INSEARCH OF YARSAGUMBA - 10 books and stories free download online pdf in Gujarati

યાર્સાગુમ્બા ની શોધ - ૧૦

ક્રમશ:

બધાએ ત્યાંજ ટેન્ટ નાખી રાત વિતાવવાનું નક્કી કર્યું. જમીને લોકો તરત જ સુઈ ગયા. પ્રાચીની આંખોમાં ઊંઘ ગાયબ હતી. તેને રહી- રહીને સુઝેનનો માસુમ ચહેરો યાદ આવી જતો હતો. આકાશમાં ઉપર ચંદ્રનો પ્રકાશ પ્રસરી રહ્યો હતો. એક અજીબ ઉદાસી પુરા ટેન્ટમાં છવાઈ હતી. પ્રાચીએ પોતાના મમ્મી-પપ્પાની યાદ આવતી હતી. તેઓ શું કરતા હશે...?...પપ્પાની તબિયત વધુ ખરાબ તો નહિ થઈ હોય ને...?...આવા વિચારો કરતા તેને ક્યારે ઊંઘ આવી ગઈ તેની જાણ ન રહી...!


દિવસ - ૩


સવારે પોતાની દિનચર્યા પતાવી તેઓ બહુજ વહેલા નીકળી ગયા.પ્રાચીએ એક ઉંચી જગ્યાએ સુઝેનની આદત પ્રમાણે પીળું કપડું એક સ્ટીક સાથે બાંધી ને ખોંસી દીધું ,જેને દૂરથી પણ જૉઈ શકાય.પ્રાચી પોતાના ટાર્ગેટ કરતા ૧૦ કિલોમીટર પાછળ હતી. કારણકે તેમણે કાલે રહી ગયેલું ડિસ્ટન્સ કવર કરવાનું હતું. લગભગ ૭ કિલોમીટર ઇસ્ટ તરફ ચાલતા જવાથી તેઓ " યેલ્લો માઉન્ટેન " એટલે કે પીળા ખડક ના પર્વત (૫૯૫૦ મીટર - ૧૯૫૦૦ મીટર ) નજીક પહોંચ્યા. તે જોતા તો એકદમ નોર્મલ જ લાગતો હતો. તો તેનું નામ યેલ્લો માઉન્ટેન કેમ હતું તે અચરજ પમાડે તેવું હતું. વાતાવરણમાં હજુ પણ અંધારું હતું. આગળ એટલું સાફ દેખાતું ન હતું.


થોડીવાર પછી પ્રાચીએ જોયું તો યેલ્લો માઉન્ટનની ટોચ પર સૂરજના કિરણો પડવાથી માત્ર તેટલો ભાગ સોનેરી રંગથી ચમકવા લાગ્યો. માનો જાણે વિશાળ પહાડે સોનાનો મુગટ ધારણ કર્યો હોય. ધીરે-ધીરે જેમ સુર્ય ઉગતો ગયો તેમ તેનો સોનેરી રંગ વધતો ગયો. માત્ર તે પહાડ જ સોનેરી લાગી રહ્યો હતો. બાકીના પહાડ બરફથી ચાદરથી ઢકાયેલાં હોવાથી સફેદ લાગી રહ્યા હતા. એકવાર કોઈ તેને જુએ તો જોતો જ રહી જાય એવો તેનો નજારો હતો. તેની બીજી તરફ બે નાની પહાડીમાંથી એક ઝરણું વહી રહ્યું હતું. જે સૌથી વધુ અચરજ પમાડે તેવું હતું. ઉપરથી પાણીની નાની ધારાઓ એક જગ્યાએ ભેગી થઈને નીચે આવતી હતી, અને તેના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી રહી હતી. ત્યાંનું વાતાવરણ કોઈ જુએ તો પોતાના દરેક દુઃખ અને પરેશાની ભુલી તેમાં જ ખોવાય જાય...!


