Kutaru books and stories free download online pdf in Gujarati

કુતરૂં

કુતરૂં

હું રોજના ક્રમ મુજબ ઓફીસેથી ઘરે પરત ફરી રહ્યો હતો. સાંજના ટ્રાફીકનો એ અલભ્ય નજારો હતો. અલભ્ય એટલા માટે કારણ કે ગાંધીનગરમાં સવારે ઓફીસ જવાના સમયે અને સાંજે ઓફીસથી પરત ફરવાના સમયે, એ બે સમયે જ સાધારણ ટ્રાફીક જામના દૃશ્યો સર્જાતા. એ સિવાયના સમયમાં હરિયાળા ગાંધીનગરના રસ્તાં ખુલ્લાં રહેતાં. નીલ આકાશ, લીલા વૃક્ષો, ખુલ્લાં રસ્તા અને પ્રદૂષણમુક્ત હવા એ જ તો આ નગરની ખરી પહેચાન હતાં.

એ દિવસે ઓફીસેથી પરત ઘરે જતાં રસ્તામાં એક ધૂમ બાઇકસવારે મને ઓવરટેક કરી એની બાઇક ફૂલસ્પીડે દોડાવી મુકી. હું એને જતાં જોઇ જ રહ્યો હતો અને અચાનક એને શું સુઝ્યું કે એણે એનાં સ્પોર્ટ્સ બાઇકનું આગળનું ટાયર અધ્ધર કરી દીધું. માત્ર પાછળના એક જ ટાયર પર સ્ટંટ કરતાં કરતાં ઘુ...ઘુ... અવાજ સાથે એણે ચાર રસ્તેથી બાઇક કાઢ્યું. હું દંગ રહી ગયો. આ વાતને બે-ચાર દિવસ માંડ વિત્યાં હશે ત્યાં એક રાત્રે પાછો એક લબરમુછીયો બાઇકસવાર મને ઓવરટેક કરીને આગળ નીકળ્યો. ‘સર્પાકાર’ શબ્દને જૂનો પુરવાર કરે એવાં અવનવા આકારે બાઇક ચલાવતાં ચલાવતાં એ ચાલકે એક રિક્ષા અને એક ગાડીની વચ્ચેથી એટલી સિફતથી બાઇક કાઢી કે થોડીવાર માટે તો મારો શ્વાસ અધ્ધર થઇ ગયો. “આ તો ગયો આજે.. ” એવું અનાયાસે જ મનમાં બોલાઇ ગયું. પણ એને ટ્રાફીક વચ્ચેથી આવી રીતે રસ્તો કાઢતો જોઇ મને ય જીંદગીની મુસીબતોમાંથી આવીજ સિફતથી રસ્તો કાઢવાની પ્રેરણા મળી. વળી એકાદ અઠવાડીયા પછી આવા બે બાઇકસવારોનો બેક ટુ બેક ભેટો થઇ ગયો. એક બાઇકસવાર કોઇક અલગ પ્રકારનું સાઇડ સ્ટેન્ડ સાઇડમાં લબડતું રાખી પૂરપાટ વેગે બાઇક દોડાવી એ સ્ટેન્ડનું રોડ સાથે ઘર્ષણ થવાં દેવાનું અને એ ઘર્ષણથી મોટાં પ્રમાણમાં તડ..તડ... અવાજ કરતાં તણખાં ઝરે એ ઘટનાની મજા લેતો હતો. વળી બીજો બાઇકસવાર એના બાઇકના સાયલેન્સરમાં એનાં નામથી વિપરીત કોઇ વસ્તુ લગાવીને રાત્રિના શાંત વાતાવરણમાં ઉંચા ડેસીબલનો ફાટ...ફાટ.. અવાજ કરતો કરતો નીકળ્યો. કદાચ સાઉન્ડ ફિઝિક્સના આવા પ્રયોગો આમને બહુ આકર્ષિત કરતાં હશે.

