Jivandata ke mrutyudata books and stories free download online pdf in Gujarati

જીવનદાતા કે મૃત્યુદાતા

ઘણાં વર્ષો પહેલાની વાત છે. હું દમણગંગાના સિંચાઈ વિભાગમાં એક સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો. હું એમ તો અમદાવાદનો વતની હતો. પરંતુ મારી બદલી વલસાડમાં થઇ હતી એટલે વલસાડમાં હું મારા અન્ય સહકર્મચારી મિત્રો સાથે સરકારી ક્વાર્ટર માં રહેતો હતો.

રજાનો દિવસ હતો એટલે બધાં મિત્રોએ ભેગા મળીને તિથલ ફરવા જવાનું નક્કી કર્યું. બધાં ભેગા મળીને તિથલ ગયા, ખુબ મજા કરી, ખાધું પીધું અને બધાં મળીને ક્રિકેટ રમવા લાગ્યા. હું ફિલ્ડિંગ કરી રહ્યો હતો, એવામાંજ મારા મિત્રએ એક જબરદસ્ત શૉટ માર્યો, હું ઝડપથી એ બોલ લેવા દોડ્યો, હું બોલ શોધતો હતો એવામાં જ મેં અને મારા મિત્રએ કોઈક ની બૂમ સાંભળી. કોઈ વારંવાર 'બચાવો બચાવો ' એમ જોરથી બૂમ પાડતું હતું. બૂમ કોઈ સ્ત્રીની હતી. મેં આમતેમ નજર દોડાવી તો જોયું કે હું જ્યાં ઊભો હતો ત્યાંથી થોડે દૂર અંતરે કોઈ સ્ત્રી વારંવાર દરિયા તરફ જોઈને 'બચાવો બચાવો.... અરે કોઈ મારી દીકરી ને બચાવો ' એમ બૂમો પાડીને રડતી હતી . હું ઝડપથી ત્યાં દોડી ગયો ત્યાં જઈને જોયું તો એક છોકરી દરિયામાં ડૂબી રહી હતી.. મેં ઝડપથી દરિયામાં ઝમ્પલાવ્યું અને તે છોકરીને હેમખેમ બહાર લાવ્યો. તે પંદર સોળ વરસની કૂમળી છોકરી બેભાન થઇ ગઈ હતી. ત્યારબાદ હું અને મારા મિત્રો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા . આશરે ચાર - પાંચ કલાક પછી તેને ભાન આવ્યું એટલે બધાને રાહત થઈ. બે દિવસ તેને હોસ્પિટલમાં રાખવામાં આવી અને પછી તેને રજા આપવામાં આવી. ઘરના બધાં લોકોએ મારો આભાર માન્યો અને એ નટખટ છોકરીએ પણ મારો ખૂબ આભાર માન્યો અને કહેવા લાગ્યા, "અમે તમારુ ઋણ કઈ રીતે ચૂકવીશું? "તેમણે તેમના ઘરે આવવાનો ખૂબ આગ્રહ કર્યો. પરંતું મારે ઘરે જવાનું હતું એટલે મેં ક્હ્યું, "બીજી કોઈ વાર આવીશ ". એમ કહીને હું ત્યાંથી અમદાવાદ જવા નીકળી ગયો.

એ વાતને ઘણાં વર્ષો વીતી ગયા હતા. મારા જીવનમાં ઘણું પરિવર્તન આવી ગયું હતું. હવે મારી બદલી અમદાવાદ માં જ થઈ ગઈ હતી. મારા લગ્ન થઈ ગયા હતા. મારો પોતાનો પરિવપરિવાર હતો. એકદિવસ મારે ઑફિસના કામ અર્થે વલસાડ આવવાનું થયું. ઓફિસનું કામ એટલું મોડું પત્યું કે જ્યાં સુધીમાં હું સ્ટેશન પહોચું એટલામાં તો ટ્રેન નીકળી ગઈ હતી. એના પછી બીજી કોઈ ટ્રેન ન હતી. બીજી ટ્રેન બીજા દિવસે સવારની હતી. એટલે હવે શું કરવું? રાતવાસો ક્યાં કરવો ? એમ વિચારતો હું ઊભો હતો. એવામાંજ કોઈકનો અવાજ સંભળાયો. 'અંકલ.... અંકલ ', મેં સામે જોયું તો એક યુવાન છોકરી ઊભી હતી. તેણે ક્હ્યું , 'અંકલ ઓળખાણ પડી? ' મને જરા પણ ઓળખાણ પડી ન હતી. .મારા ચેહરા પરના ભાવ જોઈને તે સમજી ગઈ અને તરત જ બોલી, 'હું શ્રુતિ, જેને તમે દરિયામાંથી ડૂબતી બચાવી હતી. યાદ આવ્યું? "અને તરત જ હું બોલી ઉઠ્યો 'હા.. હા.. હા .. યાદ આવ્યું , કેમ છે બેટા? મેં ક્હ્યું ઘરના અન્ય સદસ્યો ના સમાચાર પૂછ્યા, તે પોતાના કોઈ સબંધી ને સ્ટેશન પર મુકવા આવી હતી. ત્યારપછી તો તેણે હઠ જ પકડી કે બસ તમે મારા ઘરે ચાલો ને ચાલો જ, આગળ પણ તમે આવ્યા ન હતા. આજે તો તમારે આવવું જ પડશે. એમ કહીને તેણે મને પોતાના ઘરે લઈ જવા માટે આખરે મનાવી જ લીધો.

