આત્માના અંતિમ સંસ્કાર ! – ૨૩-અંતિમ ભાગ !

 

બે હજાર વર્ષ પહેલાના પ્રાચીન ચીન માં !

“ખબરદાર જો હવે કોઈ ચાલાકી કરી છે તો ! કાલે સવારે વહેલા તું અમને એ શક્તિ પાસે દોરી જજે અને હું આગળ નું બધું સંભાળી લઈશ, જો નહિ માને તો હું મી અને ચાંગને જીવતા સળગાવી દઈશ, સમજ્યો ? મારે આ શક્તિ કોઈપણ ભોગે  જોઈએ જ છે !” સમ્રાટ હુંગે સુંગ યુન તરફ બરાડો પાડતા કહ્યું. બેડીઓમાં જકડાયેલા સુંગ યુને માથું ધુણાવ્યું.

***

સવાર પડી ગઈ હતી ! સરોવરના સ્ફટિક જળમાં પાણી પીતા અને માછલા પકડતા પક્ષીઓની ચહલ પહલ વધી ગઈ હતી. ચારે તરફ હજુ થોડું અંધારું હતું ! સુસવાટા મારતો પવન ચારેકોર છવાઈ ગયો હતો. સુંગ યુન, મી અને ચાંગ આગળ વધ્યા અને પાછળ પાછળ હુંગ અને તેની સેના ! હુંગ સાવધાન થઇ ગયો હતો અને એણે મિંગને કહી રાખ્યું હતું કે ચરોકોર નજર રાખે અને કઈ પણ અજુગતું લાગે તો તરત એને જાણ કરે. એને સુંગ યુન પર કોઈ ભરોસો નહોતો.

સુંગ યુન પહાડની ડાબી તરફ જતી કેડી પર સેનાને લઇને આવ્યો. બરફનો ઢગલો ત્યાં  જામેલો હતો અને એમાં નીચે આખલાની ખરીના નિશાનો હતા ! સમગ્ર જગ્યામાં અજીબ પ્રકારની શાંતિ વ્યાપેલી હતી. અચાનક બરફની ધૂળ ઉડી અને એમાંથી લી ની કિરમજી રંગના વસ્ત્રો પહેરેલી આકૃતિ પ્રગટ થઇ ! એની આંખોમાં રોષ હતો.

“પાછા ફરી જાવ સમ્રાટ, મહાન ચીની સંસ્કૃતિની રક્ષા કરો, અહી થી પાછા ફરી જાવ, નહીતો તમારું અહી જ પતન થઇ જશે, મારી ચેતવણી અવગણશો નહિ.” એણે કરડા શબ્દોમાં હુંગને ચેતવણી આપી. હુંગ આભો બનીને લી ને જોઈ જ રહ્યો ! પહેલાતો એ એને ઓળખી જ ના શક્યો. પછી એ ખડખડાટ હસી પડ્યો. “શક્તિ કોઈ ની માલિકી ની નથી હોતી, લી, મારે એની જરૂર છે, મહાન ચીની સામ્રાજ્યની રક્ષા કરવા અને દુશ્મનોને ખાળવા માટે, મને રોકીશ નહિ, મને ત્યાં સુધી લઇ જા લી, હું તને માલામાલ કરી દઈશ” જવાબમાં લી હસ્યો. “મને તમે શું માલામાલ કરશો સમ્રાટ, હું તો અહી આવીને ધન્ય થઇ ગયો છું, સુંગ યુન, મી અને કાકાને છોડી દો અને પાછા ફરી જાવ, હું હજુ પણ તમને વિનંતી કરું છું !” હુંગે સૂચક રીતે મિંગ તરફ જોયું અને મિંગે તલવાર ખેંચી કાઢી અને એ લી તરફ દોડ્યો. જેવો એણે લી પર પ્રહાર કર્યો કે લી એ એના હાથમાં રહેલો લાકડાનો દંડ ઉંચો કરીને એ પ્રહારને ખાળ્યો. મિંગ નીચે પડી ગયો. અચાનક એ બરફનો પહાડ ધ્રુજવા લાગ્યો અને એમાંથી બરફના મોટા મોટા ગાંગડા નીચે પાડવા લાગ્યા. સમ્રાટની સેના અસ્તવ્યસ્ત થઇ ગઈ. એ લોકો પ્રશિક્ષિત હતા પણ કુદરતી કહેર સામે કેવી રીતે લડવું ?! એમનો સેનાપતિ પણ નીચે પડ્યો હતો. મિંગે ફરીથી એક મોટી ત્રાડ પડી અને તલવાર લી ઉપર ઉગામી. લી એ નીચું નમીને એનો પ્રહાર ખાળ્યો અને ફરીથી એને ચેતવણી આપી. મિંગ ફરીથી એને મારવા દોડ્યો અને આ વખતે લી એ એનો લાકડાનો દંડ ઉંચો કર્યો અને એક ભરપુર પ્રહાર મિંગ ના માથા પર કર્યો ! બધા ફાટી આંખે જોઈ જ રહ્યા. એક બોદો અવાજ આવ્યો અને મિંગની આંખો ફાટીને બહાર લટકી પડી. એના માથામાં ઊંડે સુધી એ દંડ ઘુસી ગયો હતો અને એના માથાના બે ફાડિયા થઇ ગયા હતા ! એમાંથી લોહીનો ફુવારો નીકળી રહ્યો હતો, મિંગ એક મોટું ડચકુ ખાઈને નીચે પડી ગયો. એનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું ! આ જોઇને સેનામાં ભય વ્યાપી ગયો. બધે નાસભાગ થવા લાગી. પહાડોમાંથી નીચે ગબડી રહેલા મોટા મોટા ટુકડાઓમાં કેટલાય સૈનિકો દફન થઇ ગયા. બાકીના ત્યાંથી ભાગી નીકળ્યા. મી એ ચાંગનો હાથ પકડ્યો અને એ અને સુંગ યાન ત્યાંથી ભાગ્યા પણ અચાનક જ હુંગ વચ્ચે આવી ગયો અને એણે એની તલવાર મી ના ગળા પર રાખી દીધી અને લી ને બુમ પાડી “બસ, બહુ થયું હવે તારું નાટક, ચલ મને એ શક્તિ પાસે લઇ જા નહિ તો હું આનું ગળું કાપી નાખીશ”. લી ઉભો રહી ગયો અને એણે લાચારીથી મી સાથે જોયું. મી બરોબર હુંગના સકંજામાં સપડાઈ ગઈ હતી. “પાછા ફરી જાવ સમ્રાટ, હજુ કહું છું, મહાન ચીની સંસ્કૃતિનું માન રાખો, મારી વાત માનો” એણે ફરીથી હુંગને વિનંતી કરી પણ હુંગ ખડખડાટ હસ્યો. એક નિસાસો નાખીને લી પાછળ આવેલા મંદિર તરફ આગળ વધ્યો અને એની પાછળ પાછળ મી ના ગળે તલવાર રાખીને હુંગ ગયો. સુંગ યાન અને ચાંગ પણ એની પાછળ ચાલી નીકળ્યા.

