Dream Tunnel - 3 books and stories free download online pdf in Gujarati

ડ્રીમ ટનલ - ૩

લીલીએ સાઇકલને સીધી મેથ્યુના ઘર તરફ મારી મુકી. એણે મેથ્યુને સઘળી હકીકત જણાવી. મેથ્યુએ તાબડતોબ માઇકલ અંકલને બોલાવી લીધા અને પરિસ્થિતીથી વાકેફ કર્યાં. એ તો આખી વાત સાંભળી હેબતાઇ ગયાં. એ માની જ નહોતાં શકતાં કે લિયોનાં શરીરમાં કોઇ ઓર માણસ છે, પણ હવે એ સ્પષ્ટ હતું કે લિયોમાં ટોમની સંવેદનાઓ જાગી ગઇ હતી અને એ ઝડપથી એની લેબમાં પાછો ફરવા માટે બરફમાં આગળ વધી ગયો હતો. હવે બહુ વિચાર કરવાનો સમય ન હતો. તાત્કાલીક નિર્ણય લેવાનો હતો. લિયોને લેબ સુધી જતા અટકાવી વિશ્વની તબાહી રોકવાની હતી. મેથ્યુ અને માઇકલ અંકલ લિયોની પાછળ જવા તૈયાર થયાં. લીલી પણ સાથે જોડાવા જીદ પર આવી ગઇ. માઇકલ અંકલે પોલીસના દસ જવાનોને આ મિશન માટે તૈયાર કર્યાં. ત્રણેક કલાકમાં તમામ તૈયારીઓ પતાવી જરૂરી સાધન સરંજામ સાથે દસ જવાનો, માઇકલ અંકલ, મેથ્યુ અને લીલી એમ કૂલ ૧૩ જણ નીકળી પડ્યાં. મેથ્યુએ એણે પોતે બનાવેલાં કેટલાક ઇલેક્ટ્રોમેગ્નેટીક ગેજેટ્સ સાથે લીધાં હતાં. લીલી અને લિયોના ઘરે બે ઓફીસરોને મોકલી એમના માતા-પિતાને ચિંતા ન કરવા સમજાવી દેવામાં આવ્યું. લિયોએ મેથ્યુ સાથે વાત કરતી વખતે નકશામાં ટોમની લેબનું એક્ઝેટ લોકેશન પીન-પોઇન્ટ કરી બતાવ્યું હતું અને ચુંબકીય ક્ષેત્ર બતાવતું ડીવાઇસ પણ મેથ્યુ પાસે હતું એટલે લોકેશન શોધવું પડે એમ ન હતું.
૧૩ જણા બે દિવસના બર્ફીલા પ્રવાસ પછી લેબના દરવાજા સુધી પહોંચી ગયાં. મેથ્યુએ બરફની વચ્ચે છુપાયેલો લોખંડી દરવાજો શોધી કાઢ્યો. બધાએ ભેગાં થઇ એ દરવાજો ખોલવા પ્રયત્ન કરી જોયો પણ દરવાજો ખુલતો ન હતો. દસેક મિનિટ વીત્યાં પછી દરવાજો ઓટોમેટીક ખુલી ગયો. દરવાજો ખુલ્યો એટલે બધાં વારાફરથી પગથિયા ઉતરી અંદર ગયાં. બધાં નીચે ઉતર્યાં એટલે દરવાજો ઓટોમેટીક બંધ થઇ ગયો. બધાં પેલી ટનલ જેવી લોબીમાં થઇ મોટા હોલમાં પહોંચ્યાં. હોલની અંદરનો નજારો ભયાવહ હતો.
તુટેલી ફૂટેલી વસ્તુઓ, કાચની કરચો વગેરે બધું ચારેતરફ વેરવિખેર પડ્યું હતું. હોલની દિવાલો શોર્ટ શર્કિટના ધુમાડાથી અમુક જગ્યાએથી કાળી પડી ગઇ હતી. ત્યાંની હવામાં અજબ પ્રકારની વાસ પ્રસરેલી હતી. ખાસ્સે દૂર કોઇ લઘરવઘર ઉંચા માણસનો રસકસ કાઢી નાંખેલો ભાજીપાલા જેવો નગ્ન મૃતદેહ પડ્યો હતો. મેથ્યુ, લીલી અને માઇકલ અંકલ એકબીજાની સામે જોઇ રહ્યાં. તેઓ સમજી ગયાં કે આજ ડૉ.ટોમ લેવિન્સ્કી છે. પેલાં દસ જવાનો પોલીસની અદાથી આખા હોલનું ચેકીંગ કરવાં લાગ્યાં. એટલામાં તો સામેની દિવાલમાંથી દરવાજો ખુલ્યો અને એમાંથી વ્હીલચેર પર બેઠેલો એક માણસ બહાર આવ્યો. એ લિયો હતો.
