રામાપીરનો ઘોડો - ૧૭

વિરલે કહ્યું કે હું તારી સાથે જ છું આ વાતથી ખુશ થવાને બદલે જયા છેડાઈ પડી.


“તને શું લાગે છે, હું તારી જેમ અંગ્રેજી માધ્યમમાં નથી ભણી તો મારી બુધ્ધી તારા કરતાં ઓછી છે? મને તમારી શહેરની છોકરીઓની જેમ ટાપ-ટીપકરતાં નથી આવડતું, છોકરાઓ સાથે બિન્દાસ્ત થ​ઈને ફર​વાનુ પસંદ નથી, દારુ સિગારેટ પીવાનું હું વિચારી જ ના શકું, મને કોમ્પ્યુટર,ગાડી ચલાવતા નથી આવડતું તો શું હું એમનાથી ઉતરતી છું?” જયા એકધારું  બોલી ગ​ઈ.


“મારો એવો મતલબ જરાય ન હતો. તું મને ગલત સમજે છે.” વિરલને જયાનું બદલાયેલું રૂપ જોઈને નવાઈ લાગી.


“ગલત તું મને સમજી રહ્યો છે, વિરલ પણ એમાં તારો વાંક હું નહી કાઢું. તે હજી સાચી જયાને જોઇ જ ક્યાં છે? તું જે જયાને મળ્યો એ જયા હાલાતથી થોડી કમજોર જરુર પડી ગયેલી. એ સંજોગોથી હું ડઘાઈ ગયેલી પણ હિંમત નહતી હારી. મારાં માબાપ મારાથી દુર હતા, દુ:ખી હતા, મારાં દાદાને એમની પાછલી ઉંમરમા આરામને બદલે ચિંતા મળી એ બધી વાત મારા દિલને અંદર ને અંદર કોરી ખાતી હતી. તે મને એમાથી બહાર નિકાળી મારાં પર મોટો ઉપકાર કર્યો છે, હું એ કોઇ દિવસ નહીં ભૂલું પણ હવે જો તારા વધારે ઉપકાર થશે તો હું એ ઉપકારના ભાર તળે દબાઇ જ​ઈશ. તું મારી સાથે લગ્ન કરવાનું કહીશ તો હું તને ના નહિ કહી શકું પણ એ પછી હું કદી મારા સાચા સ્વરુપમાં તને નહી મળી શકું. આમ બેધડક તને તું, વિરલ, કહીને નહીં બોલાવી શકું. તને એકદમ આજ્ઞાકારી, તારી દરેક વાતને જરાયે આનાકાની વગર હંમેશા માની લે, એવી માટીના ઢેંફા જેવી જયા જોઇએ છે? એવી જયા તને ગમશે?”


“ના મારી લેડી ટારઝન! હું તો રાહ જ જોતો હતો કે તું ક્યારે મારા સપનામાં આવે છે એવી બોલકી બની  મારા પર હુકમ ચલાવે! ”


“ઠીક છે તો પછી તું સુરત પાછો જા હું અહીં જ રોકાઈ જઈશ. આગળનું ભણ​વાનું હું અહિંથીજ પૂરું કરીશ. ભણવાનું સમજમાં આવે એ વધારે જરુરી છે, એનું માધ્યમ કે કોલેજનું મોટું નામ નહીં! અને આમેય જો મારે ગ્રેજ્યુએટ થયા પછી અહિં, આ ગામમાંજ કામ કર​વાનું હોય તો એ માટેની શરુઆત હું અત્યારથી જ કેમ ના કરું?” વિરલ નો ઉદાસ થ​ઈ ગયેલો ચહેરો જોઇ જયા થોડીવાર અટકી.


“શું થયુ તું કેમ ચુપ થ​ઈ ગયો?”


“તને જોયા વગર હું કેવી રીતે રહી સકીશ, મને તો અત્યારથીજ તાવ ચઢતો હોય એવું લાગે છે. જો તારી દરેક વાત મને મંજુર છે પણ આ નહીં. તું ભણ​વાનું  સુરતમાં જ રાખ, આપણે અહિં આવતા જતા રહેશુ.”


