Montu Ni Bittu Film review books and stories free download online pdf in Gujarati

મુવી રિવ્યુ – મોન્ટુ ની બિટ્ટુ

શરૂઆતમાં જ એક હકીકતનો સ્વીકાર કરું? આજકાલ ગુજરાતી ફિલ્મ જોવા જાઉં છું તો થોડી બીક લાગતી હોય છે કે ભગવાન જાણે આ ફિલ્મ વળી કેવી હશે? આ બીક પાછળનું કારણ એક જ છે કે લગભગ દસમાંથી નવ ગુજરાતી ફિલ્મોમાં કશું કહેવાય એવું નથી હોતું. પરંતુ છેલ્લી એક બે ગુજરાતી ફિલ્મોથી એવું લાગી રહ્યું છે કે ગુજરાતી ફિલ્મોએ પોતાનો સાચો રસ્તો પકડવાનું શરુ કરી દીધું છે.

મોન્ટુ ની બિટ્ટુ – કેપિટલ H સાથેની હોપફૂલ ગુજરાતી ફિલ્મ

કલાકારો: મૌલિક નાયક (મોન્ટુ), આરોહી (બિટ્ટુ), મેહુલ સોલંકી (અભિનવ), હેપ્પી ભાવસાર (મોહિની), પિંકી પરીખ (જમના માસી), કૌશાંબી ભટ્ટ (સૌભાગ્ય લક્ષ્મી), બંસી રાજપૂત (સમાયરા), કિરણ જોષી (દામજી ગોર) અને હેમાંગ શાહ (દડી)

કથા અને સંવાદ: રામ મોરી

નિર્દેશક: વિજયગીરી બાવા

રન ટાઈમ: ૧૩૩ મિનીટ્સ

કથાનક: મોન્ટુ અને બિટ્ટુ બંને અમદાવાદની એક પોળમાં પડોશીઓ છે અને બાળપણથી જ બંને એકબીજાના ખાસ મિત્રો છે. મોન્ટુને બિટ્ટુ ખૂબ ગમે છે, એટલેકે એની સાથે પ્રેમ કરીને જીવન વિતાવવા જેટલી ગમે છે, પરંતુ બિટ્ટુ માટે મોન્ટુ એ માત્ર મિત્ર જ છે. પોતાના પ્રેમની ગાઢ લાગણીને લીધે મોન્ટુ બિટ્ટુનો પડ્યો બોલ ઝીલે છે. બિટ્ટુ પણ પોતાના જીવનના મોટાભાગના કામ મોન્ટુ પાસે જ કરાવે છે જેમાં સવારની પહેલી ચા પણ સામેલ છે.

બિટ્ટુનું ઘર ચલાવવાની જવાબદારી બિટ્ટુ ઉપરાંત એના પિતા દામજી ગોરનું ગોરપદું બરોબર ન ચાલતા તેના માસી જમના માસીએ ઉપાડી લીધી છે, જ્યારે મોન્ટુને ઘેર માત્ર તેની એક સાવ પથારીવશ માતા જ છે. મોન્ટુ અને બિટ્ટુ વળી એક જ ઓફિસમાં સાથે જ કામ પણ કરે છે. અહીં તેમને અભિનવ મુન્શી નામના જાણીતા પેઈન્ટરના એબ્સર્ડ પેઇન્ટિંગના એક્ઝીબીશનમાં જવાનું આમંત્રણ મળે છે.

મોન્ટુ કે પછી બિટ્ટુ બંનેમાંથી કોઈને પણ આ એબ્સર્ડ પેઇન્ટિંગ કઈ બલાનું નામ છે એના વિષે કોઈ ખબર નથી. પરંતુ અહીં અભિનવ બિટ્ટુને તેની સાચી ઓળખ આપે છે અને બિટ્ટુ અભિનવના તત્કાળ પ્રેમમાં પડી જાય છે. મોન્ટુ નિરાશ તો થાય છે પરંતુ કોઇપણ રીતે પોતાની બિટ્ટુને સતત મદદ કરતા રહેવાનો મંત્ર એ અહીં પણ ભૂલતો નથી અને તે બિટ્ટુ અને અભિનવનો પ્રેમસંબંધ મજબૂત થાય એટલું જ નહીં પરંતુ તેમના લગ્ન પણ થાય એવી પૂરી વ્યવસ્થા કરી આપે છે.

રિવ્યુ

એકપક્ષીય પ્રેમનો વિષય આ લખનારનો સદાકાલીન ફેવરીટ વિષય રહ્યો છે અને મોન્ટુનો બિટ્ટુ તરફનો એકપક્ષીય પ્રેમ એ તેના આનંદને ખરેખર જીવી જાય છે. ફિલ્મની ટ્રીટમેન્ટ સતત હળવી રહી છે અને આથી તે બિલકુલ બોરિંગ નથી લાગતી. વળી, વાર્તા કહેવાની શૈલી એટલેકે વિજયગીરી બાવાની વાર્તા કહેવાની શૈલી એકદમ રસાળ છે એટલે ક્યાંય એવું નથી લાગતું કે આ સીન ન હોત તો ચાલત અથવાતો અમુક સીન ક્યારે પતે અને વાર્તા ક્યારે આગળ વધે એની રાહ દર્શકને જોવી પડતી નથી.

તેમ છતાં વાર્તામાં કેટલીક ખામીઓ છે. બિટ્ટુની માતા મોહિનીની માધુરી દીક્ષિત પ્રત્યેની ઘેલછા પાછળનું કારણ અને તેના અને દડી વચ્ચે શું સંબંધ છે તેનો ફોડ નથી પડ્યો. દામજી ગોર સતત કેમ મૂંગા રહે છે અને મોહિની જેવી મારફાડ તેમ છતાં ભોળી પત્ની એમની સાથે કેમ રહે છે એ સવાલનો પણ જવાબ નથી મળતો. એક બીજો પ્રશ્ન એ પણ થાય કે જ્યારે અભિનવ બિટ્ટુ કેવી છોકરી છે એ કહે છે ત્યારે તે બીજી જ સેકન્ડે એના પ્રેમમાં પડી જાય છે અને પ્રપોઝ પણ કરી દે છે આ જરાક ઉભડક લાગ્યું. બાકીની ફિલ્મ એકદમ ચકાચક!

નાના પરંતુ મહત્ત્વના રોલમાં પિંકી પરીખ કદાચ એમની ખરી ઉંમર કરતા મોટા એવા જમના માસીની ભૂમિકામાં ફીટ બેસી જાય છે. તો હેપ્પી ભાવસાર દ્વારા વારંવાર વ્યક્ત કરવામાં આવતી માધુરીની અદાઓ હાસ્ય અને હાસ્યાસ્પદ વચ્ચેનું બેલેન્સ જાળવે છે. કિરણ જોષી જે દૂરદર્શનના સમયથી અત્યંત જાણીતા અદાકાર છે તેઓ મૂંગા મૂંગા ઘણું કહી જાય છે. તો શુદ્ધ ગુજરાતી બોલતા કૌશાંબી ભટ્ટ મજા કરાવે છે.

જાણીતા ટીવી એન્કર બંસી રાજપૂત અહીં અભિનવના ઓરમાન અને યુવાન માતાના રોલમાં છે અને નોંધવું જોઈએ કે અદાકારીના (કદાચ) એમના પ્રથમ પ્રયાસમાં એક ઠરેલ સ્ત્રીનું પાત્ર ઉભારવામાં તેઓ સફળ થયા છે. પરંતુ સહુથી વધુ મજા કરાવે છે દડી અથવાતો હેમાંગ શાહ. ટિપિકલ અમદાવાદી લઢણમાં અને એકદમ બિન્ધાસ્ત સંવાદોથી હેમાંગ શાહ જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ત્યારે દર્શકોના ચહેરા પર સ્મિત આવી જાય છે.

