લવ મેરેજ - 11

શાંત ઓરડામાં નીતુ, શાંતીકાકા, અહાન અને અનવી અનિમેષ કોમ્પ્યુટર સ્ક્રીન ને જોઈ રહ્યા હતા. જાણે કોઇ જાદુગર ડાબલીનો ખેલ બતાવતા ગોળીને એક ડાબલીમાંથી બીજી ડાબલીમાં નાખી દે, તે એટલી ઝડપે અહાન કીબોર્ડ પર આંગળીઓ ફેરવી રહ્યો હતો. અહાન સિવાય કોઈને કશું સમજમાં નહોતું આવી રહ્યું કે તે શું કરી રહ્યો છે. થોડા કમાન્ડ આપ્યા પછી અહાને સ્ટાઇલિશ રીતે એન્ટર કી પ્રેસ કરી  કોમ્પ્યુટર સ્ક્રીન પર એકસાથે કેટલાય આઉટપુટ મેરેથોન રેસમાં ભાગ લઇ રહેલા સ્પર્ધકો માફક દોડવા લાગ્યા. અહાન ખુશ હતો આજે ફરીથી તે 'જટાયુ'નો સદુપયોગ કરી રહ્યો હતો વીતેલા સમયમાં 'જટાયુ'નો ઉપયોગ કેવો થયો હતો તે તો અહાનનું જ મન જાણે છે. તેનું ટાસ્ક હતું. ડેટા કલેકટીંગ એન્ડ એનાલિસિસ પરંતુ તેણે તો આ ટાસ્કને મિશન બનાવી દીધું હતું.

અહાનને યાદ છે એક દિવસ ઓઝા સાહેબે તેને ફરી કોઈ ખુફિયા જગ્યાએ બોલાવ્યો હતો. તે જગ્યાએ પણ માત્ર ગણ્યાગાંઠયા લોકો હતા. અહાન, અમિત વાઘેલા, ઇન્સ્પેક્ટર વાળા, ઓઝા સાહેબ અને થોડા હવાલદાર. રૂમના મધ્યમાં એક હાઈ સ્પીડ ઈન્ટરનેટ વાળું કોમ્પ્યુટર હતું અને અહાનને મંગાવેલા તમામ ઉપકરણો હતા. અમિત વાઘેલા અહાનની કરામત જોવા ઉત્સુક હતો.

"અહાન અનંત પરીખનું નામ સાંભળ્યું છે" ઓઝા સાહેબે અહાન સામે બેસતા બોલ્યા.

" અનંત પરીખ એટલે પહેલા અનંત હિલના માલિક"

અહાન બોલતો હતો ત્યાં એક હવાલદાર ચા સાથે નાસ્તાની પ્લેટ લાવી અને અહાનની સામે રાખી. 

"હા તે જ  અનંત પરીખ" પોતાના કોફી મગને પકડતા ઓઝા સાહેબ બોલ્યા. 

"હા ઓળખું છું " અહાને ટૂંકમાં જવાબ આપ્યો .

તે બાદ અહાનને કહેવામાં આવ્યું કે જટાયુની મદદથી અનંત પરીખની કુંડળી કાઢે. અહાન એક કહીયાગરા પોલીસ ઓફિસર તરીકે આજ્ઞાનું પાલન કર્યું. થોડીવાર કોમ્પ્યુટર સ્ક્રીન પર ઘણા બધા ડેટા હાજર થઈ ગયો. અનંત પરીખનના બેન્ક સ્ટેટમેન્ટ, તેની એબ્રોડ વિઝીટ, તેણે બનાવેલી બિલ્ડીંગનું લિસ્ટ, અહાન એક પછી એક બધી ડીટેલ એનાલાઇઝ કરી રહ્યો હતો. અહાનને કામમાં મૂડ ચડે તે માટે તેણે સોફ્ટવેરમાં મિશન ઈમ્પોસિબલનું  થીમ સોંગ એડ કર્યું હતું . તેથી જ્યારે ડેટા પ્રોસેસિંગ થાય ત્યારે ધીમા સ્વરે આ ધૂન બેકગ્રાઉન્ડમાં વાગે. આમ પણ અહાન ટોમ ક્રુઝથી જરાય કમ ક્યાં હતો. 

"જુઓ" અહાન એ બધાને કોમ્પ્યુટર સ્ક્રીન પર નજર નાખવા કહ્યું. બધા એકી ટશે મોનિટરને જોઈ રહ્યા હતા. છ મહીના પહેલા અનંત પરીખ એક વિદેશી પાર્ટીને મળ્યો હતો."અહાન બોલ્યો 

"તો શું? " ઓઝાસાહેબે પોતાની સીટ પરથી ઉભા થતા બોલ્યા.

"છેલ્લા થોડા વર્ષોથી નાણાકીય વહીવટ બહુ કઠીન થઈ ગયો છે. બે લાખથી વધારે રોકડ રકમનો વ્યવહાર નથી થઈ શકતો." 

"હા તો ?"  અહાનની વાત વચ્ચેથી કાપતાં ઇન્સ્પેક્ટર વાળા બોલ્યા.

"તો આ પાર્ટી આટલી મોટી બેગ સાથે શું કરે છે ત્યાં?" અહાન બોલ્યો. જટાયુ દ્વારા તેણે સીસીટીવી ફૂટેજને પણ હેક કરી હતી. અમદાવાદના કોઈ સાવ સામાન્ય કાફેમાં વિદેશી પાર્ટી સાથે અનંત પરીખ શું કરી રહ્યો હતો?"

"અહાન સીધી વાત કર તું શું કહેવા માંગે છો?" ઓઝા સાહેબ મૂંઝાયા.

"અનંત પરીખે આ પૈસાનું મની લોન્ડરિંગ કર્યું હશે. રિયલ એસ્ટેટમાં તે સંભવ છે. બ્લેક નાણાને વાઈટ કેમ કરવા તે વેપારીના દીકરાને શીખવું પડે?"  અહાને સ્મિત કરીને કહ્યું.

"વેલડન અહાન" ઓઝા સાહેબે તેની પીઠ થાબડી.

"બે મિનિટ સાહેબ, તે પૈસાનું પગેરું શોધી લઉં. શક્ય છે કદાચ મળી પણ જાય." અહાનને અધુરુ કામમાં રસ નહોતો. તે જે કામ હાથમાં લે  તેને પૂર્ણ કરીને જંપતો.

"નહીં અહાન આટલી માહિતી પૂરતી છે" ઓઝા સાહેબ બોલ્યા.

"પણ સાહેબ એક ફોટોથી કશું સાબિત નહીં થાય" અહાન મૂંઝવણભર્યા સ્વરે બોલ્યો

"સ્ટોપ અહાન ધીસ ઇઝ અન ઓર્ડર"ઓઝા સાહેબે પોતાનો પાવર બતાવતા કહ્યું.

એ બાદ આ સીલસીલો આમ જ ચાલુ રહ્યો. ક્યારેક સોની, ક્યારેક બિલ્ડર,  ક્યારેક વકીલ, ક્યારેક તો પોલીસ ઓફિસર, અહાન કઠપુતળી માફક ઓઝાસાહેબને માહિતી આપતો રહ્યો. અહાન સાહેબના ઈશારે નાચતો રહ્યો. પરંતુ આ બધા અપરાધીઓના કેસ હજી ચાલુ જ છે. તેમ જાણવા મળતું પરંતુ કોઈ કેસ હજી સુધી ક્લોઝ નથી થયો. જો અહાન ચાહે તો દરેક કેસ ક્લોઝ થઈ શકે. પરંતુ તે એવું કશું કરતો ત્યાં ઓઝાસાહેબ અથવા ઇન્સ્પેક્ટર વાળા તેને રોકી લેતા. ક્યાંકને ક્યાંક અહાનને લાગતું હતું કે તે સાચા અર્થમાં કોઈ ગુનેગારને પકડી નથી રહ્યો. આ લોકો માત્ર તકવાદી છે. આ લોકો તો મળેલી તકમાંથી મલાઈ ખાવા જતા ફસાઈ ગયેલા લોકો છે. તેણે કોઈ ખૂની, બળાત્કારી, લુટેરા એવા કોઈ માણસની  ખોજ કરી જ નથી.

 એક દિવસ કંટાળીને અહાને ઓઝા સાહેબની ચેમ્બરમાં ગયો. તેને જોઈને ઓઝા સાહેબે વિવેક ખાતર ચેર ઓફર કરી પરંતુ અહાને તેમના ટેબલ પર કેટલીયે ફાઇલોનો એકસાથે ઘા કર્યો. ઓઝાસાહેબ અહાનની આ હરકત વિશે જાણવા માંગતા હતા. તે મૂંઝવણમાં હતા કે કાલનો કહ્યાગરો ડાહ્યોડમરો ઓફિસર આજે હીન્દી ફિલ્મના હીરોની જેમ તેની ચેમ્બરમાં દાખલ થયો છે 

"શું થયું ઓફિસર?"

"તમે મને જે લોકોની પાછળ દોડાવો છો. તેનાથી ક્યાંય વધારે અપરાધી લોકો આ ફાઈલમાં છે. તમે આ ફાઇલોમાં ચેક કરો કેવા કેવા કુખ્યાત લોકો આ શહેરમાં પોતાનું સામ્રાજ્ય ચલાવે છે. શું ડોન શકીલ કરતા અનંત પરીખ વધારે મહત્વપૂર્ણ છે. તમને  શકીલની કુંડલી કાઢવાની જરૂર નથી લાગતી" અહાન વધારે ગુસ્સામાં હતો

"બેશક જરૂર છે" ઓઝા સાહેબ અહાનને એકીટશે જોઈ રહ્યા હતા. તેણે તેના કાર્યકાળમાં આવી કેટલી સ્થિતિનો સામનો કર્યો છે. તેથી તેના માટે આ બહું નવો સીન નહોતો. 

"તો પછી કેમ આપણે આ લોકોને નથી શોધતા? કેમ આપણે લોકોના ભૂતકાળને શોધીએ છીએ? જ્યારે આપણે એમ પણ શોધી શકીએ કે કોઈ અપરાધી હાલમાં ક્યાં હશે? ભવિષ્યમાં શું કરશે. તોય પણ આપણે તો..." અહાન ભાવુક પણ હતો અને સાથે સાથે કશું અનૈચ્છીક કરી રહ્યો હોય તેવી ભાવનાથી પીડિત પણ હતો.

" અહાન રીલેક્સ, આપણે પોલીસ છીએ રાઈટ?  મને ખબર છે હું શું કરું છું. મારો ઈરાદો પણ એ જ છે જે તારો છે. શું તને ખબર છે આ શકીલ પર હાથ નાખવાનો અંજામ શું આવશે? તેનો એક પણ માણસ અંદર ગયો તો આખું શહેર લાશનો અંબાર બની જશે. વધારે ફોર્સ આપવા માટે મારે ઉપર હાથ ફેલાવવા પડશે અને ઉપરના લોકોના મોં પહેલેથી જ શકીલે ભરી દીધા હશે. પછી શું કરીશું બોલ?" ઓઝાસાહેબ પણ ભાવુક થઈ ગયા.

"પણ સર.."

"અહાન, તું એક કામ કર. તું થોડા દિવસ છુટ્ટી પર ચાલ્યો જા" 

અહાન કોઈ દલીલ કર્યા વગર ચેમ્બરની બહાર નીકળી ગયો. ચેમ્બરનો દરવાજો જોરથી ભટકાતા ચોકીના બધા જ કર્મચારીઓ ચેમ્બર તરફ જોઈ રહ્યા હતા.

 કોમ્પ્યુટરમાં એલર્ટ મેસેજ આવતા અહાન વીતી વાતોને નજર અંદાજ કરી. કોમ્પ્યુટર સ્ક્રીન પર ધ્યાન દેવા લાગ્યો. અહાનના ચહેરા પર મુસ્કાન આવી ગઈ. શાંતીકાકાએ અહાનની મુસ્કાનનું રહસ્ય પૂછ્યું અહાને જણાવ્યું કે શાંતીકાકાના બતાવેલા સમયે જે કોલ આવ્યો હતો. તે મુંબઈના કોઈ ફિનિક્સ કાફેમાંથી આવ્યો હતો  અહાને ફીનિક્સ કાફેના સીસી ટીવીની ફૂટેજ ચેક કરતા તેને જે ફૂટેજ મળી છે તે જોઈને તેને હસી આવી ગઈ.

 ફુટેજમાં એક છ ફૂટ ઊંચો મસ્ત પહેલવાન જેવો માણસ કાફેના ટેલિફોન બૂથમાંથી ફોન લગાવી રહ્યો હતો. તેણે ઓવર કોટ પહેર્યો હતો અને માથે લોંગ હેટ હતી. તેનો એક હાથ પોતાના કોટના ખિસ્સામાં હતો અને બીજા હાથ વડે તેને રીસીવર પકડી રાખ્યું હતું. તે જોતા તો અંગ્રેજી પિક્ચરના જાદુગર જેવો દેખાતો હતો. 

"પણ આમાં પિયુષ ક્યાં છે?" શાંતીકાકા બોલ્યા 

અહાને કશો ઉત્તર ન આપ્યો. થોડી વારમાં પેલા માણસે પોતાનો મોબાઈલ કાઢ્યો અને ટેલિફોનના રીસીવર પાસે રાખ્યો. કદાચ તેણે પીયૂશનું રેકોર્ડિંગ કરી લીધું હશે. અને  તે શાંતીકાકાને સંભળાવ્યું હશે. પણ શાંતીકાકા એ માનવા તૈયાર નહોતા. તે માનતા હતા કે પીયૂશે જ તેની સાથે વાત કરી હતી. અહાને તેની સાથે વધારે દલીલ ન કરી. તે જાણતો હતો કે પીયૂશ ન તો ઊંચો છે. ન તો તેનું પાતળું શરીર ક્યારેય આ વ્યક્તિ જેવું થઈ શકે તે શક્ય છે. છતાં માતાપિતાનો પ્રેમ આંધળો હોય છે. અહાને શાંતીકાકાને સમજાવ્યું કે આ વિડીયોનો એક જ અર્થ થાય છે કે પિયુષને ગાયબ કરવા પાછળ કોઈ પહોંચવાળા વ્યક્તિનો હાથ છે. કોઈ તો છે જે પીયૂશનો ઉપયોગ કરી રહ્યું છે. પરંતુ અહાને સમજદારને સમજાવવાની મિથ્યા કોશિશ કરી. 

અહાને પીયૂશની ઇમેજ ગ્લોબલ સેટેલાઇટ સાથે લિંક કરી. તેણે સેટેલાઇટને કામે લગાડ્યું આખા ભારતમાં કોઈ જગ્યાએ જો પીયૂશ જેવો ચહેરો દેખાયો હશે તો સેટેલાઈટ તરત જ તેની જાણ કરશે. ઘણા સમય માટે પ્રોસેસિંગ કર્યા બાદ કોમ્પ્યુટરે ફરીથી એલર્ટ ટોન વગાડ્યો. આ પ્રક્રિયા દરમિયાન અહાન શાંતચિત્તે કોમ્પ્યુટર સ્ક્રીનને જોઈ રહ્યો હતો. જ્યારે અનવી અને નીતુ શાંતીકાકાને સમજાવી રહ્યા હતા. પરંતુ દીકરાને દુઃખી જોઈ શાંતિકાકા પોતાના દિમાગના બદલે દિલથી વધારે વિચારવા લાગ્યા હતા. 

"એક મિનિટ" અહાને સૌને મૌન રહેવા કહ્યું. સૌ માત્ર અહાન અને કોમ્પ્યુટર બંને પર જ ધ્યાન આપી રહ્યા હતા. અહાન થોડો ટેન્સ દેખાઈ રહ્યો હતો.

"શું થયું અહાન?' શાંતીકાકા ચિંતા બોલ્યા. 

"જટાયુ કહે છે કે આ ત્રણ જગ્યાએ પીયૂશ હોઈ શકે છે. અહાને નકશામાં બ્લીંક થતાં ત્રણ ટપકાને ચિંધતા કહ્યું.

"અહાન આપણે તેને શોધવો પડશે. ચાલ આપણે જઈએ"શાંતીકાકા પુત્ર પ્રેમમાં  બોલ્યા.

"થોડી વાર રાહ જુઓ. આ કોઈ ટ્રેપ પણ હોઈ શકે છે."અહાને કહ્યું. 

અહાનને મળેલા આઉટપુટને વેરીફાઈ કરવાનો કમાન્ડ આપ્યો. થોડી વારમાં જ  એનો મેસેજ આવ્યો. મળેલા પરિણામમાંથી એક પરિણામ 50% સત્ય હોવાની સંભાવના ધરાવતું હતું, તે બાદ એક પરિણામ ૭૫ ટકા અને છેલ્લું પરિણામ ૯૦ ટકા સંભાવના ધરાવતું હતું. અહાને છેલ્લા પરિણામને વિગતવાર જોયું તો સ્ક્રીન પદ ઈમેજ આવી ગઈ. કોઈ છોડી દેવાયેલી ફેક્ટરી જેવું સ્થાન હતું. તેની બારી પાસે પીયૂશ કોઈ સ્ત્રી સાથે બેસેલો હતો. સ્ત્રીના વાળ હવામાં લહેરાઈ રહ્યા હતા. બંનેના ચહેરા પર સ્મિત હતું.

"હવે શું ડર છે. આ તો તારું કોમ્પ્યુટર છે.તે વળી તને દગો દે ખરું? અહાન ચાલ આપણે પીયૂશને શોધવા નીકળી પડીએ" શાંતીકાકા એક સાથે કેટલાય ઘોડા પર સવારી કરવા માંગતા હતા પરંતુ અહાને કશો જવાબ ન આપ્યો
***

અમિત વાઘેલા પોતાની ચેમ્બરમાંથી દોડતો બહાર નીકળ્યો. ચોકીના એક ખૂણામાં જ્યાં કોઈ માણસ ન હતું ત્યાં જઈને તેણે પોતાના મોબાઇલમાંથી કોઈને કોલ જોડયો. જ્યાં સુધી ફોન રિસીવ ન થયો ત્યાં સુધીમાં તો અમિતે કેટલી વાર રિહર્સલ કર્યું. ફોન રિસિવ થતાં તે પઢાવેલા પોપટની માફક બોલવા માંડ્યો.

"બિલકુલ તમે કહ્યું હતું  એમ જ થયું.  પહેલાં તો ખૂબ હંગામો કર્યો પછી તેનો ફાયદો ઉપાડ્યો. વેરી વેલ પ્લેયડ અહાન" સામા છેડે રહેલી વ્યક્તિને જણાવતા અમિત બોલ્યો . અમિત પોતાના હાથમાં રહેલા 'કી લોગર'ને જોઈને હસી રહ્યો હતો. 

"હવે માત્ર અહાન પર નજર રાખો" સામે છેડેથી હુકમ આવ્યો. અમિત માત્ર મૂડી હલાવી રહ્યો હતો અને સામે છેડેથી કોલ કટ થઈ ગયો

***

Rate & Review

Verified icon

Sudhirbhai Patel 2 months ago

Verified icon

Dakshraj 2 months ago

Verified icon

Rakesh 3 months ago

Verified icon

Ketna 4 months ago

Verified icon

Heena Suchak 4 months ago