ત્યાં એક મુખ્ય દરવાજાને જેવો એમણે વટાવ્યો કે વચ્ચે વિશાળ  આખલાની મૂર્તિ આવી. એની સામે ઉપર એક ભયાનક આંખ હતી જે અંગારા વરસાવતી હતી. ચાંગે અને સુંગ યુને હાથ જોડી દીધા. લી એ એનો દંડ ઉંચો કર્યો અને એ વિશાળ આંખ બંધ થઇ ગઈ અને એ દરવાજો ખુલી ગયો. “ખબરદાર જો કોઈ ચાલાકી કરી છે તો ! હું આનું ગળું કાપી નાખીશ, ચલ આગળ વધ અને અમને ત્યાં એ શક્તિ પાસે લઇ જા” હુંગે બુમ પાડી. લી આગળ વધ્યો. બીજા મોટા કમરામાં અસંખ્ય સાંપ હતા, હુંગ ગભરાઈ ગયો અને એણે મી ઉપર એની પકડ સખ્ત કરી “આ ને હટાવ, જલ્દી કર” લી એ એનો દંડ ફરીથી ઉંચો કર્યો અને એ સાંપોએ માર્ગ આપી દીધો. એ કમરા પછી આગળ એક મોટો બીજો કમરો હતો અને ત્યાં એક વિશાળ અને અદભુત શિવલિંગ હતું. એની બાજુમાં એક મોટું ત્રિશુલ મુકેલું હતું. એમાંથી દિવ્ય પ્રકાશ આવી રહ્યો હતો ! લી એ કમરાની એક બાજુમાં ઉભો રહી ગયો. આટલું ભવ્ય દ્રશ્ય જોઇને સુંગ યુન અને ચાંગ નીચે પડી ગયા અને આ મહાન શક્તિને પ્રણામ કરી રહ્યા. હુંગ ફાટી આંખે સામેના વિશાળ અને ભવ્ય શિવલિંગને જોઈજ રહ્યો. તો એ વાત સાચી નીકળી ! બાજુમાં રહેલા ત્રિશુલને જોતા એણે વિચાર્યું. આ જ શક્તિ છે જે અમોધ છે ! એણે હળવેકથી મી ના ગળા પર તલવાર ફેરવી દીધી અને એ આગળ વધ્યો ! મી ના ગળે એક લાંબો ચીરો પડી ગયો અને એમાંથી લોહીની ફુવારો છૂટ્યો ! એ નીચે પડી ગઈ ! સુંગ યુન એક ચીસ પાડીને એની તરફ દોડ્યો. લી અનિમેષ નયને આ બધું જ જોઈ રહ્યો હતો. હુંગ જાણે કે સંમોહિત થઇ ગયો હોય એમ ત્રિશુલ તરફ આગળ વધ્યો અને એણે તલવાર નીચે મૂકી દીધી અને ત્રિશુલ તરફ હાથ લંબાવ્યો. અચાનક વાદળો ગરજી ઉઠ્યા અને વીજળી ચમકારા લેવા લાગી. જાણે કે ધરતીકંપ આવ્યો હોય એમ આખું મંદિર ડોલવા લાગ્યું ! જેવા હુંગે ત્રિશુલને સ્પર્શ કર્યો કે એ ત્રિશુલ માંથી નીકળતો દિવ્ય પ્રકાશ બંધ થઇ ગયો. હુંગે એ ત્રિશુલને ઉપાડવાની કોશિશ કરી પણ એ હલ્યું પણ નહિ ! અથાગ પ્રયત્નો પછી એણે એની તલવાર ઉઠાવી અને એ જોર જોરથી ત્રિશુલને મારવા લાગ્યો ! ખડિંગ ખડિંગ...કમરામાં અવાજો ગુંજી ઉઠ્યા પણ ત્રિશુલને કઈ થયું નહિ ! હુંગ ગુસ્સામાં પાગલ થઇ ગયો અને હવે એ ત્રિશુલને લાતો મારવા લાગ્યો ! અચાનક એક ભયાનક ગડગડાટ સાથે એ ત્રિશુલ હવામાં ઊંચકાયું અને હુંગના માથા પર ઝળુંબી રહ્યું ! હુંગ ફાટી આંખે જોઈ જ રહ્યો. એ ત્રિશુલ ભયાનક ગતિથી નીચે આવ્યું અને પ્રાચીન ચીનના સમ્રાટના માથામાં થઇ ને નીચે સુધી ઉતરી ગયું ! હુંગનું આખું શરીર એક વાર ધ્રુજ્યું અને એના બે ફાડિયા થઇ ગયા અને બંને અલગ અલગ  દિશામાં પડી ગયા ! ત્રિશુલ પાછું ઊંચકાયું અને એની જગ્યાએ જઈને ખોડાઈ ગયું. આ ભયાવહ દ્રશ્ય  જોઇને ચાંગે એની આંખો બંધ કરી દીધી ! એમના સમ્રાટ, જીદ્દી હુંગનું મૃત્યુ થયું હતું ! એને અત્યંત દુખ પણ થયું ! એણે નાનપણથી હુંગને ઉછેર્યો હતો અને એનું આવું પતન જોઇને એની આંખોમાં આંસુ આવી ગયા. અચાનક એનું ધ્યાન નીચે સુંગ યુનના ખોળામાં પડેલી મી તરફ ગયું ! મી છેલ્લા શ્વાસ લઇ રહી હતી ! એની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. સુંગ યુન પણ એને ખોળામાં લઈને રડી રહ્યો હતો. ચાંગ ધીરેથી એની પાસે ગયો. મી છેલ્લા ડચકા ખાઈ રહી હતી. ચાંગે પ્રેમથી એના માથા પર હાથ ફેરવ્યો. મી એ એની આંગળી ઉંચી કરી અને ખુણામાં ઉભેલા લી તરફ કરી. ચાંગે વિનંતીભરી આંખે લી તરફ જોયું. લી ની આંખો ઉદાસ હતી અને એના મુખ પર ગ્લાની હતો. એ ધીરેથી આગળ વધ્યો અને મી પાસે બેસી પડ્યો. “લી...મારા વ્હાલા...મારો શ્વાસ પણ તું છે...મારો...પ્રેમ...પણ તું છે...મને માફ કરજે વ્હાલા...હું તને સમજી ના શકી...હું શું કરું પણ...હું તને ખુબ જ પ્રેમ...કરું...છું...” મી ડચકા ખાતા ખાતા બોલી રહી હતી. એના મુખ માંથી લોહી બહાર નીકળી રહ્યું હતું ! લી એ એના સુંદર ચહેરાને એના હાથોમાં લીધો અને એના કપડાથી એનું મુખ સાફ કર્યું. એ અઢળક પ્રેમભરી આંખે એની પ્રેયસીને જોઈ રહ્યો. કદાચ છેલ્લી વાર ! એણે એના માથા પર હાથ મુક્યો અને આંખો બંધ કરીને કૈંક મંત્રોચ્ચાર બોલ્યો. મી નું શરીર સહેજ ધ્રુજ્યું અને પછી શાંત થઇ ગયું. લી એ હાથ લાંબો કરીને મી ની ખુલ્લી રહી ગયેલી સુંદર આંખો કે જેમાં એને એનું જ પ્રતિબિંબ દેખાતું હતું એ બંધ કરી દીધી. અચાનક એણે મી ને ઊંચકી લીધી અને એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

***

“પાછા ફરી જાવ કાકા, સુંગ યુન, મારા ભાઈ, મહારાણી આ દુષ્ટના કેદમાં છે, એને કાયમ નશાની હાલતમાં રાખવામાં આવે છે, એને બચાવો, એમાંથી બહાર કાઢો, સુંગ યુન, કાકા સાથે મળીને તું આપણા મહાન દેશને બચાવ, અડધું ચીન નશામાં ગરકાવ થઇ ગયું છે ! સંગઠિત થાવ, સેના બનાવો, પ્રશિક્ષિત થાવ અને દુશ્મનોનો સફાયો કરો, એ જ ખરી શક્તિ છે, દેશને નશા મુક્ત કરો અને ફરીથી આપણી ભવ્ય સંસ્કૃતિની સ્થાપના કરો. આ દુષ્ટ રાજા સાથે જે થયું છે એનું વિવરણ પણ તું લખજે મારા ભાઈ જેથી કરીને આવનારી પેઢીઓ એને વાંચે અને એમાંથી બોધ લે અને લાલચ અને અહંકારના માર્યા શક્તિ પ્રાપ્ત કરવા અહી દોડ્યા ના આવે. હું અહી જ રહીશ અને પ્રતિક્ષા કરીશ, જ્યાં સુધી કોઈ બીજું યોગ્ય આવીને મને મુક્ત નાં કરે. અહી આવતા ભટકેલા મુસાફરોને હું રાહ પણ દેખાડીશ. જાઓ તમે લોકો હવે, મને માફ કરજો હું સંસારિક જવાબદારી ના નિભાવી શક્યો. સુંગ યુન, મારા ભાઈ, મહેરબાની કરીને કાકીને આ વાત ના કરીશ, ભલે એ મારી પ્રતિક્ષા કરતા રહે ! તું લી બનીને જજે અને એમને મળજે. કાકા તમે તમારું ધ્યાન રાખજો અને સુંગ યુનને એના પવિત્ર કાર્યોમાં મદદ કરજો.” લી એ સજળ નેત્રોએ કહ્યું.

