સફરમાં મળેલ હમસફર - ભાગ-25

સફરમાં મળેલ હમસફર
ભાગ-25
“કોણ છે આ લોકો અને અત્યારે ક્યાં જાય છે?”રુદ્રએ પૂછ્યું.
“અહીંયા રાત્રે ખેતરોની લાઈટ આવે એટલે પાકને પાણી આપવા રાત્રે જાગવું પડે”સેજુએ રુદ્રને સમજાવતા કહ્યું, “પણ આ લોકો ચૂપી રીતે કેમ જાય છે?
“મને કંઈક ગરબડ લાગે છે”
“એ જે હોય આપણે શું કામ છે?”સેજુએ કહ્યું અને ફરી ગઈ.
“તમારી બાઇક કેવી રીતે સ્લીપ મારી ગઈ?”વાત બદલતાં રુદ્રએ પૂછ્યું.
“અમે લોકો ખરીદી માટે સિહોર જતા હતા.બાઇક વિસ-ત્રીસની સ્પીડે જ ચાલતી હતી.અચાનક સંદીપભાઈને શું થયું ખબર નહિ.તેણે બેલેન્સ ગુમાવ્યું અને હેન્ડલ સાઈડમાં વળી ગયું.હું જમ્પ કરી ગઈ એટલે મને ના લાગ્યું પણ ડરને કારણે બેહોશ થઈ ગઈ હતી”
“સંદીપ સાથે મેં વાત કરી.તેણે કહ્યું એ સમયે તેનું ધ્યાન બાઇક ચલાવવા પર જ હતું.અચાનક શું થઈ ગયું તેને ખ્યાલ જ નથી”રુદ્રએ મૂંઝવણ ભર્યા અવાજે કહ્યું.
“એ તો ક્યારેક બેધ્યાન થઈ જવાય.સારું થયું સંદીપને પણ વધુ લાગ્યું નથી”
“પણ તે એક વાત નોટિસ કરી?”રુદ્રએ ઊંડો વિચાર કરીને પૂછ્યું.
“કઈ વાત?”
“મેં ગામમાં થતી ચર્ચા સાંભળી છે-,એ રસ્તા પર ઘણીવાર આવી રીતે વાહનો રસ્તેથી ઉતરી જાય છે.કોઈપણ કારણ વિના.હવે બધી જ વખતે ડ્રાઇવરનું બેધ્યાન ન હોયને!!!”
“મતલબ તને શું લાગે છે?આની પાછળ કયું કારણ જવાબદાર હશે?”
“તું ભૂત-પ્રેતમાં માને છે?”રુદ્રએ અચકાઈને પૂછ્યું.
“હાહાહા,તું ક્યાં આ ગામના લોકોની વાતોમાં આવી ગયો. એ લોકો તો જુદી જુદી વાતો કરતાં રહેશે.”
“મારી વાત તો સાંભળ”સેજુનો હાથ પકડી રુદ્રએ તેને આવેલા સપના વિશે વાત કરી.
“તું મુસીબતમાં છે એની જંખના મને પહેલેથી જ થઈ ગઈ હતી અને હકીકતમાં તમારી બાઇક રહસ્યમય રીતે સ્લીપ મારી ગઈ”
“તને સપનું આવવું અને અમારી બાઇક સ્લીપ મારવી એ સંજોગ પણ હોઈ શકેને?”સેજુએ હવામાં હાથ ઉછાળી પૂછ્યું.
“તે કચોટીયાનો ઇતિહાસ વાંચ્યો?”રુદ્રએ સેજુનો હાથ પકડીને નીચે કરતાં પૂછ્યું.
“ના અને મારે વાંચવો પણ નથી”
“મેં વાંચ્યો.મને સપનામાં જે નામ સંભળાયું હતું એ જ નામના વ્યક્તિનો ઉલ્લેખ આ પુસ્તકમાં થયો છે,માથાં વિનાના ધડનો પણ.”
“રુદ્ર..તું કહેવા શું માંગે છે?”આખરે કંટાળીને સેજુએ પૂછ્યું.
“મને એવું લાગે છે કે જે સપનું મને આવ્યું હતું તેનો સીધો સંબંધ આ ગામ સાથે છે.કોઈ પણ ચેતવણી આપે છે અથવા કોઈ એવી જગ્યાએ બોલાવે છે જ્યાં કંઇક રહસ્ય છુપાયેલું હોય”
“તને ભૂત-પ્રેતની વાતો વાંચવી ગમે છે ને એટલે જ આવી જગ્યા જોઈને તારા મગજમાં આવા વિચાર આવે છે.”સેજુએ મોં મચકોડતાં કહ્યું, “કેટલું સારું વાતવરણ હતું.તે ભૂતની વાતો શરૂ કરીને મૂડ સ્પોઇલ કરી દીધો”
“મને લાગ્યું એટલે મેં કહ્યું,તને ના ગમ્યું હોય તો સૉરી”પાળી પર બેસતાં રુદ્રએ કહ્યું.
