can a mother in law be mother books and stories free download online pdf in Gujarati

દીકરી અથવા જમાઈની સાસુ શું ખરેખર માતા બની શકે ખરી?

“ભલેને મારી વહુ હોય પણ મારે મન તો મારી દીકરી જેવી જ છે!”

“અમારો જમાઈ દીકરાની જેમ કાયમ અમારી બાજુમાં ઉભો હોય છે!”

“મારે કોઈ દીકરી નથીને? એટલે હું મારી વહુને દીકરી જ ગણું છું!!”

આવા તો અનેક વાક્યો આપણે આપણા રોજબરોજના જીવનમાં સાંભળતા હોઈએ છીએ. આની જેમ જ વહુઓ કે જમાઈઓ પણ પોતપોતાના સાસુ-સસરાને ‘મમ્મી-પપ્પા’ જ માનતા હોય છે એવું પણ આપણને જોવા મળ્યું છે. બહુ ઓછા કિસ્સામાં આ પ્રકારની લાગણી લગ્ન થયાના વર્ષો બાદ પણ ટકી રહેલી જોવા મળતી હોય છે. મોટેભાગે દીકરી કે દીકરાના લગ્ન થયાના અમુક જ મહિનામાં ખાસકરીને સાસુઓ અને વહુઓ મમ્મીમાંથી સાસુ અને દીકરી માંથી વહુ બની જતી હોય છે.

ઉપરોક્ત દાવાના સમર્થનમાં કોઈ આંકડાકીય માહિતી નથી પરંતુ આ પ્રકારનું એક જનરલ ઓબ્ઝર્વેશન જોવા મળતું હોય છે. જે વહુમાં સાસુને પોતાની દીકરી અથવાતો ન જન્મેલી દીકરી જોવા મળે છે તે તેના ઘરમાં આવ્યાના થોડા જ મહિનામાં ઓછી ગમતી કે અણગમતી લાગવા લાગે છે. આમ કેમ થતું હોય છે? તેની પાછળ ઘણા કારણો છે તેમાંથી એક કારણ કુદરતી છે જેના વિષે આપણે લેખના અંતિમ તબક્કામાં ચર્ચા કરીશું.

પહેલા તો એમ વિચારીએ કે વહુને દીકરી ગણવાની વાત સાસુઓ ક્યારે કરતી હોય છે? કદાચ ત્યારે જ્યારે તેના દીકરા અને થનારી વહુની પ્રથમ મુલાકાત થતી હોય. કદાચ ત્યારે જ્યારે તેના દીકરાની સગાઈ હોય કે કદાચ ત્યારે જ્યારે તેના લગ્ન થતા હોય. આ પ્રકારના વાક્ય પાછળ સાસુની પણ થનારી વહુ પ્રત્યેની કેટલીક અપેક્ષા રહેલી હોય છે કે પછી કેટલીક આશાઓ પણ રહેલી હોય છે.

કોઈકવાર એવું પણ બનતું હોય છે સારા ઘરની છોકરી ક્યાંક ‘હાથમાંથી જતી ન રહે’ તે લાગણી પણ અહીં સમાયેલી હોય છે. એટલેકે સ્વાર્થની ભાવના પણ આવનારી વહુને દીકરી ગણીને વેવાઈપક્ષને સારું લગાડવા માટે થતી હોય છે.

ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે ‘ડુંગરા દૂરથી રળીયામણા!’ થનાર વહુ સગાઈ વખતે કે લગ્ન કરીને આવે તેહા અમુક મહિનાઓ સુધી સાસુથી અજાણ હોય છે. તેનો સ્વભાવ, તેની ખાણીપીણીની આદતો કે તેનો ગમો-અણગમો શું છે તેનો ખાસ ખ્યાલ નથી હોતો. તો સામે પક્ષે વહુઓને પણ જે લગ્ન પછી પોતાની સાસુને મમ્મી જ માનવાની હતી તેને પણ પોતાની સાસુ ‘કેટલા પાણીમાં છે’ તેનો ખ્યાલ નથી હોતો.

પછી જેમ જેમ સમય પસાર થાય છે અને જો છોકરી ગૃહિણી હોય કે પછી નોકરિયાત હોય અને નક્કી કર્યા પ્રમાણેની દીકરી અને સાસુ એકસાથે સમય પસાર કરે એટલે એકબીજાના સ્વભાવની ખબર પડવા લાગતી હોય છે. આ જ સમય છે જ્યારે સાસુ અને વહુ સાથે બેસીને અને મન ખોલીને એકબીજા સાથે પોતે કેવી રીતે એડજેસ્ટ થશે તેની ચર્ચા કરે તે યોગ્ય રહેતું હોય છે.

