Hu raahi tu raah mari - 21 books and stories free download online pdf in Gujarati

હું રાહી તું રાહ મારી.. - 21

શિવમ ઓફિસે પહોચીને પોતાના પપ્પાની ઓફિસમાં ગયો ત્યારે ત્યાં તેના પપ્પા હાજર નહોતા. શિવમને ખબર મળી કે પપ્પા મિટિંગ રૂમમાં છે અને ત્યાં ઓફિસની મિટિંગ ચાલી રહી છે.આથી શિવમે પપ્પાની ત્યાં ઓફિસમાં બેસીને જ રાહ જોવાનું નક્કી કર્યું.તે થોડીવાર ત્યાં બેસી મેગેસીન વાંચી રહ્યો હતો.તેના પપ્પા બિસનેસ પર્સન હતા. આથી તેમની ઓફિસમાં આ પ્રકારની જ મેગેસીન અને બુક્સ રહેતા હતા.શિવમને પણ બિસનેસમાં ખૂબ રસ હતો આથી તેને આ મેગેસીનમાં ખાસ્સો રસ પડ્યો. થોડીવાર પછી ચેતનભાઈ તેની ઓફિસમાં આવ્યા તો તેને જોયું શિવમ ત્યાં હાજર હતો. શિવમને ત્યાં આવેલો જોઈ તેમને ખૂબ ખુશી થઈ.તેને આમ પણ શિવમ સાથે થોડી મહત્વની વાત કરવાની હતી.માટે આ સમય તેમને શિવમ સાથે વાત કરવા માટે યોગ્ય લાગ્યો. ઘરે તેમના પત્ની શિવમનો પક્ષ લે અને જો શિવમ પોતાની વાત કદાચ મનાવી જાય માટે તેમણે આ વાત ઓફિસમાં કરવી યોગ્ય લાગી.શિવમનું ધ્યાન હજુ તેમણે આ જ મહિનાની બહાર પડેલી બિસનેસ મેગેસીનમાં હતું. ચેતનભાઈને ગમ્યું કે શિવમ બિસનેસમાં રસ લે છે. આથી તેમણે થયું કે જે વાત કરવાની છે તે પછી કરશે કારણકે આ વાતથી શિવમનો મૂડ બગડી શકવાની શક્યતા વધારે હતી.તેમણે પહેલા શિવમને ફેક્ટરી એરિયામાં લઈ જઈ બિસનેસ બાબતે થોડી સમજૂતી આપવાનું નક્કી કર્યું. છેવટે આ બિસનેસ પછીથી તેણે અને તેના ભાઈ શિવાંશે સાથે મળીને જ સંભાળવાનો હતો. શિવમ ઉંમરમાં શિવાંશથી થોડો મોટો હોવાના લીધે શિવમ પહેલા બિસનેસ સમજી લે તેવું ચેતનભાઈ ઇછ્ચ્તા હતા.
“શિવમ બેટા આવી ગયો?” ચેતનભાઈ.
“અરે પપ્પા તમારી મિટિંગ પૂરી થઈ ગઈ? હું બસ થોડીવાર પહેલા આવ્યો.મને થયું કે તમે ઓફિસમાં હશો માટે હું સીધો અહી જ આવ્યો પણ પછી ખબર પડી કે તમે મિટિંગમાં છો માટે હું આ મેગેસીન વાંચતો હતો.”શિવમ.
“ગમી તને?” ચેતનભાઈ.
“ હા પપ્પા, ખૂબ જ સારી છે.બિસનેસના ઘણા નવા આઇડિયા તેમાં આપેલા છે. સાથે સાથે ગુજરાત અને ભારતના ઘણા મોટા બિસનેસમેન અને તેમના બિસનેસ વિષેની ઘણી સારી વાતો તેમાં છે.આ ઉપરથી ખ્યાલ આવે કે બિસનેસ અત્યારે કયા લેવલ પર છે.” શિવમે તેના પપ્પાને મેગેસીન વિષે જણાવ્યુ.
“ ગમે તને બેટા બિસનેસ કરવો?” ચેતનભાઈ.
“ હા ખૂબ જ પપ્પા.” શિવમ.
“ ચાલ તો આજે તને આપણી ફેક્ટરીમાં ચાલી રહેલા કામ અને તેના ગ્રોથ વિષે થોડી માહિતી આપું. આપણે ફેક્ટરીમાં ચક્કર લગાવતા આવીએ.” ચેતનભાઈ.
