રામાપીરનો ઘોડો - ૭

વિરલ પાછળની સીટમાં બેઠો હતો અને જયાને એની બાજુમાં સુવડાવેલી. સીટને અઢેલીને બેઠેલી જયા હજી બેહોશ હતી, એની આંખો બંધ હતી અને એ બંધ આંખો વિરલને પોતાની તરફ ખેંચી રહી હતી!


આજ સુંધી વિરલે અસંખ્ય છોકરીઓ જોયી હતી. સુંદરમાં સુંદર પણ કોઈને જોઇને એણે આવું મહેસુસ નહતું થયું! હાલ એ જે કંઈ અનુભવી રહ્યો હતો એ અદ્ભુત હતું. જયાની બંધ આંખોના પોપચા એને દુનિયામાં જોયેલી હર એક ચીજ કરતા વધારે સુંદર લાગી રહ્યાં હતા. ધવલ ગાડી ચલાવતો હતો અને આયુષ આગળ ધવલની બાજુમાં બેસેલો, અહી પાછળની સીટ પર વિરલ દુનિયા ભુલાવીને જયાની  બંધ આંખોના પોપચા નિહાળતો બેઠો હતો. બે મોટી, બદામ આકારની આંખોના ગુલાબી પોપચાં કેટલા સુંદર લાગતા હતા....એની કિનારે ઘાટા કાળા રંગની લાંબી પાંપણ જેના છેડા ઉપરની તરફ વળેલા હતા! એ ગુલાબી પોપચાં પર ઝીણી ભૂરી, નસ દેખાતી હતી, વિરલ એ નાદાન નસને જોવામાં વ્યસ્ત હતો. બરોબર એજ વખતે જયા ભાનમા આવેલી. જયાએ આંખો ખોલી હતી.


આહ...! કેટલી સુંદર હતી એ આંખો! જયાની બે મોટી, કથ્થઈ આંખોમાં વિરલ જાણે ધીરે  ધીરે ડુબી રહ્યો હતો, અચાનક એના નાક ઉપર એક મુક્કો પડ્યો. બરોબર નાકના આગળના ટોચકા પર જ પડેલા જોરદાર મુક્કાએ વિરલના મોંમાથી એક હળવી ચીસ નિકાળી દીધી! એ જયાથી દુર ખસીને એનુ નાક પંપાળી રહ્યો હતો. આટલેથી હજી પતતું ના હોય એમ જયાએ ફરીથી વિરલ પર હુમલો કરેલો. એ બન્ને હાથની મુઠ્ઠીઓવાળી વિરલના ચહેરા પર ટુટી પડી . એક મુક્કો નાક પર પડ્યા પછી વિરલ સચેત જ હતો, એણે એનુ નાક છોડી એક હાથમા જયાનો એક હાથ અને બીજા હાથમાં બીજો હાથ પકડી લઈ, જયાને સીટ તરફ ધકેલવાનો પ્રયાસ કર્યો. હવે આજ પળે ધવલે પાછળ કઈક ગરબડ થતી જોઇને ગાડીને સાઇડમા લઈને બ્રેક પર પગ દબાવેલો. ગાડી એક આંચકા સાથે ઊભી રહી ગયેલી.


જયા વિફરેલી વાઘણની જેમ જનૂને ચડેલી. બન્ને હાથ પકડાઈ જતાં એણે લાત મારવા એક પગ ઉપર ઉઠાવેલો, ગાડીના આંચકાથી એ સહેજ લથડી, સમતુલન ગુમાવી નીચે પડી. વિરલ પણ જયાના બન્ને હાથ પકડી રાખવાની મથામણમા જયાની પાછળ જ ખેંચાઇને નીચે પડ્યો.


ધવલે ગાડીમાથી બાર કુદીને ગાડીનો પાછલો દરવાજો ખોલ્યો. એને એમ કે જયા વિરલને મારી રહી છે પણ અહિં તો કંઈક ઔર જ નજારો જોવા મળ્યો. નીચે જયા અને ઉપર વિરલ, બન્ને ગાડીની આગલી અને પાછલી સીટ વચ્ચેની જગામા નીચે પડેલા હતા.


