VARSAD PAN MAANAS BANI GAYO books and stories free download online pdf in Gujarati

વરસાદ પણ માણસ બની ગયો...!

વરસાદ પણ માણસ બની ગયો...!

શેણી વગર ઝૂરતા વિજાણંદનો ઈતિહાસ આપણી પાસે છે, રોમિયો વગર મૂંઝાતી જુલિયેટનો ઈતિહાસ છે, ને લયલા વગર પાગલ થયેલાં મજનુંનો પણ ઈતિહાસ છે. ( હવે એમ નહિ પૂછતાં કે, આ બધાં કોણ છે...? ) પઅઅણ પાણી વગર કકળાટ કરતી પબ્લીકની અત્યારે આવી હાલત છે, એ પાક્કું..! પુરાણોમાં દાનવોના ત્રાસથી જેમ દેવો ત્રાહિમામ થયેલાં, એમ અત્યારે પાણીના ત્રાસથી પબ્લિક ત્રાહિમામ થઇ..! પબ્લિક પાણી..પાણી...પાણી કરે દાદૂ..! માટલાંઓ કોરાંકટ છે, ટાંકાઓ ખાલી ખમ્મ છે. ક્યાં તો શાસનના દરવાજા ઠોકે છે, ક્યાં તો ધરતીના પેટાળ ઘોંચે છે.

એક જ દાખલો આપું. પરમ દિવસે, દાઢી કરાવવા ગયો તો, દાઢી કરનાર બ્રશ ઉપર થૂંકીને દાઢી કરવા ગયો. મેં કહ્યું, ‘ બોસ..! આવું કરવાનું..? ‘ મને કહે, ‘ સાહેબ, આ તો તમે બહારગામથી આવ્યા છો એટલે, બ્રશ ઉપર થૂંક્યો. તમારી ઈજ્જત કરી સાહેબ..! બાકી લોકલ માણસના તો મોઢાં ઉપર થૂંકીને દાઢી બનાવું..! તમને ખબર નથી, આ ગામમાં પાણીની કેટલી અછત છે..?

જ્યારથી પાણીએ પડતીની માઝા મૂકી છે, ત્યારથી લોકોના મિજાજમાં પણ ગાબડાં પડવા માંડ્યા. બધું જ બરાબર હોય ત્યારે, પતિ બહારથી આવે તો વાઈફ પણ પાણીનો ગ્લાસ આપીને પૂછતી કે, ‘’મારા માટે આજે શું લાવ્યા...? જ્યારથી પાણી પાણીમાં બેસી ગયું ત્યારથી, માંગ અટકી નથી, પણ માંગનો આખો પ્રકાર બદલાય ગયો. જેમ કે, “ હાથ હલાવતાં શું દૌડી આવ્યા..? કોઈ ડંકી ઉપરથી પાણીની એકાદ ડોલ ભરતાં આવ્યા હોત તો..? એના કપાળમાં કાંદા ફોડું, સમજ નહિ પડે કે, હું તો સાલો કોઈ ઘરવાળો છું કે, પાણી વાળો...?

સમઝો ને કે, ચૂંટણી વખતે વાણીની છોળ ઉડતી, ને હવે પાણીની છોળ ઉઠે છે મામૂ..! વરસાદ નથી પડતો પણ ઘરમાં ગાળોનો વરસાદ પડે છે દોસ્ત...! શું હાલત થઇ છે..? પાણીની ટાંકીઓ વિધવા બનવા માંડી. કેટલીક વેન્ટીલેટર પર છે ને, કેટલીક આઈસીયુ માં છે. પાણીની લાઈનો નોંધારી બની ગઈ. પાણી-પૂરીવાળાનો ધંધો પાણી વગર ચોપટ થવા માંડ્યો. દ્વારકાધીશનો પ્રસાદ વહેંચતા હોય એમ, પાણી વગરના સૂકાં ‘પૂરા’ પધરાવે છે..! ‘ખાણી-પીણી’ શબ્દના ભાગીદારો છૂટા પડ્યાં હોય એમ, ખાણી અને પાણી વચ્ચે દીવાલ ચણાવા માંડી. ખાણી એના રસ્તે ને પાણીના તો દર્શન જ દુર્લભ. સંબંધ હોય તો લાખ રૂપિયા ઉછીના આપવા લોકો તૈયાર, પણ એના કપાળમાં કાંદા ફોડું, પાણી ભરેલી એક ડોલ આપવા માટે દાતારી બતાવતું નથી. ‘ ભીક્ષાંત દે માહીં ‘ ની માફક પાણી માંગવા ગયાં, તો પોતાનું પાણી બતાવે, પણ પાણી નહિ આપે...! વરસાદના રીસામણે તો હાલત ખરાબ કરી નાંખી..! ગામ આખાને નવડાવનાર ચમનીયો, ચાર દિવસથી નાહ્યો નથી. પાણીના કકળાટમાં પતિદેવો વગર પાણીએ ધોવાય છે. વાઈફ ભલે વડની પૂજા કરતી હોય, પણ ભૂતના વાસ પીપળામાં હોય એમ, પતિદેવો હવે પીપળાના ઝાડ નીચે આવેલાં સરકારી નળ સામે તાકીને બેઠાં છે..! આ દ્રશ્ય જોઇને મારી રચના મારા જ મગજે હથોડા મારે છે કે,

