લવ મેરેજ - 12

"શાંતીકાકા તમે વાતને સમજો. મને આ કોઈ જાળ લાગે છે " અહાન ખુરશી પાસે ઊભો હતો. તેની પાસે અનવી ઊભી હતી. નીતુના ચહેરા પર આશ્ચર્ય હતું. તેને સમજમાં નહોતું આવી રહ્યું કે હવે અહાન શા માટે મદદ કરવા માટે ખચકાય છે. શાંતીકાકા તેની આદત વશ વારેવારે માત્ર એક જ વાત રટી રહ્યા હતા "આપણે તેને બચાવવો પડશે"

અહાને શાંતીકાકાને પૂછ્યું કે તેના પર ફોન આવ્યો ત્યારે મદદની પોકાર કરતો પીયૂશ થોડી જ વારમાં સૌમ્ય સ્મિત કેવી રીતે કરી શકે? આ સવાલનો જવાબ શાંતિકાકા પાસે નહોતો. તેઓ થોડી વાર માટે અચકાયા  તેણે આ સવાલનો જવાબ દેવા માટે મિથ્યા ફાંફા માર્યા પરંતુ તેનો જવાબ માત્ર એક જ હતો કે દાળમાં કંઈક કાળું છે. છતાં જેમ ડૂબતા માણસને તરણાનો સહારો પૂરતો લાગે તેમ  અહાનના સવાલને અવગણી શાંતીકાકા સંભાવનાને આજમાવવા માટે ઉત્સુકતા હતા. ખરેખર કહો તો મજબૂર હતા.

 શાંતીકાકાએ  અહાન પાસેથી કોમ્પ્યુટરની માગણી કરી. તેણે નીતુને લઈને પીયૂશની શોધ કરવા નીકળી જવાનો પ્રસ્તાવ મુક્યો પરંતુ જટાયુને  કોઈ પણના હાથમાં સોંપવા અહાન બિલકુલ રાજી નહોતો તે જાણતો હતો કે નીતુ કે શાંતીકાકા જટાયુનો દૂરઉપયોગ નહીં કરે છતાં ભવિષ્ય પર અહાનને ક્યારેય ભરોસો નથી આવતો. આવનારી પળ સર્જન કરશે કે પછી વિનાશ, તેનો અંદાજો કોઈ નહીં લગાવી શકે તેથી અહાને વૃદ્ધહઠ સામે નમતું જોખી શાંતીકાકા સાથે જવાની સંમતિ આપી.
એક લાંબી સફર બાદ તેઓ એક નાનકડા ગામડામાં  પ્રવેશ્યા. અહાન તેની કારમાંથી વારેવારે કાચમાં નજર કરતો તેને શંકા હતી કદાચ કોઈ તેમનો પીછો કરી રહ્યું છે. માણસના મનમાં જ્યારે આ ડર હોય છે ત્યારે મોટાભાગે કોઇને કોઇ તે માણસ પર નજર રાખી રહ્યું હોય છે.

અહાનને કોઈ જોખમ લેવું નહોતું એટલે ચેતતા નર સદા સુખીનો નિયમ પાળતા તે ખૂબ જ સાવચેત થઈ ગાડી ચલાવતો હતો. શાંતિકાકા આવનારી પળની સંભાવનાને મનોમન ચકાસી રહ્યા હતા. ખૂબ લાંબી યાત્રા યાત્રા બાદ અહાને એક ગલીમાં પોતાની કાર પાર્ક કરી. તેઓ સિહોર નામના નાનકડા ગામમાં, એક છોડી દેવાયેલી ફેક્ટરીની તલાશમાં આવ્યા હતા. ફેક્ટરી નું નામ હતું ખોડીયાર પોટરી. આ કંપનીએ નાનકડા ગામમાં રહીને બહુ વિશાળ કાર્ય કર્યું હતું. આ કંપનીનો એક રસ્તો રસપ્રદ કિસ્સાની અહાને શાંતીકાકાને સંભળાવી. ગામના એક શેઠ ફરવા માટે ફ્રાન્સ ગયા. પેરિસની મજા માણી તેઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમને વિચાર આવ્યો કે યાદગીરી માટે કશું ઘેર લઈ જાઉં. વર્ષો પહેલા શેઠે તે સમયના મૂલ્ય પ્રમાણે 1500 રૂપિયાની એક ચીનાઈ માટીની બનાવેલી ટ્રે ખરીદી. ઘેર પહોંચી શેઠાણીને ગિફ્ટ તરીકે તે ટ્રે આપી. શેઠાણી રાજી થવાને બદલે ગુસ્સે થઈ ગયા.શેઠે  તેમના ગુસ્સાનું કારણ પૂછ્યું તો ખબર પડી કે શેઠ ફ્રાન્સ જઈને પણ ખોડીયાર પોટરીની ટ્રે લઇ આવ્યા હતા. ટ્રેની નીચે લખ્યું હતું મેડ ઇન ખોડિયાર પોટરી.

