Vikruti-Making of Vikruti - 2 books and stories free download online pdf in Gujarati

વિકૃતિ - મેકિંગ ઑફ વિકૃતિ ભાગ-2

મેકિંગ ઑફ વિકૃતિ 
ભાગ-2
લેખક-મેર મેહુલ
        ‘વિકૃતિ’ નામ સાંભળીને જ મગજમાં નકારાત્મક વિચારો આવે.ઘણાં લોકો કહે છે ને આ વિકૃત માણસ છે અથવા નઠારો માણસ છે.બસ આ વિચાર મારા મગજમાં આવેલો જ્યારે મેઘાએ મને સ્ટોરીનું નામ આપ્યું હતું. મને ‘વિકૃતિ’નો અર્થ જ નોહતી ખબર પણ ત્યારે મારી પાસે વિચારવાનો એટલો સમય નોહતો અથવા હું વિચારી શકું એવું પરિસ્થિતિમાં હું નોહતો એટલે કોઈ પણ દલીલ કર્યા વિના મેં સ્ટૉરીનું નામ ‘વિકૃતિ-ઍન અન્કન્ડિશનલ લવ સ્ટૉરી’ રાખવાની સહમતી આપી દીધી.પ્રામાણિકતાથી કહું તો હજી સુધીમાં હું આ સ્ટોરીના શીર્ષકને સમજી નથી શક્યો.મેં તો બસ વિકૃતિનો એક જ અર્થ લીધો છે – પકૃતિનું નકારાત્મક પાસું.
        તો ચાલો જોઈએ ‘વિકૃતિ’ તૈયાર કરવામાં મારો કેવો અનુભવ રહ્યો.
      સ્ટૉરી કેવી રીતે શરૂ થઈ એ તો મેઘાએ પોતાની વાતમાં કહી જ દીધું છે.સ્ટૉરી શરૂ કર્યા પછી મારા તરફથી શું યોગદાન અને પ્રક્રિયા રહી એ વાતની ચર્ચા અહીં કરી લઉં.મેઘાએ મને કહ્યું હતું કે વાંચકોને એક જુદી જ સ્ટૉરી આપવી છે જે સિમ્પલ હોય,રોજિંદી લાઈફમાં બનતી હોય અને લોકો રોજે જીવતા હોય.
     ત્યારે મારી હાલત કંઈક વિહાન જેવી જ હતી.કોઈની સાથે ન સરખી વાતો કરવી,ના કોઈ સાથે મળવું બસ કામથી મતલબ.એટલે મેં વિહાનના પાત્રને ન્યાય આપવા પોતાને તેના જેવો બનાવી લીધો.પહેલો ભાગ મેં લખ્યો જેમાં મને ‘હું તારી રાહમાં’ લખેલી લવ સ્ટૉરીની લેખક ‘રાધિકા પટેલ’ની મદદ મળી.એ સમયે હું તેને મળ્યો જ હતો અને મારે પહેલો ભાગ લખવાનો હતો.તેના પર્યાવરણ પ્રત્યેના પ્રેમને જોઈને મેં ‘આકૃતિ’માં એ ગુણ ઉમેરવાનું નક્કી કર્યું.
       મેં અને મેઘાએ પ્રખ્યાત લેખિકા ‘સવી શર્મા’ની પહેલી નૉવેલ ‘દરેકની એક વાર્તા હોય છે’ એ વાંચેલી છે તેથી એક ભાગ વિહાનનો અને એક ભાગ આકૃતિનો લખવો એ પ્રેરણા અમને બંનેને તેની પાસેથી મળી છે એવું મારુ માનવું છે.
     પહેલાં ચાર ભાગ તો મને બધું જ વ્યવસ્થિત લાગ્યું પણ જ્યારે છ ભાગ પુરા થયા ત્યારે એક સાથે બે નૉવેલ શરૂ થઇ હોય તેવો અનુભવ મને ખુદને અને વાંચકોને પણ થયો.વાંચકો તરફથી ભાગ પાંચના એક રિવ્યુમાં અશોક હેરમાભાઈએ કૉમેન્ટ આપતાં જણાવ્યું કે ‘આમાં કોઈ સ્ટૉરી કે પ્લોટ નથી’ અને ખરેખર બન્યું પણ એવું જ હતું,મેઘા લખતી એ તેની સ્ટૉરી લાગતી અને હું લખતો એ મારી સ્ટૉરી.