ત્યારબાદ હું એના ઘરે પોહોંચ્યો. ઘરના બધાં મને જોઈને ખૂબ ખુશ થઈ ગયા. મારો ખૂબ જ આદર સત્કાર કર્યો. અને મારા માટે સારી સારી વાનગીઓ બનાવવામાં આવી મેં તેમને ક્હ્યું આટલું બધું ના હોય , ત્યારે તેમણે ક્હ્યું, " આ તો કંઈ જ નથી. તમે જે અમારી દીકરીને નવું જીવન આપ્યું છે તેની આગળ તો આ કંઈ જ નથી. તમે તો અમારા માટે માટે ભગવાન સમા છો. એટલે તમારા માટે તો જેટલું કરીએ એટલું ઓછું '. ઘરની એકની એક લાડકી દીકરી હતી એટલે એનો જીવ બચાવનાર વ્યક્તિ એ તેમના માટે કોઈ ભગવાનથી કમ ન હતી.વાતો વાતો માં રાત વીતી ગઈ. બીજા દિવસે સવારે મારે અમદાવાદ જવા માટે ટ્રેન પકડવાની હતી. શ્રુતિ એ મને સ્ટેશન સુધી મૂકવા માટે આવવાની હઠ પકડી અને મને સ્ટેશન મૂકવા માટે આવી હતી. હું ટ્રેન માં બેઠો અને ટ્રેન ગઈ ત્યારબાદ જ એ ત્યાંથી ગઈ. કોણ જાણે કેમ પરંતું અમારા વચ્ચે એક અજબ પ્રકારનો લાગણીનો સંબંધ બંધાઈ ગયો હતો. એ સંબંધને લઈને હું અમદાવાદ પોંહચી ગયો.

ત્યારબાદ લગભગ બે વર્ષ પછી હું મારી નવી કાર માં વલસાડ ફેમિલી સાથે તિથલ ના પ્રવાસે આવ્યા હતા.. ત્યારે મને થયું કે ચાલો શ્રુતિને જઈને મળું . એટલે મેં તેના ઘર તરફ ગાડી ઘુમાવી, મનમાં અનેક વિચાર રમતા હતા. હવે શ્રુતિ પેહલાથીએ વધુ સુંદર અને યુવાન થઈ ગઈ હશે, કદાચ એના લગ્ન થઈ ગયા હશે !કદાચ તે એના સાસરે હશે તો ? પછી થયું હજી ક્યાં?, હજી તો નાની છે.. એમ વિચારતા વિચરતા તેનું ઘર આવી ગયું. તેના માટે ચોકલેટ નું મોટું પેકેટ લીધું હતું તે લીધું અને ઘરમાં પ્રવેશ્યો ને જોરથી બૂમ પાડી, "શ્રુતિ..... શ્રુતિ અને જેવી બીજી બૂમ પાડું ત્યાં તો મારો અવાજ રૂંધાઇ ગયો, આંખો ફાટી ગઈ. મેં જે જોયું તેને મારી આંખો સ્વીકારવા તૈયાર ન હતી, અને ન તો મારું મન કે મારું હૃદય. પણ એ સત્ય હતું. અને તે સત્ય એ હતું કે મેં જે તસ્વીર દિવાલ પર જોઈ હતી, જેના પર સુખડનો હાર ચઢાવેલો હતો. એ તસ્વીર બીજા કોઈની નહીં પરંતુ શ્રુતિની હતી. હા શ્રુતિની. શ્રુતિના મૃત્યુનો આઘાત તો મારાથી જીરવી શકાય તેમ ન હતો. પરંતું એનાથીયે મોટો આઘાત તો મને ત્યારે લાગ્યો જયારે શ્રુતિના મૃત્યુના કારણની મને ખબર પડી. કારણકે તેને મૃત્યુ સુધી પોંહચાડનાર હું પોતે જ હતો, હા હું પોતે જ. કારણકે જે દિવસે શ્રુતિ મને સ્ટેશને મૂકવા માટે આવી હતી . ત્યારબાદ ઘરે પાછી ફરતી વેળાએ તેનું ટ્રકની અડફેટમાં સ્કૂટર આવી જતાં એક્સિડેન્ટમાં મૃત્યુ થયું હતું......... !