સફરમાં મળેલ હમસફર ભાગ-20

સફરમાં મળેલ હમસફર 
ભાગ-20
મેર મેહુલ
“આ સંદિપની બહેન સુધાતા,નામ જૂનું છે એટલે બધા સેજુ કહે છે.”સેજુનો પરિચય આપતાં જે.ડી.એ કહ્યું.
     રુદ્રની હસી છૂટી ગઈ.
“કેમ હસે છે?જૂનું નામ બદલી નાખ્યું ને,તારા જેમ એનું એ જ નથી રાખ્યુંને?”
“રુદ્ર તો સમજ્યા પણ સુધાતા..?..હાહાહા”રુદ્ર મોટેથી હસવા લાગ્યો.રુદ્રની બૅગ લઈ મોઢું બગાડતી અને  પગ પછાડતી સેજુ મહેમાનોના રૂમ તરફ ચાલી ગઈ.
“તું ઓળખે છે આને?”જે.ડીએ પૂછ્યું.
“શુભમના રિઝર્વેશનની જગ્યાએ આ આવીને બેઠી હતી,સિહોર આવતા સુધી મારું લોહી પી ગઈ.”
“એ તો છે જ બોલકી,તું હાથ-મોં ધોઈ લે વાળુ તૈયાર છે”જે.ડી.એ રૂમમાં પ્રવેશતા કહ્યું.
“વાળુ?”રુદ્રએ પૂછ્યું.
“હાહાહા,વાળુ એટલે ડિનર,હજી તો તને ઘણાબધાં નવા શબ્દો જાણવા મળશે”કહેતાં જે.ડી.એ રુદ્રને ટૉવેલ આપ્યો.
     રુદ્ર ફ્રેશ થઈને બહાર આવ્યો ત્યારે રાતના નવ વાગ્યા હતા.હવેલીના મોટા રૂમમાં લાકડાનાં ડાઇનિંગ ટેબલ પર ફૂલની છાપવાળી ઝાંઝરમાન પાથરેલી હતી.ટેબલ પર બત્રીસ ભાતના ભોજન પડ્યા હતા.સૌ રુદ્રની રાહ જોઈ બેઠા.રુદ્ર જે.ડી.ની બાજુમાં આવી બેસી ગયો.રુદ્રની બરોબર સામે સેજુ બેઠી હતી.સેજુની આસપાસ જી.ડી.ની ત્રણ બહેનો બેઠી હતી જેમાં બીજા નંબરની બહેન થોડી વધારે જ સુંદર અને રહસ્યમય લાગી રહી હતી.બે બહેનો પોતાનાં લગ્ન થવાના હતા એટલે તેના ચહેરા પર એ ખુશી અને ઉત્સાહ વર્તાતો હતો જ્યારે પેલી ચૂપચાપ અને ઉદાસ ચહેરે જમતી હતી.
                                  ***
         હવેલીથી દૂર ગામના પાદરે ચાર-પાંચ ખેતર પછી બધા ખેતરોમાંથી વરસાદી પાણીના નિકાલનું એક વેકળું છે જેને નાકોઢાનું નેરું કહેવામાં આવે છે.વેકળાની બંને કાંઠે બાવળોની ઝાડી છે.આ વેકળામાં ચોમાસામાં જ પાણી વહેતું,બીજા આઠ માસ ખેડૂતો તેનો રસ્તા માટે ઉપયોગ કરતા.વેકળાના ત્રણ ખેતર પછી એક ખેતરમાં બાજરીનો લીલોછમ પાક ઉભો હતો.આ ગામમાં જ્યોતિગ્રામની તો સુવિધા હતી પણ ખેતરોની લાઈટ એક અઠવાડિયુ દિવસે અને એક અઠવાડિયુ રાત્રે આવતી હોવાથી જીણો અત્યારે બાજરામાં પાણી વળતો હતો.ખભે પાવડો,હાથમાં મોટી બત્તી(ટોર્ચ) અને પાયજમો ગોઠણ સુધી ચડાવીને જીણો ધોરીયેથી શેઢે સુધી ચક્કર લગાવતો હતો.પાણી શેઢેથી થોડે દુર હોય એટલે ધોરીયે આવીને નાકુ વાળી લેતો અને પછી રામપીરનો હેલ્લો ગાતો શેઢા તરફ ચાલ્યો જતો.
