ડ્રીમ ટનલ - ૧

નોર્વે દેશમાં ઉત્તરે આવેલું રોઝનબર્ગ શહેર નકશામાં શોધવા જઇએ તો ઝડપથી મળે નહીં એટલું નાનું અને ઘણું અંતરીયાળ હતું. પહાડોની ગોદમાં ખાસ્સી ઉંચાઇ પર આ શહેર વસ્યું હતું. ત્રણ ઉંચા બરફ આચ્છાદિત પહાડો અને એ ત્રિકોણની વચ્ચે સમતળ મેદાન જેવો તળેટીનો વિસ્તાર રોઝનબર્ગ તરીકે ઓળખાતો. ત્રણેય પહાડ તો બરફ આચ્છાદિત ખરા જ પણ એમની વચ્ચેની તળેટી પણ બરફથી ઘેરાયેલી રહેતી. આખો શિયાળો હાડ ગાળી દેતી ઠંડી રહેતી. ખરા શિયાળામાં -૧૫ ડીગ્રી તાપમાન પહોંચી જતું અને એ સંજોગોમાં પણ અહીંના કામધંધા ચાલુ રહેતાં. ઉનાળામાં કેટલોક બરફ પીગળીને ઝરણાનું સ્વરૂપ ધારણ કરતો ત્યારનો નજારો અત્યંત મનમોહક બનતો. એ ઝરણાઓના કિનારે અવનવા રંગોના ફુલછોડ ખીલી ઉઠતાં અને રોઝનબર્ગ સ્વર્ગ સમાન દિપી ઉઠતું. જોકે એવું નહોતું કે અહીં માત્ર ઉનાળાનો નજારો મનમોહક હતો. શિયાળામાં જ્યારે નાતાલ આવતી ત્યારે દરેક ઘરોમાંથી રંગબેરંગી પ્રકાશ આસપાસ જામેલા બરફના થરો પર સુંદરતાથી રેલાતો. ટૂંકમાં કહીએ તો રોઝનબર્ગનું પ્રાકૃતિક સૌંદર્ય અવર્ણનીય હતું. આમ તો સ્કેન્ડેનેવીયન દેશો તરીકે ઓળખાતા નોર્વે અને સ્વીડન બંને એનાં પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે પણ રોઝનબર્ગ પ્રાકૃતિક સૌંદર્યની બાબતમાં જરા વધુ સમૃધ્ધ હતું. નોર્વે અને સ્વીડને ઇતિહાસના કોઇ યુધ્ધમાં ભાગ લીધો નથી અને એ શાંતિપ્રિયતા આજેય અકબંધ છે. રોઝનબર્ગમાં એ શાંતિપ્રિય માહોલ સ્પષ્ટ જોઇ શકાતો.

            નોર્વેના બીજા વિસ્તારો કરતાં ભૌગોલિક રીતે જરા દૂર હોવાથી રોઝનબર્ગનું બીજા શહેરો સાથેનું જોડાણ પ્રમાણમાં ઓછું હતું. વધુ સચોટ રીતે કહીએ તો બીજા શહેરો સાથેનું જોડાણ ધીમું હતું કારણ કે અન્ય શહેરો સાથેના સંપર્ક અને પરિવહનમાં ખાસ્સો સમય નીકળી જતો. એ ન્યાયે રોઝનબર્ગ બીજા શહેરોથી જરા અલિપ્ત અને એકલું અટુલું હતું. કોઇ કટોકટીના સમયે તત્ક્ષણ મદદ ન મળી શકે એવું. પણ આ બધાથી અસર પામ્યા વગર રોઝનબર્ગ પોતાનામાંજ એક નાનકડી દુનિયા સમેટીને બેઠું હતું. જીવન જરૂરિયાતની તમામ મૂળભૂત સુવિધાઓ અહીં ઉપલબ્ધ હતી એટલે અહીંના લોકોએ અન્ય શહેરોની ગરજ કરવાની જરૂર પડતી ન હતી. શહેરમાં એક મોટી સ્કૂલ, એક કોલેજ અને શહેરની વચ્ચોવચ એક મધ્યમ કક્ષાની લાઇબ્રેરી મોજૂદ હતી. એ સિવાય મધ્યમ કક્ષાની ગણી શકાય એવી રોઝનબર્ગ જનરલ હોસ્પિટલ અહીંના તમામ નાગરીકોને મફતમાં સારવાર ઉપલબ્ધ કરાવતી. અહીં દુકાનો પણ શહેરની જરૂરિયાતના પ્રમાણમાં પૂરતી હતી. અઠવાડીયે એક વાર બહારથી ખાવાપીવા અને જીવનજરૂરિયાતનો પુરવઠો ટ્રકો મારફતે આવતો. અહીં એક મધ્યમ કક્ષાનો શોપિંગ મોલ હતો જે હમણાં હમણાં જ બન્યો હતો. અત્યાર સુધી મનોરંજન માટે શહેરનું જૂનું અને એકમાત્ર સિંગલ સ્ક્રીન થિયેટર હતું જેનું સ્થાન હવે પેલાં મોલના મલ્ટીપ્લેક્ષે લીધું હતું. શહેરના મહત્વાકાંક્ષી માણસો નોર્વેના અન્ય શહેરોમાં કામધંધા માટે રહેવાં જતાં, બાકી સરેરાશ મધ્યમવર્ગીય પરિવારોનું તો આખું જીવન રોઝનબર્ગમાં જ નીકળી જતું. અહીંના લોકો ફરવાના અને પ્રવાસના ખાસ શોખીન ન હતાં એટલે મિડલ ક્લાસનો માણસ ભાગ્યે જ ક્યાંક બહાર ફરવા જતો. જેને પોતાના ઘરમાં જ કુદરતી સૌંદર્યનો ભંડાર હોય એ બીજે જઇને કરે પણ શું! રોઝનબર્ગના સૌંદર્યને માણવા ક્યારેક કોઇ પ્રવાસીઓ આવતાં પણ આવા પ્રવાસીઓની સંખ્યા ઓછી રહેતી. એમના રોકાણ માટે અહીંના કેટલાંક ઘરો મલ્ટીપલ રૂમ વાળી હોટલોમાં પરિવર્તિત થઇ ગયાં હતાં. જોકે આવા ઘર કમ હોટલની સંખ્યા પ્રવાસીઓની સંખ્યાને અનુલક્ષીને મર્યાદિત હતી.

