Shakro Pavu books and stories free download online pdf in Gujarati

શકરો પવુ

શકરો પવુ

સીત્તેરના દાયકાના અમદાવાદની રોનક જ કંઇક અલગ હતી. ભારતનું માન્ચેસ્ટર ગણાતું અમદાવાદ કંઇ કેટલીય મીલો ને પોતાનામાં સમાવીને બેઠું હતું. સીતેરથીય વધુ મીલો એ વખતે અમદાવાદમાં ધમધમતી હતી. દરેક મીલોમાં ત્રણ પાળીમાં હજારો કામદારો કામ કરતાં. રાતપાળીના કામદારોના કોલાહલથી રાત્રે પણ આ શહેરમાં ધમધમાટ ચાલુ જ રહેતો. રાતપાળીના કારીગરો માટે અમુક દુકાનો મધરાતેય ખુલ્લી હોતી. મહેનત મજૂરી કરીને થાકેલા કામદારો માટે કંદોઇઓ રાત્રે ખાસ તાજી જલેબી બનાવતા, જેના માટે પડાપડી થતી. રાત દિવસ મીલોના ધુમાડા છુટતાં. અમદાવાદની હવામાં મીલોના ધુમાડાની એક અજબ વાસ રહેતી. મીલ કામદારોના રહેવા માટે મોટેભાગે મીલોની આજુબાજુમાં જ ‘ચાલ’ વસાવવામાં આવી હતી. આવી ‘ચાલ’ સ્થાનિક ભાષામાં ‘ચાલી’ કહેવાતી. લગભગ દરેક મીલની આસપાસ આ પ્રકારની નાની-મોટી ચાલીઓ અસ્તિત્વમાં આવેલી.

આવીજ એક મીલની આસપાસ પથરાયેલી એક ચાલીની આ વાત છે. એ ચાલીમાં મીલ કામદારો ઉપરાંત છુટક મજૂરી કરતાં લોકો અને ગટર સાફ કરતાં સફાઇ કામદારોની સંખ્યા ખાસ્સી વધારે હતી. આમ તો આ ચાલી ખાસ્સી મોટી પણ એની વસ્તી એના વિસ્તારથીય વધારે. એટલે ચાલીમાં વસ્તીગીચતા ઘણી હતી. અહીંના મોટાભાગના માણસો ગરીબ હતાં, છતાં ગરીબીમાંથી થોડા ઉપર આવ્યાં હોય એવાં મુઠ્ઠીભર લોકો પણ ખરા. બાકીના ગરીબોની સરખામણીમાં એ લોકો જરાક અમીર ગણાતા. જોકે ચાલીના આ અમીરો કરતાં પૈસેટકે ગરીબ લોકો દિલના વધુ અમીર હતાં. શિક્ષણના અભાવ અને સામાજીક પછાતપણાના પ્રભાવ હેઠળ એમનામાં દારુ જેવી કેટલીક બદીઓ પ્રવેશી ગઇ હતી. બદીઓ અને ગરીબીથી એ લોકો હેરાન થતાં પણ તોય પાછા ખુશના ખુશ. લડે ઝગડે ખરા પણ બીજા દિવસે પાછા એકના એક. બધા હળીમળીને રહે અને જીવનનો આનંદ માણે.

