આત્માના અંતિમ સંસ્કાર ! – ૧૯

 

કૈલાશ ડોલી રહ્યો હતો ! ગણો નાચી રહ્યા હતા ! મહાદેવ આંખો બંધ કરીને એક પગ વાળીને બેઠા હતા ! એમના મુખ પર સ્મિત હતું ! અચાનક ગણોએ નાચવાનું બંધ કર્યું ! ધમ્મ ધમ્મ ધમ્મ કોઈના વિશાળ પગલાના અવાજો આવ્યા ! એક વિશાળ આકૃતિ ઉભરી ! એના કરડા મુખ પર ભરાવદાર મૂછોનો ગુચ્છો હતો ! એના કપાળ પર ત્રિશુલ દોરેલું હતું ! એણે સુંદર સોનાનો મુગટ પહેરેલો હતો. એના વિશાળ ખભા પર એણે એક સિલ્કનું કપડું નાખેલું હતું અને નીચે એણે સફેદ કલરનું ધોતિયું પહેરેલું હતું. એ આકૃતિ સીધી મહાદેવ પાસે આવીને ઉભી રહી અને એણે બે હાથ જોડીને “જય ભોલેનાથ” નો પોકાર કર્યો ! આખા કૈલાશ પર્વત પર એ અવાજ પડઘાઈ રહ્યો ! ગણોએ હવે વધારે જોરથી નાચવાનું શરુ કરી દીધું. એ વિશાળ આકૃતિએ એક સ્મિત કર્યું અને ધીમા અવાજે શિવસ્તુતિ કે જે એની જ રચના હતી એનું પઠન કરવાનું શરુ કર્યું. થોડા સમય પછી મહાદેવે આંખો ખોલી. “બોલો રાક્ષસરાજ, બોલો મારા પ્રિય ભક્ત રાવણ, બોલો” એ આકૃતિ કે જે રાવણ હતો એણે નીચે સુઈને શિવજીને દંડવત પ્રણામ કર્યા ! એના મુખ પર નારાજગી હતી ! શિવજીના મુખ પર મંદ મંદ હાસ્ય !

“હે પ્રભુ ! હે ભોલેનાથ, હે દેવોના દેવ, મહાદેવ, મારા પ્રણામ સ્વીકાર કરો”

“તથાસ્તુ વત્સ ! શું કામ પડ્યું ?!”

“હે મહાદેવ, હું તો બસ તમારા દર્શન કરવા જ આવ્યો છું ! બસ તૃપ્ત થઇ ગયો !”

“હા હા હા” શિવજી ખડખડાટ હસ્યા ! “બસ ?! બીજું કઈ નહિ ?”

“નાં,,,એટલે કે,,,હે રુદ્ર, હે ત્રિદેવ, તમે તો જાણો જ છો મારું અહી આવવાનું કારણ” રાવણે ખચકાતા ખચકાતા કહ્યું !

“મને ખબર છે વત્સ ! તારો અંશ પૃથ્વી પર જન્મ લઇ ચુક્યો છે અને તું  એટલે જ ચિંતિત છે !”

“હા મહાદેવ, અમે રાક્ષસકુળ આમે બદનામ છીએ, અને હવે જો આ આત્મા પણ આવા કાર્યો કરશે તો કોઈ અમને યાદ પણ નહિ કરે !”

“હે રાવણ, જો તારો જન્મ પણ એક કાર્ય હેઠળ થયેલો અને પ્રભુ શ્રીરામના હસ્તે તને મોક્ષ મળેલો, આદિ કાળથી સારા અને ખરાબ વચ્ચે યુદ્ધ ચાલે છે, આ પ્રક્રિયા નિરંતર છે, લોકોને શું સારું અને શું ખરાબ એનું ભાન થાય એટલે જ આ નિયમિત રીતે પ્રક્રિયા ચાલે છે ! એ આત્મા પણ એનો ભાગ બની છે, એનામાં દૈવીય તત્વો તો છે જ પણ અમુક કારણોસર એના પર આસુરી વૃત્તિ હાવી થઇ ગઈ છે અને એની નિયતિ પણ એવી જ આવશે !”

“પણ પ્રભુ,,,” રાવણે બે હાથ જોડ્યા

“જો મહાન રાવણ, તારામાં સંસારના શ્રેષ્ઠ રાજા થવાના ગુણો હતા, તું એક ઉત્તમ આત્મા હતો, એક મહાન ભક્ત પણ, તારામાં રહેલા રાગ, દ્વેષ અને અહંકારે તને એવા કામ કરવા પર મજબુર કર્યો કે શ્રીવિષ્ણુએ અવતાર ધારણ કરવો પડ્યો અને તારું નિર્વાણ પ્રભુ શ્રીરામ ના હસ્તે થયું ! અહી કોઈ જ ખરાબ કે સારું નથી હોતું ! પરિસ્થિતિ પ્રમાણે વ્યક્તિમાં સારા-નરસા કે દૈવીય-આસુરી ગુણો ઉદ્ભવે છે અને એ પ્રકારે એ વ્યક્તિ આચરણ કરે છે અને એનું પરિણામ પણ ભોગવે છે ! તારી પ્રચંડ શક્તિઓ એ આત્મામાં છે ! જો એ એનો શું ઉપયોગ કરે છે ! મને અસુરો પ્રત્યે પણ હજુ એટલો જ પ્રેમ છે જેટલો દેવો પ્રત્યે ! મારી નજરમાં બધા સરખા જ છે !”