    જીણાને ગામના લોકો અડધો પાગલ સમજતા.પચાસ વર્ષની ઉંમરે પહોંચેલા જીણાની ડગળી ચસકી ગયેલી હતી.તેનો મિજાજ એટલો ગરમ હતો કે જ્યારે એ ગુસ્સામાં હોય ત્યારે એ કંઈ પણ કરી બેસતો.
    એકવાર તેનો ઝગડો તેની પત્ની જસુબેન સાથે થઈ ગયો.ગુસ્સામાં તેણે જસુબેન તરફ કોશનો છુટ્ટો ઘા કર્યો હતો.જસુબેન એ વારથી બચી ગયા તો પાણી ભરેલું માટલું તેના માથામાં ફોડી નાખ્યું.ત્યારે જસુબેનના કપાળે મોટો ચીરો પડી ગયેલો.
    એકવાર ગુસ્સામાં તેને પાંચસોની નૉટ ફાડી નાખેલી,પછી ગુસ્સામાં ખેતરમાં જઈને રીંગણી ખેંચી નાખેલી.આટલો બધો ગરમ મિજાજ હોવા છતાં જીણો દિલનો સાફ હતો અને એટલે જ એ માતાજીનો ભુવો પણ હતો.
       અત્યારે જીણો પોતાની મસ્તીમાં પાણી વાળતો હતો.નાકુ વાળી જીણો શેઢા તરફ જતો હતો ત્યાં બાજરમાં કોઈના દોડવાનો અવાજ તેને સંભળાયો.પાકને નુકસાન કરતાં ભૂંડ અને રોઝનો આ ગામમાં ત્રાસ હતો.જીણાને લાગ્યું ભૂંડનું ટોળું બાજરમાં ઘૂસી ગયું છે.તેણે જોરથી ‘હુડડડ.. હુ..હુ..હુ’ની બૂમ પાડી.બાજરમાંથી અવાજ આવતો બંધ થઈ ગયો.જે તરફથી અવાજ આવતો હતો જીણાએ એ તરફ બત્તી કરી.અંધારામાં દસ-બાર આંખો ચમકી.
      બધા ભૂંડ થંભી ગયા હતા,જીણાની બત્તી તરફ સૌની નજર હતી.જીણાએ ખભેથી પાવડો ઊંચો કરી જમીન પર પછાડ્યો.બધા ભૂંડ એક સાથે દોડ્યા,બાજરાના સાંઠાને ખૂંદતા ભૂંડ ખેતરની બહાર નીકળી ગયા.જીણાએ રાહતનો શ્વાસ લીધો.પાણી શેઢે પહોંચવા આવ્યું હતું એટલે ઉતાવળા પગે ચાલીને જીણાએ નાકુ વાળ્યું અને ફરી શેઢા તરફ ચાલવા લાગ્યો.
       બાર વાગ્યે પાણી ખૂટી ગયું એટલે ઓરડીએ જઇ જીણાએ મોટરનું ટાટર પાડી દીધું.પાવડો ઓરડીમાં રાખી બત્તીના પ્રકાશે જીણો ઉભા ધોરીયે ચાલવા લાગ્યો.અચાનક ફરી બાજરામાં કોઈનો ચાલવાનો અવાજ સંભળાયો.આ વખતે ચાલવાના અવાજ સાથે ઘૂંઘરીનો પણ અવાજ આવતો હતો.જે તરફ અવાજ આવતો હતો જીણાએ એ તરફ બત્તી કરી.એ જ સમયે બત્તી બે ત્રણ વાર જબુકીને બંધ થઈ ગઈ. જીણાએ બત્તીને  બે થપાટ મારી પણ બત્તી શરૂ ના થઇ.
