yara a girl - 9 books and stories free download online pdf in Gujarati

યારા અ ગર્લ - 9



બધા ભોફીન ની પાછળ ચાલવા લાગ્યા. એ લોકો પેલા ઓકિયાડ ઝાડ ના પેલા ગોળાકાર હોલ પાસે આવી ગયા. ભોફીને ઉપર જોઈ ને સીટી મારી તો વેલની બનેલી એક સીડી નીચે આવી ગઈ. ચાલો ઉપર ચડવા લાગો વારફરતી, ભોફીને કહ્યું.

What? બધા ઝાડની ઉપરની તરફ જોવા લાગ્યા. એ ઝાડ ઉપર થી પહોળું હતું. માનો અંદર જગ્યા જ જગ્યા હોય.

ભોફીન પછી બધા વારાફરતી એ સીડી થી ઉપર ચડવા લાગ્યા. ઉપર ચડી ને બધા ખુશ થઈ ગયા.

ભોફીન આ શું છે? આ તો આખુ ઘર છે અંદર. કેટલું સુંદર છે આ. ને આ સુવા માટેની જગ્યા એમ બોલતો અકીલ એ જગ્યા પર સુઈ ગયો. કેટલું આરામદાયક છે. ખૂબ સરસ ખૂબ સરસ.

હા અકીલ ખૂબ સુંદર છે આતો. માનો ઘરમાં આવી ગયા, યારા એ કહ્યું.

જે હોય એ હું તો સુઈ જાવ છું ખૂબ થાક લાગ્યો છે મને તો, ને એમ બોલતા વેલીને સુવા માટે લંબાવી દીધું.

પણ યારા આ બધું ધ્યાન થી જોઈ રહી હતી એ પણ થાકી ગઈ હતી પણ એનું મન ઉદાસ હતું. અહીં આવ્યા પછી એને હજુ સુધી તેના માતાપિતા વિશે કોઈ માહિતી મળી નથી. ના એના સપનાઓ નો તોડ. ને ઉપર થી મોરોટોસ અને કેટરીયલની વાત સાંભળી એ વધુ ઉદાસ થઈ ગઈ હતી. એણે બધા થી પોતાની લાગણીઓ અને વિચારો છુપાવ્યા, પણ એનું મન અંદર થી આ વાત સાચી હશે તો? એવું વિચારવા લાગ્યું હતું. પણ ગ્લોવરે જ્યારે પીળા હીરાની વાત નકારી દીધી ત્યારે એની એ આશા પણ ઠગારી નીવડી. એને પોતાના માતાપિતા ની જાણકારી મેળવવાની ખૂબ આતુરતા હતી. પણ પરિસ્થિતિઓ હાલમાં અનુકૂળ લાગતી નહોતી એને. એના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ વર્તાતી હતી.

યારા કેમ ઉદાસ છે? ભોફીને પૂછ્યું.

યારા એકદમ સતેજ થઈ ગઈ. ના ભોફીન એવું કઈ નથી.

યારા જાણું છું કે તું તારા માતાપિતા ને લઈ ને મુંઝવણમાં છે. પણ ચિંતા ના કર, હવે આપણ ને સત્ય જાણવા બહુ જલ્દી મળી જશે. ગ્લોવર આપણ ને ઓકિટીન સુધી લઈ જશે અને પછી તું તારા દરેક પ્રશ્નોના જવાબ મેળવી લેજે.

હા, ભોફીન. બસ હવે એ એક જ રસ્તો લાગે છે મને. ને આપનો આભાર કે તમે અમારી કોઈ પણ સ્વાર્થ વગર મદદ કરી રહ્યા છો. તમે ના મળતા તો........ યારા ભાવુક થઈ ગઈ.