“ના એવું નહિ”સેજુએ રુદ્ર પાસે બેસી તેના ખભા પર માથું ઢાળી દીધું, “કાલે સવારે અમે લોકો ચણિયાચોળી પસંદ કરવા જઈએ છીએ, મારી ઈચ્છા છે તું પણ સાથે આવ”
      રુદ્રએ ખભો નમાવી સેજુનું માથું સરકાવી દીધું, “હજી આપણે આઈ લવ યુ કહ્યું તેને પાંચ મિનિટ જ થઈ અને ડિમાન્ડ શરૂ થઈ ગઈ, મને આ જ નહીં ગમતું”
     સેજુનો ચહેરો પડી ગયો, “હું તો જસ્ટ કહેતી હતી”
“તું સાવ આવું કેમ કહે છો?કંઈક ડેરિંગનું કામ આપ તો મજા આવે.ચણીયાચોળી લેવામાં મારુ શું કામ?”
“અચ્છા?,તો કાલે સાંજે અમે બધી બહેનો નવી ખરીદેલી ચણીયા ચોળી પહેરીને બધાને બતાવીશું.તું બધા સામે મારી ચણિયાચોળીના વખાણ કરીને બતાવજે”સેજુએ રુદ્રની ચુંટલી ખણતાં કહ્યું.
“હોય હવે,બધા સામે થોડાં વખાણ કરાય?”રુદ્રએ સેજુએ તરફ ત્રાંસી નજર કરી.
“અચ્છા જી,હમણાં તો કહેતાં હતા કે ડેરિંગનું કામ આપો અને હવે આપ્યું ત્યારે પેછેહઠ કરો છો?”
“ઓય હું કોનો દીકરો છું એ તું ભૂલે છે.હું તો એમ કહેતો હતો કે માત્ર વખાણ જ શા માટે?હું તો તારી પાસે પણ આવીશ અને બધા સામે પ્રેમનો ઇઝહાર પણ કરીશ.જો હિંમત  હોય તો બધા સામે સ્વીકાર જે મારા પ્રસ્તાવને”રુદ્રએ સેજુના ગાલ ખેંચીને કહ્યું.
“હેહેહે,હું કોની દીકરી છું એ તું ભૂલે છે.તને મારી સાથે વાત તો શું કોઈ ફરકવા પણ નહિ દે”
“જોઈશું એ તો કાલે”રુદ્રએ હસીને કહ્યું.
     થોડીવાર માટે બંને આમ જ બેસી રહ્યા.રુદ્રને ફરી એ વિચાર આવ્યો એટલે સુવાનું બહાનું બનાવી પોતાનાં રૂમમાં આવી ગયો.તેણે ફરી એ ઇતિહાસનું પુસ્તક ખોલ્યું.થોડાં પૅજ ઉથલાવી એક પૅજ પર અટક્યો.
‘સવજીની આત્માને બંધનમાં લીધા પછી ભાગ્યે જ કોઈ રહસ્યમય ઘટના ઘટતી પણ કહેવાય છે જ્યારે અમાસ નજીક આવે ત્યારે આ સવજીની આત્મા સજીવ થઈ જાય છે. લોકો સાથે રહસ્યમય સંજોગોમાં વાતો પણ કરે છે અને ક્યારેક પોતાના હોવાનું અસ્તિત્વ પણ દેખાડે છે.ક્યારેક રસ્તા પર જતા બળદગાડાના પૈડાં નીકળી જાય છે તો ક્યારેક લીલાં પાક પણ સળગી ઉઠે છે. ઘણાં લોકોએ આવી ઘટના પાછળનું રહસ્ય જાણવાની કોશિશ કરી પણ નિરાશા સિવાય તેઓને કંઈ હાથ નથી લાગ્યું.’
         રુદ્રએ પૅજ ફેરવ્યું.બીજા પેજમાં એક કાગળની એક ચિઠ્ઠી રાખેલી હતી.રુદ્રએ એ ચિઠ્ઠી હાથમાં લીધી.
‘આ ઘટના પર પહેલાં પણ એક પુસ્તક લખાય ગયું છે.પરષોત્તમ નામનો એક વ્યક્તિએ પોતે શોધેલાં સવજીના અસ્તિત્વને પોતાના પુસ્તકમાં નોંધતો જતો.પરષોત્તમ સફળતાનાં આરે જ હતો ત્યાં રહસ્યમય રીતે એ ગાયબ થઈ ગયો.તેણે લખેલ પુસ્તકને હવેલીના મુખ્ય ઓરડામાં એક તિજોરીમા સાચવીને રાખવામાં આવ્યું છે.’
