લવ-લી-સ્ટોરી - ૨

# લવ-લી-સ્ટોરી

ભાગ -૨

 

‘ દેવું બેટા, ઉઠ તૈયાર  થઈ જા આપણે ગામડે જવાનું છે તારા પપ્પાના મિત્ર મનસુખકાકા ત્યાં. એમને સત્યનારાયણની કથા રાખી છે.’

‘મમ્મી, તમે લોકો જઈ આવો ને મારે નથી આવવું મને કંટાળો આવે ગામડામાં’.

‘એવું ન કરાય બેટા, બધે જવું જોઈએ આપણે મનસુખ કાકા સાથે વરસો જુનો નાતો છે તારા પપ્પાના બહુ જુના મિત્ર છે એટલે તું આવીશ તો સારું લાગશે અને ત્યાં આવ તો બધા સાથે ઓળખાણ થાય તું નાનો હતો ત્યારે આપણે ગયેલા બાકી તારા પપ્પાને ધંધામાંથી ફુરસદ જ ક્યાં હોય છે તે આપણે લઇ જાય. અને તારા પપ્પા પણ આવે છે ચલ જલ્દી તૈયાર થઇ જા.’ 

 પપ્પાને આવવાની વાત સાંભળી દેવાંગ એક ઝાટકે પથારીમાંથી બેઠો થઇ ગયો. એ તેના પપ્પાને બહુ સારી રીતે ઓળખે છે કે આ માણસ નફા વગર એક ડગલું પણ ન ભરે કઈક ધંધાની વાત હોય નહિતર પપ્પા પેઢી બંધ રાખી આવે નહિ તેવું માની દેવાંગ પણ ગામડે જવા તૈયાર થયો.

‘એ.. આવો ..આવો..!

‘જયશ્રી કૃષ્ણ શેઠ’

‘પધારો ભાભી’ ‘

‘જયશ્રી કૃષ્ણ’

‘જયશ્રી કૃષ્ણ ભાઈ’

‘અરે માસ્તર મને શેઠ નો કે આપણે તો જુના ભાઈબંધ ખરા કે નહિ?’

‘એ વાત સાચી પણ શેઠને તો શેઠ જ કહેવા જોઈએ ને ‘ મનસુખ માસ્તર હસતા ચહેરે ઉમળકાથી આવકારતા બોલી ઉઠ્યા.

‘સારું ભાઈ, તને ઠીક લાગે તેમ’

‘કેમ ખીમચંદભાઈ, ધંધાપાણી કેમ ચાલે છે ?’

‘મનસુખભાઈ ધંધાનું તો એને પૂછો જ માં , એને તો ચોવીસે કલાક ધંધો જ હોય ઘરમાં પણ બસ વ્યાપારની જ વાતું આટલું લીધું અને આટલું વેચ્યું, ‘ખીમચંદ ના પત્ની વચ્ચે બોલ્યા.

‘તો ધંધો હોય તો એની જ વાતું કરાય ને વેપારી માટે ધંધામાં સતત જાગતા રહેવું પડે નહિતર પેઢી કાચી પડતા વાર ના લાગે ‘ શેઠ બચાવ કરતાં બોલ્યા

‘ભાઈ મનસુખ તારે કે ચાલે છે ?’

‘ શેઠ મારે તો નિવૃત્તિને માંડ બે વરસ રહ્યા ને એય ને પછી તો ખેતી અને સમાજસેવાના કાર્યો કરીશું’

‘સારું સારું, ખેતીની જમીન પરથી યાદ આવ્યું અહીં શું ભાવ ચાલે છે વીઘાના ?’ ખીમચંદ શેઠે વેપારી રીત થી પૂછ્યું.

‘તમેય શું અહીં વીઘાની વાત માંડી છે અહીં જે કામ માટે આવ્યા છો તેની વાત કરોને ?’ શેઠાણીએ હળવેકથી શેઠના કાનમાં કહ્યું.

‘જો માસ્તર, હું તને મારા દીકરાની ઓળખાણ કરાવું છું. આ મારો દીકરો દેવાંગ જે હમણાં જ અભ્યાસ પુરો કરી મારી પેઢી ચલાવે છે’

‘જયશ્રી કૃષ્ણ અંકલ’ જયશ્રી કૃષ્ણ આંટી’ કહી દેવાંગ માસ્તર અને તેની પત્ની ને પગે લાગ્યો.

‘જયશ્રી કૃષ્ણ બેટા.’

દીકરો દેખાવડો છે અને સંસ્કારી પણ લાગે છે જુઓને કેવો આપણે બંન્ને ને પગે લાગ્યો અને આમેય ખીમચંદ ભાઈ નું નાનું કુટુંબ છે સમૃદ્ધ પણ . મારી હીના ત્યાં સાસરે જશે તો રાજ કરશે. માસ્તરની પત્ની મનોમન વિચાર કરવા લાગી.