મંદિરની બહાર એક ખુણામાં બરફમાં ખાડો કરીને મી ને સુવડાવવામાં આવી હતી. સુંગ યુને અને ચાંગે એક છેલ્લી વાર એની સામે જોયું અને એ લોકો ત્યાંથી આગળ વધી ગયા. લી એ જુકીને મી ને એક છેલ્લું ચુંબન કર્યું. એના મુખ પર સ્મિત હતું અને અંતરમાં શાંતિ. એણે ખાડો બુરી દીધો અને એના પર એનું કિરમજી રંગનું પહેરણ ઢાંકી દીધું. “આનાથી તને ઠંડી નહિ લાગે, મારી વ્હાલી” લી બબડ્યો અને ઉભો થઇ ને અંદર મંદિરમાં જતો રહ્યો.

પહાડના વળાંક પાસે અસંખ્ય લાશો પડેલી હતી, હુંગના સૈનિકોની. સુંગ યુને અને ચાંગે કરુણતાથી એ લાશો સામે જોયું અને છેલ્લી વાર ઉંધા ફરીને એ ભવ્ય મંદિર સામે જોયું. એના ગુંબજ પર વિશાળ લાલ ધજા ફરકતી હતી કે જેમાં ત્રિશુલ દોરેલું હતું. મંદિરના મુખ્ય દરવાજે લી ઉભો હતો હાથમાં દંડ લઈને. ચાંગે અને સુંગ યુને છેલ્લી વાર એને હાથ હલાવ્યો અને ત્યાંથી એ લોકો વળતી યાત્રા કરવા નીકળી ગયા.

***

સાંજ ઢળી ગઈ હતી. સુંગ યુન અને ચાંગ પાલખીમાંથી નીચે ઉતર્યા અને ઈશારો કરીને સાથે આવેલા સૈનિકોને ત્યાજ બહાર ઉભા રહેવાનું કહ્યું. સુંગ યુને એના લાંબા વાળને ચોટલી કરીને બાંધ્યા હતા અને એણે પાતળી મૂછો અને દાઢી પણ ઉગાડી હતી. એ હવે બિલકુલ લી જેવો લાગતો હતો. એણે ઘરની બહાર પડેલી લાકડા કાપવાની કુહાડી હાથમાં લીધી અને ચાંગ સામે જોયું. ચાંગે એનો ખભો થપથપાવ્યો અને હિંમત આપી. બંને જણા વરંડો ઓળંગીને આગળ વધ્યા. “કોણ”? એક વૃદ્ધ અને અશક્ત અવાજ બંનેના કાને પડ્યો. બંને આગળ વધ્યા, એક કમરામાં દીવાના પ્રકાશમાં એક દુબળી પાતળી જીર્ણ થયેલી વૃદ્ધ અને અશક્ત આકૃતિ સુતી હતી. “કાકી” સુંગ યુન બોલ્યો “કાકી, હું આવી ગયો, તમારો લી આવી ગયો કાકી”  “લી, મારા દીકરા તું આવી ગયો લી...” એ અસ્પષ્ટ અવાજે બોલી. સુંગ યુને એના કપાળ પર હાથ મુક્યો, એ ગરમ હતું, એ તાવમાં ધખધખતી હતી. “હા, માં હું આવી ગયો, માં, હવે તને છોડીને ક્યાય નહિ જાવ માં” સુંગ યુનની આંખોમાં આંસુ આવી ગયા. “તે મને માં કહી બેટા ? માં ? મારા દીકરા, મને ખબરજ હતી કે તું આવીશ એક દિવસ પાછો, ચલ હવે જલ્દી થી હાથ મોઢું ધોઈ લે એટલે હું તને જમાડી દઉં બેટા, પછી આપણે બધા સુંગ યુન  અને મી આવી જાય એટલે ક્યાંક દૂર પહાડો માં રહેવા જતા રહીશું બેટા.” વૃદ્ધા બબડતી રહી, સુંગ યુન એના માથા પાસે બેસી રહ્યો અને એના ધગધગતા કપાળ પર હાથ ફેરવતો રહ્યો. ચાંગની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી, એ બંનેની પાસે બેસી પડ્યો. એની વર્ષોની સંગીની હવે અનંત યાત્રાની તૈયારી કરી રહી હતી.

સવારનાં પહેલા ઉજાસ માં સુંગ યુને આંખો ખોલી, એનો હાથ હજી પણ વૃદ્ધા ના કપાળ પર હતો, એણે જોયું કે કપાળ હવે ઠંડું પડી ગયું હતું અને શરીર અક્કડ થઇ ગયું હતું. વૃદ્ધા ની આંખોના ખૂણે અશ્રુબિંદુઓ જામી ગયા હતા. એણે પ્રેમ થી એ લુછી નાખ્યા અને નીચે નમી ને વૃદ્ધા નાં કપાળ પર ચુંબન કર્યું. એટલામા ચાંગ હાથમાં સુગંધિત ધૂપ લઇ ને આવ્યો અને તેને વૃદ્ધા નાં પગ પાસે મૂકી ને વૃદ્ધા નાં પગ માં કંઇક લેપ લગાડ્યો. એણે સુંગ યુન ની સામે જોઈને ડોકું ધુણાવ્યું અને એની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી.

બંને થોડી વાર ત્યાં ઉભા રહ્યા એને જોતા જોતા અને પછી ઘર નાં મુખ્ય દરવાજા તરફ ચાલી નીકળ્યા. સુંગ યુને બહાર વરંડા માં આવી ને ઊંડો શ્વાસ લીધો, સવાર ના ઉજાસ માં એણે ધૂમ્મસ આચ્છાદિત પહાડો તરફ નજર નાખી અને આંખો બંધ કરી દીધી.

દૂર ક્યાંક ધરતી ધ્રુજી ઉઠી અને ઉત્તુંગ પર્વતો ની ટોચ પર એક વિશાળ આકૃતિ પ્રગટ થઇ અને એણે નૃત્ય કરવાનું શરુ કર્યું. ડમરુંની રણકાર દુર દુર સુધી વ્યાપી ગયો.

એક નવું પરિવર્તન આણવાનું હતું, એક નશા મુક્ત સામાજિક જીવનનું, એક શક્તિશાળી સામ્રાજ્યના નિર્માણનું, મનની ઈચ્છાશક્તિના જોર પર !

સુંગ યુન અને ચાંગ રાજમહેલ તરફ મક્કમ ઈરાદાઓથી નીકળી પડ્યા.

***

આજના ભારતીય સમયકાળમાં...

પ્રોફેસરે વખતની સામે જોયું ! એમની વર્ષો જૂની માન્યતા અને એમણે ભેગા કરેલા પુરાવાઓ આજે સાચા સાબિત થઇ રહ્યા હતા. એ મહાદેવના નિવાસસ્થાન તરફ આવી પહોંચ્યા હતા. એમની આખી ઝીંદગીનું કાર્ય આજે રંગ લાવ્યું હતું ! હા, ‘એ’ છે, ‘એ’ અહી જ છે, ‘એમનું’ અસ્તિત્વ છે, એ અસંખ્ય પુરાવાઓ, એ જુના પ્રાચીન ચીની દસ્તાવેજો અને અહી આવવાનો નકશો કે જે એમણે બેંકના લોકરમાં મુકેલો હતો એ મુજબ જ રસ્તો હતો અને એ એમને મહાદેવના નિવાસસ્થાન તરફ દોરી રહ્યો હતો. એમણે વખતની સામે જોયું અને વખતે એમનો હાથ પકડ્યો.

