Doctor ni Diary - Season - 2 - 6 books and stories free download online pdf in Gujarati

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 6

ડોક્ટરની ડાયરી

ડો. શરદ ઠાકર

(6)

આયના મુઝસે મેરી પહેલી સી સૂરત માગે

મેરે આપને મેરે હોને કી નિશાની માગે

કરપીણ શિયાળો. કતલ કરી નાંખે તેવી ઠંડી. અમાસી રાત. મુંબઇથી ઉપડેલી ટ્રેન પોરબંદરના સ્ટેશને પહોંચીને ઊભી રહી ગઇ. તે જમાનામાં પોરબંદર છેલ્લુ સ્ટેશન ગણાતું; અત્યારની મને ખબર નથી.

મોટાભાગના પેસેન્જરો ઊતરી પડ્યા. ડબ્બાઓની સાફસૂફી કરવા માટે રેલ્વેના ચોથા વર્ગના કર્મચારીઓ એક પછી એક કમ્પાર્ટમેન્ટમાં ફરી વળ્યા. જે રડ્યા-ખડ્યા મુસાફરો ટૂંટીયું વાળીને ઊંઘતા હતા તેમને ઢંઢોળીને જગાડ્યા: “ ઊતરો હવે; પોરબંદર આવી ગયું.” લાશની જેમ પડેલા માનવદેહો અચાનક ચોંકીને, જાગીને, આંખો ચોળતાં, પોતાનો સામાન ઊઠાવીને ઊતરવા ઊતરવા લાગ્યા.

આ જ રીતે એક કમ્પાર્ટમેન્ટમાં એક સફાઇ કર્મચારીને એક સૂતેલી જુવાન છોકરી જોવામાં આવી. એણે એને અડક્યા વગર જગાડવાની કોશિશ કરી, “એ.....ઇ..… બે’ન...! ઊંઘમાંથી જાગો હવે! પોરબંદર આવી ગયું......!”

યુવતી જાગી તો ખરી પણ કોઇ જ હાવભાવ બતાવ્યા વગર મૂઢની જેમ પેલાની સામે જોઇ રહી. પેલો કર્મચારી યુવતીની બહાવરી આંખો અને ગુમસુમ ચહેરો જોઇને તરત સમજી ગયો: “ આ તો ગાંડી લાગે છે!”

એણે એક-બે બીજા સાથીઓને બોલાવી લીધા. બધાએ યુવતીની સાથે સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી. યુવતીનું પેટ સારુ એવું ઉપસેલું હતું. વાન અત્યંત ગોરો. ચહેરો કામરુ દેશની રાજકન્યા જેવો સુંદર અને ઘાટીલો. જો એ ગાંડી ન લાગતી હોત તો કોઇ પણ તેજસ્વી જુવાન એની સાથે ઘડીયા લગ્ન કરવા તૈયાર થઇ જાય એવી આકર્ષક દેખાતી હતી એ.

એક કલીએ પૂછ્યું, “ક્યા નામ હૈ તુમ્હારા? કૌન સી ભાષા સમઝતી હો તુમ?”

આંખોમાં શૂન્યતા ચહેરો ભાવવિહિન. શરીર જાણે ચેતનાહીન!

પછી તો રેલ્વે પોલીસના માણસો આવી ચડ્યા. કાચી-પાકી ત્રણ-ચાર જુદી જુદી ભાષામાં સવાલોની ઝડી વરસાવી દેવામાં આવી. સોરઠી પોલીસની અંગ્રેજી તો કેવી મૌલિક!? અંગ્રેજોને પણ ન સમજાય! તો પછી આ યુવતીને ક્યાંથી સમજાય? એ પણ ગાંડીને?

સતત બે કલાકના પ્રયાસો પછી યુવતીનાં કાન સજીવન થયા! આંખો ચકળ-વકળ થઇ. એક મહિલા પોલીસે જ્યારે પૂછ્યું, “તારા નામ ક્યા હૈ?”

જવાબમાં ગાંડીનાં હોઠ ફફડ્યા, “અનુરાધા.”

“તૂ ક્યાંની રહેવાવાલી હૈ?”

“આઇ એમ ફ્રોમ ઓરિસ્સા.” અનુરાધાનો અંગ્રેજીમાં જવાબ સાંભળીને ભીડ સ્તબ્ધ!

“તૂમ અત્યારે ઓરિસ્સાથી આઇ હૈ?”

