Chalo America - Vina Visa - 27 - 28 books and stories free download online pdf in Gujarati

ચલો અમેરિકા - વિના વિઝા - પ્રકરણ - 27 - 28

ચલો અમેરિકા - વિના વિઝા

વિજય શાહ

પ્રકરણ ૨૭

જોન અને નાના શેઠે ઘણા પ્રોજેક્ટ સાથે કરેલા. અને હંમેશાં વહેચણાં બાબતે કદી મતભેદ નહીં. આ વખતે પહેલી વખત નાના શેઠને ઉચાટ થયો અને સહેજ બોલી ગયા.

કલાક રહીને ફોન આવ્યો, જેની નાના શેઠે અપેક્ષા નહોતી રાખી.

“જોન બોલું છું. ચૅક મળી ગયો?”

“હા.”

“હવે શું પ્લાન છે?”

“હજારને તો અલપાસો રિસોર્ટ પર મૂકી દઈશ. બાકીના રિફાઇનરીમાં ગોઠવાઈ જશે.”

“હજી વધુ મેનપાવર લાવી શકાશે?”

“કેટલા?”

“હજારમાંથી ૨૩૯ બાદ કર તેટલા. ૭૬૧.”

“થોડોક સમય વધારે મળે તો સારું. આમાં ખર્ચા વધુ લાગે છે.”

“મને મળે છે તેના બરોબર અડધા તો તમને આપું છું.”

“તે તો ખરું પણ ત્યાંની પોલીસ પણ હવે ભાગ માંગે છે.”

“ત્યાંની પોલીસ કરે છે શું? વિના વિલંબે નો ઓબજેક્ષન સર્ટિફિકેટ આપી દે છે. તારે ત્યાંથી આવેલો છેલ્લો લોટ તો કોઈ તકલીફ વિના અમેરિકામાં ફરતો થઈ ગયો. બાકી પેલા ૧૫૦૦૦ની દશા તો જો?”

“આવું કેમ થાય છે?”

“દેખાદેખી-”

“હા, એટલે ઘણા બીલાડીના ટોપની જેમ રિક્રુટમેન્ટ એજન્સીવાળા ફૂટી નીકળ્યા છે.”

“તેથી તો આપણને પણ નુકસાન થાય ને?”

“હા. એટલે તો ઝડપ કરાવું છું. આ પ્રોજેક્ટ ચાલુ તો જ રહેશે, જો આ ટોળાં ભણેલાં અને કેળવાયેલાં હોય.”

“ભલે. બીજી બૅચ ૧૫ દિવસમાં આવી પહોંચશે.”

જોને આ જવાબ તેને મળશે તેવી આશા નહોતી રાખી. તે બોલ્યો, “આ વખતે તેમનું પૉર્ટ હ્યુસ્ટનને બદલે ડલાસ રહેશે અને બધા મારી રિફાઇનરીમાં સમાવાશે.”

“ભલે” કહીને નાના શેઠે ફોન મૂક્યો.

***

ગટુને ફોન કરતાં નાના શેઠ બોલ્યા, “ફરીથી જવાની તૈયારી કરો. અને આ વખતે પંદર જ દિવસ છે.”

ગટુ કહે, “આ વખતે સુધાને સાથે લઈ જવી છે.”

“સરસ, સોનામાં સુગંધ ભળશે.”

“પણ આટલી બધી ઉતાવળ કેમ?”

“નવસારીનું મકાન ખોલજે અને આ વખતે જાહેરાતો નથી કરવી.”

“તો?”

“સગાંવહાલાંમાં હેંડીમેન શોધવાનાં છે. આ વખતે રિફાઇનરી માટેનાં માણસો લાવવાનાં છે. તારી સાથે પેલા તારા જોડીદારોને લઈ જવા છે?”

“તમે શું કહો છો?”

“હું તો લઈ જવાનું કહું છું પણ પછી જેવી તારી મરજી.”

“સુધાને પૂછીને કહું તો ચાલે?”

“સુધાને બીજી લાઇન પર લઈને આ વાતનો નિવેડો લાવીએ. ફોન ચાલુ રાખ.”

“સુધા!”

“બોલો કાકા.” સુધાએ ફોન પર જવાબ આપ્યો.

