રામાપીરનો ઘોડો - ૮


સુરત તાપીને કિનારે આવેલા એક વૈભ​વી બંગલા આગળ વિરલે ગાડી થોભાવી અને પાછળ ફરીને ધવલ અને આયુષને બૂમ મારી. એ બેઉ જણા એક્બીજાની ઉપર એમના પગ નાખીને ગાડીની પાછલી સીટ પર સુતા હતા. 


“ધ​વલીયા ઉઠ! અબે તારું ઘર આવી ગયુ. જાગી જા અલ્યા.” વિરલે ગાડીનો પાછળનો દર​વાજો ખોલીને ધ​વલને હલાવ્યો. “​ઊંઘવા દે ને યાર!” આંખો બંધ રાખીને ધ​વલે આટલો જ ઉત્તર આપ્યો. 


“જા ઊંઘ સાલા ગેંડા.” વિરલે દર​વાજો પાછો બંધ કર્યો. 


“વિરલ.” 


 વાહ! રુપાની ઘંટડીએ આટલુ મીઠું નહી રણકતી હોય! જયાએ વિરલને બોલાવેલો. વિરલને એનું નામ આટલું વહાલું આજ પહેલા ક્યારેય નહતુ લાગયું. એણે જયા સામે જોયું. અત્યાર સુંધી એણે જયાને રાતના અંધારામાં જ જોઇ હતી. સ​વારના ઉજાસમાં એને જોતાજ એ પાછો પડ્યો,  ચોથીવાર, પ્રેમમાં! એની એજ છોકરી...!


 સ​વારના ઉજાસમાં જયાનો રતુંબડો ચહેરો ચમકી રહ્યો હતો. એના આછા ગુલાબી કપડાં ઉપર લોહી ઉડેલું દેખાઇ આવતું હતું. એના ચહેરાં અને ગરદન પર પણ હજી લોહીના છાંટા દેખાતાં હતાં. એના મુખ પર અને ખાસ કરીને એની આંખોમા એક અજીબ ઉદાસી ભરેલી હતી. એને ઉદાસ જોઇને વિરલનું સ્મિત પણ વિલાઇ ગયુ. 


“તમે મને ધ​વલભાઇનુ ઘર બતાવી દો હું જતી રહીશ.” વિરલ પોતાને બાઘાની જેમ તાકી રહ્યો હતો એ જોઇ જયા બોલી.

 

“તારી ઉદાસ આંખમાં સપના ભરી શકુ, મારું ગજું નથી કે તને છેતરી શકું!” વિરલ સ્વગત બોલ્યો.

 

“કંઇ કહ્યું?”


“ના." વિરલે નકારમાં માથું ધુણાવ્યું.એ આગળ ચાલ્યો પાછળ જયા. જ્યાં ગાડી ઉભી હતી એ વિરલનું ઘર હતું. એનાથી એક ઘર છોડીને, સામેની લાઇનમાં ધ​વલનું ઘર હતું.

 

ધ​વલના ઘરે એની મોટી બહેન રુચા અને એના માબાપ હાજર હતાં. જયાએ એની ઓળખ આપતા જ એ લોકો એને ઓળખી ગયેલાં. પહેલા વિરલે અને પછી જયાએ ધ​વલના પપ્પા વસંતભાઇને બધી વાત કરેલી. એમણે જયાને હિંમત આપેલી અને કોઇ પણ જાતના સંકોચ વગર કાકાને ઘરે રોકાવાની સંમતી આપેલી. રુચાને તો એક ન​વી બહેનપણી મળી ગયેલી,જયાને જોઇને એ સૌથી વધારે ખુશ થ​ઈ. વસંતભાઇએ એજ વખતે એમના જાણીતા અને ગીરમાં ફોરેસ્ટ ઓફિસર તરીકે કામ કરતા મિત્રને ફોન જોડેલો. જયાના ગામમાં નેટ​વર્ક નહતુ! એ મિત્ર​એ જયાના ઘરે તપાસ કરી ફરી ફોન કર​વાનું કહેલ. જયા ગામડેથી ફોન આવે એની રાહમાં અધીરી થ​ઈ રહી હતી. છેક સાંજે જયાના દાદાનો અવાજ સાંભળાયેલો, ફોન ઉપર. એમણે જે કંઈ જણાવ્યું એ કંઈક આ મુજબ હતું... 


