Ravanoham Part 10 books and stories free download online pdf in Gujarati

રાવણોહ્મ - ભાગ ૧૦

ભાગ ૧૦

સોમ સવારે ઉઠ્યો ત્યારે તેનું માથું દુઃખી રહ્યું હતું. તેને પોતાના શરીરમાં કોઈનો ભાસ થઇ રહ્યો હતો,  તેણે આગંતુકની હિંમતને દાદ આપી. સોમે શાંત રહેવાનું નક્કી કર્યું, આગંતુક જે પ્રમાણે વર્તે તે પ્રમાણે વર્તવા દેવાનું નક્કી કર્યું.  તે જોવા માગતો હતો કે તે શું કરે છે?

 

થોડીવાર પછી ત્યાં ડૉ. ઝા અને કુલકર્ણી તેના સેલમાં આવ્યા.

 

ઝાએ પૂછ્યું, “કેમ છો સંગીતસોમજી? રાત કેવી વીતી?”

 

સોમે જવાબ આપવાને બદલે કુલકર્ણીને થપ્પડ ઝીંકી દીધી અને કહ્યું, “તારી હિંમત કેમ થઇ રાવણને અંદર રાખવાની!”

 

કુલકર્ણી ગુસ્સામાં આવી ગયો તેના હાથમાં નાનો ડંડો હતો તે સોમની બાજુ પર ફટકાર્યો અને કહ્યું, “હું સર સર કરું છું અને તું ઓન ડ્યુટી પોલીસ પર હાથ ઉપાડે છે.”

 

તરત સોમે બે હાથ જોડ્યા અને કહ્યું, “સર, આ હું નથી કરી રહ્યો.”

 

પછી અચાનક કુલકર્ણી ઉપર હુમલો કર્યો અને તેના પર લાત અને મુક્કા વરસાવવા લાગ્યો. ડૉ. ઝા હેબતાઈ ગયા અને ભાગીને સેલની બહાર જતા રહ્યા અને ઘણી વાર સુધી કુલકર્ણી માર ખાતો રહ્યો પછી સોમે અચાનક તેને મારવાનું બંધ કર્યું અને જોરજોરથી રડવાનું શરુ કર્યું અને બોલવા લાગ્યો, “પાયલ, મને માફ કરી દે જે હું તારે લાયક નથી. મેં તને છેતરી છે.”

 

પછી અચાનક રડવાનું બંદ કર્યું અને શૂન્યમાં તાકીને કોઈ પાગલ પ્રેમીની જેમ કહેવા લાગ્યો, “ઓ નીલિમા ! તું ક્યાં જતી રહી? હું તને મિસ કરું છું તું જ મારી પ્રાણપ્રિયા છો.”

 

પછી ફરીથી રડવા લાગ્યો. ત્યાં સુધીમાં ડૉ. ઝા ચારપાંચ હવાલદાર સાથે આવી ગયા હતા તેમણે સોમને પકડી લીધો. કુલકર્ણીએ એક હવાલદારનો ડંડો ઉપાડ્યો અને સોમને ફટકારવાનું શરુ કર્યું. સોમ બૂમો પડતો રહ્યો, “મને મારો નહિ, મને માફ કરો.”

 

થોડીવાર પછી એક કોન્સ્ટેબલે કુલકર્ણીને રોક્યો અને કહ્યું, “હવે અને વધારે મારશો નહિ, નહીંતર કોર્ટમાં જવાબ આપવો ભારે પડી જશે.”

 

ઝાએ કહ્યું, “સાચું કહે છે આ અને માનસિક રીતે બીમાર વ્યક્તિને મારવો એક યોગ્ય નથી.”

 

કુલકર્ણીએ કહ્યું, “ઠીક છે, આવતીકાલે જ કોર્ટમાંથી પરમિશન લઈને તમારા સેનેટેરિયમમાં રવાનગી કરું છું આની.”

 

ઝાએ કહ્યું, “ઠીક છે, હું મારુ સ્ટેટમેન્ટ અને સર્ટિફિકેટ તમને લખી આપું છું અને કાલે કોર્ટમાં પણ આવીશ.”

 

   થોડીવાર પછી પાયલ પોલીસ સ્ટેશનમાં આવી પણ સોમે તેને મળવાનો ઇન્કાર કરી દીધો. કુલકર્ણીએ પાયલને સોમના વિચિત્ર વર્તનની વાત કરી અને કહ્યું, “સોમ સરને ટ્રીટમેન્ટની જરૂર છે, તેથી કાલે કોર્ટની પરમિશન લઈને ડૉ. ઝાના પુણે નજીકના સેનેટેરિયમમાં મોકલી દઈશું.”