રોઝનબર્ગમાં ઉત્તર દિશા બરાબર બે પહાડોની વચ્ચે પડતી હતી. રોઝનબર્ગ આ વિસ્તારનું છેલ્લું સ્થળ હતું. બે પહાડની વચ્ચેથી ઉત્તરમાં આગળ વધો એટલે બરફનું અફાટ રેગિસ્તાન હતું. આ બર્ફીલું રેગિસ્તાન ત્યાંથી સીધું પૃથ્વીનાં ઉત્તર ધ્રુવ પર ખુલતું હતું. એ હિસાબે રોઝનબર્ગથી આગળ ઉત્તર દિશા અત્યંત ભેંકાર હતી. ઉત્તર ધ્રુવ સર કરનાર ગણ્યા ગાંઠ્યા સાહસિકો સિવાય કોઇ એ દિશામાં જતું ન હતું.

            રોઝનબર્ગની સાયન્સ કોલેજના વર્ગો અત્યંત નાના હતાં. વિસ્તારની રીતે પણ અને વિદ્યાર્થીઓની સંખ્યાની રીતે પણ! એમાં ભૌતિકશાસ્ત્ર વિષય સાથે બીજા વર્ષમાં અભ્યાસ કરતો લિયો અનોખા વ્યક્તિત્વ અને અનોખા મગજનો સ્વામી હતો. સપ્રમાણ શરીર, ગોરો વાન અને જીનીયસ મગજ ધરાવતા લિયોની છાપ કોલેજમાં હોંશિયાર વિદ્યાર્થી તરીકેની હતી, અને હા, આ હોંશિયાર વિદ્યાર્થી એટલે માત્ર રેન્કર એવું નહીં. આ હોંશિયાર એટલે ખરા અર્થમાં બુધ્ધીજીવી અને એમાંય ખાસ તો વિદ્યુતચુંબકીય ક્ષેત્રનો અત્યંત જાણકાર માણસ. એટલે જ એ કોલેજ અને કોલેજની બહાર વિદ્યુતચુંબકીય ક્ષેત્રના એક્સપર્ટ તરીકે નામના પામ્યો હતો. સ્નાતકના પ્રથમ વર્ષમાં લિયોએ તાંબાના તારના લાંબા ગૂંચળા અને કારની બેટરીઓમાંથી સાદા પાણીમાંના હાઇડ્રોજનને છુટો પાડી હાઇડ્રોજનના અણુનું પણ બંધારણ તોડી એમાં રહેલાં પ્રોટોનને પ્રવેગિત કરવા માટેનું પાર્ટીકલ એક્સિલરેટર બનાવ્યું હતું. નોર્વેના નેશનલ લેવલના વિજ્ઞાનમેળામાં આ વર્કીંગ મોડેલે ધૂમ મચાવી હતી. ધૂમ મચાવવાનું કારણ સ્પષ્ટ હતું. લિયોનું આ મોડેલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રથી ત્રણ ગણું વધુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતું હતું અને એ પણ માત્ર કારની બેટરીઓ દ્રારા. આ સિધ્ધી બદલ નોર્વેના પાટનગર ઓસ્લો ખાતેની વિજ્ઞાન અકાદમી દ્વારા લિયોનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ બહુમાનના ફંકશનમાં હાજરી આપવા લિયોની માતાએ આટલા વર્ષોમાં પ્રથમ વાર રોઝનબર્ગની બહાર પગ મુક્યો હતો. આ ઘટના પછી લિયો આખા રોઝનબર્ગમાં પ્રખ્યાત થઇ ગયો હતો. બધાં લિયોને ઓળખતાં અને માનથી બોલાવતાં થઇ ગયાં.