પણ કુદરત પણ અજીબ હતો. જે જગ્યાએ કોઈ આવવાનું જ ન હતું, ત્યાં આવું સૌંદર્ય મુકવાનો શો અર્થ હતો ?!. માનવ કદાચ આ સૌંદર્યનો પણ પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરી નષ્ટ ન કરી નાખે એટલે જ બધાથી છુપાવીને રાખ્યું હશે...!


હવે સમય બગાડવાનો કોઈ અર્થ ન હતો. તેઓ ફટાફટ પહાડ પર ચઢવા લાગ્યા. પહાડની ટોચે ચઢીને કિનારી તરફ સંભાળીને ચાલતા તેમણે પહાડ ક્રોસ કરવાનો હતો. પહાડ પર બરફ તો ન હતો, પણ ધારદાર અને તીક્ષણ પથ્થરો હતા. જો તે શરીરને અડી પણ જાય તો ઘાવ કરી નાખે. દરેક જણ સંભાળીને ચાલવા લાગ્યા. સુઝેનના જવાથી તેના ભાગનો સામાન પણ હવે તેઓએ ઉંચકવાનો હતો. બિચારો અભીરથ તેને ઊંચકીને ચુપચાપ ચાલી રહ્યો હતો.


-----------------------------

આ તરફ આનંદજીને પ્રાચીની બહુ યાદ આવતી હતી. આથી તેઓ શાલિનીજી પાસે જીદ કરી રહ્યા હતા.


આનંદજી : ૨ દિવસ થઈ ગયા....મારી પ્રિન્સેસ સાથે વાત નથી થઈ...!


શાલિનીજી : એ એક્ષામમાં બીઝી હશે...તેને ડિસ્ટર્બ કરવી ન જોઈએ...!


આનંદજી : હા યે વાત તો સાચી છે


શાલિનીજી : તમાંરી સાથે વાત કરીને પછી રડવા લાગશે અને એક્ષામમાં ધ્યાન પણ નહિ આપી શકે...!


આનંદજી : એની એક્ષામ ક્યારે પુરી થાય છે...?


શાલિનીજી : ૨ દિવસ પછી...અને ત્યારે તે સામેથી ફોન કરશે...જીવ ભરીને બાપ- દીકરી વાતો કરજો...!


આનંદજીએ હા પાડી અને હતાશ થઈ ઉંઘી ગયા.


------------------------------

આ બાજુ પીળા ખડક પર ચાલતા ચાલતા તેઓ થાકી ગયા. અને એક જગ્યાએ આરામ કરવા માટે ઉભા રહ્યા. એક જગ્યાએ પથ્થરોની એક દીવાલ હતી. ભોલા તેને ટેકો આપી જેવો ઉભો રહેવા ગયો ,કે તે દિવાલ ધસી ગઈ. ભોલા પથ્થરો સાથે ૫ ફુટ ઊંડા ખાડામાં નીચે પટકાયો. નીચે રહેલો એક ધારદાર પથ્થર તેના એક તરફના પગમાં ઘુસી ગયો...!. તે દર્દથી ચિલ્લાઈ ઉઠ્યો. તેના પગમાંથી લોહી વહેવા લાગ્યું. બધાએ તેને સાચવીને બહાર કાઢ્યો. અને તેની મલમપટ્ટી કરી. હવે સફર મુશ્કેલ થઈ ગઈ હતી. લગભગ આજનું ડિસ્ટન્સ પણ કવર થાય તેમ ન હતું. તેમણે સાંજ સુધીમાં " લગ વેલી " પહોંચવાનું હતું. જે હવે શક્ય ન હતું. કમસે કમ ૩ થી ૪ કલાક ભોલા પોતાની જગ્યા પરથી હલી શકે તેવી સ્થિતી માં ન હતો.


લગભગ ૨ કલાક પછી તેણે સામેથી પોતે ઠીક છે એવું કહ્યું, અને તેઓ ચાલતા થયા. લુસાને ભોલા પર ગુસ્સો આવી રહ્યો હતો. તેના લીધે તેનો સમય બરબાદ થઈ રહ્યો હતો.