“નો. મી કમિંગ ફ્રોમ બોમ્બે રાઇટ નાઉં.” (ત્યારે હજુ બોમ્બેનું મુંબઇ થયું ન હતું.)

આનાથી વધારે વાતચીત કરવાનું શક્ય ન હતું. યુવતી હિંદી, ગુજરાતી સમજતી ન હતી અને ત્યાં જમા થયેલાંને અંગ્રેજીના ફાંફા હતા.

છેવટે એક ઇન્ટેલીજન્ટ માણસને આઇડિયા ફૂટ્યો, “આજની રાત પૂરતું ઇન્ટરોગેશન બંધ કરીએ. બાઇને અહીંજ રાખીએ. સવાર પડે ત્યારે પોરબંદરમાં કોઇ ઉડિયા ભાષાનો જાણકાર હોય તેને શોધી કાઢીએ. એ સિવાય મેળ નહીં પડે. આમાંને આમાં તો આપણે આપણી મૂળ ભાષા યે ભૂલી જઇશું.”

નિર્ણયને સર્વાનુમતિથી વધાવી લેવામાં આવ્યો. સ્ટેશન પર આવેલા સ્ટોલમાંથી નમકીન, બિસ્કીટ્સ અને કડક મીઠી ચા મંગાવીને યુવતીને આપવામાં આવી. પછી રાઇટર કાન્સ્ટેબલ કાચી નોંધ લખવા બેસી ગયો. યુવતી પણ પાછી ટૂંટીયું વાળીને બાંકડા પર ઊંઘી ગઇ.

માત્ર મહિલા પોલીસના મનમાં યુવતીનાં ઊપસેલા પેટના વિચારો ટ્રેનના સ્ટીમ એન્જિનની જેમ પ્રશ્નોની વરાળ છોડતા રહ્યા: “કોણ હશે આ અનુરાધા? નામ અને રૂપ પરથી તો સારા ઘરની હોય એવી લાગે છે. અંગ્રેજી જાણે છે એટલે ભણેલી પણ હશે જ. આમ જુઓ તો ગાંડી લાગે છે પણ સાવ ગાંડાઓ જેવી ગાંડી નથી લાગતી. કોઇ અસહ્ય આઘાતના પ્રહારથી દિગ્મૂઢ બની ગઇ હોય તેવી વધારે જણાય છે. આવી રૂપાળી, ઘાટીલી, જુવાન છોકરીને એવો તે ક્યો આઘાત લાગ્યો હશે જે અસહ્ય.....???”

તમામ પ્રશ્નો પેલા ઉપસેલા પેટ પાસે જઇને અટકી જતા હતા. રહસ્ય ઘૂંટાતું જતું હતું; જિજ્ઞાસા વળ ખાઇ-ખાઇને બેઠી થતી રહેતી હતી. એ રાતનું પ્રભાત કોણ જાણે કેમ દૂર ને દૂર ઠેલાતું જતું હતું!

આખરે સવાર પડી. દિવસ ચડ્યો. પોલીસે શહેર આખું ખૂંદી નાંખ્યું. આખરે એક ફેક્ટરીમાંથી ઓરિસ્સાથી આવેલો એક મજૂર મળી આવ્યો. બાપડો દસેક વર્ષથી પોરબંદરમાં આવી વસ્યો હતો; ગુજરાતી-હિન્દી ભાંગ્યુ તૂટ્યું બોલી-સમજી શકતો હતો. એને જીપમાં બેસાડીને રેલ્વે સ્ટેશન પર હાજર કરી દેવામાં આવ્યો. એને બધી હકીકત ટૂંકમાં સમજાવી દેવામાં આવી. અનુરાધાને શુ-શું પૂછવાનું છે. તે પણ કહી દેવામાં આવ્યું. રમાકાંત બરૂઆ નામનો એ માણસ તૈયાર થઇ ગયો. જેવો એ અનુરાધાની સામે આવ્યો એ સાથે જ અનુરાધાની આંખોમાં એક ચમક આવી ગઇ. સપાટ ચહેરો જીવંત બની ગયો. હજુ તો રમાકાન્તે ‘અનુ’ કહીને એને સંબોધી એટલામાં જ અનુરાધા રડવા માંડી. આંખોમાંથી આંસુની અને જીભ પરથી ઉડિયાની ધાર વહેવા લાગી.

