Doctor ni Diary - Season - 2 - 10 books and stories free download online pdf in Gujarati

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 10

ડોક્ટરની ડાયરી

ડો. શરદ ઠાકર

(10)

તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે

કેમ સમજાવું તને કે એ સમજની બ્હાર છે

આઇસક્રીમની એક વેરાઇટી આવે છે: થ્રી ઇન વન. આજે ડો.ની ડાયરીનો એપિસોડ પણ થ્રી-ઇન-વન જેવો છે.

“વિજ્ઞાન અને શ્રધ્ધા એ બેમાંથી મારે જો એક ચીજ પસંદ કરવાની આવે તો હું વિજ્ઞાનને જ પસંદ કરું.” સિતેરના દાયકામાં આ મારું ફેવરીટ વાક્ય હતું. ત્યારે હું મેડીકલ કોલેજમાં ભણતો હતો. એનેટોમીના પાશ્ચાત્ય ડોક્ટરોએ લખેલા થોથાં વાંચીને મને લાગતું હતું કે માનવદેહના તમામ રહસ્યો મેં સમજી લીધા છે. ફિઝીયોલીજી ભણી લીધા પછી મને લાગતુ હતુ કે ઇશ્વરની મરજી વગર પાંદડું ફરકતું નથી એ ખાલી દંતકથા છે; શરીરના તમામ અવયવો અને તંત્રો દિમાગમાંથી નીકળતી સૂચનાઓ અને એન્ડોક્રાઇનલ હોર્મોન્સના કારણે કામ કરે છે.

પેથોલોજી ભણતી વખતે જ મને એ પણ સમજાઇ ગયું હતું કે કર્મફળ, પાપ-પુણ્ય, ઋણાનુબંધ અને પૂર્વજન્મ કે પૂનર્જન્મ જેવું કશું યે હોતું જ નથી; જો કંઇ હોય છે તો એ માત્ર બેકિટરીયા અને વાઇરસના ચેપને કારણે મળતું પરીણામ જ હોય છે.

સર્જરી, મેડિસિન અને ગાયનેકના અભ્યાસે મને એક નવી વાત શિખવી દીધી: “ કોઇ પણ મનુષ્યનું આયુષ્ય પહેલેથી નિર્ધારીત નથી હોતું. ભગવાન જેને પચાસમા વરસે ઉપર બોલાવી લેવા માગતો હોય તેને ડોક્ટર એંશી વર્ષ સુધી પૃથ્વી પર રાખી શકે છે.”

હું દૃઢપણે એવું માનતો હતો કે ભગવાન જેવું કંઇ છે જ નહીં. એ માનવીની કલ્પના માત્ર છે. નબળા મનના માણસને ગેરમાર્ગે દોરી જવાનું એક નર્યું તૂત છે.

પછી કાગળના થોથાની દુનિયામાંથી હું પ્રેક્ટિકલ વિશ્વમાં આવી ગયો. અભ્યાસમાંથી અનુભવોની દુનિયામાં આવ્યો. હું કબુલ કરું છું કે મારા મેડીકલ સાયન્સના જ્ઞાન વડે આજ સુધીમાં મેં હજારો બિમાર દરદીઓને સાજા કર્યા છે; પણ ક્યારેક એવી ઘટનાઓ પણ બની છે જ્યાં મારું દિમાગ ચકરાઇ ગયું છે. હું આજ સુધી સમજી શક્યો નથી કે આવું કેવી રીતે બન્યું હશે?

મારું વિજ્ઞાન મને એટલી હદે અહંકારી બનાવી દે છે કે દેખીતી રીતે અસંભવ એવી ઘટનાઓમાંથી પણ તાણી-તૂંસીને કોઇ તાર્કિક ખુલાસો હું શોધી કાઢું છું; પણ હું ખોંખારીને એવું નથી કહી શકતો કે એ સાચું જ હશે.

પહેલી ધટના 1989ની છે. બપોરનો એક વાગ્યો હતો. હું કન્સલ્ટીંગ પૂરું કરીને જઇ રહ્યો હતો. મારો નવજાત દીકરો ગંભીર હાલતમાં બાળકોના ડોક્ટરના આઇ.સી.યુ. માં જિંદગી માટે ઝઝૂમી રહ્યો હતો. મારે પવનની ઝડપે એની પાસે પહોંચવાનું હતું. હું મારી કારમાં બેસવા જતો હતો ત્યાં જ એક અત્યંત ગરીબ મુસલમાન દંપતી સામેથી આવતું દેખાયું. પુરુષને લાગ્યું હશે કે હું જ ડોક્ટર છું. એણે પૂછ્યું, “સા’બ! આપ જા રહે હૈ? હમ આસ્ટોડીયાસે આયે હૈ.”