 ફેક્ટરીનો ભંગાર જોઈને બન્ને તેના ભવ્ય ભૂતકાળની કલ્પના કરવા વિવશ થઈ ગયા.  વર્ષો પહેલા આ ફેક્ટરીની પોતીકી રેલવે ટ્રેક લાઇન હતી જે છેક ફેક્ટરીની અંદર સુધી આવતી. રેલવે સ્પેશિયલ આ કંપનીનો માલ સામાન લેવા માટે આવતી. કાચો માલ અને તૈયાર માલ બંને અલગ અલગ શિફ્ટ પર લાવતો અને લઈ જવાતો. ઉજ્જડ જમીનમાં શાંતીકાકાએ પગ મુક્યો. તેમણે ફેક્ટરીના ગેટને ધક્કો લગાવ્યો. તરત જ જૂના લોઢાના ઘર્ષણ નો તીવ્ર અને અજીબ અવાજ દાંતમાં કંપકપી કરવા લાગ્યો.

અહાન આજુબાજુ નજર ફેરવતો ફેક્ટરીમાં પ્રવેશ્યો. તેના હાવભાવ કોઇ જાસૂસ જેવા હતા. તે શાંત હતો. તે વધારે હરકત નહોતો કરી રહ્યો. તે થોડો ચાલ્યો. ચાલતાં ચાલતાં તે થોડીક વાર ઉભો રહ્યો. સાવ નીરવ ઘરમાં તે થઈ રહેલા સળવળાટને સાંભળી રહ્યો હતો. તેણે આસપાસ ફરી દ્રષ્ટિ કરી. શાંતીકાકા બેફિકર થઈ પુત્ર મિલનની આશામાં આગળ વધ્યા. ખાલીખમ ઓરડામાં ખાસ કશો સામાન રહ્યો નહોતો. જૂની ભઠ્ઠીઓ ક્યારની શાંત થઇ ગઇ હતી. ભઠ્ઠીની કાળાશ હવે ધૂળમાં મળીને ભૂખરા રંગની થઈ ગઈ હતી. જમીન પર ધૂળની ચાદર બિછાવેલી હતી. ગરમીની અસર ઓછી કરવા માટે ફેક્ટરીની દીવાલો ખૂબ જ ઊંચી  બનાવેલી હતી. દીવાલોમાં વિશાળ કાચની બારીઓ બેસાડેલી હતી. તેમાંથી એક પણ બારી હવે સલામત નહોતી. બધી બારીઓ તૂટેલી હતી. જેથી ફેક્ટરીમાં પ્રકાશની જરા પણ કમી નહોતી. 

અજવાળા ઓરડામાં પ્રકાશનો એક શેરડો સીધો અહાનના ચહેરા પર પડ્યો. અહાનની આંખો અંજાઈ ગઈ. અહાને ચહેરા આડે હાથ રાખ્યો. 

"શાંતીકાકા એકલા એકલા ફરવા નીકળ્યા છો" ટોર્ચને નીચે કરતો એક માણસ બોલ્યો.

સંકોચાયેલી આંખની પૂતળીઓને ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડી રહી હોય શાંતીકાકા અને અહાન બંને એકીટશે અવાજની દિશામાં જોઈ રહ્યા.

"તો દિકરાએ સંદેશો મોકલ્યો છે" ફેક્ટરીની એક દિવાલ પર પીયૂશનો શર્ટ ટીંગયેલો હતો. શર્ટના ખીસ્સામાં એક કાગળ દૂરથી પણ જોઈ શકાતો હતો. જોકે અહાનનું ધ્યાન તેના પર હજી સુધી પડ્યું નહોતું. 

થોડો પ્રકાશ ઓછો થતાં અહાન અને શાંતીકાકાને તે બોલનાર વ્યક્તિનો ચહેરો પણ દેખાયો.

"જયદેવ તું" શાંતીકાકા બોલ્યા 

"કાકા મને તો પહેલેથી જ તમારા પર ભરોસો નહોતો. તેથી મેં હંમેશા તમારો પીછો કર્યો હતો. મને લાગતું હતું કે અહાનનો પીછો કરવો અઘરો પડશે પરંતુ હકીકતમાં એવું કશું ન થયું" જયદેવ પોરસાતો બોલ્યો.

અહાન જરા અમસ્તો આગળ વધ્યો ત્યાં જયદેવના ચમચાઓએ તેને ઘેરી લીધો. જયદેવ એક આગવી છટાથી ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. તેણે ખીંટીંએ ટીંગાતા શર્ટના પોકેટમાંથી કાગળ કાઢ્યો. નાદિરશાહે મયુરાસન જીતી લીધું હોય તેમ જયદેવ હરખાઈ રહ્યો હતો. તેણે સળ વળેલા કાગળને ખોલ્યો. 

"જોયું હું નહોતો કહેતો, દીકરાનો સંદેશો છે' જયદેવે કાગળ પર નજર કરતા કહ્યું. તે હસી રહ્યો હતો પરંતુ તેનું હાસ્ય કપટથી ભરેલું હતું. તેની નજર તો હજી કાગળ પર જ હતી. તે અધીરો થઇને કાગળ વાંચી રહ્યો હતો. 
***

જેઓ આ કાગળ વાંચી રહ્યા છે, મારે તેને મારા હૈયાની વાત કહેવી છે. ઘણા સમયથી એક ભાવનાનો ડૂમો મારા કંઠમાં રૂંધાય છે . તે મારા શ્વાસને અવરોધે છે. મારા મન પર કાળમીંઢ પથ્થર માફક બેસી જાય છે. મને ખબર નથી મારી વાત મારો મિત્ર વાંચી રહ્યો છે કે પછી મારો દુશ્મન પરંતુ હવે મારા માટે બંને એક સમાન છે. મારી અરજ માત્ર એટલી છે કે મારી વાત મારી પહેલી પત્ની માલીની સુધી જરૂર પહોંચે. મહેરબાની કરીને મારો પત્ર માલીનીને પહોંચાડશો.

જિંદગી સાવ સીધી સરળ વીતી રહી હતી તેથી રોજિંદી જિંદગી મને  ફીક્કી લાગવા માંડી. માલિની મારા માટે મારી જરૂરિયાત સંતોષવા સાધન હતું. સાચું કહું તો તે મારા માટે ઘરની દાળ નહી પરંતુ મોઝરેલા પીઝા હતી છતાં પણ મારે તો એક્સ્ટ્રા ટોપિંગઝ અને  એક્સ્ટ્રા ચીઝ જોઇતું હતું. તેથી મેં રોજ બહાર જમવાનું નક્કી કર્યું. સમય જતાં જે મળે, જેવું મળે, તે જમવાની આદત પડી ગઈ મારી અય્યાશી મારી આદત બની ગઈ. લોકો તેની ચર્ચા કરવા લાગ્યા. મને તેમાં મારી શોહરત લાગવા લાગી. મેં ઘણાં બધાં લગ્નેતર સંબંધો બાંધ્યા. મહિલાઓને યુઝ એન્ડ થ્રો માફક વાપરતા મને ખૂબ આવડી ગયું હતું. મારા માટે મહિલા તો માત્ર એક શિકાર હતી. બે ત્રણ વાર તેના શરીર સાથે રમી લેવાનું પછી કોઈ વાતમાં ઝઘડો કરી, તેને છોડી દેવાની. ફરી બીજી સ્ત્રીને ફંસાવવાની.

આવી જ ઘટના માનસી સાથે બની. એ ઉઘડતા ફૂલ જેવી છોકરી. તેના દેહનો પૂરેપૂરો રસ નિચોવી. મેં તેની અવગણના શરૂ કરી દીધી. ન તો ફોન રિસિવ કરતો, ન હતો તેના ટેક્સનો જવાબ આપતો. તે બિચારી એકવાર લેબ સુધી પણ આવી પહોંચી. પરંતુ મારા કહેવાથી મારા આસિસ્ટન્ટે  તેને બહારથી જ ભગાવી દીધી. હું એવું માનતો હતો કે સતત કોઈના સહવાસમાં રહેવાથી મને તેની આદત પડી જશે. તેથી સાવ નફફટ થઇને દરેક સ્ત્રીને હું માત્ર પોતાનો ખોરાક જ સમજતો. એક દિવસ મેં તેને સામે ચાલીને ફોન કર્યો . આજ તેનું પત્તુ સાફ કરવાનો મેં મનોમન નિર્ણય કર્યો હતો.
 
માનસી એ ફોન ઉપાડ્યો, ફોન ઉપાડતા જ તેણે કેટલાય સવાલોનો મારો કરી દીધો . તેના મનમાં ચાલતી દરેક સંભાવનાઓને તેણે એક સાથે પ્રગટ કરી દીધી. પીયૂશ સાથે શું થયું હશે કે તે ફોન નહોતો ઉપાડતો? શું તેની તબિયત ખરાબ હતી?  શું તે કોઈ મૂંઝવણમાં હતો? શું તે શહેર બહાર ગયો હતો? શું તે કામના ટેન્શનમાં હતો? તેણે કેટલીય સંભાવનાઓ વિચારી લીધી હતી. કદાચ આટલા દિવસથી તે આટલું બધું વિચારી રહી હશે અને તેના ભયમાં જીવી રહી હશે. પરંતુ મારા પર આ બધાનો કશો ફેર નહોતો પડવાનો. મને માનસીના સ્વરમાં લાગણી, ચિંતા, ઉત્સાહ કે ગમ કશું નહોતું વર્તાયું. 

"સાંભળ છોકરી તારા માટે હું એક જ હોઈશ પણ મારા માટે તું 50મી છો. એટલે હવે મને ભૂલી જા. હું હવે તારી સાથે કોઈ સબંધ નથી રાખવા માંગતો. તુ જેટલો મને વહેલો ભૂલી જઈશ તેટલું તારા માટે સારું થશે" મેં ફટાફટ મનમાં રહેલું વાક્ય કહી દીધું. જો કે આ શબ્દો મેં અગાઉ પણ કેટલીય સ્ત્રીઓને કહેલા છે. તેથી મારા માટે આ કોઇ નવી વાત નહોતી પરંતુ માનસી તો પહેલી વખત જ પ્રેમમાં પડી હતી. હું તેનો પહેલો પ્રેમ હતો. તેણે મારા પર ભરોસો મૂકી પોતાની આબરૂ ,પોતાનું સ્વામાન અને પોતાનું શરીર મારા હાથમાં સોંપી દીધી હતી.આ ક્ષણે માનસીના હાવભાવ કેવા હશે તે ટેલીફોન દ્વારા દેખાઇ નથી શકતા છતાં મને તે જાણવાની જરા પણ તસ્દી નહોતી. હું આ વાર્તાલાપ જલ્દી પૂર્ણ કરવા ઇચ્છા ધરાવતો હતો જેથી હું મારી જિંદગીમાં નવા રંગ ભરી શકુ.

માનસીએ આ શબ્દો સાંભળ્યા પછી સાવ પત્થરની બની ગઈ. જાણે દુનિયામાં એકસામટા બધા જ દુઃખ ઈશ્વરે તેના શિરે નાખી દીધા હોય. તે રડવાનું ચાહતી હતી પરંતુ તે રોઇ શકી નહીં. તે બોલવાનું ચાહતી હતી પરંતુ તે બોલી શકી નહીં. તે શૂન્યમનસ્ક હતી. તેના મનમાં ચાલતી ભાવનાઓની એક્સપ્રેસ ટ્રેન એકાએક બંધ થઈ ગઈ.

"ચાલ હવે ફોન મુક"  સામા છેડેથી કશો પ્રત્યુત્તર ન સંભળાતા મેં કહ્યું . મેં આવા પણ ઘણા કેસ જોઈ લીધા હતા. હું  છોકરી સાથે પ્રેમ કરતા પહેલા જ બ્રેકઅપ માટે શું કરવાનું છે તે ચકાસી લેતો. મને ખબર હતી કે માનસી કશું બોલશે. તેથી મેં કોલ હજી ચાલુ રાખ્યો હતો. થોડા સમયના ઈંતજાર પછી માનસી બોલી. 