“વિરલ..! આ શું કરે છે? ઉભો થા.” ધવલે બુમ મારેલી.


“પહેલા આને કે મારવાનુ બંધ કરે.”


“જયા..! જયા શાંત થઈજા બેન. એને જવાદે. ”


જયા ભાનમા આવી એવીજ એને એની મમ્મીની યાદ આવી ગઈ હતી. લોહી લુહાણ હાલાતમાં એને રસ્ત્તા પર છોડીને એ એના કાકા સાથે ભાગી રહી હતી, એને ચક્કર આવતા હતાં, માથું ગોળ ઘૂમતું હતું, પછીનું કંઈ એને યાદ ન હતું.  આંખ ખુલતા જ એની સામે ઘુરી રહેલી વિરલની આંખો જોઇ એ થોડી ગભરાઇ હતી. એને એમ કે ગુંડાઓએ એને પકડી લીધી....  ને, સ્વબચાવમાં એણે એક મુક્કો વિરલના નાક પર જડી દિધેલો. એને એના માબાપ પાસે જવું હતું. એના માટે એ હવે પુરી તાકાતથી લડી લેવા તૈયાર હતી. ધવલનો પરિચિત અવાજ અને જયા  સાંભળી એ અટકી હતી. એને શાંત થયેલી જોતા વિરલે એના બન્ને હાથ છોડ્યા અને એ ગાડીની બહાર આવ્યો અને  જયાનો એક હાથ પકડી એને પણ બહાર નિકાળી. જયા હેબતાયેલી, હેરાન - પરેશાન, ત્રણ અજાણ્યા છોકરાઓ સામે એકલી, સુમસામ હાઇવે પર ઉભી હતી. વિરલ હજી એનુ નાક પંપાળી રહ્યો હતો. આયુષ ઘડીક જયા સામે જોઈ મોઢું બગાડતો વિરલના નાક પર ફુંક મારી રહ્યો હતો. ધવલને શું બોલવુ એ સુઝતું ન હતુ છતાં એણે ચાલુ કર્યુ,


“જો જયા તને કંઈક ગલતફેમી થઈ લાગે છે. અમે લોકો તારી મદદ કરી રહ્યા છિયે. રામજીકાકાએ જ કહેલુ તને અમારી સાથે લઈ જવાનું.”


રામજીકાકાનુ નામ સાંભળી પુતળા જેવી ઉભેલી જયાની આંખમાં ચમક  આવી, “કાકા ક્યાં છે? મારે એમની પાસે જવું છે.”


“એ તો મને ખબર નથી. એમણે ફક્ત એટલું જ કહેલુ કે તને અમારી સાથે લઈ જઈએ પછીથી એ ઘરે આવીને તને લઈ જશે.”


“ના. મારે ક્યાંય નથી આવવું. તું  મને આપણે ગામ મુકીદે.”


“ગામ તો બહુ દુર રહી ગયુ બકા. આપણે છેક અમદાવાદ આવી ગયા.” ધવલ એને સમજાવી રહ્યો.


“તો તું મને કોઇ બસસ્ટેન્ડ પર છોડી દે હું મારી મેળે જતી રહીશ.” ગભરાયેલી જયા કોઈ પણ ભોગે જલદી પોતાના પરિવાર પાસે પહોંચી જવા ઈચ્છતી હતી.


“એ શક્ય નથી!” ક્યારનોય ચૂપ ચાપ બધું સાંભળી રહેલો વિરલ બોલ્યો, “સુમસામ રસ્તા પર, અડધી રાતે, એકલી છોકરીને મુકીને અમે ના જઈ શકીયે.તારા કાકાએ અમારા પર ભરોસો મૂક્યો છે, હું એ તૂટવા નહિ દઉં.”


“તો તુય ચલ મારી સાથે.” જયાને વિરલ પર હજી ખીજ ચઢેલી હતી.


