bhare vajan ghatadvana halva nuskha - 3 books and stories free download online pdf in Gujarati

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૩

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા

ભાગ-૩

- મીતલ ઠક્કર

વજન ઘટાડવાની ઈચ્છા રાખતાં લોકોએ ઘણી બધી નાની બાબતોનું પણ ધ્યાન રાખવું પડે છે. ઘણા લોકો વજન ઓછું કરવા માટે દરેક પ્રયત્ન કરવા તૈયાર થઈ જાય છે. છતાં વજન ઘટતું નથી. અને વધતું વજન તેની સાથે ઘણી બીમારીઓ લઈને આવે છે. હેલ્ધી ડાયટ, કસરત, યોગ વગેરેથી વજન કાબૂમાં કરી શકાય છે અને રોગોથી પણ બચી શકાય છે. ક્યારેક સમયના અભાવને કારણે, ક્યારેક આળસમાં તો ક્યારેક કામના અતિભારને કારણે વજન ઘટાડવા માટે કોઈ વિશેષ ઉપાયો કરવાનો સમય મળતો નથી. ત્યારે આ સાથે આપેલા નાના નાના નુસ્ખા ઉપયોગી બનશે.

* લીંબુપાણીનું સેવન આરોગ્ય માટે ઘણી બધી રીતે જરૂરી છે. તેમાં વજન ઓછું કરવાનો ગુણ છે. ઘણી વાર તરસને ભૂખ માની લેવાની ભૂલ થાય છે. તો જો તમને વજન ઓછું કરવાની સલાહ આપવામાં આવી હોય તો પહેલાં એક ગ્લાસ લીંબુપાણીનું સેવન કરો અને જુઓ કે તમને ખરેખર તરસ લાગી છે કે ભૂખ, જો તમને સામાન્ય રીતે છમકારાવાળા કે ખાંડવાળા પીણાં પસંદ હોય તો તેના વિકલ્પ તરીકે લીંબુપાણી તમારી કેલેરી અને સાકરનું પ્રમાણ વધારે ઓછું કરશે.

* જે વ્યક્તિનું વજન વધુ ઝડપથી વધતું હોય તેણે કેળા, ચીકુ અને કેરી ખાવાનું પ્રમાણ ઓછું કરવું જોઇએ. કેમકે તેમાં કેલરી વધારે હોય છે.

* આપણે ત્યાં ભાત વિશે માન્યતા જોવા મળે છે તેનાથી વિરુધ્ધ વૈજ્ઞાનિકો અને ડાયટિશિયન્સ ભાતને સ્વાસ્થ્યપ્રદ ખોરાક માને છે અને તે વજન વધારતો નથી. જો ભાતને મર્યાદિત પ્રમાણમાં ખાવામાં આવે તો તે વજન જાળવવામાં ઉપયોગી છે. તેમાં મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટસ હોય છે. ૧૦૦ ગ્રામ ભાતમાં ફક્ત ૦.૪ ગ્રામ ચરબી હોય છે. આટલી માત્રામાં આશરે ૧૦૦ કેલરી હોય છે. એક જાણીતા પાકશાસ્ત્રી પણ કહે છે કે ચોખામાં આશરે ઘઉં જેટલી જ કેલરી હોય છે. તેથી તે ચરબી વધારે છે તે વાત ખોટી છે.

* જો તમારું વજન વધુ હોય તો ડાયેટિશ્યનનો સંપર્ક કરીને તમારા આહારમાં ફેરફાર કરો. સાથે સાથે નિયમિત રીતે કસરત કરો અથવા સવાર-સાંજ અડધો- પોણો કલાક ચાલવાનું રાખો. આમ કરવાથી તમારું વજન ઘટશે.

* વજન ઓછું કરવા કાર્ડિયો વસ્ક્યુલર એક્સરસાઇઝ, જેમ કે ચાલવું, જોગિંગ, સાઇલિંગ, તેમજ સ્વિમિંગ વગેરેમાંથી કોઇ પણ અઠવાડિયામાં ત્રણ દિવસ ૪૫ મિનિટ કરવી. તેમજ બાકીના દિવસો માટે વેટ ટ્રેનિંગ પ્લાનને અનુસરવું. એનાથી વજન જલદી ઘટશે. સ્નાયને લગતી કસરતોથી કેલરી વધુ બળે છે તેથી બ્રિસ્ક વોક કરવું. ડાયેટ પર વધુ ધ્યાન આપવું. દિવસમાં પાંચ-છ વાર થોડી-થોડી માત્રામાં ખાવું. મીઠાઇ તથા તળેલા ખાધપદાર્થોનું પ્રમાણ નહીંવત કરવું.