      બીજી બાજુ ગામમાં કુતરાઓનો રડવાનો અવાજ શરૂ થયો,ખેતરની સીમમાંથી પણ શિયાળની લવારી જીણાના કાને પડી.જીણો થોડો ગભરાયો.બાજરમાંથી પણ જમીનને ખૂંદતા પગરવનો અવાજ મોટો થતો ગયો.જીણાએ મનમાં હનુમાન ચાલીસા બોલવાનું શરૂ કરી દીધું અને ધોરીયા પરથી ધૂળિયા રસ્તા પર ચડી ઘર તરફ ચાલવા લાગ્યો.
       થોડો આગળ વધ્યો ત્યાં કોઈએ પાછળથી તેના ખભા પર હાથ રાખ્યો.જીણો ત્યાં જ થંભી ગયો.તેના મોટા શરીરમાંથી પરસેવો છૂટવા લાગ્યો.તેણે હિંમત કરીને ડરતાં ડરતાં પાછળ જોયું.અંધારા સિવાય તેને કંઈ ના દેખાયું.
       વહેમ હશે એમ વિચારી એ ચાલવા લાગ્યો.તેણે એક ડગલું ભર્યું ત્યાં પાછળથી ફરી પગરવ સાથે ધૂંધરીનો અવાજ સંભળાયો.જીણો ફરી થંભી ગયો.જીણો થંભી ગયો એટલે પગરવનો અવાજ પણ થંભી ગયો.જીણાની ધડકન બે ગણી ચાલતી હતી.પરસેવાના કારણે તેનું  કમિઝ ભીંનું થઈ ગયું હતું.
      હિંમત કરી ફરી એ પાછળ ઘૂમ્યો.ફરી અંધારા સિવાય તેને કંઈ ના દેખાયું.હવે તેની હિંમત જવાબ આપી ગઈ હતી.સુમસામ રસ્તા પર ચપ્પલ ઘસડતો એ દોડવા લાગ્યો.જેવું તેણે દોડવાનું શરૂ એટલે ઘોડીનો હણહણવાનો આવાજ આવ્યો અને ફરી તેના પગરવ સાથે ઘૂંઘરીનો અવાજ શરૂ થઈ ગયો.
         નકોઢાના નેરા સુધી પહોંચતા સુધી એ અવાજ સતત આવતો રહ્યો.એ વેકળામાં પહોંચ્યો એ પહેલાં તેના પગ સાથે કંઈક અથડાયું અને જીણો ગબડીને એ ધૂળિયા વેકળામાં પડ્યો. વેકળામાં પ્રવેશતાની સાથે જ બધા અવાજો બંધ થઈ ગયા.
     ગામના કૂતરા હજી ભસતાં હતા.જીણો ઉભો થયો,કમિઝ ખંખેરીને એ દોડવા લાગ્યા.એ ગામના પાદરે હવેલીના પાછળના ભાગે પહોંચ્યો એટલે ખભે પાવડો નાખેલો અશોક સામે મળ્યો.જીણાને દોડતો આવતા જોઈ તેણે જીણાને હાંકલો પાડ્યો,“હુ થયું લ્યા?,કેમ હાંફતો હાંફતો આવે છે?”
      જીણો હજી હાંફતો હતો,પહેલાં તેણે અશોકના ખભે હાથ રાખીને બે ઊંડા શ્વાસ લીધા,પછી થરથરતા અવાજે બોલ્યો, “ભૂત…ભૂત..મારી પાછળ કોઈ દોડતું હમણાં”
“કોણ સવજીદાદાનું ભૂત?”અશોકે પૂછ્યું.
“હા ઈ જ હતું કદાચ,જો મને વેણ(વિકળા)માં પાડ્યો એણે”કોણી દેખાડતા જીણાએ કહ્યું.
“તો તો ઘોડીનો હણહણવાનો અવાજ પણ આયો હશે અને ઘોડીના પડે ઘૂંઘરી પણ બાંધી હશે”અશોકે જીણાની ઠેકડી ઉડાવવાનું શરૂ કર્યું.જીણા સાથે પહેલાં પણ આવું થયેલું એટલે જીણાની વાત કોઈ ગંભીરતાથી ના લેતું.