“જો, ગટુ બીજી લાઇન ઉપર છે અને એ તને પૂછીને મને જવાબ આપવાનું કહે છે.”

“બોલો.”

“આપણે નવસારીમાં ઓફિસ ખોલીએ છીએ...મારા પાંચ જોડીદારને લઈ જઈએ? તેમની સાથે તેમના ઘરવાળાંને પણ લઈ જઈએ? ૧૫ દિવસમાં ૭૬૧ માણસોને લાવવાનાં છે.”

“જવાબ હા અને હા છે.”

“તો ૧૭ ટિકિટો બુક કરાવો.”

“કેમ ૧૭?” નાના શેઠ બોલ્યા.

“અમે બે અને ૧૫ એ લોકો…”

ટિકિટો બે દિવસ ફેરની બની ગઈ.

બીજા દિવસે દસદસ જણની ટુકડી બની. અને ટુકડીનાયકને એક સેલ ફોન અપાયો. નાના શેઠ દરેક્ને ચાલ ફોન ઉપર આપે અને તેમના રહેવાનાં સ્થાનેથી મોટેલની જગ્યા વચ્ચે જરૂરી લેવા જવાનું અને મૂકવા જવાનું કામ ડ્રાઇવીંગનું કામ ટુકડી નાયક કરતો. તેને ટોકન પૈસા મળતા અને કૉમ્યુનિટી કૉલેજના સમયે સૌને કૉલેજ લઈ જતો અને પાછા લાવતો. દસ જણા સરળતાથી બેસી શકે તેવી સ્પોર્ટ્સ કારો લોન પર ખરીદાઈ. પગારમાંથી ૪૦ ડૉલર કપાતા અને કંપની ૪૦ ડૉલરની સબસીડી આપતી તેથી ત્રણ વરસે લોન ભરાઈ જતી.

***

પ્રકરણ ૨૮

બીજે દિવસે સવારે દરેકને ટુકડી દીઠ અપાયેલ ફોન અને તેના ઉપયોગને સમજાવવા મોટા રૂમમાં બધાને ભેગા કર્યા. સુધાએ દરેક્ને અલપાસો રિસોર્ટ્ની વેબ સાઇટ ઉપર જવાની અને તેમાં તારીખ પ્રમાણે સોંપાતા કામ માટે વેબ ઈમેલ જોતાં અને ચેટ કરતાં શીખવ્યું અને દરેકને ફોન મળશે એવી હૈયાધારણ આપી. તેની કિંમત, ડેટા કલેશન માટે થતા ખર્ચા વિશે વિગતે સમજાવ્યું. ત્રણ મહિને પાસ થનારને બે લાભ વિશે પણ નાના શેઠે સમજાવ્યું.એક તો કંપની તરફથી ગાડી લેવા લોન અપાશે અને બીજું ફોન પણ કંપની તરફથી મળશે.

ગટુએ બીજી અગત્યની જાહેરાત કરી.

વેબપેજ ઉપર રિફાઇનરીમાં કામ કરી શકે તેવા હેંડીમેનને લાવવા નવસારી ખાતે આપણી ટીમ કાલે ભારત જાય છે. તમે જેવી રીતે અહીં આવ્યા તેવી રીતે ટૂંકાગાળામાં તેમને અહીં લાવવા નાના શેઠ માંગે છે.

જેની કેટલીક શરતો છે :

ઉંમર ૨૦થી ૩પની વચ્ચે હોય.

પાસપૉર્ટ તૈયાર હોય.

પોલીસ સર્ટિફિકેશન ક્લીઅર હોય.

૧.સગ્ગાં ભાઈઓ કે બહેનો જે તંદુરસ્ત હોય અને ભણવાની તૈયારી હોય તેમને પહેલી તક.

૨. પત્ની અને તેનાં ભાઈબહેનો જે તંદુરસ્ત હોય અને ભણવાની તૈયારી હોય તેમને પણ પહેલી તક.

૩. પિતરાઈ અને મોસાળપક્ષે ભાઈબહેનો જે તંદુરસ્ત અને ભણવાની તૈયારીવાળાં હોય તેમને બીજી તક.