            જરાક અંતર્મુખી હોવાના નાતે કોલેજમાં લિયોના ખાસ મિત્રો ન હતાં. ઓળખીતા ઘણાબધા હતાં પણ મિત્રો ખાસ કોઇ ન હતાં. કોલેજથી બહારની વાત કરીએ તો રોઝનબર્ગના છેવાડે મેથ્યુ નામનો એક જાણકાર મિકેનિક હતો. એ ઉંમરમાં લિયોથી જરાક મોટો હતો પણ એની સાથે લિયોને સારૂં બનતું. મેથ્યુ ઝાઝુ ભણ્યો ન હતો, પણ ઇલેક્ટ્રિકલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓને રિપેર કરવાની કળામાં એ માહેર હતો. એણે રીપેરીંગની જ દુકાન ખોલી હતી. વિદ્યુતચુંબકત્વ પર આધારિત સાધનો પ્રત્યેના મેથ્યુના પ્રેક્ટિકલ નોલેજના કારણે  લિયો એનાથી ખાસ્સો ઇમ્પ્રેસ હતો અને અવારનવાર એની દુકાને જઇને બેસતો. કોલેજ પ્રત્યે લિયોને જબ્બર આકર્ષણ હતું. ના, કોલેજના ભણતરના કારણે નહીં. એ તો લિયોને ક્યારેય પસંદ ન હતું પણ લીલીના કારણે. લીલી કોલેજમાં લિયોની સાથે ભણતી ટીપીકલ મિડલ ક્લાસ ફેમીલીની છોકરી હતી. સીધી સાધી અને ભોળી ભટાકડી. લિયો લીલીને ખૂબ પસંદ કરતો હતો. રોઝનબર્ગના લોકો ભલે રખડવાના શોખીન ન હોય પણ લિયો એમાં અપવાદ હતો. લિયોને પર્વતોના બર્ફીલા ઢોળાવો પર અને પાઇનના જંગલોમાં રખડવું અત્યંત પસંદ હતું. શિયાળામાં ભલભલી બરફવર્ષા વચ્ચે પણ લિયો અને મેથ્યુ પર્વતચઢાણ કરી શકતાં. બંને એ રીતે ખાસ્સા ફીટ હતાં. ઉનાળામાં બરફ પીગળે એટલે બનતા ઝરણાઓમાંથી કયું ઝરણું ક્યાંથી નીકળે છે એવાં ઉદગમસ્થાનોની તલાશમાં લિયો અને મેથ્યુ આસપાસના વિસ્તારો ખુંદી નાંખતાં. અમુકવાર લીલી પણ જિજ્ઞાસાવશ એમની સાથે જોડાતી. ઉંચાણવાળા વિસ્તાર પર ચઢતી વખતે લીલીને ટેકો આપવાના બહાને એનો હાથ પકડવાનો કે એનો સ્પર્શ કરવાનો એકપણ મોકો લિયો જતો કરતો ન હતો. ઘણીવાર લિયો લીલીના દૂધ જેવા શ્વેત વાન અને લાલ ટામેટા જેવા ચહેરાની સામે તાકી રહેતો. કોઇ વાતચીત ચાલતી હોય ત્યારે પણ લિયો લીલીની વાદળી શેડવાળી સુંદર આંખોમાં ડૂબી જતો. લીલી ચપટી વગાડીને એનું ભટકેલું ધ્યાન પાછું લાવી દેતી. લિયોએ બીજા વર્ષની શરૂઆતમાં જ લીલી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો અને લીલીએ એ સહર્ષ સ્વીકારી લીધો હતો. બંનેના ઘરમાં પણ એમના પ્રેમ સંબંધ વિશે જાણ હતી. લિયોના પિતા હયાત ન હતાં. ઘરમાં લિયો અને માતા જેનેટ એ બે જ સભ્યો હતાં જ્યારે લીલી એના માતા-પિતાનું એકનું એક સંતાન હતી એટલે એનાં ઘરમાં કુલ ત્રણ સભ્યો હતાં.

