતિ વધુ સારી થઈ જશે.

પહેલા અઠવાડિયામાં અમે તેની સાથે ઑનલાઇન ચેટિંગ કરી વાત કરી શક્યા એનો ખૂબ આનંદ થયો. ભીતરમાં ઘૂંટાતી દુ:ખદ લાગણીઓ જરાક હળવી પડી હોય એવી રાહત મહેસુસ કરી. તેણે ચેટિંગ પર કહ્યું કે હવે તે સારી સ્થિતિમાં છે. જોકે, તેણે એમ પણ કહ્યું કે તેને વારંવાર નાઈટમેર (દુ:સ્વપ્નો) આવે છે અને તેના દુ:સ્વપ્નોમાં તે ચારેયને વડના ઓટલે બેસીને વીજી બોર્ડ રમતા દેખે છે. તેણે ચેટિંગમાં કહ્યું કે, આ ગેમ એક મજાક માટે નહતી રમાવી જોઈતી. અમે મુખ્ય વાતની પૂછપરછ કરવા તેને પૂછ્યું, પ્રણવ, તું કોઈ તકલીફમાં તો નથી ફસાયો ને!? થોડીક સેકન્ડમાં તે જવાબ આપ્યા વિના ઓફલાઇન થઈ ગયો!!

પ્રણવના ઘરે એક પ્યારો 'કૂજો' નામનો કૂતરો પાળેલો હતો. પ્રણવની એની સાથેની મિત્રતા અને પ્રેમ ઘણો ગાઢ હતો. પ્રણવ જ્યારે ઘરના મુખ્ય દરવાજામાં પ્રવેશતો ત્યારે કૂજો દોડતો આવીને તેને જીભથી ચાટી-ચાટીને વહાલ જતાવતો, પરંતુ ત્યારે? પ્રણવના ઘરે આવ્યા બાદ કૂજો વિચિત્ર વર્તન કરવા લાગ્યો. તે પ્રણવના રૂમમાં પગ મૂકવાથી પણ ડરતો... રૂમના બારસાખે આવી તે જોરજોરથી ભસતો. ઘરમાં કોઈને કૂજોનું આ વિચિત્ર વર્તન સમજાયું નહીં...

ટૂંક સમયમાં જ અકારણસર કૂજોનું મૃત્યુ થઈ ગયું. ઘરમાં બધાને એ વાતનો આઘાત લાગ્યો કે કૂજો બીમાર નહતો કે મૃત્યુ પામવા જેટલો સાવ ઘરડો પણ નહતો થયો! તેણે જણાવ્યુ કે, કૂજો મરી ગયો ત્યારે તેના ગળા પર રહસ્યમયી કાળા બે ઘસરકા પડેલા હતા.

ગેમ રમવામાં ભાગ લેનારા અને બાકીના તમામ છોકરાઓને આ વાત સાંભળી વિચિત્ર ડર લાગવા લાગ્યો. જ્યારે 2011નું વર્ષ પૂરું થયું ત્યાર બાદ તેની સાથેની અમારી ઓનલાઈન વાતચીત ઘટી ગઈ. 3 જાન્યુઆરીએ તેનો બર્થડે હતો એટ્લે અમે બધાએ તેને કોલ કરી વિશ કરવાનું નક્કી કર્યું. તેની તબિયત સુધરી કે કથળી એ વિશે અમને બિલકુલ જાણ નહતી.

રાત્રે 12 વાગ્યે મારા મોબાઈલ પર અમે તેને કોલ કર્યો. સ્પીકર પર મૂકેલા ફોનની રિંગ વાગતી રહી... અમારા ચારેયના અંદર આછા ભયની લાગણીઓ ઘૂંટાવા લાગી. મેં ફરીથી ફોન કર્યો પણ ફોન રિચેબલ નહતો આવતો. આખરે મેં તેની મમ્મીને કોલ કર્યો. ત્રણ રિંગમાં જ એમણે ફોન ઉપાડ્યો,

“હેલ્લો આન્ટી, હું પાર્થ બોલું છું. આજે પ્રણવનો બર્થડે છે તો અમે એની સાથે બે મિનિટ વાત કરી બર્થડે વિશ કરી શકીએ? તેનો ફોન ‘નોટ રિચેબલ’ આવે છે.” મેં કહ્યું.

તેની મમ્મીએ લાગણીશીલ સ્વરે કહ્યું કે, “બેટા, પ્રણવ—પ્રણવ છેલ્લા એક અઠવાડિયાથી કોમામાં છે! અત્યારે ICUમાં તેને દાખલ કર્યો છે. તેની કન્ડિસન ખૂબ નાજુક છે.” બોલતા તેમનો સ્વર રડમસ થઈ ગયો. સ્પીકર પર તેમનો અવાજ સાંભળીને અમે ચારેય મિત્રો પણ ભાવુક બની ગયા.

