Black Hole Part 4 books and stories free download online pdf in Gujarati

બ્લેક હોલ (ભાગ-૪)

બ્લેક હોલ (ભાગ-૪)

બ્લેક હોલ સ્પેસટાઇમને લગભગ અનંત સુધી મરોડી નાંખે છે. તો પછી સહજ પ્રશ્ન થાય કે અનંત સુધી મરોડાયેલા સ્પેસટાઇમની અંદર અર્થાત બ્લેક હોલની અંદર શું હશે? ત્યાં શું અનુભવાતું હશે? માની લો કે વિજ્ઞાનના નામે કુરબાન થવા કોઇ અંતરિક્ષયાત્રીને આપણે બ્લેક હોલની અંદર પડતું મુકવા દઇએ તો એ અવકાશયાત્રી શું અનુભવશે? આ સહજ પ્રશ્ન છે. દરેકને એ જાણવાની તાલાવેલી હોય કે બ્લેક હોલની અંદર શું અનુભવાતું હશે.

માનો કે તમે એક અવકાશયાત્રી છો અને બ્લેક હોલની રેન્જમાં આવીને તમે નીચે પડતું મુકો છો. તો શું થશે? માનો કે બ્લેક હોલ તરફ પડતું મુકતી વખતે તમારા પગ બ્લેક હોલ તરફ અને માથું ઉપરની તરફ હોય એ રીતે તમે અંદર ખેંચાઇ રહ્યાં છો. આવા સંજોગોમાં તમારા માથા કરતાં તમારા પગને લાગતું ગુરૂત્વાકર્ષણ અનેકગણું વધારે હશે. પગ બ્લેક હોલની જરાક અમથા વધુ નજીક છે જ્યારે માથું જરાક અમથું વધુ દૂર છે છતાં તમારી ઉંચાઇ જેટલું આ નાનકડું જરાક અમથું અંતર ગુરૂત્વાકર્ષણમાં મોટો ફેર પાડી દે છે. જેમ જેમ તમે બ્લેક હોલના કેન્દ્ર તરફ આગળ વધતાં જશો તેમ તેમ તમારા પગ વધુ ને વધુ ખેંચાવા લાગશે. પગની લંબાઇ વધતી જશે અને પહોળાઇ ઘટવા લાગશે. ઇવેન્ટ હોરાઇઝન સુધી પહોંચતા પહોંચતા તો તમારૂં શરીર સ્પઘેટી કે નૂડલ્સ જેવું થઇ જશે. સાદા બ્લેક હોલમાં પગથી માથા વચ્ચેનું નાનું અંતર પણ ગુરૂત્વાકર્ષણમાં મોટો ફરક પાડી દે છે. પરંતુ કોઇપણ આકાશગંગાના કેન્દ્રમાં હોય છે એવાં મહાકાય દળદાર બ્લેક હોલની સપાટી એટલે કે ઇવેન્ટ હોરાઇઝન અત્યંત વિશાળ હોય છે. ગુરૂત્વાકર્ષણ જ્યાંથી લાગતું હોય એ સપાટી જ ખાસ્સા મોટા વિસ્તારમાં ફેલાયેલી હોય છે. નાની સિંગ્યુલારિટિ વડે લાગતું ગુરૂત્વાકર્ષણ પગથી માથા સુધીના નાના અંતરમાં પણ મોટો ફરક પાડી દે છે. પરંતુ મહાકાય બ્લેક હોલની સપાટી એટલી તો ફેલાયેલી અને મોટી હોય છે કે આસપાસની સપાટી અરસપરસ ચોતરફથી ગુરૂત્વાકર્ષણ લગાવે છે. પરિણામે ગુરૂત્વાકર્ષણ ચોતરફી વહેંચાઇ જવાથી મહાકાય બ્લેક હોલ તમને નૂડલ્સ બનાવતો નથી. એટલે જો પડતું મૂકવું જ હોય તો સાદા નાના બ્લેક હોલ કરતાં મહાકાય બ્લેક હોલમાં પડતું મૂકવું હિતાવહ છે. સુર્ય કરતાં એકાદ લાખ ગણો મોટો બ્લેક હોલ કુદી પડવા માટે સારો છે. મૃત્યુમાં તકલીફ ઓછી પડે છે.