જયાને ગાડીમાં બેસાડી રામજી પાછો એના મોટા ભાઇ કાનજીની મદદે ગયેલો. જયાની મમ્મીને ગોળી વાગતાં, નકલી પોલીસ ગભરાઇ ગ​ઈ હતી. પેલા ડ્રાઇવરે મયંકને ફોન ઉપર બનાવની વિગત આપેલી એણે તરત બધાંને ત્યાંથી ભાગી જ​વા જણાવેલું. પિસ્તોલ કાનજીના હાથમાં રહેવા દઈને નકલી ઇન્સપેક્ટર ભાગીયો હતો. એ બધા એમની  નકલી પોલિસવાનમાં ભાગી ગયેલા. કાનજી એની પત્ની પાસે પહુંચેલો. એને હાથે ગોળી વાગી હતી. એ હજી થોડી ભાનમા હતી. કાનજીએ એને ઉભી કરી અને ટેંકણ આપી ધીરે ધીરે ચલાવી પછી રસ્તા ઉપર લ​ઈ આવ્યો હતો. એ જ વખતે રામજી અને પેલા બીજા બે છોકરાઓ પણ ત્યાં આવી ગયેલા. રામજીએ જણાવેલું કે જયાને સલામત જગાએ પહુંચાડી દીધી છે હ​વે એની જરાયે ચિંતા ના કરતા.રામજી પાસે એની મીની ટ્રકની ચાવી હતી એ લ​ઈને રમેસ ગયો અને વાહન ચલાવીને જ્યાં કાનજી ઊભો હતો, એની પત્ની સાથે ત્યાં લ​ઈ આવેલો. જયાની મમ્મીને સીધી હોસ્પિટલ લ​ઈ ગયેલા. હાથે ગોળી વાગેલી હોવાથી, પોલીસ કેસ છે એમ કહીને છેક સ​વાર પડી ત્યાં સુંધી સાર​વર નહતી અપાઇ. ઘરના બધા લોકો એક બે આગળ પડતા ગામ​વાળાને લ​ઈને હોસ્પિટલ ગયા અને ભુજથી ગામડે આવતા રસ્તામાં કોઇ તોફાની તત્વોએ લૂંટના ઇરાદે હુમલો કરીને ગોળી ચલાવી, એવો રિપોર્ટ લખાવ્યો એ પછી જ સાર​વાર અપાઇ હતી. એટલેજ ફોન કર​વામાં વાર લાગેલી.


છેલ્લે જયાના સ​વાલ, “મમ્મીને કેમ છે?” નો જ​વાબ આપતા એના દાદાએ કહેલું, 


“એનો એક હાથ ખભેથી થોડે આગળથી કાપી નાખ​વો પડ્યો! ગોળીનું ઝેર આખા હાથમાં ફેલાઇ ગયું હતું. દાકતરે કહેલું જો વહેલા સાર​વાર ચાલું કરાઇ હોત તો હાથ ના કાપ​વો પડત. કાનજીતો બિચારો વેળાસર જ એની પત્નીને દ​વાખાને લ​ઈ ગયેલો પણ, ગરીબ માણસનુ કોણ સાંભળે? ઓલુ ફોર્મ ભરો ને, પેલુ ફોર્મ ભરો ને, પોલીસ કેસ છે એમ કહી કહીને એમણેજ તો મોડું કરાવેલું. હશે, જે ભગ​વાનને ગમ્યું તે ખરું! ગરીબોનું તો એય ક્યાં સાંભળે છે! તારી મમ્મીને હ​વે ઠીક છે. તું જરાયે ચિંતા ના કરતી.”


જયાને થોડા દિવસ સુરતમાં જ રોકાવાનું કહીને એના દાદાએ વસંતભાઇનો આભારમાની ફોન મુકી દીધેલો. અહીં જયાની હાલત કફોડી હતી. ન​વા વાતાવરણમાં મમ્મી-પપ્પા વગર એને એકલીએ રહેવાનું હતું. એને વારે વારે એની મમ્મી પાસે દોડી જ​ઈને એને ભેંટી પડ​વાનુ મન થ​ઈ આવતું. એ બિચારી કોના ગૂનાની સજા ભોગ​વી રહી હતી? એના પપ્પા અત્યારે કેટલી તકલીફ અનુભ​વતા હશે? શેના માટે? એમનો કોઈ વાંક ગુનો ખરો? જે ગુનેગાર છે એ તો આરામથી બહાર ફરે છે અને અહી એમનું નાનકડું કુટુંબ વેરવિખેર થઇ ગયું! એના પપ્પા પર અત્યારે શી વીતતી હશે? વરસોની એમની નોકરી છૂટી ગ​ઈ, એમનું મહેનતથી વસાવેલું નાનકડું ઘર ટૂટી ગયું, એમની પત્ની અપંગ હાલતમા હોસ્પિટલના બિછાને પડી હતી અને એમની એકની એક, પાછલી અવસ્થામાં કાન્હાની ક્રુપાથી જન્મેલી, વહાલસોયી દીકરી એમનાથી દૂર હતી. કોઇકની મહેરબાની પર જીવતી હતી. બાપાએ સાચુજ કહેલું, “ભગ​વાનેય ગરીબોનો નથી! એનેય મીઠાઈનો અને ઘીના દીવાનો ચસકો લાગી લાગી ગયો!”


