Safarma madel humsafar - 19 books and stories free download online pdf in Gujarati

સફરમાં મળેલ હમસફર ભાગ-19

સફરમાં મળેલ હમસફર 
ભાગ-19
મેર મેહુલ
“રુદ્ર!!??...મને લાગે છે તું ઓગણીસમી સદીમાંથી આવ્યો છે.અત્યારના છોકરાના નામ પ્રિન્સ,લવ જેવા આધુનિક હોય. રુદ્ર પણ કંઈ નામ થયું?”
“મારા મમ્મી-પપ્પાએ મારા જન્મ પહેલાં જ મારું નામ નામ નક્કી કરી લીધું હતું એટલે મને આ નામ યોગ્ય લાગે છે”રુદ્રએ કહ્યું.
“ક્યાં સાવરકુંડલા જાય છે?”સેજુએ પૂછ્યું.
“ના, સિહોર અને તું?”
“લે હું પણ સિહોર જ જઉં છું”સેજુએ ખુશ થઈને કહ્યું.
“ઓહ તો આપણના સફરની મંજિલ એક જ છે એમને?”
“જેઓની મંજિલ એક હોય છે તેઓના રસ્તા હંમેશા જુદાં હોય છે અને જેઓના રસ્તા જુદાં હોય તેઓની મંજિલ એક હોય છે”સસ્મિત સાથે સેજુએ કહ્યું.
“આપણાં રસ્તા તો એક છે હવે મંજિલ જોઈએ”રુદ્રએ પણ સ્મિત કરતાં કહ્યું.
“ઓહ માય ગૉડ”સેજુએ પોતાનાં ગોરા ગાલ પર બંને હાથ રાખ્યા, “તું ફ્લર્ટ કરે છે?”
“હાહાહા”રુદ્ર હસી પડ્યો, “કદાચ,મારા પપ્પા પાસે તારા સવાલનો જવાબ હશે,મને તો નહીં ખબર”
“કેમ તારા પપ્પાએ ફ્લર્ટ કરવામાં ડીગ્રી લીધી છે?”
“હાસ્તો લે,હજી પણ હું સામે હોય તો પણ બેધડક મારી મમ્મીને ઊંચકીને ગાલે કિસ કરી લે છે”રુદ્રએ હસીને કહ્યું.
“તો તે શું કર્યું,કેમ પપ્પા જેવો ના થયો?”વાતુડી સેજુ રુદ્રને સવાલ પર સવાલ કરતી જતી હતી.
“મેં બૂકો વાંચી.મારા પપ્પાને લવ સ્ટૉરી વાંચવી પસંદ છે અને મને સાહસિક અને ભૂત-પ્રેતની સ્ટૉરી.”
“તો તો તારે મારા ગામડે આવવું જ જોઈએ”સેજુએ કહ્યું, “મારા ગામમાં એકલાં ભૂત જ ભર્યા છે”
“એમાંનું એક ભૂત મારી સાથે વાતો કરે છે”ફ્લર્ટ કરતાં રુદ્રએ કહ્યું.
“તું હઈશ ભૂત,હું તો બાળપણથી જ અમદાવાદમાં રહી છું.આ તો મારા અંકલની દીકરીના લગ્ન છે એટલે જવ છું”
“બાય ધ વૅ, તું ક્યાં કામથી જાય છે?”સેજુએ ફરી પૂછ્યું.
“હું પણ એક લગ્નમાં જ જઉં છું”વાત પૂરી કરવાનાં ઈરાદાથી રુદ્રએ કહ્યું કારણ કે સેજુના સવાલના જવાબ આપીને રુદ્ર હવે કંટાળી ગયો હતો.
“તું અમદાવાદમાં ક્યાં રહે છે?”સેજુએ પૂછ્યું.
“નારોલ,શુકન બન્ગ્લોઝમાં”રુદ્રએ કહ્યું.