આ ચાલીમાં નાની નાની ઓરડીઓની કુલ સાત લાઇનો હતી. દરેક લાઇનમાં ઉગમણા મોંએ અગિયાર અને દરવાજા સામે દરવાજો પડે એ રીતે આથમણા મોંએ બીજી અગિયાર એમ કૂલ બાવીસ ઓરડીઓનો સમૂહ હતો. અર્થાત એક લાઇન બાવીસ કુટુંબોને સમાવતી. એ હિસાબે સાત લાઇનોમાં કૂલ ૧૫૪ કુટુંબો એ ચાલીમાં રહી પોતાનું પેટીયું રળતાં. દરેક કુટુંબોમાં ત્રણ-ચાર ટાબરિયાઓ તો ખરાં જ, એટલે આખી ચાલીમાં બાળકોનો કોલાહલ ચાલુ જ રહેતો. ચાલીની ત્રીજી લાઇનના નાકે માતાજીનું નાનકડું મંદિર બનાવવામાં આવ્યું હતું. આખો દિવસ બધા મજૂરી કરે પણ સાંજ પડે આખુ કુટુંબ ભેગું થઇ વાળું કરે. ચાલીના ટાબરિયાઓ ભેગા થઇ પેલા મંદિરે આરતી કરતાં. વસ્તીગીચતાના લીધે જગ્યાનો ખાસ્સો અભાવ રહેતો, છતાં થોડી જગ્યામાં માતાજીનું એ મંદિર ઉભું કરવામાં આવેલું અને એ મંદિરની બાજુમાં નાનીશી જગ્યા ખાલી પડી હતી. પૈસાદારોના ઘરોમાં કુતરાને રહેવા માટે આપવામાં આવે એટલી આ મુઠ્ઠીભર જગ્યામાં રાતે એક મજૂર પડી રહેતો. નામ એનું શકરો. ક્ષય રોગનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવી શકાય એવું પાતળું એનું શરીર. એમાં મુઠ્ઠી હાડકાથી વિશેષ કંઇ ન હતું. સહેજ શ્યામ વાન. એના પર મેલુંઘેલું પહેરણ અને નીચે ધોતિયું. સફેદ પહેરણ અને ધોતિયું મેલ ગ્રહણ કરી કરીને રાખોડી રંગનું થઇ ચુક્યું હતું. આખો દિવસ કાગળ વીણવાનું કામ કરતો શકરો રાત પડે એના ડોગ-હાઉસમાં આવીને સુઇ જતો. ક્યારેય કોઇની સાથે વાત નહીં કરવાની. એની બસ એક જ આદત. ચાલીના નાકે દારુ જેવા એક નશાકારક દ્રવ્યની નાની બાટલી મળતી. નશાકારક પીણું ભરેલી એ બાટલી ચાલીમાં ‘પવું’ તરીકે પ્રખ્યાત હતી. આખા દિવસની તનતોડ મજુરીના થાક માંથી રાહત મેળવવા લોકો આ નશાકારક દ્રવ્ય ‘પવું’ લેતાં. લોકો તો પ્રસંગોપાત પવું પીતાં, પણ આ શકરો તો રોજ પવું પીવે. આખો દિવસ કાગળ વીણવા જાય અને કાગળ વીણતા વીણતા જ્યાં મેળ પડે ત્યાં ખાઇ લેવાનું. ક્યારેક ખાવાનો મેળ નાય પડે! સાંજે તો એને હંમેશનો ઉપવાસ. સાંજે અહીં આવીને એક બાટલી પવું પીવાનું અને પેલી મુઠ્ઠીભર જગ્યામાં ખુલ્લા આકાશ નીચે સુઇ જવાનું. ચોમાસુ હોય ત્યારે એક ડગલું આઘું ખસી પહેલી ઓરડીની છાજલીની સહેજ આડશ આવે એ રીતે સુઇ જવાનું પણ તોય પલળાય તો ખરૂં જ! શિયાળામાં એ ક્યાંકથી મેલાઘેલા કામળાનો બંદોબસ્ત કરી લેતો. બસ, આજ એનું કાયમનું જીવન. શકરો સુઇ ગયો હોય ત્યારે એની બાજુમાં એકાદ ખાલી બાટલી તો પડી જ હોય. એટલે ત્યાં રમવા નીકળતા છોકરા એને ‘શકરો પવું’ કહીને ચિડાવતા. ધીમે ધીમે ‘શકરો પવું’ નામ જનમાનસ પર છવાઇ ગયેલું. ત્યાંથી પસાર થતું કોઇનું કોઇ ‘એ શકરો પવું’ એમ બુમ મારી શકરાને ખીજવી જતું. શકરો ક્યારેય કોઇને જવાબ આપતો નહીં. કોઇ વખત પજવણી હદબહાર વધી જતી લાગે ત્યારે શકરો એકાદ ગાળ બોલી દેતો અને પાછો પોતાની નાનકડી દુનિયામાં સમાઇ જતો. શકરાને જોઇને એની ઉંમર ૪૫ થી ૫૦ વર્ષની વચ્ચેની હોવાનું અનુમાન લગાવી શકાતું. આ ૪૫-૫૦ વર્ષની ઉંમરમાં કાળની કંઇક થપાટો ખાધી હશે એવું એના ચહેરાની રેખાઓ પરથી વાંચી શકાતું. અલબત્ત એને વાંચનારું આ ચાલીમાં કોઇ હતું નહીં.