                        કોલેજનું બીજું વર્ષ હસીખુશીથી પસાર થઇ રહ્યું હતું. કોલેજની ઇન્ટરનલ પરીક્ષાઓ ચાલી રહી હતી. બધાં વિદ્યાર્થીઓ મોડા સુધી જાગીને વાંચન કરતાં. લિયો પણ આજે મોડે સુધી વાંચી રહ્યો હતો. લિયોના ઘરની પહોળાઇ નાની અને લંબાઇ સહેજ વધારે હતી એટલે એ રો-હાઉસ જેવું લાગતું હતું. જોકે એ રો-હાઉસ ન હતું. રોઝનબર્ગમાં બધાના ઘર અલગ અલગ રીતે બનાવાયેલાં હતાં. લિયોનું ઘર લાકડાની બનાવટનું પણ અત્યંત મજબુત અને ટકાઉ હતું. એના ઉપરના માળે લિયોનો રિડીંગ રૂમ હતો. ઘર ઉપરની છત ઢોળાવવાળી હોઇ લિયોના રિડીંગ રૂમમાં એની સ્પષ્ટ અસર વર્તાતી. એ રિડીંગ રૂમની બારી બરાબર ઉત્તર દિશામાં ખુલતી હતી. એ બારીમાંથી બે પહાડોની વચ્ચેથી ઉત્તર દિશામાં દૂર સુધી જોઇ શકાતું. એ બારીને અડીને લિયોનું રિડીંગ ટેબલ હતું. રિડીંગ ટેબલની સાઇડમાં જ એક ચુંબક છત પરની ખીલી પરથી દોરી વડે લટકાવેલું હતું. એ સ્વાભાવિક જ ઉત્તર દિશામાં સ્થિર થયેલું રહેતું. પહેલેથી જ લિયોને ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે ગજબનું આકર્ષણ હતું. એણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતચુંબકત્વ પરના ઘણીબધા પુસ્તકો વાંચી નાંખ્યાં હતાં. વિદ્યુતચુંબકત્વ ઉપરાંત ભૌતિકવિજ્ઞાનનાં અઢળક પુસ્તકોથી એનું કબાટ ભરાઇ ગયું હતું. પુસ્તકો ઉપરાંત લિયોના રૂમમાં વૈજ્ઞાનિક ઉપકરણો તથા વૈજ્ઞાનિક ચાર્ટની ભરમાર દેખાતી. એ દિવસે વાંચવા માટે લિયો મોડા સુધી જાગતો હતો. અચાનક લિયોને ઉત્તરમાં દૂર ક્યાંક ધડાકો થયો હોય એવો ભાસ થયો. લિયોએ બારી ખોલી ઉત્તરમાં ચોતરફ નજર દોડાવી. અહીંથી આગળ ઉત્તરમાં બધું નિર્જન અને ભેંકાર હતું. એ બાજુથી આ પ્રકારનો અવાજ આવવો અસામાન્ય હતું. કદાચ એનો ભ્રમ હશે એમ માની લિયોએ પુસ્તકમાં પાછું ધ્યાન પરોવ્યું. રાત્રિના અઢી વાગે ફરીથી એક ભેદી ધડાકો થયો. લિયો એની જગ્યા પરથી ઉભો થઇ ગયો. આ વખતના ધડાકાની તીવ્રતા પ્રથમ ધડાકા કરતાં સહેજ વધારે હતી. ધડાકાનો અવાજ સાંભળી લિયોના માતા જેનેટ પણ ઉઠી ગયાં. એ ઉપરના રૂમમાં દોડી આવ્યાં.

“બેટાં, તું ઠીક તો છે ને! આ ધડાકાનો અવાજ ક્યાંથી આવ્યો?” માતા જેનેટે ચિંતાતુર અવાજે પુછ્યું.

“મા, મને કંઇ નથી થયું. આ અવાજ અહીંથી નથી આવ્યો. દૂર ઉત્તરમાં ક્યાંકથી આવ્યો હોય એવું લાગે છે.” લિયોએ જવાબ આપ્યો.   

દસ-પંદર મિનિટ લિયો પાસે બેસી માતા જેનેટ નીચે જતાં રહ્યાં. લિયોનું મન ચકરાવે ચડ્યું. ઉત્તરના આ ભેંકાર બર્ફસ્તાનમાંથી આ અવાજ આવ્યો ક્યાંથી? લિયોના મગજમાં આ પ્રશ્નના ઘણાબધા સંભવિત જવાબો વચ્ચે ગડમથલ ચાલી રહી હતી પણ એકેય તાર્કીક તારણ પર એ આવી શક્યો નહીં. વિચારોમાં ને વિચારોમાં એને ક્યારે ઉંઘ આવી ગઇ એની ખબર જ ન પડી.