      વાંચકોને જો સ્ટૉરી જ ન સમજાય તો લખવાનો મતલબ શું?એમ વિચારી  નવમાં ભાગથી સ્ટૉરી લખવાનો પૂરો ભાર મેં સંભાળી લીધો અને સ્ટોરીમાં આગળ શું બનશે એ વિચારવાનું કામ મેઘાને સોંપી દીધું.દસ-બાર ભાગ સુધીમાં સ્ટોરીમાં લવ બનતી દેખાય પણ વાંચકોને કંઈક ટ્વિસ્ટ જોતાં હતા,એટલા માટે અમે શરૂઆતમાં જે  રોજિંદી જિંદગીમાં જીવતા હોય અને બનતી હોય એવી ઘટનાને સાઈડમાં મૂકી દીધી અને ચૌદમાં ભાગમાં લવ સ્ટૉરી શરૂ થાય એ પહેલાં ઈન્ટરવલ પાડી દીધું.
         મારા વિચારો મુજબ સ્ટૉરી પંદરમાં ભાગથી જ શરૂ થઈ, કારણ કે સ્ટૉરી હું એકલો લખતો હતો એટલે એક દોર બંધાય જતો જેમાં હું સતત વહ્યા કરતો.કોઈ સસ્પેન્સ ઉભું કરવું હોય તો એ સસ્પેન્સ ક્યાં ખોલવું એ અગાઉથી વિચારી શકતો.હું જ બધુ કરતો તો મેઘા શું કરતી એમ સૌને લાગતું હશે પણ મેઘા એ કામ કરતી જે હું ના કરી શકતો.મારા વિચારીની કેટલી હદ છે.મેં જેટલું જોયું અથવા વાંચ્યું છે તેમાંથી હું મારા વિચારોને આહવાન આપી શકું પણ મેઘા હંમેશા મેં વિચારેલી વાતથી એક કદમ આગળ નીકળતી અને એટલે જ દલીલમાં હંમેશા એ બાજી મારતી.
        અમે સ્ટૉરી શરૂ કરી ત્યારે વિચારેલું કે સ્ટૉરી ત્રીસથી ચાલીશ ભાગ વચ્ચે પુરી કરવી.જો મેઘાએ મને સ્ટૉરી લંબાવવા ફોર્સના કર્યું હોત તો ચાલીશ ભાગ સુધીમાં સ્ટૉરી પુરી કરવાનો જ હતો પણ મેઘાએ બે દિવસ મને સતત સમજાવ્યો અને સ્ટૉરી સાઈઠ ભાગ સુધી લઈ જવા મનાવી મનાવી લીધો.
        અંતે જ્યારે ચાલીશમાં ભાગમાં બીજો ઈન્ટરવલ પડ્યો ત્યારે આકૃતિના મૃત્યુ સિવાય મારી પાસે બીજું કોઈ રહસ્ય વધ્યું નોહતું.એકની એક વાત વારંવાર દોહરાવીને હું વાંચકોને કે મને કંટાળો આવે એવું નોહતો ઇચ્છતો એટલે સ્ટૉરી જેમ વિચારી હતી એમ જ પુરી કરવાનું મેં વિચાર્યું.
           આ તો રહી સ્ટૉરીની વાત.હવે સ્ટૉરી બનાવવામાં કોનો કેટલો હિસ્સો રહ્યો,મેં ક્યાંથી પાત્રો શોધ્યા અને એ પાત્રો શોધવા પાછળની રોચક વાતો કરી લઈએ.
         સૌથી પહેલું પાત્ર,આપણી સ્ટૉરીના વિલન એવા મહેતાભાઈ અને અનિલભાઈ.અમદાવાદમાં મારો એક દોસ્ત રહે છે. એક દિવસ હું તેને ઑફિસે મળવા ગયો.એ ઑફિસનું નામ છે ‘અનિલ ટ્રેડિંગ કંપની’.મનસુખભાઇના પુત્ર અનિલના નામ પરથી આ કંપનીનું નામ રાખવામાં આવ્યું છે.પિતા-પુત્ર બંને આ કંપનીમાં કામ કરે છે.મનસુખભાઇ સ્વભાવે ખૂબ જ સાલસ અને મિલનસાર સ્વભાવના છે.તેઓનો સ્વભાવ અને મારા દોસ્તના મોઢે તેઓની વાત સાંભળીને મેં મહેતાભાઈનું અને અનિલ પાત્ર નક્કી કર્યું.