ફુલગુલાબી ઠંડીની ધીમી શરૂઆત થઇ રહી હતી. ઓક્ટોબરનો મધમીઠો મહિનો ચાલી રહ્યો હતો. રાત્રીના દસ વાગ્યાં હતાં. હું એક સંબંધીની ખબર પૂછી હોસ્પિટલથી પરત ફરી રહ્યો હતો. ફરીથી એક ધૂમ બાઇકસવારે મને ઓવરટેક કર્યો. એનાં સાયલેન્સરમાંથી ફટાકડા ફોડતાં ફોડતાં એ આગળ વધી જ રહ્યો હતો કે એનાં રસ્તામાં અચાનક એક કુતરૂં આવી ગયું. કુતરાં પર થઇને આખું બાઇક પસાર થઇ ગયું અને પછી બાઇકે સ્લીપ ખાધી. હું બ્રેક મારી ઉભો રહ્યો. આસપાસમાંથી પસાર થતાં અન્ય બે રાહદારીઓ પણ ઉભાં રહ્યાં. બાઇક સવાર કંઇક એ રીતે પડ્યો હતો કે એને ખાસ કંઇ વાગ્યું ન હતું. પડ્યા પછી અમારા કોઇની મદદ વગર એ તરત જ ઉભો થઇ ગયો. અમારામાંથી કોઇ કંઇપણ બોલે કે કંઇ પુછે એ પહેલાં તો એ કુતરાને ગાળો દેતો દેતો ફટાફટ બાઇક સ્ટાર્ટ કરી વીજઝડપે નીકળી ગયો. એનાં ગયા પછી અમારૂં ધ્યાન રોડની સાઇડમાં ફુટપાથની બિલકુલ નજીક ફેંકાઇ ગયેલાં કુતરા તરફ ગયું. હું કુતરાની નજીક ગયો. કુતરૂં એના છેલ્લાં શ્વાસ ગણી રહ્યું હતું. એનાં ચારેય પગ એકદમ અક્કડ થઇને ભેગાં થઇ ગયાં હતાં. એની જીભ એના મોમાંથી બહાર નીકળી લબડી રહી હતી. ટક્કર વખતે એ જીભ એનાં દાંત વચ્ચે કચડાઇ જવાને લીધે ચિરાઇ ગઇ હતી અને એમાંથી લોહી વહી રહ્યું હતું.

રાતના અગિયાર વાગવા આવ્યાં હતાં. ગાંધીનગરના શિયાળાના મિજાજ અનુસાર રસ્તાં પરની અવરજવર અત્યંત પાંખી હતી. અમે કૂલ ત્રણ રાહદારીઓ એ કુતરાં પાસે ઉભાં હતાં.

“બોસ, આ કેસ તો ખલાસ થઇ ગયો છે. આ પાર્ટી હવે બચશે નહીં. આની જોડે ક્યાં હુધી બેહી રઇશું?” ખીસામાંથી કાઢેલો મસાલો મસળતા મસળતા એક રાહદારી બોલ્યો. એણે એકાદ મિનિટ મસાલો મસળ્યો. એ મસળેલો મસાલો મોંમા ભર્યો અને એનું વાહન લઇને જતો રહ્યો.

“ચાલો, હવે આપણેય જઇએ. આમાં આપણે તો શું કરી શકીએ. આના નસીબમાં આવું જ મોત લખ્યું હશે.” આટલું બોલીને બીજો રાહદારી પણ એનાં રસ્તે ચાલતો થયો.

હું જીવ માત્ર તરફની સિમ્પથીને મિસ્ટર ઇન્ડીયા બનતાં જોઇ રહ્યો. હવે હું એકલો જ એ કુતરાં પાસે ઉભો હતો. હવે જે કંઇ થઇ શકે એ મારે જ કરવાનું હતું.

ઘટનાસ્થળથી થોડે દૂર એક નાનો ગલ્લો ખુલ્લો હતો, જે બંધ થવાની તૈયારીમાં જ હતો. હું ત્યાં જઇ પાણીની બે બોટલ લઇ આવ્યો. મેં એનાં મોં પર થોડું પાણી રેડ્યું. એને ગમ્યું હોય એવું લાગ્યું. ધીમે ધીમે કરીને એક આખી બોટલનું પાણી એ પી ગયું. એનીમલ રેસ્ક્યુની હેલ્પલાઇન ટ્રાય કરી જોઇ, પણ આટલી મોડી રાત્રે એ ખુલ્લી ન હોય એ સ્વાભાવિક છે. એક બે મિત્રોને ફોન લગાવી જોયા પણ એકેય કારી ફાવી નહીં. હવે મારી પાસે વધુ વિકલ્પો બચ્યાં ન હતાં. મેં બીજી બોટલનું પાણી એને પીવડાવ્યું. આ અબોલ જીવને સધિયારો રહે એટલે એની જોડે થોડીવાર હું ઉભો રહ્યો. થોડું થોડું કરતાં રાત્રિના સાડા બાર થવા આવ્યાં. મેં આસપાસ ચારેતરફ નજર ફેરવી. હું, આ કુતરૂં અને દૂર ફૂટપાથ પર બેઠેલો અને ક્યારનોય આ આખો નજારો જોઇ રહેલો એક ભીખારી એ ત્રણ સિવાય ત્યાં બીજું કોઇ ન હતું. એમાંય કુતરાનું ડાઇંગ ડીકલેરેશન લેવા જેટલો નજીક તો હું એકલો જ હતો. રાત્રિ તો એનાં નિયત ક્રમ મુજબ વીતી રહી હતી. કંટાળીને આખરે એને એનાં હાલ પર છોડી ઘરે જવાનું મેં નક્કી કર્યું.