અરે અરે એમાં આમ ભાવુક થવા ની જરૂર નથી યારા. બધું સારું થઈ જશે. ભોફીને યારા ને સમજાવાનો પ્રયત્ન તો કર્યો હતો, પણ એને ખબર હતી કે આ બધી સમજાવટ યારા ના મન ને સમજાવી નહિ શકે. ભોફીન યારાની સ્થિતિ સમજતો હતો. એટલે વધુ ના બોલતા એ ત્યાંથી જતો રહ્યો.

યારા આંખો બંધ કરી થોડીવાર બેસવા માંગતી હતી એટલે એક ડાળી પર શાંતિ થી બેસી ગઈ. એ પોતાના મન ને શાંત કરવા માંગતી હતી.

બીજા દિવસે સવારે બધા તૈયાર થઈ ગયા ઓકિટીન ને મળવા જવા.

ગ્લોવરે ઈશારો કરી કહ્યું, ભોફીન આ સામાન છે જે દરેકે લેવાનો છે.

ભોફીને ગ્લોવરે ઈશારો બતાવેલ એ દિશા તરફ જોયું. ઓહોહો ગ્લોવર આ બધો સમાન લેવાનો છે? આ બધાની જરૂર છે?

હા ભોફીન આ બધું જ લેવું પડશે. આ સમાન આપણને રસ્તામાં જરૂર પડશે, ગ્લોવર એ કહ્યું.

Ok અકીલ આ સમાન લેવાનો છે. ગ્લોવરે કહ્યું છે, ભોફીને કહ્યું.

Ok ભોફીન! અકીલ, યારા અને વેલીને એ સામાન લઈ લીધો. ને બધા ચાલવા લાગ્યા.

રસ્તો ગાઢ જંગલમાં થી પસાર થતો હતો. જંગલ એટલું સુંદર હતું કે યારા, અકીલ ને વેલીન તો આભા જ બની ગયા હતાં. એમના માટે આ બધું કોઈ સપના થી ઓછું નહોતું. બધા જ કુદરતની સુંદરતા ને માણતા માણતા ચાલી રહ્યા હતા કે અચાનક એક મોટી ડાળી સામેની બાજુ થી આ લોકો ચાલતા હતા એ તરફ આવી.

સંભાળી ને, સામે જુઓ નીચે બેસી જાવ, ગ્લોવર એકદમ બરાડ્યો.

બધા સતેજ થઈ ગયા ને તરત જ નીચે બેસી ગયા. એ ડાળી એ લોકો ના માથા પર થી નીકળી ગઈ. મોલીઓન અકિલના ખોળામાં ભરાઈ ગયા. બધા ગભરાય ગયા. અચાનક શું થયું એની કોઈ ને સમજ ના પડી.

હવે સંભાળી ને ચાલો ચારેતરફ નજર રાખો કઈ પણ થઈ શકે છે, ગ્લોવરે બધા ને ચેતવ્યા.

પણ આ ડાળી ક્યાં થી આવી ગ્લોવર? ને કેવી રીતે આવી? અકીલે પૂછ્યું.

આપણે જ્યાં થી ચાલી રહ્યા છીએ એ "શુતુરુગ" છે. અહીંના ઝાડ પાન પોતાની રક્ષા માટે આવું કરતા હોય છે. એમને વિશ્વાસ આવી જશે કે આપણે એમને નુકસાન નહિ પહોંચાડીએ તો એ લોકો જાતે જ શાંત થઈ જશે. પણ એમને વિશ્વાસ નહિ બેસે ત્યાં સુધી આવી ડાળીઓ આપણી પર હુમલો કર્યા કરશે. તમારે ખાલી એના થી બચવાનું છે એને અડવાનું કે નુકશાન પહોંચાડવાનું નથી, ગ્લોવરે કહ્યું.

અરે આતો ખતરનાક છે. આપણ ને શું ખબર કે કઈ ડાળી ક્યાં થી હુમલો કરશે? વેલીને પૂછ્યું.

એટલે જ કહ્યું કે ચારેતરફ જોઈ ને ચાલો. જો તમે ડાળીઓ ને કઈ પણ નુકશાન પહોચાડ્યું તો અહીં થી બહાર નીકળવું મુશ્કેલ બની જશે, ગ્લોવરે કહ્યું.

હા, અમે ધ્યાન રાખીશું... હજુ યારા બોલતી હતી ત્યાં એક ડાળી તેની તરફ આવવા લાગી. અકીલે તરત જ એનો હાથ ખેંચી એને નીચે બેસાડી દીધી.

હજુ એ લોકો પોતાને સંભાળે ત્યાં બીજી ડાળી એમના તરફ આવી. બન્ને જણ વચ્ચે થી ખસી ને ઝાડ સાથે લપાઈ ગયા. બન્ને ડરી ગયા હતા. પણ ડાળી જતી રહી.

અરે યાર આતો તકલીફવાળું છે. આ તો ગમે ત્યાં થી હુમલો કરે છે. બચવું કેવી રીતે? અકીલે પૂછ્યું.

હમણાં બચ્યો એવી રીતે, ગ્લોવરે જવાબ આપ્યો ને નીચે બેસી ગયો એના પર થી બે ડાળીઓ પસાર થઈ ગઈ.

વેલીન, સંભાળ એવી બૂમ પાડી ભોફીન નીચે બેસી ગયો.

વેલીન ઈશારો સમજી ને તરત જ નીચે બેસી ગઈ ને ડાળીઓ તેના ઉપર થઈ જતી રહી.

હજુ બધા નીચે જ બેસેલા હતા ને ચારેતરફ તરફ જોઈ રહ્યા હતા કે કોઈ ડાળી હુમલો તો નથી કરી રહી ને? પણ થોડીવાર સુધી કોઈ હુમલો થયો નહી.

ઉભા થઈ જાવ. હવે કોઈ તકલીફ નથી. હવે કોઈ હુમલો નહિ થાય, ગ્લોવરે ઉભા થતા કહ્યું.

એમને વિશ્વાસ આવી ગયો કે આપણે એમને નુકશાન નહિ પહોંચાડીએ? યારા એ પૂછ્યું.

હા યારા, હવે એ લોકો હુમલો નહિ કરે, ભોફીને જવાબ આપ્યો.

જોરદાર છે આ તો નહિ? કઈ પણ કર્યા વગર સીધો હુમલો જ! આવું થોડું હોય? કોઈ નુકશાન પહોંચાડે તોજ એમની પર વળતો પ્રહાર કરાય. પણ આ તો વગર વાંકે હુમલો કરવા લાગ્યા, વેલીને કહ્યું.

એવું જરૂરી નથી. કોઈવાર તમે સામે ની વ્યક્તિને જાણતા ના હોય તો એ કેવું છે એનો અંદાજ લગાવો મુશ્કેલ છે. ને આવી પરિસ્થિતિમાં કોઈ તમારા વિસ્તારમાં આવી જાય તો તમે પોતાની સુરક્ષા કરવા કઈ પણ કરી શકો છો, ગ્લોવરે કહ્યું.

પણ એવું થોડું ચાલે? કોઈ સૂચના કે ચેતવણીતો આપવી પડે ને? આતો સીધો હુમલો. એ તો સારું થયું કે કઈ થયું નહિ નહીંતો? અકીલ બોલ્યો.

નહીંતો શું અકીલ? તું ફરી એકવાર ઝાડ થી માત ખાઈ જતો. તું સંભાળ ભાઈ અહીં તને ઝાડ થી મોટો ખતરો છે, ભોફીને અકીલ ની મજાક કરતા કહ્યું.

પણ અકીલ કઈ બોલ્યો નહિ. ને બધા એની સામે જોઈ હસી પડ્યા. મોલીઓન ખુશ થતા આગળ દોડવા લાગ્યા.

