Bandhan ek khamoshinu books and stories free download online pdf in Gujarati

બંધન એક ખામોશીનું

ઓગસ્ટ વાર્તા

રાત્રીના ત્રણ અને ફોનની ઘંટડીનો રણકાર શ્રધ્ધાને ધ્રૂજાવી ગયો. દબાતે પગલે ઊભી થઈ.લાઈટના અજવાળે ધ્રૂજતાં હાથે ફોનનું રિસીવર પકડ્યું.માંડ માંડ અવાજ નીકળ્યો, “ કો..ણ.”

“ માસી, મારા પપ્પા મિતેશને યાદ કરે છે.એવું મને લાગે છે.તેમની વિહવળ આંખો મને કરગરી રહી છે. કદાચ ..”

“ ઠીક છે.”

“ અત્યારે જ મોકલજો..મોડું ન થઇ જાય.જેમ એ તમારો દીકરો છે એવી જ રીતે એમનો પણ દીકરો છે.”

“ યાદ આપવાની જરૂર નથી.ચીબાવલી ન બન..” કહી શ્રધ્ધા ફોન મૂકી લથડતા પગલે મિતેશના રૂમનાં દરવાજા તરફ ગઈ.ધ્રૂજતા હાથે દરવાજો ખટખટાવ્યો. માંડ માંડ અવાજ નીકળ્યો, “ મિતેશ.. મિતેશ...”

લાઈટના અજવાળે દરવાજો ખોલતાં મિતેશ પૂછયું, “ મમ્મી.. તારી તબિયત તો”

“ હું ઠીક છું. કાજલનો ફોન હતો તેનાં પપ્પા તને ...”

“ ઓહ! મારા પપ્પા..”

મિતેશ ઝડપથી કપડાં બદલવા બાથરૂમમાં ગયો.શ્રધ્ધા દિવાનખાનામાં આરામ ખુરશી પર બેઠી. છત પર ગોળ ગોળ ફરતાં પંખાને જોઈ રહી.મિતેશ ઝડપથી તૈયાર થઈ આવું છું કહીને ઘરની બહાર નીકળી ગયો. શ્રધ્ધા તેને જોતી રહી ગઈ .કદાચ મિતેશ જતાં જતાં કશું ક બોલશે. પણ તે તો તેની સામે નજર નાખ્યાં વગર ચાલ્યો ગયો. તે ઊભી થઈ ગઈ.દરવાજો લોક કરી તેનાં શયન રૂમમાં ગઈ. લાઈટની સ્વીચ ઑફ કરી બેડ પર આડી પડી.આંખો મીંચી.પણ કાજલનાં ફોને શ્રધ્ધાની નીંદરને વેરણછેરણ કરી નાખી હતી...

વર્ષો પહેલાં તેને આવું જ થયું હતું.તેની મમ્મી પપ્પા તેને પરાણે લગ્નની વાડીમાં લઈ ગયાં હતાં.સજીકરીને વાડીમાં ગઈ હતી. વાડીનો શૃંગાર જોતાં જ તે આભી બની ગઈ હતી. લગ્ન સમાજના શેઠીયાનાં છોકરાનાં થઈ રહ્યાં હતાં. ઓપન ગ્રાઉન્ડ, લાઇટોનોરંગબેરંગી નઝારો, ઉડતાં રંગીન પાણીના ફુવારાઓનાં નયનરમ્ય ડાન્સ આ બધું પહેલીવાર જોતાં તેને એમ લાગ્યું કે તે પરી લોકમાં આવી ગઈ છે અને અધૂરામાં પૂરું એક છોકરાએ તેની નજીક આવી કહ્યું, “ હાય બ્યુટીફૂલ લેડી, તું પરી જેવી લાગે છે.”

“ ખરેખર! હું..”

“ હા, તું પરી જેવી લાગે છે.” કહી તે યુવક આંખ મીંચકારી ચાલ્યો ગયો. અને શ્રધ્ધા ખોવાઈ ગઈ પોતાના રૂપમાં.તેને હવે રસ રહ્યો ન હતો જમણવારમાં.સતત એની નજર પેલાં યુવકને શોધતી હતી.સગાસંબંધીઓ પણ શ્રધ્ધાને જોઈને કોમ્પલીમેંટ આપી એનાં પપ્પામમ્મીને હસતાં હસતાં કહેતાં કે તેમની દીકરી તો મોટી થઈ ગઈ છે.તૈયારી કરવી પડશે. આવી હસીમજાક ભરી વાતો થી શ્રધ્ધાનાં પગકમ્મર ડોલી ઊઠતાં અને વાડીમાંથી ઘરે પાછા ફરતી વખતે વારંવાર એનાં મમ્મીપપ્પાને પૂછતી કે તે મોટી થઈ છે? અને વાતને વારતા તેઓ સમજાવીને કહેતાં કે સૌ મોટા તો થવાનાં ને બેટા! પણ શ્રધ્ધા આખી રાત જાગતી પડી રહી પરી હું, મૈં પરી હું નાં ખ્વાબોમાં. હવે તો સતત આયના સામે ઊભા ઊભા પોતાને નીરખવું, હોઠો પર હોય ગીત ગૂંજન અને અંગેઅંગમાંથી છલકાતું હોય યૌવનનું નજરાણું . ખરેખર દીકરી મોટી થઈ છે તેનો અહેસાસ શ્રધ્ધાની મમ્મીને થવા લાગ્યો. દીકરીને પરણાવવાની હોંશ ,શમણાં જોવા લાગી.ફૂલની પાંખડી જેવી ખુશીઓનો ભાર ઝીલવો અધરો હોય છે તે આજે સમજાયું.પોતાના મનની વાત જ્યારે પોતાના મનની વાત શ્રધ્ધાની મમ્મીએ પોતાના પતિને કરી કે છોકરી પરણવાને લાયક થઈ છે ત્યારે એનાં પતિને સમજાયું કે દીકરીઓ મોટી થઈ રહી છે અને ખાધેપીધે સુખી એવા ઘરને શોધવાની તૈયારીઓ કરવી પડશે.અને પત્નીની ચિંતા હળવી કરતાં કહ્યું કે દીકરીઓ પોતપોતાના નશીબ લઈને આવે છે.

ખરેખર શ્રધ્ધાનાં પિતા એ રીતે સાચા ઠર્યાં. સમાજમાં આર્થિક રીતે સુખી એવા મનસુખલાલનાં ઘરેથી શ્રધ્ધા માટે સામેથી માંગું આવ્યું .શ્રધ્ધાની મમ્મી માટે તો આ શમણું હતું. સમય જોઈ શ્રધ્ધાને કહ્યું કે તારાં લગ્નનું માંગું આવ્યું છે.છોકરો જોવા જવાનું છે.શ્રધ્ધાએ ના પાડી.એની આંખોમાં તો વાડીમાં જોયેલો રાજકુમાર જેવો લાગતો યુવક વસી ગયો હતો.તેની મમ્મીએ સમજણ પાડતાં કહ્યું કે તારે છોકરો જોવાનો છે.પસંદ પડે તો હા પાડવાની છે.કોઈ બળજબરી નથી. શ્રધ્ધાને મમ્મીની વાત પસંદ પડી અને છોકરાને જોતાં જ તેને હોશકોશ ઊડી ગયાં.છોકરો હતો જે તેને વાડીમાં જોયો હતો.સખી સમી એની બહેન અલ્પાને કાનમાં ધીરેથી કહ્યું આ આ છોકરો તેને વાડીમાં મળ્યો હતો .નામ હતું આકાશ. પરી જેવી ઉપમા આપી શ્રધ્ધાની મીઠી મધુર નીંદર જેને વેરણછેરણ કરી હતી. વાજતેગાજતે સગાઈ થઈ, અને લગ્નનાં સાતફેરા ફરાયા ને શ્રધ્ધા આર્શીવાદો લઈ આકાશનાંઘરની ગૃહલક્ષ્મી બની પરીની જેમ રાત હોય કે દિવસ,ચાંદ હોય કે સૂરજ, અમાસ હોય કે ચાંદની ખુશીઓનાં સાગરમાં ઝૂલવા લાગી. લગ્ન પછી સાસરીયામાં સાસુ સસરાને દાદાદાદી બનવાનાં કોડ જાગે છે.આ ઈંતેજાર પણ આકાશનાં માબાપને લાંબો કરવો ન પડ્યો. અસ્સલ આકાશ જેવો દીકરો શ્રધ્ધાને અવતર્યો. ઈશ્વર ખુશી આપે ત્યારે ખોબો ભરી ભરીને આપી દે છે.પ્રેગ્નન્સી દરમ્યાન શ્રધ્ધા સમાજનાં રીતરિવાજો મુજબ પોતાના પિયરે આવી. પરિણામે આકાશની પોતાના સાસરિયે આવનજાવન વધી પડી. આ દરમ્યાન આકાશ અને અલ્પા લોહચુંબકની જેમ એકબીજા પ્રત્યે ખેંચાવા લાગ્યાં.અલ્પા નું ઘરે આવવાનું અનિયમિત થવા લાગ્યું. વધુ પૂછપરછ થાય તો કોલેજ કે ટ્યુશનનું બહાનું બતાવી દેતી. છોકરાનાં જન્મ પછી શ્રધ્ધાનો ધણોખરો સમય છોકરા પાછળ પસાર થવા લાગ્યો.આકાશ પણ શ્રધ્ધાનાં ઘરે અનિયમિત આવવા લાગ્યો. શ્રધ્ધા કાંઈ પૂછે તો ઓફિસ અને કામની જવાબદારીનું બહાનું બતાવી દેતો. શ્રધ્ધા મનોમન સમસમી ઊઠતી. પણ લાચાર હતી. ઘરમાં અશાંતિનો વંટોળ ફુંકાવા માંગતી ન હતી.