“સોરી! આપને દેર કર દી. અબ કલ આના.” મેં ચાવીથી એન્જિન સ્ટાર્ટ કરતાં કહી દીધું.

સ્ત્રી બોલી પડી, “અરે, સા’બ! હમ જૈસે ગરીબપે રહેમ કિજીયે ના! હમારે પાસ સિટી બસકે ભી પૈસે નહીં હૈ. પૈદલ ચલ કર આયે હૈ. પૈદલ વાપસ જાયેંગે. કલ ફિરસે....?”

“તો મૈં ક્યા કરું?” મારું મન મારા દિકરામાં હતું. એ સ્ત્રી અજાણતાં જ બોલી ગઇ, “ઐસા મત કરો, સાબ. રહેમ કરો. અલ્લાહ આપકે બચ્ચેકો લંબી ઉમ્ર દે!”

હું ચાવી ઘૂમાવતાં અટકી ગયો. આવી દુવાની જ તો મારે જરૂર હતી. બહાર નીકળીને મેં કહ્યું, “હું પાછો દવાખાનામાં તો નહીં જઇ શકું. અહીં જ કહી દો; તમે શેના માટે આવ્યા છો?”

એ સ્ત્રીનું નામ નૂરબાનુ. એણે મેલા કપડાંની થેલીમાંથી બે એક્સ-રેના ફોટાઓ કાઢીને મને આપી દીધા.(ત્યારે હજુ સોનોગ્રાફીનું આજના જેવું ચલણ ન હતું.)

“સા’બ, હમારી કોઇ ઔલાદ નહીં હૈ. યે ફોટુ દેખિયે ના! આપકા નામ સૂના હૈ. બડી ઉમ્મિદ લેકર આયે હૈ.....” એ બોલ્યે જતી હતી. હું એક્સ-રેનો રીપોર્ટ વાંચી રહ્યો હતો. એમાં લખ્યું હતું : ગર્ભાશયનો ટી.બી. હોય એવું લાગે છે. બંને બાજુઓની ફેલોપિયન ટ્યુબ્ઝ બંધ છે. (અને બીડેડ એપીયીરન્સ વાળી છે.)

મેં કહી દીધું : “બહેન, માફ કર. તને ગર્ભ રહે તેવી કોઇ જ શક્યતા આ રીપોર્ટમાં દેખાતી નથી.”

“સરકારી દાગતરને ભી ઐસા હી બોલ દિયા હૈ, સા’બ. ફિર ભી આપ કોઇ દવા લિખ દો ના! હમને આપકા નામ બહોત સૂના હૈ. પૂરા યકીન લેકર આયે હૈ.....”

નૂરબાનુ દેખાવમાં જ ટી.બી.ની દર્દી જણાઇ આવતી હતી. સાવ હાડપિંજર જેવી. એનો રોગ એનાં ગર્ભાશય અને નળીઓ સુધી પણ પહોંચી ગયો હતો. એને શું દવા લખી આપું? પણ મારે ઉતાવળ હતી. એને ટાળવાના એક માત્ર આશયથી મેં બાજુમાં પડેલા કચરાના ઢગલામાંથી એક કાગળનો ટુકડો ઉઠાવ્યો. સાવ સસ્તી (બે રૂપીયાની વીસ) ગોળીઓ લખી આપી. અને કહી દીધું, “જાવ, આવતા મહીને આવજો.”

નૂરબાનુ અને એનો પતિ એક મહિના પછી પાછા આવ્યા. પણ મારા મેડીકલ સાયન્સના તમામ પુસ્તકોનો ભૂક્કો બોલાવી નાખવા માટે જ આવ્યા. નૂરબાનુ ગર્ભવતી હતી!!!

***

આજથી સાત-સાડા સાત વર્ષ પહેંલાની ઘટના. ખેડા જીલ્લાના એક સાવ નાનાં ગામડાંમાંથી એક પતિ-પત્ની સારવાર માટે આવ્યા. સાવ ગરીબ પણ ન હતા; એટલા બધા પૈસાદાર પણ ન હતા.

