GEBI GIRNAR RAHASYAMAY STORY - 11 books and stories free download online pdf in Gujarati

ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૧)

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૧)

રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા.

લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ'
--------------------------------------------------------
મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ પ્રતિલિપિની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો..

મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

મિત્રો અગાઉના ભાગમાં તમે જોયું કે ગીરનારના આડા રસ્તે ચડીને અમે ખોવાઈ જઈએ છીએ તેમજ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ દરમિયાન દીપડીથી બચવા જતાં ભાગતી વખતે ભાવેશ અલગ પડી જાય છે અને તે અમને એક ભોંયરામાં બેભાન હાલતમાં મળી આવે છે....હવે આગળ...

ભાવેશને ભાનમાં લાવી અમે લોકો તે અહીં કેમ પહોંચી ગયો તેના વિચાર કરતાં હોય છે ત્યાં જ અચાનક બહારથી અમને એક અવાજ સંભળાયો. 'અલખ નિરંજન, જય ગીરનારી' ! એ અવાજ સાંભળીને અમે બધા તરત જ ત્યાંથી બહાર નિકળવા ભાગ્યા.

અમે ભાવેશને લઈને ભોંયરાના મુખ સુધી પહોંચ્યા જ્યાંથી અમે અંદર ઉતર્યા હતા. ભાવેશની સ્થિતિ હજુ સારી નહોતી. અમે જે રીતે કૂદીને અંદર ઉતર્યા હતા તે રીતે બહાર નિકળવું સરળ નહોતું. કારણકે ભોંયરાની દિવાલો માટીની હતી. જેવો પગ ભરાવીને ચડવા જઈએ તેવી જ માટી ભાંગીને પગ લપસતો હતો.

બહારથી જે અવાજ આવ્યો તે ઉપરથી અમને લાગ્યું કે કોઈ સાધુ મહારાજ હશે જો તેમનો ભેટો થઈ જાય તો અહીં જંગલમાંથી નિકળી શકાય.

અમે અંદરથી બૂમો પણ પાડી પરંતુ કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં. કદાચ તે જે કોઈ પણ હતું તે દૂર નિકળી ગયું હશે અને ભોંયરામાં અંદર હોવાને લીધે અમારો અવાજ બહાર જઈ શકતો નહીં હોય એવું અમે માની લીધું.

આખરે થાકી હારીને અમે ભોંયરામાંથી ટોર્ચનું અજવાળું કરીને એક લાકડાના ટુકડા જેવું શોધી લીધું અને એની મદદથી માટીની દિવાલમાં પગ રાખી શકાય એવા ખાડા કરવાનું શરુ કર્યું. કારણ કે ભોંયરામાંથી બીજી બાજુ નિકળી શકાય એવું હતું નહીં અને કદાચ બીજો રસ્તો હોય તો પણ એક તો ખૂબ જ અંધારું હતું અને બીજો જીવ - જંતુઓનો ખતરો હતો.

બધાએ વારાફરતી થોડી - થોડી મહેનત કરીને ઉપર ચડી શકાય તેવા ખાડા બનાવી લીધા. તે દરમિયાન ભાવેશ હવે થોડો ઘણો સ્વસ્થ થઈ ગયો હતો.

મનોજભાઈ પહેલાં ઉપર ચડી ગયા. તેમણે હાથથી ટેકો આપીને ભાવેશને ઉપર ખેંચવામાં મદદ કરી. એ પછી વારાફરતી અમે લોકો ઉપર આવી ગયા.

ઉપર પહોંચીને તાજી હવા મળી એટલે થોડો હાશકારો થયો. અંદર ભોંયરામાં હવાની અવર-જવર ઓછી થતી હોવાને લીધે ગૂંગળામણ થતી હતી. અમે ત્યાં બેસીને થોડીવાર આરામ કર્યો.