ભોફીન થાક લાગ્યો છે અને ભૂખ પણ લાગી છે થોડું ખાઈ લઈએ? ને સાંજ પણ ઢળવા લાગી છે. ને હવે આગળ નો રસ્તો કાપવો થોડો મુશ્કેલ પણ બનશે, વેલીને કહ્યું.

ભોફીને ગ્લોવર ની સામે જોયું પ્રશ્નવાચક દ્રષ્ટિ થી જોયું. ગ્લોવરે આંખોના ઈશારા થી હા કહી દીધી.

હા હા કેમ નહિ હું પણ થાકી ગયો છું. કઈક ખાઈ લઈએ. પેટમાં વિચિત્ર અવાજો આવવા લાગ્યા છે, ભોફીને કહ્યું.

બસ દશ ડગલાં ચાલો એક પાણી નું ઝરણું આવશે ત્યાં શાંતિ થી બેસી ને આરામ કરો ભોફીન, જગ્યા પણ સલામત છે, ગ્લોવરે કહ્યું.

કઈ વાંધો નથી. દસ ડગલાં ચાલી લઈએ, ભોફીને કહ્યું.

દસ ડગલાં ચાલ્યા પછી એક સરસ ઝરણું દેખાયું. જગ્યા પણ સુંદર હતી. ને કિનારા ની આસપાસ ફળો ના ઝાડ પણ હતા. બધા ખુશ થઈ ગયા.

યારા આ સફર ખૂબ રોચક છે, વેલીન હાથપગ ધોતા ધોતા બોલી.

હા વેલીન તારી વાત સાચી છે સફર રોચક તો છે પણ સાથે સાથે સાથીદારો પણ રોચક છે, અકીલે ભોફીન સામે જોતા કહ્યું.

અકીલ આ મારા માટે પણ નવું છે. પણ thanks, તમારા કારણે હું હિંમત કરી શકી. નહીંતો અત્યાર સુધીમાં તો હું ખબર નહિ ક્યાં હોત, યારા એ આભાર માનતા કહ્યું.

ચાલો ભાઈ આ આભાર નો ભાર બહુ વધી ગયો હું તો અંદર દબાઈ ના જાવ તો સારું? અકીલે વાતાવરણને હળવું કરવા ટીખળ કરી.

હા અકીલ મને પણ ભાર જેવું લાગવા લાગ્યું છે. આ ભાર ને હળવો કરવા કઈક તો કરવું પડશે, આટલું બોલી વેલીન એ બન્ને ની ઉપર પાણી ઉડાડવા લાગી. ત્રણેય જણ આનંદમાં આવી એકબીજા પર પાણી ઉડાડવા લાગ્યા.

તો પછી આ ટીખલમાં થી મોલીઓન બાકી થોડા રહે? એ પણ આવી ગયા આ ત્રણેય ની સાથે મસ્તી કરવા.

ભોફીન એક પ્રશ્ન પૂછું? ગ્લોવરે પેલા બધા ને મસ્તી કરતા જોઈ ભોફીન ને પૂછ્યું.

હા ગ્લોવર પૂછને? શુ પૂછવું છે?

ભોફીન આ લોકો એ જે વાર્તા કહી સંભળાવી એ ખરેખર સાચી તો હશે ને?

કેમ ગ્લોવર આવો પ્રશ્ન પૂછે છે? કઈ શંકા છે તને?

ખબર નહિ ભોફીન પણ મન બે વિચાર કરે છે. કાતો આ લોકો સાચા છે અથવા તો એમનો ઈરાદો કઈક બીજો જ છે.

બીજો શું ઈરાદો હોય શકે ગ્લોવર? યારા ની આંખોમાં મેં એના માતાપિતા માટે તડપ જોઈ છે. એ તડપ તો ખોટી ના હોય શકે ને? ને અકીલ અને વેલીન નો મને કોઈ બીજો ઈરાદો દેખાતો નથી. દોસ્તી તો કોઈ પણ દુનિયા માટે દોસ્તી જ હોય છે ગ્લોવર.