      હવે રસપ્રદ વાત તો એ છે કે વિહાન જે મહેતાંભાઈની ઑફિસે જૉબ કરતો એમ હું પણ મારા દોસ્ત સાથે આ મનસુખભાઇની ઑફિસમાં એકાઉન્ટન્ટ છું.બીજી રોચક વાત મેં સ્ટોરીમાં મહેતાને બે પત્ની હોય એવું જણાવ્યું છે અને હકીકતમાં મનસુખભાઇએ પણ પહેલી પત્નીના મૃત્યુ પછી બીજા લગ્ન કર્યા છે એ સ્ટૉરી પુરી કર્યા પછી મને માલુમ પડ્યું.ગજબ કહેવાયને? અને હા તેઓને પણ એક પચીસ વર્ષની દીકરી છે.જેનાં લગ્ન થઈ ગયા છે.(બીજું કંઈ ના વિચારો એટલે મેન્શન કરવું પડ્યું.હાહાહા)
      આ તો વાત રહી પાત્રની હવે થોડી ઘટનાની પણ વાત કરી લઈએ.આકૃતિને બીમારી હશે અને એ મૃત્યુ પામશે એ અમે સ્ટૉરી શરૂ ત્યારે જ વિચારી લીધું હતું પણ સ્ટોરીના જ્યારે સાડત્રીસ-આડત્રીસમાં ભાગ આવતા હતા મતલબ આકૃતિની બીમારીની ઘટના ઘટતી હતી ત્યારે જ મેં ‘ચાલ જીવી લઈએ’ મૂવી જોયું.જેમાં હીરોને પણ આવી જ કંઈક બીમારી હોય.આ તો સંયોગ કહેવાય પણ  સ્ટૉરીના પિસ્તાલીસ ભાગ લખી લીધા પછી ‘કાજલબેન ઓઝા’ની નૉવેલ ‘સત્ય-અસત્ય’ વાંચી. તેમાં શું થાય છે એ તો હું ના કહી શકું એટલે તમે જાતે જ વાંચીને જોઈ લેજો એટલે સમજાય જશે હું શું કહેવા માગું છું.
      અમદાવાદના રિવરફ્રન્ટ પરની જે-જે ઘટના લખી છે તેને ન્યાય આપવા માટે હું એક અઠવાડિયામાં દસ વાર ત્યાં જઈ આવ્યો,સાઇકલ પર ચિઠ્ઠી,રિવરફ્રન્ટની પાળી, ઉપર ગાર્ડન બધી જ નાની નાની વાતોનું નિરીક્ષણ કર્યા પછી જ એ સીન લખવામાં આવ્યો હતો.
       હજી એક સંયોગ,કોઈ ‘ચંદ્રકાન્ત પરીખ’નો ‘નવો વળાંક’ વાંચી હોય તો તેમાં પણ નાણાવટી પરિવારને અજાણ્યા લોકો તરફથી ચિઠ્ઠીઓ મળતી હોય છે. બીજા ઈન્ટરવલ સુધીનું લખી લીધા પછી મેં ‘નવો વળાંક’ વાંચેલી જેમાં ચિઠ્ઠીની ઘટનાઓ વાંચીને હું પણ અચંબિત થઈ ગયેલો.
     ત્યારબાદ મહેતાના મૃત્યુનો સીન. ‘ચંદ્રકાન્ત બક્ષી’એ લખેલી ‘આખરી રાત’માં મુખ્ય પાત્રનું નામ વિક્કી હોય છે જે પોતાની જ પ્રિયતમા કેયાને મારવાની કોશિશ કરે છે, વિક્કીને એમ લાગે છે કેયા મરી ગઈ છે, એ જ અપરાધ ભાવ સાથે વિક્કી પણ આત્મહત્યા કરી લે છે.ત્યારબાદ કેયાના દુઃખનું જે વર્ણન કરવામાં આવ્યું છે એવું વર્ણન મેં વિહાનની અંતિમ ક્ષણોમાં લખવાનો પ્રયાસ કર્યો છે.(મતલબ એવો ભાવ મારામાં જન્માવ્યો હતો હો.)