            બીજા દિવસે પરિક્ષાનું પેપર આપ્યાં પછી લીલીએ પણ આગલી રાતના વિસ્ફોટની વાત છેડી. પણ કોઇ પાસે વિસ્ફોટનો સંતોષકારક ખુલાસો ન હતો. એ રાત્રે લિયો ફરીથી મોડા સુધી વાંચી રહ્યો હતો. આજે એનું મન વાંચવામાં ઓછું અને ઉત્તર દિશામાં વધુ લાગી રહ્યું હતું. એણે બારી ખોલી નાંખી. અત્યંત ઠંડા પવનોએ એનાં ચહેરાને સ્પર્શ કર્યો. લિયો વાંચવાનો પ્રયત્ન તો કરતો હતો પણ પેલાં લટકતાં ચુંબકની જેમ એનું મન વારંવાર ઉત્તર દિશા બતાવતું હતું. રાત્રિનો એક વાગવા આવ્યો હતો. અચાનક લિયોએ ઉત્તર દિશામાં જોયું તો એને શ્વેત બરફની ચાદર પર આછો લીલો પ્રકાશ રેલાતો હોય એવું લાગ્યું. આમ તો અહીંના પ્રદેશમાં અરોરા તરીકે ઓળખાતો ધૃવીય પ્રકાશ દેખાવો એ સાવ સામાન્ય બાબત હતી પણ અહીં એ પ્રકાશ ઉપર આકાશમાંથી નીચે તરફ આવવાની જગ્યાએ નીચેથી નીકળીને ઉપર તરફ જઇ રહ્યો હોય એવું લાગતું હતું. લિયોને આ પ્રકાશ ભેદી લાગી રહ્યો હતો. લિયો અંદાજા લગાવવામાં ઉસ્તાદ હતો. એના અંદાજા મુજબ લગભગ સીત્તેર કિમી આસપાસના અંતરેથી આ પ્રકાશ આવી રહ્યો હતો. અડધો કલાક સુધી આ પ્રકાશે દેખા દીધી. લિયોની નજરો વારંવાર એ પ્રકાશ પર જ જતી હતી. રાત્રિના દોઢ વાગ્યે અચાનક જોરદાર વિસ્ફોટ થયો. લિયોના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઇ ગયું. આ વિસ્ફોટ આગળની રાત્રિના બંને વિસ્ફોટો કરતાં વધારે તીવ્ર હતો. આ ભયાનક વિસ્ફોટની અસરથી હળવો ભૂકંપ આવ્યો હતો એટલે ઘર ધ્રુજી રહ્યું હતું. લિયો નીચેના માળ તરફ દોડ્યો. માતા જેનેટ પણ દોડતાં લિયો તરફ જ આવી રહ્યાં હતાં, એમને લઇને લિયો ઘરની બહાર નીકળ્યો. બહાર ખાસ્સી ભીડ જમા થઇ હતી. આસપાસના બધા લોકો વિસ્ફોટ અને હળવી ધ્રુજારીથી ભયભીત થઇને બહાર આવી ગયાં હતાં. મોડી રાત્રિના આ ધડાકાએ રોઝનબર્ગને સફાળું જગાડી દીધું હતું. માતા જેનેટ સહિત આસપાસના લોકો દહેશતમાં હતાં. લિયોએ પોતાના ખિસ્સા ચેક કર્યાં. એ મોબાઇલ પોતાના રૂમમાં ભૂલી આવ્યો હતો. બધાં બહાર ઉભા હતાં એ વખતે લિયો ફટાફટ દોડીને અંદર જઇ મોબાઇલ લઇ આવ્યો. એણે તરત જ લીલીને ફોન લગાવ્યો. પણ આ શું? ફોનના સિગ્નલ ન હતાં. એણે આસપાસના લોકોને પણ પુછી જોયું. કોઇના મોબાઇલમાં સિગ્નલ ન હતાં. કદાચ આ વિસ્ફોટે કરેલાં વિદ્યુતચુંબકીય ફેરફારોના કારણે મોબાઇલ સિગ્નલો ખોરવાઇ ગયાં હતાં. માતા જેનેટને આસપડોશના લોકો જોડે ઉભા રહેવાનું કહી લિયોએ એની સાયકલને ઉતાવળે લીલીના ઘર તરફ હંકારી મુકી. લીલી, એનાં માતાપિતા અને એમના આસપડોશના લોકો બહાર ઉભા હતાં. લીલી તથા ત્યાં હાજર બધાના ખબર પુછી લિયોએ સાયક્લ સીધી મુખ્ય પોલીસ હેડક્વાર્ટર તરફ હંકારી મુકી. આ બધું શું થઇ રહ્યું છે એની ચર્ચા માઇકલ અંકલ સાથે કરવા માટે..

            માઇકલ અંકલ એટલે શેરીફ માઇકલ જહોનસન. છેલ્લા લગભગ ૩૫ વર્ષથી એ રોઝનબર્ગમાં શેરીફ હતાં અને હવે પ્રમોશન લઇને લો એન્ડ ઓર્ડર કંટ્રોલિંગ ઓફીસર બન્યાં હતાં. પરંતુ આજે પણ બધાં એમને શેરિફ કહીને જ બોલાવતાં. માઇકલ અંકલ સેવાભાવી માણસ હતાં અને એમણે વર્ષો સુધી રોઝનબર્ગની સેવા કરી હતી. રોઝનબર્ગમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં એમનું યોગદાન અનન્ય હતું. લોકો એમને ખૂબ માન આપતાં. એ પણ મોટાભાગના લોકોને વ્યક્તિગત રીતે ઓળખતાં હતાં. લિયો હેડક્વાર્ટરમાં પ્રવેશ્યો અને જોયું તો માઇકલ અંકલ એમના વોકીટોકી પર વાતો કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં પણ એનાં સિગ્નલ બરાબર આવી રહ્યાં નહોતાં. માઇકલ અંકલને પણ આ ઘટનાના કારણ વિશે ખાસ કંઇ ખબર ન હતી. એ બાજુનાં શહેર સાથે તેમજ પાટનગર ઓસ્લો સાથે સંપર્ક સાધવા પ્રયત્ન કરી રહ્યાં હતાં, પણ એમનાં પ્રયત્નો નિષ્ફળ જઇ રહ્યાં હતાં એટલે હાલપુરતી વાસ્તવિકતા એ હતી કે રોઝનબર્ગ સંપર્કવિહોણું બન્યું હતું. વળતી સાઇકલ સફરમાં લિયોએ રોઝનબર્ગનું એક મોટું ચક્કર લગાવ્યું. બધાં પોતપોતાના ઘરની બહાર નીકળ્યા હતાં. રસ્તાઓ ભરચક હતાં. લાંબો આંટો મારી લિયો એનાં ઘરે પહોંચ્યો. હજી લોકો બહાર બેસી રહ્યાં હતાં. લિયોને એવું લાગ્યું કે હવે આ રીતે બેસી રહેવાનો કોઇ અર્થ નથી. હવે હાલતુરતમાં ફરીથી આ ઘટના બનવાની નથી. એણે આસપાસના લોકોને ઘરમાં જવા સમજાવ્યાં અને માતા જેનેટને લઇને એ પણ ઘરમાં ગયો. એણે માતાને ભયમુક્ત થઇ સુવા જણાવ્યું. દસેક મિનિટ માતા પાસે બેસી લિયો પોતાના રૂમમાં આવ્યો. અચાનક એની નજર છત પરથી લટકી રહેલાં ચુંબક પર પડી અને એ ચોંકી ગયો. સામાન્યત: ઉત્તર દિશા બતાવતું ચુંબક અત્યારે ગોળ ગોળ ફરી રહ્યું હતું. ચુંબકીય ક્ષેત્રમાં કંઇક મોટો ફેરફાર થઇ રહ્યો હતો.