અત્યારે સૌથી મોટી ખુશીની વાત એ હતી કે ભાવેશ અમને મળી ગયો હતો. પહેલાં જે બધાનાં ચહેરા કરમાઈ ગયા હતા તે હવે ફરીથી આનંદમાં આવી ગયા હતા. પણ એક મોટી ચિંતાની બાબત એ પણ હતી કે અમારી કોઈની પણ બોટલમાં હવે પાણી નહોતું. પાણી વિના આખો રસ્તો પાર કરવો તેની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. બીજી વાત એ પણ હતી કે રસ્તો કેટલો છે અને કેવો છે તે વિશે કોઈને પણ ખ્યાલ નહોતો. આજુબાજુ બસ ઝાડી ઝાંખરા જ નજરે પડતાં હતાં.

અમે ઊભા થઈને ચાલવાની શરૂઆત કરી. ભાવેશની તબિયત પણ સારી જણાતી હતી. ચાલતાં - ચાલતાં ભાવેશે જે વાત કરી તે સાંભળીને અમે બધા તો અચંબામાં પડી ગયા.

ભાવેશે જણાવ્યું કે હું જ્યારે ભાગતો હતો ત્યારે આગળ જતાં મેં એ નાની છોકરીને જોઈ હતી જેણે આપણને દીપડી વિશેની માહિતી આપી હતી. એ જે તરફ જ જઈ રહી હતી તેની પાછળ જતી વખતે જ કદાચ હું તે ભોંયરામાં આવી ગયો હતો પરંતુ હું બેભાન કઈ રીતે થયો તેની મને કંઈ જ ખબર નથી. અને એક વાત મેં એ નોટીસ કરી હતી કે જેટલો હું દોડતો હતો એટલી જ એ મારાથી દૂર જતી હોય એવું લાગતું હતું.

અમે બધા વિચારમાં પડી ગયા કે આવું બને જ કઈ રીતે? એ છોકરીને અમે બધાએ પણ જોઈ હતી પણ એની સાથે કોઈ હતું નહીં. એ આ જંગલમાં એકલી કેમ હતી એ પણ એક રહસ્ય હતું. ભાવેશે જ્યારે તેને જોઈ હશે ત્યારે બીજા કોઈને કેમ ના દેખાઈ તે પણ નવાઈની વાત હતી.

અત્યારે ગીરનારની અંદર અમારી સાથે બની રહ્યું હતું તે બધું જ અશક્ય જેવું જ લાગતું હતું. અને આ બધું અમારી ભૂલના લીધે બની રહ્યું હતું. જો અમે અવળચંડાઈમાં આડા રસ્તે ઉપર ન આવ્યા હોત તો કદાચ આવું બન્યું જ ના હોત. પણ એ બધી વાતો નો હવે કોઈ અર્થ નહોતો.

ચાલતાં - ચાલતાં મારાં મનમાં એક વિચાર આવ્યો. મેં બધાને કહ્યું, " કદાચ જે છોકરીને આપણે અને પછી ભાવેશે જોઈ એ પેલા સાધુ મહારાજ તો નહીં હોય ને! કારણ કે અહીં આ જંગલમાં આપણી પહેલાં કોઈ આવ્યું હોય એવું લાગતું નથી અને દૂર દૂર સુધી કોઈનો વસવાટ પણ નથી તો કોઈ છોકરી અહીં સુધી કેમ આવી શકે? એ જે કોઈ પણ હોય કોઈ પરલૌકિક શક્તિ હોવી જોઈએ. કદાચ તે સાધુ મહારાજ તેનું રૂપ બદલીને આવતા હોય એવું પણ બને. કારણ કે જ્યારે આપણે ભોંયરામાં હતાં ત્યારે કદાચ એને ખબર જ હોવી જોઈએ અને આપણે બહાર નિકળ્યા ત્યારે એ ફરી અદ્રશ્ય થઈ ગયા."

