GEBI GIRNAR - RAHASYAMAY STORY books and stories free download online pdf in Gujarati

ગેબી ગીરનાર - એક રહસ્ય

* પ્રસ્તાવના

    મિત્રો માતૃભારતી  પર આ મારી પ્રથમ સ્ટોરી છે. જેની મોટાભાગની ઘટનાઓ સત્ય હકીકત પર આધારિત છે. ઘણી વખત જીવનમાં એવી ઘટનાઓ બને છે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય એ વખતે શું કરવું કે શું ન કરવું એનો ખ્યાલ રહેતો નથી. બસ આપણે મુક બનીને અને નિ:સહાય બનીને માત્ર ફાટી આંખે જોતા રહેવું પડે છે. અને ત્યારે આપણો આધાર માત્ર એક ઉપરવાળો જ હોય છે. કંઈક આવીજ ઘટના કહો કે ઘટનાઓ બની હતી અમારા જીવનમાં જેના પર વિશ્વાસ કરવો એ આ સમયમાં નર્યું ગાંડપણ ગણાય. પરંતુ કોઈએ ખરું જ કહ્યું છે કે ઠેસ વાગે પછી જ અનુભવ થાય.

આ આખી ઘટના જૂનાગઢના ગીરનાર પર્વત પર આધારિત છે. એ જ ગીરનાર કે જે સદીઓથી પોતાની અંદર અકલ્પનીય અને અગણિત રહસ્યો સંઘરીને બેઠો છે. રમણીય અને દર્શનીય લાગતો ગીરનાર ક્યારે ભયાવહ બની જાય તેનો કોઈને સપને પણ ખ્યાલ રહેતો નથી. મોટાભાગની ઘટનાઓ ને રોમાંચક બનાવવા શબ્દો અને કલ્પનાઓનો સહારો લેવામાં આવ્યો છે.

હું અને મારા છ મિત્રો રજા દરમિયાન ગીરનાર ચડવા જવાનો પ્લાન બનાવીએ છીએ, અને તે દરમિયાન ગીરનાર માં ખોવાઈ જઈએ છે ત્યારે અમારી સાથે જે અજીબોગરીબ ઘટનાઓ બને છે જે જીવનમાં ક્યારેય પણ ભૂલાતો નથી. જે અહીં આપ સૌ વાંચકો સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.

લી. વિક્રમ સોલંકી 'જનાબ'


* ગેબી ગીરનાર - એક રહસ્ય 

૨૦૧૪ના ડીસેમ્બર મહીનાની વાત છે. એ સમયે હું બગસરા -ઘેડ કે જે મારા ગામથી ૫ કી.મી.ના અંતરે આવેલું છે ત્યાં પ્રાઈવેટ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષક તરીકે જોબ કરતો હતો. સેલેરી તો ના બરાબર હતી પરંતુ ગવર્નમેન્ટ જોબની તૈયારીના ભાગરૂપે હું તેમાં જોડાયો હતો અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ખંતથી અભ્યાસ કાર્ય કરાવતો હતો.

એ દિવસે હું સ્કૂલમાં હતો ત્યારે મનોજભાઈ નો કોલ આવ્યો. મનોજભાઈ કે જે મારી ફઈના ભાણેજ થાય અને પોરબંદર તેમનો પરિવાર રહે છે, પરંતુ તેઓ રાજકોટ સ્પોર્ટ્સ ટીચરની જોબ કરે છે.

મનોજભાઈનો કોલ આવતા મેં બહાર આવીને રીસીવ કર્યો, " હેલ્લો જનાબ, કેમ છો? શું ચાલે છે?" મેં જવાબ આપ્યો, " બસ મનોજભાઈ મજામાં હો, સ્કૂલમાં છું, તમે ક્યો..આમ અચાનક અમને યાદ કરવાનું કારણ?? ક્યાંક અચાનક લગ્ન કરવાનો વિચારતો નથી ને..??"

 મનોજભાઈ એ હસીને કહ્યું, " ના, ભાઈ એવું કંઈ જ નથી, પણ આ તો હમણાં નાતાલ આવે છે ને રજા પણ છે તો બધા ક્યાંક ફરવા જવાનો પ્લાન કરીએ છીએ. અને તારે પણ ખાસ આવવાનું છે, દર વખતે તું કામ અને સ્કૂલ નું બહાનું કાઢીને છટકી જાય છે.." 

મેં કહ્યું, " એ વાત સાચી હો, ભાઈ! પણ શું કરું સંજોગો જ કંઈક એવા હોય તો ! પણ હા, તમે ગોઠવો આ વખતે હું સો ટકા આવીશ.. સરને કહીને રજાનું કંઈક ગોઠવી નાખીશ.." 

મનોજભાઈ એ કહ્યું, " વાહ, જનાબ! તો તૈયાર રહેજે! લગભગ ગીરનાર ચડવા જવાનો પ્લાન કરીશું, ઠંડીનું વાતાવરણ પણ છે તો ત્યાં ફરવાની મોજ આવશે.."
મેં કહ્યું, " ભલે, તો ત્યાં નું જ ગોઠવજો...અને આમ બીજી થોડી આડીઅવળી વાતો કરીને મનોજભાઈ એ કોલ કટ કર્યો અને પછી હું મારા સ્કૂલ કાર્યમાં ખોવાઈ ગયો..

પછીના દિવસે હું રૂટીન મુજબ સ્કૂલમાં હતો. બાળકોને એક ટોપીક ભણાવીને તેમાંથી થોડું કાર્ય આપ્યું હતું , અને હું આગળના ટોપીકને પુસ્તકમાં જોઈ રહ્યો હતો, એટલામાં મોબાઇલ જે વાઈબ્રેશન પર હતો તે ધ્રુજી ઉઠ્યો.