            રાતના ઉજાગરાને લીધે લિયોને ગાઢ ઉંઘ આવી ગઇ. એ ઉઠ્યો ત્યારે સવારના સાડા નવ થયાં હતાં. સૌથી પહેલાં એણે મોબાઇલ ચેક કર્યો. મોબાઇલના સિગ્નલ પાછા આવી ગયાં હતાં. લીલીના બે મિસ્ડ કોલ હતાં પણ ગાઢ ઉંઘમાં એણે રિંગ સાંભળી નહીં. એણે લીલી સાથે વાત કરી. તૈયાર થઇ એ કોલેજ પહોંચ્યો. લીલી પણ ત્યાં હાજર હતી. ગઇકાલની ઘટનાને લઇને આજનું પેપર કેન્સલ થયું હતું એટલે બધાં વિદ્યાર્થીઓ બહાર ઉભા ઉભા વાતો કરી રહ્યાં હતાં. લિયો અને લીલી પણ થોડી વાતો કર્યાં પછી છુટા પડ્યાં. લિયો સાયકલ પર લીલીને એનાં ઘરે મુકી આવ્યો. બપોરે સાડા ત્રણે લિયો ઘરે પહોંચ્યો. માતાના હાથની ચા પીને લિયો વાંચવા બેઠો, પણ આવતીકાલના પેપરની તૈયારીમાં એનું મન લાગી રહ્યું ન હતું. ચોપડીમાંથી માથું બહાર કાઢી વારંવાર એ પેલાં લટકતાં ચુંબક સામે જોઇ લેતો પણ આજે એ ચુંબક ઉત્તર દિશામાં જ સ્થિર થયું હતું. સાંજે ડીનર પછી સાઇકલ પર એ રોઝનબર્ગનું એક લાંબુ ચક્કર લગાવી આવ્યો. પરિસ્થિતી સામાન્ય હતી. કંઇ અજૂગતું જણાતું ન હતું. પાછો આવી એ માતા જેનેટ સાથે દસેક મિનિટ બેઠો. પ્રેમભરી વાતચીત કરી માતાને સુવાનું કહી એ એના વાંચનખંડમાં ગયો. બે વર્ષ પહેલાં પિતાનું અવસાન થયું ત્યારથી લિયો માતા જેનેટનું ખૂબ ધ્યાન રાખતો. એમને ક્યાંય દુ:ખ ન પડે એની તકેદારી રાખતો. પોતાના રૂમમાં ગયાં પછી વાંચવાનો જરા મુડ આવ્યો એટલે એણે સળંગ અઢી કલાક ખેંચી નાંખ્યા. વાંચવાની મેરેથોન પુરી કરી એ પગ છુટા કરવા ઉભો થયો. સહેજ આળસ ખાઇને હાથને જરા ઉંચા નીચા કર્યાં. ઘડિયાળ રાતના એક વાગ્યાનો સમય બતાવી રહી હતી. લિયોએ જગમાંથી ગ્લાસમાં પાણી કાઢ્યું. એ શાંતિથી પાણી પી રહ્યો હતો. પાણી પીતાં પીતાં અચાનક એની નજર પેલાં લટકતાં ચુંબક પર પડી. હવે ચુંબક ઉત્તર દિશામાં સ્થિર ન હતું. એકદમ ધીમી ઝડપે એ ફુદરડી ફરી રહ્યું હતું. લિયોની આંખો પહોળી થઇ ગઇ. ગઇકાલના જેવું જ ભયનું લખલખું અનાં શરીરમાંથી પસાર થઇ ગયું. એણે ફટાફટ બારી ખોલીને જોયું તો ખરેખર ગઇકાલ જેવો જ આછો લીલો પ્રકાશ ક્ષિતિજ પર પ્રસરાતો જોઇ શકાતો હતો. લિયો તરતજ હરકતમાં આવ્યો. એણે મોબાઇલ ચેક કર્યો. સિગ્નલમાં ગડબડ ગોટાળા જોઇ શકાતાં હતાં. કહો કે સિગ્નલ લગભગ બંધ થઇ ગયાં હતાં. એણે માતા જેનેટને ઉઠાડ્યા અને ફટાફટ ઘરની બહાર નીકળી જવા કહ્યું. જો આજનો વિસ્ફોટ ગઇકાલ કરતાં પણ મોટો હોય અને એનાં પરિણામ સ્વરૂપે આવતો ભૂકંપ વિનાશક હોય તો ઘરની બહાર નીકળી જવું જ સુરક્ષિત રહે. લિયોએ આસપાસના લોકોને પણ ઉઠાડી દીધા અને પરિસ્થિતીથી વાકેફ કર્યાં. ઘરની બહાર ખુલ્લામાં બધાની સાથે માતાને બેસાડીને એની સાઇકલ સરરર કરતી લીલીના ઘર તરફ દોડવા લાગી. એણે લીલી અને એનાં ઘરનાં તમામને વાકેફ કર્યાં. બધાંએ પોતપોતાના પાડોશીઓને આ માહિતીથી અવગત કર્યાં એટલે થોડીવારમાં જ માહિતી આખા રોઝનબર્ગમાં ફેલાઇ ગઇ. માઇકલ અંકલ પણ લિયોના ઘરે આવી પહોંચ્યા અને વધુ માહિતી મેળવી. રોઝનબર્ગમાં બધાં લોકો ઘરની બહાર આવી ગયાં હતાં. હમણાં વિસ્ફોટ થશે, હમણાં વિસ્ફોટ થશે એની દહેશતમાં બધાં બેઠાં હતાં. લગભગ અડધો કલાક પછી એક જોરદાર વિસ્ફોટ થયો. લોકોમાં બુમરાણ મચી ગઇ. હળવાથી ભારે કહી શકાય એવી ધ્રુજારીએ રોઝનબર્ગને બાનમાં લીધું. પોચા હૃદયના લોકોમાં રોકકળ થઇ ગઇ. ધરા હલી રહી હતી એટલે સમગ્રતયા દહેશતનો માહોલ હતો. લગભગ ચાર મિનિટ સુધી એ ધ્રુજારી ચાલી પછી જરા શાંતિ સ્થપાઇ. લોકો હજી ભુકંપના આઘાતમાંથી બહાર નહોતા આવી શકતાં. ચારેકોર ભૂકંપ અને વિસ્ફોટની જ ચર્ચા ચાલતી હતી. એ રાત્રિ મોટાભાગના લોકોએ સડક પર જ વિતાવી.