 

પોલીસ સ્ટેશનની બહાર નીકળતાં જ પાયલે સુશાંતને ફોન કર્યો અને કહ્યું, “તમે કહ્યા પ્રમાણે મેં કરી દીધું છે અને સોમને માનસિક રોગીની હોસ્પિટલમાં કાલે લઇ જવામાં આવશે, પણ મારે પ્રદ્યુમનસિંહજીને મળવું છે.”

 

સુશાંતે કહ્યું, “આજે તો તેમની તબિયત ખરાબ છે, તમે કાલે બપોરે આવજો.”

 

પાયલને આ ઘટનાક્રમ હવે થોડો વિચિત્ર લાગવા લાગ્યો હતો. પ્રદ્યુમનસિંહજી કેમ સોમને બદનામ કરીને લાઇમલાઈટની બહાર કાઢવા માગતા હતા? પહેલાં તેમણે કહ્યું કે એવા આરોપો લગાવડાવો કે જે પછીથી એક સ્ટેટમેન્ટથી દૂર થઇ શકે અને એવી ગાયિકાઓ દ્વારા જેમને બદનામીની ફિકર ન હોય ફક્ત પૈસા જોઈતા હોય. તેણે શુક્લાને આ કામ પર લગાવ્યો, જે તેની ઓફિસમાં હમણાંજ જોઈન થયો હતો પણ તેને ખબર હતી કે શુક્લા લાલચુ છે તેથી તેને કાબુમાં રાખવા પોતે ક્રૂર બિઝનેસ વુમન હોય તેવી એક્ટિંગ પણ કરી. અત્યારસુધી તો તેને પ્રદ્યુમનસિંહજીનો પ્લાન બરાબર લાગતો હતો, પણ હવે તેને શંકા જવા લાગી કે ક્યાંક કંઈક તો ગડબડ છે. કાલે પ્રદ્યુમનસિંહજીને મળીને પૂછીશ કે આવું કરવા પાછળનો ઈરાદો શું છે?

 

બીજે દિવસે કોર્ટમાંથી પરમિશન લઈને સોમને ડૉ. ઝાની ગાડીમાં સોમને રવાના કર્યો. પુના પહોંચ્યા પછી સેનેટેરિયમની સામે ગાડી ઉભી રહી. ગાડીમાંથી ઉતર્યા પછી સોમને ત્યાંનું વાતાવરણ વિચિત્ર લાગ્યું. ત્યાં દરવાજાની અંદર પ્રવેશતા પહેલાં તે મનોમન થોડા મંત્રોનું રટણ કરવા લાગ્યો અને પછી અંદર ગયો. જેવો સોમ અંદર ગયો તેના માથા પર ફટકો પડ્યો અને તે બેહોશ થઇ ગયો.

 

            બપોરે નક્કી કરેલા સમય મુજબ પાયલ પ્રદ્યુમનસિંજીના ફ્લેટ પર પહોંચી, તો તેનો દરવાજો ખુલ્લો પડ્યો હતો. તે અંદર પ્રેવેશી તો એક વીસ વર્ષનો છોકરો પ્રદ્યુમનસિંહજીને જગાડવાની કોશિશ કરી રહ્યો હતો.

 

પાયલે તેને પૂછ્યું, “શું થયું છે આમને?”

 

તે છોકરાએ કહ્યું, “બેહોશ છે, હોશમાં લાવવાની કોશિશ કરી રહ્યો છું. મારુ અપહરણ થયું હતું. હમણાં જ મને છોડ્યો, હું અહીં આવ્યો તો દાદાજી બેહોશ હતા.”

 

પાયલને થોડું અજુગતું લાગ્યું તેણે પૂછ્યું, “તમે કોણ અને તમારું નામ શું?”

 

તે છોકરાએ કહ્યું, “હું પ્રદ્યુમનસિંહજીનો પૌત્ર અને મારુ નામ સુશાંત.”

 

પાયલને ઝટકો લાગ્યો, કારણ અત્યારસુધી જે સુશાંતને તે મળી હતી તે કોઈ બીજો જ હતો. જો આ સુશાંત છે તો જેને અત્યાર સુધી મળી હતી તે કોણ હતો? થોડીવાર પછી પ્રદ્યુમનસિંહ ભાનમાં આવ્યા પછી તેમણે આખી વાત પાયલને કરી થોડા સમય પહેલા અમે બાબાજીના આદેશને લીધે અહીં આવ્યા. તે જ સમયે  સુશાંતનુ અપહરણ થયું અને અપહરણકર્તાઓએ કહ્યું કે જો હું તેમના કહ્યા પ્રમાણે નહિ કરું તો તેઓ સુશાંતને મારી નાખશે તેથી મજબૂરીમાં મારે તને આદેશ આપવો પડ્યો.