મોબાઈલ કાઢીને જોયું તો આશીષભાઈનો કોલ હતો. મેં તરત જ બહાર આવીને રીસીવ કર્યો. અમુક વ્યક્તિના કોલ ક્યારેક જ આવતા હોય છે એટલે હા કે ના થી જવાબ ન આપી શકાય, થોડી વીગતવાર વાત કરવી જ પડતી હોય છે..

આશીષભાઈ જે મનોજભાઈના નાના ભાઈ છે અને તેઓ ભરૂચ જિલ્લામાં સરકારી સ્કૂલમાં પ્રાથમિક શિક્ષક તરીકેની ફરજ બજાવે છે, અને તેમની સાથે 

સામે છેડેથી આશિષભાઈ નો મધુર અને રણકતો અવાજ હંમેશની જેમ આવ્યો, " હેલ્લો વિક્રમ! કેમ છો મજામાં?? સ્કૂલમાં છો કે??" એકી સાથે ઘણાં પ્રશ્નો પૂછી નાખતાં આશીષભાઈએ કહ્યું. 

મેં રીપ્લાય આપ્યો, " હા.. મજામાં પણ તમારી સરકારી સ્કૂલ જેવી મજા અમારે ના હોય ને!! અત્યારે સ્કૂલમાં જ છું..બોલો,

આશિષભાઈ એ કહ્યું, " એક મિનિટ વિક્રમ, કલ્પેશ અને ભાવેશ પણ કોન્ફરન્સમાં છે વાત કર..

કલ્પેશ મનોજભાઈથી નાનો અને આશિષથી મોટો ભાઈ છે જે પોરબંદરમાં જ સરકારી સ્કૂલમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરે છે. અને ભાવેશ મારા ફોઈનો છોકરો થાય..

અમે કોન્ફરન્સમાં વાતો કરી, કલ્પેશભાઈ અને ભાવેશે કીધું કે ગીરનાર જવાનું આયોજન છે અને ૨૪ ડીસેમ્બરે રાતે બધાએ બાંટવા મારા ફોઈના ઘરે એટલે કે મનોજભાઈ ના ઘરે રોકાવાનું છે અને ત્યાંથી સવારે ૪ વાગ્યે જૂનાગઢ નીકળવાનું છે...

અમે બધાએ બીજી થોડી આડીઅવળી વાતો કરીને કોલ કટ કર્યો. બે જ દિવસની વાર હોવાથી મેં પણ અમારા પ્રીન્સીપાલને વાત કરી ને ૨૬ તારીખની રાજાનું કહી દીધું, આમ પણ ૨૫ ડીસેમ્બર ના તો જાહેર રજા હોય જ છે. 

૨૪ ડીસેમ્બરે બધા બપોરે ભાવેશના ઘરે પહોંચી ગયા છે એની જાણ મને કોલ કરીને આશિષભાઈ એ આપી. બપોરે નાહી - ધોઈને મેં પણ થોડો ઘણો સામાન થેલામાં ભર્યો, ખાસ તો છાલ અને હંમેશ મુજબ એક બેટરી અને બાકસ (દીવાસળીની નાની પેટી) થેલામાં નાખી લીધાં. જરૂર પડ્યે આવી વસ્તુઓ ખૂબ કામ આવે છે.

ઘરે બધાને ત્રીજા દિવસે આવવાનું કહીને બસનો સમય થતાં હું બસ સ્ટેન્ડ જવા નીકળ્યો. હજુ તો ઓસરી વટાવીને જેવો બહાર નીકળ્યો કે એક કાળી મોટી બીલાડી અચાનક મારા પગ આગળથી ઘુઘવાટા કરતી ઝડપથી પસાર થઈ. ઓચિંતી આવી બિલાડી અત્યારે રસ્તામાં આવતા મારૂં હ્રદય એક થડકારો ચૂકી ગયું. મારા શ્વાસો શ્વાસની ગતિ તેજ થઈ ગઈ. ઘણાં બધા વિચારો મનમાં આવી ગયા. 

મેં અંદર જઈને પાણી પીધું ને ત્યારબાદ બધા વિચારો ને ખંખેરીને ફરી પાછા બસ સ્ટેન્ડ જવા ડગ માંડ્યા. એક શિક્ષક તરીકે આવી ખોટી માન્યતાઓ મને ન શોભે એવો નિર્ધાર કર્યો, પરંતુ અંદરખાને તો હું આ બધામાં માનતો હતો...

શું આ કોઈ મારો વહેમ હતો કે કોઈ અગમચેતીના ભાગરૂપે હતું?? બીજા મિત્રોને પણ આવો અનુભવ થયો હશે?? ગીરનારમાં અમારી સાથે શું બનવાનું હતું?? 

વાંચો હવે પછીના ભાગમાં...
                                                                         

મિત્રો આ રહસ્યમય અને રોમાંચક સ્ટોરીની માત્ર શરુઆત હોવાથી તમને બહુ મજા નહીં આવે પરંતુ જેમ - જેમ સ્ટોરી આગળ વધશે અને નવા રહસ્યો સામે આવશે ત્યારે આ સ્ટોરી એક નવો જ વળાંક લેશે. અને સૌને એક નવી જ દૂનિયાનો અનૂભવ કરાવશે...માતૃભારતી પર મારી આ પ્રથમ સ્ટોરી હોવાથી વધુ રેટીગ આપીને મારા લેખનમાં ઉત્સાહ વધારવા વિનંતી છે..તમે મને મેસેજ થકી પણ સૂચનો મોકલી શકો છો... 

- વિક્રમ સોલંકી 'જનાબ' 
Share

NEW REALESED