“હું સાચું કવ છું અશકા”જીણાએ કહ્યું, “તને હાચુ નો લાગતું હોય તો મારી હારે હાલ”
“મારે નથી આવું.છેલ્લી વાર આવ્યો ત્યારે રોઝડું નીકળ્યું’તું,આજે ભૂંદરા(ભૂંડ) હશે.હમણાં મારી વાડીમાં પણ હતા”
“તું ભલે વિશ્વાસ નો કર પણ એક દિવસ મારી વાત સાચી પડશે તું જો જે”જીણો અશોકને કહી ચાલવા લાગ્યો.અશોકે પણ હંમેશાની જેમ જીણાની વાત હવામાં ઉડાડી દીધી.
                                    ***
        સેજુ રુદ્ર સાથે આંખો મેળવવાની કોશિશ કરતી હતી.રુદ્ર તેની ધૂનમાં ભોજનને ન્યાય આપતો હતો.હવેલીના નોકર ભુપતકાકા ટેબલ પર ઓળો,રોટલો-રોટલી,ખિચડી-સાંભાર અને ચાર ભાતના શાક જેવી સ્વાદિષ્ટ વાનગીઓ સાથે દૂધ,દહીં,છાશ ફેરવતા હતા.
    રુદ્રએ ઓળો માંગ્યો એટલે ભૂપતકાકા ઓળાનું બાઉલ લઈ રુદ્ર પાસે આવ્યા.
“મને પણ આપજો”સેજુએ ભૂપતકાકાને કહ્યું અને ટેબલ નીચેથી રુદ્રને પગ માર્યો.
“પણ તને તો રીંગણાંની કોઈ વાનગી ભાવતી નથીને?”સંદીપે પૂછ્યું.
“આજે ટેસ્ટ કરી લઉં”કહી સેજુએ કાકા પાસેથી ઓળાનું બાઉલ લઈ લીધું.સૌ ફરી જમવામાં વ્યસ્ત થઈ ગયા.
“કાકા,પાણી આલોને”પાણીના જગ તરફ હાથ લંબાવી રુદ્રએ કહ્યું,તેનું જમવાનું પતી ગયું હતું.રુદ્ર પાણી પીને ઉભો થઇ ગયો.તેની પાછળ ખાવાનું અધૂરું છોડી સેજુએ પણ સળુ કરી નાખ્યું.
   સંદીપ અને જે.ડી. હજી જમવામાં વ્યસ્ત હતા એટલે રુદ્ર  હવેલની અગાસી પર ટહેલવા ગયો.હવેલી ગામના સીમાડે હતી.એક તરફ નળિયાના અને અગાસીવાળા મકાનો દેખાતા હતા તો બીજી બાજુ ભેંકાર અંધારું બાજતું હતું.રુદ્ર એ તરફની પાળી પર જઈ બેઠો.ખેતરોમાંથી વાતો પવન વાતાવરણમાં ઠંડક પ્રસરાવતો હતો. રુદ્રએ અમદાવાદમાં આવી શાંતિ ક્યારેય મહેસુસ નોહતી કરી.પાળી પર પગ લટકાવી રુદ્રએ એક ઊંડો શ્વાસ ભર્યો અને છોડ્યો.આવું વાતાવરણ પહેલીવાર જોઈ રુદ્રનું મન પ્રફુલ્લિત થઈ ગયું.
“હાય”પાછળથી સેજુએ રુદ્રને ખભે ટપલી મારી.
“ઓહ..હાય”રુદ્ર સેજુના અનપેક્ષિત આગમનથી ખુશ નોહતો તેથી તેણે ઠંડો આવકારો આપ્યો.
“તને મારી સાથે વાત કરવામાં મજા નથી આવતી?”સેજુએ કમર પર બંને હાથ રાખી નાક ફુલાવ્યું.
“મજા? મને શું પ્રોબ્લેમ હોય?”રુદ્રએ ખભો ઉછાળી કહ્યું, “હા થોડું ડિસ્ટન્સ મેન્ટેન કરજે”
“તું ભાવ નોહતો આપતો તો હું શું કરું?”સેજુએ મોં મચકોડી કહ્યું.
“હું શું કામ ભાવ આપું?’રુદ્રએ કહ્યું.
“લે..હું તને નહિ સારી નહિ લાગતી?”
“હાહાહા”રુદ્ર મોટેથી હસી પડ્યો, “આપણે મળ્યાં એને હજી સાત કલાક જ થઈ છે ને તું આવી વાતો કરે છે?”