મારી વાત સાંભળીને બધાને પણ એમ લાગ્યું કે કદાચ એમ જ બન્યું હોવું જોઈએ. પણ એ સાધુ મહારાજ અમારી સામે નથી આવતા કે આવવા માગતા નથી એ સમજાતું નહોતું.

સમય ક્યારેય કોઈની રાહ જોતો નથી એ વિધાન અનુસાર સૂર્ય નારાયણે હવે ધીમે - ધીમે પશ્ચિમની વાટ પકડી હતી અને અમારી ચિંતામાં વધારો થઈ રહ્યો હતો. જ્યાં સુધી જંગલ અને પર્વતીય વિસ્તારમાં હતા ત્યાં સુધી મોબાઈલમાં નેટવર્ક આવવાનું નહોતું.

રસ્તો પણ એવો હતો કે જાણે અમારે રસ્તો કરવો પડતો હતો. ઝાડી ઝાંખરાઓ હટાવીને આગળ વધવું પડતું હતું. તરસને લીધે હવે ચાલવાની શક્તિ ધીમે - ધીમે ઓછી પડતી જતી હતી. અમે પોઝિટિવ વાતો કરીને એકબીજાને હિંમત આપી રહ્યા હતા પરંતુ અંદરથી તો દરેક એકદમ નિરાશાઓથી ઘેરાઈ ગયા હતા બસ એ નિરાશા જણાઈ ના આવે એની નિરર્થક કોશિશ કરી રહ્યા હતા.

એટલામાં એક જગ્યાએ આશિષ થાકી હારીને બેસી જાય છે. એના ચહેરા ઉપરથી ખ્યાલ આવતો હતો કે તેને પાણી પીવું છે. મેં ફરીવાર મારી બોટલ ચેક કરી જોઈ કદાચ એ આશાએ કે થોડું પાણી હોય પરંતુ હાથ ભોંઠા પડીને પાછા ફર્યા.

આશિષ : "મારાથી હવે આગળ વધી શકાય તેમ નથી. તમે લોકો આગળ વધો. જો કદાચ ક્યાંકથી પાણી મળે તો મને આવીને લઈ જજો. બાકી હવે મારા પગમાં તાકાત બચી નથી."

રાહુલ : "તને એકલાને અહીં મૂકીને અમે કોઈ અાગળ નહીં જઈએ. તું હિંમત કરીને થોડીવાર ચાલ, કદાચ આગળ પાણી મળી આવે."

કલ્પેશ : "આટલી વારમાં હિંમત હારી જવાની ન હોય ભાઈ! 'હિંમતે મર્દા તો મદદે ખુદા!'. ચાલ હમણાં આપણે બહાર નીકળી જશુ. તને મૂકીને થોડું જવાય!"

આશિષ : "તમારી વાત સાચી છે પણ પાણી વિના આપણામાંથી કોઈ બહાર નીકળી નહીં શકે. હજુ રસ્તાનો કોઈ અંત દેખાતો નથી એટલે આવી ખોટી વાતો કરીને મને હિંમત આપવાની કોશિશ ના કરો."

" અરે ભાઈ! તું આટલો નિરાશાવાદી કેમ બની ગયો! તરસ તો બધાને લાગી છે પણ આમ કંઈ હિંમત હારીને બેસી જવાનું થોડું હોય!" મેં આશિષની પાસે જઈને કહ્યું.

" એય! બધા પેલી બાજુ જુઓ. પેલી છોકરી ત્યાં દૂર રહેલી ઝાડીઓની પાછળ દેખાય છે. જલ્દી જુઓ." મનોજભાઈ એ બધાને આંગળી ચીંધીને ધીમેથી કહ્યું.

અમે તરત જ ઊભા થઈને એ તરફ જોયું. સાચે જ ત્યાં દૂર ઝાડીઓ પાસે એ છોકરી હતી. આડી ઝાડીઓ હોવાને લીધે તે સ્પષ્ટ જોઈ શકાતી નહોતી.