૪. મિત્રો કે જેમની ચાલચલગતની બાંહેધરી તમે આપી શકો.

૫. નોકરી ત્રણ વરસની નક્કી, આવતાંની સાથે.

વહેલો તે પહેલો. મળો ગટુ અને સુધા.

મિનિબસમાં ૧૦ની એક ટોળકી એમ ત્રણ ટોળકી જુદાંજુદાં સેન્ટર પર રવાના થઈ. સરનામાં આપ્યાં પ્રમાણે અલપાસો રિસોર્ટની સાઇટ ઉપર બધા વહેંચાઈ ગયા. સુધાએ બધા ટેલિફોન નંબર ઉપર અલપાસો રિસોર્ટની વેબસાઇટ અને ઇ–મેલ રવાના કર્યા. સૌને વિનંતી કરી હતી. ભારતમાં સગાંવહાલાંને રિફાઈનરી માટે નવસારીમાં ગટુ અને સુધાને મળે.

આવતી કાલથી બધી સાઇટ ઉપર પ્રથમ તબક્કાનું કામ શરૂ થવાનું હતું.

ફોન સવારે ૮ વાગ્યે જાતે એક્ટિવેટ થવાનો હતો. નાના શેઠ સવારની પ્રાર્થના અને આરતી બાદ એક સાથે સો ફોન ઉપર સમૂહ સૂચના આપતા હતા, જે સૌને માટે સાંભળવું જરૂરી હતું.

તેમના કૉમ્પ્યૂટર ઉપર નાની ૧૨૩ લાઇટો ઝબૂકતી હતી. “જય રામ કબીર” કહી નાના શેઠે સૌને આવકાર્યા.

પછી સૂચનો અપાવા માંડ્યાં. આજનું પહેલું કામ હતું સાઇટ સાફ કરવી અને લાઇન પાડવી.

અમેરિકન ભૂમિ ઉપર ભારતીય કારીગરો સક્રિય થઈ રહ્યા હતા. સુધાએ બધા ફોનને વીડિયો મોડ ઉપર મૂકી એક પછી એક સાઇટને જોવા માંડી. જ્યાં હલનચલન નહોતી તે સાઇટને સંમારી સાઇટ–સંદેશો મોકલી અપાયો. તમારો ફોન કૅમેરા ચાલુ કરો...અને હલકું સંગીત વાગવાનું શરૂ થઈ ગયું.

ટૅકનોલૉજી અને માનવીય પ્રયત્નોના શુભ સમન્વયે દરેક સાઇટ ઉપર એક મુકાદમની પોસ્ટ રદ થઈ.

નાના શેઠ અને જોન બંને સફળ ચેટીંગનો બે તરફી સફળ પ્રયત્ન માણી રહ્યા. સુધા અને જોનનો ફોન પણ આખા પ્રયોગ દરમ્યાન સક્રિય હતો. દરેક ૪૫ મિનિટે ૧૫ મિનિટ હળવું કામ કરવાની ઘંટડી વાગતી. લંચબ્રેક ૪૫ મિનિટનો અને બે બ્રેક ૧૫ મિનિટની એમ ટાઇમ મૅનેજમેન્ટ સક્રિય રીતે સચવાતું. દિવસ દરમ્યાન ફોન સતત ચેટીંગ મોડ પર રહેતો તેથી પુછાતા પ્રશ્નો ચૅટ ઉપર રહેતા અને જવાબ નાના શેઠ ફોન ઉપર આપતા જેથી તે ઘટનાનો ઉકેલ સૌ સાંભળતા.

આ સમગ્ર પ્રયોગ દરમ્યાન સુધા અને ગટુ તેમના કૉમ્પ્યૂટર ઉપર આ પ્રોગ્રામને ઓટોમેટીક કરવા જરૂરી સૂચનો ઉપર કામ કરતાં હતાં, જેમ કે ટાઇમ મૅનેજમેન્ટ, ટાઇમ શીટ, અને મ્યૂઝિક.

સાંજે એક્ટીવ મૅનેજમેન્ટ સફળ થયું. જોન બને ટૅકનિકલ જીનિયસને અભિનંદન આપીને ઘરે જવા નીકળ્યા.

***