“તો શું થયું?એવું જરૂરી થોડી છે કે આપણે પહેલાં દોસ્ત બનીએ અને પછી બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ!!! મેં તને પહેલી વાર જોયો ત્યારે જ તું મને પસંદ આવી ગયો હતો અને હવે તો તું મારા ભાઈનો દોસ્ત નીકળ્યો એટલે સેટિંગ થાય એવું છે”સેજુએ આંખ મારી કહ્યું.
“પણ મેં તને પહેલીવાર જોઈ ત્યારે મને એવી કોઈ ફીલિંગ નોહતી આવી અને હવે તો તું મારા દોસ્તની બહેન છો એટલે એવી ફીલિંગ આવવાથી રહી”
“આવું શું કરે છે યાર?ફ્રેન્ડશીપ તો કરી લે.આગળનું પછી વિચારજે”સેજુએ નટખટ અદામાં કરગરતાં કહ્યું.
“પણ તું શું બોલે છે યાર?મારે કોઈ ગર્લફ્રેન્ડ છે કે નહીં એ પણ તું નથી જાણતી અને ડાયરેક્ટ આવી વાતો?”
“ભલે હોય,હું તેનું સેટિંગ તોડી નાખીશ.તું મને એકવાર નોટિસ કર બસ”ખુલ્લા વાળમાં હાથ ફેરવતાં સેજુએ રુદ્રની આંખોમાં આંખ પરોવી.
“મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી અને મારે જોતી પણ નથી”રુદ્રએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું, “અને તું અહીંયાંથી જા પ્લીઝ,તારા ભાઈ જોઈ જશે તો ઊંધું-ચત્તુ વિચારશે”
“ઠીક છે,હું જઉં છું”સેજુએ ફરી નાક ફુલાવતા કહ્યું, “બાર વાગ્યે હું અહીંયા તારી રાહ જોઇશ,જો તું ના આવ્યો તો હું સમજી જઈશ કે તને મારામાં રસ નહિ”
“હું નહિ જ આવું”
“જોઈએ”
       આટલું કહી સેજુ પગ પછાડતી નીચે ચાલી ગઈ.રુદ્ર વિચારમાં પડી ગયો.
‘ગજબની છોકરી છે,મેં તેની સામે સરખી રીતે જોયું પણ નથી અને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડની વાતો કરે છે.હાહાહા.પરિવારમાં બધા આવા જ ભર્યા લાગે છે”
        થોડીવારમાં સંદીપ અને જે.ડી.ઉપર આવ્યા.
“તો ભાઈ કેવી લાગી અમારી મહેમાન નવાજી?”જે.ડી.એ રુદ્રની પાસે બેસી તેના ખભા પર હાથ વીંટાળતાં પૂછ્યું.
“તારા બાપાએ તો મોટો મહેલ ઉભો કર્યો છે યાર,મને જો કોઈ અહીંયા રહેવાનું કહે તો હું અમદાવાદનું નામ જ ના લઉં”
“હજી તો શરૂઆત છે ભાઈ,હજી તું આ ગામના લોકોનો મળ્યો જ છો ક્યાં?”સંદીપે પણ રુદ્રની બાજુમાં બેસતા કહ્યું.
‘એક સાથે તો હમણાં વાત થઈ છે,હવે તું બીજા પાગલોની સાથે પણ મુલાકાત કરાવી દે જે’રુદ્રએ મનમાં હસીને કહ્યું.
“શુભમનું ઘર ક્યાં છે? અને એ કેમ હંમેશા આ ગામથી દૂર ભાગે છે?”રુદ્રએ કહ્યું, “સાલો આજે પણ રમાડી ગયો”
“છોડને એ વાત એ તો પહેલેથી જ એવો છે, તું કાલે સવારે તૈયાર થઈ જજે આપણે સિહોરીમાતાનો ડુંગર ચડવા જઈશું અને એની પેલી પાર ટેકરીઓ છે ત્યાં ફોટોશૂટ પણ કરીશું”
“અહીંયા કોઈ માણકીવાવ આવેલી છે?શુભમે મને કહ્યું હતું એ પણ જોવા જેવી જગ્યા છે”રુદ્રએ ખોટું બોલતા કહ્યું.હકીકતમાં શુભમે તો એ વાવ જોવાની ના પાડી હતી.