આકાશે પોતાના સંતાનનું નામ મિતેશ રાખ્યું હતું.આજે એક વર્ષ પુરું થયું હતું.જન્મદિવસ ઉજવવાનો હતો.સવારથી શ્રધ્ધા અને આકાશ કામકાજ,તથા સાંજે ઘરે જન્મદિવસ ઉજવવાના આયોજનમાં વ્યસ્ત હતાં. અચાનક ટેલિફોનની રિંગ રણકી. હા, ના, જેવા ટુંકાક્ષરી જવાબમાં આકાશ વાતો કરતો હતો. શ્રધ્ધા જોઈ રહી હતી. આકાશનાં ચહેરાં પર ચિંતાનાં બુંદ બાઝી ગયાં હતાં. “ શ્રધ્ધા હમણાં આવું છું.જરૂરી કામ પતાવી આવું છું.”શ્રધ્ધા કશું બોલી નહીં.જતાં આકાશને કહ્યું, “ આજે મિતેશનો જન્મદિવસ છે એ ભૂલતો નહીં.”

“ અરે આ ગયો અને આયો.” કહી શ્રધ્ધાનાં ગાલે ટપલી મારી નીકળી ગયો . જ્યારે તે ઘરે પાછો ફર્યો ત્યારે થાકી ગયેલો લાગતો હતો.બર્થ ડેની બાકી રહેલી તૈયારી કરવાને બદલે શ્રધ્ધાને સોરી કહીને સૂઈ ગયો.

સમય થતાં આમંત્રિત મહેમાનો આવવા લાગ્યા.શ્રધ્ધા અને આકાશ સૌનું સ્વાગત કરી રહ્યાં હતાં.પણ અલ્પાનો પતો ન હતો. ઉત્સાહથી જન્મદિવસની ખુશાલીની કેક કાપી અને મિતેશનો જન્મ દિવસ ઉજવાઈ ગયો. સૌ મહેમાનો એક પછી એક ઘરે જવા લાગ્યાં અલ્પા ને આવતી જોઈ.તે સાવ નંખાઈ ગયેલી હતી.શ્રધ્ધાએ અલ્પાનો ચહેરો વાંચી એટલું સમજી ગઈ કે તે પરાણે આવી છે. પાર્ટીની મજા બગડી ન જાય તે માટે ધીમેથી પૂછ્યું કે તે મોડી કેમ પડી.તે કશું બોલી નહીં.આકાશને જોતાં જ તેને વળગી પડતી અલ્પાએ આકાશને નજર અંદાજ કર્યા . આકાશે પણ ખાસ ઉમળકો ન બતાવ્યો. તબિયત સારી નથી કહી તે મિતેશને બર્થ ડે ગીફ્ટ આપી તેનાં મમ્મીપપ્પા સાથે ચાલી ગઈ.આકાશને આ વિશે કહ્યું.આકાશે કોઈ પ્રતિભાવ ન આપ્યો અને માત્ર એટલું જ કહ્યું, “ કદાચ થાકી ગઈ હશે.”

