ભગવદગીતા અને એટમબમ વચ્ચે શું સબંધ છે ?

ભગવદગીતા અને એટમબમ વચ્ચે શું સબંધ છે ?

Father of atom bomb Oppenheimer was fan of bhagvad gita

પરમાણુ બોમ્બના જનક ઓપનહેમર ભગવદ્ ગીતાથી પ્રભાવિત હતા

દુનિયામાં ઘણી હકીકતો આપણને આશ્ચર્ય પમાડતી હોય છે. ઘણીવાર બે અંતિમો એકબીજાની સહુથી નજીક હોય છે. આપણે સમાજમાં જોયું છે કે ઘણા ધાર્મિક આગેવાનોના કૌભાંડો પકડાતા હોય છે. જેઓ આખો દિવસ પ્રજાને થોડામાં સંતોષ માનવાની સલાહ આપતા હોય છે એવા ધાર્મિક આગેવાનો જ પોતાની જાતને સંતોષ આપી શકતા નથી અને કાળું કાર્ય કરતા ઝડપાઈ જાય છે અને છેવટે જેલના સળિયા ગણતા થઇ જતા હોય છે.

ખૈર આ તો થઇ નેગેટીવ વાત. ઘણીવાર ખરાબમાં ખરાબ માણસ, જેનાથી કોઈ શહેરનો આખો વિસ્તાર ડરતો હોય તે સ્ત્રીઓને ભરપૂર સન્માન આપતો પણ જોવા મળતો હોય છે કે પછી કોઈની ચોરીછુપે આર્થિક મદદ પણ કરતો હોય છે. જે વ્યક્તિ વિષે આપણે કોઈ ખોટી માન્યતા બાંધી લેતા હોઈએ છીએ તે જ વ્યક્તિ સમય આવે આપણા સગાંઓ કરતા આપણને મદદ કરવા માટે લાઈનમાં સહુથી પહેલા ઉભો રહી જતો હોય છે.

આવું જ એક ઉદાહરણ છે પરમાણુ બોમ્બના પિતા એવા જુલિયસ રોબર્ટ ઓપનહેમરનું. ઓપનહેમર સૈધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. એક જાણીતી ઘટનામાં ઓપનહેમરે જ્યારે મેક્સિકોના ટ્રિનીટી ટેસ્ટ સેન્ટર પર પહેલીવાર 16 જુલાઈ 1945ના દિવસે પોતાની નજર સમક્ષ એટોમિક બોમ્બનો વિસ્ફોટ જોયો ત્યારે બોમ્બ ફૂટ્યા બાદ ઉભા થયેલા પ્રકાશપૂંજથી પ્રભાવિત થઈને તેમણે ભગવદ્ ગીતાનો એક શ્લોક કહ્યો હતો.

આ ટેસ્ટ થતાની સાથેજ ઓપનહેમર બોલ્યા હતા કે, “મને હિંદુ શાસ્ત્રની ભગવદ્ ગીતાની એ પંક્તિ યાદ આવી રહી છે જ્યારે અર્જુનને ભગવાન વિષ્ણુએ પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડીને સમજાવ્યું હતું કે હું લોકોનો નાશ કરનારો મહાકાળ છું. અને હું આ સમયે અધર્મનો નાશ કરવા માટે પ્રવૃત્ત થયો છું.

ઓપનહેમરે આ વાત ભગવદ્ ગીતાના અગ્યારમાં અધ્યાયના બત્રીસમાં શ્લોકને ટાંકીને કહ્યું હતું. આ શ્લોક આ મુજબ છે.

कालोस्मि लोकक्षयकृत्प्रवृद्धो लोकान्समाहर्तुमिह प्रवृत्तः।…॥

અર્થાત: હું લોકોનો નાશ કરનારો મહાકાળ છું. હું સમસ્ત લોકોને નષ્ટ કરવા માટે પ્રવૃત્ત થયો છું.

જુલિયસ રોબર્ટ ઓપનહેમર અને તેમની ભગવદ્ ગીતા પ્રત્યેની આસ્થા વિષે વધુ ચર્ચા કરીએ તે અગાઉ તેમના વિષે થોડી માહિતી મેળવી લઈએ. આમ તો તેઓ એક શ્રીમંત પિતાના સંતાન હતા પરંતુ તેમના પિતા જર્મનીથી 1888ની સાલમાં પહેરેલે કપડે અમેરિકા આવી ગયા હતા. અહીં તેમણે નાના-મોટા વ્યાપાર પર હાથ અજમાવ્યો અને ત્યારબાદ તેમને ધીમેધીમે સફળતા હાંસલ થવા લાગી. છેવટે તેઓ અમેરિકાના મોટા એકસપોર્ટર બન્યા. જુલિયસ ઓપનહેમરને પહેલેથી જ ભૌતિકશાસ્ત્રમાં રસ અને તેઓએ પોતાનું ભૌતિકશાસ્ત્રી બનવાનું સ્વપ્ન પણ પૂર્ણ કર્યું હતું.