આતો થઇ શરીરને થતાં અનુભવોની વાત. પણ બ્લેક હોલમાં પ્રવેશતી વખતે મગજ શું અનુભવતું હશે? તમારા મગજને થતા અનુભવની વાત કરીએ તો તમને ખાસ કંઇ અલગ અનુભવ થશે નહીં. ગુરૂત્વાકર્ષણનું વધતું પ્રમાણ થોડો માનસિક ત્રાસ આપશે. એ સિવાયનું બધું રાબેતા મુજબનું ચાલે રાખશે. ધીરે ધીરે આગળ વધતાં તમે ઇવેન્ટ હોરાઇઝનને પણ ક્રોસ કરી જશો. માનો કે કોઇ બીજો અવકાશયાત્રી તમને પડતાં જોઇ રહ્યો છે. માનો કે એને તમારૂં અવલોકન કરવાનું કામ જ સોંપવામાં આવ્યું છે. આ વ્યક્તિ માટે આખો નજારો જ અલગ હશે. એ તમને ક્યારેય ઇવેન્ટ હોરાઇઝન ક્રોસ કરતાં નહીં જોઇ શકે. જેમ જેમ તમ ઇવેન્ટ હોરાઇઝન તરફ આગળ વધતાં જશો તેમ તેમ એને તમારી ગતિ ધીમી પડતી જણાશે. ક્રમશ: ધીમી પડતી ગતિ ઇવેન્ટ હોરાઇઝન સુધી પહોંચતા પહોંચતા તો સાવ ધીમી થઇને અટકી જશે. એ સાથી અવકાશયાત્રી અબજો વર્ષ રાહ જુએ તો પણ તમને ટસના મસ થતાં નહીં જોઇ શકે. ત્યાં તસુભાર ગતિ થતાં થતાં તો બહારની દુનિયામાં અબજો×અબજો વર્ષ વીતી જશે. આશ્ચર્ય લાગ્યું હોય તો આનું કારણ સમજવા જેવું છે. જેવાં તમે ઇવેન્ટ હોરાઇઝનની નજીક પહોંચો છો કે તમારા માટે સમય અત્યંત અત્યંત અત્યંત ધીમો પડી જાય છે. જોકે સમય ધીમો પડવાનો મતલબ કે તમારા વિચારો, તમારૂં કોષવિભાજન અને તમારી તમામે તમામ બાયોલોજીકલ પ્રોસેસ ધીમી પડી જતી હોવાથી તમને ધીમા પડેલા સમયનો અંદાજો નહીં આવે. બહારની દુનિયામાં અબજો વર્ષ વીતી જાય છે ત્યારે બ્લેક હોલની નજીક રહેલી તમારી ઘડિયાળમાં એકાદ સેકન્ડ માંડ વીતી હોય છે. એટલે જ તો તમને થતો અનુભવ રાબેતા મુજબનો છે પણ સાથી અવકાશયાત્રી માટે તમને બ્લેક હોલમાં પ્રવેશતાં જોવાં એ અબજો વર્ષોનો વેઇટિંગ પીરીયડ છે. માનો કે સાથી અવકાશયાત્રી અબજો વર્ષ સુધી જીવતો રહે છે તો એ તમને ઇવેન્ટ હોરાઇઝન ક્રોસ કરતાં જોશે ખરો. પણ જેવી તમે ઇવેન્ટ હોરાઇઝન ક્રોસ કરશો કે તરતજ બધું ગાયબ. તમે એનાં માટે સદંતર અંતર્ધાન થઇ જાઓ છો. ઇવેન્ટ હોરાઇઝનની પેલે પારથી હવે કોઇપણ પ્રકારનો પ્રકાશ આ તરફ આવી શકતો નથી. એટલે એની અંદર જતી રહેલી વસ્તુ તમારી દૃશ્ય મર્યાદાથી (દૃશ્ય-અદૃશ્ય દરેક મર્યાદાથી) હંમેશા માટે બહાર જતી રહે છે. હંમેશા માટે ગાયબ.