"તું આ વાત મને રૂબરૂ કહેજે હું અહીંથી નીકળું છું. હોસ્પિટલ રોડ પર આવ" માનસીએ તરત જ કોલ કટ કરી નાખ્યો. મને લાગ્યું હતું કે તે રોશે, ધોશે, કરગરીને દયાની ભીખ માંગશે અને હું નફ્ફટ થઈને કોલ કાપી નાખીશ. પરંતુ આ વાત સાવ ધાર્યા બહાર થઈ. હું પાકો ખેલાડી હતો .મને  વાતની ગંભીરતા સમજાઇ ગઇ એટલે ક્ષણભર પણ ગુમાવ્યા વગર હું ગાડી પર સવાર થઈ ગયો. પંદર-વીસ મિનિટની ડ્રાઇવિંગ બાદ હું હોસ્પિટલ રોડ પર આવી ગયો. હું ઝાડના છાંયે પોતાની બાઇકને પાર્ક કરી માનસીના આવવાની રાહ જોઈ રહ્યો હતો. થોડી વારમાં તેને માનસી દેખાઈ બપોરનો સમય હતો. ટ્રાફિક સાવ નહીંવત હતું. રસ્તા પર સાવ  ગણ્યા ગાંઠ્યા લોકો હતા.

માનસી સાથે વાત કરવાનો આ યોગ્ય સમય અને યોગ્ય સ્થળ હતું. માનસી દૂરથી આવી રહી હતી. હું તેની સામે રુક્ષતાથી જોઈ રહ્યો હતો. જાણે  હું કોઈ અજાણ્યા માણસને જોઈ રહ્યો હોવ.  તેણે મારા તરફ હાથ ઉંચો કરી અલ્પઉત્સાહથી હલાવ્યો. બદલામાં મેં કશો પ્રત્યુત્તર આપ્યો નહીં. તેણે એકાએક પોતાની એકટીવાની સ્પીડ વધારી. તે જોતજોતામાં 70 - 80 ની ગતિ એ પહોંચી ગઈ.આખી ઘટના ઘડીના અડધા ભાગમાં બની હતી છતાં મારી આંખોએ તો સ્લો-મોશનમાં તે દૃશ્ય જોયું.

ખૂબ જ ગતિમાન વાહન પર સવારમાં માનસીએ મારા તરફ સ્મીત કર્યું. અને એકાએક પોતાના બંને હાથ મારા તરફ લાંબા કર્યા. જાણે તે મને બાહુમાં સમાવી લેવા માંગતી હોય. ગાડી સમતોલન ગુમાવવા લાગી. મને કશું સમજાયું નહીં કે આ પાગલ છોકરી શું કરે છે? હાલકડોલક થતી ગાડી પરથી માનસીએ મારા તરફ અંતિમ સ્મિત કર્યું અને તે સ્વયં ચાલતી ગાડીમાંથી એક તરફ નમી ગઈ. તેના જુકવાથી ગાડી પણ નમી. તેનો દેહ બળબળતા રોડ સાથે અથડાયો. તેના મસ્તક પર લોહીની શેર થઈ. તેના ચહેરા પર રસ્તા પરની કાંકરીઓ ખૂંચી ગઈ. તેના મુખમાંથી ચીસ નીકળી... 'પીયૂશ...' એ ગબડતી ગબડતી ફૂટપાથ પર અથડાઈ. તેનો એક હાથ રોડ પર હતો અને બીજો હાથ ફૂટપાથ પર. થોડા જ ક્ષણમાં ધડામ દઈને એકટીવા ફૂટપાથ સાથે અથડાઈ. એકટીવા હવામાં ફંગોળાતી અથડાતી આવી હતી. પહેલા તેનો એક કાચ તુટયો . તેની હેડલાઈટ તૂટી અને તેના કાચ  રસ્તા પર   વિખેરાઈ ગયા. અને પછી તેના ફાયબરની બોડીના  કેટલી જગ્યાએથી ટુકડા થયા.