“સાહેબ, મારી ઘરવાળીને માસિક આવતુ નથી.” પતિએ મારી પાસે આવવાનું પ્રયોજન જણાવ્યું.

સાથે એકાદ ફાઇલ હતી. મેં રીપોર્ટ્સ વાંચ્યા. શી વોઝ એ કેસ ઓફ પ્રાઇમરી ઓવેરીઅન ફેઇલ્યોર. સોનોગ્રાફીનો રીપોર્ટસ તેમજ હોર્મોન્સના રીપોર્ટ્સ પણ ફાઇલમાં સામેલ હતા.

મેં એ ગ્રામીણ દંપતીને સમજાય તેવી ભાષામાં સમજાવ્યું, “ભાઇ, તારી ઘરવાળીનો કેસ ભાગ્યે જ જોવા મળે તેવો છે. સામાન્ય રીતે કોઇ પણ બાળકી જ્યારે જન્મે છે ત્યારે એનું ગર્ભાશય, અંડાશય વગેરે સાવ નાનું હોય છે; પણ એ જ્યારે કિશોરવસ્થામાં પગ મૂકે છે ત્યારે એનો ક્રમશ: વિકાસ થવા લાગે છે. છોકરીનાં દેહમાં હોર્મોન્સના પ્રમાણમાં ફેરફાર થવા માંડે છે જેની અસર અંડાશયો અને ગર્ભાશય ઉપરાંત દેહના બીજા ઘણાં ભાગો પર વર્તાવાનું શરૂ થાય છે. માસિકધર્મ એ તો એમાનું એક ચિહ્ન જ છે.”

“પણ મારી ઘરવાળી તો પચીસ વરહની થવા આવી!”

“હા, પણ શારીરિક ફેરફારોના અભાવે એનું ગર્ભાશય વગેરે હજુ નવી જન્મેલી બાળકીનાં જેવું જ છે. એનાં દેહનો જરૂરી વિકાસ થયો જ નથી; માટે.......”

“તો પછી એને બાળક નહીં થાય?”

“ના, જો આવું ને આવું જ રહ્યું તો ક્યારેય નહીં થાય. હું ગોળીઓ લખી આપું ત્યાં સુધી કૃત્રિમ રીતે માસિક સ્ત્રાવ આવશે, પણ દવા બંધ કરશો એટલે પાછું બધું જેમનું તેમ.”

“તો અમારે સંતાનની આશા છોડી જ દેવાની?”

“મારું સાયન્સ તો એમ જ કહે છે; પણ એક આસ્તિક માણસ તરીકે કહું છું કે ભગવાન ઉપરની શ્રધ્ધા ક્યારેય ન છોડશો. માત્ર બાળક માટે બીજા લગ્ન ન કરશો. દુનિયામાં ઘણાં દંપતીઓ નિ:સંતાન હોય છે. તમે ભવિષ્યમાં બાળક દતક પણ લઇ શકો છો. વળી તમારી ઘરવાળીમાં અચાનક મોડે મોડે પણ હોર્મોનલ ફેરફાર થઇ શકે છે. કુછ ભી હો સકતા હૈ.” હું જાણી જોઇને આવું આશ્વાસન આપી રહ્યો હતો; એ કેસમાં ખરેખર એવું બનવાની શક્યતા નહિવત હતી.

આજે એ જ સ્ત્રીને એની પોતાની કૂખે જન્મેલા ત્રણ સંતાનો છે. બે દીકરાઓ અને એક દીકરી. એ બંને રબરૂમાં આવીને મારો આભાર માની ગયા: “ સાહેબ, તમારી વાત સાચી પડી હોં!”હું બબડી લઉં છું: “મારી વાત સાચી પડી પણ મારું વિજ્ઞાન ખોટું પડ્યું.”

ત્રીજી ઘટના તાજેતરની છે. ગોંડલનો એક યુવાન. મારી પાસે આવીને કહે: “ સર, મારા બહેન-બનેવી વડોદરામાં રહે છે. એમને લઇને આવ્યો છું.”

“ક્યાં ગોંડલ? ક્યાં વડોદરા? ક્યાં અમદાવાદ? આવો ત્રિવેણી સંગમ ઊભો કરવાનું કારણ શું?”