ચાલને વરસાદને તેડાં કરવા જઈએ

આ માટલાંને કોરાં કેમ રહેવા દઈએ

વાદળને કોણે આ કાળી મૂઠ લગાવી

દોરા ધાગાં કરીએ, કોરાં કેમ રહીએ

દીકરી આપતાં પહેલાં, પરિવાર કેવો પાણીદાર છે એ જોવાનો રીવાજ છે. હવે એ જોવાનો સમય પાકી ગયો કે, એના વોશરૂમે પાણીની સુવિધા સજ્જડ છે કે નહિ..? ભોજનમાં ઓછું મીઠું હોય તો, વાઈફને ખખડાવનારો પતિ, પાણીની અછતમાં પોતે જ ખખડવા લાગ્યો. પથારીમાંથી ઉઠવાનું મન નહિ થાય દાદૂ...! વિચાર એ વાતનો આવે કે, વોશરૂમમાં જ પાણીનું ટીપું નહિ આવતું હોય, તો ઉઠીને કરવું પણ શું...? પાણી વગરની પાઈપ લાઈનના મૂંઝારા જ જોવાના ને..? જીલ્લસી તો ત્યારે પાણીની કારમી અછતમાં પડોશવાળો બ્રશ કરતી વેળા ખોંખારો ખાતો હોય..! આપણો જીવ કપાય જાય દાદૂ..! પથારીમાં સૂતા સૂતા શંકા જાય કે, ‘આ બરમુડો ગઈ રાતે કોની ટાંકી તોડીને પાણી લાવ્યો..?’ ને એનો ખોંખારો સાંભળીને સવારમાં પ્રભાતિયાં ઠોક્વાને બદલે, ગળામાંથી જ કેદારિયો નીકળવા માંડે કે, “ દર્શન દ્યો વરસાદ નાથ, મોરી ટાંકી પ્યાસી રે....! “

સાસુ-આંસુ ને ચોમાસું, ક્રીઝ છોડે, ત્યારે જ એની કીમત સમજાય. માણસને મૂઝારો લાવી દે. પલાયન થયેલી પત્નીને તો મનાવી લવાય. સાષ્ટાંગ આસન કરીને પાછી પણ લવાય. પણ વરસાદના તો પિયરીયા જ એટલાં ઊંચા કે, એને મનાવવા જાય કોણ..? લોભામણા, મનામણા, વિનવણા, ને છણકાની ટેવ જાણે વરસાદને પણ પડી ગઈ,..! એવું લાગે કે, વરસાદ પણ હવે તો માણસ બની ગયો.

લગનનો મુરતિયો પીપ ભરીને પીઠી ચઢાવી બેઠો હોય, ને સાસરીમાંથી માઠા સમાચાર આવે કે, ‘હે....વનેચર ! પીઠીને ધોઈ નાંખ. તારું વાવાઝોડું તો, એના જુના વાવાઝોડાં સાથે ફંટાઈ ગયું, ને પાણિગ્રહણ પણ કરી લીધું..! આવું સાંભળતા જ મુરતિયાની ડીઝાઈન બદલાય જાય, લાભના ચોઘડિયા કાળના થઇ જાય, અને કંકોત્રી કાળોતરી બની જાય, એમ, વરસાદ પણ એવો દાવ બતાવી ગયો કે, વાદળની દાઢીમાં હાથ નાંખવા પડે છે દાદૂ..!