કોણ જાણે કેમ પણ આ ચાલીમાં બધાં ભગવાનોમાં રામદેવ પીરનો પ્રભાવ જરા વધારે હતો. અહીં રામાપીર તરીકે જાણીતા રામદેવ પીરના દિવસોની ઉજવણી એક અઠવાડીયા સુધી જોરશોરથી ચાલતી. રામાપીરની ભાદરવા સુદ બીજનું મહત્વ ખાસ્સું વધારે. રામાપીરના કાર્યક્રમ માટે ચાલીના બધા ઘરો સ્વેચ્છાએ ફંડફાળો આપે અને આખી રાત રામાપીરના ભજનો થાય. સાતમી લાઇન પછી વધતી થોડી જગ્યામાં આ ભજન સંધ્યા યોજાતી. આ વખતે પણ એવું જ ભજન રાખવામાં આવેલું, એટલે રાતે બધાને બાય ડીફોલ્ટ જાગરણ હતું. એ ભજન સંધ્યા રાતે લગભગ સાડા ત્રણે પતી. ભજન સંધ્યાનો સંપૂર્ણ લુત્ફ ઉઠાવી આ ત્રીજી લાઇનના લોકો પાછા આવ્યાં. મહિલાઓ હજી ભજન ગણગણતી હતી. પુરૂષો અલકમલકની વાતો કરતાં હતાં. ટાબરિયાઓ રમતે ચડ્યા હતાં. આજે કોઇનીય સુવાની ઇચ્છા ન હતી એટલે રમવા માટે રમકડા તરીકે બધાએ શકરાને પકડ્યો. શકરાને ખીજવવાના ચલકચલાણા પછી આજે પહેલીવાર બધાનો મુડ બદલાયો. છેલ્લા કમસેકમ દસ વર્ષથી શકરો અહીં પડી રહેતો હતો પણ એના વિશે ક્યારેય કોઇએ કંઇ પૃચ્છા કરી ન હતી. આજે બધાને એનો ભૂતકાળ જાણવાની ઇચ્છા થઇ આવી. બધા ટોળું વળી શકરા પાસે બેઠા. શકરો તો આ બધાથી બેખબર પોતાની મસ્તીમાં જ પડ્યો હતો. એક-બે જણે એની સાથે વાતો કરવાની શરૂઆત કરી પણ શકરાએ કોઇ પ્રતિભાવ આપ્યો નહીં. પણ આ બધા લોકો ક્યાં દિલના ગરીબ હતાં? એમની લાગણીઓના પ્રવાહમાં ભીંજાયા વગર શકરો કેમનો રહી શકે? આમ તો શકરાને આ બધી વાતોમાં કોઇ રસ ન હતો પણ જ્યારે માણસને સામેથી પ્રેમ મળતો થાય એટલે ભલભલી નિરસતા ઓગળવા માંડે છે. લોકોની વિનંતીને વશ થઇ આખરે શકરો પણ એમની સાથે વાતોએ ચડ્યો. શકરાને આ રીતે કદાચ પહેલીવાર વાત કરતો જોઇ લોકો પણ ઉત્સાહિત થઇ ગયાં. બધાને એનો ભવ્ય ભૂતકાળ સાંભળવાની ઇચ્છા હતી. આ મેલાઘેલા મજૂરે પોતાની વાત ચાલુ કરી.

“મું કુણ સુ ઇ જ જોણવા માગો હો ન.. તો હોંભરો.. હોમેની ચાલીમં મારા બાપાન તૈણ ઓઇડીઓ હતી. એટલ મારા બાપા તોંના પૈસાદાર માસ્તર ગણાતા. અમે બે ભઇ હતાં. મોટાના લગન પસી મારા બાપા મૈણપથારીએ પડ્યાં. સેલ્લા ટેમ માં ઇમણે મારા લગન કરાઇ આલ્યાં. લગનના એક મહીના મં જ બાપા જતા રયાં. મારા ભઇ ભાભી મારા પર બઉ બરતા. એમન મારૂં સુખ સહન થતું નતું પણ મન તો એવી કોંઇ ખબર પડતી નતી. મું તો મારા બૈરા હારે ઇમની ભેગું જ રતો અને ભઇ ભાભી કે એટલું બધું કરતો. એકાદ વરહ પસી મારા ઘેરથી ન હારા દાડા રયાં. મારા ભઇ ભાભી ન સોકરો નતો એટલ મારા ભાભી ન વધાર ઇર્ષ્યા આઇ. પણ સીધા મોણહનું કોઇ નહીં હોતું બાપા...” આટલું બોલતાં બોલતાં શકરાની બંને આંખોમાંથી મોટામોટા ટીંપા પડી ગયાં. એ લુછતાં લુછતાં એણે વાત ચાલુ રાખી.

“મારા સોકરાના જનમ વખત મારા ઘેરથીની તબિયત હારી નતી. મારા નેનકા ન જનમ આલી ન બે દાડા પસી એ જતી રઇ. મન કાયમ માટ એકલો મેલી ન જતી રઇ..” શકરાનો અવાજ તરડાયો અને એની આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી.

“શકરા... ભગવોન ન ગમ્યું એ ખરૂં.. ઓમ આપડું કોંઇ ના ચાલ..” પહેલી ઓરડી વાળા મીલ કામદારે એનાં ખભે હાથ મુકી એને સાંત્વના આપતા કીધું. બે-પાંચ મિનિટ પછી શકરો જરા સ્વસ્થ થયો એટલે એણે વાત આગળ ચલાવી.

“મું એકલા હાથે મારા નેનકા ન મોટો કરવા મોંડ્યો. ચેટચેટલી તકલીફો વેઠી ન મેં ઇન મોટો કર્યો એ ખાલી મું જ જોણું સુ. મુ અન નેનકો ભઇ-ભાભીની જોડ રેતા. ભાભી રોજ મારી જોડ ઝગડો કરતી. ભઇ એ મને નેની નેની વાતો મં ઉતારી પાડતો. પણ મારા નેનકાના ભવિષ ખાતર મું બધું ચલાઇ લેતો. મારો નેનકો પાંચ વરહનો થયો એટલ ભઇ-ભાભીએ મન મિલકતમંહી બેદખલ કરી દીધો અન અમન ઘરમંહી કાઢી મેલ્યાં. એ વખત મન બઉ દુખ થયુ તું. મારા ભઇ-ભાભી ન મેં ચેટલું મોન આલેલું અને એ લોકોએ મારી હારે દગો કર્યો. પણ મારા નેનકા માટે મું એય ભુલી જ્યો. મારો નેનકો મન બઉ વાલો હતો. માર તો હવ ઇના માટ જ જીવવાનું હતું. મું ઇના માટ જ મજુરી કરતો. ઇન ઇસ્કુલ મં મેલવા હારૂં મેં મજુરીની હારોહાર કાગર વેણવાનું ચાલુ કર્યું. ઇની ઇસ્કુલ નજીક પડ એવી રીતે મેં એક નેનું ઝુંપડું બનાયેલું. મું અને નેનકો એ નેના ઝુંપડા મં રેતા તા. મું નેનકા ન ઇન ભાવતું હોય એવું બધું ખવરાવતો. મારો નેનકો મારા કલેજાનો કટકો હતો. મારો નેનકો દહ વરહનો હતો એ વખત.. ચોથામ ઇના કલાસમાં પેલ્લો નંબર લાયેલો અન ઇનું પોંચમું ધોરણ ચાલુ જ થ્યું તું અન...... ..... ..... મારો નેનકો .... ...” શકરો ફરીથી રડી પડ્યો.

“અલ્યા, સુ થ્યું તારા નેનકા ન!” ટોળામાંથી એક જણે પુછ્યું.