“પ્રભુ, છતાં પણ ! મેં મારા ભાગનું ભોગવી લીધું છે ! મારા અંશની રક્ષા કરો પ્રભુ, એ મારી પુત્રી સમાન છે !” રાવણે અત્યંત પીડાથી કહ્યું ! એના મસ્તિષ્કમાં એના અંશની છબી ઉભરી રહી !”

“હે રાક્ષસરાજ, હે સર્વોત્તમ આત્મા, મારે મન તું પણ એટલો જ પ્રિય છે જેટલા અન્ય, એ આત્માના કર્મો નક્કી કરશે કે મારે એનું શું કરવું ! તું ચિંતા ના કર ! જો એક હદની બહાર એ જશે તો હું એ આત્માના એવા અગ્નિ સંસ્કાર કરીશ કે ફરીથી ક્યારેય આ પૃથ્વી પર એ જન્મ નહિ લઇ શકે ! પણ આ જ નિયતિ છે, આ જ સંસારનો નિયમ છે, ચક્ર છે, તું ચિંતા ના કર, હું અન્યાય નહિ કરું. પુત્રી મોહથી તું આસક્ત થઇ ગયો છે, જા તું એનું ધ્યાન રાખ, તારી પ્રચંડ શક્તિ એને આપ, એની નિયતિ નક્કી જ છે, હું પણ જોઉં છું કે એ એનો કેવો ઉપયોગ કરે છે !” મહાદેવ બોલ્યા અને એમણે આંખો બંધ કરી દીધી !

રાવણે ફરીથી બે હાથ જોડ્યા અને એ ત્યાંથી વ્યથિત મને નીકળી ગયો. એને ખબર પડી ગઈ હતી કે હવે કઈ થઇ શકે એમ નહોતું ! એના મનમાં યુવાનો સુંદર ચહેરો પ્રગટ્યો ! “મારી પુત્રી !” એ બબડ્યો ! એ ધીરા પગલે વૈકુંઠ તરફ નીકળ્યો, શ્રી વિષ્ણુના ધામ માં !

“કેટલી સુંદર છે ! એની નીલવર્ણી આંખો તો જુઓ, દેવતાઓ પણ મોહિત થઇ જાય એવી સુંદર છે ! પ્રભુ મને વચન આપો કે તમે એની રક્ષા કરશો !” પાર્વતીમાતા નીચે જોતા જોતા બોલ્યા !

મહાદેવ ખડખડાટ હસી પડ્યા. “કોને કોને વચન આપું દેવી ? શું કરું હું ?” એમને શ્રી વિષ્ણુ સંભાર્યા !

“જો એને કઈ થશે તો હું મહાદેવની પણ વિરુદ્ધ થઇ જઈશ ! મારી પ્રિય પુત્રી જેવી છે એ !” પાર્વતી માતા બબડ્યા અને એ પણ શ્રી વિષ્ણુ પાસે જવા નીકળ્યા !!!

એક અતિભયંકર અને દુવિધાપૂર્વક યુદ્ધ ના ભણકારા વાગી રહ્યા હતા ! સામ સામે પક્ષ રચાઈ ગયા હતા-રચાઈ રહ્યા હતા ! નિયતિ મહાદેવ જાણે !

***

 બે હજાર વર્ષ પહેલાના પ્રાચીન ચીનમાં !...

સુંગ યુનના કપડા ફાટી ગયા હતા ! એના આખા શરીર પર બરફની ચાદર છવાઈ ગઈ હતી ! એ માંડ માંડ શ્વાસ લઇ રહ્યો હતો. એના પગ લથડીયા ખાઈ રહ્યા હતા. “હે પવનદેવ, હે મહાન ચીની રાજ્યના પૂર્વજો, આ શું છે ? મારું મૃત્યુ ? બસ ? અહી બરફ માં જ મારી કબર થઇ જશે ? મારા ભાઈ લી નું શું થયું હશે ? હું ચાંગ કાકા, કાકી, મી ને શું જવાબ આપીશ ? એને એના પ્રવાસમાં એક વણઝારાનો સમૂહ મળ્યો હતો અને એ એમની સાથે આગળ આગળ વધ્યો હતો પણ એક દિવસ પછી બરફનું એવું તોફાન આવ્યું કે એ એમાં ફસાઈ ગયો અને જ્યારે તોફાન જતું રહ્યું, એણે જોયું કે એ એના સાથી વણઝારાઓથી અલગ પડી ગયો હતો અને ફસાઈ ગયો હતો. એની સામે એક સ્ફટિક શુદ્ધ જળ ધરાવતું તળાવ હતું. સામે એક ભવ્ય પર્વત દેખાતો હતો કે જે અત્યારે ડોલતો હોય એવો એને આભાસ થઇ રહ્યો હતો. (વાંચો ભાગ- ૧/૨)

સુંગ યુન વિચારોમાં ગરકાવ થઇ ગયો !

“કઈ સમજાતું નથી ઓ મહાન સમ્રાટ, કઈ જ દેખાતું નથી, ચારે તરફ સફેદ સફેદ બરફ ની ચાદરો અને પહાડો પથરાયેલા છે. કોઈ માર્ગ સુજતો નથી. ક્યાં જવું અને શું કરવું એનું પ્રમાણ ભાન પણ હું ગુમાંવવા માંડયો છું. આ વંટોળે મને મારા સાથી વણઝારાઓ થી જુદો પાડી દીધો છે, ક્યાં ગયા છે એ લોકો, હું ક્યાં ખોવાઈ ગયો છું એ ખબર નથી પડતી !!!” ત્યાજ જાણે કે ધરતીકંપ થયો હોય એમ ધરા ધ્રુજી ઉઠી અને સુંગ યુન સ્થિરતા ગુમાવી ને નીચે પડી ગયો. આખા વાતાવરણ માં મંદ મંદ સુગંધ પ્રસરી ગયી, તળાવ નાં સ્ફટિક પાણી માં જાણે કે વમળો ઉઠ્યા હોય એવો એને આભાસ થયો, અને લાગ્યું કે હવે મોત નક્કી જ છે. એની આંખો માં પાણી આવી ગયું, એ નીચે પડ્યો પડ્યો ઠંડી માં ધ્રુજી રહ્યો હતો. એને દૂર ક્યાંક જાણે કે નગારા કે કોઈ વિચિત્ર વાજિંત્ર વાગતું હોય એવો આભાસ થયો. એણે એની બધ્ધી હિંમત એકત્ર કરી ને અવાજ ની દિશા માં જોયું તો જાણે કે દૂર દૂર ક્ષિતિજ ની પેલી પારના બે ઉત્તુંગ પહાડો વચ્ચે કોઈ વિશાળ માનવ આકૃતિ હોય એવું લાગ્યું. એ આકૃતિ નાં હાથ માં એક વિચિત્ર પ્રકારનો ત્રણ આંકા વાળો ભાલો હતો અને એ આકૃતિ જાણે કે નાચી કૂદી રહી હોય, કોઈ પ્રકાર નું નૃત્ય કરી રહી હોય એમ એને લાગ્યું. “શું એ મારો ભ્રમ છે ? શું હું મરવા પડ્યો છું એટલે મને ચિતભ્રમ થઇ રહ્યું છે ? એ આકૃતિ અસ્પષ્ટ છતાં પણ કેમ એકદમ સ્પષ્ટ દેખાય છે ? મને કઈ સમજાતું નથી. બર્ફીલા તોફાનો વધી રહ્યા છે. મારી આંખો બંધ થઇ રહી છે, મારો શ્વાસ તૂટી રહ્યો છે, એ આકૃતિ જાણે કે મારા માનસપટ પર નાચી રહી હોય એમ લાગે છે, અવાજ ધીરે ધીરે મંદ પડતો જાય છે. અચાનક મને કોઈ ઉઠાડી રહ્યું હોય એમ લાગે,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,”

***

સુંગ યુને આંખો ખોલી, એની આંખોમાં પાણી આવી ગયા હતા અને એને ઝાંખું ઝાંખું દેખાયું કે કોઈ રાખોડી કલરનો વિશાળ આકાર એના પર ઝળુંબતો હતો અને એને પાણી પીવડાવી રહ્યો હતો. ઓહ ! એ ચમકી ગયો ! એના ગળા હેઠળ પાણી ગયું અને એનામાં શક્તિ આવી હોય એવું એને લાગ્યું ! આવું મીઠું પાણી એણે ઝીન્દગીમાં પણ નહોતું પીધું ! એ ઉભો થયો અને એણે આંખો ચોળી અને એ ભય અને આશ્ચર્યથી થીજી ગયો ! સામે લગભગ સાત ફૂટ જેટલો ઉંચો રાખોડી કલરનો કે રાખમાં ઢંકાયેલો માનવ ઉભો હતો ! એની વિશાળ જટાઓ હતી અને એણે માથામાં અને ગળામાં અસંખ્ય રુદ્રાક્ષની માળાઓ પહેરેલી હતી. એની આંખો લાલ હતી અને એમાં આશ્ચર્યજનક રીતે ભય કરતા વધારે કરુણા છલકાતી હતી ! એમના વિશાળ કપાળમાં વચ્ચે કૈંક ઉભી આંખ જેવું હતું અથવાતો કૈંક લાલ લાલ વાગ્યાનું નિશાન હતું ! પહાડો જેવા પહોળા ખભા, માંસલ દેહ જાણે કે કોઈ વિશાળ આખલો ધરતી પર માનવ દેહ લઇ ને ઉતરી આવ્યો હોય એવું લાગતું હતું. સુંગ યુન હવે ઉભો થઇ ગયો હતો. એક ઘેરો જાણે કે ગુફામાંથી આવતો હોય એવો અવાજ આવ્યો “પાણી પી લે વત્સ !, અને અહીંથી પાછો ફરી જા, અહી કઈ જ નથી, આ જગ્યા કરોડો વર્ષોથી સુમસામ છે, પાછો ફરી જા, તારી જાન બચાવી લે” એની જ ભાષામાં શુદ્ધ ઉચ્ચારો સાંભળીને સુંગ યુન ચોંકી ગયો. એ વિશાળ આકૃતિના મુખ પર સ્મિત હતું. “આપ,,,આપ,,,કોણ છો ? અહી શું કરો છો ?” ધ્રુજતા ધ્રુજતા એણે પૂછ્યું. જવાબમાં એ વિશાળ આકૃતિ ખડખડાટ હસી પડી. “હું કોઈ નથી, હું અહી વર્ષોથી રહું છું અને ભૂલ્યા ભટકાયેલા લોકોને માર્ગ ચીંધુ છું ! લોકો અહી શક્તિની શોધમાં આવે છે, પણ એમને ખબર નથી હોતી કે અસલી શક્તિ તો એમની અંદર જ રહેલી હોય છે ! દ્રઢ નિશ્ચય અને ઈચ્છાશક્તિ ! પહાડોને પણ હલાવી દે એવું ઝનુન, પણ એ બધું છોડીને લોકો અહી દોડી આવે છે ! ખેર ! તું એક સારો વ્યક્તિ લાગે છે, તારું મન નિષ્કપટ છે અને તારો ઉદ્દેશ શુભ છે, મારું માન અને અહીંથી પાછો ફરી જા.” સુંગ યુન ઘૂંટણીયે પડી ગયો. “હે મહાન આત્મા, તમે તો કોઈ દિવ્ય શક્તિ લાગો છો, મારો ઉદ્દેશ કોઈ શક્તિને શોધવાનો નથી, મારો ભાઈ લી ગાયબ થઇ ગયો છે એને શોધવા હું અહી આવ્યો છું. હું એને લઈને પાછો જતો રહીશ ઓ મહાન આત્મા, મને માર્ગ આપો, મને બીજું કઈ નહિ પણ મારો ભાઈ પાછો જોઈએ છે !” એ વિશાળ આકૃતિના મુખ પર એક સંતોષનું સ્મિત આવી ગયું. એમણે નીચે ઘૂંટણ પર બેઠેલા સુંગ યુનના માથે હાથ મુક્યો. સુંગ યુને આંખો બંધ કરી દીધી અને એના શરીરમાં અજીબ પ્રકારની શાંતિ છવાઈ ગઈ. તમામ દુખ જાણે કે ઓગળી ગયા હોય એવું એને લાગ્યું. એ તંદ્રામાં થોડી વાર એમ જ બેઠેલો રહ્યો. ખબર નહિ કેટલી વાર થઇ હશે પણ એણે જેવી એની આંખો ખોલી કે જોયું કે એ વિશાળ આકૃતિ ત્યાંથી ગાયબ થઇ ગઈ હતી. એમના વિશાળ પગલાઓની છાપ ત્યાં પડેલી હતી. એક પગલાની છાપમાં એક રુદ્રાક્ષનો મણકો પડેલો હતો. સુંગ યુને એ લઇ લીધો અને માથે અડાડ્યો. હવે એ અજીબ રીતે એની જાતને ખુબજ સ્વસ્થ મહેસુસ કરતો હતો. એની ભૂખ તરસ અને પીડા ગાયબ થઇ ગઈ હતી. એણે એ વિશાળ પગલાઓની પાછળ પાછળ જવાનું નક્કી કર્યું.

***

લગભગ અડધા કલાક જેવું એ પગલાઓ નો પીછો કરતો કરતો ચાલ્યો હશે કે અચાનક એ પગલાઓ ગાયબ થઇ ગયા ! આગળ કોઈ નિશાન નહોતું ! જાણે કે હવામાં ઓગળી ગયા હોય એમ પગલાઓની છાપ આગળ નહોતી. રસ્તો હવે એક નાનકડા પહાડની ડાબી બાજુએ થી વળતો હતો. જેવો સુંગ યુન એ રસ્તા પર આગળ વધ્યો કે એની આંખો ફાટી ગઈ ! રસ્તાની સામે એક વિશાળ આખલો ફૂંફાડા મારતો ઉભો હતો. એની લાલ લાલ આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા ! એ ખુબ જ ગભરાઈ ગયો અને એણે એની મુઠ્ઠીમાં રહેલા રુદ્રાક્ષને જોરથી દબાવ્યો. અચાનક એ આખલો ઉંધો ફરી ગયો અને ફૂંફાડા મારતો બરફની ધૂળ ઉડાડતો ત્યાંથી દુર જતો રહ્યો. જેવી એ બરફની ધૂળ નીચે બેઠી કે સુંગ યુને જોયું કે દુર થી જાણે કે કોઈ હવામાં ઉડતું ઉડતું આવતું હોય એવું એને લાગ્યું. એ આકારે કિરમજી કલરના કપડા પહેરેલા હતા અને એના હાથમાં લાકડાનો કોઈ લાંબો દંડ હતો. એ આકૃતિ ધીરે ધીરે એની નજીક આવી રહી હતી ! એના લાંબા લાંબા વાળ હવામાં ફરકી રહ્યા હતા ! સુંગ યુન દિગ્મૂઢ થઇને એને જોઈ જ રહ્યો ! “ભાઈઈઈઈઈ,,,” !!!!!!!!!! અચાનક એના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ ! લી-એનો મોટો ભાઈ એની સામે ઉભો હતો ! એના મુખ પર સ્મિત હતું !

***

અત્યારના ભારતીય સમય માં...

“રબ્બીનો ફોન આવ્યો હતો ! એ પણ આવે છે અહી આપણને મળવા” પ્રોફેસરે ઉત્સાહિત સ્વરે યુવાને કહ્યું. યુવા ખુશીથી જુમી ઉઠી.

બે દિવસ પછી પ્રોફેસરના બંગલાની પાસે એક જૂની ઈનોવા આવીને ઉભી રહી અને એમાંથી રબ્બી અકીવા ઉતર્યો. યુવા અને ઝારા બંને દોડીને એને વળગી પડી ! રબ્બીની આંખોમાંથી અવિરત આંસુ વહી નીકળ્યા. એ ખુબજ પ્રેમથી અને જોશથી બંનેને ભેંટી પડ્યો. વર્ષો બાદ એ એની પ્યારી અને લાવણ્યાની એક માત્ર નિશાની યુવાને મળી રહ્યો હતો. “અમને તમારી ખુબજ યાદ આવતી હતી માસ્ટર, બેરુરા આંટી કેમ છે ?” ઝારાએ પૂછ્યું. “બેરુરા મજામાં છે અને તમને બંનેને ખુબજ યાદ કરે છે. તમે કહો તમે કેમ છો ? પ્રેક્ટીસ કરો છો કે પછી ...?!” રબ્બીની અંદર રહેલો માસ્ટર તરત જ બહાર આવી ગયો. “એ ભાઈ, હજી તો મળ્યો જ છે એમને અને તારી માસ્ટરગીરી શરુ કરી દીધી તે ? અલા, અંદર તો આવ ભલા માણસ” પ્રોફેસર હસતા હસતા આગળ આવ્યા અને રબ્બીને ભેંટી પડ્યા. વખત પણ એક ખુણામાંથી બહાર આવ્યો અને ઉષ્માપૂર્વક રબ્બીને ગળે વળગ્યો.

***

સાંજે બધ્ધા બંગલાના વિશાળ કમ્પાઉન્ડમાં બેઠા હતા. વિરાટ પણ એક ખુરશીમાં બેઠો હતો. હવે એને ખુબજ સારું લાગતું હતું અને એનો ઘા રૂઝાવા આવ્યો હતો. એક આદમી આગળ આવ્યો અને એણે પ્રોફેસર અને રબ્બીને ગ્લાસ ભરીને પીણું સર્વ કર્યું. યુવા અને ઝારા પણ પોતપોતાના હાથમાં પીણું લઈને બેઠા હતા. વિરાટે ઝારા તરફ સૂચક નજર કરી અને ઝારા હસી પડી અને એણે એક ગ્લાસમાં થોડી વોડકા ભરી અને વિરાટને આપી. યુવાએ ત્રાંસી નજરે આ જોયું અને એ હસી પડી. થોડી આડાઅવળી વાતો કર્યા પછી પ્રોફેસરે રબ્બીને સમર ના ગાયબ થવાની તમામ હકીકતો કહી દીધી. રબ્બી મન માં ને મન માં જો યુવા માની જાય તો એને પાછો લેવા આવ્યો હતો પણ એને ખબર હતી કે જ્યાં સુધી સમર મળી ના જાય ત્યાં સુધી યુવા પછી નહિ આવે ! “શું પ્લાન છે આગળ નો પ્રોફેસર ? આપણે એવું તે શું કરીશું કે ભારતીય સેના અને પોલીસ પણ નાં કરી શકી ? આપણે કેવી રીતે શોધીશું સમર ને ?”

“માસ્ટર, એક ટેક્ષી વાળો મળ્યો છે, એણે સમરને જ્યાં ઉતર્યો હતો એ જગ્યાએ આપણે જઈશું અને પછી ત્યાંથી આપણી શોધ આગળ વધારીશું. મને ખાતરી છે કે આપણને જરૂર કોઈ ક્લુ મળી જશે.” યુવાએ મક્કમતાથી કહ્યું. “કાલે આપણે અહીંથી બેલી ગામ જઈશું, ત્યાં શિવાનંદજીનો આશ્રમ છે, ત્યાં એક દિવસ રોકાઈશું અને પછી આપણે આગળ જ્યાં સમર ગયો હતો ત્યાં તપાસ કરીશું.” યુવા બોલી અને જાણે કે વીજળી પડી હોય એમ રબ્બી, પ્રોફેસર અને વખત સ્તબ્ધ થઇ ગયા !

***

પવન મંદ મંદ વાતો હતો, શિયાળાની બપોર થઇ હતી પણ ઠંડી ખુબજ હતી ! પ્રોફેસર, વખત અને રબ્બી ચુપચાપ એમની મીની વાનમાં પાછળ બેઠા બેઠા જૂની યાદો સાંભરી રહ્યા હતા ! સમરની શોધ એમને ક્યાં લઇ આવી હતી ? વખતને એના પિતા અને બહેન યાદ આવી રહ્યા હતા તો રબ્બીનું હૃદય રડી રહ્યું હતું ! એની પ્યારી પત્ની, એનું સર્વસ્વ એવી લાવણ્યા એને યાદ આવી રહી હતી ! વર્ષો બાદ એ એની પુત્રી સાથે એ જગ્યાએ પાછો જઈ રહ્યો હતો ! એક ઘેરી વેદના એના મનમાં વ્યાપી ગઈ ! એની આંખોના ખૂણે આંસુ પણ આવી ગયા ! વખતે આ જોયું અને ઉષ્માપૂર્વક એનો હાથ દબાવ્યો. એ લોકોએ યુવાને કઈ ના કહેવાનું હમણા નક્કી કર્યું હતું કે જ્યાં સુધી સમર નો પત્તો ના મળે.

***

એક ચિચિયારી સાથે વાન એક તળાવની પાસે ઉભી રહી ગઈ. ઝારા ડ્રાઈવરની સીટ પરથી નીચે ઉતરી. બાજુમાં યુવા બેઠી હતી. “વાહ ! વોટ એ બ્યુટીફૂલ પ્લેસ દી !” એ બોલી ઉઠી અને એણે યુવા તરફ નજર દોડાવી. યુવા જાણે કે એ તળાવની આરપાર કંઇંક જોઈ રહી હોય એમ ઉભી હતી ! એને કૈંક બેચેની જેવું થવા મંડ્યું હતું ! એને  કઈ ખબર નહોતી પડતી પણ એનો આત્મા અંદરથી ફફડી રહ્યો હતી ! આ જગ્યા એને ઓળખીતી લાગતી હતી ! પોતે જાણે કે અહી પહેલા આવી ગઈ હોય એવું લાગતું હતું ! એણે આગળ જઈને જુકીને તળાવનું પાણી હાથમાં લીધું અને એના મોઢા પર છાલક મારી ! હવે એણે પોતાનું પ્રતિબિંબ પાણીમાં જોયું અને એ છળી પડી !!! પાણીના વમળો સ્થિર થયા અને એને સપનામાં જે પોતાની પ્રતિકૃતિ જેવી લાંબા વાળવાળી યુવતી આવતી હતી એ દેખાઈ રહી હતી ! એ હાથ લાંબા કરીને એને જાણે કે બોલાવી રહી હોય એવું એને લાગી રહ્યું હતું ! એ સ્તબ્ધ થઇને થોડી ક્ષણો પાણીમાં જ જોઈ રહી ! અચાનક ઝારાની બુમ સાંભળીને એ પાછી ફરી.

