Hu raahi tu raah mari - 13 books and stories free download online pdf in Gujarati

હું રાહી તું રાહ મારી.. - 13

રાહી સાથે વાત કરી શિવમ પોતાના ઘર તરફ આવે છે. ઘરે આવી તે સુવાની કોશિશ કરે છે. પોતાના જીવનની વાત રાહીને કરીને તેનું મન ઘણું હળવું બની ગયું હોય છે પણ સાથે સાથે જે હકીકતથી તે છેલ્લા ઘણા સમયથી ભાગતો હોય છે તે ફરીથી તેને આજ તે યાદ તાજી થઈ જાય છે.શિવમ ફરીથી તે જ યાદમાં ખોવાય જાય છે.
તે રાત પણ આવી જ કઈક હતી. તેને તેના કોઈ પ્રશ્નોનાં જવાબ મળતા નહોતા અને તે પૂછે પણ તો કોને? સવારે મુંબઈ જવાનું હતું અને રાત્રે તેની સામે આટલી મોટી વાત જાણવામાં આવી. તે ખૂબ જ આઘાતમાં હતો.પણ તેને મન શાંત રાખી પપ્પાને આ વાત શાંતીથી ફરી ક્યારેક કરવાનો નિર્ણય લીધો.
બીજા દિવસે શિવમ મૂંબઈમાં હતો. સુરતથી જ તે અને વિધિ ( તેની પ્રેમિકા) બંને સાથે આવ્યા હતા.આથી એકલતાનો તો કોઈ પ્રશ્ન નહોતો પણ કાલ રાતના દુખમાથી શિવમ હજુ બહાર નહોતો આવ્યો.બંનેએ પહેલા કોલેજની પ્રવેશ પરીક્ષા આપી બંને જ્યાં રહેવાના હતા તે ફ્લેટ જોવા માટે ગયા.સુરતથી જ શિવમે ફ્લેટ જોઈ રાખ્યો હતો. આથી બંને સીધા તેમનો સમાન લઈને ફ્લેટ પર ગયા. વિધિ અને શિવમ બંને સાથે જ રહેવાના હતા. શિવમે જે ફ્લેટ રાખ્યો હતો તે પહેલેથી જ ઘર જેવી સુવિધા ધરાવતો હતો. 3 રૂમ, હૉલ, રસોડુ ધરાવતા આ મકાનમાં બીજી ઘણી સુવિધા હોવાથી વિધિને આ મકાન ખૂબ જ ગમી ગયું. પણ શિવમના મનને ક્યાય શાંતિ નહોતી લાગતી. તે ફરી ફરીને તે ડાયરીમાં લખેલા શબ્દોને યાદ કરી રહ્યો હતો.
શિવમ તે રાતે પોતાનો ભૂતકાળ યાદ કરી રહ્યો હતો. ત્યાં જ તેના પપ્પાનો ફોન આવ્યો. શિવમ ભૂતકાળમાથી બહાર આવ્યો. તેને તેના પપ્પાનો ફોન ઉપાડી વાત કરી.
“ જય શ્રી કૃષ્ણ , પપ્પા .” શિવમ.
“ જય શ્રી કૃષ્ણ બેટા.” ચેતનભાઈ.
“ કેમ છો? મજામા?” શિવમ.
“ હા બેટા હું એકદમ ઠીક છું પણ તારી યાદ ખૂબ જ આવે છે.તારા મમ્મી પણ તને ખૂબ જ યાદ કરે છે. તું આમ અચાનક જ મુંબઈથી રાજકોટ જતો રહ્યો. એક વખત તો મળવા માટે આવી શકે ને?” ચેતનભાઈ.
“ હા, પપ્પા ચોક્કસ આવું પણ મારી નોકરી જ તે રીતની છે કે મને રજા મળવી ખૂબ જ મુશ્કેલ છે.” શિવમ.
“ બેટા તારે નોકરી કરવાની જરૂર જ શું છે? મારો આટલો મોટો બિજનેસ છે તો તું તેને સાંભળી લે. તારું ભણતર પણ પૂરું થઈ ગયું છે અને આમ પણ હવે મારે પણ બિજનેસમાં મદદની જરૂર છે.” ચેતનભાઈ.
“ હા પપ્પા તમારી વાત સાચી છે પણ મને નોકરીમાં હજુ થોડા જ તો દિવસ થયા છે. હજુ હું થોડા દિવસ નોકરી કરવા ચાહું છું.” શિવમ.