    ખાસ વાત છેલ્લાં બે ભાગ લખવા માટે સ્ટૉરીમાં જે પરિસ્થિતિ હતી તેના અનુરૂપ મારે ઢળવું જરૂરી હતું.એ માટે સતત હું કલાક સુધી શાંત ગીતો સાંભળતો સાંભળતો લખતો અને ઓગણપચાસમાં ભાગમાં હું લખવામાં એટલો ખોવાય ગયો હતો કે જ્યારે ભાગ પૂરો કર્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે રાતના બે વાગ્યે છે અને મારી આંખો ભીંની છે.
      લખવાની વાત નીકળી તો એક વાત હજુ યાદ આવી.સ્ટોરીમાં કેટલીક ઘટનાઓને ન્યાય આપવા હું રાત્રે ત્રણ વાગ્યે જાગીને સ્ટૉરી લખતો.જેમ કે અરુણાબેનના હાર્ટએટેક વાળો સીન,કૌશિકની મહેતાં સાથે તકરારનો સીન,મહેતાના મૃત્યુનો સીન.આ બધી ઘટના એવી હતી જે શાંત વાતાવરણ અને લાંબો વિચાર માંગી લેતી હતી.તેથી એક સાથે લખી શકાય એ માટે હું રાત્રે જ લખવાનું પસંદ કરતો.
       હવે આભાર વિધિ, 
       પહેલાં તો મેઘાબેન, જેણે સાથે સ્ટૉરી લખવાનો વિચાર આપ્યો અને જ્યાં સુધી નક્કી કરેલ અંજામ સુધી સ્ટૉરી પહોંચી નહિ ત્યાં સુધી સતત સાથે રહ્યા અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.(તેઓએ હરિદ્વારનું વર્ણન લખીને મોકલ્યું હતું ત્યારે હું મારી નજર સામે હરિદ્વાર જોઉં છું તેવી અનુભૂતિ થઈ હતી).આકૃતિની નાની-નાની વાતોથી લઈને એક છોકરી કેવી રીતે વર્તે એ બધી જ વાતો તેઓએ લખેલી છે તો એમનો સૌથી પહેલાં આભાર.(તેઓએ વખાણ કરવાનું કહ્યું હતું હો.હાહાહા)
     ત્યારબાદ સ્વીટુ, શ્રેષ્ઠ લેખક નહિ પણ શ્રેષ્ઠ રિવ્યુ આપનાર વાચક.પચાસ ભાગમાં એકપણ ભાગ એવો નહિ હોય જેમાં તેઓની કોમેન્ટ નહિ હોય અને કોમેન્ટ મતલબ?માતૃભારતીમાં કૉમેન્ટની જેટલી શબ્દમર્યાદા છે ત્યાં સુધી કોમેન્ટ લખવાથી ટેવાયેલી સ્વીટુનો આભાર.આકૃતિના જન્મદિવસ પર કેક એકબીજાના મોઢા પર લગાવવાના બદલે નાના ભૂલકાઓને આપવાનો વિચાર જ સ્વીટુએ આપેલ.એ પૂરો ભાગ જ તેણે મને લખી આપ્યો હતો એટલે ફરીથી સ્વીટુનો આભાર.
     ત્યારબાદ માસૂમ પટેલ,જેઓ માતૃભારતી પર મારી સ્ટૉરી વાંચતા જ નથી.હું સ્ટોરીના જેટલા ભાગ લખું એ તેઓને વોટ્સએપ કરી દેતો.મહેતાંની દીકરી ઈશા હશે એ વાત તેઓએ મને કહેલી અને ત્યારબાદ મેં ઇશાને બદલે ખુશીને રાખવાનું નક્કી કરેલું.તેઓ મને બધા જ ભાગને અંતે નાનામોટા સૂચનો આપતા જેને ધ્યાનમાં રાખીને હું આગળના ભાગ લખતો.
      અંતે સૌ વાંચકોની આભાર,જેઓએ મારી નાની-મોટી ભૂલોને ભુલાવીને હસતાં મોંએ  સ્ટોરીને સ્વીકારી લીધી.
     બસ વધારેમાં તો કંઈ નહિ પણ વિકૃતિ સાથેનો અનુભવ હંમેશા યાદ રહેશે.(આભાર વિધિ પૂરી)
        મેર મેહુલ.