            પછીના દિવસે સવારે લિયો તૈયાર થઇને સીધો પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યો. ભુકંપના પગલે એ દિવસની પરીક્ષા પણ રદ થઇ હતી. લિયો માઇકલ અંકલને મળ્યો. માઇકલ અંકલ પાસેથી એને જાણવા મળ્યું કે પાટનગર ઓસ્લોથી ત્રણ ભૂસ્તરશાસ્ત્રીઓની ટીમ રોઝનબર્ગ આવી રહી છે. એ અહીં ભૂકંપ અને ચુંબકીય ક્ષેત્રોનો ફેરફાર માપતાં યંત્રો મુકશે. બાકીનું ટ્રેકિંગ સેટેલાઇટ મારફતે થઇ રહ્યું છે. સેટેલાઇટ મારફતે જાણવા મળ્યાં મુજબ ગઇકાલના ભુકંપનું એપીસેન્ટર ઉત્તરમાં પંચાવન કિમી દૂર હતું. માઇકલ અંકલની વાત પરથી લિયો એટલું તો સમજી ગયો કે રાષ્ટ્રીય સ્તરે આ ઘટનાને હળવી તીવ્રતાના ભુકંપથી વિશેષ કોઇ મહત્વ આપવામાં આવી રહ્યું નથી જ્યારે લિયોની અંદરનું કોઇ ખાસ તત્વ એમ કહી રહ્યું હતું કે આ ઘટનાના મૂળિયા દેખાય છે એનાં કરતાં ઘણાં ઉંડા છે.

            બીજા ચાર દિવસ કંઇજ નવાજૂની વગર પસાર થઇ ગયાં. લિયોની પરિક્ષાઓ પણ પુરી થઇ ગઇ. પાંચમા દિવસે સાંજે લિયો એનાં ઘરમાં બેઠો હતો. માતા જેનેટ રસોઇ બનાવી રહ્યાં હતાં અને લિયો ડાઇનિંગ ટેબલ પર બેઠો બેઠો એમની સાથે વાત કરી રહ્યો હતો. અચાનક લાઇટ જતી રહી. લિયોએ મોબાઇલની ટોર્ચ ચાલુ કરી. માતા જેનેટે ચાર પાંચ મીણબત્તીઓ સળગાવી. અંધકારનો અંદાજો લગાવવા લિયો ખાસ્સે દૂર સુધી જઇ આવ્યો. આખા રોઝનબર્ગમાં લાઇટ ન હતી. વીસ મિનિટ પછી લાઇટો આવી. લાઇટો તો આવી પણ આવ્યાને પાંચેક મિનિટ માંડ થઇ હશે ત્યાં તો ફરીથી લાઇટો ઝબકવા લાગી. બે-ચાર મિનિટ લબુકઝબુક થયેલી લાઇટો પાછી સ્થિર થઇ. લિયો હવે લાઇટને પણ શંકાની નજરે જોઇ રહ્યો હતો. વધુ એકાદ વખત લાઇટોએ ઝબકારા માર્યાં અને પછી લાઇટો પાછી પૂર્વવત થઇ ગઇ. એ રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ લિયો સુઇ ગયો. રાત્રે બે વાગ્યે આંખોમાં પડતા પ્રકાશથી ઓચિંતી લિયોની આંખ ખુલી ગઇ. એનાં ઘરની તમામે તમામ લાઇટો ચાલુ હતી.

“અરે મા. આટલી મોડી રાત્રે કેમ ઘરની બધી લાઇટો ચાલુ કરી દીધી છે? બંધ કર.. મારી ઉંઘ બગડે છે.” લિયોએ અડધી ઉંઘમાં જ જોરથી બુમ પાડી.

