ek anokhi diwali books and stories free download online pdf in Gujarati

એક અનોખી દિવાળી

થોડા સમયથી મન ઉદાસ હતું. 'હું કશું જ કરતી નથી' ની લાગણી ઘર કરી ગઇ હતી. સ્વામી વિવેકાનંદનાં વિચારોની મન પર ઊંડી છાપ. એટલે થોડા થોડા સમયાંતરે કોઈ વિશેષ કામ કરવાની ચળ ઉપડે.

"મમ્મી! આ વખતે દિવાળી કંઇક અલગ રીતે ઉજવીએ તો...!"
રંગોનો, ફટાકડાનો અને મિઠાઇઓનો આ તહેવાર આપણાં જીવનમાં તો ખુશીઓ લાવે છે પણ એ ખુશીઓ ખૂંચે છે જ્યારે ઘણાં નાના બાળકોને ફટાકડા ને મીઠાઈ પર નજર ટાપી ને બેસેલા જોઉં છું ત્યારે... છાપા, મેગેઝીનમાં દર વર્ષે વાર્તાઓ અને આહલેક વાંચુ છું કે દિવાળીનાં દિવસોમાં ખુશીઓ ની વ્હેંચણી પણ કરીએ.. કેટલાં ગરીબ બાળકોનાં નસીબ માં દિવાળીના દિવસે નવા કપડા, મીઠાઈ કશું નસીબમાં નથી હોતું. આ બધા વિચારોની મન પર ઊંડી અસર થયેલી. સેવા કાર્યો નો વધુ અનુભવ તો નહીં.. પણ કંઇક કરવાની ખેવના હંમેશાથી.. એટલે એની પહેલ રૂપે મેં પણ ઘર માં રજૂઆત કરી..

શું કરશું.. શું કરશું નાં જવાબ રૂપે વિચાર આવ્યો કે ફટાકડા અને મીઠાઈ ની થોડી કીટ તૈયાર કરીએ અને એ નાના ગરીબ બાળકો ને વ્હેંચશુ એમ વિચારી અમે તો 20 કીટ તૈયાર કરી. કીટ તો તૈયાર થઈ ગઇ પણ આ આપીશું કોને.. 20 કીટ માં તો કંઇ ના થાય.. સંસ્થામાં ક્યાંય આપવા જઇએ તો ત્યાં તો બહુ બધા બાળકો હોય.. કોને આપીએ અને કોને ના આપીએ.. અને સંસ્થામાં આપેલ કીટ ખરેખર એ બાળકો ને જ મળશે કે કેમ એ પણ એક પ્રશ્ન હતો.. આખરે હું અને પપ્પા નીકળી પડ્યા ગાડીમાં બધી કીટ ભરીને ગરીબ બાળકો ને વ્હેંચ્વા.. નક્કી કર્યું કે જયાં ક્યાંય ઝુપડપટ્ટી જેવું દેખાય ત્યાં બાળકો ને આપી દેશું બધું.. 

મન માં તો ઉત્સાહ ની સાથે અભિમાન પણ સમાય નહીં.. અહા... ! બધા પોત પોતાનાં સ્વાર્થ માં મસ્ત છે ત્યારે હું કેવી પરમાર્થ નું કામ કરવા જઇ રહી છું.. રસ્તામાં ચારે તરફ રોશની, ફટાકડાની ધૂમ છવાઈ રહી હતી. એવા સમયે હું મારો વિચાર ના કરતા બીજાની ખુશીનો વિચાર કરી રહી છું એ લાગણી થી હવામાં ઊડી રહી હતી.

આખરે એક ઝુપડપટ્ટી પાસે પપ્પાએ ગાડી ઉભી રાખી.
મને એમકે હું મારી વાત ની રજુઆત કરીશ એટલે ત્યાંના બાળકો અને મોભી ઓ ખુશ થઈ જશે. મને બેસવાની જગ્યા કરી આપશે. પછી દરેક બાળક ને લાઇન માં ઉભા કરી, દરેક સાથે વાત કરતી જઇશ, એમનાં માથા પર હાથ ફેરવતી જઇશ.. અને મારી સાથેની કીટ એમને આપતી જઈશ.. બધા આભારવશ એનો સ્વીકાર કરશે..