‘અરે હા માસ્તર આપણે જુના ભાઈબંધ અને તમે અમારા પરિવારને વરસોથી ઓળખો જ છો એટલે મુખ્ય વાત પર આવું આપણે આ મિત્રતાનો નાતો હવે વેવાઈના સંબંધમાં ફેરવાઈ તો કેવું ? મારી ઈચ્છા છે કે મારા દીકરા દેવાંગ માટે તમારી દીકરી હિનાનું સગપણ થાય તે માટે હું તમારી દીકરીનો હાથ માંગવા આવ્યો છે. ને એક વાત સાંભળી લ્યો માસ્તર મારે કંકુની કન્યા સિવાય કઈ જ જોતું નથી એટલે દાયજા ની પરવા કરતાં નહિ તમને એમ ના થાય કે આટલા મોટા ઘરમાં દીકરી પરણાવી હોય તો મોટો દાયજો દેવો પડે એટલે પહેલા ચોખવટ કરી દઉં’ શેઠ એકીસાથે ઉમળકાથી બોલી ગયા.

પપ્પાની વાત સાંભળી દેવાંગ તો સાવ સ્તબ્ધ થઇ ગયો આ શું સત્ય છે કે સપનું મારા પપ્પા અને આ ભાષા ?

‘શેઠ, દીકરીને માવતર પોતાના ગજા પ્રમાણે કઈ આપે એતો વહેવાર કાવ્ય અને અમારે પણ અમારી દીકરીને આપવાનો ઉમળકો તો હોય જ ને અને દીકરી જુવાન થાય એટલે માંગા તો આવેજ. વળી આપણે જુના મિત્રો એટલે આ સંબધ વેવાઈ માં પરિણામે તો એનાથી વધારે રૂડું શું હોઈ શકે પરંતુ આજના યુવાન દીકરા દીકરી ને પણ પોતાની પસંદગી માટે સ્વતંત્રતા આપવી એ આપની ફરજ છે. આપણે આપણા સંતાનો એકબીજાને પસંદ કરે તો આ સંબંધ પાકો પરંતુ એ પહેલા મારી એક શરત છે.’     

‘શરત ...! શું શરત છે માસ્તર..?   

‘હીના બેટા,’ તું કે’તો ખરી. શા માટે તારે લગન નથી કરવા કઈ પ્રશ્ન છે બેટા ? તને કઈ તકલીફ હોય તો માં ને તો કહી જ શકાય મને જે હોય તો કહી બેટા ?’

‘ના માં, લગ્ન ના કરવાનું બીજું કોઈ કારણ નથી. પણ મારે મારી કારકિર્દી બનાવવની છે મારે ગવર્મેન્ટ જોબ માટે  એક્ઝામ આપવી છે સહેલીઓ સાથે હરવું ફરવું છે ને તારા હાથની રસોઈ હજુ જમવી છે માં...’

‘બેટા, દીકરી જુવાન થાય એટલે માવતરનું એક જ સપનું હોય કે દીકરી સારા ઘરે પરણે. અને નોકરી કરી ને શું કરવાનું ? તારા બાપુજીની સરકારી નોકરી છે એમાં શું ન્યાલ થયા ? અને દીકરી તારા સપના હોય એ વાત સાચી પણ સમયે સમયે બધું થાય તો સારું પરિણામ આવે વડીલો એવું કયે છે કે સગપણ બાબત બહુ મોડું ન કરાય ને આમેય ખીમચંદભાઈ નો પરિવાર આપણો જાણીતો છે અને એટલે આવા ઠેકાણા જતા ન કરાય બેટા.’     

‘ભલે માં, મારી જીદ નથી પણ મેં તો મારો વિચાર પ્રગટ કાર્યો હતો બાકી તમે અને બાપુજી જે કહેશો તેમ કરીશ.’

‘હા બેટા, માં બાપનું માનશો તો કાયમ સુખી થાશો. તારું સગપણ થાય તો તારા બાપુજીનો ભાર હળવો થાય’

‘ભલે માં’

‘ચાલ જલ્દી તૈયાર થઇ જ મે’માન આવી ગયા છે તેના માટે ચા-નાસ્તો લઇ જવાના છે.’

‘જી, હું હમણાં તૈયાર થઇ જાઉં છું’

 માસ્તર.., શું શરત છે એ તો કહો? ખીમચંદ શેઠ ચિંતાગ્રસ્ત ચહેરે બોલ્યા.