 

એક દીકરો હતો તેને પહેલાં જ હોમી ચુક્યો છું, હવે પૌત્રને કેવી રીતે હોમી નાખત! એક વાર આદેશ આપ્યા પછી મેં છુપી રીતે તારો સંપર્ક કરવાની કોશિશ કરી, પણ તે લોકોને ગંધ આવી ગઈ એટલે મારા પર કડક પહેરો બેસાડ્યો અને તેમાંથી એકે સુશાંત બનીને તારી સાથે વાત કરી. હું લાચાર હતો અને તેઓ ખુબ શક્તિશાળી છે અને મારી ધારણા કરતા પણ વધારે.

 

પાયલની સ્થિતિ બહુ વિચિત્ર થઇ ગઈ હતી, તેને શું કરવું તેની ખબર પડતી ન હતી. તેને પ્રદ્યુમનસિંહજી પર ક્રોધ પણ આવી રહ્યો હતો અને દયા પણ. તેને ખબર હતી કે હવે જે કંઈ કરવું હશે તે ઝડપથી કરવું પડશે.

 

            તે ઝડપથી ત્યાંથી નીકળી અને પોલીસ સ્ટેશનમાં ફોન કરીને ડૉ. ઝાના પુણે સ્થિત સેનેટેરિયમનું અડ્રેસ લઇ લીધું. પછી શુક્લાને ફોન કર્યો તો તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. તેણે જોબનપુત્રાને  ફોન કરીને કહ્યું, “કોઈ ને શુક્લાના ઘરે મોકલો, મારે તેની સાથે અર્જન્ટ વાત કરવી છે અને હું થોડીવારમાં ત્યાં આવું છું, તમે મારી સાથે પુના આવી રહ્યા છે.”

 

પાયલે ગાડી જોબનપુત્રાની ઓફિસ તરફ લીધી, તેને ત્યાંથી પીક કરીને ગાડી પુના તરફ લઇ લીધી. રસ્તામાં જોબનપુત્રાએ પૂછ્યું, “શુક્લાનું શું અર્જેન્ટ કામ હતું?”

 

પાયલ તેને સાચો જવાબ ન આપી શકી તે શુક્લાને કહીને આજે જ સોમ પરના આરોપો દૂર કરવાવવા માગતી હતી.

 

તે મનોમન વિચારી રહી હતી કે શું કહેવું પણ પછી નિર્ણય કરીને કહ્યું, “હું પુના જઈ રહી છું અને  ઓફિસનું અર્જન્ટ કામ હતું.”

 

થોડીવાર પછી જોબનપુત્રાનો ફોન રણક્યો. ફોન કરનાર શુક્લાના ઘરે જનાર વ્યક્તિ હતો તેણે કહ્યું સમાચાર આપ્યા કે શુક્લાનું મર્ડર થઇ ગયું છે.

 

જોબનપુત્રાએ આ વાત પાયલને જણાવી  અને પાયલના પગ તળેની જમીન સરકી ગઈ, આ આજના દિવસમાં બીજો ઝટકો હતો. હવે સોમ ઉપરના આરોપો કેવી રીતે દૂર થશે? સિંગરો અને તેના વચ્ચેની કડી તૂટી ગઈ હતી. ચાર કલાકને અંતે તેઓ ડૉ. ઝાના સેનેટેરિયમમાં પહોંચ્યા અને ત્યાં જઈને ડૉ. ઝાની કેબિનમાં ગયા, પણ ડૉ. ઝાએ કોઈ જાતની ઓળખાણ ન દેખાડી.

 

પાયલે કહ્યું, “ડોક્ટર સાહેબ હું સોમને મળવા આવી છું.”

 

ડોક્ટર ઝાએ સામે પૂછ્યું, “કોણ સોમ? અહીં આવો કોઈ પેશન્ટ નથી.”

 

પાયલે કહ્યું, “તમે આ રીતે કઈ રીતે કહી શકો? હજી ગઈ કાલે તમે મારી સામે જ સોમને લઈને નીકળ્યા છો.”

 

ડોક્ટર ઝાએ કહ્યું, “એ કઈ રીતે શક્ય છે. હું પાંચ દિવસથી દિલ્હીમાં હતો. ત્યાં ઇન્ટરનેશનલ લેવલની કોન્ફરન્સ હતી. હજી આજે સવારે જ પહોંચ્યો છું.”

 

ક્રમશ: