આત્માના અંતિમ સંસ્કાર ! – ૨૧

આખલો હાંફતો હાંફતો આવ્યો અને ઢળી પડ્યો ! નંદી એની પાસે આવ્યા ! એમણે ક્રોધિત નજરે એની સામે જોયું ! મહાદેવના નિવાસસ્થાનના પ્રવેશદ્વારે એમણે જેને સુરક્ષા હેતુ રાખ્યો હતો એની આવી દશા જોઈને એમનું લોહી ઉકળી ઉઠ્યું. કોઈ બહારથી એ છુપા માર્ગે પ્રવેશ ના કરે એટલા માટે એ નંદીના આદેશ મુજબ ત્યાં સેવા આપતો હતો અને રડ્યા ખડ્યા લોકોને ડરાવીને ત્યાંથી હાંકી કાઢતો હતો પણ આજે એની દુર્દશા થઇ હતી ! એમણે પ્રેમથી આખલાના માથા પર હાથ ફેરવ્યો. મહાદેવ સમાધિમાં હતા. નંદીએ અચાનક એક ભયંકર આખલાનું રૂપ ધારણ કર્યું અને એ તીવ્ર ગતિથી ત્યાંથી નીચે દોડ્યો.

***

જાણે કે પૃથ્વી એની ધરી પર ફરતી બંધ થઇ ગઈ હતી ! રબ્બી સ્તબ્ધ થઇ ગયો હતો ! એને વિશ્વાસ નહોતો આવતો કે આ શું થઈ રહ્યું હતું ! એની પ્રિય પત્ની, એનું સર્વસ્વ એવી લાવણ્યા એની સામે ઉભી હતી ! એ પણ અચરજથી રબ્બીની સામે જોઈ રહી હતી ! એ એવી ને એવી જ લાગતી હતી. વર્ષો પહેલા છેલ્લે એણે એરપોર્ટ પર જોયેલી એવી જ ! નિયતિ એવી થઇ હતી કે એ જ્યારે એને પહેલીવાર મળેલો ત્યારે  પણ એણે સર્પદંશથી એની જાન બચાવેલી. અત્યારે પણ એ એટલીજ સુંદર અને ભવ્ય લાગતી હતી. કાળની થપાટોએ એના સુંદર લાંબા વાળ થોડા ધોળા કરી દીધા હતા પણ એના મુખ પર એવી જ દિવ્યતા ઝલકતી હતી ! “લવ,,,મારી પ્રિય લાવણ્યા...” રબ્બીના હોઠ ફફડ્યા ! લાવણ્યા જાણેકે કોઈ અજનબીને જોઈ રહી હોય એમ એને તાકી રહી ! રબ્બી આગળ વધ્યો અને લાવણ્યાએ એને ધક્કો મારી દીધો ! એની આંખોમાંથી લાલ લાલ અંગારા વરસી રહ્યા હતા ! એને ખબર નહોતી પડતી કે આ કોણ છે અને કેમ એને આવી નજરે જોઈ રહ્યો હતો ! એના હૃદયમાં કૈંક અજીબ ખળભળ મચી રહી હતી પણ એને કઈ ખબર નહોતી પડી રહી ! એ વ્યક્તિ આગળ વધી રહ્યો હતો, એને અડવાની કોશિશ કરી રહ્યો હતો, પણ વિચિત્ર વાત એ હતી કે  એની આંખોમાં અઢળક પ્રેમ ભરેલો હતો ! કોઈ વાસના નહોતી ! એ ધીરે ધીરે પાછળ જઈ રહી હતી અને એ આગળ આવી રહ્યો હતો ! “લાવણ્યા ! ઓફ ! આ નામ ક્યાંક સાંભળેલું લાગે છે !” એ બબડી ! અચાનક એના મગજમાં ચમકારો થયો અને એને કૈંક ઝાંખું ઝાંખું યાદ આવવા લાગ્યું ! એ ઉભી રહી ગઈ ! રબ્બીએ આગળ આવીને એના હાથ પકડી લીધા ! “લવ, મારી પ્રિય, તું ક્યા હતી આટલા વર્ષો ? તારા વગર હું કેમ જીવતો હતો એ તને કેમ ખબર ? જો યુવા ના હોત તો મારું જીવન ક્યારનું સમાપ્ત થઇ ગયું હોત, લવ, તું કેમ કઈ બોલતી નથી લવ ? લાવણ્યા,,,કૈંક તો બોલ, મારી વ્હાલી,,,લાવણ્યા,,,” રબ્બી એનો હાથ પકડીને એને હચમચાવી રહ્યો હતો પણ એના મગજમાં તુમુલ યુદ્ધ ચાલી રહ્યું હતું ! એને કંઈક થઇ રહ્યું હતી ! એણે આંખો બંધ કરી દીધી અને એના મગજમાં સળવળાટ થયો અને ઝાંખો ઝાંખો રબ્બીનો ચહેરો પ્રગટ થયો ! બધ્ધુંજ ચક્કર ચક્કર ફરવા લાગ્યું ! પંડિત શંભુનાથ, વખત, પ્રોફેસર સિન્હા, રબ્બી, યુવા,,,, એક પછી એક ચહેરા એના મગજમાં પ્રગટ થવા લાગ્યા. એની આંખોમાંથી આંસુ બહાર આવી ગયા ! “ર,,બ્બી...મારા પ્રિયે,,,તમે....તમે...મને આપણું ગીત સંભળાવોને...” આંખો બંધ કરીને લાવણ્યા બબડી અને રબ્બી પણ એક ક્ષણ સ્તબ્ધ થઇ ગયો. એને જૂની વાતો યાદ આવી ગઈ કે કેવી રીતે એ અને લાવણ્યા બેલી ગામના તળાવે હોડીમાં બેઠા હતા અને એ એની પ્રિય લાવણ્યાને ગમતું હિબ્રુ ગીત સંભળાવતો હતો ! આંખમાં આંસુ સાથે રબ્બી પણ નીચે બેસી પડ્યો અને એણે એ જુનું ગીત લલકાર્યું ! “ઓ મારી વ્હાલી, તું જ મારું જીવન છે, તું જ મારો આત્મા છે, તું જ મારું સર્વસ્વ છે, તું હું જ છું અને હું તું જ છું, જો હું જંગમાંથી પાછો નાં આવું તો મારી યાદોને ઓઢીને તારી અંદર સમાવી દેજે ઓ વહાલી, હું હમેશા માટે તારા દિલ માં પોઢી જઈશ” લાવણ્યાની આંખોમાંથી પણ અનાધાર આંસુ નીકળી રહ્યા હતા ! એણે એનો હાથ લાંબો કર્યો અને રબ્બીના મુખ પર ફેરવ્યો ! રબ્બી પણ રડતા રડતા લાવણ્યાને ભેંટી પડ્યો ! બંને એકબીજામાં સમાઈ ગયા ! પવન જોર જોરથી વહેવા  લાગ્યો, આખી સૃષ્ટિ જાણેકે આનંદિત થઇ ને આ મિલનને જોઈ રહી ! દુરથી આ બધું જોઈ રહેલો વખત, પહાડ જેવો વખત પણ રડી રહ્યો હતો ! એની આંખોમાંથી પણ અવિરત આંસુ વહી રહ્યા હતા ! “મોટી” એણે હળવેકથી બુમ પાડી અને લાવણ્યાએ ચમકીને એની તરફ જોયું અને એ આનંદિત થઇને દોડી અને વખતની વિશાળ ભુજાઓ માં સમાઈ ગઈ ! “મારા વીરા, ભાઈ, વખત !!!” બંને એકબીજાને ભેટી ને રડી રહ્યા હતા ! થોડીવાર થઇ એટલે બધા સ્વસ્થ થયા. “મારી નાનકડી દીકરી, મારો કાળજાનો કટકો ક્યાં છે ? યુવા ક્યા છે ?” અચાનક લાવણ્યાએ પૂછ્યું અને રબ્બી હસી પડ્યો. “તારી નાનકડી હવે મોટી થઇ ગઈ છે પ્રિયે, વર્ષો વીતી ગયા છે” વખતે પણ હસીને કહ્યું “હા બેન, એ અપૂર્વ શક્તિનો ભંડાર છે, બિલકુલ તારા જેવી લાગે છે ! તારી અને મારી અપરંપાર શક્તિ એનામાં વહે છે. મહાદેવની કૃપાથી એ પ્રચંડ શક્તિશાળી થઇ છે, હા મોટી, એ પણ અહી નજીકમાં જ છે, ચલ સમય આવી ગયો છે તને એને મળાવવાનો. લાવણ્યાની આંખો ચમકી ઉઠી અને એ ઝડપથી એ બંનેની સાથે દોડી.