આકાશ તરફ ડોકાં તાણીને ક્યાં સુધી રાગડા તાણીયે, કે “ આવ રે વરસાદ, ઘેબરીયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાંનું શાક..!’ પાણી વગર પરેશાન થયેલો માનવી, પર્વતે ચઢીને એની ટોચને પૂછે કે, ‘ અહીંથી કોઈ વાદળને પસાર થતાં જોયું..? ઝરણાને પૂછે કે, વરસાદનું એકાદ ઝાપટું તારાં ખોળે આવ્યું ? વૃક્ષોની ડાળને એના કાનમાં પૂછે કે, તમને ક્યાંક વરસાદ દેખાય છે..? ત્યારે સમઝાય છે કે, માટલે જ પાણીનો દુકાળ હોય તો પાણીદાર માણસ પણ પાણી વગરનો કહેવાય.

આપણી ઝંખના તો એવી કે, મેહુલો મન મૂકીને વરસી પડે, એકાદ વાછટ આંખમાં આવે ને, ચાર મહિનાનું ચોમાસું ઉગે...! વરસાદ વરસી પડે, પ્રકૃતિ ખીલી ઉઠે ‘ચોમાસાને પોંકવા માટે ધરતી પણ ‘ફેસિયલ’ કરાવીને રળિયામણી બને. એ વિના વિધવા બનેલી પાણીની પાઈપ લાઈન, વિધવા બનેલા પાણીના ટાંકા, નદી તળાવ ને ખાબોચિયામાં નિખાર નહિ આવે. તો જ બધાં સધવા થઇ જાય..!

બાકી, કયો વિદેશી વિદેશમાં વરસાદ માટે અગરબત્તીના ધુમાડા કરે છે..? કોણ એના યજ્ઞો કરે છે..? પણ ત્યાં ઘરજમાઈ બનીને વરસે. રોજ બધાને નવડાવે, ને આપણને વગર પાણીએ બીવડાવે, ને પરસેવાથી નવડાવે...! ત્યાં વર્ક, વેધર અને વાઈફનો ભરોસો નથી. ને આપણે ત્યાં કામવાળીનો ભરોસો નથી. વરસાદ વાળી જ કરે...! આવી તો આવી, ને નહિ આવી તો, નહિ આવી. આપણાથી કામવાળી નહિ સચવાય, ને વિદેશીથી એની ધોળીયણ વાઈફ નહિ સચવાય. આપણે ત્યાં વેધર ફર્સ્ટ ક્લાસ, વર્ક ફર્સ્ટ ક્લાસ, વાઈફ ફર્સ્ટ ક્લાસ ત્યારે વરસાદ આડો ફાટે..! એ તો સારું છે કે, વાઈફને મંગળસૂત્ર જ એટલું મજબુત પહેરાવીએ છીએ કે, વાઈફ એની ક્રીઝ છોડતી નથી. કડવા ચોથ કરી, ધણીને એ મરવા પણ નહિ દે, ને વટ સાવિત્રીની પૂજા કરીને સાત જનમનું લાયસન્સ રદ કરવા પણ નહિ દે...! પરસ્પર પ્રેમ જ એવો સોલ્લીડ કરે કે, સાત જનમનો ક્વોટા એક જ જનમમાં પૂરો પણ થઇ જાય..! એટલે તો....

એની કલાઈથી ટપકેલા ટીંપાને ચોમાસું ઉગાડવા રાખ્યા છે

જનમ જનમના મોલ લેવા માટે મેં કેસૂડાં સુકવી રાખ્યા છે

જનમ જનમની પ્રીત અમારી વરસાદે પણ એવી નિભાવી

એટલે તો રાવણને બદલે શ્રાવણને હૈયે વસાવી રાખ્યા છે

હાસ્યકુ :

ઝાંકળ જેવું

આંખે પડ્યું મારે તો

ચોમાસું બેઠું !!

---------------------------------------------------------------------------------