***

યુવાએ ત્રિશુલ પાછું એની જગ્યાએ ગોઠવી દીધું. એની નીલવર્ણ આંખો લાલ લાલ થઇ ગઈ હતી. એનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. એના મુખ પર વિચિત્ર પ્રકારની આભા છવાઈ ગઈ હતી. એણે વિરાટનો હાથ પકડ્યો અને બંને બહાર નીકળ્યા. બહાર ચોગાનમાં આવીને યુવાએ ત્રાડ પાડી “સમર...” અને મંદિરના એક ખૂણામાંથી સમરની આકૃતિ પ્રગટ થઇ. “સમર, મારા પ્રિય સમર, હું તને લેવા આવી છું સમર, ચાલ મારી સાથે, સમર” યુવાએ સમરને કહ્યું, સમર કિરમજી રંગના વસ્ત્રોમાં ઉભો હતો. એની આંખોમાં શાંતિ હતી અને મુખ પર સ્મિત. “હવે એ શક્ય નથી યુવા, તું પાછી ફરી જા, તારા પર મહાદેવની અપાર કૃપા છે, પાર્વતીજી તને પુત્રી માને છે, મારું માન, પછી ફરી જા, હું હવે અહી જ રહીશ, હજારો વર્ષો સુધી, જ્યાં સુધી કોઈ યોગ્ય આત્મા આવે અને અને મને મુક્તિ નાં આપે. વિરાટ, મારા ભાઈ, તું માં પાસે જા અને એનું ધ્યાન રાખજે. યુવાનું પણ ધ્યાન રાખજે મારા ભાઈ, તમે પાછા ફરી જાવ.” સમરે શાંતિથી બંનેને કહ્યું. “ભાઈ, આ બધું શું છે ? મને કહીશ ? મેં રસ્તામાં પિતાજીને પણ જોયા, અઘોરી વેશમાં, એમણે મારી સામે સ્મિત પણ કર્યું, જાણેકે મારી જ વર્ષોથી રાહ જોતા હોય, આ બધું શું છે ભાઈ ?” વિરાટે સમરના હાથ પકડીને એને હચમચાવતા કહ્યું.

“વિરાટ, મારા ભાઈ, પિતાજી અને પેલો દુષ્ટ શિવાનંદ, હા એ પાપી આત્મા અહી હિમાલયમાં આવેલા, અચાનક પિતાજી બરફના તોફાનમાં સપડાઈ ગયા અને એ દુષ્ટ એમને છોડીને ભાગી ગયેલો. પિતાજી એ મહાન સાધુ કે જે મહાદેવ પોતે છે એમને મળ્યા અને પછી અહી જ રહી ગયા. એમણે સમાધિ લઇ લીધી, હું પણ પહાડોમાંથી નીચે ગબડીને એ ગુફા પાસે આવી પહોંચ્યો હતો અને પિતાજીને મળ્યો હતો. અત્યંત કોશિશો છતાં પણ પિતાજી પાછા આવવા રાજી નહોતા થયા એટલે મેં એમની  પાસેથી એક વચન લીધું હતું કે તમે એક વાર જો કોઈ દિવસ વિરાટ અહી આવે તો એને મળજો અને એમણે હા પાડી હતી, એટલે એ તને મળીને નિર્વાણ પામી ગયા ભાઈ. પછીતો હું પણ મહાદેવને મળ્યો અને એમના  ચરણોમાં મેં મારી ઝીંદગી આપી દીધી, જ્યારે હું આ મંદિર પાસે આવ્યો ત્યારે એક ચીની યુવક આ મંદિરની રક્ષા કરતો હતો, એની નામ લી હતું, એ હજજારો વર્ષોથી અહી હતો. મહાદેવની આજ્ઞાથી મેં એની પાસેથી એનો દંડ અને એની જગ્યા લઇ લીધી છે મારા ભાઈ. એ હવે નિર્વાણ પામ્યો છે. આ બાજુમાં રહેલું કિરમજી રંગનું વસ્ત્ર દેખાય છે ? ત્યાં એની કબર છે, એ એના પ્રેમ સાથે ત્યાં પોઢી ગયો છે. હવે મારો વારો છે ભાઈ, મેં મહાદેવને વચન આપ્યું છે એટલે હું હવેથી અહીનો દંડાધિકારી છું, હું અહીંથી નહિ જઈ શકું, મારું જીવન અહી જ લખાયેલું છે, આ જ મારી નિયતિ છે, ભાઈ, સંતાપ ના કર, આ તો અત્યંત ખુશીની વાત છે.”

“ખુશી ? હુહ ! શેની ખુશી ? તું મારો સમર છે અને તને અહીંથી લઇ જતા મને કોઈ રોકી નહિ શકે, જોવું છું કે મહાદેવ પણ શું કરી લે છે ?” યુવાની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. “તું મારી સાથે આવે છે કે નહિ ?” યુવા ફરીથી ગરજી. સમરે જવાબમાં માત્ર સ્મિત કર્યું. અચાનક યુવા ત્યાંથી દોડવા મંડી અને થોડે  દુર જઈને ઉભી રહી અને એ એના ઘુટણ પર બેસી પડી અને એણે મંદિરની ઉપર ફરકતી ધજા સામે જોયું અને ત્રાટક કર્યું. એની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. મંદિરની ઉપર  ફરકતી ધજા હાલક ડોલક થવા લાગી અને એક કડાકા સાથે એ તૂટી ને નીચે પડી ગઈ.

“યુવા...મહેરબાની કરીને મારી વાત માની લે, જો તે મને સાચો પ્રેમ કર્યો હોય તો માની જા, પ્લીઝ આ જીદ છોડી દે, પાછી ફરી જા, હું તારી સાથે નહિ આવી શકું, મને મજબુર ના કર પ્લીઝ, યુવાઆઆઆ...” સમરે ચીસ પાડી પણ યુવા હવે ઉભી થઇ ગઈ હતી અને ક્રોધથી ધ્રુજી રહી હતી. એની આસપાસ બીજા દસ મસ્તકો ઉભરી રહ્યા હતા. સમર અને વિરાટ ફાટી આંખે આ બધું જોઈ રહ્યા હતા.

“રેહવા દે બેટીઈઈઈ, યુવાઆઆઆઆ...” અચાનક પહાડના વળાંક પાસેથી લાવણ્યાએ ચીસ પાડીને યુવાને રોકવાની કોશિશ કરી. એ લોકો ત્યાં પહોંચી ગયા હતા અને ફાટી આંખે યુવાનું આવું સ્વરુપ જોઈ રહ્યા હતા.

યુવાએ હવે એનું ધ્યાન લાવણ્યા તરફ કર્યું અને ફરીથી ત્રાટક કર્યું અને દોડતી આવતી લાવણ્યાના પાસે એક ધડાકો થયો અને લાવણ્યા ઉછાળીને એક બાજુ પડી. આ જોઇને વખતને ખુબજ ગુસ્સો આવ્યો અને એણે યુવા તરફ આક્રમણ કર્યું. એણે દોડતા આવીને યુવા પર ડાઈવ મારી અને બંને એક તરફ ગબડી પડ્યા. બરફમાં ગબડતા ગબડતા યુવા અચાનક ઉભી થઇ ગઈ અને એણે મહાબલી વખતની સામે ક્રોધથી જોયું અને એનું ગળું પકડ્યું અને એને એ ઉંચો કરવા લાગી. વખત છટપટી રહ્યો, એણે એનું પ્રચંડ જોર વાપર્યું પણ યુવાના અમાનુષી બળ આગળ એનું કઈ ચાલ્યું નહિ, એ રમકડાના પુતળાની જેમ યુવાના હાથોમાં જુલી રહ્યો અને એનું ગળું ભીંસાઈ રહ્યું હતું. લાવણ્યાએ આ જોયું અને એના આખા શરીરમાં ક્રોધ વ્યાપી ગયો. એણે દોડતા આવીને યુવાને એક લાફો મારી દીધો ! યુવાએ વખતને છોડી દીધો અને ક્રોધિત નજરોએ લાવણ્યા  તરફ જોયું અને હવે એ એને પકડવા આગળ વધી. “નહીઈઈઈ...દી...આ શું કરે છે ?” ઝારાએ એક ચીસ પાડી અને યુવાને પકડવાનો પ્રયાસ કર્યો પણ યુવાએ એને એક ઝાટકો માર્યો અને એ પણ ઉડીને એક તરફ પડી. યુવા અને લાવણ્યા, માં અને દીકરી, બંને પ્રચંડ શક્તિના માલિક હવે સામ સામે ઉભા હતા. વખત પણ લાવણ્યાની બાજુમાં આવીને ઉભો રહી ગયો. અચાનક યુવાએ એનો હાથ ઉંચો કર્યો અને એક પ્રચંડ ઉર્જાની લહેર પ્રગટ થઇ અને લાવણ્યા અને વખતને જોરથી અથડાઈ, બંને જણા ઉડીને દુર જઈને પડ્યા. વખત નીચે પડ્યા પડ્યા પણ હસી પડ્યો “આપણી બંનેની શક્તિ પણ એની આગળ ઓછી પડે છે મોટી, લાગે છે કે એ મંદિરમાં જઈને ત્રિશુલની શક્તિ પણ લઇ આવી છે ! જોઈ લે તારી મહાન દીકરી ! પ્રચંડ ઉર્જાનો સ્ત્રોત !” લાવણ્યા પણ મીઠું હસી. “એ બરોબર છે ભાઈ, પણ અત્યારે આનું શું કરવું ? આને કેમ રોકવી ?” વખતે માથું ધુણાવ્યું. “મહાદેવ” એ બબડ્યો.

યુવાએ હવે મંદિર તરફ એનું ધ્યાન કેન્દ્રિત કર્યું અને મંદિર તરફ ત્રાટક કરવાનું ચાલુ કર્યું. એક ગડગડાટી થઇ અને મંદિર ડોલવા લાગ્યું. આખી જગ્યા ધ્રુજવા લાગી.

***

ઉત્તુંગ પહાડો પર બેઠેલા મહાદેવે આંખો ખોલી, એમાં કરોડો સૂર્યની ગરમી હતી, રોષ હતો. નંદી બાજુમાંથી ઉભો થઇ ગયો અને આગળ વધ્યો પણ મહાદેવે સૂચક આંખે એને નાં પાડી એટલે એ પાછો બેસી ગયો. મહાદેવ ઉભા થયા અને પ્રચંડ વેગે નીચેની તરફ દોડ્યા.

પાર્વતીજી અને રાવણ ચિંતાતુર ચહેરે શ્રી વિષ્ણુ સામે જોઈ રહ્યા. હજુ પણ એમના મુખ પર સ્મિત હતું. એમણે એમની વાંસળી હાથમા લીધી અને નીચે જોયું.

***

“નહીઈઈઈ...યુવા...રહેવા દે...” સમરે બુમ પાડી અને યુવાને એના હાથમાં રહેલા દંડથી ધક્કો માર્યો. યુવા એક તરફ પડી ગઈ પણ એણે મંદિર સામે ત્રાટક કરવાનું ચાલુ રાખ્યું. મંદિર હવે ઉપરથી તૂટી રહ્યું હતું. એનો ગુંબજ હલી રહ્યો હતો. આખી ધરા ધ્રુજી રહી હતી. અચાનક એક મોટો ધડાકો થયો અને બધા સ્તબ્ધ થઇ ગયા.

ડમરુંનો રણકાર વાતાવરણમાં વ્યાપી ગયો. પહાડ ઉપર એક વિશાળ આકૃતિ પ્રગટ થઇ. યુવા સિવાય બધા નીચે નમી પડ્યા. એ આકૃતિએ એક હાથ લાંબો કર્યો અને મંદિરમાં રહેલું ત્રિશુલ હવામાં ઉડીને એમના હાથોમાં આવી ગયું. હવે એ આકૃતિ સામાન્ય થઇ ગઈ અને પહાડ પરથી નીચે ઉતરી આવી. આખા શરીર પર રાખ, વિશાળ જટા, આંખોમાં ક્રોધ, પહોળા ખભા, કમર પર વ્યાધચર્મ, નીલવર્ણ ગળું, ગાળામાં રુદ્રાક્ષની માળા, એ વિશાળ અને મહાન આકૃતિ ધીરેથી પહાડ પરથી નીચે આવી. ડમરું તો અવાજ અત્યંત તેજ થઇ ગયો. યુવા ધીરેથી ઉભી થઇ અને રોષથી એ આકૃતિ સામે જોઈ રહી. એણે ત્રાડ પાડી

“આવી ગયા, મહાદેવ, દેવો ના દેવ, ત્રિનેત્ર, મેં અને મારા આખા કુટુંબે, અરે મારા વડવાઓએ પણ તમારી આખી ઝીંદગી પૂજા કરી અને જ્યારે જ્યારે અમને સુખ મળવા પાત્ર થયું એટલે તમે એ છીનવી લીધું ? એ જ તમારી કૃપા મહાદેવ ? અમે રાક્ષસકુળના છીએ એટલે અમારા તરફ તમે આવો ભાવ રાખ્યો ? શું અમે તમારી કૃપાના હકદાર નથી ? મારા દાદાજીને તમે બોલાવી લીધા, મારી દાદીને સર્પદંશ થી મરાવી દીધી, મારા પિતાજીને અને માતાને વિખુટા પાડી દીધા, મને છતી માતાએ એના પ્રેમથી વંચિત રાખી ! આટલા વર્ષે હવે  મને મારો પ્રેમ પાછો મળ્યો તો તમે એને પણ છીનવી લીધો ! આ તમારો ન્યાય છે મહાદેવ ? હું તો તમારી અંશ છું ને ? તમારી પુત્રી સમાન, મહાન ભક્ત અને મારા વડદાદા રાવણની પુત્રી કે જેને તમે આશીર્વાદ આપ્યા હતા કે તમારો અંશ મારામાં રહેશે એ પ્રચંડ શક્તિના ધોધ સમાન યુવા, તમારી પુત્રી તમારી સામે ઉભી છે અને જવાબ માંગે છે મહાદેવ, કેમ ? શું કરવા તમે મારી સાથે અને મારા કુટુંબ સાથે આવું કર્યું ? હું આજે તમારી એક એક નિશાનીનો નાશ કરી દઈશ, હું આ મંદિરનો અને એમાં રહેલા તમારા તમામ સાધનો અને સાધકોનો નાશ કરી દઈશ, તમે મને રોકશો મહાદેવ ? રોકો ત્યારે, જોઉં છું કે શું થાય છે ? આજે હું અહીંથી વિનાશ કર્યા સિવાય નહિ જાઉં !” યુવા ગુસ્સમાં ધ્રુજતી હતી. મહાદેવ શાંતિથી એની સામે ઉભા હતા. એમની આંખોમાં રોષ હતો પણ મુખ પર સ્મિત. પોતાના અંશ, સંતાનને એ વ્હાલથી જોઈ રહ્યા હતા. હા આ એ માનસ સંતાન હતું કે જેના જન્મ સમયે મહાદેવ મન મુકીને કૈલાશ પર નાચ્યા હતા, એને કઈ થાય નહિ એટલે ડગલે ને પગલે એની રક્ષા કરી હતી, આ એ જ પુત્રી હતી કે જે હવે એમની સામે રોષે ભરાયેલી હતી અને એની પ્રચંડ શક્તિનો ઉપયોગ એમની સામે કરી રહી હતી ! યુવાએ એક ત્રાડ પાડી અને એના હાથોમાંથી એક પ્રચંડ ઉર્જા સ્ત્રોત નીકળ્યો અને મહાદેવના હાથોમાં રહેલું ત્રિશુલ હવામાં ઊંચકાયું અને એના હાથોમાં આવી ગયું. એ બે ડગલ આગળ વધી અને મહાદેવ પર પ્રહાર કરવા સજ્જ થઇ. મહાદેવ હજી પણ આ પ્રચંડ ઉર્જા સ્ત્રોતને જોઈ જ રહ્યા હતા ! ભૂતકાળમાં એમના અંશોએ ત્રાહિમામ મચાવ્યો હતો પણ એ એમને પહોંચી વળ્યા હતા પણ આ ઉર્જા સ્ત્રોતમાં કૈંક અલગ હતું, કૈંક વધારે શક્તિશાળી ! શું હતું એ ?! મહાદેવે આંખો બંધ કરી અને જોયું તો યુવાની પાછળ પાર્વતીજી અને શ્રી વિષ્ણુ ઉભા હતા ! બને હાથ જોડીને ક્ષમાયાચના માંગતા હતા અને યુવાને માફ કરી દેવા યાચતા હતા. યુવા અચાનક ત્રાડ પાડીને આગળ વધી અને એણે ત્રિશુલ મહાદેવના હૃદયમાં ખૂંપાવી દીધું !