હજુ થોડુંક જ આગળ ચાલ્યા હશે ત્યાં નીચેની તરફ પથ્થરો જોઈને તેઓ ચોંકી ગયા. પથ્થર પર એક વિદેશીની લાશ પડી હતી. તે કોહવાઈ ગઈ હતી. તેને જોતા કમસે કમ ૭-૮ દિવસ પહેલા તેનું મૃત્યુ થયું હોય તેવું લાગી રહ્યું હતું. તેની પાસે પણ યાર્સાગુમ્બાના બીજની એક થેલી હતી...!

બિસ્વાસે તેને ઊંચકી. હજુ તો તે જોવા જાય તે પહેલા પ્રાચીએ તે પોતાના હાથમાં લઈ લીધી અને તેને જોવા લાગી. અંદરના બીજ થોડા સુકાઈ ગયા હતા. પ્રાચી તે બીજ સારા હશે કે કેમ તેના વિશે વિચારવા માંડી. ભોલાનું દર્દ હવે વધી રહ્યું હતું.

અમ્બરિસ : વોહ દૂર ક્યાં હૈ....?


દૂર ૧૮- ૨૦ કિલોમીટર એક હિલ- સ્ટેશન દેખાતું હતું. જેને બહુજ ધ્યાનથી જોઈએ તો જ ખબર પડે તેમ હતું. ભોલાએ બેગમાંથી આધુનિક દૂરબીન કાઢયું અને જોવા લાગ્યો. તેણે ઓળખી લીધું. તે નામચે બજાર હતું, જ્યાંથી તેઓએ પ્રવાસની શરૂઆત કરી હતી, પણ પોલીસવાળાએ રોકી લીધા હતા....!


'લગ વેલી' સુધી પહોંચવા માટે તેમણે શરૂઆત કરી દીધી હતી. ભોલાને પગમાં વાગવાથી ચાલવામાં તકલીફ પડતી હતી. લગભગ ૧ કિલોમીટર એમનાથી માંડ ચલાયું ત્યાં નવી મુસીબત આવી પડી. હવે પછીનો રસ્તો ઉંડા અને દળદાર બરફથી ઢંકાયેલા રસ્તાઓનો હતો. તેમાં મુશ્કેલીથી ચલાતું હતું. વળી તેમની પાસે જે સામાન હતો, તેને પણ ઉંચકવો પડતો હતો. જો નીચે રાખી ઢસડે તો તે બરફમાં ફસાઈ જતો હતો. ૩ કિલોમીટરને બદલે તેમણે એક કિલોમીટરથી જ સંતોષ માનવો પડ્યો. દરેક જણ એક નાની પહાડી પર જઈ બેસી ગયા. અમ્બરિસ દર્દથી ચીખી રહ્યો હતો. તેણે પોતાના બુટ કાઢ્યા, ત્યારે બધાએ જોયું કે તેને પગમાં ઇન્ફેકશન થઈ ગયું હતું. અને આંગળીઓની વચ્ચે ફુગ જામી ગઈ હતી. તેના માટે આગળનો સફર ખુબ મુશ્કેલ હતો. વળી આ ૨ દિવસથી થયું હતું, પણ તેણે ધ્યાન ન આપ્યું હતું, આથી તેને તાવ પણ આવી રહ્યો હતો. પ્રાચી માટે હવે શું કરવું તેની સમજ પડી રહી ન હતી. તેણે ભોલાને કહ્યું.


પ્રાચી : ભોલાભૈયા આપ યહાં સે નામચે બજાર હોતે હુએ વાપસ ચલે જાઓ...!

દરેક જણ હવે ભોલાના જવાબની પ્રતીક્ષા કરવા લાગ્યા.


ભોલા : નહિ મેં ઠીક હું....!


પ્રાચીએ તેને સુકાયેલા યાર્સાગુમ્બાના બીજ બતાવતા કહ્યું....