જાણીને કોઈને પણ નવાઈ લાગશે કે ઓપનહેમર ધર્મથી યહૂદી હતા અને તેમણે ક્યારેય હિંદુ ધર્મ અંગીકાર કર્યો ન હતો કે પછી તેમણે ક્યારેય પોતાની જાતને હિંદુ તરીકે નહોતી ઓળખાવી. પરંતુ ઓપનહેમર હિંદુ ધર્મના વૈદિક દર્શનશાસ્ત્રથી ખાસ્સા પ્રભાવિત થયા હતા. આટલું જ નહીં ઓપન હેમર ભગવદ્ ગીતાને તેના મૂળ સ્વરૂપમાં સમજવા માંગતા હતા આથી તેઓએ પહેલા ખાસ સંસ્કૃત શીખવાની તાલીમ હાંસલ કરી હતી. આ તાલીમ તેમણે ભારતીય સંસ્કૃતિના અમેરિક નિષ્ણાત આર્થર ડબ્લ્યુ રાયડર પાસેથી બર્કલે યુનિવર્સીટીમાંથી લીધી હતી.

યહૂદી હોવા છતાં ભગવદ્ ગીતાએ તેમની તરફ આકર્ષિત કર્યા હતા. ઓપનહેમર કાયમ કહેતા કે ભગવદ્ ગીતા એક એવું પુસ્તક છે જેમણે તેમને જીવન જીવવાની તમામ ફિલસુફી સમજાવી છે અને 19મી સદીમાં જો પશ્ચિમના દેશો ભારત પાસેથી કશું શીખી શકે એમ હતા તો તે હતું ભગવદ્ ગીતાનું અધ્યયન. ઓપનહેમરના કહેવા અનુસાર મહાભારતમાં જે બ્રહ્માસ્ત્રની વાત કરવામાં આવી છે તે પરમાણુ બોમ્બ પ્રકારનું જ અતિશય ઘાતક અસ્ત્ર હતું. ઓપનહેમર સદાય પરમાણુ બોમ્બ સાથે બ્રહ્માસ્ત્ર પણ એક સમયે દુનિયામાં અસ્તિત્વ ધરાવતું હતું એવું સચોટપણે માનતા હતા.

આ વાતની સાબિતી ઓપનહેમર અને રોચેસ્ટર યુનિવર્સીટીના એક વિદ્યાર્થી સાથેના તેમના સંવાદમાં મળે છે. આ વિદ્યાર્થીએ તેમને પૂછ્યું હતું કે જ્યારે મેનહટ્ટન પરિયોજનામાં જે વિસ્ફોટ થયો તે બોમ્બ શું વિશ્વનો સહુથી પહેલો બોમ્બ હતો? વિદ્યાર્થીના આ સવાલના જવાબમાં ઓપનહેમરે કહ્યું હતું કે, “હા, આધુનિક યુગમાં એ જરૂરથી પહેલો બોમ્બ હતો!” તેનો સીધો અર્થ એ જ નીકળે છે કે ઓપનહેમર એવું સ્પષ્ટપણે માનતા હતા કે પુરાણકાળમાં બ્રહ્માસ્ત્ર એક બોમ્બ સ્વરૂપે હાજર રહેતું હતું.

ઓપનહેમરને ભગવદ્ ગીતામાં એટલો બધો વિશ્વાસ હતો કે તેઓ પોતાના મિત્રોને પણ ગીતા વાંચવાની સલાહ આપતા હતા. તેઓ પોતાની પાસે ભગવદ્ ગીતની એક પ્રત રાખતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ફ્રેન્કલીન રુઝવેલ્ટના અંતિમ સંસ્કાર સમયે ઓપનહેમરે ભગવદ્ ગીતાના સત્તરમાં અધ્યાયના ત્રીજા શ્લોકનું પઠન કર્યું હતું જેમાં એમ કહેવામાં આવ્યું છે કે “મનુષ્યોની શ્રદ્ધા તેના અંત:કરણ અનુસાર હોય છે. મનુષ્ય શ્રદ્ધામય હોય છે આથી જેવી જેની શ્રદ્ધા તેવી જ તેની નિષ્ઠા કે પછી પરિસ્થિતિ હોય છે.”

યુદ્ધમાં વિનાશ તેની ચરમસીમાએ હોય છે, તમે યુદ્ધમાં ભાગ લ્યો કે ન લ્યો પરંતુ યુદ્ધનો પ્રભાવ તમારા પર જરૂરથી પડતો હોય છે. ઓપનહેમર દ્વારા શોધવામાં આવેલા પરમાણુ બોમ્બ માટે પણ એ સત્ય સાબિત થયું. અમેરિકાએ કોઈ અન્ય શહેરો નહીં અને માત્ર હિરોશીમા અને નાગાસાકી પર બોમ્બ નાખવા એવું એટલે નક્કી નહોતું કર્યું કારણકે તે જાપાનના બે સહુથી મહત્ત્વના શહેરોમાંથી એક હતા. પરંતુ આમ કરવા પાછળનું સહુથી મોટું કારણ એ હતું કે આ બંને શહેરો પર બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન એ સમય સુધી કોઇપણ વાર બોમ્બમારો કરવામાં નહોતો આવ્યો અને આથી જ આ બંને શહેરો પર પરમાણુ બોમ્બ નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેથી તે સમયે આક્રમક રહેલું જાપાન તરત જ ઘૂંટણિયે પડી જાય. અમેરિકાનો આ દાવ સફળ પણ રહ્યો હતો.