‘શેઠ ખાસ કઈ નઈ શરત માં એવું છે કે જો તમને તો ખબર છે કે આ ગામમાં મેં કેટલા વરસ નોકરી કરી એટલે બધા સમાજના લોકો સાથે અમારે વહેવાર હોય. બધાના પ્રસંગમાં નોતરામાં જામી આવ્યા હોય ને ચાંદલા પણ કર્યાં હોય તે આપણે આંગણે પ્રસંગ આવે તો આપણે ગામ જમાડવું પડે કે નઈ ?’

‘ હા, તારી વાત સાચી છે માસ્તર’ શેઠે હકારમાં બોલ્યા

હા તો મારી શરત એટલી જ છે કે જો આ સગપણ થાય તો તમે તમારા દીકરાની જાન લઇ આ ગામમાં આવવું પડશે. મારી દીકરીનો પ્રસંગ ગામમાં જ ઉકલાય તેવી મારી વિનંતી છે.’ માસ્તર બે હાથ જોડી વિનંતી કરતાં બોલ્યા.

‘ભલે માસ્તર, તારી શરત કબુલ છે જો આપણા સંતાનોનું સગપણ નક્કી થાય તો હું મારા દીકરાની જાન અહીજ લઇ આવીશ બસ.’ શેઠ દિલાસો આપતા બોલ્યા.

‘પણ માસ્તર જાન લોઠી હસે એટલે એની સરભરા બરાબર કરવી પડશે હો ‘

‘શેઠ એની તમે ચિંતા ન કરો ‘

જો દીકરી ચા-નાસ્તો લઇ આવે છે’ દેવાંગની માતા બોલો.

‘આવ બેટા, જયશ્રી કૃષ્ણ ‘

‘જયશ્રી કૃષ્ણ’ કહી હિના શેઠ અને શેઠાણી ને પગે લાગી.

‘બેટા, કેટલું ભણી ?’

‘બી.એડ. કર્યું છે’

‘સરસ’

‘મારી હીનાને તો બધું જ આવડે છે તે ઘરની રસોઈ કામ અને બ્યુટીપાર્લર  અને સીવણકામ પણ શીખી લીધું છે અને હિના મીઠાઈ બહુ સારી બનાવે છે હો..’માસ્તર પત્ની ઉત્સુકતાથી બોલ્યા.

મહેમાનો ચા-નાસ્તો કર્યાં તે દરમ્યાન શેઠ ની પત્ની એ બંનેને એકાંતમાં વાતચીત કરવા બહાર આંટો મારવા જણાવ્યું.

ઘરથી થોડે દુર ખુલ્લા ખેતરમાં ચાલતા દેવાંગે વાતની શરૂઆત કરી

‘ તમે બી.એડ ભણ્યા છો એમ ને ?

‘’જી’

‘સરસ, તમને ખાસ શોખ ખરા ?’

‘ મને વાંચન, લેખન અને બાળકોને ભણાવવાનો બહુ શોખ છે’

‘ વેરીગુડ , અને તમને સારા ફેશનેબલ કપડા પહેરવાનો શોખ કે ફિલ્મો વગેરે શોખ ખરો ?

‘ શોખ તો છે પણ અહીં ગામડામાં પહેરવેશમાં મર્યાદામાં રહેવું પડે અને ફિલ્મોનો ખાસ નહિ’

‘ઓ.કે,’ તમને હું ગમ્યો કે નહિ ?  દેવાંગે સીધો આખરી પ્રહાર કર્યો..

‘શું ? આ પ્રશ્નનો હું કઈ રીતે જવાબ આપી શકું ? મારા ગમવા ન ગમવાનો સવાલ જ નથી મારા માતાપિતા જે છોકરાને પસંદ કરે ત્યાં મારા લગ્ન કરવાના છે’ હિના આક્રમક થઇ બોલી.

‘ના ના એવું નથી આજના જમાનમાં હવે છોકરીઓ પણ પોતાની પસંદ માં બાપને જણાવી દે છે ..’

‘ જી ના , મારા માતાપિતા જ્યાં કહે ત્યાં જ...’

‘ઈટ્સ ઓ.કે’  બંનેનો સંવાદ ચાલતો દરમ્યાન ઘર નજીક આવી ગયું. દેવાંગ સમજી ગયો છોકરી સીધી સાદી ગામડીયણ છે. માતા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે એવી નથી અને ભવિષ્યમાં સાસુ સસરાની સાથે પણ મેચ થાય તેવું લાગે છે.

‘બેટા.. કેવી લાગી માસ્તરની દીકરી..?’

 

(...ક્રમશઃ)

  

 

 

 

 

***

Rate & Review

Malti Patel

Malti Patel 5 months ago

sunil mehta

sunil mehta 5 months ago

jyoti

jyoti 5 months ago

Bhavesh Sindhav

Bhavesh Sindhav 6 months ago

Hetal

Hetal 6 months ago