આનંદ અને કૂતૂહલની મિશ્ર લાગણી સાથે હું ગાડીમાંથી બહાર નીકળી અને ત્યાં ઉભેલા એક ભાઈ ને એટલું જ પુછ્યું કે "કોઈ નાના બાળકો હશે?" એટલું પૂછી ને મેં મારા હાથમાં રહેલી કીટ સામે જોયું.. બસ.. આટલું પૂરતું હતું. થોડી વાર સુધી જયાં કોઈ નહોતું દેખાતું ત્યાં ખબર નહીં ક્યાં ક્યાંથી અડધા નાગા, ભૂખ્યા બાળકો દોડી દોડીને પહોંચી ગયા. હું આ બધા માટે કશુંક કરી શકીશ એમ વિચારી હજુ મનોમન ખુશ થતી હતી ત્યાં કોઇએ મારા હાથમાં ની કીટ જૂટવા પ્રયત્ન કર્યો. હું હજુ કંઇ સમજુ કે બોલવા પ્રયત્ન કરું એ પેલા તો બાળકોનું એક આખું ટોળું મને વળગી પડયું. હું બધા ને શાંત કરવાની કોશિશ કરતી કહેવા લાગી કે લાઇનમાં ઉભા રહો.. બધા ને આપીશ. નહીં તો કોઈ ને નહીં આપું. શરૂ માં એક બે બાળક લાઈનમાં આવ્યા. અને પછી તો કાયદેસરની લૂંટ મચી ગઇ.. અંદરો અંદર મારા મારી, ગાળા ગાળી અને એક બીજા પરનાં આક્ષેપો.. અવાજો જ અવાજો... "બેન.. ઓલો રામલો બીજી વાર આવ્યો... રામલો કહે.. "બેન.. મારી નાની બેન અંદર સૂતી છે.. એનું લેવા આવ્યો છું.." હું હજુ કંઇ કહું, સમજું એ પહેલા તો રામલો ને એની ઉંમરનો બીજો એક છોકરો હાથા હપાઇ પર આવી ગયા હતાં.. અને બીજા બે ચાર બાળકો મારા હાથમાંથી કીટ ખેંચવા લાગ્યા હતાં.. હું ખૂબ ગુસ્સે થઈ ગઇ.. કોઈ મેનર જેવી ચીજ છે કે નહીં આ લોકો માં.. આ લોકો ને આપવું એનાં કરતાં તો ના આપવું સારું.... થોડા લોકો નાં હાથમાં આવ્યું અને હું ગુસ્સે થતી મારી કીટ નો બચાવ કરતી ગાડી માં ઘૂસી તો ગાડી ની અંદર પણ બાળકો ઘૂસવા લાગ્યા.. ત્યાં પડેલ કીટ ને ખેંચીને જૂટવા લાગ્યા.. સ્વ બચાવ માં મને પણ થોડી ઇજા થઈ.. ત્યાં ઉભેલા એક સજ્જન આ બધો તમાશો જોઇ રહ્યાં હતાં.. એમણે કહ્યુ પણ ખરાં..."બેન..  આ બધાં નકામા માણસો.. આ લોકો ને આપેલું લેખે ના લાગે.. એ તમે આપ્યું એ બધુ વહેંચી મારી એનો દારૂ લઇ ને પી જશે કે બીડી ઓ ફૂંકી જશે.." મેં એમની સામે સ્મિત આપતાં પપ્પાને ગાડી શરુ કરવા કહ્યુ અને અમે આગળ નીકળી ગયા.. મન ખૂબ ખિન્ન થઈ ગયું.. મનોમન કહ્યુ પણ ખરાં.. "ચોર ઉચક્કાઓ છે બધા...આવા લોકો ને આપીને શું ફાયદો.. ઉતરી ગયું સેવાનું ભૂત? મજા આવી? બધી કિતાબી વાતો છે. વાસ્તવિકતા કંઈક અલગ જ છે." 

ગાડીમાં પડેલી કીટ સામે ધ્યાન ગયું.. 20 માંથી 8-10 જ અપાઈ હતી.. બીજી કીટ માટે બીજી ઝુપડપટ્ટી નો અનુભવ કર્યો. ત્યાં આનાથી પણ વધુ ખરાબ અનુભવ રહ્યો.. મનોમન નક્કી કર્યું કે આ પેલી અને છેલ્લી વાર.. ફરી ક્યારેય આવી સેવા કરવા નહીં જાઉં..  કીટ સામે જોયું તો હજી પાંચેક બાકી હતી.. હવે ક્યાંય જવાનું મન નહોતું.. પણ આ પાંચ ને ઘરે તો ના લઈ જવાય.. કોઈ ને તો આપવી પડશે.. એટલે ઝુપડપટ્ટી વિસ્તાર છોડી અમે એમ જ ચક્કર લગાવવા શરૂ કર્યા.. ક્યાંય કોઈ એકલ દોકલ ગરીબ બાળક દેખાય તો એને આપવા માટે..  