“ઓહ,એ તો મોંઘા બન્ગ્લોઝ છે,હું પાલડી રહું છું”
“ઠીક છે સારું”કહી રુદ્રએ બંને કાનમાં બ્લુટૂથ ચડાવી દીધાં અને બૂકમાં ધ્યાન પોરોવ્યું.હજી પાંચ મિનિટ પણ નોહતી પસાર થઈ ત્યાં ફરી સેજુએ રુદ્રને બોલાવ્યો.રુદ્રએ કાનમાંથી બ્લુટૂથ હટાવ્યું.
“તને કોઈ પ્રૉબ્લેમ ના હોય તો આપણે સોંગ શૅર કરીએ?મને બોવ જ કંટાળો આવે છે એકલા સોંગ સાંભળવામાં”
“એક શરત પર’રુદ્રએ કહ્યું, “સોંગ મારી પસંદના હોવા જોઈએ અને વચ્ચે તું કંઈ પણ બોલીશ નહીં”
“ઠીકે છે”કહી સેજુએ રુદ્ર પાસેથી એક પ્લગ લઈ લીધો.
      સોંગ શરૂ થતાં સેજુ ફરી બોલી, “નાઇસ સોંગ!!!”
“શશશશ”કહી રુદ્રએ તેને ચૂપ કરાવી દીધી.
       સેજુ સોંગ સાંભળતી હતી અને રુદ્ર બુક વાંચતો હતો.સોંગ સાંભળતા સાંભળતા સેજુની ક્યારે આંખ લાગી ગઈ એ તેને ખ્યાલ ના રહ્યો અને રુદ્રના ખભે માથું રાખીએ સૂઈ ગઈ.
      જોતજોતામાં સિહોર આવી ગયું.
“ચાલ મને તો મારા અંકલ લેવા આવે છે,કિસ્મતમાં લખ્યું હશે તો બીજીવાર મળશું”સેજલને તેના અંકલ લેવા આવ્યા હતા એટલે તેની બાઇકમાં સેજલ નીકળી ગઈ.
‘ભગવાન કરે તું બીજીવાર ના અથડાય’રુદ્ર મનમાં બોલ્યો.રુદ્રને તેનો દોસ્ત લેવાં આવવાનો હતો પણ કોઈ કારણસર એ મોડો પડ્યો એટલે તેની રાહ જોતો રુદ્ર ત્યાં જ ઉભો રહ્યો.
       થોડીવાર પછી તેનો દોસ્ત જે.ડી. બાઇક લઈને આવી પહોંચ્યો.સિહોર બસ સ્ટેન્ડથી ટાવર અને ત્યાંથી અમદાવાદ પર રોડ પર બાઇક આગળ વધી. થોડે આગળ જતાં રેલ્વે ફાટક આવ્યું જે બંધ હતું.ગુજરાતના બધા રેલ્વે ફાટક કરતાં આ ફાટક વધુ બંધ રહે છે. તેનું પણ એક કારણ છે.આ ફાટક પ્લેટફોર્મની નજીક છે.તેથી ટ્રેન આવે તેની દસ મિનિટ પહેલાં આ ફાટક બંધ થાય છે અને ટ્રેનના ગયા પછી દસ મિનિટે આ ફાટક ખુલ્લે છે તેથી અહીંયા પચીસ મિનિટ વાહન બંધ કરવા જ પડે છે.
“કેટલી વાર બે યાર,અમદાવાદ કરતાં વધુ ટ્રાફિક છે અહીં તો”રુદ્રએ અકળાઈને કહ્યું.
“તકલીફ તો રહેવાની બકા”કહી જે.ડી.એ બાઇક સ્ટાર્ટ કર્યું.ફાટક ખુલ્લી ગયું અને બાઇક આગળ ચાલી.ફાટકથી થોડે આગળ ચાલીને શાશ્વત બંગલોની બરોબર સામે ડાબી તરફ ઉસરડ જવાનો રસ્તો ફાટે છે.પોટ્રીની ચાલીને વીંધીને એક ડામર રોડ શરૂ થાય છે જે કચોટીયા-ઉસરડ થઈને પીપળીયા પહોંચે છે.પોટ્રીની ચાલીથી આગળ સિંધી સોસાયટી પડે જેમાં ખાલી પ્લોટ વિસ્તાર પડ્યા છે.એ સોસાયટી પુરી થાય એટલે ખેતરો શરૂ થઈ જાય છે.
     સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી નીકળતી ગૌતમી નદીના કિનારે રસ્તો આગળ વધતો જાય છે. બંને બાજુ લીલાછમ ખેતરો અને વચ્ચે ડામર રોડ.બે કિલોમીટર ચાલતા ડાબી તરફ કેસર આંબાનો એક બગીચો આવ્યો.એ બગીચો પૂરો થતાં ડાબી બાજુ શીતળા માતાનું મંદિર આવે અને એ મંદિરથી જ ડાબી બાજુએ કચોટીયા ગામ જવાનું બોર્ડ આવે.
      જે.ડી.એ ડાબી તરફ બાઇક વાળી.આગળ જતાં એક ઢાળ આવ્યો,એ ઢાળ ઉતરી ડાબી તરફ જ એક ધુળિયો રસ્તો ફાટ્યો.ગૌતમી નદીનું નાળુ પાર કરી કચોટીયા ગામ આવ્યો.લીલાછમ વૃક્ષો અને ભવ્ય મકાનોથી સમૃદ્ધ આ ગામ કોઈ રજવાડું લાગી રહ્યું હતું. રુદ્ર આજુબાજુની હરિયાળી જોતો રહ્યો.જે.ડી.એ ત્રણ ચાર કાવા માર્યા પછી એક મોટા ગેટમાં પ્રવેશી વડવૃક્ષ નીચે બાઇક ઉભી રાખી.
      વડની પેલી સાઈડ બે મજલાની ભવ્ય બાંધકામવાળી ભૂરી હવેલી હતી.ફળિયામાં વાઈટ ફોર્ચ્યુનર,એક્ઝ.યુ.વી,ઓપન જીપ્સી અને એક ઇનોવા કાર પડી હતી.તેની બાજુમાં એક બ્લૅક રોયલ ઇન્ફાઇડ પડ્યું હતી.કાર પાર્ક કરેલી હતી તેની સામેની સાઈડ તબેલામાં ઊંચી નસલની બે ઘોડીઓ બાંધેલી હતી.હવેલીના ફળિયાની મધ્યમાં આ મોટું વડવૃક્ષ હતું.વડ નીચે પણ ત્રણ ઝફરાબાદી ભેંસો અને બે ગાય બાંધી હતી.
        રુદ્ર આ બેનમૂન નજરો જોવામાં વ્યસ્ત હતો ત્યાં સામેથી સેજુ આવી.રુદ્ર અને સેજુની નજર મળી.રુદ્રને જોઈ સેજુ મુસ્કુરાઈ.
                                             ***   
(સાત દિવસ પહેલાં)
“મમ્મી હું આવતા અઠવાડિયે સિહોર જવાનો છું”રુદ્રએ નાસ્તો કરતાં કહ્યું, “તેની ત્રણ બહેનના લગ્ન છે”
“કોણ જે.ડી. જ ને?”જિંકલે ત્રાડુકીને કહ્યું, “એણે તો તને બગાડી રાખ્યો છે”
“મમ્મી સવાર સવારમાં શરૂ ના થઇ જા”રુદ્રએ પણ લડત આપતાં કહ્યું, “અમને બંનેને સાથે જોઈને તું તેના પર આક્ષેપ ના નાખી શકેઅને હું ક્યાં બગડ્યો છું?”
“તારા પપ્પાને જો,તારી ઉંમરે બિઝનેસ માટે તારા દાદા સાથે ઝગડો કરી ઘર છોડી નીકળી ગયા હતા અને પોતાને જો,હરવું-ફરવું અને બસ મજા કરવી”
“મારા માટે જ તો પાપા કમાય છે મમ્મી”રુદ્રએ ઉભા થઇ જિંકલનો ગાલ ખેંચ્યો, “અને મને નવી નવી જગ્યાએ જવું પસંદ છે એનો મતલબ એમ તો નથીને કે હું બગડી ગયો છું?”