        રુદ્રએ ચિઠ્ઠી સાઈડમાં રાખી આગળ વાંચવાનું શરૂ રાખ્યું.
‘સવજીની વાવમાં છુપાવેલ ખજાનામાં મબલખ કિંમતી વસ્તુઓ છે.જો એ કોઈના હાથમાં આવી જાય તો તેની સાત પેઢી તરી જાય.સવજી સાથે અન્યાય થયો હતો એટલે જ તેની આત્મા અત્યારે એ ખજાનાની રખેવાળી કરે છે.’
        કંટાળીને રુદ્રએ પુસ્તક બંધ કર્યું.
‘એકની એક જ વાતો લખી છે આમાં’રુદ્રએ અકળાઈ બોલ્યો, ‘આ કોણ છે સવજી?,આ વાવ ક્યાં હશે?મારે ત્યાં જવું જોઈએ કે નહીં?હું કારણ વિના જ આના વિશે વિચારીને મુસીબતને આમંત્રણ નથી આપતો ને?’
‘હા બીજું પુસ્તક’અચાનક રુદ્રને લાઈટ થઈ, ‘જો પરષોત્તમે લખેલું પુસ્તક હાથમાં આવી જાય તો કામ બને.ખજાનો કોને જોઈતો છે.આપણે તો આ બધી વાતોમાં રહેલા તથ્યને જાણવું છે.અને જો સવજી સાથે ભેટો થયો તો કહી દેશું તમે તમારો ખજાનો રાખો,મને બસ એકવાર તમારી સાથે થયેલાં અન્યાય વિશે પુરી વાત કહી દો’રુદ્ર પોતાની જાતને માનવતો હતો.
       એ વાવ જોવાના વિચારમાં એ આડો પડ્યો અને એ જ વિચારમાં તેને નીંદર આવી ગઈ.
      બીજી બાજુ સેજુને ઊંઘ નોહતી આવતી.બે દિવસમાં આટલી ઘટના બની જશે એ તેણે સ્વપ્નેય નોહતું વિચાર્યું. રુદ્રને મળવું,તેને ફસાવવા બહેનો સાથે શરત લગાવવી,રુદ્રનું ગુસ્સે થવું,પૂરો દિવસ  ઉદાસ રહેવાનું નાટક કરવું અને થોડીવાર પહેલાં જ પોતાની યોજનામાં રુદ્રને ફસાવવો.સેજુ અત્યારે સાતમાં આસમાને પહોંચી ગઈ હતી. તેઓની બહેનો સામે કાલે સાંજે જ્યારે રુદ્ર પ્રેમનો એકરાર કરશે ત્યારે તેઓના ચહેરા કેવા થઈ જશે એ જ વિચારીને સેજુ મૂછમાં હસતી હતી.
‘નક્કી હવે એ કાલે વાવ પર જવાની હઠ કરશે’સેજુએ વિચાર્યું, ‘ત્યાં લઈ જતા પહેલાં તો એને ના જ કહેવી પડશે.પછી ધીમે ધીમે વાત સ્વીકારીને  ત્યાં લઈ જવો પડશે.શુભમ પણ આજે ના આવ્યો.જો એ આવી ગયો હોત તો વધુ મજા આવેત.સાલો જે દિવસથી ગામ છોડીને ગયો છે ત્યારથી આવવાનું નામ જ નથી લેતો.એકવાર ગામમાં આવી જાય તો બંને દોસ્તને કામે લગાવી દઉં’સેજુ આંખો બંધ કરી આગળની યોજના ઘડતી હતી.થોડીવારમાં તેની પણ આંખ લાગી ગઈ.
       સેજુની આંખો બંધ થઈ એટલે તેના શરીરમાંથી ધુમાડાની એક સેર ઉભી થઇ અને સ્ત્રીની કાયામાં પલટાઈ.બે ડગ ચાલી એ ધુમાડાના શરીરે હવાની સવારી કરી.બારી તરફ એ શરીરમાંથી ધુમાડાની સેર આગળ વધી.બારી બહાર જઈ બધો જ ધુમાડો હવામાં ઓગળી ગયો.
***
       રુદ્રએ આંખો ખોલી.ઘડિયાળ સામે જોઈ આળસ મરડી. દસ વાગી ગયા હતા.કાલે રાત્રે મોડી રાતે સુવાને કારણે આજે મોડું થઈ ગયું.અડધી કલાકમાં તૈયાર થઈ રુદ્ર ભૂપતકાકા પાસે નાસ્તો કરવા ગયો.કાકાએ ગરમ ભાખરી અને દહીં પરોસી આપ્યું.
“કાકા સંદીપ અને જે.ડી.ક્યાં ગયા?”