ચાર અપાઈ ગઇ.. હવે છેલ્લી બચી હતી... ફરતા ફરતા રસ્તામાં એક નાની ગરીબ છોકરી ને એની મસ્તીમાં જતાં જોઇ.. અમે એને ઈશારો કરી બોલાવી.. એ પહેલાં તો ન આવી.. આજુ બાજુ જોવા લાગી.. એને ખાતરી થઈ કે અમે એને જ બોલાવીએ છીએ એટલે ધીરે રહી ને નજીક આવી.. મેં એને ધ્યાન થી નીરખી.  ફાટેલા અને મેલા કપડા, વિખરાયેલા વાળ.. કેટલા દિવસોથી નાહી નહીં હોય એવું ગંદુ શરીર... જોઇ ને જુગુપ્સા ઉપજે.. પરંતુ એનાં ચહેરા પર અત્યંત નિર્દોષતા અને રમતિયાળપણું.. ખબર નહીં કેમ.. મને એનાં પ્રત્યે આકર્ષણ થયું.. મેં એને કીટ આપવા હાથ લાંબો કર્યો.. પહેલાં તો એણે સામે જોયા કર્યું.. મેં કહ્યુ.."લે.. લઇ લે..! તારાં માટે જ છે.. મીઠાઈ ને ફટાકડા છે.  તને ફટાકડા ફોડવા ગમે કે નહીં..!" કોઈ અજાયબ ચીજ બની હોય, એમ એણે અમને નીરખ્યા કર્યું.. હંમેશા માર કે ધુત્કારથી ટેવાયેલી એ બાળકી ને કોઈ પ્રેમથી બોલાવીને કશું આપે એ જાણે એને મંજુર નહોતું.. થોડી વાર એમ જ પસાર થઈ.. એ કશું જ બોલી નહીં.. અને પછી અચાનક મારા હાથમાંથી કીટ આંચકી ને એ ભાગી.. એને જાણે ડર લાગ્યો કે હું એનાં હાથ માંથી પાછી લઈ લઈશ... થોડે દૂર જઇ એણે ઊંધું વળી અમારી સામે જોયું.. મેં એની સામે સ્મિત આપ્યું.. તો એ બાળકી જાણે કોઈ મોટો ખજાનો મળી ગયો હોય એટલી ખુશ દેખાતી હતી.. એણે મારી સામે એક વિજયી સ્મિત આપ્યું.. જાણે કહેતી હોય કે મારા હાથ માં ખજાનો આવી ગયો છે અને હવે એ હું કોઈ ને નહીં આપું.. અને એ મુઠ્ઠિ વાળી ને ભાગી.. હું ક્યાંય સુધી એને જતાં જોઇ રહી.. 

મારાં અગાઉ નાં અનુભવ થી ખિન્ન થયેલું મારૂં મન એક્દમ શાંત થઈ ગયું.. ગજબ નો સંતોષ મળ્યો મને... એ બાળકી નું સ્મિત મારા માનસ પટલ પર અંકિત થઈ ગયું.. મને એક મહત્વની વાત સમજાઈ.. જે બાળકો હંમેશા ધુત્કાર અને માર ની જ ભાષા સમજતા હતાં.. જન્મ્યા ત્યાર થી પ્રેમ જેમને મળ્યો જ નથી એમની પાસે હું મેનર ની અપેક્ષા રાખતી હતી.. શું સાચું ને શું ખોટું, શું સારૂં ને શું ખરાબ.. એ તો કહેવાતાં સજ્જનો ની ભાષા.. એમણે તો આંખ ઉઘડી ત્યાર થી માંગતા અને ના મળે તો આંચકી ને લઇ લેતાં જ શીખ્યું છે. ચોરી ના કરાય એવી કિતાબી વાતો ને તો એ ભણ્યા જ નથી અને જો આવું ના કરે તો પેટ ની આગ એમને સળગાવી દેશે.. એક એક રોટલી માટે જયાં ઝઘડાઓ થતાં હોય.. અને જે જીતે એમની ભૂખ જ જયાં  સંતોષાતી હોય, એમની પાસે હું લાઇનમાં ઉભા રહી ને લેવાની આશા રાખતી હતી.. એમનો ઉછેર જે જગ્યાએ થયો છે ત્યાં આ જ મેનર હતી.. મારી જાત ને એમની જગ્યાએ મૂકીને જોઉં અને વિચારું કે મને કોઈ એવા કુટુંબ માં જન્મ મળ્યો હોય કે જયાં સવારે ખાધા પછી સાંજનું ભોજન નસીબ થશે કે નહીં એ પણ ખબર ન હોય.. બાપ દારૂડિયો હોય અને મા ને મારતો હોય.. નાની ઉમર થી જ રમકડાં કે પુસ્તકો ની બદલે કાળી મજૂરી જ કરવાનું આવ્યું હોય.. તો હું પણ કદાચ આ જ રીતે કરતી હોત.. સામેની વ્યક્તિ નું મૂલ્યાંકન કરતા પહેલાં એક વાર પોતાની જાત ને એ પરિસ્થિતિ માં મૂકી તો જોઈએ...