હાશ. ઇવેન્ટ હોરાઇઝન સુધી પહોંચ્યા અને એને પાર પણ કરી દીધી. હવે વાત આના પછીના સ્ટેપની. એટલે કે ઇવેન્ટ હોરાઇઝન ક્રોસ કર્યાં પછી તમને થતો અનુભવ કેવો હશે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ કોઇનીય પાસે નથી. ઇવેન્ટ હોરાઇઝનની અંદર એટલું બધું ગુરૂત્વાકર્ષણ છે કે પ્રકાશ પણ બહાર છટકી શકતો નથી. એટલે એની અંદર સંપૂર્ણ અંધકાર છે. એમાં શું છે એની ખબર ન પડી શકે એવો અંધકાર. ઇવેન્ટ હોરાઇઝનથી સિંગ્યુલારિટિ સુધી પહોંચતા સમય સાવ શૂન્ય થઇ જાય છે. સમય શૂન્ય થવાનો સચોટ અર્થ શું કાઢવો એ પણ એક પ્રશ્ન છે. ત્યાં દરેકે દરેક પ્રક્રિયા અટકી જાય છે. માણસ તરીકે અનુભવ કરવા માટે અસીમ ગુરૂત્વાકર્ષણમાં પણ માનવશરીર સલામત રહે છે એવી કાલ્પનિક ધારણા કરીને આપણે આગળ ચાલીએ તોય બ્લેક હોલના કેન્દ્રમાં તમારૂં અસ્તિત્વ સલામત રહેશે કે કેમ એ સવાલ છે. એક અવલોકનકાર તરીકે સમયને શૂન્ય થતાં અને બધે બધું અટકી જતાં તમે કઇ રીતે જોશો? સમય શૂન્ય થાય એનો અનુભવ કેવો હશે? એનો અનુભવ હશે ખરો? આ બધા જવાબો આપવા એ લગભગ દરેક વૈજ્ઞાનિકની કેપેસીટી બહારનું છે. આ બધી વસ્તુઓના અનુભવ કોઇ કરી શકે એમ નથી એટલે એ પ્રશ્નો હંમેશ માટે અનુત્તર રહી જાય છે. કદાચ ભવિષ્યમાં આવા કોઇ જવાબ મળે એવી આશા રાખીએ તોય હાલ તો આ બધા પ્રશ્નો અનુત્તર રહી જાય છે.

