Parivartanni sharuaat tamarathi j karo books and stories free download online pdf in Gujarati

પરિવર્તનની શરૂઆત તમારાથી જ કરો !

પરિવર્તનની શરૂઆત તમારાથી જ કરો !

શું તમને બદલાવવું ગમે છે ? તમે પરિવર્તન માટે તૈયાર છો ?

જો તમારા ઘરમાં ચારથી પાંચ વર્ષનું બાળક હોય તો તમે જોયું જ હશે કે બાળકને નવી વસ્તુ જોઇને ખુબ આનંદ થાય, એ તરત જ તેને પકડી કુતુહલતાપૂર્વક જોવા લાગે. તેના માટે આ વસ્તુ કૈક નવું મેળવવાની લાગણી અને જીત હોય છે. બાળક જ્યાં સુધી આ વસ્તુને તોડી ફોડી કે મરોડીને જોઈ ન લે ત્યાં સુધી આ વસ્તુ મુકે નહી અને જેવું તેને બીજી નવી વસ્તુ દેખાય એટલે જૂની વસ્તુ મુકીને નવી વસ્તુ પકડી લેશે. બાળકને હમેશા કૈક નવું જોઈએ છે, તેને સતત ચેન્જ જોઈએ છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણને પણ નવું જ ગમે છે ને! આપણે અઠવાડિયે એકવાર અરીસા સામે કલાકો સુધી ઉભા રહીને વિચારીએ જ છીએને કે હું મારા વાળની હેર સ્ટાઇલ બદલવું કે વાળનો કલર બદલાવું ? કારણ કે માણસને પણ સતત નવું જ ગમે છે, તેને પરિવર્તન જોઈએ છે. પણ શું આપણે આ બદલાવ માત્ર બાહ્ય જ લાવીએ છીએ ? શું આપણે ખરેખર બદલાવ લાવીએ છીએ કે માત્ર ભ્રમ હોય છે? શું આપણે જેટલા બાહ્ય બદલાવ માટે મેહનત કરીએ છીએ તેટલી મેહનત આંતરિક બદલાવ માટે પણ કરીએ છીએ? એથી વિશેષ શું આપણે બદલાવ માટે રેડી હોઈએ છીએ? આ સવાલ તમારી જાતને અરીસા સામે ઉભા રહ્યા વગર પુછજો કદાચ જવાબ મળી જાય. મોટાભાગે આપણે બીજાને સવાલ પૂછવા ટેવાયેલા છીએ એટલે પોતાની જાતને સવાલ કરી શકતા નથી. ધારો કે સવાલ પૂછી લીધો તો પણ આપણે જવાબ શોધી શકતા નથી કારણકે આપણે બાહ્ય પરિવર્તન સ્વીકારીએ છીએ જયારે આંતરિક પરિવર્તન લાવી શકતા નથી. દરેક વ્યક્તિના જીવનમાં બદલાવ અનિવાર્ય છે સફળ થવા માટે અને જે બદલાવને અપનાવી શકે છે તે ઝડપથી આગળ વધી શકે છે. કોઈ પણ બદલાવ માત્ર બાહ્ય જ નહી પરંતુ આંતરિક હોય ત્યારે સફળતા લાંબો સમય ટકે છે.

તમે બાહ્ય બદલાવ બ્રાન્ડેડ કપડા ખરીદીને લાવી શકો છો, હેર સ્ટાઇલ બદલીને દેખાવમાં પરિવર્તન લાવી શકો છો, થોડો મેકઅપ કરીને ફેર સ્કીન કરી શકો છો પણ આંતરિક બદલાવ માટે કોઈ ખરીદી કરી શકાય નહી, કોઈ મેકઅપ મળતો નથી પરંતુ તેના માટે તમારા વિચારો અને વર્તનમાં બદલાવ લાવવો પડશે. તમારી વિચારસરણી અને દરેક વસ્તુ કે ઘટનાને જોવાની દ્રષ્ટિમાં પરિવર્તન લાવવું પડે અને આ પરિવર્તન તમારા વિકાસ અને પ્રગતી માટે વધુ મહત્વનું છે. તમારી આવડત અને કુશળતામાં બદલાવ લાવી શકો તો વધુ ફાયદો મેળવી શકો. માત્ર અન્યને દેખાડવા માટે તમે જો બાહ્ય બદલાવ કરશો તો થોડા સમયમાં બિનઉપયોગી થઇ જશે પણ જો તમે તમારી સભાનતાથી તમારી વાતચીતની કળા, તમારા વ્યક્તિત્વમાં હકારાત્મક પરિવર્તન લાવશો અને તમારી આવડતને વધુ ધારદાર કરશો તો આ પરિવર્તન બધાને દેખાશે અને તમારી પ્રગતી કરાવશે.