પરંતુ મોટાભાગનાને આ પ્રકારે તક આવી પહોંચી છે તેનો ખ્યાલ રહેતો નથી અને એકબીજા ‘એની મેળે જ’ એડજેસ્ટ થઇ જશું એવી લાગણી છેવટે ‘પડ્યું પાનું નિભાવી લેવા’ સુધીના અંતિમે પહોંચી જાય છે અને ત્યારે મામલો હાથમાંથી જતો રહેતો હોય છે. આ ઉપરાંત લગ્નજીવનની શરુઆતમાં પતિ-પત્ની એકબીજાની હુંફમાં વધુ રહેતા હોય છે ત્યારે દરેક પતિ તેની પત્નીને કોઇપણ વાતે જરા પણ ખરાબ ન લાગે તેની તકેદારી લેતો જ હોય છે.

આ સમયે ઘણી સાસુઓ તેના જ પુત્રને વહુ આવ્યા બાદ તે બદલાઈ ગયો હોવાનું કે પછી તેને ‘વહુઘેલો’ જાહેર કરી દેતી હોય છે. તો લગ્નના અમુક સમય બાદ જ્યારે માતા કે પછી પિતાની ઉંમર મોટી થઇ જતા, તેઓ અશક્ત થઇ જતા કે કોઈ અન્ય કારણસર પુત્ર પર જ્યારે તેઓ વધુ આધાર રાખતા થઇ જતા હોય છે ત્યારે પતિ તેમના પર વધુ ધ્યાન આપવા લાગે ત્યારે તે હવે પહેલા જેવો નથી રહ્યો તેવા ટોણા પણ તેને જ સાંભળવા પડતા હોય છે. સાસુ-વહુ વચ્ચેના દરેક સંબંધોમાં ઈતિહાસ સાક્ષી છે કે ‘મરો’ તો પતિ અથવાતો પુત્ર એવા પુરુષનો જ થતો હોય છે!

એક અન્ય કારણ એ પણ છે જે મારા મત અનુસાર સહુથી મહત્ત્વનું છે અને આ કારણ એ છે કે નવી વહુ, નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરતી હોય છે. તેના ઘર સંભાળવાના, તેને સ્વચ્છ અને આકર્ષક રાખવાના વિચારોથી માંડીને રસોઈ અંગે નવા હોય છે. જ્યારે સાસુને તેના આ ઘરમાં આવ્યાના પચીસ ત્રીસ વર્ષથી તેણે નક્કી કરેલા નિયમોનો ભંગ થાય તે જરાય ગમતું હોતું નથી. વહુને નવા વિચારો અમલમાં મુકવાની ઈચ્છા હોય છે જ્યારે સાસુને તેના જમાનાના વિચારો પડતા મુકવાની જરાય જરૂર લાગતી હોતી નથી. આ સમયે સાસુ એ હકીકત પણ ભૂલી જતી હોય છે કે તે જ્યારે વહુ બનીને આવી હતી ત્યારે પોતાના અમુક નિયમો અમલમાં મુકવાની તેની પણ ઈચ્છા હતી જ જેને તેની સાસુએ નકારી કાઢી હતી!

હૃષિકેશ મુખરજીની એક સુંદર ફિલ્મ હતી ‘ખૂબસુરત’ જેમાં રેખા જે દિના પાઠકની વહુ નથી હોતી પરંતુ તેમની વહુની બહેન હોય છે તે બંને વચ્ચેનો રસોડાનો એક સંવાદ સાસુ-વહુ વચ્ચે રહેલા આ જનરેશન ગેપને ખુબ સરસ રીતે રજૂ કરે છે. જ્યારે રેખા દિના પાઠકના રસોડામાં અમુક રસોઈ કેમ થાય છે તેવો સવાલ કરે છે ત્યારે દિના પાઠક વળતો જવાબ આપતા પ્રશ્ન કરે છે કે, જો એમના ઘરમાં જે રસોઈ થાય છે તે રેખાના ઘરમાં ન થતી હોય તો તેના ઘરમાં થતી રસોઈ પોતાના રસોડામાં શા માટે થાય?

