સંબંધો લીલાછમ - 15

સંબંધો લીલાછમ

મનહર ઓઝા

(૧૫)

કથળી ગયેલી સરકારી જાહેર સેવાઓ

દરેક નવી સરકાર પ્રજાલક્ષી સેવાઓની જાહેરાતો કરતી હોય છે. અમે પણ પ્રજાના કલ્યાણનું ધ્યાન રાખીએ છીએ તે બતાવવા માટે આવી જાહેરાતો કરવામાં આવતી હોય છે. ઘણીવાર તો જાહેર કરેલી યોજનાઓ અભેરાઈ પર મુકાઇ જાય છે અથવા તો તેનો અમલ કરવામાં અતિશય વિલંબ થાય છે. ૧૯ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ ભારતનાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મીનીસ્ટર નીતિન ગડકરીએ મોટર વેહિકલ બીલમાં સુધારો કરીને આર.ટી.ઓ.ની તમામ સેવાઓ ઓનલાઈન કરવાની જાહેરાત કરી છે. જેના કારણે સામાન્ય પ્રજાને ડ્રાઈવિંગ લાયસન્સ અને વેહીક્લના રજીસ્ટ્રેશન માટે ઓફીસના ધક્કા ખાવામાંથી મુક્તિ મળે. ગડકરીનો આ વિચાર ઉત્તમ છે પરંતુ વાસ્તવિક નથી. ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ કયાંથી લાવશે? તેમાંયે અભણ અને ઓછું ભણેલી પ્રજા માટે ઓનલાઈન ફોર્મ ભરવું ખુબજ મુશ્કેલ કામ હશે. સરકાર ભલે એજન્ટપ્રથા દુર કરવાની વાત કરતી હોય, હકીકતમાં તો ઓનલાઈન કામગીરીને કારણે એજન્ટોની જરૂરિયાત વધશે. ફક્ત તેનું સ્વરૂપજ બદલાશે.

દુનિયા આગળ વધી રહી છે. એકવીસમી સદીમાં કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ આવડવું જરૂરી છે. આ બધીજ વાત સાચી પણ જ્યાં ગરીબી, બેકારી, નિરક્ષરતા અને સંશાધનોની અછત હોય તે દેશમાં કઈ યોજનાઓને પ્રાથમિકતા આપવી જોઈએ તેની જાણકારી આપણા નેતાઓને હોવી જોઈએ. પાંચ દસ ટકા પ્રજાને ધ્યાનમાં લઈને યોજનાઓ બનાવવાથી કેટલાં લોકોનો વિકાસ થવાનો? શાળાનો પ્રવેશોત્સવ ઉજવવા કરતાં છેવાડાનાં ગામો સુધી શાળાઓની સગવડ આપવામાં આવે તે જરૂરી છે. મધ્યાન્હ ભોજનમાં બાળકોને સ્વચ્છ અને પૌષ્ટિક ખોરાક મળે તેની વ્યવસ્થા કરવી જરૂરી છે. શાળામાં શૌચાલયો હોવાં જરૂરી છે.

ટેકનોલોજીનો સાચો ઉપયોગ ત્યારેજ થયો ગણાશે, કે જયારે નાનામાં નાનો માણસ તેનો ઉપયોગ કરી શકશે. આપણા સરકારી તંત્રોમાં કોમ્પ્યુટર ટેકનોલોજીની મદદથી ઘણાં સુધારા થઇ શકે તેમ છે. આ ટેકનોલોજીનો અમલ કરતાં પહેલાં સામાન્ય પ્રજા તેનો ઉપયોગ સરળતાથી કરી શકશે કે કેમ તેનું ધ્યાન રાખવું જોઈએ. જાહેર ક્ષેત્રોમાં અને સરકારી ઓફિસોમાં પ્રજાનાં કામો સરળતાથી થઇ શકે અને તેમને ધક્કા ન ખાવા પડે તેવું તંત્ર ગોઠવવું જોઈએ. સરકારી ઓફિસોમાં સિંગલ વિન્ડોની પદ્ધતિ અપનાવવી જોઈએ. એકજ બારી ઉપર બધુજ કામકાજ થાય તેવી સગવડ ઉભી કરવી જોઈએ, જેથી લોકોને અલગ અલગ બારીએ ભટકવું ન પડે.