“ચાલ દોસ્ત, તને તારા હાલ પર છોડીને જાઉં છું. મારાથી જેટલું થઇ શકે એમ હતું એટલું મેં કર્યું. બાકી તો આપણા બધાના નસીબમાં જે ભોગવવાનું લખ્યું છે એ ભોગવવું જ પડે છે.” કુતરૂં મારી ભાષા સમજશે કે નહીં એની પરવાહ કર્યાં વગર હું બોલ્યો. બાઇકને કીક મારી.

એ કુતરૂં એકીટશે મારી સામે જોઇ રહ્યું હતું. મેં એની સામેથી નજરો હટાવી પેલાં ભિખારી સામે જોયું. એ ભિખારીએ એનાં બંને હાથ ઊંચા કરી ઉપર તરફ ઇશારો કર્યો. મેં ઉપર જોયું. અવકાશી ચંદરવાની અદભુત બનાવટ અને એ બનાવનારાના ભરોસે રમતી આ અદભુત સૃષ્ટી બંને નજર સામે તરવરી ઉઠ્યાં. આ આખીય પરિસ્થિતી આ સૃષ્ટીના નિર્માતા-નિર્દેશકના હવાલે છોડી હું ત્યાંથી નીકળી ગયો. જતાં જતાં મેં ત્રાંસી આંખે કુતરાં સામે નજર નાંખી. એ કુતરૂં હજી સુધી અનિમેષ નજરે મને જોઇ રહ્યું હતું પણ હું એનો જીવ ન બચાવી શક્યો હોવાના રંજ સાથે એની જોડે આંખ મિલાવ્યા વગર જ ત્યાંથી નીકળી ગયો.

બીજા દિવસે સવારે ઓફિસ જતી વખતે હું ઘટના સ્થળ આગળથી નીકળ્યો. મેં બાઇક ઊભું રાખ્યું. એ રસ્તો અને રસ્તાની સાઇડનો ફૂટપાથ વળાઇને સ્વચ્છ થયેલો દેખાતો હતો. મેં આજુબાજું નજર કરી. થોડે દૂર પેલો ભિખારી બેઠેલો દેખાયો. મેં એને કુતરાં વિશે પુછ્યું તો એણે કહ્યું,

“એ કુતરૂં આખી રાત શાંતિથી પડી રહ્યું. વહેલી સવારે એણે પ્રાણ છોડ્યાં. કોર્પોરેશનના સાફસફાઇવાળા કર્મચારીઓ સવારે જ એનો મૃતદેહ લઇ ગયાં.” વાક્ય પુરૂં કરી એણે રાતની જેમ જ એનાં બંને હાથ આકાશ તરફ ઊંચા કર્યાં. મેં ફરીથી ઉપર આકાશમાં નજર કરી. આસમાની જાજમ વચ્ચે પ્રખર તેજે ઝળહળતો ઉર્જાનો એ સોનેરી ગોળો નજરે પડ્યો. જો આત્મા જેવી કોઇ ‘ચીજવસ્તુ’ અસ્તિત્વ ધરાવતી હોય તો એને મનોમન વંદન કરતો હું ત્યાંથી નીકળી ગયો.

એ રોડ પર થોડો આગળ વધ્યો હોઇશ ત્યાં સાયલેન્સરમાંથી ફાટ..ફાટ.. અવાજ છોડતાં એક ધૂમ બાઇકસવારે મને ઓવરટેક કર્યો અને પોતાની આગવી મસ્તીમાં ધૂમ ઝડપે આગળ વધી ગયો. હું એકીટશે એને જતાં જોઇ રહ્યો.