અને મારી ફરિયાદો દૂર થઈ ગઇ.. કોઈ પુસ્તક જે વાત ન શીખવાડી શક્યું એ એક નાની બાળકી બે જ મિનીટ માં શીખવી ગઇ.. હું સેવા કરવા નીકળી પડી હતી.. પણ હું કોણ સેવા કરવા વાળી..! ખરેખર તો એ લોકો એ મારી સેવા કરી હતી.. મારી ગ્રંથિઓ ને તોડી ને.. મારાં મન ની ઉર્ધ્વ ગતિ કરાવીને... મારી અંદરની ઉદાસી ને દૂર કરી ને મને સંતોષ આપવા માટે મેં મનોમન એમનો આભાર માન્યો... 

મને સ્વામી વિવેકાનંદનાં જીવનની એક ઘટના યાદ આવી ગઇ.. તેઓ જ્યારે વિદેશમાં હતાં એ સમય દરમ્યાન રોકફેલર નામે એક અત્યંત ધનાઢ્ય વ્યક્તિ સ્વામીજી ને મળવા આવેલ.. સ્વામીજી ત્યારે ધ્યાન માં હતાં.. એમને સરખો આવકાર ના આપવા બદલ અને રાહ જોવડાવવા બદલ એ ગુસ્સે થયેલાં.. સ્વામીજી એ એમને એમનાં જીવન ની ઘણી અંગત વાતો કહી બતાવી કે જે એનાં સિવાય કોઈ જાણતું નહોતું.. સ્વામીજી એ એમ પણ કહ્યુ કે જો તમારે શાંતિ જોઈતી હોય તો તમારા ધન નો મોટો હિસ્સો દાન માં આપવો જોઈએ.. થોડા વરસો બાદ રોક ફેલર ફરીથી સ્વામીજી ને મળવા આવ્યાં અને કહ્યુ.. "નાવ.. યુ શુડ થેન્ક ટુ મી.. તમારે મારો આભાર માનવો જોઈએ.. કારણકે મેં મારી બધી સંપત્તિ તમારાં કહેવા થી દાન માં આપી દીધી છે.."  સ્વામીજી એ કહ્યુ કે "આભાર તો તમારે મારો માનવો જોઈએ.. કારણકે તમારા મન ની શાંતિ નો ઉપાય મેં બતાવ્યો..તમારી સંપત્તિ દાન માં આપવાનો સૌથી મોટો ફાયદો તો તમને જ થયો છે.."

હું જેમની સેવા કરવા હાલી નીકળી હતી.. એ લોકો ને મારી સેવા ની કદાચ જરૂર હતી જ નહીં.. મહાન તો એ લોકો હતાં અને સેવા તો એમણે મારી કરી હતી.. મારાં મન ની અશાંતિ ને દૂર કરીને... આ દુનિયા ને આપણી રતી ભાર પણ જરૂર નથી.. આપણે નહીં હોઇએ ત્યારે પણ આ દુનિયા એટલી જ સરસ રીતે ચાલવાની જેટલી અત્યારે ચાલે છે.. આપણે કોઈ નું સારૂં કરવા જઇએ છીએ, એ ના કરીએ તો પણ ઈશ્વરે એમની વ્યવસ્થા કરી જ હશે.. આપણે કોઈ સારાં કામ દ્રારા બીજા ની સેવા નથી કરતા પરંતુ આપણી પોતાની જાત ની જ કરીએ છીએ.. દેનાર કરતા લેનાર વધુ મહાન છે.. કારણકે એ કશુંક લઇ ને એનાથી પણ ઘણું મોટું પરત કરી રહ્યાં છે.. મારાં મન માં આનંદ છવાઈ ગયો.. ચારે તરફ દિવાળી નાં ફટાકડા ફૂટી રહ્યાં હતાં.. અને મારાં હૃદયમાં એક નવા ફટાકડાએ ફૂટી ને મારી ગ્રંથિ ઓને તોડી હતી, મન નાં અંધકાર ને દૂર કર્યો હતો અને નવી જ રોશની ફેલાવી હતી...

ડો. આરતી રૂપાણી