“બહેન નિ:સંતાન છે. વડોદરાના ચાર-પાંચ ગાયનેકોલોજીસ્ટને બતાવ્યું. ખૂબ પૈસા ખર્ચી નાખ્યા. આઇ.યુ.આઇ. ના ચાર સાઇકલ્સ કરાવ્યા. આઇ.વી.એફ.ના પણ બે સાઇકલ્સ પૂરા કર્યા. કોઇ પરીણામ નથી મળ્યું.”

“તો હું શું કરી શકવાનો?”

“તમરાથી જે થાય તે, સાહેબ. હું વર્ષોથી તમને વાંચું છું. મને તમારા પર શ્રધ્ધા છે.”

“શ્રધ્ધા એની જગ્યાએ બરાબર છે, ભાઇ, પણ પરીણામ તો સારવારથી મળે છે. લાવ, એમને જોઇને હું કંઇક વિચારું”

મેં કહ્યું એ બહાર ગયો. બહેન-બનેવીને અંદર મોકલ્યા. મેં ફાઇલો વાંચી લીધી. પતિ-પત્ની બંનેમાં કૂલ ચાર જગ્યાએ ખામીઓ હતી. મારે તો બીજા ડોક્ટરના રીપોર્ટ્સના આધારે નિદાન કરવાનું હતું. મેં પેલા યુવાનને બોલાવીને કહ્યું, “મેડીકલ સાયન્સ બધે એક સરખું જ હોય છે. તારી બહેનનો લેપ્રોસ્કોપીનો રીપોર્ટ્સ અને બનેવીનો સિમેન રીપોર્ટ્ (થોડોક કમીયુક્ત) જોયા પછી હું એટલું જ કહું છું કે આઇ.વી.એફ. વગર પરીણામ નહીં જ મળે.”

“પણ એ તો એમણે બે વાર......”

“હા, પણ જ્યાં સારવાર કરાવી છે એની ગુણવતા વિષે હું કંઇ ન કહીં શકું. અમારા અમદાવાદમાં પણ પચાસ ડોક્ટરો આઇ.વી.એફ. ટ્રીટમેન્ટ આપે છે. એમના દાવાઓ પણ મોટા હોય છે. પણ મને એક જ સેન્ટર પર વિશ્વાસ છે. સાવ રીઝનેબલ ખર્ચામાં સૌથી વધુ સફળતાની ટકાવરી......”

“ભલે, સર! તમે અમને ચિઠ્ઠી લખી આપો. અમે ત્યાં જઇશું. અમને તમારી ઉપર સંપૂર્ણ ભરોસો છે.”

મેં ચિઠ્ઠી લખી આપી અને કહ્યું, “આ મહિને તો હવે નહીં જઇ શકો. આવતા મહિનાથી સારવાર શરૂ કરાવજો.”

હમણાં ચાર-પાંચ દિવસ પહેલાં જ ગોંડલથી એ વાંચક યુવાનનો ફોન આવ્યો. ઉત્સાહ અને ઉલ્લાસથી છલકાતો અવાજ હતો, “સર, મારી બહેન પ્રેગ્નન્ટ છે. હજુ અમે ક્યાંય સારવાર માટે ગયા જ નથી. માત્ર તમારા ક્લિનિકમાં પગ મૂક્યો અને.....!હું ન હોતો કહેતો કે તમારા હાથમાં જશરેખા છે?!”

હું વિચારમાં પડી જાઉં છું. મારી 30-31 વર્ષની કારકિર્દીમાં એવા અનેક દર્દીઓ એવા આવ્યા છે જેમને અશક્ય પરિસ્થિતિમાં નગણ્ય સારવાર આપવાથી સારું પરીણામ મળ્યું છે; તો એવા દર્દીઓ પણ આવ્યા છે જેમને સાવ સામાન્ય તકલીફ હતી તો પણ સારમાં સારા પ્રયત્નો પછી પણ જોઇતું પરીણામ નથી મળ્યું. હું વિજ્ઞાનનો માણસ છું એટલે ‘ચમત્કાર’ શબ્દ પર મને વિશ્વાસ નથી; પણ એટલું અવશ્ય કહીશ કે ક્યારેક વિશ્વાસ, શ્રધ્ધા, જશરેખા જેવા શબ્દો સાચા પડી જાય છે. મેડિકલ અભ્યાસના સિલેબસની બહાર પણ કશુંક અજાણ્યુ તત્વ છે જે હજુ માણસો સમજી શક્યા નથી. કદાચ એને જ ઇશ્વર કહેતા હશે!

(શીર્ષક પંક્તિ: અનિલ ચાવડા)

---------