“તું એટલે જ સિહોર જવાની વાત કરે છે ને?”
“મમ્મી તું પણ પપ્પાને મુંબઈ જતી હટી ત્યારે જ મળી હતીને?કહેતાં રુદ્રએ નાસ્તો પતાવ્યો અને ઉભો થઇ ગયો.
“એ સમય જૂદો હતો, તું છેલ્લાં વર્ષમાં છો”જિંકલે રુદ્રને ઠપકો આપતા કહ્યું, “તું કૉલેજ પુરી કરી લે પછી તું પણ….”
“મમ્મી,છ જ મહિના બાકી છે હવે અને હું જવાનો છું બસ”રુદ્રએ પોતાનો નિર્ણય સંભળાવી ચાલવા લાગ્યો.
“દૂધ તો પીતો જા”જિંકલ દુધનો ગ્લાસ લઈ રુદ્ર પાછળ દોડી.
“મમ્મી,હું એકવીશનો થયો છું.હમણાં પપ્પા આવેને એટલે તેને આપી દેજે”કહેતાં રુદ્ર ઘરની બહાર નીકળી ગયો.
      રુદ્ર કૉલેજે પહોંચ્યો ત્યાં પાર્કિંગમાં જે.ડી. અને સંદીપ રાહ જોઇને ઉભા હતા.શુભમ કૉલેજની લાઈબ્રેરીમાં વાંચતો હતો.કૉલેજમાં આ ચારેય દોસ્તોની ટોળી ફેમસ હતી.સંદીપ અને જે.ડી.ને ગર્લફ્રેંડ હતી એટલે બંને મોટે ભાગે તેની સાથે જ વ્યસ્ત રહેતા.જે.ડી.,સંદીપ અને શુભમ એક જ ગામના હતા.સંદીપ પહેલેથી અમદાવાદમાં જ રહેતો જ્યારે જે.ડી. અને શુભમ ત્રણ વર્ષ પહેલાં અમદાવાદ આવ્યા હતા.સંદીપ અને જે.ડી. કાકા-દાદાના ભાઈ હતા.
       જે.ડી. સ્વભાવે મસ્તીખોર હતો અને કોઈ પણ વાતમાં વચ્ચે ઘૂસવાની તેને પહેલેથી ટેવ હતી જ્યારે શુભમ સ્વભાવે ઓછું બોલવાવાળો વાળો અને હંમેશા શાંત રહેવાવાળો વ્યક્તિ હતો.આમ પણ શુભમ જે.ડી. સાથે ઓછો વ્યવહાર રાખતો.કામ સિવાય એ જે.ડી. સાથે વાત પણ ના કરતો.એટલે જ અત્યારે એ લાઈબ્રેરીમાં બેસીને રુદ્રની રાહ જોઈ રહ્યો હતો.રુદ્રને વધારે શુભમ સાથે જ જામતી કારણ કે જ્યારે જે.ડી અને સંદીપ પોતાની ગર્લફ્રેન્ડ સાથે વ્યસ્ત રહેતા ત્યારે આ બંને એકલા રહી જતા.
      રુદ્રને ગર્લફ્રેન્ડ નોહતી એવું નોહતું.તેની પાછળ ઘણી બધી છોકરીઓ ફિદા હતી પણ રુદ્ર કોઈને ભાવ ન આપતો.એ હંમેશા નવી નવી નૉવેલ વાંચવામાં અને દોસ્તો સાથે સમય પસાર કરવામાં માનતો.પોતાના પિતાના સ્વભાવથી રુદ્ર સાવ અલગ ઉતર્યો હતો.
         આવતા અઠવાડિયામાં જે.ડી.ની ત્રણેય બહેનના લગ્ન હતા એટલે તેણે પોતાના બધા મિત્રોને કચોટીયા બોલાવ્યા હતા.શુભમ તો કચોટીયા જવા નોહતો જ ઇચ્છતો પણ રુદ્રના આગ્રહને માન આપી એ પોતાનાં ગામ જવા તૈયાર થઈ ગયો.
     સંદીપ અને જે.ડી. કાલે જ નીકળી જવાના હતા એટલે જે.ડી.એ રુદ્રને ચોખ્ખા શબ્દોમાં ધમકી આપી, ‘તું તારા ઘરેથી પરમિશન લઈ લે નહીંતર હું અંકલ આંટી પાસે પરમિશન લેવા આવીશ’એટલે રુદ્ર જિંકલ પાસેથી પરમિશન લઈ કૉલેજ આવ્યો હતો.
“તું આવે છે ને?”રુદ્ર બાઇક પરથી ઉતર્યો એટલે સંદીપે પૂછ્યું.
“આવું જ ને”રુદ્રએ આંખો પરથી ગોગલ્સ ઉતારી કહ્યું, “આ ડોફાને લીધે મમ્મી સાથે સવાર સવારમાં ઝગડો કરવો પડ્યો”
“તારા મમ્મી મને તોફાની સમજે એમાં હું શું કરું?”જે.ડી.એ પોતાનો બચાવ કરતાં કહ્યું, “હું તો કેવો ડાહ્યો છું”
“હા એ તો મેં જોયું,કાલે પેલી નિરાલીને રસ્તા વચ્ચે ગાળો આપી એ મને ખબર છે”રુદ્રએ કાલની વાત યાદ કરતાં કહ્યું.
“શું કરું બે યાર,ઇ પાછળ જ પડી ગઈ હતી”
“તારી પાછળ?”સંદીપે પૂછ્યું, “એને તો ખબર છે તારું પેલી શીતલ જોડે લફરું છે અને ઇ તો એની બેનપણી છે”
“ઇ જ તો તકલીફ છે ટોપા,નિરાલી સામે મેં એકવાર રુદ્રના વખાણ કર્યા હતા.હવે એ મને કહે છે રુદ્ર સાથે એકવાર વાત કરાવી દે”જે.ડી.એ નિસાસો નાખી કહ્યું, “હું તો બેય બાજુથી ફસાય ગયો,આ ડોફાને વાત નથી કરવી અને પેલી નિરાલી મારુ માથું ખાય ગઈ”
“તો તને કોણે કહ્યું હતું નિરાલી સામે મારા વખાણ કરવાનું?”
“તું તો જીગરી છો યાર,તારું સેટિંગ થાય તો આપણે પાર્ટી આપવાની છે”
“તને તો ખબર છે ને આને બૂકો સિવાય બીજું ગમતું નથી,આના લગ્ન થશે ત્યારે પણ સુહાગરાતના દિવસે પહેલા હવસની બુક વાંચશે અને પછી કામ કરશે”સંદીપે રુદ્રની મસ્તી કરતાં કહ્યું.
“બંને ભાઈ પાસે ગર્લફ્રેન્ડ છે એટલે ઉડાવી લો મજાક પણ એક વાત યાદ રાખજો જે દિવસે તારા ભાઈને છોકરી પસંદ આવી ગઈને ત્યારે તમારા બંનેના મોંઢા બિલાડી જેવા થઈ જવાના છે”
“સપનાં જો ભાઈ,છપ્પન છોકરીઓએ તને પ્રપોઝ કર્યા છે પણ કોઈને હા પાડવાની વાત તો દૂર રહી તે તો કોઈની સામું પણ નથી જોયું”જે.ડી.એ કહ્યું.
“હા તો આપણે કંઈ થોડી આલતું-ફાલતુ પસંદ કરવાની છે.લાખોમાં એક હશે તારી ભાભી!!!”
“અમે પણ ભાભીને મળવા આતુર છીએ”સંદીપ અને જે.ડી. એક સાથે બોલ્યા.
       વાત ત્યાં પતી ગઈ.સંદીપ અને જે.ડી. પોતાની ગર્લફ્રેન્ડને મળવા ચાલ્યા ગયા,રુદ્ર લાઈબ્રેરી તરફ આગળ વધ્યો.