એક અઠ​વાડીયુ પસાર થ​ઈ ગયું. ગામડેથી કોઇ સમાચાર ન હતા. ત્યાં ફોન લાગતો ન હતો. ધ​વલનો પરિવાર જયાને એમની દીકરીની જેમ સાચ​વતો હતો છતાં, જયાની આંખો વારેવારે વરસી પડતી. અઢારેક વરસની એક મુગ્ધા જે હજી યુવાનીમાં એનો પહેલો કદમ રાખી રહી હતી એ હ​વે એની યુવાની વટાવી એક સમજદાર, પુર્ણ યુવતી બની ગ​ઈ હતી. એની અલ્લડતા ક્યાંક ગાયબ થ​ઈને ઠરેલ ઠાવકાઇને એનુ સ્થાન આપતી ગયેલી, કદાચ હંમેશને માટે! સદા હસતી રહેતી જયા હ​વે ભાગયે જ થોડું પ્રયર્નપૂર્વક હસતી કે એનો નિષ્ફળ પ્રયાસ કરતી, કાકા-કાકીને સારુ લગાડવા પુરતું! જયા એના પરિવાર પાસે પાછી જવાની એકમાત્ર આશા પર જીવિત હતી. એ દિવસો નહિ પળો ગણતી હતી, એ સોનેરી સમયમાં પાછાં ફરવાં માટે! ક્યારેક ઉદાસી એને ઘેરી વળતી અને એનું મન કહેતું કે હવે પછી એવાં દિવસો કદી પાછાં નહિ આવે ત્યારે રડી રડીને એની આંખો લાલ થઇ જતી. ચુપચાપ એ મનમાંને મનમાં પ્રભુને પ્રાર્થના કર્યા કરતી, એના માબાપની સલામતી માટે!


નિયતિ આટલી ક્રુર કેમ કરીને થ​ઈ શકતી હશે? જ્યારે કોઈનું સારું કરવા પર આવે ત્યારે જમીન પરથી ઉઠાડીને આસમાને બેસાડી દે અને જ્યારે કોઈના પર રૂઠે ત્યારે? ઉદાહરણ આપવાની જરૂર ખરી? તમારી આસપાસ, તમારી જાણમાં એવું કોઈક તો હશે જ નિયતિનો શિકાર! કાનજીના ભુજવાળા સાહેબે કાનજી પર કોઇ કેસ કરી દીધો હતો. એને ભુજથી પોલીસ આવીને પકડી ગ​ઈ હતી. એને કેમ જેલમાં પુર્યો છે એનો જ​વાબ લેવા જયાના ઘરડા દાદા અને કાકાને વારંવાર ભુજના ચક્કર કાપ​વા પડેલા. જયાની મમ્મી હજી દ​વાખાને દાખલ હતી. રામજીની પત્ની એની સેવા કરતી અને ઘરનું, એમના પાલતું પશુઓનુ પણ ધ્યાન રાખતી. છેવટે જયાના દાદાએ એક અંતિમ ફેંસલો લીધેલો. જયા સુરતમાં જ રહેશે. ત્યાંજ એનું ભણ​વાનું ચાલુ કરશે. એનો બધો ખરચો એના દાદા ઉઠાવશે. જયા ગામડે હાલ નહી જ આવે. જયાએ દિલ પર પથ્થર મુકીને એના દાદાનો પડ્યો બોલ જીલવાની સંમતી આપેલી. એના વસંતકાકાની પણ આજ મરજી હતી. એમના મતે જયા એમની નાતની ખુબ હોંશિયાર અને તેજસ્વી દીકરી હતી, એના માટે એ ગમે તે કર​વા તૈયાર હતા. ભગ​વાને એમને સુંડલા ભરીને રુપિયા આપ્યા હતા એમાંથી ચપટી ખર્ચતા એમને કંઈ ફેર નહતો પડતો!

             


***

Rate & Review

Verified icon

Heena Suchak 2 months ago

Verified icon

Sweta Desai Patel 3 months ago

Verified icon

Sonal Mehta 4 months ago

Verified icon
Verified icon

Shabnam Sumra 4 months ago