“લિયો....... .....” લીલીએ જોરથી બુમ પાડી.
“ચુપ કર છોકરી.. હું કોઇ લિયો નથી. તારો લિયો તો ક્યારનોય મરી ગયો છે. આ તો માત્ર લિયોનું શરીર છે, જેમાં હું બીજાં સીત્તેર એંસી વર્ષ આરામથી રહી શકીશ.. આ તો વર્ષો આ વ્હીલચેરમાં બેઠા પછી એનાં પ્રત્યે લગાવ થઇ ગયો છે એટલે એમાં બેઠો છું બાકી મારે હવે કોઇ સહારાની જરૂર નથી. હવે તમારા ભગવાનના નવા ચહેરાને જોઇ લો કીડાઓ... હું છું ધ ગ્રેટ ટોમ લેવિન્સ્કી. તમારો ભગવાન.. હા..હા..હા..” લિયોની અંદર છુપાયેલા ટોમે અટ્ટહાસ્ય કરતાં કહ્યું. લિયોની આંખોનો કલર બદલાઇ ગયો હતો. એની આંખો લાલચોળ અને વિકરાળ લાગતી હતી. એનાં વાળ વેરવિખેર હતાં. અત્યંત ખુલ્લાં પડતાં હોવા છતાં લિયોએ ટોમના કપડાં પહેર્યાં હતાં. એનાં ચહેરા પર સહેજ કાળાશ આવી ગઇ હતી તથા ટોમની માફક જ એની ડોક જરાક જમણી તરફ નમેલી હતી. લીલી લિયોની આ હાલત જોઇ શકી નહી અને રડી પડી.
“હું ઇચ્છતો હતો કે તમે લોકો મારી લેબમાં ન આવો. પણ હવે આવી જ ગયાં છો તો વેલકમ. હવે રોઝનબર્ગની તબાહીનો નજારો તમને નજરોનજર બતાવું.” આટલું બોલતાં લિયોએ વ્હીલચેરનું એક બટન દબાવ્યું અને સામેની આખેઆખી દિવાલ LED સ્ક્રીનમાં પરિવર્તિત થઇ ગઇ. એમાં રોઝનબર્ગમાં ઠેર ઠેર લગાવેલાં CCTV કેમેરા વડે રેકર્ડ થઇ રહેલાં લાઇવ દૃશ્યો દેખાતાં હતાં.
લિયોએ એની વ્હીલચેર પરના ટચ પેડ પર કંઇક કમાન્ડ આપ્યો અને લેબમાંથી એક ધ્રુજારી પસાર થઇ ગઇ. જાણે અહીંથી ભુકંપનો ઉદભવ થયો હોય એમ.. બધાં હલબલી ગયાં. તરત જ એક મોટો વિસ્ફોટ સંભળાયો. રોઝનબર્ગમાં ૬.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. પાંચ મિનિટ પહેલાં સુધી જે રોઝનબર્ગમાં બધું શાંતિથી ચાલી રહ્યું હતું ત્યાં અચાનક જ આવેલાં ભુકંપથી અફરાતફરી મચી ગઇ. CCTV માં પોતાના પ્રાણપ્રિય શહેરનો આવો ભયાનક નજારો જોઇ મેથ્યુ, માઇકલ અંકલ અને લીલી સહિત તમામ ડરી ગયાં. ભુકંપથી કેટલાંક જૂના ઘર પડી ગયાં. રોડ-રસ્તાઓ પર ઘણીબધી જગ્યાએ મોટી તિરાડો પડી ગઇ. રોઝનબર્ગમાં લોકોની દોડધામ લાઇવ દેખાઇ રહી હતી. માઇકલ અંકલ અને પેલા દસ પોલીસ જવાનો ગુસ્સે ભરાયા. માઇકલ અંકલે કંઇક ઇશારો કર્યો. પેલા જવાનો એમનાં ઇશારાની જ રાહ જોઇ રહ્યાં હતાં. પાંચ જવાનો બેકઅપ આપવા ઉભાં રહ્યાં અને બાકીના પાંચ જવાનો એકબીજાથી સાવ અલગ અલગ દિશામાંથી લિયો ઉપર તુટી પડ્યાં. એ લોકો જબરજસ્ત ગુસ્સામાં લાગતાં હતાં. પોતાની તરફ ચોતરફથી હુમલો થતો જોઇ લિયોએ ગુસ્સામાં એની વ્હીલચેર પરના ચાર-પાંચ બટન એકસાથે દબાવ્યાં. તરતજ સામેની દિવાલમાંથી આઠ-દસ નોઝલ વીજઝડપે બહાર આવ્યાં અને એમાંથી ઘાતક લેસર બીમ દરેક જવાનોની મૂવમેન્ટ ડીટેક્ટ કરીને એમનાં પર ફરી વળ્યું. જોતજોતામાં હોલમાં ઠેરઠેર લોહીના ખાબોચિયાં ભરાઇ ગયાં. એ ઘાતક લેસર બીમે દરેક જવાનના શરીરને બિલકુલ મધ્યમાં કમરના ભાગેથી બે ભાગમાં કાપી નાંખ્યું હતું. માઇકલ અંકલ અને બાકીના પાંચ જવાનો પોતાના સાથીઓની આ હાલત જોઇ શકે એમ ન હતાં. માઇકલ અંકલે તરત જ ફાયરિંગનો હુકમ આપ્યો. લિયો પર ફાયરિંગનો હુકમ સાંભળી લીલી ગભરાઇ ગઇ. લીલીની બુમાબુમને અવગણીને જવાનોએ તરત જ બંદુક લોડ કરી લિયો ઉપર ગોળીઓ છોડી. પણ આ શું? ગોળીઓ લિયોની નજીક પહોંચીને હવામાં જ અટકી ગઇ. લિયો જોરજોરથી હસવા લાગ્યો. વ્હીલચેર પરનું એક બટન દબાવતાવેંત એ ગોળીઓ જ્યાં હવામાં અટકી ગઇ હતી ત્યાં જ નીચે પડી ગઇ.