અમે બધા ફટાફટ તૈયાર થઈ ગયા. આશિષ પણ એને જોઈને ઊભો થઈ ગયો. અમે એ દિશા તરફ ઝડપથી આગળ વધવા લાગ્યા. અમે નક્કી કર્યું કે એનો પીછો કરીને એ કઈ દિશામાં જાય છે તેની તપાસ કરવી.

અમે એ દિશામાં થોડેક આગળ ગયા ત્યાં જ એ ત્યાંથી દેખાતી બંધ થઈ ગઈ. એ જ્યાં હતી તે તરફ આગળ વધવાનું અમે ચાલુ રાખ્યું. અમે એ ઝાડીઓ સુધી પહોંચી ગયા. ત્યાં જઈને જોયું તો બધામાં હિંમત આવી ગઈ.

ઝાડીઓની બીજી તરફ એક નાનકડી કેડી હતી. જે આગળ તરફ જતી હતી. અમે ઝાડીઓ વટાવીને એ કેડી પર આવ્યા. અમે આજુબાજુ જોયું પરંતુ ત્યાં કોઈ નજરે ના ચડ્યું.

અમે બધાએ નક્કી કર્યું કે એ કેડી પર આગળ વધવું. અમે આજુબાજુ જોતા - જોતા આગળ વધવા લાગ્યા. આ જંગલની વચ્ચે કેડી કેમ છે એ જોઈને અમને બધાને નવાઈ લાગતી હતી. એ છોકરી પણ ક્યાંય દેખાતી નહોતી.

અમે થોડું ચાલ્યા હશે ત્યાં જ સામે એક ભેખડ જેવું દેખાયું. અમે એ ભેખડ પાસે પહોંચીને જોયું તો અમારી નવાઈનો પાર ન રહ્યો. અમે એકદમ આનંદમાં આવીને એકબીજાને ભેટી પડ્યા.

ભેખડની નીચે ઘણાં મોટા - મોટા પથ્થરો હતા. એ પથ્થરોની વચ્ચે એક મોટો પાણીનો ઘૂનો આવેલો હતો. એ એકદમ સ્વચ્છ પાણીથી ભરેલો હતો. પાણી એટલું સ્વચ્છ હતું કે તેની આરપારના પથ્થરો પણ દેખાઈ રહ્યા હતા.

આવા વિસ્તારમાં આ મોટો પાણીનો ઘૂનો કેમ આવેલો હશે એ પણ એક અચરજ પમાડે એવી વાત હતી. આ કોઈ ચમત્કારથી કમ ન હતું પરંતુ કદાચ ચોમાસામાં આ જગ્યાએ પાણી એકઠું થતું હશે અને એને લીધે આ ઘૂના જેવું બન્યું હોવું જોઈએ એવુ લાગતું હતું.

સૌપ્રથમ આશિષે નીચે ઉતરીને પાણી પીવાની તૈયારી કરી. મેં એને રોકીને કહ્યું કે, " આમ અજાણી જગ્યાએ પાણી પીવું એ ઠીક નથી. અહીં આજુબાજુ કોઈ પ્રાણીના પગલાં પણ નથી એનો મતલબ એવો છે કે આ એક અવાવરું જગ્યા છે."

આશિષ : "એ જે હોય તે પણ આપણી પાસે આ સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી. કદાચ એ છોકરી આ પાણી બતાવવા આવી હોય એમ પણ હોય."

આશિષે નીચે ઉતરીને ખોબે ખોબે પાણી પીવાની શરૂઆત કરી. એણે પાણીનો ઘૂંટડો ગળે ઉતારીને કહ્યું કે, "ભાઈઓ પાણી એટલું મીઠું છે કે જાણે નાળિયેરનું પાણી પીતા હોય એવું લાગે. ' મીનરલ વોટર 'નુ પણ કંઈ આવે નહીં એવું પાણી છે."