“ માન્યું મે કે તું ખૂબ જ સ્વમાની છો બેટા. તારે તારા બળ પર પૈસા કમાવવા છે. હું સમજુ છું તને પણ તું મને તો થોડો સમજ. જ્યારથી તું મુંબઈ ગયો છો ત્યારથી તું ઘરે ખૂબ જ ઓછો આવ્યો છો.શું થઈ ગયું છે તને?” ચેતનભાઈએ થોડા ભાવુક બનીને કહ્યું.
શિવમ કઈ જ બોલી નહોતો શકતો તો પણ તેને તેના પપ્પાને થોડું સમજાવી તેના મમ્મીને ફોન આપવા કહ્યું.
“ હલ્લો મમ્મી , જય શ્રી કૃષ્ણ.” શિવમ.
“ જય શ્રી કૃષ્ણ બેટા..તું ઠીક તો છો ને?” દિવ્યાબહેન.
“ હા મમ્મી હું એકદમ ઠીક છું. મને શું થવાનું વળી?” શિવમ.
“ ઘણા દિવસ થઈ ગયા બેટા કેમ તને અમારી યાદ નથી આવતી કે શું?તું તો ગયો ત્યારનું ઘરે આવવાનું નામ જ નથી લેતો.”દિવ્યાબહેન.
“ મમ્મી હમણાં હું ખૂબ જ કામમાં છું. અને હું ક્યાં તમારાથી દૂર છું? હું તમારી પાસે જ તો છું.” શિવમે પોતાની વાત રાખી.
“ બસ બેટા હવે મારે કઈ જ નથી સાંભળવું. તું કાલે જ ઘરે આવે છે. હું નથી કહેતી તું તારી નોકરી છોડી દે. પણ તારા પપ્પાને મળવા તો આવી શકે ને? ખબર નહીં તું આવું વર્તન કેમ કરે છે? હું હવે છેલ્લી વખત કહું છું તું ઘરે કાલ જ આવે છે. આ વાતથી આગળ હવે કોઈ વાત નહીં.” દિવ્યાબહેન.
“ સારું મમ્મી પપ્પાને કહે હું કાલે જ તમને મળવા ઘરે આવું છું. હું પણ તમને બધાને ખૂબ જ યાદ કરું છું. આમ પણ ૨ દિવસ પછી પપ્પાનો જન્મદિવસ છે. હું ત્યારે જ ઘરે આવવાનો હતો. પણ હવે આ વાત પપ્પાને ના કહેતી. હું કાલ કે પછીના દિવસે ઘરે આવી જઈશ.” શિવમ.
“ સારું બેટા , વિધિને પણ ફોન કરીને ઘરે આવવા માટે જણાવી દે જે. ઘણા દિવસથી તેનો ફોન પણ આવ્યો નથી. તમે બંને સાથે જ આવજો. હવે તમારું ભણતર પૂરું થઈ ગયું છે તો તેના મમ્મી પપ્પા જોડે તમારા બંને માટે વાત પણ કરી લાઈએ.”દિવ્યાબહેને ખુશી વ્યક્ત કરતાં કહ્યું.
વિધિનું નામ સાંભળતા જ શિવમને ગુસ્સો આવી ગયો.
“ મમ્મી વિધિ નહીં આવી શકે. પણ હું ચોક્કસ આવી જઇશ અને હા બીજી વાત તમે તેને ફોન ન કરતાં.” શિવમ.
“ કેમ બેટા કઈ થયું?” દિવ્યાબહેન.
“ મમ્મી હું ઘરે આવીને વાત કરું.પપ્પા કે તમે કોઈ પણ વિધિ કે તેના પરિવારના કોઈપણ સભ્યને સંપર્ક ન કરતાં. અત્યારે ફોન રાખું છું. ગુડ નાઇટ.” શિવમ.