તમે કોઈ સરકારી ઓફીસ કે સરકારી હોસ્પીટલની મુલાકાત લીધી હશે તો તમને ખ્યાલ હશે કે આવી જગાએ લોકોને કેટલી હાલાકી ભોગવવી પડેછે! હું અમદાવાદની સોલા સિવિલ હોસ્પીટલમાં થોડાંક સમય પહેલાં ગયો હતો. સોલા સિવિલમાં એક જુનું બિલ્ડીંગ છે અને તેની પાછળ નવું બિલ્ડીંગ બને છે. ઓપીડી વિભાગ નવી બિલ્ડીંગમાં આવેલો છે. જેથી ઓપીડીના બધાંજ દર્દીઓને નવાં બિલ્ડીંગમાં કેસ કઢાવવા અને ડોક્ટરને બતાવવા જવું પડે છે. કલાકો લાઈનમાં ઉભાં રહીને કેસ કઢાવ્યા પછી ડોક્ટરને બતાવવા માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે. ડોક્ટર જો દર્દીને એક્સરે પડાવવાનું કહે તો દર્દીએ એક્સરે પડાવવા જુના બિલ્ડીંગમાં જવાનું હોય છે.

જુના બિલ્ડીંગમાં ગયા બાદ એક બારી ઉપર એક્સરે માટે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે, જેના માટે લાઈનમાં ઉભાં રહેવું પડે છે. માંડ નંબર આવે ત્યારે કહેવામાં આવે કે એક્સરેની ફી ભરીને આવો. આ ફી ભરવા માટે ફરીથી નવાં બિલ્ડીંગમાં જવું પડે છે. ફી ભરીને આવ્યા પછી એક્સરે પડાવવા માટે લાઈનમાં ઉભા રહેવાનું. આટલું કર્યાં પછી તમારી મુશ્કેલીનો અંત આવતો નથી. એક્સરે આવતાં એકથી દોઢ કલાક લાગે છે. એક્સરે મેળવવા માટે ફરીથી લાઈનમાં ઉભાં રહો. એક્સરે મળ્યા પછી નવી બિલ્ડીંગમાં ડોક્ટરને બતાવવા જવાનું અને લાઈનમાં ઉભા રહેવાનું. ઘણીવાર તો એક્સરે લઈને આવો ત્યાં સુધીમાં લંચ ટાઇમ થવાથી ડોકટરો જતાં રહ્યાં હોય, જેથી તમારે તેમની રાહ જોતાં જોતાં એક દોઢ કલાક બેસી રહેવું પડે છે.

મધ્યમ અને ગરીબ વર્ગનાં માંદા અને અશક્ત લોકોને પોતાનાં દર્દનો ઈલાજ કરવા માટે કેટલું દર્દ સહન કરવું પડે છે તે તો તે લોકોજ જાણે. મેનેજમેન્ટના અભાવના કારણે અથવા તો લાંબી દૃષ્ટિ નહિ હોવાથી સામાન્ય પ્રજાને હાલાકી ભોગવવી પડતી હોય છે. જે તે વિભાગોનાં બોર્ડ અને સ્પષ્ટ સૂચનાઓ લખી નહિ હોવાથી પણ લોકો મૂંઝવણમાં મુકાઇ જતાં હોય છે. પૂછપરછ વિભાગ તો નામનોજ હોય છે. અહી બેઠેલી વ્યક્તિ યોગ્ય માહિતી આપવાને બદલે સામેની વ્યક્તિએ મોટો ગુનો કર્યો હોય તેમ છાછીયા કરતી હોય છે.

રાજકીય લેવલે મોટી મોટી યોજનાઓ બનાવવી અને જાહેરાતો કરવી તે અલગ બાબત છે અને તે યોજનાઓનો અસરકારક રીતે અમલ કરવો તે જુદી બાબત છે. સરકારી ઓફિસોમાં નાનાથી માંડીને મોટાં ઓફિસરો સુધી લાંચરુશ્વત અને ભ્રષ્ટાચાર ચાલતો હોય છે. દરેક વ્યક્તિને પોતાનું કામ કઢાવવા માટે વજન મુકવું પડે છે. આ ભ્રષ્ટાચાર અટકાવવા માટે ઓફિસનું કામ સરળ બનાવવું પડે. ટેકનોલોજીના ઉપયોગથી તેને સરળ અને ઝડપી બનાવી શકાય પરંતુ તેનો ઉપયોગ ગરીબ અને અભણ માણસો પણ કરી શકે તેવી પદ્ધતિ વિકસાવવી જોઈએ. ઓનલાઈન પદ્ધતિમાં ગરીબ અને અભણ માણસો અટવાઈ જાય છે. તેઓ માટે અલગથી બીજી પદ્ધતિ વિકસાવવી જોઈએ અથવા તો જે તે ઓફિસોમાં કોમ્પ્યુટરની અને ઓપરેટરની સગવડ પૂરી પાડવી જોઈએ. જો આવી સગવડો તમામ સરકારી ઓફિસોમાં ઉપલબ્ધ હશે તો જ નાનામાં નાનો માણસ તેનો લાભ લઇ શકશે.

***

***

Rate & Review

Verified icon

Hitesh Dhameliya 2 months ago

Verified icon

Dhara 2 months ago

Verified icon

Kalpana Thakkar 3 months ago

Verified icon
Verified icon

Manjula Makvana 3 months ago