દોઢેક કલાક સુધી ચાલેલા લાગણીસભર સંવાદના અંતે જ્યારે રમાકાન્ત પોલીસ ઇન્સ્પેક્ટરની તરફ ફર્યો ત્યારે એની આંખોમાંથી પણ આંસુનું પૂર વહી રહ્યું હતું. એણે જે કહ્યું તેનો સ્તર કંઇક આવો હતો: અનુરાધા ઓરિસ્સાના એક નાનાં ટાઉનના મોટા ખાનદાનની દીકરી હતી. પિતા વેપારી હતા. શ્રીંમત હતા. મમ્મી, ભાઇ, બહેન સાથેનો સુખી પરીવાર હતો. અનુરાધા કોલેજમાં ભણતી હતી. સાથે એક હીરો ટાઇપ યુવાન પણ ભણતો હતો. બંને જણાં આખી કોલેજનું અજવાળું હતી.

એક દિવસ નિશિકાંત નામના એ યુવાને ‘પ્રપોઝ’ કર્યું. “આઇ લવ યું” અનુંના રૂંવે રૂંવે રોમાંચ ફૂટી નીકળ્યો. એણે સંમતિમાં માથું હલાવ્યું અને પોપચા ઢાળી દીધાં.

છ-આઠ મહિના સુધી બધું બરાબર ચાલ્યું. એ દરમ્યાન હીરોએ હિરોઇનનો પૂર્ણવિશ્વાસ જીતી લીધો; પછી એનો શ્વાસ પણ પામી લીધો. અનુ અવાર-નવાર એ રૂમની મુલાકાત લેવા માંડી જ્યાં એનો પ્રેમી રહેતો હતો.

એક દિવસ નિશિકાંતે પ્રસ્તાવ મૂક્યો, “ચાલ, આપણે પરણી જઇએ.”

“હું તો તૈયાર છું, પણ મારું ફેમિલિ નહીં માને.”

“તો આપણે ભાગી જઇએ. મુંબઇ જતાં રહીએ. ત્યાં મેરેજ કરીને આપણે સુખી સંસારની પવિત્ર સફર શરૂ કરીશું. આપણું એક ઘર હશે, બાળકો હશે, મારા જેવો દીકરો અને તારાં જેવી દીકરી હશે. હું તને જરા પણ કામ નહીં કરવા દઉં. હું પરસેવો પાડીશ, કોથળોભરીને રૂપીયા કમાઇશ, તારો ખોબો ધનથી છલકાવી દઇશ. દિવસ દુનિયાનો હશે અને રાત આપણી હશે.”

અનુરાધા તેજસ્વી, શિક્ષિત અને સ્માર્ટ હતી; પણ જ્યારે પ્રેમની વાત આવે છે ત્યારે જગતની સ્માર્ટેસ્ટ છોકરીઓ ભોળવાઇ જતી હોય છે. અનુરાધા પણ ભોળવાઇ ગઇ. પ્રેમીની સાથે ભાગી ગઇ. પાછળ એનાં માતા-પિતા અને બાઇ-બહેને કેટલું કલ્પાંત કર્યું એની એને ન તો કલ્પના હતી ન જાણ હતી.

મુંબઇ આવ્યા પચી નિશિકાતે થોડાંક દિવસો સુધી આ રૂપની રાશિનો ભોગવટો કરી લીધો, પછી એક દલાલને વેંચી મારી અને અદૃશ્ય થિ ગયો. દલાલ અનુને વૈશ્યાના કોઠા પર લઇ આવ્યો. કોઠા પરની મૌસીએ નવી કળીનો હવાલો સંભાળી લીધો. ઉપલક દૃષ્ટિએ આ આખો યે ઘટનાક્રમ બમ્બૈઇયા ફિલ્મની પટકથા જેવો લાગે છે, પણ વાસ્તિવિક જીવનમાં આવી ઘટના જેની સાથે ઘટી હોય તે બદનસીબ યુવતીની મનોદશા ફક્ત તે જસમજી શકે.

અનુરાધાની કરુણ કથની સાંભળીને પોલીસ પણ વિચારમાં પડી ગઇ. આ છોકરીને હવે રાખવી ક્યાં? એક તો એ પાગલ જેવી. એમાં વળી ગર્ભવતી. અને મા-બાપ સાથેનો સંબંધ કાપીને આવેલી.