“ ચાલો પપ્પા. મને પણ ખૂબ ઈચ્છા છે.આજ રોયલ ડાયમંડના માલિક સાથે હું તેમની ફેક્ટરીમાં ચાલી રહેલા કામને જોવા જઈશ.મજા આવશે.” શિવમે ઉત્સાહિત થઈને કહ્યું.
શિવમ તેના પપ્પા સાથે ફેક્ટરી વિઝિટ માટે ગયો.ચેતનભાઈએ શિવમને આખી કંપનીમાં બધા ભાગમાં ચાલી રહેલા કામ વિષે સંપૂર્ણ માહિતી આપી. બંને વચ્ચે ખાસ્સી લાંબી બિસનેસને લગતી વાતો ચાલી.ચેતનભાઈએ શિવમ પાસેથી પણ ઘણી બિસનેસને લગતી સારી વાતો જાણવા મળી જે તેમના માટે ખૂબ જ આશ્ચર્યની વાત હતી. શિવમ મૂંબઈમાં રહીને એમ.બી.એ. નું ભણતર પૂરું કર્યું હતું.પણ પછી શિવમે આમ અચાનક નોકરી કરવાનો વિચાર કર્યો તે તેમના માટે આશ્ચર્યની વાત હતી.બંને લોકો ઘણીવાર પછી ફરી ઓફિસમાં આવ્યા.ચેતનભાઈએ બંને માટે ચા મંગાવી.
“બેટા શિવમ, ફેક્ટરી તે જોઈ લીધી.હવે મારે તારી સાથે થોડી જરૂરી તથા અંગત વાત કરવી છે.” ચેતનભાઈ.
શિવમને થયું જ કે પપ્પા કોઈ જરૂરી વાત કરવા જવાના છે. અને તેને થોડો થોડો અંદાજ આવી ગયો હતો કે તે કઈ બાબતે તેની સાથે વાત કરવા માંગતા હતા?શિવમે તેના પપ્પાની વાતમાં ધ્યાન પરોવ્યું.
“બેટા જો હું સીધી વાત કરવામાં માનું છું. મને વાત ફેરવી ફેરવીને કરવી નથી ગમતી.માટે આજ હું જે કહું તેના પર તારે વિચાર પણ કરવાનો છે અને હું ઈચ્છું તેમ જ તું મને તે બાબતે જવાબ આપે તેવી હું આશા રાખું છું.” ચેતનભાઈએ વાતની શરૂઆત કરી.
શિવમને થોડું વિચિત્ર લાગ્યું પણ તેને સાંભળવાનું ચાલુ રાખ્યું.ચેતનભાઈએ તેની વાત ચાલુ રાખી.
“ જો બેટા મે ક્યારેય તને કોઈ વાત માટે દબાણ નથી કર્યું.બાળપણથી લઈને આજ દિવસ સુધી મે તારા દરેક નિર્ણયમાં સાથ આપ્યો છે.વિધિ અને તું મુંબઈમાં સાથે રહીને અભ્યાસ કરશો તે વાત પણ સમાજની દ્રસ્ટીએ ભલે થોડી નવી અને વિચિત્ર હતી તો પણ મે તેમાં તારો સાથ આપ્યો. પણ આજ હું તને જે કહેવા જઈ રહ્યો છું તેના માટે તને થોડો આંચકો લાગે પણ તારે તે વાત પણ આજ નહીં તો કાલ સ્વીકારવાની જ રહી. માટે મને લાગે છે કે હવે તને આ વાત કહી જ દઉં.કદાચ તું પણ આ વાતથી અજાણ તો નથી તો પણ એક વખત તને વાત કરી દેવી સારી.” ચેતનભાઈ.
શિવમને હાથમાં પરસેવો વળી ગયો.તેને મનમાં ધ્રાસકો પડ્યો કે ક્યાક પપ્પા તેને તે વાત તો નથી કરવા જઈ રહ્યા જે તેણે ભૂલથી તેમની પર્સનલ ડાયરીમાં વાંચી લીધી હતી!! ક્યાક વિધિએ તો તેના પપ્પાને આ બાબતે કઈ જાણ તો નથી કરી દિધીને ?? શિવમ હજુ ચૂપ હતો. તેને અત્યારે ચૂપ રહેવું જ યોગ્ય લાગ્યું.