જો અમેરિકાના વૈજ્ઞાનિકોએ જેમાં ઓપનહેમર પણ સામેલ હતા તેમણે જાનહાનીના ભયથી પરમાણુ બોમ્બ બનાવવાની જ ના પાડી દીધી હોત તો જાપાનને આટલું મોટાપાયે નુકશાન ન થાત. પરંતુ એ પણ સત્ય છે કે પરમાણુ બોમ્બ વગર પણ બીજા વિશ્વયુદ્ધમાં મૃતકોની સંખ્યા એટલી જ રહેત જેટલી તેના ધડાકા દ્વારા થઇ હતી. કારણકે આ બંને પરમાણુ ધડાકાએ જ જાપાનની કમ્મર તોડી નાખી અને યુદ્ધ ત્યાંજ પૂર્ણ થઇ ગયું. નહીં તો યુદ્ધ હજી પણ અમુક મહિના લાંબુ ચાલતું અને જાપાન એમ કરવા માટે શક્તિશાળી પણ હતું એટલે છેવટે મૃતકો એ જ સંખ્યામાં થાત જે છેવટે સામે આવી હતી.

વાસ્તવમાં ઓપનહેમરને પણ આ સમયે મહાભારતના અર્જુન જેવી લાગણી થઇ રહી હતી. તેઓ પણ મોટી સંખ્યામાં પોતાની જ શોધ દ્વારા મોતને ઘાટ ઉતારવા માંગતા ન હતા. તેઓ તો યુદ્ધથી નફરત કરતા હતા. પરંતુ તેઓએ ભગવદ્ ગીતાનો એ સંદેશ સમજવાની કોશિશ કરી જેમાં લખ્યું છે કે, “આત્મા અજર-અમર છે, એટલે તેને અગ્નિ, વાયુ, જળ કે કોઇપણ શસ્ત્રથી પ્રભાવિત કરી શકાતો નથી, પરંતુ શરીર માત્ર નશ્વર છે.

ગીતાનો આ ઉપદેશ સાંભળ્યા બાદ ઓપનહેમરને વિશ્વાસ થઇ ગયો કે તેમના દ્વારા શોધવામાં આવેલા પરમાણુ બોમ્બથી જે લોકો મૃત્યુ પામશે તેમના આત્મા તો જીવિત રહેશે. આ ઉપરાંત ઓપનહેમરને અર્જુનની જેમ જ એ વાત પર વિશ્વાસ નહોતો થઇ રહ્યો કે મૃત્યુ ફક્ત એક ભ્રમ છે.

હિરોશીમા અને નાગાસાકી પર અમેરિકાએ બે પરમાણુ બોમ્બ નાખ્યાના થોડા મહિનાઓ બાદ રાષ્ટ્રપતિ ટ્રુમેનને ઓપનહેમર મળ્યા હતા. આ મુલાકાત બહુ લાંબી ચાલી ન હતી કારણકે ઓપનહેમરે ટ્રુમેનને કહ્યું હતું કે તેમને સતત લાગે છે કે તેમના હાથ લોકોના રક્તથી રંગાયેલા છે. ઓપનહેમરના રૂમ છોડી ગયા બાદ ટ્રુમેને ગુસ્સામાં કહ્યું હતું કે આ વ્યક્તિને ફરીથી તેમને મળવા દેવામાં ન આવે. હિરોશીમા અને નાગાસાકી પર થયેલા પોતે શોધેલા એટમ બોમ્બ ફેંકવાથી થયેલી અસંખ્ય જાનહાનીથી અપરાધની ભાવના સતત તેમને કઠી રહી હોવા છતાં છેવટે તો ઓપનહેમરને ગીતા દ્વારા આપવામાં આવેલો કર્તવ્ય બોધ કામમાં આવ્યો અને તેણે જ 1967માં તેમના મૃત્યુ સુધી તેમનું માર્ગદર્શન કર્યું હતું.

આમ, આપણને નવાઈ લાગે એવા કિસ્સામાં એક વિદેશી વ્યક્તિ પણ હિંદુ ધર્મગ્રંથ ભગવદ્ ગીતાથી માત્ર અભિભૂત જ ન હતા પરંતુ તેઓ તેનો હ્રદય પૂર્વક તેનો પ્રચાર અને પ્રસાર કરીને લોકો સુધી તેનો ખરો સંદેશ પણ પહોંચાડી રહ્યા હતા.

***

***