કોઈ પણ વ્યક્તિ જયારે આતરિક પરિવર્તનને સ્વીકારી શકે છે ત્યારે આ બદલાવ તેમના વ્યક્તિત્વમાં પ્રતિબિંબિત થાય છે. તેની સાથે જોડાયેલા અને કામ કરતા લોકો તેના આ બદલાવને અનુભવી શકે છે. તમે બદલાવ લાવવા તૈયાર છો ? પરિવર્તન સ્વીકારવા માટે મેહનત ઘણી કરવી પડે છે. કમ્ફર્ટ ઝોન અને આળસ છોડી સતત મંડ્યા રહેવું પડે છે, તો શું તમે તૈયાર છો? આ બદલાવ રાતોરાત નથી આવતો પણ તેના માટે પોતાની જાતને સમય આપવો પડે છે. આજના સમયમાં બાહ્ય અને આંતરિક બન્ને બદલાવ મહત્વના છે પરંતુ બાહ્ય બદલાવ તમારા આંતરિક બદલાવ પર આધારિત છે. વ્યક્તિ જયારે વિચારોથી બદલાય છે ત્યારે તેનો આત્મવિશ્વાસ વધે છે, તે કોઈ કામ કરતા થાકતો નથી અને તેને કંટાળો આવતો નથી જેથી તે વધુ મેળવે છે.લોકો તમારો પહેરવેશ કે તમારી સ્ટાઇલ ભૂલી શકે છે પણ તમારી આવડત , કુશળતા કે જ્ઞાન ભૂલતા નથી માટે બાહ્ય કરતા આંતરિક બદલાવની અસર વધુ લાંબો સમય રહે છે. લોકો તમારા બાહ્ય બદલાવની નોધ ઝડપથી કરે છે અને એટલી જ ઝડપથી ભૂલી પણ જાય છે વળી તમને ટકોર પણ કરતા હશે કે તમે તો બદલાઈ ગયા. પણ જો તમે ખુદ તમારામાં આવેલ બદલાવને ઓળખી શકો તો તમને વધુ ઉપયોગી થશે જે આંતરિક બદલાવમાં જ શક્ય છે. માત્ર વધુ પૈસા મેળવવા કે સારી જોબ મેળવવા કે સફળ થવા માટે જ નહી પરંતુ સરસ જિંદગી જીવવા માટે પણ બદલાવ જરૂરી છે. જેમ એક જ સ્થળ પર બંધાયેલું પાણી ગંધાઈ જાય છે તેવી જ રીતે એકની એક રીતે જીવન જીવતો અથવા એકની એક જ રીતે કામ કરતો વ્યક્તિ વહેલો કે મોડો નિરાશાનો શિકાર થઇ જાય છે. તમે જયારે સવારે ઠંડા પવનને અનુભવો ત્યારે થોડી ક્ષણો માટે પણ જે ટાઢક લાગે તેવી રીતે નાનું પરિવર્તન તમને સાતા આપે. તમે જે કામ કરો છો તેને નથી બદલવાનું પણ તેમાં દરરોજ ધીમે ધીમે, નાના નાના સુધારા કરશો તો તમારું કામ અને જીવન બન્ને મહેકતા રહેશે. આપણે થોડીવાર માટે જે સુંગધથી દિવસભર ખુશ રહીએ છીએ તેવી જ રીતે પરિવર્તન આ સુંગંધ જેવું કામ આપે છે.

વ્યક્તિ જયારે પરિવર્તન સ્વીકારે છે ત્યારે તેની આસપાસનું વાતાવરણ અને લોકો આપોઆપ બદલાયેલા લાગે છે અને જો તમે, ખુદ જ નથી બદલાયા તો ગમે તેટલું તમારી આસપાસ બદલાય તો પણ તમને કોઈ અનુભવ થશે નહી. તમે જે તમારી આસપાસ જોવા ઇચ્છતા હો, તેવોબ્દ્લાવ તમારામાં લાવો. આપણે જયારે સમય મુજબ જરૂરી છે તે પરિવર્તન કરતા નથી ત્યારે પછી એવો સમય આવે છે જેમાં ફરજીયાત બદલાયેલું આપણે સ્વીકારવું પડે છે. બધા જ યુવાનો મોટાભાગે એવું વિચારતા હોય છે કે જો મારી પાસે આ આવે તો હું આમ કરીશ અથવા કરી શકીશ. પણ તમે જે ઈચ્છો છો તેની માટેનો ચેન્જ લાવો એટલે બધું આપોપાપ બદલાશે. શરૂઆત તમારે કરવી પડશે. કોઈએ ખુબ સરસ કહ્યું છે કે “be ready to be change”. આપણે જયારે કોઈ બદલાય તેની રાહ જોયા વગર પોતાનામાં બદલાવ લાવીને, આપણી પસંદગીની કરિયર કે દુનિયા બનાવવાની પહેલ કરીએ છીએ ત્યારે જ સાચા અર્થમાં પરિવર્તન માટે તૈયાર છીએ તેવું કહી શકાય. બીજાને બદલવાની સલાહ આપવી નહી કારણકે કોઈ માનશે નહી પણ જો તમે બદલાઈને તેમના માટે ઉદાહરણરૂપ કામ કરશો તો તેઓ તમારી સલાહ લેવા સામેથી આવશે. આપણે અઘરું કામ છેલ્લે કરવાનું પસંદ કરતા હોઈએ છીએ પણ પોતાની જાતને બદલવી અઘરી જ છે માટે તેની શરૂઆત પહેલા કરો. જે કામ કરવું અઘરું લાગે છે તેને આજે જ કરો એટલે તે સરળ લાગશે. જે બીજાનો ગુણ કે આવડત તમને આકર્ષે છે તે તમારા વ્યક્તિત્વનો પણ એક ભાગ બને તે માટે આજે જ નક્કી કરો કે તમે મેળવીને જ રહેશો, એટલે તમે પણ કરી જ શકશો.

“જિસને ચાહા ઉસને પાયા હૈ” તેવું આપણે સાંભળીએ છીએ પણ તેને સાચું કરવા માટે જરૂરી મેહનત કરતા નથી. જે પરિવર્તન તમે બીજામાં જોવા માગો છો તે તમારી પાસે હશે તો લોકો તમારી વાત પર ભરોસો કરશે. માટે વિચારો થોદુને કામ કરો ઝાઝું !

***