“ શિવમ મે તારા માટે ઘણા સપના જોયા છે.પણ મે તારા નિર્ણયમાં હંમેશા સાથ આપ્યો છે. બદલામાં મને પણ હવે તારી પાસેથી થોડી અપેક્ષા છે.હું હવે તારા ભવિષ્યને લઈને થોડા મહત્વના નિર્ણય લેવા જઈ રહ્યો છું. જેમાં મને તારી મંજૂરી જોઈએ છે.હું ઈચ્છું છું કે તું પહેલા તો તારી નોકરી છોડીને સુરત આવી જા અને ઓફિસમાં કામ કરવાની શરૂઆત કરી દે. મને ખબર છે તું ખૂબ સ્વમાની છે.તું આમ મહેનત વગર માલિક બનવાનું નહીં સ્વીકારે.માટે પહેલા તું અહિયાં ઓફિસમાં રહી તું એક કર્મચારી તરીકે જ કામ કરે અને તને તારા કામ બદલ દર મહિને એક ચોક્કસ પગાર આપવામાં આવશે.” ચેતનભાઈએ પોતાની વાત રજૂ કરી.
શિવમને થોડી હાશ થઈ કે પપ્પાએ પેલી વાત નથી કરી પણ પપ્પા અત્યારે જવાબ માંગી રહ્યા હતા.
“જો પપ્પા અહિયાં પણ મારે નોકરી જ કરવાની છે તો પછી મારી રેલવેમાં આટલી સારી નોકરી છે તેમાં શું તકલીફ છે? જરૂરી છે હું સુરતમાં રહીને જ કામ કરું?”શિવમે પોતાની દલીલ કરી.
“ કર્મચારી બનીને કામ કરવાનું મે તને તે માટે કહ્યું કારણકે તારા સ્વભાવથી હું પરિચિત છું. તું તારા સ્વમાનને ખાતર તરત જ માલિક બનવા નહીં ચાહે. બાકી તું ઈચ્છે તો અત્યારે જ હું તને ઓફિસનો ચીફ ડાયરેક્ટર બનાવી દઉં.બસ તારી એક ‘હા’ ની જરૂર છે.”ચેતનભાઈએ પોતાની વાત રાખી.
“પપ્પા વાત માલીકીની કે નોકરી કરવાની નથી. તમને ખબર છે ને કે મે આ નોકરી કેટલી મહેનત કરીને મેળવી છે અને હું હમણાં આ નોકરી જ કરવા માંગુ છું. મારે થોડો સમય જોઈએ છે.ઓછામાં ઓછા ૨ વર્ષ તો હું આ નોકરી નહીં જ છોડું.”શિવમ.
શિવમના આ જવાબથી ચેતનભાઈને આંચકો લાગ્યો. તેણે આગળ શું બોલવું તેની ખબર ન પડી.
“પણ તે નોકરી શરૂ કરી તેને પણ ઘણો સમય થઈ ગયો છે.હવે મારા ખ્યાલથી તારે નોકરી છોડી દેવી જોઈએ. અને આમ પણ આટલી મોટી ફેક્ટરીના માલિકનો દીકરો આવી સમાન્ય નોકરી કરે તે મારાથી કેમ શહન થાય?”ચેતનભાઈએ પ્રેમથી શિવમ સાથે વાત કરવાની કોશિશ કરી.
“ પણ પપ્પા હું ક્યાં કહું છું કે હું આખી જિંદગી આમ નોકરી કરીશ. હું પણ છેવટે કંપની જ સાંભળીશ ને?” આ વાત બોલતા શિવમની જીભ થોથવાઈ ગઈ. તેને પોતાના જ શબ્દો પર વિશ્વાસ નહોતો આવતો.
“પણ શિવમ મારે આગળ જે વાત કરવાની છે તારી સાથે તેના માટે તારે નોકરી છોડવી ખૂબ જ જરૂરી છે.હું તારા પણ દબાણ નથી કરવા માંગતો પણ તારો જવાબ હકારમાં હોય તેવી જ હું આશા રાખું છું.” ચેતનભાઈએ મક્કમતાથી કહ્યું.
*********************
ચેતનભાઈ શિવમ સાથે એવિ તે કઈ મહત્વની ચર્ચા કરવાના હતા? આગળ શિવમની જિંદગી શું નવો મોડ લેવાની હતી ? જોઈએ...