“મારી લેબમાં આવીને ચુંબકીય ક્ષેત્ર પર મારો કેટલો કંટ્રોલ છે એની કસોટી કરો છો? તો જોઇ લો મૂર્ખ કીડાઓ...” અટ્ટહાસ્ય કરતાં લિયો બોલ્યો.
માઇકલ કાકા અને બાકીના પાંચ જવાનો વધુ ગુસ્સે ભરાયા. હવે લિયો પર ગોળીઓ વરસાવવાનો કોઇ અર્થ ન હતો. માઇકલ કાકાએ ઝડપથી એમને કંઇક સમજાવ્યું. એક જવાન બેક અપ માટે ઉભો રહે જ્યારે બાકીના ચાર પૈકીના બે જવાનો ડાબી બાજુની દિવાલો અને બે જવાનો જમણી બાજુની દિવાલોને સમાંતર ઝડપથી દોડીને લિયોની વ્હીલચેરની પાછળ, છેક પાછળની બાજુ જતાં રહીને પાછળથી એટેક કરે એવો માઇકલ અંકલનો પ્લાન હતો. લેસર નોઝલના હલનચલનની ઝડપને માત આપે એટલી ઝડપે જવાનો બંને બાજુની દિવાલને સમાંતરે દોડવા લાગ્યાં. એમની યોજના સમજી ગયેલો લિયો જરાક ખંધુ હસ્યો. એણે ટચ પેડ પરનું એક બટન દબાવ્યું અને આંખના પલકારામાં ડાબી અને જમણી બંને દિવાલોમાંથી હમીંગબર્ડની જેમ ઉડતાં બે-બે નાનકડાં રોબોટ્સ નીકળ્યાં. એ પણ મોશન ડીટેક્ટર સેન્સરથી લેસ હતાં. એ પેલા જવાનો પર તુટી પડ્યાં. જેવાં એ જવાનોને સ્પર્શ્યાં કે તરતજ એમની નીચેથી નાનકડું ધારદાર ચક્ર બહાર નીકળ્યું અને જવાનોના ગળા પર ફરી વળ્યું. જોતજોતામાં તો એમનાં માથા ધડથી અલગ થઇ ગયાં. લીલી તો આ નજારો જોઇ જ ન શકી. એને ચક્કર આવવાં લાગ્યાં અને તરત જ ઉલટી થઇ ગઇ. એવું લાગતું હતું કે એ હમણા બેભાન થઇ ઢળી પડશે. પોતાના જવાનોની હાલત જોઇ માઇકલ અંકલ ઘુંટણીયે પડી ગયાં અને રડવા લાગ્યાં. મેથ્યુ પણ ડરી ગયો હતો પણ બીજાં કરતાં એ જરા સ્વસ્થ હતો. એ એના કાંડા પર રહેલ સ્માર્ટ વોચના ટચ પેડ પર કોઇને દેખાય નહીં એમ કંઇક કરી રહ્યો હોય એવું લાગતું હતું.