માનવ અનુભવથી જરાક આગળ આવીને બ્લેક હોલના કેન્દ્રના ગણિત અને વિજ્ઞાનની વાત કરીએ. બ્લેક હોલનું કેન્દ્ર એટલે સિંગ્યુલારિટિ. સિંગ્યુલારિટિની વ્યાખ્યા ફરીથી એકવાર તાજી કરી લઇએ. ગોળાકાર તારો અનંત સંકોચન પામીને બિંદુવત જગ્યાએ સ્થિર થાય ત્યારે અનંત ઘનતા ધરાવતાં એ બિંદુને સિંગ્યુલારિટિ કહે છે. બ્લેક હોલની અંદર સ્વાહા થતી દરેક વસ્તુઓ ઉર્જામાં રૂપાંતરિત થઇ જાય છે. દરેકેદરેક વસ્તુ તેની શરૂઆતની અવસ્થાની માહિતી ગુમાવી દે છે. બ્લેક હોલ તેમાં હોમાતી દરેકેદરેક વસ્તુનું કૂલ દળ, ભ્રમણની અવસ્થા (જેને કોણીય વેગમાન કહીશું) અને વિદ્યુતભાર આ ત્રણ જ માહિતી યાદ રાખે છે. બાકી તમામ માહિતી નાશ પામશે!!! અહીં ‘નાશ પામશે’ એ શબ્દ ઊર્જા સંરક્ષણના નિયમનો ભંગ કરતો દેખાય તો ચિંતા કરવાની જરૂર નથી. સિંગ્યુલારિટિમાં કંઇકેટલાય નિયમોનો ભંગ થાય છે. એટલે એ બાબતે હજી વધુ સંશોધન ચાલી રહ્યું છે. કદાચ ‘નાશ પામતી’ માહિતી ખરેખરમાં નાશ પામતી ન હોય અને બીજા બ્રહ્માંડમાં જતી રહેતી હોય તોય શું ખબર? આમાં પાછું ઊર્જા સંરક્ષણના નિયમને એકથી વધુ બ્રહ્માંડોમાં સમગ્ર રીતે લાગુ પાડવો કે જે-તે બ્રહ્માંડ પુરતો સિમિત રાખવો એ પણ ચર્ચાનો વિષય છે.

આડા અવળા કારણો આપવા છતાં માહિતી સંપૂર્ણપણે નાશ પામે છે એ બાબત ભૌતિકવિજ્ઞાનના પ્રસ્થાપિત નિયમો સાથે સીધી ટકરાતી હતી એટલે એનો તોડ કાઢવો અત્યંત જરૂરી હતો. વર્ષ ૧૯૭૦માં પ્રકાશિત થયેલાં એક રિસર્ચ પેપરે આ બાબત પર પ્રકાશ પાડ્યો. એ સંશોધન અનુસાર બ્લેક હોલની આસપાસનો ઇવેન્ટ હોરાઇઝનનો કૂલ વિસ્તાર અચળ નથી. જેવું બ્લેક હોલમાં કંઇપણ વસ્તુ પતન પામશે કે તરત જ ઇવેન્ટ હોરાઇઝનના વિસ્તારમાં સહેજ વધારો થાય છે. થર્મોડાઇનેમિક્સના બીજા નિયમ અનુસાર બ્રહ્માંડની એન્ટ્રોપી (અવ્યવસ્થાનું પ્રમાણ) સતત વધે છે. વધતો વિસ્તાર અવ્યવસ્થાને વધવામાં મદદ કરે છે. એટલે એ પણ નિયમોનુસારનું છે. છતાં બ્લેક હોલ જે તારામાંથી બન્યો છે એ તારાની માહિતી અને જે તારાને એણે આરોગ્યો એ તારાની તમામ માહિતી એમાં જળવાતી નથી. ઇવેન્ટ હોરાઇઝનનો વિસ્તાર વધારીને પણ માહિતી જળવાતી નથી. એમાં માત્ર દળ, કોણીય વેગમાન અને વિદ્યુતભાર એ ત્રણ ગુણધર્મો જ જળવાઇ રહે છે. એ સિવાયની પદાર્થ કે ઉર્જાને લગતી તમામ માહિતી નાશ પામે (જી હા. નાશ પામે) છે. આપણા બ્રહ્માંડમાં નાશ પામેલી માહિતી અન્ય બ્રહ્માંડમાં જાય છે કે નહીં એ વિશે હાલ તો કોઇ નક્કર માહિતી નથી. પણ એટલું ખરૂં કે બ્લેક હોલ અને સિંગ્યુલારિટિ બાબતે સંશોધન કરીને આપણને વાસ્તવિકતાના અતિ ઉચ્ચ આયામો વિશે ઘણું જાણવા મળ્યું છે અને હજી વધુ ને વધુ જાણવા મળતું રહેશે.