“મારા નેનકા ન મોટા બરિયા બાપ પધાર્યાં. લોકો કે આ તો શીતળાનો રોગ કેવાય. મારા બાપ, ભગવોનની બઉ બાધાઓ રાખી પણ કોંય મેર ના પડ્યો. સેલ્લ સેલ્લ તો તમારા બધા જેવા કોક ગનાની મોણહની સલાહથી મું નેનકા ન લઇન દાક્તર જોડે ય જ્યો. દવાય લીધી. પણ મારૂં તો કિસ્મત જ વોંકું હતું. મારા દેવ મારથી રૂઠી જ્યા તા, તે મારો નેનકો... મારા કારજા નો કટકો... ના બચી હક્યો. જતો રયો મારો નેનકો ઇની મા જોડ..” શકરાની આંખોમાં રહેલા આંસુઓની પાળીઓ તુટી ગઇ. અંદર વર્ષોથી ભરી રાખેલું પાણી અસ્ખલિત પ્રવાહ બનીને વહેવા લાગ્યું. એની આપવીતી સાંભળવા ત્યાં બેઠેલા દરેકની આંખો પણ છલકાઇ આવી. એ દિવસે શકરો બઉ રડ્યો. પંદર-વીસ મીનીટ સુધી એ સતત રડતો જ રહ્યો. લોકોએ એને સાંત્વના આપી એટલે ધીમે ધીમે એ જરાક સ્વસ્થ થયો.

“મારા ઘેરથી અન મારો નેનકો બેય મન સોડી ન જતા રયા. મુ જીંદગીથી બવ હતાશ થઇ જ્યો. માર તો જીવવું જ નતું....” શકરો બોલતા બોલતા શૂન્યાવકાશમાં ક્યાંક તાકી રહ્યો. જીવનમાંથી એનો કેટલો રસ ઉડી ગયો હશે એ એના મોઢા પરથી દેખાઇ આવતું હતું.

ચાલીના એક બહેન શકરા માટે પાણી લઇ આવ્યા એણે શાંતિથી પાણી પીધું. બીજા એક બહેન શકરા માટે ચા બનાવી લાવ્યાં. શકરો આનાકાની કરતો હતો, પણ બધાને દબાણ કરી એને એક કપ ચા પીવડાવી. ધીમે ધીમે એણે આખો કપ ચા પુરી કરી. નિસાસાથી ભરેલા બે-ત્રણ ઉંડા શ્વાસ લીધા. ગળે બાઝેલો ડુમો ખંખેરવા બે-ત્રણ વખત ગળું ખોંખાર્યું.

“માર તો નતું જ જીવવું. મારા નેનકા વગર માર જીવી ન સુ કામ? પણ ઇમ કંઇ થોડું મોત આવ સ! પસી એક દિવસ આ ચાલી મ માતાજીના આ નેના મંદિરની જોડે જગ્યા હોધી લીધી. મારી માતાજી માડી ના મંદિરની જોડ પડી રેવા લાગ્યો. બસ, તારથી આ નેની જગ્યા મારું ઘર બની જઇ. પણ ખાલી રેવાની જગ્યા મલવાથી કામ નહીં ચાલતુ ન! આ પાપી પેટ દિયોરનું ચોં સોડ સ આપણન! ઇન તો કોંક આલવું જ પડ સ. એટલ મેં ફરી કાગર વેણવાનું ચાલુ કર્યું. હવાર મ એક ટંક મૂઠી ચોખા મલ એટલ આપડું ગાડુ હેંડી જતું. રોજ હોંજે એક પવું પી લેતો. લોકો મન હડધૂત કરતા જ જ્યાં અને મું ઇમનો ઇમ જીવતો જ જ્યો. આ જીંદગીનો ભાર વેંઢારતા વેંઢારતા માર હુડતાલી વરહ થઇ જ્યાં. પણ બાપ, હવ મુ કંટાર્યો સુ. હવ મારૂં મન ભરાઇ જ્યું સ બાપા. હવ મું બઉ નઇ કાઢું. જીવનના બઉ રંગ જોઇ લીધા. હવ મારો ટેમ પુરો થઇ જ્યો.” શકરો ફરીથી રડી પડ્યો. છેલ્લા ઘણા વર્ષોથી શકરાએ એક ટંક જ ખાધું હતું અને સાંજે માત્ર પવુથી જ એનું ગાડું ચાલતું. કાળની એક પછી એક ક્રુર થપાટો ખાધા પછી એનો જીવનમાંથી રસ ઉડી ગયો હતો. એનું શરીર અને મન બંને ખવાઇ ગયું હતું.