* સફરજન જેવા ફળો વધુ લેવાથી વજન પણ નથી વધતું અને શરીર પણ સ્વસ્થ રહે છે. યુનિવર્સિટી ઓફ લોવાના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સફરજનમાં રહેલા યુરોસેલિક એસિડના કારણે શરીરમાં મેટાબોલિઝમનું પ્રમાણ વધે છે, જે શરીરમાં રહેલ ચરબીના થરને બાળવામાં મદદરૂપ થાય છે. સફરજન ખાવાથી ભૂખ અને વજન નિયંત્રિત રહે છે.

* ઉગાડેલા ચણાના સેવનથી વજન ઘટે છે.

* નિયમિત કોળાનું સેવન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે. તે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે.

* મરી પાઉડરનો આહારમાં ઉપયોગ કરવાથી વજન ઘટાડવામાં ફાયદો થાય છે. મરીના બહારના પડમાં ફાટોન્યુટ્રિઅન્સ જોવા મળે છે, જે ચરબીના કોષોને ઘટાડવામાં મદદ કરે છે. વળી પાચનક્રિયાને સુધારે છે. જો મરીનો તાજો ભૂકો ખોરાકમાં ભેળવો અને પરસેવો થવા લાગે તો સમજવું કે તમારા શરીરમાંથી વધુ પડતું પાણી તથા ટોક્સિન બહાર નીકળી રહ્યાં છે.

* ૧૦૦ ગ્રામ ચોળીમાં ૪૭ ગ્રામ કેલરી સમાયેલી છે. ચરબીનું પ્રમાણ ઘણું ઓછું હોવાને કારણે વજન ઓછું કરવાની ઈચ્છા હોય તેમણે આહારમાં ચોળીનો ઉપયોગ નિયમિત કરવો.

* તાજાં શાકભાજીમાં ભીંડા કેલરીમાં ઓછા છે. ૧૦૦ ગ્રામ ભીંડામાં ૩૦ કેલરી આવેલી છે. તે ફાઇબર્સથી ભરપૂર છે. માટે જ કોલેસ્ટરોલના પ્રોબ્લેમ હોય તેવા લોકોને તેમજ હૃદયના રોગોમાં ફાયદો કરે છે. તે વજન ઉતારવામાં પણ મદદરૂપ થાય છે.

* સ્ટ્રોબેરીમાં સોડિયમ અને સુગર ન હોવાથી લૉ ફેટ કેલરી ફ્રૂટ ગણાય છે. બાળકોને એક કપ સ્ટ્રોબેરી ખવડાવવાથી અન્ય કોઈ નાસ્તા આપવાની જરૂર રહેતી નથી અને વજન પણ નિયંત્રણમાં રહે છે.

* કોબીજ વજન ઘટાડવામાં ખૂબ લાભકારી છે. આ માટે કોબીજને ઉકાળો અને સૂપ બનાવીને પી લો. તેને રોજ દહીં અને અન્ય શાકભાજીની સાથે સલાડ બનાવીને ખાવ. તેનાથી ખૂબ ફાયદો મળશે.

* શરીરની આંતરિક શુદ્ધિની પ્રક્રિયામાં વપરાતાં બધાં ખાદ્યોમાં બ્રોકોલી રાજા છે. લીલા રંગનું આ શાક હાનિકારક ઈસ્ટ્રોજનને ઉપયોગી ઈસ્ટ્રોજનમાં ફેરવીને વજન વધવાની તેમજ પ્રિ-મેન્સ્ટ્રુઅલ તકલીફોને ઘટાડે છે. તમે તેને તમારા સલાડમાં ઉમેરી શકો છો. તેની સાઈડ-ડિશ બનાવી શકો છો, ભાતમાં ઉમેરી તેનો સ્વાસ્થ્યપ્રદ પ્રભાવ બનાવી શકો છો.

* જેનું વજન વધારે હોય તેણે ખજૂરનું સેવન વધારે ન કરવું જોઇએ, કારણ કે વધારે ખજૂર ખાવાથી ભૂખ ઉઘડે છે અને તેના કારણે વજન વધવાની સમસ્યા ઉદ્ભવે છે. તેથી વધારે વજન ધરાવતી વ્યકિતએ ખજૂરથી દૂર રહેવું.

* તમારા ભોજન ઉપરાંતના સમયે કંઈક ખાવાની ઇચ્છા થયા કરે તો એવી વસ્તુ ખાઓ જેનાથી તમારું વજન ન વધે, પણ તમને કંઈક ખાધાનો સંતોષ થાય. એ રીતે સ્માર્ટ ઈટર બનો અને ભોજન સિવાયના સમયે મમરા, પૉપકૉર્ન જેવી આઇટમો ખાવાનો આગ્રહ રાખો.

* વજન ઉતારવા માગતા લોકોએ અલગ સમયે જ સલાડ ખાવા જોઇએ. તેનાથી ભૂખ પર અંકુશ રહે છે. સલાડથી પેટ ભરાઈ ગયાનો સંકેત મળતા આપોઆપ ભોજનની વાનગીઓ ઓછી ખવાય છે અને ભાવતી ડિશો પણ અકરાંતિયાની માફક ખાઈ શકાતી નથી. વળી સલાડમાંથી સૌથી વધુ પોષણ મેળવવા અને વજન ઉતારવા તેમાં બીજા પદાર્થો ભેળવવા નહીં. જો કે લીંબુ, મીઠું, મરચું અથવા મધ, વિનેગર (સરકો) કે લસણ તથા ઓલિવ ઓઈલ મિશ્રિત સલાડ સ્વાદિષ્ટ લાગે છે. બીજું કશું ન મળે તો કેવળ એકાદ-બે કાકડી કે ગાજર ખાશો તો પણ સારો ફાયદો થશે.

* જો થાઈરોઈડ ગ્રંથિ નિષ્ક્રિય બની ઓછો સ્ત્રાવ ઉત્પન્ન કરે તો વ્યક્તિનું વજન વધી જાય છે. આમ થાઈરોઈડ ગ્રંથિના સ્ત્રાવની સાથે વજનની વધઘટ જરૂર સંકળાયેલી છે, પરંતુ દરેક પરિસ્થિતિમાં વધુ કે ઓછા વજન માટે થાયરોઈડ ગ્રંથિને જવાબદાર ન ગણાવી શકાય. ગ્રંથિ બરાબર કાર્યશીલ હોય, પૂરતું થાયરોક્સિન ઉત્પન્ન થતું હોય, પરંતુ વ્યક્તિ ખોરાક ઉપર કંટ્રોલ ન રાખે, જીભના સ્વાદને વધુ મહત્ત્વ આપે, મીઠાઈ, ચોકલેટ, તળેલા ફરસાણો ઉપર મારો રાખે તો પણ વજન વધી શકે છે.

* ખોરાક અને વજનને સીધો જ સંબંધ છે. સ્માર્ટ ઈટિંગનું વલણ અપનાવો. વજન વધવા ન દેવું તે સ્માર્ટ એકટછે. વધેલું વજન ઘટાડવું એ ડિફિકલ્ટ એકટ છે.

* રોજ રાત્રે એક કપ પાણીમાં એક ટીસ્પૂન અજમો નાખીને ઉકાળો. પાણીને ગાળીને પીવો. શરીરમાં રહેલી વધુ પડતી ચરબીને ઘટાડવામાં ફાયદાકારક ગણાય છે.

* બાબા રામદેવની એક ટિપ્સ મુજબ એક મહિના સુધી રોજ એક કપ ગરમ પાણી પીવાથી તમારું વજન ૨ કિલો સુધી ઘટી જશે.

* ચરબી ઓછી કરવા માટે સ્વીટ વસ્તુથી દૂર રહો. તે સિવાય તેલવાળા ખોરાકથી પણ દૂર રહો. તેનું વધારે સેવન કરવાથી પેટ અને સાથળ પર ચરબી એકઠી થવા લાગે છે. જેથી સ્વીટ વસ્તુથી દૂર રહેવું જોઇએ.

* વધુ પડતુ વજન ઘટાડવા માટે આપણે અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ. એક્સસાઈઝ, ઘરેલુ નુસ્ખાઓ, ડાયેટિંગ વગેરે કરવા છતાં પણ જો વજન ઓછુ ન થતું હોય તો તેનું એક કારણ એ હોઈ શકે કે તમારી જીવનશૈલી ખોટી છે. જો તમે ખાવાપીવાના ઘણાં શોખીન છો અને તમારી આ ટેવથી પરેશાન છો તો તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ઉપવાસ કરવો જોઇએ. તમે ઇચ્છો તો અઠવાડિયામાં એક દિવસ પ્રવાહી પદાર્થો પર પણ રહી શકો છો. આમાં પાણી, લીંબુપાણી, દૂધ, જ્યુસ, સુપ વગેરે વસ્તુઓને પ્રાથમિકતા આપો. તમે ઇચ્છો તો એક દિવસ સેલેડ કે ફળાહાર પણ લઇ શકો છો. જેમાં તમે માત્ર ફળ કે સેલેડ જ ખાઓ. સેલેડ ખાઇને રહેવાથી વજન ઘટાડવામાં તમને મદદ મળશે.

* રાત્રે સૂતા પહેલાં યોગ્ય પ્રમાણમાં પાઈનેપલ અને આદુંનો જ્યૂસ પીવાથી શરીરનું મેટાબોલિઝમ જળવાઈ રહે છે. શરીરની વધારાની ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેમાં સમાયેલું વિટામિન સી અને એન્ઝાઈમ્સ શરીરમાં રહેલા ટોક્સિન્સને બહાર કાઢે છે. શરીરમાં ચરબીનો ભરાવો થતો અટકે છે.