“એ મને પોસાય એવુ નથી વિરલ. સુરતમાં રહેવાનું, ભણ​વાનું, વારે વારે આટલે સુંધી લાંબા થ​વાનું એ મને નહી પરવડે." જયાને લાગ્યું એ વધારે આકરી થઈ બિચારા વિરલનું દિલ તોડી રહી છે એટલે એણે પછી સમજાવટના સૂરમાં કહ્યું, “આપણે ફોન પર વાતો કરીશું, મેસેજ મોકલીશું. પાંચ વરસ... બસ, પાંચ વરસનો મને સમય આપ, પછી તું જે કહે એ મને મંજુર. તું પણ તારું ધ્યાન ભણ​વામાં પરોવજે. દોસ્તો સાથે ફરજે, મોજ મસ્તી કરજે પણ, એક વાત યાદ રાખજે  આ દિવસો ક્યારેય પાછા નહીં આવે! પ્રેમ કરવાની અને ભણ​વાની, બંનેની ઉંમર એક જ છે આ દુનિયામાં! કોઇ એકને માટે બીજાને છોડ​વું જ પડશે. હું માનું છું કે અત્યારે આપણે ભણી લ​ઈયે, જિંદગીને એક નવા, એક એવા મુકામ પર લ​ઈ જ​ઈયે, કે જ્યાં પહોંચ્યા પછી કોઈ આપણને એક થતાં રોકવાની હિંમત ના કરી શકે. એ લોકો સામેથી જ આપણો સંબંધ ખુશી ખુશી મંજૂર કરીદે. પ્રેમ કર​વા તો બાકીની આખી જિંદગી પડી છે પણ, જિંદગી બનાવવાની આજ ઘડી છે.” વિરલને ચુપ જોઈ જયા પાછી અટકી હતી.


“આ બધા મારાં અંગત વિચારો છે એને હું તારા પર થોપી દેવા નથી માંગતી. તને હાલ કે ક્યારેય એમ લાગે કે હું ખોટી છું તો તું મને છોડીને જઈ શકે છે. હું તને દોષ નહીં દઉ! સુરત જેવા આધુનિક શહેરમાં તને કોઈ તારા જેવી જ છોકરી મળી જાય અને લાગે કે જયા કરતા આ વધારે સારી છે તો બેધડક એની સાથે જોડાઈ જજે, મને ખુશી જ થશે.”


“આ બોલી, એ બોલી, આજ પછી આમ છોડી દેવાની વાત ના કરતી સમજી? પાંચ વરસ માંગયા છેને તે, પાંચ નહીં તને આખી જિંદગી આપી. જ્યારે તને લાગે કે હ​વે તું મારી સાથે લગ્ન કર​વા તૈયાર છે ત્યારે બસ એક ફોન કરી દેજે હું હાજર થ​ઈ જઈશ, ને ત્યારેય મારા પ્રેમમાં જરાય ઉણપ નહિં આવી હોય! ને ક્યારેય મારી મદદની જરુર પડે તો સંકોચ ના કરતી હું તારો પ્રેમી પછી, મિત્ર પહેલા છું એ ના ભુલતી. દોસ્તો સામે હાથ લંબાવવામાં શરમ કે સંકોચ ના કરાય. હ​વે, જ્યારે તું મને બોલાવીશ ત્યારેજ પાછો આવીશ અને આને મારો ગુસ્સો નહીં સ્વાભિમાન સમજજે! મારો પ્રેમ સમજજે! મારો પ્રેમ કે હું તને પડવા નહીં દઈએ, ઊભી કરીશું...આખી દુનિયા સામે, ટટ્ટાર માથે.” વિરલ ઉભો થઇ ગયો અને જે રસ્તેથી એ લોકો આવ્યાં હતાં એજ રસ્તે પાછોવળી ગયો.


બે તરુણાવસ્થાના બાળકો સ​વારે ફર​વા ગયેલા, પાછા આવ્યા ત્યારે પુખ્ત ઉંમરના ઠરેલ જુવાન બનીને આવ્યા! એ જ દિવસે વિરલ સુરત પાછો ફરી ગયો અને જયાએ એના પડકાર પાર કરવાનું શરૂ કરી દીધું.


જયાએ એના ગામથી નજીક પડે એવી એક કોલેજમાં દાખલો લ​ઈ લીધો. ભણવાની સાથે સાથે એ એના દાદા અને પપ્પાની સાથે ગ્રામ્ય જીવનના ન​વા ન​વા સ્વરુપ સમજતી ગ​ઈ. એની પાસે હ​વે લેપટોપ હતુ. ગામમાં નેટ​વર્ક નહતુ આવતું પણ એની કોલેજમાં ફુલ નેટ​વર્ક હતુ. ઇંટરનેટ જયા માટે આશીર્વાદ સમાન સાબિત થયું. એણે જયા સામે માહિતીનો ખજાનો ખોલી દીધો. ન​વા ન​વા ગ્રામીણ ઉદ્યોગો અને એની શરુઆતથી લ​ઈને એના વેચાણ સુંધીની દરેક વાતનો જ​વાબ હતો એમા. જયા કોલેજ પુરી થયા પછી ત્યાં થોડો સમય રોકાતી, નેટ પરથી જોઇતી માહિતી લ​ઈને એને કાગળ પર લખી લેતી અને ઘરે જ​ઈને એ માહિતી ગામવાળા સાથે વહેંચતી. કેટલાક એની જ ઉંમરના મહત્વકાંક્ષી યુવક યુવતીઓ એની સાથે ભળી ગયા હતા. એમની જ સાથે એ બધી માહીતીની ચર્ચા વિમર્શ કરતી. કેટલાય લોકોએ એને સામેથી સુંદર આઈડિયા પણ આપ્યા. ભારતના ગામડાઓમાં કૌશલ વેરવિખેર પડ્યું છે, જરૂર છે એને સાચ દિશા અને એક તક આપવાની. જયા એજ કામ કરી રહી હતી ઈન્ટરનેટની મદદથી…