રબ્બી નીચે ઉતર્યો અને એણે તળાવના ખુણામાં પડેલી સડી ગયેલા લાકડાવાળી એક બોટ જોઈ અને એને એના અને લાવણ્યાના મધુર દિવસો યાદ આવી ગયા ! એ પણ અચંભિત થઇને જુના દિવસો યાદ કરતો ત્યાં ઉભો રહી ગયો !

“આપણે આ સામે દેખાય એ જર્જરિત મંદિરની પાછળ આવેલા શિવાનંદના આશ્રમમાં જવાનું છે” યુવાએ આંગળી ચીંધતા કહ્યું. વખત મંદિરની સામે આવેલા એક ખડક પર રહેલા જર્જરિત ઘર તરફ જોઈ રહ્યો હતો. એ આપોઆપ ત્યાં ચાલવા લાગ્યો. એમનું ઘર ! જ્યાં યુવાનો જન્મ થયો હતો એ ઘર ! બધા કુતુહલવશ એની પાછળ ચાલ્યા. આખું ઘર હવે તૂટી ગયું હતું અને કઈ જ બચ્યું નહોતું. વખતે ત્યાં ઉભા રહીને એક નિઃશ્વાસ નાખ્યો. યુવાનું માથું ભમી રહ્યું હતું ! એને અજીબ ન સમજાય એવી બેચેની થઇ રહી હતી ! અચાનક શિવમંદિરમાંથી જોર જોરથી ઘંટરાવ થવા લાગ્યો ! બધા ચમકી ઉઠ્યા અને એમના પગ આપોઆપ એ પ્રાચીન અને જર્જરિત શિવમંદિર તરફ વળ્યા !

યુવાએ જોયું કે મંદિરના પરસાળમાં એક નાનકડી આકૃતિ હતી, એણે ભગવા કપડા પહેરેલા  હતા ! એ જોર  જોરથી ઘંટ વગાડી રહ્યો હતો ! બધા મંદિરના પગથીયે પહોંચ્યા. રબ્બીએ ખાસ યાદ કરીને પોતાના શુઝ કાઢ્યા અને સૂચક નજરે વખત તરફ જોયું અને વખત પણ જૂની વાત યાદ કરીને હસી પડ્યો. કેવી રીતે બંને જ્યારે એકબીજાને ઓળખતા નહોતા ત્યારે ઝગડી પડ્યા હતા !

“પધારો દેવી પધારો ! આજે આ જગ્યા પાવન થઇ ગઈ છે ફરીથી ! આવો બધા આવો ! શિવજીને નમન કરો ! એમની લીલા અપરંપાર છે ! હે પ્રભુ આમની રક્ષા કરજો !” એ સફેદ મોટી દાઢી વાળો વ્યક્તિ યુવાને જોઇને બોલી ઉઠ્યો ! એણે એના હાથમાં રહેલા થાળમાંથી કંકુ લઈને બધાને ચાંદલા કર્યા અને અચાનક એ ઝડપથી હસતો હસતો ત્યાંથી ભાગી ઉઠ્યો ! બધા આશ્ચર્યથી એને જોઈ જ રહ્યા ! “આ બધું શું હતું પિતાજી ?!” યુવાએ પ્રોફેસરને પૂછ્યું પણ પ્રોફેસર પોતે હેરાન હતા !

***

શિવાનંદ પોતે દરવાજામાં ઉભો હતો. એ બધાને ઉષ્માપૂર્વક આશ્રમમાં લઇ ગયો અને બધાને ત્યાં અલગ  અલગ રૂમમાં રહેવાની વ્યવસ્થા પણ કરી દીધી. થોડીવારમાં યુવા અને શિવાનંદ એકલા પડ્યા એટલે યુવાએ બધું બરોબર ચાલે છે એની પૃચ્છા કરી ! “હા યુવા, પણ એક પ્રોબ્લેમ થયો છે ! પોલીસે રશીદખાનના બંગલે રેડ પાડી છે અને એની લાશ લઇ ગયા છે !” યુવાની આંખોમાં રોષ આવી ગયો “ડફોળ ! કોણ ફૂટી ગયું છે આપણામાં થી ? મને જલ્દી એનો જવાબ જોઈએ ! એ પણ તપાસ કર કે કોઈ આપણી પાછળ તો નથી ને ? આપણા તમામ માણસોને કહી દે કે જુનો અડ્ડો છોડી દે અને થોડા દિવસ ભૂગર્ભમાં જતા રહે, હું પાછી ના આવું ત્યાં સુધી કોઈ નવું સાહસ નથી કરવાનું સમજ્યો?” યુવાએ ગુસ્સાથી શિવાનંદને કહ્યું અને શિવાનંદે હકારમાં માથું ધુણાવ્યું ! “પાછી આવે તો ને તું ! તને એવા રસ્તે મોકલીશ કે તું તો શું, તારી દસ પેઢી પણ ક્યારેય ત્યાંથી આવી નહિ શકે” શિવાનંદ ગુસ્સામાં મનોમન બબડ્યો ! “આપણું તમામ ડ્રગ્સનું અને શસ્ત્રોનું ડીલીંગ બંધ કરાવી દે, આમ પણ મારે એ બધાને મળવાનું બાકી છે, હું પાછી ફરું પછી પાછું એ બધું ચાલુ કરીશું ઓકે ?” યુવાએ ફરીથી તાકીદ કરી અને શિવાનંદે માથું ધુણાવ્યું.

***

સવારના ચાર વાગ્યા હતા અને અચાનક યુવાની આંખો ખુલી ગઈ ! એ ઉભી થઇ અને એના કમરાની બહાર આવી. ઠંડો પવન એના સુંદર વાળ સાથે રમી રહ્યો હતો. એ ચાલતી ચાલતી પ્રાચીન શિવમંદિર પાસે આવીને ઉભી રહી ગઈ ! અંધારામાં પણ ખબર નહિ એને બધું જ સ્પષ્ટ દેખાતું હતું ! જેવો એનો પડછાયો મંદિરના પરસાળમાં પડ્યો કે એની આંખો બંધ થઇ ગઈ ! એના હાથ આપોઆપ જોડાઈ ગયા અને એના  મુખમાંથી શિવ સ્તુતિ નીકળવા લાગી ! મંદિરનો ઘંટ આપોઆપ જોરજોરથી વાગવા લાગ્યો ! દુર સુદૂર પહાડોમાં પણ કૈંક હલનચલન થઇ અને કોઈ સ્મિત સાથે યુવાની સ્તુતિ સાંભળી રહ્યું હતું. જેવા પહાડોમાંથી નીકળીને સુરજના પ્રથમ કિરણો મંદિર પર પડ્યા કે એમણે જોયું કે પ્રાચીન શિવમંદિર દસ દસ મસ્તિષ્કના પડછાયાથી ઢંકાયેલું હતું ! એમણે એક નિઃશ્વાસ નાખ્યો !

***

મોડી રાત્રે પાછા ફરી રહેલા નભુ અને સોથીએ અવાજો સાંભળ્યા ! એ લોકો એમના એક સબંધીને મળવા બેલી ગામ પાસે આવ્યા હતા અને હવે પાછા  જઈ રહ્યા હતા ! એ રાત બેલી ગામ પાસે આવેલા આદિવાસીઓના ઝુંપડામાં રોકાઈ ગયા હતા અને સવારે વહેલા નીકળવાના હતા ! અચાનક એમની આંખો ખુલી ગઈ. બંને એક બીજાનો હાથ પકડીને આગળ વધ્યા અને પ્રાચીન શિવમંદિરની તરફ નીકળી પડ્યા ! ઘંટનાદ હવે તીવ્ર થઇ રહ્યો હતો અને બંને કુતુહલવશ અત્યારે આટલા વહેલા ત્યાં  કોણ છે એ જોવા જઈ રહ્યા હતા !

નભુએ જોયું કે કોઈ સ્ત્રી મંદિરના પરસાળમાં બેસી પડી હતી અને જોર જોરથી શિવ સ્તુતિ ગાઈ રહી હતી અને મંદિરના ઘંટ આપોઆપ વાગી રહ્યા હતા ! આખું મંદિર જાણે કે ડોલતું હોય એવું લાગી રહ્યું હતું ! સોથીને બીક લાગી અને એણે નભુનો હાથ પકડીને ત્યાંથી જવાનું સૂચવ્યું પણ નભુએ એનો હાથ દબાવ્યો અને એ મંદિરના પરસાળમાં પહોંચી ગયો !

બને થીજી ગયા ! એમની આંખો ફાટી ગઈ ! આ શું ચમત્કાર હતો ! નીચે યુવા આંખો બંધ કરીને શિવ સ્તુતિ ગાઈ રહી હતી ! એનો ચહેરો જોઇને બંનેના શરીરમાંથી ધ્રુજારી ફેલાઈ ગઈ ! “વનદેવી ! અહિયાં ! ઓહ ઓહ ઓહ !!! આ શું ચમત્કાર છે !” બંન્ને યુવાના ચરણોમાં ઢળી પડ્યા ! થોડીવાર થઇ એટલે નભુએ સોથીનો હાથ પકડ્યો અને એ બંને આદીવાસીઓ ના ઝુંપડા તરફ દોડ્યા !

***

“ચાલો અત્યારે  જ નીકળવાનું છે !” શિવાનંદે બધાને કહ્યું. બધા પાછા મીની વાનમાં ગોઠવાઈ ગયા અને ત્યાંથી નીકળી પડ્યા. શિવાનંદ ત્યાં જ રહી ગયો હતો. એણે સમરને જે રસ્તો બતાવેલો એ જ રસ્તો આ લોકોને બતાવેલો. આગળ થોડું જતા જ એમણે વાન મૂકીને પગપાળા જવાનું હતું. ઝારા વાનને સંભાળીને ચલાવી રહી હતી. રબ્બી, પ્રોફેસર અને વખત પોતપોતાના વિચારોમાં ખોવાયેલા હતા અને વિરાટ આંખો બંધ કરીને સુતો હતો. અચાનક ઝારાએ જોરથી બ્રેક મારી અને વાન એક ચિચિયારી કરતી ઉભી રહી ગઈ.

આગળ વીસ પચીસ લોકોનું ટોળું ઉભું હતું અને બધ્ધાના હાથમાં જંગલી ફૂલો હતા. નભુ અને સોથી એ બધાની આગળ ઉભા હતા. યુવાને આશ્ચર્ય થયું અને એ વાનની નીચે ઉતરી. જેવી એ નીચે ઉતરી કે તમામ લોકો નીચે જુકી ગયા અને “જય વનદેવી” નો નાદ જોર જોરથી કરવા લાગ્યા. યુવા આશ્ચર્યથી એમને જોઈ રહી ! બધાએ એના ચરણોમાં જંગલી ફૂલો ચડાવ્યા અને કૈંક મંત્રો બોલવા લાગ્યા. સોથીએ નીચે જુકેલા નભુને કોણી મારી “નભુ, એમની આંખો તો જો ! એકદમ નીલવર્ણી છે ! વનદેવીએ રૂપ પણ બદલ્યું છે ! અદભુત લીલા છે એમની ! અત્યારે કેટલા સુંદર અને જુવાન દેખાય છે ! સાક્ષાત માં નો અવતાર લાગે છે !” નભુએ પણ ઊંચું જોયું અને એ યુવાની નીલવર્ણ આંખોમાં ખોવાઈ ગયો, સંમોહિત થઇ ગયો !

“વાહ દી વાહ, આ લોકો તો તને દેવી સમજીને પૂજી રહ્યા છે ! શું વાત છે” ઝારા આગળ આવીને યુવા પાસે ઉભી રહી ગઈ અને હસતા હસતા બોલી. વખત નીચે ઉતર્યો અને અચંભાથી આદિવાસીઓને જોઈ રહ્યો ! આટલા વર્ષોમાં પેઢી બદલાઈ ગઈ હતી અને એના જુના આદિવાસી સાથીઓ અને મિત્રો ગાયબ થઇ ગયા હતા અથવાતો ક્યાંક સ્થળાંતર કરી ગયા હતા ! એ ઉભેલા કોઈને ઓળખાતો નહોતો પણ એ લોકો યુવાને જુકી જુકીને નમન કરી રહ્યા હતા એ જોઇને એને ખુબજ આશ્ચર્ય થયું ! એણે એક આદિવાસીને પૂછપરછ કરી અને એણે વખતને જવાબ આપ્યો કે આ તો અમારા વનદેવી છે. આ સાંભળીને વખતનું મગજ ચકરાઈ ગયું !

***

ટેક્ષીવાળાએ સમરને જ્યાં ઉતારેલો એ જગ્યાએ વાન આવીને ઉભી રહી. હવે એ લોકોને અહીંથી પગપાળાજ આગળ જવાનું હતું. શિવાનંદે એમની પાછળ પાંચ લોકો બીજી કારમાં મોકલ્યા હતા કે જે એમનો સામાન ઊંચકીને એમની સાથે હિમાલયના પહાડો ચાલુ થાય ત્યાં સુધી આવવાના હતા.

યુવા અને ઝારાએ સામાન નીચે ઉતાર્યો અને શિવાનંદના માણસોને આપી દીધો. બધા લોકો હવે પગપાળા ત્યાંથી નીકળી પડ્યા. થોડે દુર ગયા પછી એ લોકોએ જોયું કે એક નાનકડી વસાહત દેખાઈ રહી હતી. વીસ પચ્ચીસ ઝુંપડાઓનો એક નાનકડો સમૂહ હતો. એક નાનકડા ટેકરા પર એક બેઠી દડીનો માણસ ઉભો ઉભો બધાને આવતા જોતો હતો. એના આશ્ચર્ય વચ્ચે એણે જોયું કે થોડાક લોકો એમના ગામ તરફ આવી રહ્યા હતા અને એમની સાથે સહુથી આગળ વનદેવી હતા ! એ દુરથી જ એ ચહેરા ને ઓળખી ગયો ! અરે ! હમણા જ તો વનદેવી એમના ગામમાં થી ગયા હતા, એટલી વારમાં બીજી બાજુથી કેવી રીતે આવી રહ્યા હતા !!?? એને ખુબ આશ્ચર્ય થયું અને એ ગામના મુખીને બોલાવવા ભાગ્યો.

“શું ? આ કેવી રીતે બને ? વનદેવી તો હમણા જ થોડીવાર પહેલાજ અહીંથી ગયા હતા હવે એ ફરીથી બીજા લોકો સાથે આ ઉલટી દિશામાંથી કેવી રીતે આવી રહ્યા છે ? તે નશો કર્યો છે ?” મુખિયા બગડ્યો ! જવાબમાં એ બેઠી દડીવાળા આદમીએ એનો હાથ પકડ્યો અને સાત આઠ આદિવાસીઓને એ એક દિશા તરફ લઇ ગયો !

સાંજના સુરજના કિરણો પૃથ્વી પર ઢળી રહ્યા હતા ! મુખીયાનું મોઢું ફાટી રહ્યું ! એણે જોયું કે એક ટેકરીની પાછળથી વનદેવી એ લોકો તરફ આવી રહ્યા હતા ! સુરજના કિરણો એમના ચહેરા પર પડી રહ્યા હતા અને એક અનોખી આભા પ્રગટ થઇ રહી હતી ! જાણે કે કોઈ દૈવીય તત્વ એમના તરફ આવી રહ્યું હોય ! બધાના હાથ આપોઆપ જોડાઈ ગયા અને એ સ્તબ્ધ થઇને વનદેવીને એમની તરફ આવતી જોઈ રહ્યા ! ડૂબતા સુરજના કિરણોમાં વનદેવીની નીલી નીલી આંખો ચમકી રહી હતી !

***

 

ભાગ-૧૯ સમાપ્ત.

***

Rate & Review

Viral 2 months ago

Golu Patel 4 months ago

Hims 4 months ago

Sanjay Bodar 4 months ago

Manish Patadia 5 months ago