ગળે ડૂમો બાઝેલા અવાજે મેં પૂછ્યું, “આન્ટી, તેની તબિયત થોડાક અઠવાડિયા પહેલા તો લગભગ નોર્મલ હતી. ફેસબૂક પર અમારે વાતચીત પણ થઈ હતી. અચાનક તેને શું થયું? ડોક્ટર્સ શું કહે છે?”

“ડોક્ટર્સે કેટલાયે રિપોર્ટ્સ કરાવ્યા પણ શું તકલીફ છે એ હજુ પકડાઈ નથી. બેટા, કોલેજમાં પ્રણવ એબનોર્મલ વર્તતો હોય કે માનસિક રીતે કોઈ તેને પજવતું હોય એવું કશું તેની સાથે બન્યું હતું?”

અમે ચારેય એકબીજા સામે ભયઘૂંટાતી નજરે જોઈ રહ્યા. શું કહેવું? કેવી રીતે સમજાવવું? એની કશી સમજણ ન પડી. “ન—ના આન્ટી. એવું તો કશું જ બન્યું નહતું. કેમ આન્ટી? વાત શું છે?”

“બેટા, સાચું કહેજે! તું મારાથી કશું છુપાવતો નહીં. તને પ્રણવના સમ છે. તેની સાથે નક્કી કઈક ન બનવાનું બની ગયું હોય એવું મારો અંતરઆત્મા બોલે છે. જે સાચું હોય તે બોલી નાંખ બેટા...” તેમનો રડમસ સ્વર રુદનમાં તૂટી ગયો. તેમના ડૂસકાં સાંભળી મારી આંખોમાં જળજળિયા બાઝી ગયા. લાગણીઓ કાંટાની જેમ ગળા ફરતે ચુભવા લાગી.

“આન્ટી તમે રડશો નહીં. પ્રણવને બધુ ઠીક થઈ જશે. પ્લીઝ આન્ટી...!” તેમને સાંત્વના આપવા મેં લાગણીભીના સ્વરે કહ્યું. ત્યાર બાદ મેં સ્વસ્થ થઈને પૂછ્યું, “આન્ટી, અમે તેને બર્થડે વિશ કરી શકીએ?”

“તેઓ ફોન ICUમાં લઈ જવાની પરવાનગી નથી આપતા...”

“તો અમારા બધા તરફથી તમે તેને હેપ્પી બર્થડે વિશ ચોક્કસ કરજો. અને તેને કહેજો કે અમે બધા તેને ખૂબ મિસ કરીએ છીએ. વી વિલ પ્રે ફોર હિમ ટુ ગેટ વેલ સૂન...!” આખરી વાક્ય બોલતા મારી જીભ દર્દથી કણસવા લાગી.

એ દિવસે પ્રણવના વિચારો અને તેનો ચહેરો મારી મન:ચક્ષુ આગળથી ખસતો જ નહતો. તેની એ પરિસ્થિતિ માટે અમે જવાબદાર હોઈએ એવો અપરાધભાવ છાતીમાં ઘૂંટાતો મહેસુસ કર્યો.

*

ત્રણ દિવસ બાદ શનિવારે હું બસમાં બેસી તેને મળવા નીકળી પડ્યો. ફોન કરી પ્રણવની મમ્મી પાસેથી હોસ્પિટલનું સરનામું પૂછી ત્યાં પહોંચી ગયો. ICUના વિઝિટર્સ વોર્ડમાં તેની મમ્મી સ્થિર નજરે—શૂન્યમનસ્ક અવસ્થામાં બેઠેલી હતી. ‘આન્ટી’ કહી હું તેમની પાસે બેઠો. મને જોઈને તેમના ચહેરા પર આછું સ્મિત આવ્યું. તેમની આંખોમાં કેટલીયે રાતોના ઉજાગરા દેખાતા હતા. થોડીક વારમાં પ્રણવના પિતા અને તેનો નાનો ભાઈ દવાઓ લઈને વિઝિટર્સ વોર્ડમાં આવ્યા. હું પ્રણવનો ખાસ કોલેજ મિત્ર છું અને એને મળવા ઈચ્છું છું એ વિશે મેં એમને જણાવ્યુ.