“જુઓ, મારા પગ તળે કચડાયેલાં ગટરનાં કીડાઓ, જુઓ. હું તમારી કેવી હાલત કરી રહ્યો છું. હું જ તમારો ભગવાન છું એ સત્ય હવે તો સ્વીકારી લો મુર્ખ પ્રાણીઓ.. અને ના સ્વીકારવું હોય તો આ જુઓ... તમારા રોઝનબર્ગની હાલત હું કેવી કરૂં છું.” આટલું બોલતાં તો લિયોએ એની વ્હીલચેરના ટચ પેડ પર કંઇક કમાન્ડ આપ્યો. ઘુંટણીયે પડેલા માઇકલ અંકલ, અર્ધબેભાન જેવી બની ગયેલી લીલી, મેથ્યુ અને બાકી બચેલ એક જવાને LED સ્ક્રીન પર નજરો ફેરવી. ભુકંપથી લોકો ઘરની બહાર આવી ગયાં હતાં. બધાના મનમાં ડરનો માહોલ હતાં. ચારે તરફના રસ્તાઓ માણસોથી ઉભરાતાં હતાં. એટલામાં પેલા કમાન્ડની અસરથી ચુંબકીય ફેરફારો થવા લાગ્યાં. રોઝનબર્ગના વાતાવરણમાં પરિવર્તન આવવાં લાગ્યું. બરફનું તોફાન આવી રહ્યું હોય એમ વાતાવરણ અંધારવા લાગ્યું હતું. વાદળો ઝડપથી છવાવા લાગ્યાં. આછા વાદળો હોવા છતાં વાદળો અને જમીન વચ્ચે મોટું ઇલેક્ટ્રીક ડીસ્ચાર્જ થવાં લાગ્યું. ઇલેક્ટ્રીક ડીસ્ચાર્જથી ઘટ્ટ વાદળો વગર ઠેર ઠેર લો વોલ્ટેજની વીજળી પડવા લાગી. તડતડાટી બોલાવતી અત્યંત પાતળી ધારની વીજળી ઠેરઠેર થવા લાગી. ઘરની બહાર લોકોનાં ટોળેટોળા ઉભાં હતાં એમાંથી ઘણાં લોકો વીજળીની ઝપટે ચડવા લાગ્યાં. વીજળીના શૉકથી ઝપટે ચડેલા લોકોનું તત્કાલ મૃત્યુ થઇ જતું હતું. આ નજારો જોઇ લોકોમાં હાહાકાર મચી ગયો. રોઝનબર્ગમાં મોતનું તાંડવ ખેલાઇ રહ્યું હતું.
“આજે કશું બાકી બચશે નહીં. આખું રોઝનબર્ગ તબાહ થઇ જશે. આખા વિશ્વમાં મારી ધાક બેસી જશે. વિશ્વ મારા પગ તળે કચડાયેલાં કીડા જેવું બની જશે. બધાં મારા ગુલામ અને હું બધાનો ભગવાન.. હું અનંત જીવન જીવી શકીશ. એક શરીરની આવરદા પુરી થશે એટલે બીજું શરીર અને બીજા શરીરની આવરદા પુરી થશે એટલે ત્રીજું શરીર એમ હું અનંત સમય સુધી સામ્રાજ્ય ભોગવીશ અને આખા બ્રહ્માંડનો સ્વામી બની જઇશ. દુનિયાનું કોઇ તત્વ કે કોઇ પરિબળ એવું નથી જે મારી આવરદા પુરી થયાં પહેલાં મને આ શરીરમાંથી બહાર કાઢી શકે... હા..હા..હા..” લિયોએ અટ્ટહાસ્ય કરતાં કહ્યું.
“માઇકલ અંકલ, મેં આ લેબની જટીલ સિસ્ટમના કેટલાંક કોડ હેક કર્યાં છે. હું બે-પાંચ મિનિટ માટે કોઇપણ ઇલેક્ટ્રોમેગ્નેટીક ડીવાઇસને કંટ્રોલ કરી શકીશ. જલદીથી એટેક કરો... જલદી...” લિયો ઉર્ફે ટોમનું અટ્ટહાસ્ય પુરૂં થાય એ પહેલાં મેથ્યુએ જોરથી બુમ પાડી. એણે એનાં એક ઇ-ગેજેટના ટચ પેડ પર કંઇક કમાન્ડ ઓલરેડી આપી દીધો હતો.