મમ્મીના મોઢે વિધિનું નામ સાંભળી શિવમને ખૂબ જ ગુસ્સો આવી ગયો. શિવમના મમ્મી પપ્પા વિધિને પોતાની સગી દીકરી કરતાં પણ વધારે માનતા હતા અને વિધિએ તેનો જ નહીં તેના પૂરા પરિવારનો વિશ્વાસ તોડ્યો છે. જે છોકરીને પોતાની દીકરી કરતાં પણ વધારે ચાહતા શિવમના માતા-પિતાને જ્યારે વિધિની હકીકત ખબર પડશે ત્યારે શું થશે તે જાણી શિવમને ખૂબ જ દુખ થતું હતું. જો શિવમ પૂરતી જ વાત હોત તો શિવમ તેના માતા-પિતાને વિધિએ જે તેની સાથે કર્યું તે જણાવત પણ નહીં. પણ શિવમના મમ્મી-પપ્પા પહેલાથી જ શિવમ વિધિના સંબંધ વિષે જાણતા હતા. આથી તેમને હકીકત જણાવવી ખૂબ જ જરૂરી હતી. શિવમે આ વખતે ઘરે જઈ તેના જીવનના બધા પ્રશ્નોનું નિરાકરણ કરવાનો નિર્ણય લઈ લીધો. વિચારમાં જ શિવમ ફરી તેના ભૂતકાળમાં જતો રહ્યો.
****************************
“ શિવમ આટલા મોટા ઘરમાં આપણે બંને એકલા જ રહીશું?” વિધિ.
“ હા , પ્રિય તું આરામથી રહી શકે અને સારી રીતે આગળનું ભણવાનું પૂરું કરી શકે માટે મે આટલું મોટું ઘર રહેવા માટે રાખ્યું છે.” શિવમ.
“ ઓહ શિવમ..તું કેટલું મારા વિષે વિચારે છે!!” પણ અહિયાં તો ત્રણ રૂમ છે. તે એક કે બે રૂમવાળું ઘર પણ રાખ્યું હોત તો આપણે આરામથી રહી શકીએ.” વિધિ.
“ પણ કોઈ દિવસ આપના મમ્મી પપ્પા કે કોઈ મુંબઈ આવ્યું હોય તો તે પણ રહી શકે માટે મે આ મકાન પસંદ કર્યું.” શિવમ.
“ હા તારી વાત પણ બરાબર છે. પણ આપણે તો એક રૂમમાં જ રહીશું ને?” વિધિએ શિવમની નજીક જતાં કહ્યું.
“ ના વિધિ આપણે અલગ અલગ રૂમમાં રહીશું.” શિવમે વિધિના વાળમાં હાથ ફેરવતા કહ્યું.
“ એવું કેમ?” વિધિએ શિવમ સામે જોતાં કહ્યું.
“એવું આટલા માટે કેમ કે લગ્ન પહેલા આપણે આમ એક રૂમમાં રહીશું તો આપણો પ્રેમ તો આમ ને આમ પૂરો થઈ જશે..અને હું તને અહી તારા માતા-પિતા પાસેથી મારી જવાબદારી પર લઈ આવ્યો છું.હું તને મારી પત્ની બનાવીને હક્કથી મારા રૂમમાં લઈ જઈશ. ત્યાં સુધી તું મારી જવાબદારીમાં છો.” શિવમ.
“ પણ અહિયાં તો કોઈ નથી, જો કોઈ આવશે તો હું અલગ રૂમમાં જતી રહીશ.” વિધિ.
“ વિધિ હું તને પ્રેમ કરું છું.તું મારી જવાબદારી છો. હું પહેલેથી જ તારા મમ્મી – પપ્પાની નજરમાં ખોટો સાબિત થવા નથી માંગતો. આમ પણ તું અહી આરામથી રહી શકે અને કોઈપણ પરેશાની વગર અભ્યાસ કરી શકે માટે હું તને અહી રહેવા માટે લાવ્યો છું.કાલથી આપની કોલેજ શરૂ થાય છે. તો કાલથી હવે આપણે બંને અભ્યાસ પર ધ્યાન પરોવીશું.” શિવમ.
“ જેવી તારી ઈચ્છા.” વિધિ.
વિધિ પોતાનો સામાન લઈ પોતાના રૂમમાં જતી રહી....
***************************
શિવમ પોતાના મમ્મી-પપ્પાને વિધિનું સત્ય કઈ રીતે કહી શકશે? શું શિવમ તેના મમ્મી-પપ્પાને તે પ્રશ્નો પૂછી શકશે જેના લીધે તે પરેશાન છે? શિવમ અને વિધિના લગ્નનું શું થશે? શિવમનો ભૂતકાળ જોશું આવતા ક્રમમા...