પ્રણવના પિતાએ વિઝિટિંગ આવર્સમાં મને પ્રણવને મળવા લઈ જવા ડોક્ટર્સ પાસેથી પરવાનગી લીધી. ICUમાં પ્રવેશતા જ ત્યાંનું ગંભીર વાતાવરણ મને અંદરથી બેચેન કરવા લાગ્યું. કોમામાં હોય એ પેશન્ટસનું શરીર તરત વાયરસ ગ્રહણ કરી લેવા સક્ષમ હોય છે, એટ્લે ICUમાં નર્સ અને ડોક્ટર્સ સતત તેની દેખરેખ કરતાં હતા. તેના રૂમમાં પ્રવેશતા જ મારી નજર પ્રણવ પર પડી. તેના ગળા પર સફેદ રંગનો કડક સર્વાઈકલ કોલર બાંધેલો હતો, કોલરની આગળ ગળાના ભાગમાં કાણું પાડી, શ્વાસનળીમાં ઇન્સર્ટ કરેલી પાઇપ દ્વારા—વેન્ટિલેટર મશીનથી હવા આપવામાં આવતી હતી, તેના ચહેરા પર ઇજાઓના ઘા પડેલા હતા, આંખોના ડોળા ઘરડા માણસની જેમ અંદર ઉતરી ગયા હતા, આંખોને ફરતે કાળા કુંડાળાં રચાઇ ગયા હતા, નાકમાં પાઇપ ઇન્સર્ટ કરેલી હતી, કેટલીયે નિડલ્સ તેના સૂજી ગયેલા હાથમાં ખોસેલી હતી, અને મોનિટરની સ્ક્રીન પર તેના હાર્ટબિટ અને બ્રિધિંગ કાઉન્ટ ચાલતા હતા. પ્રણવ સાવ દૂબળો પડી ગયો હતો. તે અત્યંત નાજુક સ્થિતિમાં દેખાતો હતો. તેની આંખના કિનારેથી લસરતા આંસુઓ તેની બાજુમાં ઊભેલી નર્સ ટિસ્યુંથી લૂછતી હતી. (કોમાંના પેશન્ટને આંસુ આવવા એ એબનોર્મલ વાત કહેવાય!) તેની એ અસહાય સ્થિતિ દેખીને મારું હ્રદય લાગણીઓથી, અને આંખો આંસુઓથી ઉભરાઇ આવી.

એ દિવસે સાંજે હું બસમાં બેસી પાછો વડોદરા પહોંચ્યો. ત્યાં પહોંચતા જ બધી વાત જતિન, યોગેશ અને ઝેકને કહી... ત્રણેય તેમનું દુ:ખ વ્યક્ત કર્યું. બીજે દિવસે સવારે નવ વાગ્યે મારા મોબાઈલમાં પ્રણવના પિતાનો મેસેજ આવ્યો: હી ઈઝ નો મોર નાઉ! તેણે મધરાત્રે જ દેહ છોડી દીધો!

એ મેસેજ વાંચીને મારું કાળજું આઘાતથી બેસી ગયું. બે ઘડી મન વિચાર કરવા સુન્ન પડી ગયું!

આ સાંભળીને નિધિ, આઇશા, અને હર્ષ—ત્રણેયના મોં અને ડોળા અચરજથી પહોળા થઈ ગયા.

“ઓહ માય ગોડ..! ધેટ્સ હોરિબલ..!!” આઇશા આશ્ચર્યમૂઢ સ્વરે બોલી પડી, “...પણ આવું કેવી રીતે પોસિબલ બને? પેલી ચૂડેલ બનેલી છોકરીએ આ બધુ કર્યું?”

મેં મૌન રહી દબાયેલા હોઠે હકારમાં માથું હલાવ્યું, “એક વર્ષ બાદ એના નાના ભાઈ જોડે સોશિયલ મીડિયા થ્રુ મારે થોડીક વાતચીત થઈ, અને પછી ફોન કોલમાં મેં તેને પ્રણવના ઘરે આવ્યા બાદની આખી ઘટના વિશે પૂછ્યું તો તેણે જણાવ્યુ કે, પ્રણવને બીજી વખત હોસ્પિટલમાં દાખલ કર્યો એના એક અઠવાડિયા પહેલા તેનું વર્તન વિચિત્ર પ્રકારનું થઈ ગયું હતું. સવારથી સાંજ સુધી ભાગ્યે જ તે તેના શરીરની હલચલન જાતે કરી શકતો. પરંતુ રાતના બે-ત્રણ વાગે, ત્યારે તેનામાં કશુંક આળસ મરડીને બેઠું થતું! ત્યાર બાદ તેના વર્તનમાં ગજબનું પરિવર્તન આવી જતું. જોનારના તો રૂંવાડા ભયથી ખડાં થઈ જાય...!!–

***

વાર્તામાં આગળ બનતી રોમાંચક અને ભયાનક ઘટનાના જાણવા વાંચો ભાગ – 3...