વિરલ એક પળ જયા સામે જોઇ રહ્યો.  બેહોશીમાં માસુમ, નાની બાળકી જેવી લાગતી આ યુવતી અત્યારે ગુસ્સામા જીદે ચડેલી, અલ્લડ યૌવના સમાન ભાસતી હતી. એને આજે ને આજે જ ફરીથી પ્રેમ થઈ  ગયો, એ પણ એની એજ યુવતી સાથે! એ યુવતી એને ભલે ખીજાઇને જ કહેતી હોય એ એની સાથે જવા તૈયાર હતો. વિરલના ચહેરા પર અનાયાસ જ સ્મિત આવી ગયું.


“ખુશીથી, તું કહે કે ના કહે, હું તારી સાથે જ રહીશ અને તને સલામત તારા માબાપ પાસે પહુંચાડીશ પણ, અત્યારે નહિં. તારા કાકાએ તને સુરત લઈ જવાનું કહ્યું છે, એમણે કંઈક તો વિચાર્યુ હશેને? એકવાર સુરત ભેગા થઈ જઈયે પછી તારા ગામ ફોન પર વાત કરીને જઈશુ.”


“તે ફોન હાલ જ કરને.” જયાએ ધારદાર આંખે જોતા કહ્યું.


વિરલ સહેજ હસ્યો.


“મને મારી મમ્મીની ચિંતા થાય છે, એને ગોળી વાગી છે. પપ્પા પણ ગુંડાઓ સાથે લડી રહયાં હતા, એ મને ભાગી જવાનું કહેતા હતા.એ બધાનુ શું થયુ હશે?”  જયા મમ્મી પપ્પાની યાદ આવતા ઢીલી પડી ગઈ. એની આંખમાંથી ગુસ્સો ઓગળી ગયો અને આંસુ વહી રહ્યા.


“તારા મમ્મી પપ્પાએ એ બધુ સહન શા માટે કર્યુ? તારા માટે! ગુંડાઓ સાથે લડ્યા, ગોળી ખાધી, શા માટે? તારા અને ફક્ત તારા માટે! તને સલામત જોવા માટે. તો તું શું થોડા દિવસ એમનાથી દુર ના રહી શકે? તને એમની ચિંતા છે, એ સ્વાભાવીક છે, ચિંતા થાય. આપણે એમની તપાસ સુરત પહોંચીને તરત કરાવીશુ. ધવલના પપ્પા પાસે ગામમાંથી કોઇકનો નંબર હશે.”


“વિરલ સાચુ કહે છે જયા. તું  મારા ઘરે ચાલ, તારી સાથે જે કંઇ બન્યુ એ મારા પપ્પાને જણાવજે એ જાતે તને ગામ લઈ જસે.” ધવલે જયાને સમજાવી.


“અરે યાર મને તો આ કોઇ પાગલ છોકરી લાગે છે. એના ઘરવાલાએ એનાથી પીંછો છોડાવવા આપણા ગળે વળગાડી દીધી! એને જો અહિં જ ઉતરવુ હોય તો ઉતારી દો.” આયુષે એનો અભિપ્રાય આપ્યો.


“અચ્છા, અને નિર્ભયાકાંડ જેવો  કોઇ શર્મનાંક હાદસો થાય એટલે તું બધાને કેંડલમાર્ચ કરવાનો મેસેજ કરીને ફેસબુક પર હિરો બનજે, હોં! વિરલે સહેજ ઉંચા સાદે કહ્યુ, “વોટ્સએપ પર બધાને લખીને મોકલજે, રસ્તે ઊભેલી એકલી છોકરી આપણી જવાબદારી છે, ચાન્સ નહિં!”


“હા, સાચેજ જવાબદારી છે.” આયુષ વિરલની વાતોમાં આવી ગયો.


 “તો જવાબદરીને ઘરે લઈ જવાની કે રસ્તે છોડી દેવાની?”


 “ઘરે લઈ જવાની, બોસ! ચલો જયાજી, તુસી ધવલકી બેન તો તુસી મેરીભી બેન હો જી!” આયુષ જ્યારે બહુ ખુશ હોય ત્યારે પણ પંજાબીમાં બોલતો.