આખી પૃથ્વી ધ્રુજી ઉઠી, હિમાલય ડોલી ઉઠ્યો, લાવણ્યા અને બધા એક સામટી ચીસ પાડી ઉઠ્યા ! ત્રિશુલ ઊંડે સુધી એમના હૃદયમાં ખુંપી ગયું હતું. એમણે એક ઝાટકો માર્યો અને એ ત્રિશુલ બહાર ખેંચી કાઢ્યું. એમણે હળવેથી એ ત્રિશુલ યુવાની તરફ ફેંક્યું પણ એ યુવા પાસે આવીને એના હાથમાં ઉભું રહી ગયું. યુવા ખડખડાટ હસી પડી !

પાર્વતીજી રોષે ભરાયા, એમણે ક્રોધિત નયને યુવા તરફ જોયું પણ શ્રી વિષ્ણુએ આંખો નમાવીને એમને શાંત રહેવાનું કહ્યું અને એ ઉભા થયા અને એમણે વાંસળી કાઢીને વગાડવાની શરુ કરી !

યુવા ફરીથી પ્રચંડ વેગે ત્રિશુલ લઈને આગળ વધી પણ આ વખતે મહાદેવે એમનો હાથ લાંબો કર્યો અને યુવાને ગળેથી પકડીને ઉંચી કરી દીધી. યુવાના હાથમાંથી ત્રિશુલ નીચે પડી ગયું અને એ છટપટવા લાગી ! મહાદેવની આંખોમાંથી રોષ વહી રહ્યો હતો. યુવાનું ગળું ભીંસાઈ રહ્યું હતું. અચાનક મહાદેવે એને છોડી દીધી. એ નીચે પડી ગઈ. એનો શ્વાસ રૂંધાઇ ગયો હતો. થોડીવારએ હાંફતી બેસી રહી અને ફરીથી નીચે પડેલું ત્રિશુલ લઈને મહાદેવ તરફ દોડી ! હવે મહાદેવ અત્યંત ક્રોધિત થઇ ગયા અને એમણે ધીરેથી એમનું ત્રીજું નેત્ર ખોલવા માંડ્યું ! ચરોકોર અંધકાર વ્યાપી ગયો અને આકાશમાં કાળા વાદળ ચડી આવ્યા અને એમાંથી આગ વરસવા લાગી ! મહાદેવ  ધીરે ધીરે એમનું ત્રીજું નેત્ર ખોલી રહ્યા હતા પણ અચાનક એમના કાનોમાં વાંસળીનો મધુર અવાજ પડઘાયો અને એ રોકાઈ ગયા ! આટલી સુંદર ધૂન, આટલો મધુર આવાજ. એ મનોમન હસી પડ્યા શ્રી વિષ્ણુ પર. એમણે ત્રીજું નેત્ર પાછું બંધ કરી દીધું અને કરુણતાથી આંખો ખોલીને યુવા તરફ જોયું. “પુત્રી, દરેકની નિયતિ લખેલી હોય છે, કોણ ક્યા અને ક્યારે શું કરશે એ કોઈના તાબા હેઠળની વાત નથી, હું તને અને તારા કુટુંબને એટલો જ પ્રેમ કરું છું જેટલો અન્ય ને ! તારી નિયતિ હતી કે તું આ બધા સંઘર્ષમાંથી પસાર થાય અને એક દિવસ મારી પાસે આવે એટલે આ બધું થયું ! આ કોઈ રોકી શકે એમ નથી પુત્રી. શાંત થઇ જા ! જો તું કેટલી વ્હાલી છે પાર્વતીની અને શ્રી વિષ્ણુની ! એ લોકો પણ તને બચાવવા મેદાનમાં પડ્યા છે ! મને રોકી રહ્યા છે ! અરે તારા દાદા રાવણની પણ તું પ્રિય છે, એ પણ મને યાચના કરી ગયા છે કે તારી રક્ષા કરું ! આ સંસારમાં મહાદેવની કૃપા આટલી બધી કોઈ પર વરસી નથી પુત્રી, શાંત થઇ જા, પાછી ફરી જા અને તારા માતા પિતાની સેવા કર, આ જ તારી નિયતિ છે !” મહાદેવે અત્યંત પ્રેમથી યુવાને કહ્યું. ત્યાં સુધીમાં લાવણ્યા અને ઝારા એની પાસે પહોંચી ગયા હતા અને એને પ્રેમથી પકડી રાખી હતી. યુવાએ આંખો બંધ કરી અને એના બાકીના માથા ધીરે ધીરે ગાયબ થઇ ગયા. એ હજુ પણ ધ્રુજી રહી હતી. એ નીચે ઘુટણ પર બેસી પડી અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી ! મહાદેવે કરુણતાથી એની તરફ જોયું અને એ એક વિશાળ આકૃતિમાં પરિવર્તિત થઇ ગયા અને અચાનક ત્યાંથી ગાયબ થઇ ગયા.

***

યુવાનો હાથ પકડીને ઝારા આગળ ચાલતી હતી. એમની પાછળ પાછળ લાવણ્યા, પ્રોફેસર સિન્હા, વખત અને વિરાટ ચાલતા હતા. બધાના ચહેરા પર ગ્લાની હતી અને આનંદ પણ ! દુખ સમરને ગુમાવવાનું હતું અને મહાદેવને મળવાનું સુખ પણ હતું ! જેવા એ લોકો પહાડની પાસે પહોંચ્યા કે યુવાએ છેલ્લી વાર પાછળ વળીને જોયું. એને દુર મંદિર પાસે સમરનો કિરમજી રંગના આવરણમાં ઉભેલો જોયો, એના હાથમાં દંડ હતો અને મુખ પર વિષાદયુક્ત સ્મિત. યુવાએ છેલ્લી વાર એના ઝીંદગીના પ્રથમ પ્રેમને જોયો, એક નાનકડું સ્મિત કર્યું અને એ આગળ ચાલી નીકળી. મનમાં એણે પછી પ્રતિજ્ઞા કરી “હે મહાદેવ, આજે તમારો વિજય થયો છે, પણ હું પાછી આવીશ, હું પણ તમારો જ અંશ છું, હું મારો હક્ક લઈને જ જંપીશ. હું પ્રલય લાવીશ, હું હાહાકાર મચાવીશ, હું પાછી ફરીશ એક દિવસ, ભલે મારે અનંત સુધી રાહ જોવી પડે પણ હું આવીશ અને આ આખી જગ્યાનો નાશ કરી નાખીશ”.