આ સિચ્યુએશન આ મામલે એકદમ ફીટ બેસે છે. વહુ સાથે દીકરો પણ નવી પેઢીનો જ હોય છે અને તેને કારણે તેને પણ નવી પેઢીની માન્યતાઓ, રસોઈ વગેરે સ્વીકારી લેવું છે પરંતુ તેની માતા બદલાવને સ્વીકારવાની સદંતર ના પાડતી હોય છે. છેવટે જ્યારે સાસુ ઘરના કામો કરવા અશક્ત બને અને વહુ પોતાનું વર્ચસ્વ સ્થાપે ત્યારે તેની રસોઈ, ઘર સજાવટ વગેરેમાં સાસુમાં નાનીનાની ખોડ કાઢવાની શરુ કરે છે અને ‘અમારા સમયમાં તો’ આવું ન હતું એવા ટોણા મારવાનું શરુ થાય છે.

હવે આવીએ પેલા કુદરતી કારણ પર જેના વિષે આપણે આગળ સંદર્ભ લીધો હતો. કુદરતી કારણ એ છે કે દુનિયાની દરેક સાસુ, દરેક વહુ કે પછી દરેક જમાઈએ એક સાદું સત્ય સમજવાની અને સ્વીકારવાની ખાસ જરૂર છે. આ સત્ય એ છે કે સાસુ એ સાસુ છે, વહુ એ વહુ છે, માતા એ માતા છે, જમાઈ એ જમાઈ છે. આ સંબંધો કુદરતે બનાવ્યા છે અને અલગ રીતે બનાવ્યા છે તો પછી આપણે કોણ છીએ આ સંબંધોમાં રહેલી અલગ પ્રકારની લાગણી બદલવા વાળા?

જે પ્રેમ અને લાગણી એક માતા અને પુત્રી વચ્ચે હોય કે પછી એક માતા અને પુત્ર વચ્ચે હોય તે સાસુ અને વહુ કે પછી સાસુ અને જમાઈ વચ્ચે શક્ય છે જ નહીં! એક સમયે એક જ શરીરથી જોડાયેલા માતા અને સંતાનો વચ્ચેની જે અનોખી લાગણી કુદરતે ઉભી કરી છે જે વીસ-બાવીસ વર્ષથી સાવ અજાણી વ્યક્તિ સાથે કેવી રીતે બંધાય? જરા શાંતિથી વિચાર કરીને જુઓ.

પરંતુ એનો મતલબ એવો બિલકુલ નથી કે સાસુ-વહુ કે પછી સાસુ-જમાઈ વચ્ચે સારા અને પ્રેમાળ સંબંધો શક્ય નથી જ! બિલકુલ શક્ય છે. જેમ લગ્નજીવનમાં પતિ અને પત્ની give and take થી વર્ષોના વર્ષ સુધી સુખી સંસાર ચલાવતા હોય છે તે જ ભાવના જો સાસુ-વહુના સંબંધોમાં આવે તો તે સંબંધ પણ અતિશય પ્રેમાળ બની જ શકતો હોય છે.

પરંતુ તેના માટે બંને પક્ષોએ ખૂબ મોટી માત્રામાં ઘણુંબધું ‘જતું કરવાની’ તૈયારી રાખવી પડતી હોય છે. અમુક અણગમતી બાબતો પણ હસતા મોઢે કરવાની તૈયારી રાખવી પડતી હોય છે. અને આવું સામસામે હોય છે. જો સાસુએ પોતાની કોઈ ન ગમતી વાત માત્ર વહુ માટે કરી બતાવી હોય તો સામે પક્ષે વહુની એ ફરજ બની જાય છે કે તે પણ આ જ રીતે પોતાને ન ગમતી બાબત માત્ર સાસુની ખુશી માટે કરે.

શા માટે સાસુ માત્ર સાસુ બનીને જ ન રહે? તેને માતા બનાવવાની શી જરૂર છે? શા માટે વહુ એ માત્ર વહુ જ ન બની રહે? તેને દીકરી બનાવવાની જરૂર ખરી? બિલકુલ નહીં. જે રીતે અન્ય સંબંધો સમજૂતીથી સચવાઈ તેમજ મજબૂત બની શકતા હોય તો સાસુ-વહુના સંબંધો કેમ નહીં?

વિચારજો....

૨૨.૦૭.૨૦૧૯, સોમવાર

અમદાવાદ