આખરે પાછા બધા ગાડીમાં ગોઠવાયા. જયાને થયુ કે આ બધા છોકરાઓ સાથે સમય બર્બાદ કરવો એના કરતા ધવલને ઘરે પહોંચી જવુ વધારે સારુ છે. ધવલના માબાપને એ સારી રીતે ઓળખતી હતી. ધવલના પપ્પા એના બાપાને કેટલુ માન આપતા હતા એ જયાને ખબર હતી. જયાને હવે ફરીથી વિરલ સાથે નહતું બેસવું. આજની એક રાતે એની જિંદગીમાં જે જે બનાવ બની ગયાં એ બહુ હતું, હવે એને એમાનો એકે એને ફરી નહતો બનવા દેવો. જયાને એમ કે ધવલ ગાડી ચલાવશે  એટલે એ જઈને આગળની, ડ્રાઇવરની બાજુની સીટમાં જઈને બેઠી. ચલો, ઠીક છે કહીને આયુષ પાછળની સીટ પર ગયો. ધવલ ડ્રાઇવિંગ સીટ પરનો દરવાજો ખોલવા જ જતો હતો કે વિરલે કહ્યુ,


 “યારા... તું ક્યારનો ડ્રાઇવ કરે છે થાક્યો હોઇશ, લાવ ચાવી હવે હું ચલાવી લઈશ.”


“હા,યાર! લબ યુ!” ધવલે ચાવી હવામા છૂટ્ટી ફેંકી વિરલે એને પકડી લીધી.


 દરવાજો ખોલીને અંદર બેસતાજ વિરલે જયા તરફ જોઈ એક સ્મિત ફરકાવ્યુ. જયાએ એના હોઠના એક ખુણાને સહેજ લાંબો ખેંચીને, નજરને સામેની તરફ વાળી લીધી. વિરલ ગાડી ચાલું કરતાં કરતાં ફરીથી એકલો એકલો હસી પડ્યો.


આજની એક જ રાતમા એ ત્રીજી વખત પડ્યો હતો, પ્રેમમાં! અને એ પણ એની એ જ છોકરી સાથે! એણે ગાડીની ચાવી ગુમાવી અને એક્ષિલેટર પર પગ દબાવ્યો....


સવારનો સુર્યોદય થઈ રહ્યો હતો. ઉગતા સુરજ સામે જયા જોઇ રહી હતી. એમની ગાડી વરાછા ઓવરબ્રીજ પરથી પસાર થઈ રહી હતી. પાછળ આયુષ અને ધવલ બન્ને ઘોર નિંદ્રામાં પોઢી ગયા હતા. સુરજના સોનેરી કિરણો ગાડીની બારીમાંથી પ્રવેશીને જયાની વિખરાયેલી લટોને ચુમીને વિરલ પાસે પહોંચતા હતાં, વિરલના શરીર પર એ કિરણો સુખદ હૂંફ અર્પી રહ્યા હતા. હજી થોડાક કલાક પહેલા જ મળેલી એક સાવ અજાણી છોકરી વિષે અવનવા વિચારો વિરલ ના મનમાં જાગી રહ્યા હતા અને એ વિચારોના પ્રતાપે જ વિરલના ચહેરા પર એક સુંદર, રમતિયાળ સ્મિત રમી રહ્યું હતું.


 “વેલ કમ ટુ સુરત! કાલે રાત્રે અજાણતા હું કોઇ ભુલ કરી બેઠો હોવ તો, આઇ એમ સોરી! તને ઠેસ પહુંચાડવાનો મારો સહેજ પણ ઇરાદો નહતો. જે કંઈ પણ થયું એ એક અકસ્માત હતો.” વિરલે ખુબ જ શાંતિથી, પ્રેમથી કહેલુ.


જયાને પણ થયુ કે, વગર વિચારે બિચારાના નાક ઉપર મુક્કો મારી દીધો મારે પણ એની માંફી માંગવી જોઇએ પણ, એ કશું જ ના બોલી, ના બોલી શકી!એની નિયતિ એની સાથે એક રાતમાં જ ભયંકર રમત ગઈ હતી! એના માબાપ, પરીવાર, ગામથી દૂર એકલી એ ક્યાં આવી પહોંચી હતી? એની મમ્મીની હાલત કેવી હશે એ વાતે વ્યાકુળ જયા હાલ વિરલ વિષે વિચારી શકે એ હાલત જ ક્યાં હતી!

 

 

 

 

***