***

સવાર નાં છ વાગ્યા હતા, વિરાટે  મુખ્ય રસ્તા પરથી રાજદૂત ને નીચેની તરફ વાળ્યું, અને ઘર સુધી જતી કેડી પર લીધું. દૂર થી સવાર ના આછા ઉજાસ માં એનું નાનકડું ઘર દેખાતું હતું, એની ચીમની માં થી ધુમાડો નીકળતો હતો. યુવા એ એનો ખભો દાબ્યો અને બીજા હાથે જંગલી ફૂલો ને જોરથી પકડ્યા. વિરાટે બ્લેક કલર નું જાકીટ પહેરેલું હતું, અને પાતળી મૂછો ઉગાડેલી હતી, અને આંખો પર અરમાની ચડાવેલા હતા. એણે એના વાળને પણ ડાબી બાજુ એ પાંથી પાડી ને ઓળ્યા હતા. એ અદ્દલ એના મોટા ભાઈ સમર જેવો લાગતો હતો. જેવું બાઈક ઘર ની સામે આવ્યું કે એની નજર દરવાજે ઉભેલી માં પર પડી ! એ નાહી ને તાજી બહાર આવેલી, એના ચહેરા પર સ્મિત રમતું હતું. એ બાઈક પર થી નીચે ઉતરી ને એને ભેંટી પડ્યો. એવામાં યુવા એ આવી ને વિરાટના હાથ માં એક પીળું ફૂલ આપ્યું જે એણે માં નાં ભીના વાળ માં ખોંસી દીધું. એ ખીલખીલાટ હસી પડી અને પછી એને ઊંચકી ને વિરાટ અંદર લઇ ગયો. “આજે બપોરે તો લંચ માં તારા ભાવતા ભરેલા ભીંડા અને ચિકન કરી બનવાની છું હું સમર”  રેવાએ ઉત્સાહ માં આવી ને એને કીધું. “ વિરાટ ને ભરેલા ભીન્ડાઓ અને ચિકન જરી પણ નથી ભાવતા, એને તો બસ પાલક પનીર અને પરાઠા જ ભાવે, વિરાટ જ્યારે કેમ્પ પરથી રજા લઈને આવશે એટલે આપણે બધા ક્યાંક દૂર ફરવા જઈશું, ઓકે? અને હા આ યુવા ને કહે ને કે એના માટે પણ એક એના જેવી સરસ છોકરી ગોતી આપે, ક્યાં સુધી એ કુંવારો ફરશે, ઝારા મને ખુબ ગમે છે, એને પૂછજે ને, હું પૂછીશ તો બગડશે મારા પર એ.” વિરાટ કઈ બોલ્યો નહિ, અરમાની ની પાછળ છુપાયેલી એની આંખો માં ભીનાશ આવી ગઈ. “માં, પહેલા થોડી કોફી પીએ ચાલ” એણે કહ્યું. રેવાએ એના ગાલ પર હાથ ફેરવ્યો  અને પ્રેમ થી એની  સામે જોઈ રહી. પછી એણે વિરાટના ખભા પર એનું ડોકું ઢાળી દીધું, અને બંને જણા બહાર આવેલા બગીચા તરફ ચાલવા લાગ્યા. યુવા એમને જતા જોઈ રહી અને પછી એ પાછી ફરવા લાગી કે વિરાટે બીજા હાથે એનો હાથ પકડી લીધો, યુવા ની મોટી મોટી આંખો માંથી અશ્રુધારા વહી નીકળી અને એ કઈ પણ કહ્યા વગર એમની સાથે ચાલવા લાગી. સવારના પહેલા ઉજાસ માં વિરાટે આંખો ખોલી, રેવા ખાટલામાં આંખો બંધ કરી ને સુતી હતી, એણે યુવાનો હાથ પકડી રાખ્યો હતો જે હવે સજ્જડ થઇ ગયો હતો, એની છાતી પર વિરાટના પિતાજીની તસવીર હતી. યુવાએ ખુબજ જોર કરીને હાથ છોડાવ્યો. રેવાની આંખોના ખૂણે અશ્રુબિંદુઓ જામી ગયા હતા, વિરાટે નમીને એ લુછી લીધા અને વહાલ થી છેલ્લીવાર એના ઠંડા કપાળ પર એક ચુંબન કરીને આંખો બંધ કરી દીધી. યુવા એટલામાં આવી અને એણે રેવાના ચરણો પાસે એક દીવો કર્યો અને વિરાટ સામે જોઈ ને ડોકું ધુણાવ્યું અને એની સુંદર મોટી મોટી નીલવર્ણ આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. ડ્રગ્સના ઓવરડોઝથી રેવાનું સુંદર હૃદય બંધ પડી ગયું હતું.

દૂર ક્ષિતિજ્ ની પેલી પાર આવેલા શિવ મંદિર માં સવારની આરતી ની ઘંટડીઓ વાગવા લાગી. શંખનાદ થયો અને સવારના પહેલા સુરજ નાં કિરણો જાણે કે આરતી માં હાજરી પુરાવવા માંગતા હોય એમ મંદિર ની ટોચ પર થઇ ને નીચે ઉતરી આવ્યા. દૂર ક્યાંક ધરતી ધ્રુજી ઉઠી અને ઉત્તુંગ પર્વતો ની ટોચ પર એક વિશાળ આકૃતિ પ્રગટ થઇ અને એણે નૃત્ય કરવાનું શરુ કર્યું.

ખંડ – ૧ સમાપ્ત.

આત્માના અંતિમ સંસ્કાર – લેખક ની નજરે ! –

 

સને ૨૦૧૧ માં મુંબઈમાં નોકરી છૂટી ગઈ, કોર્પોરેટ રાજકારણ માફક નાં આવ્યું, થોડો વખત ઘરે બેસવાનો વારો આવ્યો. પાછો અમદાવાદ આવી ગયો. મનની અંદરનો સાહસિક મને એન્ટરપ્રીન્યોર બનવા સતત પ્રેરણા આપતો હતો. વચ્ચે થોડો વખત ફ્રી થયો. ટૂંકી વાર્તાઓ અને કવિતાઓતો નાનપણથી  લખતો જ હતો પણ નવલકથા લખવાનો વિચાર ઘણા સમયથી મન માં રમતો હતો. કૈંક નવું, કૈંક રહસ્યમય, કૈંક પ્રાચીન પણ અર્વાચીન સાથે જોડાયેલું કે જેમાં પ્રેમ હોય, આસ્થા હોય, સાહસ હોય એવું કૈંક, પણ એવું શું ? બસ એક દિવસ લખવા (ટાઈપ કરવા) બેઠો અને આત્માના અંતિમ સંસ્કાર નું સર્જન થયું. બાળપણથી મેં લાઈબ્રેરીમાંથી હજજારો વાર્તાઓ-નવલકથાઓ અને ઘણું સાહિત્ય વાંચી નાખેલું. માત્ર ભારતીય જ નહિ પણ દેશ વિદેશના લેખકોની ઘણી કૃતિઓ વાંચેલી. બસ શરુ કર્યું, એક જ નિયમ રાખ્યો કે વાચકોને વફાદાર રહેવું, જે પણ લખું એ પહેલા મને એક વાચક તરીકે સંતોષે તો જ લખવું અને પ્રકાશિત કરવું. મારા જેવા એમેચ્યોર લેખકનું સાહિત્ય તો કોણ પ્રકાશિત કરે ? પણ ભલું થાય આ  ડીજીટલ યુગનું કે મને એક બે ઓનલાઈન પ્લેટફોર્મ મળી ગયા. ૨૦૧૧ માં ચાલુ કરેલું સર્જન અનેક કારણોસર અટકી પણ ગયું. જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવ્યા અને સાત સાત વર્ષોના વહણા વહી ગયા. કૃતિ અધુરી પડેલી. રોજ એને જોવું અને પાછુ મૂકી દઉં.