“બેટા. મેં એકપણ લાઇટ ચાલુ કરી નથી. બધાના ઘરની લાઇટો એની મેળે ચાલુ થઇ ગઇ છે.” માતા જેનેટ લિયો પાસે જ આવી રહ્યાં હતાં, એ લિયો પાસે આવીને બોલ્યાં.

“શું? એની મેળે??” લિયો સફાળો બેઠો થઇ ગયો.

લિયોને એની આંખો પર ભરોસો નહોતો થઇ રહ્યો. એનાં ઘરની તમામ લાઇટોની સ્વીચ બંધ હતી અને છતાં બધી લાઇટો ચાલુ થઇ ગઇ હતી. લિયો ઘરની બહાર નીકળ્યો. આખું રોઝનબર્ગ ઝળાંહળાં થઇ રહ્યું હતું. રોઝનબર્ગના તમામે તમામ ઘરની બધી લાઇટો પ્રકાશી રહી હતી અને એ પણ કોઇપણ પ્રકારના પાવર સપ્લાય વગર. લગભગ એક કલાક સુધી આવું ચાલ્યું અને પછી એકાએક બધી લાઇટો બંધ થઇ ગઇ. હવે પરિસ્થિતી સામાન્ય હતી. સામાન્ય એટલે સ્વીચ પાડો તો જ લાઇટ થાય એવી. લોકો તો આ અજાયબ ઘટનાની ચર્ચા એકાદ બે કલાક સુધી કરી પછી સુવા જતાં રહ્યાં પણ લિયો ઉંઘી શક્યો નહીં. હવે એને સંજોગો કાબુ બહાર જતાં હોય એવું લાગી રહ્યું હતું.

            બીજા દિવસે એ અજાયબ ઘટનાની ચર્ચા ચારેકોર હતી. લિયો માઇકલ અંકલ સાથે ચર્ચા કરવા હેડક્વાર્ટર ગયો. માઇકલ અંકલે સમગ્ર ઘટનાનો રિપોર્ટ કાલે રાત્રે જ પાટનગર ઓસ્લો પહોંચાડી દીધો હતો. ઉત્તરધ્રુવ પર કોઇ મોટા ચુંબકીય ફેરફારો થઇ રહ્યાં હતાં એવું ઓસ્લો ખાતેના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના વૈજ્ઞાનિકોનું મંતવ્ય હતું. મતલબ કે શહેરની બધી લાઇટો એકસાથે ચાલુ થઇ જવી એ અચાનક પેદા થતાં ઉંચા ચુંબકીય ક્ષેત્રના કારણે હતું. હવે એ લોકો ચુંબકીય ફેરફારો નોંધવા માટેના અદ્યતન સાધનો સહિત દસ જણની ટીમ રોઝનબર્ગ મોકલવાની તૈયારીઓ કરી રહ્યાં હતાં. માઇકલ અંકલ પાસેથી જાણવા મળેલી માહિતીએ લિયોને નિરાશ કર્યો. એનાં મનમાં હવે અલગ જ પ્લાન રમી રહ્યો હતો. કોઇના પર આધારિત રહેવાની જગ્યાએ એ જાતે જ તલાશ અભિયાન આરંભશે એવું એણે મનોમન નક્કી કર્યું. એણે પોતાના વિશ્વાસુ સાથીદાર મેથ્યુને સાથે લઇ જવાનું નક્કી કર્યું. લિયોએ લીલીને ફોન કરીને મેથ્યુની દુકાનમાં બોલાવી. લિયો મેથ્યુની દુકાને પહોંચ્યો ત્યારે એને આંચકો લાગ્યો. મેથ્યુની તબિયત ખરાબ હતી. બે દિવસથી ઝાડા ઉલટી થવાના કારણે એ સાવ નંખાઇ ગયો હતો. પણ પોતાના વિદ્યુતચુંબકીય સાધનો અને કેટલાક અદ્યતન ગેજેટ્સ ભરેલી દુકાનના વાતાવરણ સિવાય એને ક્યાંય ચેન પડતું ન હતું એટલે એ અહીં જ આરામ કરતો. હવે મેથ્યુ પ્રવાસમાં જોડાઇ શકે એમ ન હોઇ લિયોએ એકલપંડે જ સાહસ ખેડવાનું નક્કી કર્યું. લીલીના આવ્યાં પછી એણે મેથ્યુ અને લીલીને પોતાના ઇરાદાઓ સ્પષ્ટ જણાવ્યા. મેથ્યુ અને ખાસ તો લીલીના સખત વિરોધ છતાં આ પ્રકારનું સાહસ ખેડવા લિયો મક્કમ હતો. ન છુટકે લીલી અને મેથ્યુ લિયો સાથે સહમત થયાં. ત્રણેયે ભેગા થઇ આ ચુંબકીય ફેરફારોનો તોડ કાઢવાનો પ્લાન બનાવવાનો હતો.

***

Rate & Review

Verified icon

Bharat Saspara 1 month ago

Verified icon

Abhishek Patalia 3 months ago

Verified icon

Hetal Chauhan 3 months ago

Verified icon

Mayur Lalpura 3 months ago

Verified icon

Vicky Vaswani 3 months ago