 થોડા જ સમયમાં શુંનું શું થઈ ગયું. મારા મનમાં ફક્ત એટલું જ ચાલતું હતું કે માનસી આમ કરશે તો હું તેમ કરીશ. તે આમ કહશે તો હું તેમ જવાબ આપીશ. પરંતુ આવું તો મેં સપને પણ વિચાર્યું નહોતું કે તે પોતાના જીવ લેવાની કોશિશ કરશે. હું દોડ્યો, માનસીની આજુબાજુના લોકો તેની પાસે પહોંચે તે પહેલા હું દોડીને તેની પાસે પહોંચી ગયો. તેના શ્વાસ ફુલી રહ્યા હતા. મેં કશું વિચાર્યા વગર જ માનસીને તેડી લીધી . હું ગાંડાની માફક દોડ્યો. લગભગ ચાલીશ પચાસ કદમ દૂર આવેલી હોસ્પિટલમાં હું માનસીને દોડતો લઈ ગયો. આજુબાજુના લોકો મને જોતા જ રહી ગયા. હોસ્પિટલમાં પહોંચતાં વેંત જ મેં 'હેલ્પ... હેલ્પ...'  બૂમાબૂમ શરૂ કરી દીધી. એક નર્સ ખાલી સ્ટ્રેચર લઈને આવી. 

મેં માનસીને સ્ટ્રેચરમાં સુવડાવી દીધી. હું અને પેલી નર્સ આઇ.સી.યુ તરફ દોડી ગયા. નર્સ સીધી ડોક્ટર પાસે ગઈ.
શરીરમાં થતાં રક્તસ્રાવ અને અસહ્ય પીડા વચ્ચે માનસી બોલી 

"મને મરી જવા દે"

"શું કામ એવું બોલે છો"  હું રડમસ થઇને બોલ્યો 

"તો તારી સાથે જીવવા દે" માનસીનો  અવાજ અસ્પષ્ટ થઈ રહ્યો હતો. તે ધીમે ધીમે બોલી રહી હતી. 

"આ સમય આવી બધી વાતો કરવાનો નથી. હમણાં જડૉક્ટર તને તપાસશે" 

"ના , તારો જવાબ જ નક્કી કરશે કે હું જીવીશ કે મરીશ" માનસીએ લોહીથી લથબથ હાથ મારા હાથ પર મુક્યો.
 કેટલીયે સ્ત્રીઓને રમાડી ચૂકેલા હું અત્યારે સ્ત્રીની માફક રડી રહ્યો હતો. 

"મારા લગ્ન થઈ ચૂક્યા છે. મારી એક પત્ની છે હું તને બીજી તરીકે કેમ રાખવું?" હું આંખો લુછતા બોલ્યો.

"તારા માટે હું બીજી ક્યાં હતી. હું તો 50મી છું ને. પીયૂશ પરંતુ મારા માટે તો તું એક જ છો"

 હું મૌન હતો. મારા મનમાં કેટલાય વિચારો એક્સાથે ચાલી રહ્યા હતા. મારા હોશ ઉડી ગયા હતા. મફતની મલાઈ ખાવામાં આજે મારા હોઠ દાઝી ગયા હતા. રોજ બીજાની થાળીમાં હાથ નાખવાથી આજે થાળી જ ગળામાં ફસાઈ હોય તેવું લાગતું હતું.

"પીયૂશ તને શું લાગે છે આ હોસ્પિટલ, આ ડોક્ટર, આ વેન્ટીલેટર મને જીવાડી શકશે?  ફક્ત તારી 'હા' જ મને જીવાડી શકશે. તારે મારી સાથે લગ્ન કરવા પડશે."માનસીએ હુકમ કર્યો.

હું મનચલો હતો પરંતુ ખૂની નહોતો અને તેથી મેં માનસીનો હૂકમ સ્વીકારી લીધો. મને ખબર જ છે કે હું તારો ગુનેગાર છું. માલિની હું માફીનો હકદાર પણ નથી. છતાં તારા માટે આટલું જાણવું જરૂરી હતું. 

તારો અપરાધી 

પીયૂશ

***

Rate & Review

sonal gondalia

sonal gondalia 4 weeks ago

Mahamad Mir

Mahamad Mir 10 months ago

Sudhirbhai Patel

Sudhirbhai Patel 4 months ago

Dakshraj

Dakshraj 4 months ago

Rakesh

Rakesh 5 months ago