રસ્તામાં લાવણ્યાએ એમને જણાવ્યું કે કેવીરીતે એ પહાડો પરથી નીચે નદીમાં કુદી પડી હતી અને બેભાન થઇ ગઈ હતી ! એને ત્યાના સ્થાનિક આદિવાસીઓએ શોધી કાઢી હતી અને ત્યારથી એ એમની સાથે જ રહેતી હતી, એ એની યાદશક્તિ ગુમાવી બેઠી હતી અને બધું ભૂલી ગઈ હતી ! વખતે અને રબ્બીએ પણ પોતપોતાની આપવીતી એને કહી સંભળાવી. લાવણ્યા હવે યુવાને મળવા અધીરી થઇ ગઈ હતી. એ લોકો ઝડપથી યુવા અને અન્ય લોકો જ્યાં એમની રાહ જોતા હતા ત્યાં ચાલી નીકળ્યા.

***

યુવાએ ઝટકો માર્યો અને લાવણ્યા લથડી પડી ! એણે સંતુલન ગુમાવ્યું અને એ પણ નીચે ગબડી પડી ! વખતે આ જોયું અને એ અને રબ્બી ઝડપથી દોડ્યા ! હવે ખડક પર યુવા અને લાવણ્યા બાજુ બાજુમાં લટકી રહ્યા હતા ! “યુવા, મારી પુત્રી, હું લાવણ્યા છું, તારી માતા, બેટા, મારી સામે જો !” લાવણ્યા લટકતા લટકતા યુવાની સામે જોઈ રહી હતી અને એને આજીજી કરી રહી હતી. પણ યુવાની આંખો બંધ હતી, એનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું ! અચાનક એણે આંખો ખોલી અને એની નીલવર્ણ આંખો લાલ લાલ થઇ ગઈ હતી. એણે લાવણ્યા પર ત્રાટક કરવાનું ચાલુ કર્યું ! લાવણ્યા લથડી પડી અને પડું પડું થઇ ગઈ ! એની પુત્રી, એનું લોહી એની સામે ત્રાટક કરી રહ્યું હતું ! ઓહ ! પ્રચંડ શક્તિનો ધોધ વહી રહ્યો હતો ! લાવણ્યાએ સામો પ્રતિકાર કર્યો પણ એની પુત્રી એનાથી પણ શક્તિશાળી થઇ ગઈ હતી ! અચાનક લાવણ્યાનો હાથ વખતે પકડી લીધો અને એને ઉપર ખેંચી લીધી ! યુવા ક્રોધિત થઇ ઉઠી અને એણે ઉપર જોયું ! વખતે હવે એનો હાથ પણ પકડ્યો અને એને ઉપર ખેંચી ! ઉપર આવતા વેંત યુવાએ લાવણ્યાનું ગળું પકડ્યું અને એને ઉંચી કરી દીધી ! લાવણ્યા છટપટવા લાગી, એનો શ્વાસ રૂંધાવા લાગ્યો ! વખત ક્રોધિત થઈને એને છોડાવા ગયો પણ યુવાએ જોરથી વખતને ઝટકો માર્યો અને મહાબલી વખત ઊંચકાઈને એક તરફ પછડાઈ ગયો ! બધા આશ્ચર્યથી આ જોઈ રહ્યા ! રબ્બી આગળ આવ્યો પણ યુવાએ એને પણ એક ધક્કો માર્યો અને એ પણ ઉડીને દુર પડ્યો ! “દી, છોડી દે એને દી” ઝારાએ બુમ પાડી અને યુવાનો હાથ પકડી લીધો ! યુવાએ લાલ લાલ આંખોથી ઝારા સામે જોયું અને એને કૈંક થયું અને એણે અચાનક લાવણ્યાને છોડી દીધી અને એ નીચે બેસી પડી ! એની આંખોમાંથી અવિરત આંસુ બહાર આવી રહ્યા હતા !