શકરાને સાંભળી રહેલા લોકોની આંખો તો ક્યારનીય ભીની થઇ હતી, એ હજી સુકાવાનું નામ લેતી ન હતી. બધા શકરાને વર્ષોથી ખીજાવતા હતાં પણ આજે બધાને એમના એ કામ પર ભારોભાર પસ્તાવો થતો હતો. લોકોનો મન પર પસ્તાવાનો ભાર વધી ગયો હતો તો શકરાના મન પરથી આજે બધો ભાર હટી ગયો હોય એમ લાગતું હતું. આજે શકરો ધરાઇને રડ્યો હતો. આટલું બધું તો કદાચ એની જીંદગીમાં ક્યારેય નહીં રડ્યો હોય! મન હળવું થતાં શકરો શાંતિથી બેઠો હતો. જોકે એની આંખોના ખુણામાંથી તો હજી ઝરમર વરસી રહી હતી. લોકો પણ જરા ગંભીર થઇ ગયાં હતાં. સવારના સાડા ચાર થવા આવ્યાં હતાં. વાતાવરણમાં અજબની શાંતિ મહેસૂસ થતી હતી. ચારેતરફ ઠંડક પ્રસરેલી હતી. આજે બધાને શકરા માટે લાગણી ઉભરાઇ આવી હતી. શકરાને શાક રોટલો પણ ઓફર કરાયા પણ શકરાએ ખાવાની ના પાડી દીધી. શકરાને એમના ઘરમાં સુવાની ઓફર પણ અમુક લોકોએ મુકી પણ શકરાએ એનો પણ ઇનકાર કરી દીધી. એના માટે તો એ ખુલ્લી જગ્યા જ એનું ઘર હતી. હવે એ આ મંદિરની બાજુની જગ્યામાંથી બીજે ક્યાંય જવા જ માંગતો ન હતો. એ કંઇ બોલ્યા વગર ત્યાં જ સુઇ ગયો. શ્રોતાગણમાંથી એક બહેન એમના ઘરમાંથી નવો નક્કોર ધાબળો લઇ આવ્યાં. શકરાને એ ધાબળો વ્યવસ્થિત રીતે ઓઢાડવામાં આવ્યો. આમ તો હજી ઠંડીની શરૂઆત હતી પણ બધા શકરાની અને શકરો બધાની લાગણીઓના પ્રવાહમાં બરાબરના ભીંજાયા હતાં એટલે એને ક્યાંયથી ય ઠંડી ન લાગે એની તકેદારી સાથે શકરાના શરીર પર ધાબળો વ્યવસ્થિત રીતે વીંટળાઇ ગયો. મન હળવું કરીને શકરો શાંતિથી સુઇ ગયો. બધા ભીની આંખે ત્યાંથી ઉભા થયાં. અત્યાર સુધી શકરાને મદદ ન કર્યાનો અફસોસ બધાને ઉધઇ બની કોરી ખાતો હતો. ઘણીવાર આપણી નજર સામે જ ઘટનાઓ બનતી હોય છે છતાં જાણે અજાણે આપણે આપણી રોજીંદી જીંદગીમાંથી બહાર આવીને જેને ખરેખર જરૂર છે એને મદદ કરી શકતાં નથી.

ઉજાગરાના કારણે બીજા દિવસે બધાની સવાર જરાક મોડી પડી. મોડા મોડા પણ દૈનિક ચહલ પહલ શરૂ થઇ ગઇ. એક બહેન શકરાને સવારની ચા આપવા ગયાં. ગઇકાલ રાતનો શકરો આ બધાની લાગણીનું કેન્દ્ર બની ગયો હતો. બધાએ નક્કી કર્યું હતું કે હવે પછી બધા ભેગા થઇને શકરાને બંને ટાઇમ જમવાનું આપશે. એ બહેને શકરાને ચા આપવા બુમ પાડી પણ શકરો તો જડની જેમ પડ્યો હતો. બહેને ફરીથી બુમ પાડી જોઇ પણ કોઇ હલનચલન જોવા મળ્યું નહીં. એમણે શકરાને ઢંઢોળ્યો પણ શકરો હલ્યો જ નહીં. એ બહેનને ધ્રાસ્કો પડ્યો. બુમાબુમ થતાં થોડા વધુ લોકો ત્યાં ભેગાં થયાં. એ બધાએ પણ શકરાને ઉઠાડવા પ્રયત્ન કર્યો પણ હવે શકરો ઉઠે એમ ન હતો. એણે આ નવો નક્કોર ધાબળો કાયમ માટે ઓઢી લીધો હતો.