“બધી દીકરીઓ ભાવનગર ખરીદી કરવા ગઈ છે તો બંને રેલવે સ્ટેશન સુધી છોડવા ગયા છે.તમે જાગી જાઓ ત્યાં સુધીમાં નાસ્તો તૈયાર રાખવાનું કહેતાં ગયા હતા”
“બધા ચાલ્યા ગયા?”રુદ્રએ ઉતાવળા અવાજે પૂછ્યું.સેજુ પણ તેઓની સાથે ચાલી ગઈ એ વાતથી તેને આંચકો લાગ્યો.
“હા એ લોકો નીકળ્યા તેને અડધી કલાક થઈ”કાકાએ એક ભાખરી રુદ્રની થાળીમાં રાખતા કહ્યું.
“કાકા નાસ્તો સ્વાદિષ્ટ છે હો”રુદ્રએ વાત બદલી નાખી.
“વર્ષોનો અનુભવ છે બેટા, છેલ્લાં ત્રીસ વર્ષથી હું જ અહીંની રસોઈ બનાવું છું”કાકાએ સસ્મિત સાથે કહ્યું.
       રુદ્રએ પણ કાકા સામે જોઈ સ્મિત કર્યું.કાકાનો ચહેરો જોઈ રુદ્રને કંઈક યાદ આવ્યું.તેણે ફરી કાકા સામે જોયું અને પૂછ્યું, “કાકા તમે ત્રીસ વર્ષથી અહીં છો તો અહીંના ભૂગોળ અને ઇતિહાસ વિશે તમે જાણતાં જ હશોને?”
“અહીંની એક એક જગ્યાથી હું વાકેફ છું”કાકાએ છાતી ફુલાવીને કહ્યું.
“તો તો સવજીદાદાની વાવ વિશે પણ ખબર હશે”
        કાકાએ રુદ્રની આંખોમાં મીટ માંડી.
“તમારે શું જાણવું છે એના વિશે”કાકાએ નેણ નીચા કરીને પૂછ્યું.
“મને તો બધી જ ખબર છે”રુદ્રએ હસીને કહ્યું, “તેના પર પરષોત્તમ નામના એક વ્યક્તિએ પુસ્તક લખ્યું છે જે આ જ હવેલીના એક ઓરડામાં છે.તમે મને એ પુસ્તક શોધી આપશો?”
“કોઈની રજા વિના હું હવેલીની વસ્તુ ના લઈ શકું,તમે તળશીભાઈની મંજૂરી લઇ આવો તો હું શોધી આપું”કાકાએ નજર છુરાવીને કહ્યું, “આમ પણ એ પુસ્તક ક્યાં ઓરડામાં છે એ મને નથી ખબર”
“સારું હું તેઓની સાથે વાત કરી લઈશ”કહેતાં રુદ્ર ઉભો થયો.
“એ લોકો આવે ત્યાં સુધી તમે આરામ કરો,હું વાંચવા માટે બીજા પુસ્તકો શોધી આપું છું”કાકાએ કહ્યું.
“ના હું કામથી બહાર જઉં છું,સંદીપ આવે તો કહેજો મને કૉલ કરે”કહી રુદ્ર બહાર નીકળી ગયો.
       ભુપતકાકાએ એક ઊંડો શ્વાસ લીધો. રુદ્ર ચાલ્યો ગયો એનો ભાવ તેના ચહેરા પર વર્તાતો હતો.તેઓએ ઉતાવળથી થાળીઓ ઉઠાવી રસોડામાં રાખી.નેપકીનથી હાથ લૂછતાં લૂછતાં તેઓ બેઠક રૂમમાં આવ્યા.ત્યાંથી પગથિયાં ચડી બીજા મજલે ગયાં.
      ઉપર જઇ તેણે આજુબાજુ નજર કરી.કોઈ ચહલપહલ નોહતી એટલે જમણી બાજુ વળી ગયા,થોડે આગળ ચાલીને એક દરવાજા પાસે ઉભા રહ્યા.ફરી આજુબાજુ નજર કરીને ગજવામાંથી ચાવીનો એક જુડો કાઢ્યો.તેમાંથી એક ચાવી લઈ દરવાજામાં ઘુસી ગયા.ઉતાવળમાં તેઓ દરવાજો બંધ કરવાનું ભૂલી ગયા અને એક કબાટ પાસે જઈ જુડામાંથી બીજી ચાવી લગાવી.દરવાજો ખુલ્યો એટલે તિજોરીમાં જુડો લગાવ્યો.
      તિજોરીમાંથી પરષોત્તમે લખેલું પુસ્તક કાઢ્યું.તેણે ફરી હાશકરો અનુભવ્યો.પુસ્તક સહીસલામત જોઈ ફરી તિજોરીમાં રાખ્યું અને તિજોરી બંધ કરી.
“એ પુસ્તક ત્યાં ન રાખો”એક અવાજ ભૂપતભાઈના કાને પડ્યો.
 (ક્રમશઃ)

***