***

યુવા આંખો પહોળી કરીને સાંભળી રહી હતી ! એની આખી ઝીંદગી બદલાઈ ગઈ હતી ! એને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે એ પ્રોફેસર સિન્હાની નહિ પણ રબ્બી અને લાવણ્યાની પુત્રી હતી ! એની આંખોમાં અવિરત આંસુ આવી રહ્યા હતા ! પ્રોફેસર સિન્હા પણ રડી રહ્યા હતા ! એમણે યુવાના ખભે હાથ મુક્યો અને યુવા ધ્રુસકે અને ધ્રુસકે રડી પડી ! એને એની પાલક માતા ઈશિતા પણ યાદ આવી રહી હતી ! સંજોગો એવા ઉભા થયા હતા કે યુવાને પ્રોફેસરે ઇઝરાયેલ મોકલવી પડી હતી અને એ આટલા વર્ષો એના પિતા રબ્બી સાથે રહી પણ એને કોઈ ખબર પડી નહોતી ! અને લાવણ્યા, એની માતા, એની સામે ઉભેલી એની જ છબી ! એ આશ્ચર્યથી એને જોઈ રહી ! એને ખબર નહિ શું થયું હતું કે એ એની માતાને મારવા માંડી હતી ! એને કૈંક થઇ જતું હતુ, કોઈક એના પર હાવી થઇ જતું હતું ! ઝારા પણ એને વળગીને રડી રહી હતી ! જો ઝારા ના હોત તો એણે ભૂલથી લાવણ્યાને મારી જ નાખી હોત !

લગભગ અડધા કલાક પછી બધા સ્વસ્થ થયા ! લાવણ્યા યુવાને ભેટીને જ ઉભી હતી ! વર્ષો બાદ એ પોતાની પુત્રીને મળી હતી અને હવે એ એને ક્યાય જવા દેવા તૈયાર નહોતી ! એને ખબર પડી ગઈ હતી કે યુવામાં આટલી પ્રચંડ આસુરી તાકાત ક્યાંથી આવી હતી ! હા, એના પર પેલા સન્યાસીએ કીધેલા મુજબ આસુરી શક્તિ હાવી થઇ ગઈ હતી ! પણ હવે એ સ્વસ્થ હતી અને લાવણ્યાને વિશ્વાસ હતો કે એની સંગતમાં યુવા લગભગ સામાન્ય થઇ જશે. એ રબ્બી અને વખતની સાથે યુવાને લઈને ત્યાંથી દુર જવા માંગતી હતી. પણ અચાનક યુવાને સમરની યાદ આવી અને એણે લાવણ્યાને જણાવ્યું અને લાવણ્યા ચોંકી ગઈ ! એને યાદ આવ્યું કે કેવી રીતે એ વિશાળ આખલાએ સમરને ટક્કર મારી હતી અને એ ત્યાં નીચે ખીણમાં ગબડી પડ્યો હતો ! એ પછી એ બેભાન થઇ ગઈ હતી અને એના આદિવાસીઓ એને ઊંચકીને લઇ ગયા હતા !

“આજે હું મારા કુટુંબને મળીને ધન્ય થઇ ગઈ છું, પણ હજી એક કામ બાકી છે, મારે સમરને શોધવાનો છે અને એને લીધા વગર હું પાછી તમારી સાથે નહિ જાઉં.” યુવા મક્કમ સ્વરે બોલી. લાવણ્યાએ હસીને એના માથે હાથ ફેરવ્યો “બેટા, હું પણ તારી સાથે છું, તારી માતા માં અપાર શક્તિઓ છે અને મને ખબર છે કે મહાદેવ આપણને મદદ કરશે અને આપણે તારા સમરને લઈને જ અહીંથી જઈશું. એક કામ કરો, પ્રોફેસર, રબ્બી અને વીરાટ, તમે અહીંથી પાછા ફરી જાઓ, હું અને મારી પુત્રી આગળ જઈએ છીએ, વખત અને ઝારા અમારી સાથે રહેશે. અમે લોકો સમરને શોધીને આવી જઈશું.” વિરાટ આગળ આવ્યો “માતા, આપની વાત બરોબર છે પણ હું મારા ભાઈને શોધવા આવીશ જ.” પ્રોફેસર પણ આગળ આવ્યા અને એમણે રબ્બીનો હાથ પકડ્યો “અમે પણ આવીશું, જીવીશું સાથે અને જો મહાદેવ નહિ ઈચ્છે તો મરીશું પણ સાથે જ ! ચાલો બધા !”