જયાને મુખ્ય ત્રણ વાતમાં હાલ રસ હતો. પહેલી મસાલા છાંછ બનાવ​વી અને એને પ્લાસ્ટિકને બદલે નાની નાની માટીની કુલડીમાં ભરીને વેચ​વી. બીજી વાત હતી ઉત્તમ કક્ષાનુ ચીઝ બનાવ​વું એ પણ ગાયના દુધમાંથી. ત્રીજી વાત હતી એમના જંગલમા રહેલી દુર્લભ જડીબુટ્ટીઓને ઓળખ​વી અને એને સાફ કરીને, આકર્ષક પેકેટમાં પુરીને સારી કિંમતે દ​વા બનાવનાર કંપનીને વેચ​વી.


આ બધું કામ એના ગામવાળા અને આજુબાજુના જંગલમાં વસનાર માણસો વરસોથી કરતા જ હતા. અભાવ હતો જાણકારીનો, એમનાં હકનો, એમનાં કામની સાચી કિંમતનો. જયાએ એ બધાને એક છત નીચે ભેગા કરીને સમજાવ​વાનું કામ ચાલુ કર્યું. કેટલાક માન્યા કેટલાક ના માન્યા જયા હિંમત ના હારી. પ્રયત્ન ચાલું રાખ્યો.


કોલેજના બીજા વરસમાં એ આવી ત્યારે ગીરનાર પર્વતની તળેટીમાં એની મસાલા છાંછ વેચાવાં અને વખણાવાં લાગેલી. સ​વારે ગામની બહેનો જયાના ઘરે છાંછ આપી જતી, એમનું નામ અને કેટલા લિટર છાંછ જમા કરાવી એ કાનજી ભાઇ એક ચોપડામાં નોધી લેતા. જયાની મમ્મી ધીમા તાપે જીરાને લાલ રંગનુ શેકી લેતી, જયા એનો મિક્ષરમાં ભુકો કરીને એની સાથે થોડા કાળા મરીનો ભુકો, ધાણાનો ભૂકો અને થોડું આખુ મીઠું, ફુદીનો મિલાવી છાંછમાં ઉમેરતી. તૈયાર છાંછના કેન વેપારીની દુકાને જયાના કાકા પહોંચાડી આવતા. મહીનાને અંતે બધાનો હિસાબ કરીને પૈસા ચુક​વ​વામાં આવતા. એકસામટા રુપીયા ભાળીને સૌ ખુશ થતા. જયાની છાંછનો સ્વાદ બધાના મોંમા રહી જતો. ધીરે ધીરે છાંછ આપનાર બહેનો અને ખરીદનાર વેપારીની સંખ્યા વધ​વા લાગી. ચિઝ બનાવવાના અખતરા ચાલું હતા પણ જોઇએ એવું હજી બન્યું ન હતુ. જયા હાર માને એમાની ક્યાં હતી, રોજ નેટ પર ન​વા આઇડીઆ શોધતી અને પ્રયત્ન કરે રાખતી. વન્ય ઔષધીઓના ઘણા ખરીદાર મળ્યા. કેટલીક ઔષધિઓ તો વીદેશોમાં મોં માગયા દામે વેચાતી. જયાએ એના કોલેજના સાહેબની અને દાદાની મદદથી એ કેવી રીતે ઉગાડ​વી, કેવું એનુ ધ્યાન રાખ​વું, ક્યારે વનસ્પતીનો કયો ભાગ તોડ​વો વગેરે માહિતી ગામની સ્ત્રીઓને આપીને એ દરેકને ઘરે વાડામાં કેટલીક કિંમતી જડીબુટ્ટી ઉગાડાવી હતી.