“ત્યાં કંઈ જોવા જેવું નથી,ખંડેર વાવ છે બસ અને એ પણ બુરાવવા આવી છે”
“તો આપણે કાલે ત્યાં જઈએને.તમને તો ખબર છે ને મને ફોટોશૂટનો નહિ પણ આવી જગ્યાઓ જોવામાં રસ છે”
“હા તો પરમ દિવસે ત્યાં પણ જઈશું બસ,હવે ખુશ?”જે.ડી.એ કહ્યું.
“ચાલોને અત્યારે એ વાવ જોવા જઈએ.અંધારામાં મજા આવશે,કેટલી દૂર છે?”રુદ્રએ પૂછ્યું.
“તું આટલી લાંબી મુસાફરીથી થાક્યો નથી?”જી.ડી.એ પૂછ્યું.
“કેમ સુવરાવી દેવો છે મને?”રુદ્રએ જે.ડી.ના પેટે મુક્કો માર્યો, “પછી બંને ભાઈઓ ભાભીઓ જોડે વાત કરશો નહિ?”
“સાંજે જ તો ટાઈમ મળે છે યાર અહીં”જે.ડી.એ હસીને કહ્યું.
“તમે તો સેટ છો હો બકા,કોઈ તમને બંનેને જુએ તો ભાઈ છો એવું લાગે જ નહીં,”રુદ્ર ઉભો થયો, “ચાલો તમે બંને વાતોએ વળગો હું મમ્મી જોડે વાત કરીને બુક વાંચું છું”
        રુદ્ર નીચે ચાલ્યો ગયો અને અહીં બંને ભાઈઓએ પોતપોતાની ગર્લફ્રેન્ડને કૉલ જોડ્યો.
                                       ***
        રાતના પોણા બાર થયા. રુદ્ર એક ખજાનાની શોધમાં નીકળેલા ચાર દોસ્તોના સાહસની નોવેલમાં રોમાંચક મૉડ પર પહોંચ્યો હતો એટલામાં તેના મોબાઈલમાં નોટિફિકેશન પૉપ-અપ થઈ.રુદ્રએ મોબાઈલ હાથમાં લઈ સ્ક્રીન પર જોયું.
‘તું ઉપર આવે છે કે હું રૂમમાં આવું?-સેજુ’
       રુદ્રને નવાઈ લાગી.સેજુને નંબર ક્યાંથી મળ્યો હશે.
‘તને મારો નંબર ક્યાંથી મળ્યો અને મેં તને કહ્યું હતુંને હું નથી આવવાનો’
‘જો તું ઉપર નહિ આવે તો હું નીચે આવું છું’સેજુનો બીજો મૅસેજ આવ્યો.રુદ્રએ વિચાર કર્યો, ‘જો આ નીચે આવી અને આ તરફ આવતા કોઈ જોઈ ગયું તો ખોટું બીજું સમજી બેસશે.એના કરતાં હું જ ઉપર જઇ આવું.જો કોઈ આવી જશે તો કહી દઈશ કે મને ઊંઘ નોહતી આવતી એટલે હું ટહેલવા ઉપર આવ્યો હતો’
      રુદ્રએ બુક સાઈડમાં રાખી.ઓરડાનો લેમ્પ બંધ કર્યો અને દબેપાવ દાદર તરફ ગયો.ઉપર ગયો તો સેજુ પાળી પર બેઠી હતી.તેણે બ્લૅક કેપરી પર પિંક લૂઝ ટી-શર્ટ પહેર્યું હતું.રુદ્ર તેને જોતો જ રહી ગયો.સેજુના ચહેરા પર જે મુસ્કાન હતી એણે રુદ્રને ઘાયલ કરી દીધો.
(ક્રમશઃ)
મેર મેહુલ

***

Rate & Review

Sandip Dudani 6 days ago

Nita Mehta 7 days ago

Jigar Shah 1 week ago

Suresh Prajapat 1 week ago