“ અને તું પણ બહારથી આવ્યો ત્યારે મૂડલેશ હતો.મારાં કામમાં મદદ કરવાને બદલે સૂઈ ગયો.કેમ ? અની પ્રથમ વર્ષગાંઠ હતી અને તારા ચહેરા પર ઉત્સાહનો અભાવ! કેમ તને આ છોકરો ગમતો નથી? બાપ છે કે?”

“ શ્રધ્ધા, બોલવામાં ભાન રાખ.” અને શ્રધ્ધા વિચાર લાગી કે અલ્પા આકાશ વચ્ચે જરૂર કશું ક બન્યું છે.”

બીજા દિવસે તે અલ્પા ઘરેથી બહાર નીકળી જાય તે પહેલાં જ એનાં પિયરે ગઈ.શ્રધ્ધાને જોતાં જ એનાં માબાપ આશ્ચર્ય પામ્યાં. અલ્પા હજી પથારીમાં પડી હતી. અલ્પાને જાતનાં સવાલો કર્યા.અલ્પા દરેક સવાલોનાં ઉડાઉ જવાબ આપતી. અલ્પા ઊભી થઈ ને દોડી મોં પર હાથ દબાવતાં બાથરૂમ તરફ. અલ્પાનાં ઓશિકા નીચે ફાઈલ હતી. તે કાઢી ને વાંચી અને તેની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ! અલ્પા પ્રેગ્નન્ટ હતી. અલ્પા બાથરૂમ માંથી પાછી ફરી ત્યારે જોયું કે શ્રદ્ધા ફાઈલ વાંચી રહી હતી. અલ્પાને જોતાં જ અલ્પાની ફાઈલ અલ્પાને આપી અને કહ્યું હું જાઉં છું.

શ્રધ્ધા ઘરે પહોંચી.આકાશ ટેલિફોન પર ઊંચા અવાજે બોલી રહ્યો હતો.શ્રધ્ધાને જોતાં ફોન કટ કરી ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો.

સાંજે આકાશ ઘરે આવ્યો ત્યારે આકાશનાં સાસુસસરા તથા આકાશનાં માબાપ ગૂફતેગુ કરી રહ્યાં હતાં.આકાશનાં પપ્પાએ આકાશને તેની બાજુમાં બેસવાનું કહ્યું. આકાશની મમ્મીએ બૂમ પાડી શ્રધ્ધાને બોલાવી.અલ્પા સાથે શ્રધ્ધા આવીને સોફા પર બેસી. થોડીવાર સુધી ખામોશી પથરાઈ ગઈ.આકાશનાં પપ્પાએ અલ્પાની ફાઈલ આકાશને આપી પૂછ્યું , “ આકાશ, આ બધું શું છે?” એક સન્નાટો છવાઈ ગયો.

“ આકાશ, તને પૂછ્યું છે. કાંઈ ક તો બોલ?”

“ આ ફાઈલ માં તમે જે વાંચ્યું છે તે બરાબર છે. અલ્પા પ્રેગ્નન્ટ છે. અને”

“ અને તારો કોઈ એમાં હાથ નથી?”

“ ના પપ્પા. અમારા બંનેનો હાથ છે .અમે એકબીજાને ચાહીએ છીએ.”

સૌ એકબીજાનાં ચહેરા જોતાં રહ્યાં. શ્રધ્ધાએ ઊભાં થતાં કહ્યું, “ આકાશ, સત્ય તે સ્વીકાર કર્યું છે.તે માટે ધન્યવાદ.હવે મારો નિર્ણય સૌ સાંભળી લો.અત્યારથી હું આકાશ સાથેના સંબંધો ફોક કરું છું.અત્યારે હું મિતેશ સાથે ઘરની બહાર નીકળી જાઉં છું.આપણા સૌની હજી ફજેતી ન થાય તે માટે કોર્ટકચેરીથી હું દૂર રહેવા માંગું છું.” કહી ઘરની બહાર નીકળી ગઈ.