“તું કેમ ઉદાસ બેઠો છે?”રુદ્રએ શુભમનો ઉતરેલો ચહેરો જોઈ પૂછ્યું.
“મારે ઘરે નથી જવું યાર,મને ત્યાં હચોડું નથી ગમતું”શુભમે ઉતરેલા અવાજે કહ્યું.
“તારા મમ્મી-પપ્પા બધા ત્યાં છે અને તું છેલ્લાં એક વર્ષથી તેઓને મળ્યો નથી તો પણ તારે નથી જવું?”રુદ્રએ આશ્ચર્યથી પૂછ્યું, “મમ્મી-પપ્પાથી દુર એટલી બધી છૂટ મળી ગઈ છે તને?”
“એવું નથી યાર,પણ તને બધી વાતોની ખબર નથી અને તને ખબર છે ને મેં કંઈક નિર્ણય લીધો હશે તો વિચારીને જ લીધો હશે”શુભમે કહ્યું.
“ઓહ તો તું તારી એક્સને લીધે નથી જવા ઇચ્છતો એમ બોલને”રુદ્રએ હસીને કહ્યું, “પણ આપણે ક્યાં ત્યાં લગ્ન ઍન્જોય કરવા જઈએ છીએ? હું તો મારા ખાસ મતલબથી જઉં છું અને તું સાથે આવીશ તો મને મદદ મળી રહેશે”
“તું પેલા ખજાનાની વાત કરે છો?”શુભમના ચહેરા પર ડર પેસી ગયો, “મેં તને કહ્યું છે ને એ બેય ભાઈ તને ઉલ્લુ બનાવે છે,હકીકતમાં ત્યાં કોઈ એવો ખજાનો કે ભોંયરૂ નથી”
“ત્યાં પેલી વાવ તો છે ને?”રુદ્રએ પૂછ્યું.
“હા છે તો?”
“તો આપણે ક્યાં ખજાનો મેળવવો  છે?મારે તો બસ એ વાવ જોવી છે અને તને ખબર છે ને સાહસની કે ભૂત પ્રેતની વાતો આવે તો મારી અંદરનો રાક્ષસ જાગી જાય છે. હવે જ્યાં સુધી હું એ વાવ નહિ જોઉંને ત્યાં સુધી મને ચેન નહિ પડે”
“તને કોણે રોક્યો છે? તું શોખથી જા પણ હું નથી આવવાનો”શુભમે ચોખ્ખી ના કહી દીધી.
“છોકરીઓ જેવું શું કરે છો યાર? એક અઠવાડિયાની જ વાત છે ને અને આમ પણ આપણે કૉલેજમાં પંદર દિવસની રજા છે તો એ બહાને નવી જગ્યા જોવાય જશે”
“એ જગ્યામાં જ હું મોટો થયો છું,મારા માટે ત્યાં કંઈ નવું નથી”
“એટલે જ ને બકા”રુદ્રએ શુભમના ખભે હાથ રાખ્યો, “તું ત્યાંના ભૂગોળથી પરિચિત છો એટલે મને મદદ મળી રહેશે અને તું આવે છે એ વાત નક્કી છે જો આનાકાની કરી તો એક્સ ભાભીની કસમ છે”
      શુભમે આખરે હારીને માથું ધુણાવ્યું.રુદ્રએ સિહોરની બે ટીકીટ બુક કરાવી લીધી અને સિહોર જવાની તૈયારી શરૂ કરી દીધી.
       સાત દિવસ પછી રુદ્ર ક્રિષ્ણનગર બસ સ્ટેશને શુભમની રાહ જોતો હતો,બસ પોતાનાં સમયથી મોડી હતી.શુભમે આવું છું, આવું છું કહીને અંતે નથી જ આવતો એવો કૉલ કર્યો.રુદ્રએ નારાજ થઈને એકલા જ નીકળી જવાનું નક્કી કરી લીધું.એ જ બસમાં પાલડીથી સેજુ ચડી હતી.
(ક્રમશઃ)
મેર મેહુલ