માઇકલ અંકલ, બાકી વધેલો એક જવાન અને મેથ્યુ ત્રણેય લિયો ઉપર તુટી પડ્યાં. લિયોએ રઘવાટમાં ઘણાબધાં બટન દબાવ્યાં અને દિવાલોમાંથી હમીંગબર્ડ જેવાં ઉડતાં રોબોટ્સ પણ નીકળ્યાં પણ મેથ્યુના હેકીંગે એટલા ભાગનાં ચુંબકીય ક્ષેત્રને હંગામી ધોરણે ડીસ્ટર્બ કર્યું હતું એટલે એ રોબોટ્સ માણસોની ગતિ સેન્સ કરી શક્યાં નહીં. બે રોબોટ અંદર અંદર ભટકાઇ ગયાં જ્યારે એક રોબોટ દિવાલ પર ભટકાઇને તુટી ગયો. મેઇન પાવર સપ્લાય સાથે જોડાયેલાં લેસર નોઝલ પણ ટેમ્પરરી સુરસુરીયા બની ગયાં હતાં. આ સમયમાં માઇકલ અંકલ, એક જવાન અને મેથ્યુ ત્રણેય લિયોની જોડે પહોંચી ગયાં. માઇકલ અંકલે લિયોની વ્હીલચેર પર પગ મુકીને, એમનામાં હતી એટલી તાકાત લગાવીને એનાં મોં પર જબરજસ્ત મુક્કો માર્યો. મુક્કો એટલો જોરદાર હતો કે લિયોનો ગાલ ઉપરના ભાગેથી ચિરાઇ ગયો અને એમાંથી લોહી વહેવા લાગ્યું. મુક્કાના બળથી લિયો વ્હીલચેરમાંથી નીચે પડી ગયો. જેવો લિયો નીચે પડ્યો કે તરત જ મેથ્યુએ એને દબોચી લીધો. મેથ્યુ અને માઇકલ અંકલે લિયો પર જબરજસ્ત ભીંસ જમાવી હતી. પેલા જવાને લિયોને નાક પર જોરથી મુક્કો માર્યો. લિયોના નાકમાંથી પણ લોહી વહેવા લાગ્યું. એણે ઘાયલ અવસ્થામાં પણ ભેદી સ્માઇલ આપ્યું અને એના હાથમાં પહેરેલી વીંટી પર રહેલ નંગ જેવી સ્વીચ દબાવી. તરત જ વીટીંમાંથી ઘાતક લેસર નીકળવા લાગ્યું. આ લેસર લેબના પાવર સપ્લાય સાથે જોડાયેલું ન હતું. કોઇ ચુંબકીય ડીવાઇસ સાથે પણ એ જોડાયેલું ન હતું. એ પોતે સ્વતંત્ર રીતે જ કામ કરતું હતું જેને લિયોએ બેક અપ તરીકે પહેરી રાખ્યું હતું. બીજો મુક્કો મારવા આગળ વધી રહેલાં જવાન સામે એણે પેલી વીંટી ધરી કે તરત જ પેલાનું શરીર વચ્ચેથી ઉભું બે ભાગમાં કપાઇ ગયું. દૂર ઉભેલી લીલીના મોઢામાંથી ચીસ નીકળી ગઇ. વીંટીવાળો હાથ છુટો થતાં લિયોએ એ હાથ ડાબી બાજુ ફેરવ્યો. માઇકલ અંકલ જરાક સાબદા બની ગયાં હતાં એટલે લિયોને છોડીને લેસરનું નિશાન ચુકવવા એમણે ઉંચો કુદકો લગાવ્યો. પણ લિયોની આંગળીઓની મુવમેન્ટને એ ભેદી ન શક્યાં અને ઘાતક લેસરની ઝપટે એમનાં બંને પગ આવી ગયાં. તાત્કાલીક કમરથી નીચે સાથળના ભાગેથી એમનાં બંને પગ કપાઇ ગયાં. એ થોડે દૂર પડ્યાં. ગંભીર ઇજાથી એમનું ભાન જતું રહ્યું. લિયોના જમણા હાથને હજી મેથ્યુએ પકડી રાખ્યો હતો. લિયોએ મેથ્યુ તરફ વીંટી તો કરી પણ લેસર બંધ કરી દીધું. મેથ્યુને એણે ઘાતક લેસરથી ચીરી નાંખ્યો નહીં. લિયોએ વીંટીની જગ્યાએ એની સ્માર્ટવોચમાં એક બટન દબાવ્યું અને એમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટીક પલ્સ જેવું કંઇક સિગ્નલ નીકળ્યું. આ પલ્સ પણ લિયોનાં બેક અપ પ્લાનનો એક ભાગ હતો. એ પલ્સનું બળ એટલું જબરજસ્ત હતું કે મેથ્યુ સહેજ ઉડીને દૂર ફેંકાઇ ગયો. બાજુની દિવાલને જોરથી અથડાવાથી એ પણ બેભાન થઇ ગયો. લિયો ઉર્ફે ટોમના મોઢાં પર આશ્ચર્યનાં જોરદાર ભાવ દેખાતાં હતાં. શા માટે એણે મેથ્યુને લેસર વડે ચીરી નાંખ્યો નહીં એ વાત એને મૂંઝવણમાં મુકી રહી હતી. લીલી પણ ફાટી આંખે આખો નજારો જોઇ રહી. શા માટે એક ક્રુર અને નફ્ફટ માણસના મનમાં અચાનક દયાનું ઝરણું ફૂટી રહ્યું હતું એ લીલીને સમજાયું નહીં. લિયો પણ પોતાની જ હરકતને આશ્ચર્યચકિત થઇને જોઇ રહ્યો હતો.
લીલી તો આ બધી ઘટનાઓથી એટલી હતપ્રભ થઇ ગઇ હતી કે એનું મગજ અને શરીર બંને કામ કરી રહ્યાં ન હતાં. એ તો પથ્થરની જેમ પોતાની જગ્યા પર જડાઇ ગઇ હતી. પણ મેથ્યુને નુકસાન ન પહોંચાડવાવાળી ઘટનાથી લીલીનું મગજ પાછું જાગ્યું.
“લિયો મેથ્યુને મારી ન શક્યો અને હું પોતે પણ હજી જીવતી છું. એનો મતલબ એ થયો કે લિયો મરી નથી ગયો. એ હજી જીવે છે. ભલે ટોમ એનાં અસ્તિત્વ પર હાવી થઇ ગયો છે. ભલે આખું શરીર અત્યારે ટોમે પોતાના હસ્તક કરી લીધું છે પણ લિયોના સંવેદનોએ હજી સુધી પોતાના મૂળિયાં જાળવી રાખ્યાં છે. અને જો એવું હશે તો એ મને કોઇ નુકસાન નહીં પહોંચાડે.” લીલીએ મનમાં વિચાર્યું.
દરમિયાનમાં પોતાના હાથ સામે ઘૂર્યાં બાદ લિયો આશ્ચર્યના આઘાતમાંથી બહાર આવ્યો. પાછો એનો ઘમંડ એના વ્યક્તિત્વ પર હાવી થયો.
“હા..હા..હા.. હું તમારો ભગવાન છું. જુઓ, મુર્ખ જંતુઓ.. જુઓ..” બંને હાથ ઉંચા કરી શરીર સહેજ પાછળની તરફ નમાવી લિયોએ જોરથી અટ્ટહાસ્ય કરતાં કહ્યું.
લીલી દૂર ઉભી ઉભી કંઇક વિચારી રહી હતી. કંઇક વિચારીને એણે મન મક્કમ કર્યું. એની આંખોમાં ડર તો હતો પણ ડરની સાથોસાથ એક અજબ આત્મવિશ્વાસ દેખાઇ રહ્યો હતો. ધીમા છતાં મક્કમ પગલે એ લિયો તરફ આગળ વધી રહી હતી. લિયો એને પોતાના તરફ આવતાં જોઇ રહ્યો. ખબર નહીં કેમ પણ લીલીને નુકસાન પહોંચાડવાનો એનો જીવ નહોતો ચાલી રહ્યો. લીલી છેક નજીક આવી ગઇ.
“છોકરી, તેં આ બધાના હાલ હવાલ જોયાં ને! ચાલ, હવે જતી રહે અહીંથી. મારે તને મારવી નથી.” લિયોએ અત્યંત નજીક ઉભેલી લીલી સામે તુચ્છકારથી જોઇને કહ્યું.
“બસ, આજ શબ્દો એકવાર મારી આંખોમાં જોઇને બોલ..” લીલીએ આંખોમાં અજબ ચમક સાથે કહ્યું.
“ઓ મુર્ખ છોકરી.. તને.. ત....ત... ડ..ડર..ડર.. .. ..” લિયોએ જેવું લીલીની આંખોમાં જોયું કે એની જીભ થોથવાવા લાગી.
“હા લિયો, જો. ધ્યાનથી જો. આ એજ વાદળી આંખો છે જેનાં પ્રેમમાં તું છે. મારી આંખોમાં જો આપણા બંનેના નિર્મળ પ્રેમને. ટોમ ક્યારેય પ્રેમની તાકાતને સમજી નહીં શકે. પણ તું સમજી શકીશ લિયો. બસ, આ એક જ પરિબળ છે જે ટોમને હરાવી શકે એમ છે. લિયો મારી આંખોમાં જો. આઇ લવ યુ લિયો..” લીલી લિયોની છેક નજીક પહોંચી એની આંખોમાં રીતસરની આંખો નાંખી જોરથી બોલી.
“ઓ..ય... છોકરી......... ઓહ... લીલી... લી... ઓ મુર્ખ છોકરી.... ” લિયો હલબલવા લાગ્યો. એની જીભ થોથવાવા લાગી. એનું આખું શરીર ખેંચાઇ રહ્યું હતું કારણ કે હવે એક જ મ્યાનમાં રહેલી બે તલવારો લડી રહી હતી. લીલીએ લિયોને પોતાના બાહુપાશમાં સમાવવા પ્રયત્ન કર્યો પણ લિયોની ધ્રુજારી એટલી બધી વધી ગઇ કે એને કાબુ કરવો મુશ્કેલ હતો. લિયોને હવે હદ બહારની ખેંચ આવી રહી હતી.
“ટોમ.. તેં જ પુછ્યું હતું ને કે કોનો આત્મવિશ્વાસ વધારે છે! જો.. સૌથી વધુ આત્મવિશ્વાસ ન તો તારો છે ન તો મારો. સૌથી વધુ આત્મવિશ્વાસ પ્રેમનો છે. જો.. મારી લીલીની આંખમાં ... .. આ... આહ... મુર્ખ છોકરા... હું તને નહીં જીતવા દઉં.... આહ..” લિયો અને ટોમ વચ્ચે એક જ શરીરમાં ગજગ્રાહ ચાલી રહ્યો હતો.
“નહીં. પ્રેમ સૌથી મોટી કમજોરી છે. પ્રેમ ક્યારેય જીતી શકે નહીં...” ટોમનું વ્યક્તિત્વ હવે મરણચીસ નાંખી રહ્યું હતું.
“પ્રેમમાં જીતવાનું નથી હોતું ટોમ.. પ્રેમમાં તો હારવાનું જ હોય છે. અને તને હારવાની જ તો આદત નથી..” લીલી બોલી.. એની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. અશ્રુથી ધોવાઇને ચોખ્ખી થયેલી બ્લુ આંખો લિયોને વધુ ને વધુ ભડકાવી રહી હતી.
“નહીં.....” ટોમનું વ્યક્તિત્વ બરાડી ઉઠ્યું.
“લિયો, યાદ છે.. તે મને કહ્યું હતું કે હું જીવનનાં કોઇપણ ઉંડાણમાં ખોવાઇ જાઉં તો મને દિલથી બોલાવજે.. હું ગમે તેવા ઉંડાણોમાંથી બહાર આવી જઇશ. હવે સમય આવી ગયો છે તારૂં વચન પાળવાનો! લિયો, હું તને દિલથી બોલાવી રહી છું. પાછો આવી જા લિયો. મને હવે કોઇ ચિંતા નથી કારણ કે મને ખબર છે કે મારો લિયો જરૂરથી પાછો આવશે.” હતું એટલું જોર લગાવીને લીલીએ લિયોના કાનમાં આ શબ્દો કહ્યાં અને પછી હળવેકથી લિયોનાં અધરોને ચુમી લીધાં.
લિયોને જાણે કે હાર્ટ એટેક આવી ગયો હોય એમ જોરથી બુમ પાડી. એણે લીલીનાં ચહેરાને જોરથી પકડ્યો. એનાં હાથમાં રહેલી ધારદાર વીંટીઓ તથા સ્માર્ટ વોચ જેવાં ગેજેટ્સ લીલીનાં ચહેરા પર ઘણી જગ્યાએ પેસી જાય એટલું જોરથી એણે લીલીના ચહેરાને દબાવ્યો. લિયોનાં નખ પણ લીલીનાં ચહેરામાં ઘણી જગ્યાએ ઘુસવા લાગ્યાં. ટોમ, હતું એટલું જોર લગાવી રહ્યો હતો. લીલીનાં ચહેરા પરનાં જખમોમાંથી લોહી વહી રહ્યું હતું. ભયાનક ચીસાચીસ અને બુમબરાડા વચ્ચે પણ લીલી સતત લિયોની આંખોમાં જોઇ રહી હતી. ટોમનું વ્યક્તિત્વ નજરો મિલાવી શકતું ન હતું. આખી લેબ લિયોની બુમોથી ગુંજી ઉઠી. લિયોનાં ચહેરાનું તાપમાન એકદમ વધી ગયું હતું. એ તાપમાનથી જ ચહેરા પર કેટલીક જગ્યાએ દાઝ્યાના નિશાન ઉપસી આવ્યાં. લીલીનો ચહેરો પણ ઘા અને લોહીથી ખરડાયેલો હતો છતાં હિંમત રાખીને એ ઉભી હતી.
એટલામાં લિયોનું ગળું ફાટી જાય એવી મરણચીસ એણે નાંખી. એક જોરદાર આંચકી આવી અને પછી એની ધ્રુજારી ઢીલી પડવા લાગી. એનાં શરીરનું તાપમાન ઝડપથી ઘટવાં લાગ્યું. થોડીવારમાં તો લિયોનું શરીર સાવ ઠંડુ પડી ગયું. લિયો લીલીની બાહોમાં જ ઢળી પડ્યો.
“લિયો......” લીલીએ જોરથી બુમ પાડી લિયોને પકડ્યો.. હળવેકથી એને નીચે સુવડાવ્યો. એનો ચહેરો પોતાના ખોળામાં રાખી લીલી એનાં કપાળ પર હાથ ફેરવવા લાગી. એકાદ બે વાર એનાં શ્વાસ ધીમા પડતાં જણાતાં લીલીએ એને માઉથ ટુ માઉથ ઓક્સીજન આપ્યો.
લગભગ અડધો કલાક આ રીતે પસાર થઇ ગયો. લિયોના ધબકારા ધીમે ધીમે ચાલુ હતાં. આખો રૂમ અસ્તવ્યસ્ત પડ્યો હતો. બધી વસ્તુઓ ચારેબાજુ વિખેરાયેલી પડી હતી. પાછળની દિવાલમાં કેટલીક ઇલેક્ટ્રીક વસ્તુઓમાં શોર્ટસર્કીટ થવાથી તડતડાટીનો અવાજ આવી રહ્યો હતો. એકબાજુ ખૂણામાં મેથ્યુ બેભાનાવસ્થામાં પડ્યો હતો. બીજી બાજુ માઇકલ અંકલનાં બંને પગ કપાઇ ગયાં હતાં એ પણ મૃત્યુના મુખ પાસે પડ્યાં હતાં. લીલીએ એમના પગ પર બે મોટા કપડાં બાંધી દીધાં જેથી વધુ રક્તસ્ત્રાવ થતો અટકે. દસ જવાનો શહીદ થયાં હતાં.
અડધો કલાક પસાર થયાં પછી લિયોએ ધીમે ધીમે આંખો ખોલી. આંખો ખુલતાં વહેંત લીલીનો ચહેરો એને દેખાયો. એનું માથું લીલીના ખોળામાં હતું અને લીલી એનાં કપાળ પર હાથ ફેરવી રહી હતી.
“જોયું લીલી! તેં દિલથી બોલાવ્યો એટલે હું પાછો આવી ગયો ને!!” લિયોએ અત્યંત થાકેલાં ધીમા અવાજથી કહ્યું. જવાબમાં કંઇપણ બોલ્યાં વગર લીલીએ ભીની આંખે લિયોને છાતીસરસો ચાંપી દીધો.
લિયોની સુચના મુજબ લેબના એક ખાસ કમ્યુનિકેશન ફોન દ્વારા લીલીએ રોઝનબર્ગના ઇમરજન્સી નંબર પર ફોન કરીને આ લોકેશન પર મદદ મોકલવા જણાવ્યું.
**********
બરાબર એક મહિના પછી નોર્વેની રાજધાની ઓસ્લો ખાતે રાષ્ટ્રીય કક્ષાના સન્માન સમારોહમાં રોઝનબર્ગનાં આ ઝાંબાઝ લોકોનું સન્માન કરવામાં આવ્યું. શહીદ જવાનોને મરણોપરાંત સર્વોચ્ચ પોલીસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. માઇકલ અંકલને પણ સર્વોચ્ચ પોલીસ અધિકારીનો પુરસ્કાર એનાયત થયો. એમણે એમના બંને પગ ગુમાવ્યાં હતાં. તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોઇ સમારોહમાં હાજર રહી શકે એમ ન હતાં. પણ એમનું ફેમીલી હાજર હતું. લીલી અને મેથ્યુને વીરતા પુરસ્કાર એનાયત થયો જ્યારે લિયોને નોર્વેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત થયો. આખો દેશ આ નજારો અનેકવિધ માધ્યમ દ્વારા જોઇ રહ્યું હતું. પુરસ્કાર સ્વીકારી લિયો સ્ટેજ પરથી નીચે આવ્યો. લિયોના માતા અને લીલી સાથે સાથે બેઠા હતાં. લિયો એમની પાસે જઇને બેઠો.
“લિયો. હવે તો તું નોર્વેનો સર્વોચ્ચ નાગરિક બની ગયો. હવે તારે ચુંબકીય ક્ષેત્ર પર રિસર્ચ માટે કોઇ અન્ડરગ્રાઉન્ડ લેબ બનાવવાનો ઇરાદો તો નથી ને!” લીલીએ મજાકમાં કહ્યું.
લિયોએ લીલીની સામે જોયું. લીલીનાં કોમળ ચહેરા પર એક મહિના પહેલાંના ઘા ના નિશાન સ્પષ્ટ દેખાતાં હતાં એનાં પર લિયોએ હળવેકથી હાથ ફેરવ્યો અને પછી કહ્યું,
“ના લીલી. મારે એવી કોઇ મહાકાય લેબ નથી જોઇતી. હા, વિજ્ઞાનનું સંશોધન હું આજીવન ચાલુ રાખીશ, કદાચ ચુંબકીય ક્ષેત્ર પરનું સંશોધન પણ! પણ મારે એનાં જોરે ઈશ્વર નથી બનવું. હું વિજ્ઞાનની મદદથી રોઝનબર્ગનાં તથા દેશનાં લોકોની સેવા કરવાં માંગુ છું તથા કુદરતનાં અકળ રહસ્યોને જાણવા માંગુ છું. જનસેવા એજ વિજ્ઞાનનો શ્રેષ્ઠતમ ઉપયોગ છે.”
(પૂર્ણ)