કોઇએ રસ્તો બતાવ્યો, “અહીં એક વણઘા આતા છે. સેવાભાવી માણસ. ઘરબાર ત્યાગીને ફક્ત ગાંડાઓ માટે એક આશ્રમ ચલાવે છે. પચાસ-સાંઇઠ જેટલા ગાંડાઓને સાચવે છે. નવડાવે, ખવડાવે, ઝાડો-પેશાબ સાફ કરે અને સેવા ચાકરી પણ કરે. બાજુમાં ગોરસર ગામમાં એમની સંસ્થા છે. નામ જ ‘મામા પાગલ આશ્રમ’ ત્યાં અનુરાધાને મોકલી આપો.”

પોલીસે એવું જ કર્યું. અનુરાધાને પણ ત્યાં ગમી ગયું. પૂરા મહિને એણે દીકરીને જન્મ આપ્યો. દીકરીનો બાપ કોણ હશે એ માત્ર ભગવાન જ જાણે! જ્યાં રોજના દસ ઘરાકો આવતા હોય ત્યાં.....??? એ ત્રાસના આઘાતમાંથી તો અનુ વિક્ષિપ્ત થિને ટ્રેનમાં બેલી ગઇ હતી.

દીકરીનું નામ ‘તુલસી’ રાખવામાં આવ્યું. એ બાપડી કળીનો શો દોષ? એ તો તુલસીના છોડ જેવી પવિત્ર જ હતી ને?

અહીં એક પ્રશ્ન થવો સ્વાભાવિક છે: અનુરાધા અને તુલસીનો ક્યારેય ઓરિસ્સામાં આવેલા એનાં સ્વજનો સાથે મેળાપ થયો કે નહીં? જો થયો તો કેવી રીતે? આનો જવાબ પણ દિલચશ્પ છે. કુદરત પણ કેવી કેવી કરામતો બતાવે છે?!

એક દિવસ ઓરિસ્સાના એક વગદાર મંત્રીશ્રી પટ્ટવર્ધન અંગત રીતે ભગવાન સોમનાથના દર્શનાર્થે નીકળ્યા હતા. સોમનાથથી દ્વારિકા જતા હતા ત્યાં પોરબંદર રોકાણ કર્યું કોઇએ એમના કાને વાત નાંખી કે તમારા રાજયની એક યુવતી ફલાણા આશ્રમમાં છે. મંત્રીશ્રી સજજ્ન હતા. તરત આશ્રમમાં પહોંચી ગયા. અનુરાધાને મળ્યા. અનુ એમના પગમાં પડી ગઇ. બધી વાત જાણીને મંત્રીશ્રીએ સરકારી તંત્રને દોડતું કરી દીધું. બંને રાજયોની ટેલીફોન લાઇન ધણધણવા માંડી ગણતરીના સમયમાં જ અનુનાં માતા-પિતાનો સંપર્ક સધાઇ ગયો. ત્રીજા દિવસે અનુનાં માવતર દીકરીને મળવા માટે દોડી આવ્યા. અનુને ડર હતો કે મમ્મી-પપ્પા એનો સ્વીકાર નહીં કરે. પણ મા-બાપ તો બધું ભૂલીને દીકરીને વળગી પડ્યા. નાનકડી તુલસી એની ગોળગોળ આંખોમાં વિસ્મય આંજીને આ મંગલ ત્રિકોણને જોઇ જ રહી.

મા-બાપે બેય દીકરીઓને ઓરિસ્સા લઇ જવાની ઇચ્છા દર્શાવી તો હવે વણઘા આતા આડા ફાટ્યા, “ગાંડી હોય તો શું થઇ ગયું? અનુ મારી દીકરી છે. એમ હું કોઇ અજાણ્યાના હાથમાં એને ના સોંપુ.”

પિતા હસી પડ્યા, “ પણ હું અજાણ્યો ક્યાં છું.? હું તો એનો પિતા છું.”

“પિતા હોવ તો પુરાવો બતાવો.” વણઘા આતાંની માંગણી પૂરી કરવી ફરજીયાત હતી. જ્યાં સુધી ઓરિસ્સાથી આઇ.ડી. પ્રુફ્રસ પહોંચ્યા નહીં ત્યાં સુધી માવતર અને મંત્રી બધાંને પોરબંદરમાં જ રહેવું પડ્યું.

(માહિતી સ્ત્રોત: સમેશભાઇ ટાટમિયા-ખીરસર)

(શીર્ષક પંક્તિ: સૂરજ સનીમ)

---------