જરૂરી બંદોબસ્ત કરી તે શિક્ષિકાની નોકરી કરી સ્વમાનભેર રહેવા લાગી. આ બાજુ આકાશ અલ્પાનું જીવન ક્ષણભંગુ નિવડ્યું.આકાશ અલ્પાનું સંતાન એટલે કાજળ. અલ્પાનાં મૃત્યુ બાદ આકાશ શ્રધ્ધાને મળી ગઈ ગુજરી ભૂલી નવું જીવન સાથે વિતાવી જીવન જીવી જવાની વિનંતી કરવા ગયો ત્યારે શ્રધ્ધાએ આકાશને હળવેથી કહ્યું, “ ફરીવાર મને મળવાની ભૂલ ના કરતો.એટલું જ નહીં આપણામાંથી જે કોઈ મૃત્યુ પામે તો સમાચાર પણ ના મોકલવા.આપણા વચ્ચેનો સંબંધ તો તારા ઘરમાંથી બહાર નીકળી તે દિ થી બળીને ભસ્મ થઈ ગયો છે.”

“ હું જાણું છું કે અલ્પાને કારણે તે આ ત્યાગ કર્યો છે.”

“ પ્લીઝ, દરવાજો ખૂલ્લો છે તું જઈ શકે છે.તારા પુત્ર પરનો અધિકાર હું છીનવતી નથી એનો અર્થ મારી મજબૂરી ના ગણજે.” કહી શ્રધ્ધાએ પોતાનું મોઢું ફેરવી લીધું.

મિતેશની રાહ જોતી જોતી તેની આંખો મીંચાઈ ગઈ ત્યારે સવારના છ થયા હતાં.

આ બાજુ કાજળને ફોન કરી વિગતો જાણી મિતેશ હોસ્પીટલમાં પહોંચી ગયો.આકાશ છેલ્લાં શ્વાસ લઈ રહ્યો હતો.આકાશના કપાળે હાથ મૂક્યો.કપાળ પર પોતાનો હાથ ફેરવવા લાગ્યો.આકાશ એકીટશે મિતેશને જોઈ રહ્યો હતો.કશુંક પૂછી રહ્યા છે એવું આકાશને લાગ્યું.

આકાશનાં કાન પાસે મોં લઈ મિતેશે કહ્યું, “ પપ્પા, કાજળની ચિંતા ન કરતાં.હું ધ્યાન રાખીશ.”

પણ આકાશ હજુ કશું ક જાણવા માંગે છે એવો અહેસાસ મિતેશને થયો.કાજળે મિતેશને કહ્યું કે પપ્પા માસી વિશે કશું પૂછવા માંગે છે.પણ મિતેશ નિરુત્તર રહ્યો. કાજળે મિતેશને સમજાવતાં કહ્યું કે ઘડીઓ ગણાઈ રહી છે.જીદ ન કર. “ પપ્પા,મારી મમ્મી એની દુનિયામાં જીવે છે.મમ્મીની ચિંતા ન કરશો. હું ધ્યાન રાખીશ.” આ દરમ્યાન આકાશે મિતેશની હથેળી સતત પકડી રાખી હતી.કાજળે એનાં પિતાનાં માથા પર હાથ ફેરવી રહી હતી અને આકાશે માથું જમણી તરફ ઢાળી દીધું.

મિતેશ ઘરે આવ્યો.દરવાજો ખૂલ્લો હતો.બાથરૂમમાંથી બહાર નીકળી કહ્યું, મને છૂટક પડ્યું છે.” કહી ટેબલ પર બેઠો.શ્રધ્ધાએ ટીપોય પર ચાય પાણી મૂક્યાં.અચાનક મિતેશની નજર શ્રધ્ધા પર પડી.શ્રધ્ધાનાં ગળામાં ન તો મંગલ સૂત્ર હતું ન તો માથામાં સિંદૂર.

સમાપ્ત