ADHA HAI CHANDRAMA GHARI AADHI books and stories free download online pdf in Gujarati

આધા હૈ ચંદ્રમા ઘારી આધી..!

આધા હૈ ચંદ્રમા ઘારી આધી..!

જન્મ્યા એટલા બધાં જ છોકરાં કંઈ કાઠું નહિ કાઢે. કેટલાંક જન્મીને કાંઠલો પણ પકડે. કોઈ કારેલાં જેવો કડવો નીકળે, તો કોઈ જલેબી જેવો મીઠો પણ બને. જેવાં જેના ભાગ..! એકઝેટ..બારાખડીના એક-બે મૂળાક્ષર જેવું..! બારાખડીમાં એક-બે મૂળાક્ષર તો સદીઓથી ઘરજમાઈની જેમ પડ્યા છે. ઝાઝું કામમાં જ નથી આવ્યાં. ત્યારે ઘારીના-ઘ ની વાત કરીએ તો, શું લોકપ્રિયતા હાંસલ કરી? સાવ ગધેડાના-ગ જેવો તો નથી જ રહ્યો. એ ઘરેણાનો-ઘ પણ કહેવાયો, ઘરનો-ઘ પણ કહેવાયો, ઘરવાળીનો-ઘ પણ કહેવાયો, ને ઘારીનો-ઘ પણ કહેવાયો..! ઘારીના-ઘ વગર ચાંદો ચોકમાં ઉગે નહિ..! આ તો આપણું પ્રાઈવેટ સંશોધન..!

ઘારી ક્યારેય ઘરડી થઈને ધારો બની નથી. તૈયાર થાય, એટલે કોડીલી કન્યા જેવી લાગે. ઘારીનું નામ પડતાં જ એવો ફુવારો છૂટે કે, મોઢામાં ‘હેન્ડપંપ’ મુકવાનું મન થાય..!. જીભ લપકારા મારતી થઇ જાય. એવાં હેવી વોલ્ટેજથી લપકારા મારે કે, સાપની જીભ પણ એટલા લપકારા મારતી ના હોય..! જેની પાસે ડાયાબીટીશનો ગ્રીનકાર્ડ હોય, એની હાલત તો એવી થઇ જાય કે, ઘારી જોઈને બીડાં જ ઠારતા હોય..! નહિ ખવાય, નહિ જોવાય નહિ સહેવાય.! ઘારીને બદલે એને કચ્છી દાબેલી જ પીરસાય..!

દશેરો બેસે એટલે ખાધ શરુ. દશેરાએ ફાફડા જલેબી ઠોકે, ને શરદ પૂર્ણિમાએ ઘારીનો કચ્ચરઘાણ વાળે. ઝાપટવામાં ને ઝપાટો મારવામાં ગુજરાતીને કોઈ પહોંચે નહિ. એટલે તો આપનો ગુજરાતી વિશ્વમાં પંકાયો. એમાં સુરતીઓની તો સૂરત જ નોખી. છોડીયાં-ફાડ ફાફડા જલેબી પણ ખાય, ને ઘારીનો પણ ઘાણ કાઢે. બીજું બધું તો અલગ..! ગુજરાતીઓ ફાફડા જેવાં સીધાં લાગે, ને ઘારી જેવાં ‘ટેસ્ટી’ હોય, એનું કારણ જ એ..! પ્રોબ્લેમ આવે ડાયાબીટીશવાળા મીઠાબોલા માનવી ને આવે..! સુગરના મીટર વધે એટેલ, એને ઘારી પણ, અઘોરી લાગે. શરદ પૂર્ણિમાએ જો ઘરમાં કોઈ ઘારી લાવ્યું તો, બિચારાને રૂંવાડે રૂંવાડે બળતરા થવા માંડે. જેમ દાંત વગરના ડોસાની લૂલી, વટાણા જોઇને ભીની થવા માંડે. એમ એક-એક ઘારી એને ગ્રેનેડ બોંબ લાગે. યાર...! જુવાનીમાં જીભે ચઢેલો ઘારીનો સ્વાદ કંઈ તત્કાળ ‘ડીલીટ’ થોડો થાય? ફીનાઈલના કોગળા કરો તો પણ નહિ જાય? છપ્પન ભોગના થાળ જોઇને, સામે ઉભેલા ભૂખા ભગતની જે વલે થાય, એવી જ વલે ડાયાબીટીશવાળાની થાય. ઘારી જોઇને લાળ પાડવાની બીજું શું ? ઘારીનો એક મિજાજ છે બોસ..! દેવો જેવાં દેવોને પણ, ઘારી ખાવા માટે માણસનો અવતાર લેવાનું મણ થઇ આવે..! તેલ લેવા જાય, એ ઇન્દ્રાસન..!

ડાયાબીટીશવાળા માટે શરદ પૂર્ણિમા એટલે શરદ અમાસ. જેમ રાસડા રમતી કામણગારી કન્યાને માત્ર જોવાની જ હોય, એને ઘરવાળી નહિ બનાવાય, એમ ડાયાબીટીશવાળાએ ઘારીના માત્ર દૂર-દર્શન જ કરવાનાં..! જોઇને આઘાત તો એવો લાગે કે, જાણે કોઈ ગમતી છોકરી હાથમાં રાખડી બાંધવા નહિ આવી હોય? શું કરે બિચારા..? શરીરમાં સુગર ફેક્ટરી જ એવી ભવ્ય ખોલેલી હોય કે, ઘારી ખાવાના વિઝા જ નહિ મળે. ત્યારે ફાફ્ડામાં કોઈ નિષેધ નહિ. દશેરો બેસે એ દિવસે, ફાફડા જલેબી જેટલાં ઝાપટવા હોય એટલા ઝાપટો, નો પ્રોબ્લેમ..! પણ ફાફડાની માફક જો ઢગલેબંધ ઘારી ઝાપટવા ગયાં, તો દિવાળીના ફટાકડા તો પછી ફૂટે, એ પહેલાં નારાયણ એનો ફટાકડો પણ ફોડી નાંખે. ઘારી એટલે રામાયણની બીજી સુર્પણખા..! એવી માયાવી કે, બદલો લેવા શરદ પૂર્ણિમાના દિવસે ઘારીનું સ્વરૂપ લઈને આવે. દશેરાના દિવસે મારા ભાઈ રાવણને સળગાવનારા તમે જ ને, એવો ફાંકો રાખીને ફટાકડો ફોડી પણ જાય. માટે સંત ચમનીયાનું કહેવું છે કે, સ્વાદ અને સુંદરતા જોઇને, ઘારીમાં બહુ લપસવું નહિ. ફાફડાનો જેટલો કસ કાઢવો હોય એટલો કાઢો. કારણ કે ફાફડા સીધાં હોય. ને પચવામાં પણ ઇઝ્ઝી..! એને પચાવવા માટે, અંગ કસરતની ભારે હલામણ કરવાની આવે જ નહિ. ‘એક્ઝીટ’ પણ તત્કાળ લઇ લે. ચુરણોનો આશરો તો લેવો જ નહિ પડે..! સેલ્ફ સર્વિસ..!’ નિકાલ માટે માણસ મોડો પડે પણ ફાફડા નહિ..!

શાસ્ત્રોમાં એવી કોઈ ચોખવટ નથી કરી કે, શરદ પૂર્ણિમાએ કેવી, કેવડી ને કેટલાં પ્રમાણમાં ઘારી ઝાપટવી. કોઈ માપદંડ જ નથી. શરદ પૂર્ણિમાનો ચાંદો મોટો હોય તેથી, મોટી જોઇને ઘારી ખાવાનો આગ્રહ રાખવો એ ચિત્તભ્રમ છે. આપણે જાણીએ જ છીએ કે, કુંવારીકાઓ મોટાં ઘરવાળાની વહુ બનવા થનગનતી જ હોય, એમ ઘારીઓ પણ મોટા પેટ વાળાને શોધતી જ હોય. એટલે જેને મોટું પેટ છે, ને શરીરે સુગર છે, એમણે ઘારીનો ફોટો પણ નહિ જોવો. ને માત્ર પોતાનો પેટારો જ સંભાળવો. ઘારીનો લેખ વાંચવાથી પણ સુગરની જિંદગીથી છૂટાછેડા લેવા કરતાં, ઘારીથી છૂટાછેડા લીધેલા સારાં. સોના-ચાંદીવાળાના ત્રાજવાના તોલે જ ઘારી ખાધેલી સારી. બહુ જ ઈચ્છા થાય તો, ઘારીનો ફોટો સુંઘી લેવાનો. પણ ઘારીમાં ચોકડી વધે. માટે બદામ પિસ્તાની જગ્યાએ, સુગરની ટેબ્લેટ દબાવીને પણ ઘારી ખાવી ઘાતક ખરી. પછી તો જેવો જેનો ચસ્કો..! ને જેવું જેનું પેટ...!

મૂંગો માર ભૂતકાળમાં પડેલો હોય, એ ત્યારે જ ઉભરે કે જ્યારે હવામાન વાદળીયું થાય. એમ અમુકને તો ઘારી દબાવ્યા પછી જ અંદાજ આવે કે, આપણા શરીરમાં તો સુગર ફેક્ટરીનું શિલારોપણ થવા માંડેલું છે. શરીરમાં એકવાર ડાયાબીટીશ ઘુસ્વો જ જોઈએ, એટલે આધારકાર્ડ કઢાવીને એ વસી જ જાય. ડાયાબીટીશ એટલી વંઠેલ ઉપાધી છે કે, ખાંડની કણ જોઇને જેમ કીડી ગમે ત્યાંથી ધસી આવે, એમ ઘારી દેખીને ડાયાબીટીશવાળો પણ દોડતો આવે. શકુંતલાને જોઇને જેમ દુષ્યંત ઋષીએ તપોભંગ કરેલું, એમ ડાયાબીટીશવાળો પણ ‘પરેજીભંગ’ કરીને તૂટી જ પડે..! દાઢમાં માણસો રાખવાથી બીપી વધે, એમ મીઠું મીઠું બોલવાથી ડાયાબીટીશ પણ વધે. બને તો વાઈફને ડાર્લિંગ..હની..જાનુ..વ્હાલી..સ્વીટી કહીને વારંવાર બોલાવતા હોય તો, બંધ જ કરી દેવું. એને ડેન્ગ્યું નહિ થાય,પણ ડાયાબીટીશ તો જલ્દી થાય. આ તારણ મેડીકેટેડ નથી, પણ ચમનીયાકેટેડ છે..!

ડાયાબીટીશ બહુત બુરી ચીજ હૈ યાર..! શરદ પૂનમની રાત જ એટલી માદક કે, માત્ર પાણીનો મિનરલ પેગ ચઢાવો તો, એનો પણ નશો ચઢે..! છેલ્લાં શ્વાસોની છેલ્લી ઓવર ચાલતી હોય, ત્યારે ભોંયે સુવડાવેલા દાદાને જો ઈચ્છા થઈ આવે કે, “ તેલ લેવા જાય ડાયાબીટીશ, લાવ, ઘારીનો છેલ્લો ઘાણ કાઢી જ નાંખવા દે..! ત્યારે દાદાની લાકડી ખાવા કરતાં, દાદાને ઘારી જ ખવડાવેલી સારી.દાદાને ખાલી મોંઢે જવા નહિ દેવાય. ને ઘારીને બદલે, કચ્છી દાબેલી પણ નહિ ખવડાવાય. નહિ તો આવનારી બધી શરદ પૂર્ણિમા આવે કે નહિ આવે, પણ દાદા ઘારી ખાવા આવે પણ ખરાં..! આ તો એક ગમ્મત..!

-------------------------------------------------------------------------------------------------------------------------------------બુધવાર, 09 ઑક્ટ્બર 2019