પ્રાચી : આપ ઇસે આશ્રમ લે જાઓ...હો સકતા હૈ ઇસસે કામ બન જાયે...ઔર પાપાકી જાન બચ જાયે....!


આટલું બોલતા તો તેના ગળે ડુમો બાજી ગયો. અને તેની આંખમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. બિસ્વાસ પહેલી વખત પ્રાચીને આ રીતે રડતો જોઈ રહ્યો. પ્રાચીએ જયારે બિસ્વાસ સામે જોયું ત્યારે તેની આંખોમાં પણ આવાજ ભાવ હતા.


ભોલા : મેં તો ઠીક હું...પર હમ અમ્બરિસ કો ભેજ દેતે હૈ....વૈસે ભી વોહ બીમાર હો ગયા હૈ...!


બધાને તેની વાત વ્યાજબી લાગી. અમ્બરિસ પણ પાછા જવા માટે તૈયાર થઈ ગયો. સાંજ બધાએ અહીજ ગાળવાની નક્કી કરી. ભોલાનું પાછા ન જવાનું એક કારણ હતું. એક તો સુઝેનની મોત પછી તેને લુસા પર શક જઈ રહ્યો હતો. અને બીજું પ્રોફેસર જગના સ્વભાવમાં એકદમ પરિવર્તન આવી ગયું હતું. તેઓ સિરિયસ રહેવાને બદલે ખુશ થઈ રહ્યા હતા, ગીતો ગાઈ રહ્યા હતા. ભોલાએ તેમને આનું કારણ પણ પૂછ્યું હતું.

ભોલા : પ્રોફેસર...ગ્રુપ મેં એક મોત હો ગઈ હૈ...ઔર આપ ખુશ હો રહે હો...!


પ્રોફેસર જગ : હમારે મ્યાનમાર મેં એક માન્યતા હૈ...કે જબ ભી કિસીકી મોત હો જાયે તો દુઃખી હોને કે બદલે ખુશ રહો. ..તાકે મરને વાલે કી આત્મા કો શાંતી મીલે...!


તે લોકોના ભરોસે પ્રાચીને છોડવાનું તેને મુનાસીબ લાગતું ન હતું. સાંજે દરેક જણે પોતાનું ડિનર પતાવ્યું. હવે તો ખાવામાં પણ મજા રહી ન હતી. એકતો મુશ્કેલીઓ અને ઉપરથી ખાવાની વસ્તીઓમાં પણ ભેજ (હવાઈ જવું ) લાગી ગયો હતો. પોતાનું ડિનર પતાવી અમ્બરિસ જવા માટે તૈયાર થઈ ગયો. તેણે પ્રાચીને તે બીજ આશ્રમ જઈ મંગલેશ્વરજી ને આપવાનું વચન આપ્યું.


બિસ્વાસ : અમ્બરિસ ચલો મેં તુમ્હે આગે તક સ્કી કરકે છોડ કે આતા હું....!


( બિસ્વાસ આઈસ પર બહુ સારી રીતે સ્કી(બરફની સપાટ પર સ્કીસુજ થી લસરીને જવું) કરી શકતો હતો.)

ભોલા ને બિસ્વાસ પર ભરોસો ન હતો, પણ પ્રાચીએ આંખોથી સંમતિ આપી દીધી. આથી તે અમ્બરિસને લઈ સ્કીસુજ પર બેસાડી ચાલી નીકળ્યો.


લુસા માટે હવે મુસીબત થઈ ગઈ હતી. તે અમ્બરિસને જવા દેવા ઈચ્છતો ન હતો. કારણ કે જો નામચે બજાર પર તે પોલીસના હાથે પકડાય જાય અને કબુલાત કરી લો તો પોલીસની એક ટીમ આવી બધાને પકડી જાય. પછીતો તેમના હાથમાંથી બીજ પણ જતા રહે અને કદાચ જેલ પણ થાય....!


(વધુ આવતા અંક - યાર્સાગુમ્બા ની શોધ - ૧૧ માં)


ક્રમશ: