Hu raahi tu raah mari - 19 books and stories free download online pdf in Gujarati

હું રાહી તું રાહ મારી.. - 19

રાહીનો મેસેજ આવેલો હતો.
“ મમ્મી સાથે બેઠો છું. પછી વાત કરું.” શિવમે રાહીને જણાવ્યુ.
“ઠીક છે. તું તારા મનમાં જે પ્રશ્નો છે અને જે પણ કોઈ વાત છે જે તારે તારા મમ્મીને જણાવવી જોઈએ તે જણાવી દેજે. ઘણી વખત માણસ ફોનમાં ન કહી શકતો હોય તે સામે બેસીને સરળતાથી કહી શકે છે. મને વિશ્વાસ છે તું કરી શકીશ. તું વાત કર. આપણે પછી વાત કરીએ.” રાહી.
**********************
“રાહીના મેસેજ આવી રહ્યા હતા. તે મને ઘરે આ બાબતે વાત કરવા જણાવી રહી હતી.” શિવમે તેના મમ્મીને કહ્યું.
“ તો તારો આ આખરી નિર્ણય છે?” દિવ્યાબહેન.
“ હા મમ્મી.” શિવમ.
“ તું સાચો છે. હું તારી સાથે છું.” દિવ્યાબહેન.
“ પણ પપ્પા..? પપ્પાને હું આ વાત નહીં કરી શકું અને કરવા પણ નથી માંગતો. આમ પણ તે મારી નોકરી કરવાની વાતને લઈને પણ થોડા નારાજ છે તેમાં હું આ બધી વાત કરીશ તો તે મને નોકરી છોડી બીજનેસ સંભાળવા મજબૂર કરી દેશે.” શિવમ.
“તેમની વાત પણ તો સાચી જ છે ને. મને પણ તારી આ વાત નથી સમજાતી કે તારા પપ્પાનો આટલો મોટો બીજનેસ છે પછી તું ઘરથી દૂર રહી નોકરી કેમ કરે છે?” દિવ્યાબહેન.
“મમ્મી હું થોડો સમય સુરતથી દૂર રહેવા માંગુ છું. એક જ શહેરમાં હશું તો ક્યારેકને ક્યારેક ક્યાક તો મળી જ જાશું. મારે હવે તેનો ચહેરો પણ નથી જોવો માટે મમ્મી મને મજબૂર નહીં કર થોડા દિવસ નોકરી છોડવા માટે.” શિવમ.
શિવમ મનમાં વિચારી રહ્યો હતો કે નોકરી કરવા પાછળ આ કારણ શું સાચે જ જવાબદાર છે? નોકરી તો હું તે માટે કરું છું કે હું આ મિલકતમાં હક્ક ધરાવતો નથી. શિવમને થયું તે આ વિષે તેના મમ્મીને પૂછે. પછી તરત જ વિચાર આવ્યો કે કદાચ આ વિષે મમ્મીને પણ ખબર નહીં હોય તો? ના મારે અત્યારે આમ અચાનક કોઈપણ સાબિતી કે કોઈ સાચોટ માહિતી વગર મમ્મીને આમ વાત ન કરવી જોઈએ. આમ પણ તે વિધિવાળી વાતથી પરેશાન થઈ ગઈ છે. તેમાં હું તેને આ વાત કહીશ તો ચોક્કસ પપ્પા પાસે આ વાત તો પહોચશે જ. હું નથી ચાહતો કે કોઈપણ માહિતી વગર હું આમ મમ્મી-પપ્પા સાથે આ બાબતે વાત કરું. આથી શિવમે પોતે તેમના મમ્મી-પપ્પાનું સંતાન ન હોવાની વાત કરી જ નહીં.
“શિવમ બેટા શું વિચારે છે?” દિવ્યાબહેન.
શિવમ વિચારોમાથી બહાર આવે છે.
“ અરે મમ્મી હું તે વિષે વિચારું છું કે હવે પપ્પા મારા લગ્નની વાતને લઈને પાછળ પડી ગયા છે. હવે હું આ વાતને કઈ રીતે ટાળું મને તો તે સમજાતું નથી.” શિવમ.
“ હા મને પણ તે જ વિચાર આવે છે. કઈક તો આ સમાજ પૂછી પૂછીને પરેશાન કરી નાખે છે. કેમ તમારો છોકરો આમ નોકરી કરે છે? તમારા છોકરાના લગ્ન ક્યારે કરશો? ઘણા ખરા તો વિધિ વિષે પૂછીને પરેશાન કર્યા કરે છે.” દિવ્યાબહેન.
“ ખબર નહીં આવા લોકોને કોઇની જિંદગીમાં શું ચાલી રહ્યું છે તે જાણવાની આટલી તાલાવેલી કેમ રહેતી હશે?” શિવમ.
“બેટા સમાજ તેનું જ નામ છે. પણ તેથી મને વધારે કઈ ફર્ક નથી પડતો પણ મને વિધિના મમ્મી-પપ્પા વિષે વિચાર આવે છે. જ્યારે તે તમારા લગ્ન વિષે વાત કરવા આવશે ત્યારે તેમને શું જવાબ આપીશું?” દિવ્યાબહેન.
“ તે કઈ પૂછશે જ નહીં. મે વિધિને કહી દીધું છે કે તે તેના મમ્મી-પપ્પાને જણાવી દે કે અમે લગ્ન કરવા માટે તૈયાર નથી.મને તો પપ્પાની ચિંતા છે.” શિવમ.
“ તારા પપ્પાને તો હું મનાવી લઇશ. પણ બેટા વિધિ સાથે તું એક વખત વાત કરી જાણી લે કે તેણે તેના મમ્મી-પપ્પાને જણાવી દીધું છે કે નહીં?” દિવ્યાબહેન.
“સારું મમ્મી.” શિવમ.
*********************
રાત્રે જમ્યા પછી શિવમ તેના મમ્મી-પપ્પા સાથે બેઠો હોય છે. તેના પપ્પા જણાવે છે કે વિધિના પપ્પાનો આજ તેમના પર ફોન આવ્યો હતો. તે શિવમ અને વિધિના લગ્ન વિષે વાત કરવા માટે મળવાનું જણાવતા હતા.આથી શિવમને ખબર પડી કે વિધિએ હજુ તેના ઘરમાં કોઈ વાત કરી નથી. હવે શિવમને અત્યારે તેના પર બે લટકતી તલવાર દેખાઈ રહી હતી.તેને પોતાના પપ્પાને પણ મનાવવાના હતા અને વિધિને પણ સમજાવવાનું હતું કે તે તેના ઘરે બધાને સમજાવી દે.
“શિવમ તું તો કહેતો હતો કે તે અને વિધિ બન્નેએ સાથે મળીને લગ્ન ન કરવા માટે નક્કી કર્યું છે. અહી મને વિધિના પપ્પાનો ફોન આવી ગયો. મને તું તે સમજાવ કે તમે બંને કરવા શું માંગો છો?” ચેતનભાઈ.
“ તે બંને લગ્ન કરવા નથી માંગતા અને હવે કોઈ શિવમ સાથે ફરી તેના અને વિધિના લગ્નની વાત નહીં કરે.” દિવ્યાબહેન.
“ આ બધુ ચાલી શું રહ્યું છે કોઈ મને સમજાવશે? કાલ સુધી તું જ શિવમના લગ્ન માટે ઉતાવળ કરતી હતી અને આજ તું જ આમ વાત કરે છે?” ચેતનભાઈ.
“ શિવમ અને વિધિએ સાથે મળીને આ નિર્ણય લીધો છે અને આ જ શિવમનો આખરી નિર્ણય છે.પહેલા તેમની વચ્ચે જે કોઈ પણ સંબંધ હતો પણ હવે તે માત્ર સારા મિત્ર જ છે. હવે તમે શિવમને થોડો સમય લગ્ન માટે ન કહો તેવું તે ઈચ્છે છે.” દિવ્યાબહેન.
“ આ તે વળી શું રમત ચાલુ કરી છે? આખો સમાજ જાણે છે કે શિવમ અને વિધિ મૂંબઈમાં એકલા સાથે રહેતા હતા.હવે અચાનક લગ્ન ન કરવાનો નિર્ણય મારા તો મગજમાં નથી બેસતો. રોજ મારે ઘણા લોકોને જવાબ આપવાના હોય છે અને કોઈ કોઈ તો એટલા વિચિત્ર પ્રશ્નો કરે છે જેનો જવાબ મારે શું આપવો તે મને નથી સમજાતું.” ચેતનભાઈ પરેશાન થતાં બોલ્યા.
“ આપણે સમાજ વિષે ન વિચારવાનું હોય.આપણે આપણાં બાળકની ખુશી કઈ વાતમાં છે તે વિચારવાનું હોય. સમાજનું શું છે? તે તો બે દિવસ પ્રશ્નો કરશે પછી બધુ ભૂલી જશે.સમાજ માટે થઈ આપણે આપણાં બાળકોના સપનાને આગ ન ચાંપવી જોઈએ બસ હું આટલું સમજુ છું. માન્યું કે તે બંને મૂંબઈમાં એકલા રહેતા હતા પણ તે બંનેના પરિવારની ઇચ્છાથી. તો પછી આમાં કોઈ પ્રશ્ન ઊભો જ નથી થતો. પહેલા બંનેને લાગતું કે તે બંને જીવનસાથી બનવા માંગે છે માટે સાથે રહેતા હતા. અને લગ્ન જેવો મોટો નિર્ણય લેવા માટે થોડો સમય સાથે રહેવું પણ પડે તો મારી નજરમાં આ કોઈ ખોટી વાત નથી.” દિવ્યાબહેન.
“ હું આ વાત માન્ય રાખું પણ વિધિના મમ્મી-પપ્પાને શું જવાબ આપવો?તેના પપ્પાએ આજ આમ અચાનક લગ્નની વાત કરી માટે વિધિએ હજુ ઘરમાં કોઈ વાત જણાવી લાગતી જ નથી!!” ચેતનભાઈ.
“પપ્પા તે મારા પર છોડી દો. તમે હવે આ બાબતે નહીં વિચારો. હવે આ વાતને અહી જ ખતમ કરો. હું જાણું છું મારા લીધે તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે પણ મને થોડો સમય આપો હું બધુ ઠીક કરી દઇશ.” શિવમ.
“ઠીક છે. તું કહે છે તો હું માની લઉં છું. પણ કાલે તારે ભૂલ્યા વગર ઓફિસે આવવાનું છે.મારે તારી સાથે એક અગત્યની વાત કરવાની છે.અને આ વાત સૌથી પહેલા તારી સાથે ચર્ચા કરવા માંગુ છું.” ચેતનભાઈ.
શિવમ વિચારમાં પડી ગયો કે આવી તે કઈ વાત છે જે તે મમ્મીની હાજરીમાં કરવા નથી માંગતા? પણ તે હકારમાં જવાબ આપી પોતાના રૂમમાં જતો રહે છે.
**********************
બીજા દિવસે શિવમ ઓફિસે જવા માટે નીકળે છે..શિવમ રસ્તામાંથી પસાર થતો હોય ત્યાં જ તેને રસ્તાની સામેની બાજુ કોઈ દેખાય છે જે તેની પરેશાની હલ કરી શકે તેમ હોય છે...આગળ..