અચાનક એક પ્રચંડ વાવાઝોડું આવ્યું અને ચારે કોર બરફનું તોફાન છવાઈ ગયું ! બધા હબકી ગયા. વખતે આંખો ચોળીને સામે જોયું તો એક બીજો પ્રચંડ વેગથી ધસી આવતો આખલો હતો અને એ અત્યંત વેગથી એમના તરફ આવી રહ્યો હતો ! “બધા દુર રહો, આજે હું આને નહિ છોડું !” વખતે બુમ પાડી અને એ આખલા તરફ દોડ્યો ! પણ આ નંદી હતો ! શિવજી નો પ્રિય, પ્રચંડ શક્તિનો માલિક ! એણે એક જોરદાર ઢીંક મારી અને વખત ઉડીને એક તરફ પડ્યો ! હવે લાવણ્યા સાબદી થઇ અને એ પણ આખલા તરફ જવા માંડી અને અચાનક ગુફામાંથી આવતો હોય એવો યુવાનો અવાજ આવ્યો ! “માં, તું રહેવા દે” બધા ચોંકીને યુવાને જોવા લાગ્યા ! યુવા ધીરે ધીરે આગળ વધી અને આખલા સામે આવીને ઉભી રહી ! નંદીને કૈંક બેચેની જેવું લાગ્યું ! સામે કોણ ઉભું છે ? કોઈ પ્રચંડ શક્તિનો ધોધ ! આ પણ મહાદેવની કૃપા પામેલ હોય એવું એને લાગ્યું ! એ વિસ્ફરીત થઇને એને જોઈજ રહ્યો ! અચાનક યુવાએ ત્રાડ પાડી અને એ આખલા તરફ આગળ વધી ! નંદી સાવધ થઇ ગયો અને યુવાને જોઈજ રહ્યો ! અચાનક એણે પેંતરો બદલ્યો અને એકદમ ઝડપથી આગળ આવીને યુવાને એક ઢીંક મારી દીધી ! યુવા લથડી પડી. એની નીલવર્ણ આંખોમાં હવે ભયાનક ગુસ્સો વ્યાપી ગયો ! પ્રોફેસર, ઝારા, રબ્બી, લાવણ્યા, વિરાટ અને વખત ફાટી આંખે જોતાજ રહ્યા. યુવાની આસપાસ બીજા દસ મસ્તકો ઉભરી રહ્યા હતા ! એ કોઈ આસુરા જેવી લાગતી હતી ! એ ધીરે ધીરે નંદી તરફ આગળ વધી. અચાનક પહાડો ડોલવા લાગ્યા. સૃષ્ટિ આ ભયાનક દ્રશ્ય જોઈ જ રહી ! યુવાએ એક ભયાનક ત્રાડ પાડી અને નંદીના શીંગડા પકડી લીધા અને એને એ પાછો ધકેલવા લાગી ! નંદીએ મહાદેવનું સ્મરણ કરીને પ્રચંડ જોર કર્યું પણ એ યુવાની શક્તિ આગળ લાચાર હતો ! યુવા એને પકડીને પાછળ અને પાછળ ધકેલી રહી હતી ! “મહાબલી રાવણ !” નંદીના મુખમાંથી શબ્દો સરી પડ્યા ! યુવાએ નંદીને એક ઝટકો દીધો અને નંદી એક તરફ ફેંકાઈ ગયો !

પહાડોમાં ખલબલી મચી ગઈ ! ગણો પણ આશ્ચર્યથી આ ભયાનક યુદ્ધ જોઈ રહ્યા હતા ! એમને ખબર નહોતી પડતી કે મહાબલી નંદીને પછાડવાવાળું વળી  કોણ હતું ! એ પણ કોઈ યુવતી ! દસ માથા વાળી !!! અચાનક પહાડ ધ્રુજવા લાગ્યો ! મહાદેવે આંખો ખોલી ! એમની આંખોમાં ક્રોધ હતો ! એમણે સળગતી આંખે નીચે જોયું અને એ ઉભા થઇ ગયા ! હવે જાણે કે ધરતીકંપ આવ્યો હોય એમ પહાડ  ધ્રુજવા લાગ્યો. ત્યાં ઉભા રહેવું પણ હવે મુશ્કેલ હતું. યુવાએ ફરીથી નંદીના શીંગડા પકડ્યા અને એને ઊંચકવા લાગી ! “દી, નહીઈઈઈઈ..., પ્લીઝ છોડી દે એને” ઝારાએ નીચે પડતા પડતા બુમ પાડી. અચાનક વિરાટ આગળ આવ્યો અને એ યુવા તરફ દોડ્યો. લાવણ્યાએ એક જોરથી ચીસ પાડી અને પહાડો પરથી બરફના મોટા મોટા ટુકડાઓ નીચે પાડવા લાગ્યા ! એ લોકો ઉભા હતા ત્યાંથી પહાડ ચીરાવા માંડ્યો અને એકદમ નીચેની તરફ ધસી પડવા લાગ્યો. વખતે બુમ પાડીને બધાને ત્યાંથી ભાગવાનું કહ્યું. બધા દોડીને થોડે દુર ગયા અને જોયું કે યુવા હજુ પણ નંદીના શીંગડા પકડીને ઉભી હતી, એના દસ મસ્તકોમાં એ પાછળથી ભયાનક લાગતી હતી ! વિરાટ એને પકડવા એની નજીક પહોંચી ગયો હતો અને અચાનક એક કડાકો થયો અને પહાડનો એ ભાગ નીચે ઊંડી ખીણમાં ગબડી પડ્યો ! બધા એક ચીસ પાડી ઉઠ્યા પણ મોડું થઇ ચુક્યું હતું ! યુવા અને વિરાટ નીચે ખીણમાં ગબડી પડ્યા હતા !

***

“મહાદેવ,,,,,” લાવણ્યાનાં આક્રંદથી પહાડો ડોલી ઉઠ્યા ! “મેં તમારું શું બગડ્યું હતું ? મારા પિતાજી છીનવી લીધા, મારી માતા છીનવી લીધી, મને મારા પતિ, ભાઈ અને પુત્રીથી અલગ કરી દીધા, આટલા વર્ષો પછી જયારે એ પાછી મળી તો તમે એને ફરીથી મારાથી છીનવી લીધી ? જવાબ આપો મહાદેવ....” લાવણ્યા ત્રાડ પાડીને બોલી રહી હતી. બધાની આંખોમાં આંસુ હતા ! દુર પહાડોની વચ્ચે મહાદેવ કરુણતાથી એને જોઈ રહ્યા હતા ! બાજુમાં નંદી હાંફતો હાંફતો ઉભો હતો ! મહાદેવે એક કરડી નજરે એની સામે જોયું અને એ નીચું જોઈ ગયો ! મહાદેવે આંખો બંધ કરી દીધી અને એ સમાધિમાં જતા રહ્યા !

લાવણ્યા અને બીજા બધા જ નીચે દોડ્યા, એ આશામાં કે કદાચ એમને ત્યાં યુવા અને વિરાટ મળી જાય.   

***

“આહ !” વિરાટ ઉભો થયો ! એના માથામાં સણકા ઉપડી રહ્યા હતા ! એને કઈ ખબર નહોતી પડતી કે શું થઇ ગયું ! એણે એની આંખો મીંચી અને યાદ આવ્યું કે યુવા એ વિશાળકાય આખલાના શીંગડા પકડીને એને પાછો ધકેલી રહી હતી અને અચાનક ધરતીકંપ થયો હોય એમ બધું ધ્રુજવા લાગ્યું હતું. એ યુવાને પકડવા દોડ્યો હતો પણ અચાનક એમની નીચેની ધરતી ખસી ગઈ હતી અને એ બંને ત્યાંથી નીચે ગબડી પડ્યા હતા. “દસ દસ માથા વાળી યુવા !!!, આહ ! આ બધું શું હતું !” વિરાટને યુવાનું સ્વરૂપ યાદ આવ્યું અને એને ધ્રુજારી થઇ ગઈ. લથડાતો લથડાતો ઉભો થયો અને આગળ વધ્યો. એણે જોયું તો એની ડાબી બાજુ બરફનો ઢગલો હતો અને એ  થોડો ઉપસેલો હતો. એ ઝડપથી ત્યાં ગયો અને એ એના હાથોથી બરફ હટાવવા માંડ્યો. થોડીવારમાં બરફમાંથી યુવાનો સુંદર ચહેરો બહાર આવ્યો ! એની આંખો બંધ હતી અને એ ધીમા ધીમા શ્વાસ લેતી હતી ! વિરાટે એને હલબલાવી પણ યુવામાં કોઈ  હલનચલન ના થઇ. વિરાટે હવે એના શરીર પરથી બધો જ બરફ હટાવી દીધો અને એ એની બાજુમાં બેસી પડ્યો અને એની છાતી પર હાથ મૂકીને એને જોરથી દબાવી. આવું એણે ત્રણ ચાર વાર કર્યું હશે કે અચાનક એક જોરથી ઉધરસ ખાઈને યુવાએ આંખો ખોલી. વિરાટના મુખ પર આનંદની લાગણી છવાઈ ગઈ. એણે એનો હાથ આગળ કર્યો અને યુવા એ પકડીને ઉભી થઇ ગઈ. બંનેએ એક બીજા સામે જોયું અને પછી ઉપર જોયું તો એ લોકો ખાસા નીચે આવી ગયા હતા. બરફના ઢગલાએ એમની રક્ષા કરી હતી પણ ઉપરથી સરકીને એ લોકો ખીણમાં પણ ખુબજ નીચે અને અંદરની તરફ ગબડી પડ્યા હતા. “વિરાટ, આપણે ઉપર જવું પડશે, બધા ત્યાં રાહ જોતા હશે !” યુવા બોલી. વિરાટે હકારમાં માથું હલાવ્યું અને એ એનો હાથ પકડીને આગળ ચાલવા લાગ્યો.

***

વૈકુંઠમાં બધા ઉભા હતા ! શ્રી વિષ્ણુ ઉભા થયા અને માથું જુકાવીને ઉભેલા રાવણ પાસે આવ્યા અને એના માથે હાથ મુક્યો અને મંદ મંદ હસ્યા. બાજુમાં પાર્વતીમાતા પણ ઉભા હતા. એમણે ચિંતિત નજરે એમની સામે જોયું અને શ્રી વિષ્ણુએ આંખો નમાવીને સ્મિત કર્યું.

***

યુવાએ કાન સરવા કર્યા. એને વાંસળીનો મધુર અવાજ સંભળાઈ રહ્યો હતો ! એણે આશ્ચર્યથી વિરાટ સામે જોયું ! વિરાટે પણ ખભા ઉલાળીને આશ્ચર્ય વ્યક્ત કર્યું ! બંનેએ આવો મધુર ધ્વની ઝીન્દગીમાં પણ એમણે સાંભળ્યો નહોતો ! બંને એકબીજાનો હાથ પકડીને આગળ વધ્યા. એમને પહાડની ઉપર જવા માટે આખું ચક્કર કાપીને જવું પડે એવું હતું અને એના  માટેનો માર્ગ શોધવો પડે એમ હતો. પહાડ એક બાજુથી નીચે ધસી પડ્યો હતો અને એમણે ઉપર જવા માટે નવો માર્ગ શોધવો પડે એમ હતો.

એ લોકો થોડુક આગળ ચાલ્યા હશે કે ઊંચા ઊંચા વ્રુક્ષોની હારમાળા ચાલુ થઇ ગઈ. વાંસળીની મધુર અવાજ હવે એમની આગળની દિશામાંથી જ આવી રહ્યો હતો. બંને લગભગ એકાદ કિલોમીટર આગળ ચાલ્યા હશે અને એમણે જોયું કે આગળ એક નાનકડી ટેકરી પર એક ઝુંપડી જેવું હતું. એ ઝુંપડીની બહાર એક સફેદ કલરની ગાય બાંધેલી હતી અને એના ગળામાં નાનકડી ઘંટડીઓની હારમાળા હતી. એ ગાય જ્યારે જ્યારે એનું માથું હલાવતી ત્યારે ત્યારે એ ઘંટડીઓ રણકી ઉઠતી અને મધુર અવાજ હવામાં ભળી જતો હતો. બંને ધીરેથી એ ગાયની પાસે આવ્યા. ગાયે નીચું જોઇને એને નીરેલું ઘાસ ખાવાનું ચાલુ રાખ્યું. વિરાટે અંદર ઝુંપડીમાં ડોકિયું કર્યું.

બંને અંદર ઝુકીને પ્રવેશ્યા. અંદર અંધારું હતું અને એક નાનકડા કુંડમાં અગ્નિ પ્રજ્જવલિત હતો. પાછળ એક લાંબી દાઢીવાળી વૃદ્ધ વ્યક્તિ માથા પર ભગવું કપડું પહેરીને પદ્માસનની મુદ્રામાં બેઠી હતી. એણે માથા પર એક સુંદર મોરપીંછ ખોસેલું હતું અને એ આંખો બંધ કરીને હોઠો પર વાંસળી મુકીને સુંદર ધૂન વગાડી રહ્યા હતા ! આટલી મધુર ધૂન વિરાટે અને યુવાએ ઝીન્દગીમાં પણ સાંભળી નહોતી. એ બંને એમની સામે હાથ જોડીને બેસી ગયા.

થોડીવાર થઇ એટલે એમણે આંખો ખોલી અને વાંસળી નીચે મુકી. એમની આંખોમાં અજીબ ચમક હતી અને કૈંક તોફાન પણ હતું !

“બોલો બાળકો, મારું શું કામ પડ્યું તમને ?” એમણે ઘેરા પહાડી અવાજમાં કહ્યું. એમના અવાજમાં એક મધુર રણકાર પણ હતો ! કાનોને ગમે એવો ! “બાબા, નમસ્કાર, હું વિરાટ છું અને આ મારી મિત્ર યુવા છે, અમે લોકો ભટકી ગયા છીએ અને અહી આ પહાડીની બીજી તરફ જવા માંગીએ છીએ. ભુ સ્ખલનમાં અમે નીચે ખીણમાં ગબડી પડ્યા હતા અને અમારા સાથીદારો અમારી બીજી તરફ ઉપર રાહ જોતા હશે. કૃપા કરીને અમને માર્ગ ચીંધો બાબા” વિરાટે હાથ જોડીને માથું નમાવીને અત્યંત માનપૂર્વક કહ્યું.

“માર્ગ ! હા હા હા, બધા માર્ગ જ શોધે છે અહી ! ક્યા જવું છે એ ખબર હોય છે પણ કેવી રીતે જવું એ કોઈને ખબર હોતી નથી ! મન ચંચળ છે, હૃદય વિશાળ છે, શરીર નક્કી નથી કરી શકતું કે કોનું માનવું, બધા જ કોઈને ને કોઈને શોધી રહ્યા હોય છે ! તમારે આગળ વધવું છે કે પાછળ ?!” એ સાધુએ એક નેણ ઉંચી કરીને તોફાની આંખો કરીને પૂછ્યું ! વિરાટે અચરજથી યુવા  સામે જોયું. “બાબા, આપ જ સમાધાન કરી આપો અમારા મન નું !” યુવા ઘૂંટણીયે પડીને હાથ જોડીને બોલી.

“સમાધાન ! હા હા હા ! બધા સમાધાન જ શોધે છે ! શું કોઈના ચંચળ મન ને સમાધાન મળ્યું છે આજ સુધી ? ઈચ્છા અને આસક્તિથી પર થઇને નિર્મળ મનથી જાતને કોઈ દિવસ ઢંઢોળી છે ? સમાધાન તો આપણી અંદર જ હોય છે બાળકો !” એમણે હસતા હસતા કહ્યું. યુવાએ સ્મિત કરતા કહ્યું “બાબા, ચંચળ મન તો હમેશા સમાધાન માંગે જ ! અને જ્યારે એ વિશાળ અને વિચલિત મન થાકી જાય ત્યારે આંખો બંધ કરીને ઈશ્વરને યાદ કરીએ તો શાતા વળે. આપની પાસે કૈંક માંગી શકીએ એટલું સામર્થ્યતો અમારી પાસે  નથી પણ જો આપ અમને યોગ્ય માર્ગ ચિંધશો તો અમે ધન્ય થઇ જઈશું !”

એ સાધુ ખડખડાટ હસી પડ્યો. “તું બહુ ચાલાક છે છોકરી, તારી નીલવર્ણ આંખોમાં હું ઉર્જાનો ધોધ જોઈ શકું છું ! તારી પ્રચંડ શક્તિ મને અભિભૂત કરી રહી છે ! તારી ઘૂઘવતા સમુદ્ર જેવી આંખોમાં છલકાતો પ્રેમ અને લાગણી, ઓ શક્તિઓના ભંડાર સમી મહાદેવના અંશ સમાન પ્રલયકારી આત્મા, બોલ શું હુકમ છે ?!” હું માત્ર બે જ માર્ગ સુચવીશ, એક આગળ જશે અને એક પાછળ જશે, તું સમજદાર છે, મારી વાતનો મર્મ સમજીને જવાબ આપજે”

યુવાએ એક ક્ષણ વિરાટ સામે જોયું અને કહ્યું “ગોવાળિયો જો એનું ધણ ખોવાઈ જાય તો એને શોધવા પહેલા જાય કે ઘરે રાહ જોતી માં પાસે પહેલા જાય ?!”

એ સાધુ એક ક્ષણ માટે વિચલિત થઇ ગયા ! એમણે આંખો બંધ કરી અને એમને કૈંક યાદ આવવા લાગ્યું ! વૃંદાવનની બપોરે ઝાડ નીચે વાંસળી વગાડતા, રાત્રે બધા સરખે સરખા ભેરુઓને ભેગા કરીને રાસ રમતા, ગાયો ચરાવતા, ગોપીઓને હેરાન કરતા, માખણ ચોરતા, મોડું થાય તો યશોદા માં ખીજાશે એની બીકમાં છુપાઈને ઘરમાં પ્રવેશ કરતા પણ પકડાઈ જતા, ખભે માથું મુકીને બેઠેલી રાધાને વાંસળીની મધુર ધૂન સંભળાવતા...એક વિષાદયુક્ત સ્મિત એ સાધુના મોઢા પર આવી ગયું. એ પ્રશંષાથી સામે બેઠેલી અને લગભગ એમને ઓળખી ગયેલી યુવતીને જોઈ રહ્યા ! એ મંદ મંદ એમની સામે સ્મિત કરી રહી હતી. સાધુએ એક ઊંડો શ્વાસ લીધો, મનોમન મહાદેવને પ્રણામ કર્યા અને બોલ્યા “જે ગોવાળિયો એના ધણનો નાં થાય એ ગોવાળિયો શાનો ? એ તો પહેલા એના ધણને જ શોધશે, પછી જ રાહ જોતી માં પાસે જશે. અહીંથી ઉત્તરમાં એક બર્ફીલું તળાવ આવશે અને એની બાજુમાં રહેલા પહાડમાં...તથાસ્તુ !” અટકીને સાધુએ આંખો બંધ કરી દીધી. યુવાની આંખોમાં ચમક આવી ગઈ. એ ઉભી થઇ અને એણે વિરાટનો હાથ પકડ્યો અને એ બંને એમને પ્રણામ કરીને ત્યાંથી નીકળી ગયા. યુવાએ બહાર આવીને ચારો ચરતી ગાયના ગળે હાથ ફેરવ્યો અને પ્રેમથી એના વાંસે ધબ્બો માર્યો. હવે એના મનમાં શાંતિ વ્યાપી ગઈ હતી અને એ ખુબ  ખુશ હતી. એણે વિરાટનો હાથ પકડીને ઝડપથી આગળ ડગલા ભર્યા.

ઝુંપડીમાં ઉદાસ થઇ ગયેલા સાધુએ યુવાને જતી જોઈ અને એક સ્મિત કર્યું ! એ એમને જતા જતા જૂની યાદો તાજી કરાવતી ગઈ હતી ! એક મધુર સ્મિત એમના ચહેરા પર આવી ગયું. એમણે પાછી વાંસળી કાઢી અને એક સુંદર મજાની ધૂન વગાડી જેનાથી એમના મનને શાતા વળે અને એ પાછા એ જ જૂની જગ્યાએ જતા રહે, વૃંદાવનના વનમાં, ગોપીઓ અને એમના ભેરુઓ ના સંગ માં, યમુના ના કિનારે એમની રાહ જોતી રાધાના આશ્લેષમાં !!!

***

“આ બધું શું હતું યુવા ? મને તો કઈ જ ખબર નાં પડી !” વિરાટે ચાલતા ચાલતા પૂછ્યું. યુવા હસી “બુધ્ધુ, એમનો મતલબ એ હતો કે પાછળ જવાનો માર્ગ એટલે આપણા સાથીઓ પાસે જવું અને આગળ જવાનો માર્ગ એટલે પણ આપણા સાથીઓ તરફ જવું !!!” વિરાટે માથું ખંજવાળ્યું અને એ ચીડથી યુવા તરફ જોઈ રહ્યો. યુવા એને જોઇને ખડખડાટ હસી પડી. “અરે મારા ભાઈ, આગળ કદાચ આપણને સમર મળી જશે, કે કદાચ એનું કોઈ પગેરું, શું ખબર તારા પિતાજીના પણ કોઈ સમાચાર મળે ! હવે સમજ્યો ?” વિરાટે અચરજથી હા પાડી અને બંને પાછા આગળ વધી ગયા. યુવાએ આગળ ચાલતા ચાલતા આકાશ તરફ જોયું અને મનોમન બોલી “હે મુરલીધારી, આપનો ખુબ ખુબ આભાર.”

***

બે દિવસથી બંને સતત ચાલી રહ્યા હતા ! ભૂખ અને થાકથી બંને બેહાલ થઇ ગયા હતા. હવે શરીર જવાબ આપી રહ્યું હતું ! વિરાટે યુવાની સામે જોયું તો એ પણ થાકી ગઈ હતી. હવે એમને આરામની જરૂર હતી. બંને ઉત્તર દિશામાં સતત આગળ વધી રહ્યા હતા. વિરાટને સમરે આકાશના તારાઓ જોઇને દિશા શોધવાનું શીખવ્યું હતું. પણ યુવા... “ઓહ શું છે આ યુવા ? કોણ છે એ ? મહાદેવ નો અંશ ? રાવણનો અંશ ? શું છે એની પ્રતિભા અને શું એની નિયતિ છે ? આ બધું શું થઇ રહ્યું છે મારી સાથે ?! બસ જલ્દીથી સમર મળી જાય તો સારું ! આ ચમત્કારિક છોકરી અજીબ છે ! આવું બધું થતું હશે ?!” વિચારી વિચારીને એનું માથું ફાટ ફાટ થતું હતું. અરે રાત્રે પણ સંપૂર્ણ અંધકારમાં એ એનો હાથ પકડીને સતત આગળ વધતી હતી ! જાણે કે એને આગળનું બધું જ દેખાતું હોય !

અચાનક એમણે જોયું કે આગળ એક સુંદર સ્ફટિક પાણી ધરાવતું તળાવ આવ્યું ! એમની આંખો આ સુંદર દ્રશ્યને જોઈને વિસ્ફરીત થઇ ઉઠી ! બંને આગળ વધ્યા અને જુકીને તળાવનું નિર્મળ જળ પીવા મંડ્યા. એમના આખા શરીરમાં શાતા ફરી વળી, તમામ ભૂખ અને તરસ જાણે કે ગાયબ થઇ ગયા હોય એવું લાગ્યું !

“ઓમ્મ્મ્મમ્મ્મ્મ...!!!” અચાનક એક ઘેરો અવાજ એમના કાને પડ્યો અને બંને ચમકી ઉઠ્યા ! બંનેએ આશ્ચર્યથી અવાજની દિશામાં જોયું તો એ સામે રહેલા એક પહાડમાં થી આવતો હતો. એ ધ્વનીનો રણકાર જાણેકે એમના કર્ણપટલને ધ્રુજાવી રહ્યો હતો અને એમને એમની તરફ ખેંચી રહ્યો હતો ! બંને આગળ વધ્યા અને જોયું તો એ બરફ આછાદ્દિત પહાડની નીચે એક નાનકડી ગુફા જેવું હતું અને એ અવાજ ત્યાંથી આવી રહ્યો હતો ! બંને એ અવાજની દિશામાં ચાલી નીકળ્યા. જેવાએ બંને ગુફાના પ્રવેશદ્વાર પાસે આવ્યા કે ઓમનો ધ્વની મોટો થઇ ગયો ! ગુફાના પ્રવેશદ્વાર પાસે વિચિત્ર એવા સફેદ અને ઘેરા કિરમજી રંગના ફૂલો ઉગી નીકળ્યા હતા !  એમણે ગુફામાં પ્રવેશ કર્યો. પ્રવેશદ્વાર લગભગ આઠ ફૂટ ઊંચું હતું અને અંદર વિચિત્ર અજવાળું પથરાયેલું હતું. જાણે કે કોઈ દિવ્ય પ્રકાશ રેલાતો હોય એવું લાગતું હતું !

એ બંને ધ્વનીની દિશામાં આગળ ચાલી નીકળ્યા અને અચાનક એ અવાજ ખુબજ મોટો થઇ ગયો અને ગુફામાં ગડગડાટી થઇ, જાણે કે મેઘ ગર્જના જેવો અવાજ ! એમણે જોયું કે હવે ગુફાનો રસ્તો ડાબી તરફ વળતો હતો અને ઓમનો અવાજ મંદ પડી ગયો હતો ! એ લોકો આગળ વધ્યા અને અચાનક એ રસ્તો પતી ગયો અને સામે એક વિશાળ કમરો આવી ગયો ! ત્યાં નીચે એક પાણીનો હોજ હતો અને એમાં કેટલાક શ્વેતધવલ હંસો તરી રહ્યા હતા. સામે એક વિશાળ ખડક પર બેઠક જેવું હતું અને એના પર દુરથી કોઈ આકૃતિ નજરે પડતી હતી ! ઓમ નો ઘેરો ધ્વની એ આકૃતિમાંથી આવતો હોય એવું લાગતું હતું. એ આકૃતિની આજુબાજુ એક તેજોમય કુંડાળું હતું અને એના પ્રકાશથી આખીય ગુફા પ્રકાશિત થતી હતી. બંને ફાટી આંખે આ અદભુત દ્રશ્ય જોઈ જ રહ્યા ! અચાનક વિરાટની આંખોમાંથી આંસુ નીકળવા  લાગ્યા, એ આકૃતિ એને એની પાસે ખેંચતી હોય એવું એને લાગવા લાગ્યું. પાણીના હોજની બાજુમાંથી જતી એક નાનકડી કેડી પર થઇને વિરાટ આગળ વધ્યો અને યુવા એની પાછળ પાછળ જવા લાગી. જેવો વિરાટ એ આકૃતિની પાસે પહોંચ્યો કે એક નાનકડા ધમાકા સાથે એ આકૃતિની આસપાસ રહેલું તેજોમય કુંડાળું ગાયબ થઇ ગયું. વિરાટે આંખો ખેંચીને જોયું તો એ આકૃતિની લાંબી લાંબી જટાઓ હતી અને એના વાળ વડલાની ડાળો જેવા હતા. એના કપાળ પર ભભૂત લગાવેલી હતી અને એની મોટી મોટી આંખો બંધ હતી !  એના ચહેરા પર અસંખ્ય કરચલીઓ પડી ગઈ હતી અને એ પદ્માસનની મુદ્રામાં બેઠી હતી. એના મુખમાંથી કે નાભિમાંથી અવિરત ઓમ નો ધ્વની વહી રહ્યો હતો ! વિરાટને એનો ચહેરો પરિચિત હોય એવું લાગ્યું ! અચાનક એ આકૃતિએ એની લાલ લાલ આંખો ખોલી અને એ વિરાટને અત્યંત પ્રેમથી તાકી જ રહી, જાણે કે વર્ષોથી એની જ પ્રતિક્ષા કરતી હોય ! ઓમનો ધ્વની હવે એમના કર્ણપટલમાં વધારે જોરથી પડઘાઈ રહ્યો હતો. વિરાટ જાણે કે  સંમોહિત થઇ ગયો હોય એમ એની પાસે ગયો અને જેવું એણે એ આકૃતિને સ્પર્શ કર્યો કે એક મોટો ધડાકો થયો અને એ અને યુવા બંને નીચે પડી ગયા ! ચારે તરફ રાખ છવાઈ ગઈ ! થોડીવાર પછી વિરાટે આંખો ખોલીને જોયું તો એ આકૃતિ ગાયબ થઇ ગઈ હતી ! એની જગ્યાએ રાખનો  ઢગલો નીચે પડ્યો હતો ! વિરાટ આગળ આવ્યો અને એ રાખને એણે માથા પર લગાવી દીધી ! “પિતાજી !!!” એ નીચે બેસી પડ્યો અને એનું આક્રંદ આખી ગુફામાં ગુંજી ઉઠ્યું !!!

***

ભાગ-૨૧ સમાપ્ત

***

Rate & Review

Viral 2 months ago

Golu Patel 4 months ago

Tejas Patel 4 months ago

Sanjay Bodar 4 months ago

Avani Patel 4 months ago