હવે આવીએ ફિલ્મોના ત્રણ સહુથી મહત્ત્વના પાત્રો પર. મોન્ટુ બિટ્ટુ અને અભિનવ, આમાંથી તેમજ સમગ્ર ફિલ્મના તમામ અદાકારોમાં જો સહુથી નબળી કડી હોય તો તે છે અભિનવ બનતા મેહુલ સોલંકી. એમની અદાકારી ઠીકઠાક છે પરંતુ કદાચ નિર્દેશકે સહુથી મોટી ભૂલ એ કરી છે કે મેહુલભાઈને વધુ પડતા અંગ્રેજી સંવાદો અથવાતો શબ્દો બોલવા આપ્યા છે અને એમનું ઉચ્ચારણ તેમાં ઘણું ખરાબ છે અને ગુજરાતી શબ્દોના ઉચ્ચારમાં પણ મેહુલ સોલંકી શુદ્ધતા રાખી શક્યા નથી.

આરોહીની આમતો આ ચોથી ફિલ્મ છે, જો મારાથી ભૂલ ન થતી હોય તો. પરંતુ મેં તેની આ ત્રીજી ફિલ્મ જોઈ અને એવું સ્પષ્ટ દેખાય છે કે આરોહી ધીરેધીરે તેની અદાકારીમાં મેચ્યોર થઇ રહી છે. એવું નથી કે લવની ભવાઈમાં આરોહીની અદાકારીનું સ્તર નીચું હતું, ખૂબ સારું હતું પરંતુ એક અદાકાર જેમ ફિલ્મ પછી ફિલ્મ મેચ્યોર થતો જાય એવું આરોહી સાથે થયું છે અને મોન્ટુ ની બિટ્ટુમાં આરોહીએ અમદાવાદી ભાષામાં જ કહું તો રોલા પાડી દીધા છે. શું કોમેડી કે શું ભાવનાત્મક દ્રશ્યો આરોહીએ બિટ્ટુનો રોલ જીવી લીધો છે.

તો મૌલિક નાયક જેમણે લવની ભવાઈમાં જ ગુજરાતી દર્શકોના હ્રદયમાં પોતાની છાપ છોડી દીધી હતી એમણે અહીં મોન્ટુને બરોબરનો ઉપસાવ્યો છે. આરોહી અને હેમાંગ શાહ સાથે મૌલિક નાયકની કેમિસ્ટ્રી જબરદસ્ત બેસે છે અને આ ત્રણેય એકબીજા સાથે જ્યારે પણ સ્ક્રીન પર દેખા દે છે ત્યારે આખી ફિલ્મનું સ્તર જ ક્યાંક ઉપર જતું હોય એવું લાગે છે. મૌલિક નાયકની કોમિક સેન્સ તો જબરી છે જ પરંતુ ઈમોશન્સ પણ તેમણે આ ફિલ્મમાં ભરપૂર દેખાડ્યા છે, ખાસકરીને બિટ્ટુની શોધખોળ દરમ્યાન અને પછી તેમજ છેક છેલ્લા દ્રશ્યમાં જ્યારે તે બિટ્ટુને પોતાની માતા સાથે જુએ છે. વધુ નહીં કહું કારણકે રિવ્યુમાં સ્પોઈલર્સ કહેવા સારું નહીં બરોબરને?

મોન્ટુ ની બિટ્ટુમાં મોન્ટુ એક ડાયલોગ વારંવાર બોલે છે કે “હું હોપફૂલ છું અને મારી હોપમાં H કેપિટલ છે!” મોન્ટુ અને બિટ્ટુ અદભુત ફિલ્મ નથી પરંતુ આવનારી ગુજરાતી ફિલ્મોનું સ્તર સારું હશે અથવાતો બહેતર બનતું જશે એવી એક હોપ આ ફિલ્મ જગાડે છે અને એ હોપનો H પણ મસમોટો કેપિટલ છે, એ નક્કી છે.

૨૩ ઓગસ્ટ ૨૦૧૯, શુક્રવાર

અમદાવાદ