હા ભોફીન પણ આ લોકો પહેલા થી જ દોસ્ત નથી. પરિસ્થિતિ એ આમને દોસ્ત બનાવ્યા છે. ને એજ પરિસ્થિતિ એમને અલગ કરી શકે છે.

તારી વાત સાચી છે ગ્લોવર પણ જરૂરિયાત ની પરિસ્થિતિમાં જો સ્વાર્થ ના હોય તો દોસ્તી ને કોઈ આંચ નથી આવતી. ને તારા થી વધારે આ વાત કોણ સમજી શકે છે?

ગ્લોવર કઈ બોલ્યો નહીં. એ ફળ લઈ ને ખાવા લાગ્યો. ને ઉજાસ માટે તાપણું સળગાવા ની વ્યવસ્થા કરવા લાગ્યો.

અરે ચાલો ભૂખ નથી લાગી? આમ મસ્તી કર્યા કરશો તો વધુ થાક લાગશે. આપણે અહીં જ નથી રોકાવાનું. રસ્તો હજુ ઘણો બાકી છે, ભોફીને પેલા લોકો ને બોલાવતા કહ્યું.

ચાલો ચાલો નહીંતો અહીં જ રહી જઈશું. મને તો બહુ ભૂખ લાગી છે, અકીલે બધા ને સંબોધી ને કહ્યું.

બધા પાણી માં થી બહાર આવી ને ફળો ખાવા બેસી ગયા. હજુ પણ એમની મસ્તીમજાક ચાલુ જ હતી. ને હવે તો ભોફીન પણ એમની સાથે જોડાઈ ગયો.

પાણીમાં રમ્યા, સરસ રસ થી ભરપૂર ફળ ખાધા અને આખા દિવસનો થાક આ બધું ભેગું થયું એટલે આંખો તો ઘેરાવાની જ હતી. બધા સુવાની વ્યવસ્થામાં લાગી ગયા.

ત્યાં સુધી ગ્લોવરે એ લોકો જ્યાં હતા ત્યાં આજુબાજુ આગ સળગાવી દીધી હતી. ને બેસી ને વિચારતો હતો શું ખરેખર આ લોકો ના અહીં અવવામાં કોઈ તર્ક કે કારણ હશે? શું યારા ઓરેટોન અને કેટરીયલની દીકરી હોય શકે? એ વારે ઘડીએ બધાની નજર ચુકાવી યારા ને જોઈ લેતો એ જોવા કે એનામાં કઈક અજુગતું છે? શું એની પાસે કોઈ શક્તિ છે? એ વિચારો ને વિચારો માં એ સુઈ ગયો.

બીજા બધા પણ પોત પોતાની વ્યવસ્થા કરી આડે પડખે થયા. મોલીઓન એક ઝાડ ની ડાળી પર જઈ ને સુઈ ગયા. થાકના કારણે બધા ને ઉંઘ સરસ આવી ગઈ.

વહેલી સવારે હજુ સૂરજે પોતાની સવારીના પડઘમ સંભળાયા નહોતા ત્યાં મોલીઓન જોર જોર થી "કુઈઇઈ કુઈઇઈ" કરી ને બુમા બુમ કરવા લાગ્યા. એના અવાજ થી બધા જાગી ગયા.

ભોફીન પેલા છોકરાઓ ક્યાં છે? ગ્લોવરે પૂછ્યું.

ભોફીન આજુબાજુ બધે જોવા લાગ્યો. ખબર નહિ ગ્લોવર, અહીં તો કોઈ નથી. ને સાચેજ એ લોકો જ્યાં સુતા હતા ત્યાં યારા, વેલીન અને અકીલ હતા જ નહિ.