પણ આખરે માહ્યલો લેખક જાગ્યો અને ફરીથી જાન્યુઆરી ૨૦૧૮ માં લેખન શરુ કર્યું. જેટલું લખ્યું છે એ દિલ થી લખ્યું છે, અંતરની આરપાર જઈને જે સાચું લાગ્યું અને જે અનુભવ્યું એ લખ્યું છે. અંધશ્રદ્ધા અને માન્યતાઓથી ઉપર જઈને આને વાંચજો, આમાં સત્ય છે અને માત્ર સત્ય છે  કે જે આપણી આજુબાજુ છે પણ આપણને દેખાતું નથી. લોકોએ કીધેલું અને આપણને ભણાવાયેલું માનવાનું છોડીને એક નવી દ્રષ્ટિથી સમાજને જુવો. નવું કરો, નવું શોધો, નવાને અપનાવો, જુનાને એક રેફરન્સ  તરીકે રાખીને જુવો અને કરો પણ બંધન મુક્ત થઈને જીવી જુવો. મને ખાતરી છે કે એક નવા પ્રકારનો અનુભવ થશે. 

હું કોઈ વેદ-ઉપનિષદો નો જાણકાર નથી, કે નથી હું કોઈ આધ્યાત્મિક જીવન માં રાચું છું, મને મારા જન્મ પછી મારા માતા-પિતાએ સતત વાચન કરવાની મારી વૃત્તિને સંતોષી અને એમાંથી મને જે પ્રાપ્ત થયું એનો નીચોડ અહી છે. લખાણમાં કદાચ ઘણી ત્રુટીઓ હશે, ભૂલો હશે, એ બદલ ક્ષમાપ્રાર્થી છું. તમામ પાત્રોની  લાગણીઓ ને વ્યક્ત કરવાની કોશિશ કરી છે, પાત્રો જીવંત રહે એવો પણ ટ્રાય કર્યો છે. મારા માટે આ લખાણ એક અદભુત રોડ ટ્રીપ બની રહી છે. મેં એને એક વાચક તરીકે ખુબજ માણી છે અને આશા રાખું છું કે આપ વાચકો પણ એને માણશો.

આપના પ્રતિભાવો મને મોકલશો તો ગમશે, પોઝીટીવ કે નેગેટીવ પણ મોકલજો ખરા.

આ લખાણ માત્ર અને માત્ર અંતઃસ્ફુરણાથી લખાયેલું છે, કોઈ પ્રકારની કોપી કે પ્રેરણા લીધી નથી. આમાં આવતા તમામ પાત્રો કાલ્પનિક છે. શિવજી વિષે લખવું એટલે શું કરવાનું ? એ મહાન દેવતાઓ ના દેવતા, એમનું આજ સુધીનું વાંચેલું વર્ણન, એમની ભવ્ય પ્રતિભા, એમનો ક્રોધ, એમની કરુણા, એમના અસંખ્ય ચાહકો/ભક્તો, માથું ફાટી જાય, હૃદય ચીરાય જાય તો પણ એમના વિષે કશું કહેવું એ અસંભવ છે. કદાચ કોઈ આપણને મૂર્તિ પૂજક કહે, કહેવા દો, શ્રદ્ધાને મૂર્તિમંત કરવી અને એમાં ખરા હૃદયથી પ્રાણ પુરવા એ પણ એક જાતની ભક્તિ જ છે. આપણા પ્રાચીન ગ્રંથો અને માન્યતાઓ એમ જ નથી ચાલી આવતી. હું પોતે કઈ બહુ મોટો ભક્ત નથી પણ નાનપણથી જે સંસ્કાર પડ્યા છે એ મુજબ આપણી મહાન સંસ્કૃતિને અને એની સાથે જોડાયેલી માન્યતાઓને જરૂર પ્રણામ કરું છું અને હા, હું ગર્વથી એમાં માનું છું. જ્યાં સુધી તમને એ ખોટી છે એવા પુરાવા ના મળે અને જ્યાં સુધી તમે મને એ બધીજ પ્રાચીન રચનાઓ જુઠ્ઠી છે કે કપોળકલ્પિત છે એવું સાબિત નહિ કરો ત્યાં સુધી હું દિલ ફાડીને મારા ભગવાનો ને આદર આપીશ, એમને ચાહીશ, એમને પૂજીશ. કૈંક તો છે કે જે આ વિશ્વને ચલાવે છે, કૈંક હજુ કાર્યરત છે, ક્યાંકથી આ બધાનું નિયમન થાય છે, એ કૈંક શું છે ? ક્યા છે ? ચાલો ખાલી મન ને છુટું મૂકીને એને શોધવાનો પ્રયાસ કરીએ. એમાં વિશ્વાસ રાખીએ, એમાં ભરોસો રાખીએ, કૈંક તો મળશે જ-એવો મારો દ્રઢ વિશ્વાસ છે.

આત્માના અંતિમ સંસ્કાર ખંડ-૧ અહી સમાપ્ત થાય છે ! પોતાનું છોકરું નાનપણથી ઉછરેલું અચાનક મોટું થઇ ને ઉડી જાય એવી ફીલિંગ આવે છે ! વિષાદ પણ થાય છે પણ આ તો એક લેખકની યાત્રા છે અને એમાંથી દરેકે પસાર થવું જ પડે છે. ચાલી થોડો વિરામ લઈને ખંડ-૨ લખવાનું શરુ કરીશ એટલે માંહ્યલા લેખકને શાંતિ થશે. બીજો ખંડ પણ આટલો જ રોચક હશે એવી આશા સાથે.

કોઈ સુચન કરવું હોય અથવા કોઈ પોઝીટીવ-નેગેટીવ કોમેન્ટ કરવી હોય તો પ્લીઝ કરજો. એ મને આગળની સફરમાં મદદ કરશે.

માતૃભારતીમાં ચાર ચાર મહિના થઇ ગયા, મેં પાંચ-છ એપિસોડ મુકેલા પણ એક બે સિવાય કોઇ કોમેન્ટ આવી નહિ, એટલે હું નિરાશ થઇ ગયો. પણ એક રાત્રે પાછો જાણે કે મહાદેવનો સાદ પડ્યો કે તારું કામ છે એ કર અને આગળ શું થાય છે એની ચિંતા ના કર અને મેં ફરીથી નવા એપિસોડ્સ લખવાના શરુ કર્યા અને એક પછી એક નવા વાચકો મળતા ગયા અને એમની પોઝીટીવ કોમેન્ટ્સ મળતી ગઈ અને લેખન ચાલુ રહ્યું.

ઘણા વાચકો મિત્રો થઇ ગયા, ઘણા લોકો સાથે એક સ્નેહસેતુ બંધાયો એ બદલ હું મહાદેવનો ઋણી છું. જીવનમાં જેને તમે કદી મળ્યા પણ ના હો છતાં પણ એક સબંધ બંધાઈ જાય છે અને એ જીવનભર રહે છે. બધાના નામ અહી લઇ શકું એમ નથી પણ એ લોકો જાણે છે કે હું કોની કોની વાત કરી રહ્યો છું. મારા એ બધાને સાદર નમસ્કાર !

કૃપા કરીને આપના પ્રતિભાવો મોકલતા રહેજો. ફરીથી કૈલાશ પર્વત ડોલી રહ્યો છે, એક વિશાળ આકૃતિ એના પર પ્રગટ થઇ છે અને એણે નૃત્ય કરવાનું શરુ કરી દીધું છે. સૃષ્ટિ આ અદભુત અને અકલ્પનીય દ્રશ્ય જોઈ જ રહી છે, હું પણ જાણેકે ત્યાં બેઠો બેઠો આ બધું જોઈ રહ્યો છું ! બધું જ શાંત છે, એકાકાર છે, ઓમ શાંતિ...શાંતિ...શાંતિ...!

ઉમંગ ચાવડા.

umangchavda@gmail.com

 

 

 

***

Rate & Review

Om Vaja 2 days ago

Trupti Patel 2 days ago

vipul chaudhari 6 days ago

Viral 1 month ago

nice