અમે નીચે ઉતરીને બધાએ ધરાઈને પાણી પીધું. હાથ અને મોઢા ધોતી વખતે ભાવેશે કહ્યું કે આપણે બધા ગરમીને લીધે થાકેલા છીએ તો ચાલો બધા નાહી નાખીએ.

ભાવેશનો વિચાર બધાને ગમી ગયો. અમારામાંથી મારા અને મનોજભાઈ સિવાય કોઈને તરતા આવડતું નહોતું. એટલે બધાએ ત્યાં બેસીને નહાવાનું નક્કી કર્યું. ઘૂના પાસે પથ્થરોમાં પાણી અફળાવાને લીધે મોટી બખોલો બની ગઈ હતી. જે એકદમ ડરામણી લાગતી હતી.

બધાએ કપડાં કાઢીને કાંઠે નાહવાની શરૂઆત કરી. ઘૂનો બહુ મોટો હતો અને ભેખડો પણ ઊંચી હોવાને લીધે કૂદકા મારવાની મજા આવશે એમ માની મેં અને મનોજભાઈએ ઉપરથી ઘૂનાની અંદર કૂદકા માર્યા. ગીરનારની પરિક્રમા દરમિયાન ખોડીયાર માતાજીના ધરામાં આવી રીતે અમે ખૂબ નહાયા હતા.

ઘૂનાની અંદર પડીને જોયું તો પાણી ખૂબ ઊંડું હતું. નીચે પગ પણ અડકતા નહોતા. ડૂબકી મારીને નીચે તળીયે પહોંચવાની કોશિશ કરી પરંતુ તળીયું માપી શકાયું નહીં. એ જોઈને વિચાર આવ્યો કે અજાણી જગ્યાએ આવા પાણીમાં જેને તરતા આવડતું ન હોય તેણે ક્યારેય પડવું ના જોઈએ.

"ભાઈ! આનું તળીયું તો ખૂબ જ ઊંડું છે. નીચે પગ પણ નથી પહોંચતા." મેં કાંઠે બેઠેલા બધાને કહ્યું.

અમે ઘણીવાર સુધી નહાયા. મનોજભાઈ બહાર નીકળી ગયા હતા. હું હજુ ઘૂનાની અંદર હતો. બધા પોતપોતાના કપડાં પહેરવાની તૈયારી કરી રહ્યા હતા. હું પણ બહાર નિકળવાની તૈયારીમાં જ હતો.

એટલામાં મનોજભાઈએ ઉપરથી જોરથી બૂમ પાડી. " 'જનાબ' તારી પાછળ મગર છે જલ્દી બહાર નીકળ." મનોજભાઈની સાથે બધા બૂમો પાડવા લાગ્યા.

અચાનક મગરની બૂમો સાંભળીને હું એકદમ ડરી ગયો. મેં પાછળ ફરીને જોયું તો એક નાનો મગર મારી તરફ આવી રહ્યો હતો. એ જોઈને જાણે મારી છાતીના પાટીયા બેસી ગયા....(વધુ આવતા અંકે)

ઘૂનામા મગર ક્યાંથી આવ્યો? હું મગરથી કેવી રીતે બચીશ? એ છોકરી કોણ હતી?? અમારી સાથે આગળ શું બનવાનું હતું તે જાણવા માટે વાંચતા રહો ગીરનારની અમારી રહસ્યમય યાત્રાના આવનારા અંકો. આવનારો દરેક અંક એક નવું રહસ્ય લઈને આવશે...

મિત્રો આપના પ્રતિભાવો મારા માટે બહુમૂલ્ય છે, સ્ટોરીને સારા રેટીંગ્સ આપીને વધુ સારૂ લખી શકું એ માટે પ્રોત્સાહિત કરશો એવી આશા રાખું છું. તમે અહીં મેસેજથી અથવા મારા વ્હોટસએપ નં 8980322353 પર પણ આપનો મત જણાવી શકો છો.