ગ્લોવર એકદમ સતેજ થઈ ગયો. એને ચિંતા થવા લાગી. ને ઉકળાટ માં બોલ્યો, તો પછી ગયા ક્યાં ભોફીન? આ જગ્યા એમના માટે નવી છે. એમને કોઈ જોઈ જશે તો? ક્યાંક ભટકી જશે તો? ગ્લોવર ખરેખર અકળાઈ ગયો. એ જાણતો હતો કે તકલીફ એટલે વધારે નથી કે એ બહાર ની દુનિયાના છે, પણ એ લોકો ગ્લોવર ની સાથે છે એ એક મોટી સમસ્યા છે. કેમકે ગ્લોવર વોસીરો નો ગુનેગાર હતો. એટલે આ લોકો પર તકલીફો નો સિકંઝો વધુ કસાઈ શકે તેમ હતો. ને વગર વાંકે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે.

પણ ગ્લોવર મને પણ નથી ખબર. હું અહીં જ હતો. શું થયું? કેમનું થયું???? ભોફીન પણ ચિંતામાં આવી ગયો. એ ગ્લોવર ની વાત ને પણ સમજતો હતો. જો એ લોકો ને કોઈ જોઈ જશે તો મોટી સમસ્યા સર્જાય શકે છે.

બન્ને જણ આજુબાજુ ઉપર નીચે બધે એમને શોધવા ભાગમ ભાગ કરવા લાગ્યા. પણ કોઈ સગડ મળ્યા નહીં. બન્ને જણ નિરાશ થઈ ગયા.

ગ્લોવર આ છોકરાઓ સહીસલામત તો હશે ને? ભોફીને ચિંતાતુર સ્વરે પૂછ્યું.

હા હા બધા બરાબર જ હશે તું ચિંતા ના કર. અહીં જ કઈક હશે. મળી જશે. એટલામાં મોલીઓન દોડતા દોડતા આવી ને બન્ને ને ખેંચવા લાગ્યા.

શું થયું મોલીઓન? ગ્લોવરે પૂછ્યું.

પણ એ બન્ને કઈ પણ બોલ્યા વગર બન્ને ને એક દિશા તરફ ખેંચી રહ્યા હતાં. જાણે એ કઈક બતાવવા ના માંગતા હોય.

ગ્લોવર કદાચ એમને ખબર છે કે આ લોકો ક્યાં છે. આ બન્ને આપણ ને એ દિશા તરફ લઈ જવા માંગે છે. આપણે તેમની સાથે જવું જોઈએ, ભોફીને કહ્યું. એના અવાજમાં ઉત્સાહ હતો.

ગ્લોવરે ભોફીન ની સામે જોયું. ને પછી બન્ને મોલીઓન જે દિશા તરફ ખેંચી રહ્યા હતા તે તરફ દોડ્યા.

ભોફીન અને ગ્લોવર બન્ને ને મનમાં આશા જાગી કે યારા, અકીલ અને વેલીન મળી ગયા. તે બન્ને મોલીઓન ની પાછળ પાછળ દોડી રહ્યા હતા.

ત્યાં અચાનક કોઈએ તેમના પર વેલા નાંખીને તેમને રોકવાનો પ્રયત્ન કર્યો. બન્ને ને વેલાઓ એ ઝકડી લીધા. તેઓ બન્ને વેલાઓ થી બંધાય ગયા. હવે એમના માટે દોડવું તો ઠીક પણ ચાલવું પણ મુશ્કેલ હતું.

ત્યાં યારા એ જોર થી બુમ પાડી, ભોફીન અમે અહીંયા છીએ.

ગ્લોવર અને ભોફીન બન્ને એ અવાજની દિશામાં જોયું. તો ત્યાં યારા, વેલીન અને અકીલ પણ વેલાઓ થી બંધાયેલા હતા. ને તેમની આજુબાજુ તેમનો પહેરો ભરતા વાનરો હતા.

ક્રમશ.................