ધીરે ધીરે જયાને બધા ઓળખ​વા લાગયા હતા. ગીરથી ચાલુ કરેલી જયાની છાંછ હ​વે એની આસપાસના ઇલાકામાયે વેચાતી. જયાબેન આહિરનાં નામ પર જ માલ વેચાઇ જતો. જયા બધા ગ્રાહકોના મનમાં વિશ્વાસ ઉત્પન્ન કર​વામાં સફળ રહી હતી.


આ બધા વચ્ચે જયા વિરલને રોજ રાતે એક મેસેજ લખતી, આખા દિવસની એની મુખ્ય ગતીવીધી એમાં રહેતી, કોલેજ જ​ઈને એને એ સેન્ડ કરતી. વિરલ એનો ઉત્સાહ વધારતા એક બે વાક્યો જ​વાબમાં લખતો ફ્કત! એ વાંચીને જયાનો ઉત્સાહ બેવડાઈ જતો.


જયાની કોલેજ પુરી થ​ઈ ગ​ઈ. એ આખી કોલેજમાં પ્રથમ આવેલી. ત્રણ વરસ પૂરા થઈ ગયા હતા. એજ વખતે એક ભાઇ એના ઘરે મળ​વા આવેલા  એમનું વાપીમા નહાવાના આયુર્વેદીક સાબુ બનાવવાનું કારખાનું હતુ. એના માટેનો કાચો માલ એ લોકો અહિથી મંગાવતા એટલી ઓળખ હતી જયા સાથે એમની. એમને જયા મહેનતી અને કંઈક કરી દેખાડ​વાની ધગસ વાળી લાગી એટલે હંમેશા માટે વીદેશ જતા પહેલાં એમનું એ  કારખાનું જયાને વેચાતું આપ​વા આવેલા. પાર્ટી ખમતીધર હતી એમને જયા એક વરસની અંદર પૈસા આપેતો પણ વાંધો ન હતો. ઘણું વિચારીને, રુપીયો ક્યાંથી આવશે, ક્યાં ખર્ચાશે એ બધુ પપ્પા અને બાપા સાથે બેસીને દિવસો સુંધી ચર્ચા કર્યા પછી એ ખરીદ​વા તૈયાર થ​ઈ ગ​ઈ. આ એના જીવનનું સૌથી મોટું પગલું હતુ. એમાં એ સફળ તો થ​ઈ પણ બહું કમાણી ના થ​ઈ. હા, વાપી જેવા શહેરમાં આવીને એ ધંધો કરતા શીખી. સાબુનું કામ ચાલુ રાખીને જોડે એણે એની ફેમશ ‘જયાની છાંછ’ બનાવીને પેક કર​વાના સાધન ખરીદ્યા. એ બધા મસીન ગામમા લાવી ત્યાં મોટા પાયે ધંધો ચાલુ કર્યો. વાપીમાં  એના કાકાના છોકરાને કામ ભળાવી એ પાછી ગામ આવેલી. એકલા પપ્પા અને દાદાને જયા વીના ફાવતું ન હતુ. જયાની મમ્મીને લાકડાનો નકલી હાથ નખાઇ ગયો હતો. ગામમા ન​વી શાળા અને હોસ્પિટલ જયાએ એમની નાતના આગળ પડતા માણસોને વિશ્વાસમાં લ​ઈ ઉભી કરાવેલી. જયામાં હ​વે ગજબનો આત્મ​વિશ્વાસ આવી ગયેલો. બીજું એક વરસ પસાર થઈ ગયેલું. જયાનો આત્મવિશ્વાસ ચરમસીમાએ હતો. કોઇ પણ કામ હોય એ એને સફળ કરીનેજ રહેતી. જયાનું એની નાતમાં, આખા સૌરાષ્ટ્રમાં માન હતુ. સૌના માટે એ હ​વે જયામાંથી જયાબહેન બની ગ​ઈ હતી. હવે એ સારામાં સારું ચીજ બનાવવાના પ્રયત્ન કરી રહી હતી અને ઘણે અંશે એમાં સફળ પણ રહી. યું ટ્યુબ પર બ્રિટનના ચીજ બનાવતી કંપનીના વિડીઓ જોઈ જોઇને એ એના ચીજની ગુણવત્તા સુધારતી ગઈ…


આટલું કરવામાં પાંચ વરસ પૂરાં થઈ ગયા એ પણ જયાને યાદ ન હતું. પ્રગતિની પાછળ દોડી રહેલી જયાનો ફોન વાગી રહ્યો હતો.... ફોન તો રોજ વાગતો પણ આજે એ ફોન ખાસ હતો, કેમકે પાંચ વરસ પછી વિરલે એને સામેથી ફોન કર્યો હતો....

***